Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી

વાર્તા - ૯

વાર્તા - ૯

0:000:00

ત્રણ મુસાફરો, એક મુસ્લિમ, એક ક્રિશ્ચિયન અને એક યહુદીની વાર્તા કે જેઓએ મુસાફરખાનામાંથી કેટલોક ખોરાક (ભેટ તરીકે) મેળવ્યો. કિશ્ચિયન અને યહુદીએ પોતાનું ખાણું ખાઈ લીધુ હતું. તેથી તેઓએ કહ્યું “ચાલો આ ખોરાક આપણે કાલે ખાઈએ. મુસ્લિમે રોજો રાખ્યો હતો અને તે ભૂખ્યો રહ્યો. કારણ કે તે તેના સાથીઓથી દબાયો હતો.

૨૩૭૬ ઓ પુત્ર, અહીં એક વાર્તા સાંભળ, એટલા માટે કે સુઝ (ઉપર આધાર રાખવામાં) સહન કરવું ન પડે.

૨૩૭૭ એવું બન્યું કે એક યહુદી અને એક મુસ્લિમ અને એક કિશ્ચીયન ભેગા મુસાફરીમાં ગયા.

૨૩૭૮ એક સાચા ઈમાનદારે બે દુર્જનો સાથે મુસાફરી કરી. જાણે કે વિવેકબુદ્ધિ દુષ્ટ મન અને શેતાન સાથે એક થઈ.

૨૩૭૯ મુસાફરીમાં મર્વનો માણસ અને રયનો માણસ રસ્તા અને મેજ ઉપર એક બીજા સાથે સાથીદારો તરીકે મળ્યા.

૨૩૯૫ જ્યારે આ ત્રણ સાથી મુસાફરો અમુક મુસાફરખાનાએ આવી પહોંચ્યા, એક પૈસાદાર માણસ તેમના માટે બક્ષિસ તરીકે (થોડોક) હલવો લાવ્યો.

૨૩૯૬ એક શુભેચ્છક ત્રણ અજાણ્યાઓ પાસે “અરે, હું નજીક છું"ના રસોડામાંથી હલવો લાવ્યો.

૨૩૯૭ એક કે જેણે (દૈવી) બક્ષિસ મેળવવાની ધારણા રાખી હતી. તેમના માટે ગરમ રોટલો અને મધથી બનાવેલ હલવાની થાળી લાવ્યો.

૨૩૯૮ સમજણ અને સંસ્કૃતિ શહેરના માણસોની લાક્ષણિકતા હોય છે, તંબુના રહેનારાઓની લાક્ષણિકતા પરોણાગત અને મનોરંજન છે,

૨૩૯૯ દયાળુ (ખુદાએ) ગામડાઓમાં (મહેમાનો) અને અજાણ્યાના મનોરંજન માટે પરોણાગત વાળી છે.

૨૪૦૦ દરરોજ ગામડામાં એક નેવો પરોણો હોય છે કે જેને ખુદા સિવાય કોઈ મદદ કરનાર નથી હોતો.

૨૪૦૧ ગામડાઓમાં દરેક રાત્રીના નવા આવનારાઓ આવે છે કે જેનો ખુદા સિવાય કોઈ આસરો નથી હોતો.

૨૪૦૨ બે દોસ્તો (યહુદી અને કિશ્ચીયન) ખોરાકથી ધરાએલા હતા અને અજીર્ણથી પીડાતા હતા, મુસ્લિમને જેમ બન્યું તેમ આખો દિવસ રોજો હતો.

૨૪૦૩ સાંજની બંદગીના સમયે, જ્યારે હલવો આવ્યો, સાચો ઈમાનદાર ખૂબ જ ભૂખથી પીડાતો હતો.

૨૪૦૪ (બીજા) બે એ કહ્યું “અમોએ અમારૂં ખાણું ખાઈ લીધું છે, ચાલો તેને રાત્રીના એક બાજુએ રાખી દઈએ અને આવતી કાલે ખાઈએ.

૨૪૦૫ આજે રાત્રીના ચાલો આપણે આત્મસંયમ કેળવીએ અને ખોરાકથી દુર રહીએ, ચાલો ખોરાકને આવતી કાલ માટે અનામત રાખીએ.

૨૪૦૬ ઈમાનદારે કહ્યું  “આ (મિઠાઈ) આજ રાત્રીના જ ખાઈ જઈએ. આત્મસંયમ આવતી કાલ માટે રાખી દઈએ.

૨૪૦૭ પછી તેઓએ તેને કહ્યું “આ ડહાપણમાં તમારો ઈરાદો એ છે કે તું પોતે જ બધું સ્વાહા કરી જાય.

૨૪૦૮ તેણે કહ્યું “ઓ મારા દોસ્તો, આપણે ત્રણ જણ નથી ? પણ જ્યારે કે ઐકયતા સધાઈ નથી, ચાલો આપણે ભાગ પાડીએ.

૨૪૦૯ જેને પોતાનો ભાગ ખાવાનો આનંદ કરવો છે કરવા દો, જેને સંતાડી રાખવો છે તે ભલે સંતાડી રાખે.

૨૪૧૦ પેલા (બીજા) બે એ કહ્યું, “ભાગલા કરવાનો વિચાર ત્યાગી દો, આ નબી સાહેબની હદીસના શબ્દો ઉપર કાન દો, “ભાગ કરનાર દોજખની અગ્નિમાં છે.”

૨૪૧૧ તેણે જવાબ આપ્યો (સંબોધાએલો) ભાગીદાર તે કે જેણે ખુદા અને વિષયવાસનાની વચ્ચે પોતાને વહેંચેલ છે.

૨૪૧૨ તું ખુદાની માલ-મિલકત છો અને સંપૂર્ણપણે તેનો જ ભાગ છો, (જો) તું ખુદાનો ભાગ બીજાને આપે છે તો તું દ્વૈતભાવી છે.

૨૪૧૩ આ સિંહે કુતરાઓ ઉપર સરસાઈ મેળવી હોત તો પેલા હલકી પ્રકૃતિઓવાળાનો વારો તેના ઉપર સરસાઈ કરવાનો ન હોત.

૨૪૧૪ તેઓનો ઈરાદો હતો કે તે મુસ્લિમ દુઃખ ભોગવે અને રાત્રી ખોરાકની જરૂરીયાતમાં પસાર કરે.

૨૪૧૫ તેને હંફાવાયો હતો. તેણે રાજીખુશીથી સંમત થઈને કહ્યું, “મારા દોસ્તો, હું સાંભળું છું અને કબુલ કરૂં છું.

૨૪૧૬ તેથી તેઓ પેલી આખી રાત્રી સુતા, અને સવારમાં ઉઠયા, પોતપોતાના કપડાં પહેર્યાં.

૨૪૧૭ અને પોતાના ચહેરા અને મોઢાં ધોયા અને પોતાની બંદગીમાં દરેકની જુદી જુદી રીત હતી.

૨૪૧૮ થોડા સમય માટે દરેકે પોતાના ચહેરા બંદગીમાં ફેરવ્યા અને ખુદા પાસેથી રહેમત શોધી.

૨૪૧૯ મુસ્લિમ, કિશ્ચીયન, યહુદી અને ગબ્ર અને માગીઅન, તેઓ તમામના ચહેરાઓ પેલા શક્તિશાળી શહેનશાહ તરફ (ફર્યા). 

૨૪૨૦ નહિ, પત્થર અને માટી અને પર્વત અને પાણીને પોતાનું અદ્રષ્ય અવલંબન ખુદા તરફનું છે.

૨૪૨૧ આ મુદ્દો અપાર છે, તે વેળાએ ત્રણેય સાથીદારોએ પોતાના ચહેરા એક સાથે મેળવ્યા.

૨૪૨૨ અને (તેમનામાંના) એક કહ્યું “ચાલો આપણામાંનો દરેક જે ગઈ રાત્રીએ સ્વપ્નામાં જોયું તે જાહેર કરે.

૨૪૨૩ જેને સૌથી સારૂં સ્વપ્નું આવ્યું તે આ (મિઠાઈ) ખાય, જેને સૌથી સારૂં સ્વપ્ન આવ્યું તે દરેકનો હિસ્સો ભલે ઉઠાવી જાય.

૨૪૨૪ વિવેકબુદ્ધિ (ના કાંટામાં) જે સૌથી ઉંચે ચડે, તેનું ખાવું બીજા હલકાઓના ખાવા તુલ્ય છે.

૨૪૨૫ તેનો ચળકતો આત્મા સૌથી ઉત્તમ છે, બાકીના બીજા તેના આનંદમાં સાથ પુરાવે.

૨૪૨૬ જ્યારે કે પેલાઓએ (સંપૂર્ણ) સમજશક્તિથી આવડત પ્રાપ્ત કરી છે, ત્યારે ભલે કાયમ માટે હૈયાત રહે, વાસ્તવિક રીતે આ દુનિયા ભલે કાયમ રહે (કારણ કે સંપૂર્ણ ઈન્સાન) (જીવન અને દુનિયાનો આત્મા છે.)

૨૪૨૭ પછી યહુદીએ પોતાનું સ્વપ્નું કહી સંભળાવ્યું (અને) પોતાનો જીવ રાત્રી દરમ્યાન ક્યાં ભટક્યો તે તેમને (કહ્યું).

૨૪૨૮ તેણે કહ્યું “હ. મુસા (અ.સ.) મને રસ્તા ઉપર મળ્યા (જાણીતી કહેવત પ્રમાણે) બિલાડી પોતાના સ્વપ્નામાં ઘેટાની પુંછડીની ચરબી જુએ છે.”

૨૪૨૯ હું સિનાઈ પર્વત ઉપર હ. મુસા (અ.સ.)ની પાછળ દોરવાયો, “નૂર”માં અમારામાંના ત્રણેય અદ્રષ્ય થયા.

૨૪૩૦ (અમારા) બધા ત્રણેઈ પડછાયાઓ સુર્યમાં અદ્રષ્ય થયા. ત્યારબાદ ‘નુર’માંથી દરવાજો ઉઘાડવામાં આવ્યો (વહી આવી).

૨૪૩૧ પેલા 'નૂર'ના મધ્ય ભાગમાંથી એક બીજો પ્રકાશ નીકળી પડયો અને પછી બીજા પ્રકાશે જલ્દીથી ઉપર ચડવાનું શોધ્યું.

૨૪૩૨ હું અને હ. મુસા બન્ને અને સિનાઈ પર્વત પણ (બીજા) નુરના પેલા પ્રભાતમાં અદ્રષ્ય થયા.

૨૪૩૩ ત્યારબાદ મેં સિનાઈ પર્વતને ત્રણ કટકાઓમા ભાંગતો જોયો, જ્યારે કે “ખુદાનું નૂર” તેના ઉપર રોશન થયું.

૨૪૩૪ જ્યારે બાદશાહના ગુણધર્મો તેને ખુલ્લા કરાયા ત્યારે તે દરેક દિશાએ તુટી પડયો. 

૨૪૩૫ પર્વતનો એક ટુકડો દરિયામાં પડયો અને ઝેર જેવું કડવું પાણી મીઠું બન્યું.

૨૪૩૬ તેનો એક ટુકડો જમીનમાં ડુબી ગયો અને દવાવાળો ઝરો વહેતા પાણીનો શરૂ થયો.

२४३७ કે જેથી તેનું પાણી આશીર્વાદીત ભલી વહીના પ્રતાપે બધા બિમાર માટે આરામનું સાધન બન્યું.

૨૪૩૮ બીજો (ત્રીજો) કટકો કાબાની પાડોશ તરફ તુર્તજ ઉડ્યો જ્યાં આરફાત છે.

૨૪૩૯ જ્યારે હું પેલી મુર્છામાંથી ભાનમાં આવ્યો ત્યારે સિનાઈ પહેલાં કરતાં નાનામોટા થયા સિવાય તેની જગ્યાએજ હતો.

૨૪૪૦ પણ હ. મુસા (અ.સ.)ના પગલા નીચે (આંતરિક રીતે) બરફની માફક ઓગળતો હતો. ડુંગરમાળા, અથવા શિખર કાંઈ તેનું રહ્યું નહિ.

૨૪૪૧ પર્વત ધરતીકંપથી જમીનદોસ્ત થયો હતો, તે પેલા ભયંકર શહેનશાહથી ઉપર નીચે ફેરવાયો હતો.

૨૪૪૨ (મારી સમજણોના) વેરાઈ જવા બાદ હું ફરીવાર ભાનમાં આવ્યો અને સિનાઈ પર્વત અને હ. મુસા (અ.સ.)ને વગર બદલાએલા જોયા.

૨૪૪૩ અને પેલું પર્વતવાળું મેદાન એક છેડેથી બીજા છેડા સુધી હ. મુસા (અ.સ.)ને મળતા આવે તેવા (ચળકતા ચહેરાથી) ભરાઈ ગયું હતું.

૨૪૪૪ તેઓની (લાકડીઓ અને) ઝબ્બાઓ તેની લાકડી અને ઝબ્બાઓ જેવા હતા. (તેમનામાંના) બધા સિનાઈ પર્વત તરફ આનંદપુર્વક જતા હતા.

૨૪૪૫ બધાઓએ પોતાના હાથો બંદગી કરવા ઉંચા કર્યા અને "મને તને જોવા દે"ના રાગમાં બધા ગાતા હતા.

૨૪૪૬ ફરીવાર રસ્તો મારાથી જુદો પડયો, દરેકનું રૂપ મને જુદું જુદું બનતું દેખાયું.

૨૪૪૭ (ખુદાના) પ્રેમથી વિભુશીત થએલા તેઓ પયગમ્બરો હતા, (આમ) નબીઓની (રૂહાનીયત) ઐક્યતા મને (ચોક્કખી રીતે) નજરે પડતી હતી.

૨૪૪૮ ફરીવાર, મેં કેટલાક શક્તિશાળી ફિરસ્તાઓ જોયા તેઓનું જાહેરી રૂપ બરફની કાયાઓથી ભરપુર હતું.

૨૪૪૯ અને (મેં) બીજું ફિરશ્તાઓનું ‘કુંડાળું' (ખુદાની) મદદ માગતું જોયું. તેઓનું બહારનું રૂપ સંપૂર્ણપણે અગ્નિ હતું.

૨૪૫૦ આ જ પ્રમાણે યહુદીએ (પોતાનું) સ્વપ્ન કહ્યું, કેટલાક યહુદી છે કે જેનો અંત વખાણવા લાયક છે.

૨૪૫૧ કોઈપણ નાસ્તિક તરફ ધિક્કારથી જોતા નહિ, કારણ કે એક સાચા ઈમાનદાર તરીકે તેના મરણની ઉમેદ કદાચ હોય.

૨૪૫૨ તેના જીવનના અંતનું તમને ક્યું જ્ઞાન છે કે તમો તમારો ચહેરો કાયમ માટે તેનાથી ફેરવો.

૨૪૫૩ ત્યારબાદ કિશ્ચીયને બોલવું શરૂ કર્યું, કહે મારા સ્વપ્નામાં હ. ઈસા દેખાણા.

૨૪૫૪ હું તેમની સાથે ચોથા આસમાને ગયો (કે જે) આ દુનિયાના સુર્યનું રહેઠાણ છે.

૨૪૫૫ ખરેખર, સ્વર્ગના કિલ્લાઓની અદભૂતતા આ નીચી દુનિયાની અજાયબીઓ સાથે સરખામણી કરી શકાય તેવી ન હતી.

૨૪૫૬ ઓ (આદમના) પુત્રોની મગરૂરી, દરેક જણ જાણે છે કે અવકાશી ગોળાની કળા પેલી (દુનિયાની) કળા કરતા ખૂબ જ ઉત્તમ છે.

ઉંટ અને બળદ અને ઘેટાની વાર્તા કે તેઓને રસ્તા ઉપર એક ઘાસનો ભારો માલમ પડયો અને દરેકે કહ્યું “હું તેને ખાઈશ.”

૨૪૫૭ જ્યારે કે એક ઉંટ, બળદ અને ઘેટું ચાલ્યા જતા હતા, રસ્તા ઉપર તેમની આગળ એક ઘાસનો ભારો નજરે પડ્યો.

૨૪૫૮ ઘેટાએ કહ્યું “જો આનો આપણે ભાગ પાડશું, ચોક્કસ આપણામાનો કોઈ તેનાથી પેટ ભરી શકશે નહિ.

૨૪૫૯ પણ આપણામાનો જે કોઈપણ વધુ લાંબુ જીવ્યો હોય, આ ઘાસ ખાવાનો તેને સૌથી સારો હક છે, તેને ખાવા દો.

૨૪૬૦ હ. મુસ્તફા (ર.સ.અ.) તરફથી આવેલ સુચન મુજબ આચરણમાં મુકાયેલા કાયદા અનુસાર આગેવાનોને આગળની જગ્યા આપવી જોઈએ.

૨૪૬૧ જો કે આ ઝમાનામાં જ્યારે દુષ્ટ માણસોની પકડ છે, દુષ્ટ (માત્ર) બે પ્રસંગોએ આગેવાનોને આગળ કરે છે.

૨૪૬૨ કાં તો ખોરાક કે જે ગરમ ઉકળતો હોય તેની ચકાસણીના પ્રસંગે અથવા એક પુલ કે જે ચિરાડોવાળો છે અને વિનાશની હાલતમાં છે.

૨૪૬૩ હલકટ, પૂજ્ય શેખ અને આગેવાન તરફ માન બતાવતો નથી, (તેમને) માન આપવા સાથે સંકળાએલા ગુન્હાહિત વિચારો હોય.

૨૪૬૪ આ તેઓની ભલાઈ છે, તેઓની બુરાઈ કેવી હશે ? તેઓના (બહારની) ભલાઈમાંથી તેઓની (આંતરિક) દુષ્ટતા ઓળખતો રહેજે.

                               બોધવાર્તા

૨૪૬૫ એક બાદશાહ સામુદાયીક પ્રાર્થના માટે મસ્જિદમાં જતો હતો. ત્યારે સરદારો અને છડી ઉંચકનારાઓ લોકોને મારી હટાવતા હતા.

૨૪૬૬ લાકડીનો અધિકારી એકનું માથું ભાંગતો અને બીજાનું પહેરણ કટકાઓમાં ચીરતો.

૨૪૬૭ એક ગરીબ કંગાળ કાંઈપણ ગુન્હો કર્યા વગર ટોળાં વચ્ચે લાકડીના દસ ફટકાઓ ખાધા. તે બુમ પાડી ઉઠ્યો, “ચાલ્યો જા, રસ્તા વચ્ચેથી હટી જા.”

૨૪૬૮ લોહી ટપકતો, તેણે પોતાનો ચહેરો બાદશાહ તરફ ફેરવ્યો અને કહ્યું, ખુલ્લો અન્યાય નિહાળ, જે ગુપ્ત છે તેનું કારણ શા માટે પૂછે છે ?

૨૪૬૯ આ તારી ભલાઈ છે (જ્યારે) તું મસ્જિદમાં જઈ રહ્યો છે, ઓ ઉંધે રસ્તે દોરવાએલા, દુષ્ટતા અને પાપનો ભાર કેવો બનશે ?

૨૪૭૦ પીર એક હલકટની સલામ કદીપણ સાંભળતા નથી, અંતે તેનાથી ખૂબ દુઃખ સહન કરે છે.

૨૪૭૧ સંતને દુષ્ટ દૈહિક આત્મા દ્વારા પકડવામાં આવે તેના કરતાં વધુ સારું છે, (કે) કોઈ વરુ તે સંતને પકડી લે, 

૨૪૭૨ કારણ કે ભલે વરૂ મોટી ઈજા પહોંચાડે, છતાં તેને તે જ જ્ઞાન અને કળા અને લુચ્ચાઈ નહિ હોય.

૨૪૭૩ નહિતર, તે છટકામાં કેમ પડે ? લુચ્ચાઈ (માણસમાં) સંપુર્ણપણે આવે છે.

૨૪૭૪ ઘેટાએ બળદ અને ઉંટને કહ્યું, “ઓ દોસ્તો જ્યારે કે આવી (કિસ્મતી) તક આપણને મળી છે.

૨૪૭૫ ચાલો (આપણામાંનો) દરેક પોતાની જીંદગીનો (પ્રાચીન) દિવસ જાહેર કરે. સૌથી જૂનાને ઉત્તમ તક છે, બીજા ચુપકીદીમાં ભલે સહન કરે.

૨૪૭૬ ઘેટાએ કહ્યું, “પેલા ઝમાનાઓમાં મારૂં ચરાણ હ. ઈસમાઈલ (અ.સ) માટેના કુરબાનીના ઘેટા સાથે સહભાગી હતું.”

૨૪૭૭ બળદે કહ્યું “હું ઉમ્મરમાં ખૂબ જ આગળ વધેલ છું (હું) હ. આદમ (અ.સ.) પાસેના બળદની જોડીમાંનો એક છું.

૨૪૭૮ માણસ જાતનો સૌથી આગળનો બાપ હ. આદમ (અ.સ.) જમીનમાં વાવવા જે હળ વાપરતા તે ચલાવતા બળદની જોડીમાંનો હું એક છું.”

૨૪૭૯ જ્યારે ઊંટે બળદ અને ઘેટાંને સાંભળ્યાં, તે અજાયબ થયો. તેણે પોતાનું માથું નીચું કર્યું અને (ઘાસની ભારી) ઉઠાવી લીધી.

૨૪૮૦ તાબડતોબ, કાંઇ પણ મિથ્યા ચર્ચા કર્યા વગર બેકટ્રીયન ઉંટે તાજા જવનો ભારો હવામાં ઉછાળ્યો.

૨૪૮૧ કહે, વાસ્તવમાં મને કાલક્રમ (માંના ટેકાની) જરૂર નથી, જ્યારે કે મને આવું એક મજબુત શરીર અને ઉંચી ડોક છે.

૨૪૮૨ ઓ બાપના વહાલા, ખરેખર દરેક જણ જાણે છે કે હું તમારાથી વધુ નાનો નથી.

૨૪૮૩ પેલાઓમાનો હરકોઈ જે સમજણ ધરાવે છે તે આ જાણે છે, કે મારી પ્રકૃતિ તમારા કરતા વધુ ઉંચી છે.

૨૪૮૪ (કિશ્ચીયને કહ્યું) “બધા જાણે છે કે આ ઉંચું અવકાશ આ નીચી દુનિયા કરતાં એક સો ગણું વધું મોટું છે.

૨૪૮૫ અવકાશી પ્રદેશોના પહેાળા વિસ્તારોને પાર્થીવ પ્રદેશોના (માપસરની) પ્રકૃતિ સાથે, સરખામણી કેમ બને ?

મુસ્લિમનું પોતાના સાથીઓ યહુદી અને કિશ્ચીયનને જવાબમાં કહેવું તેણે સ્વપ્નમાં શું જોયું અને તેઓ કેવા નિરાશ બન્યા તે વિષે.

૨૪૮૬ પછી મુસ્લિમે કહ્યું “ઓ મારા દોસ્તો, મારા બાદશાહ હ. મુહમ્મદ મારી પાસે આવ્યા.

૨૪૮૭ અને મને કહ્યું “પેલો એક (યહુદી) (હ. મુસા) કે જેની સાથે ખુદા બોલ્યો, તેમની સાથે સિનાઈ પહાડ ઉપર ગયો છે અને (ખુદા સાથે) પ્રેમની રમત રમ્યો છે.

૨૪૮૮ અને બીજા (કિશ્ચીયનને) હ. ઈસા (અ.સ.) સુખી ગ્રહના માલિક, ચોથા આસમાને ઉપાડી ગયા છે.

૨૪૮૯ ઉભો થા, ઓ તું કે જેને પાછળ મુકી દીધો છે અને તકલીફ સહન કરી છે, હલવો અને મિઠાઈ જલદી ખાઈ જા.

૨૪૯૦ પેલા (બે) ચતુર અને પ્રવીણ માણસો આગળ વધ્યા છે અને દોલત અને માનની કિતાબ વાંચી છે.

૨૪૯૧ પેલા બે ખ્યાતનામ માણસોએ પોતાનું (યોગ્ય) ગૌરવ મેળવ્યું છે, અને તેઓની ચતુરાઈ અંગે ફિરસ્તાઓ સાથે હળીમળી ગયા છે.

૨૪૯૨ સાંભળ, ઓ મુર્ખ સાદા આદમી, કે જેને પાછળ છોડી દેવામાં આવેલ છે, કુદકો માર અને હલવાના પ્યાલા પાસે પોતાને બેસાડી દે !

૨૪૯૩ આથી તેઓએ તેને કહ્યું, “પછી, ઓ કંજુસ આદમી, તેં કબાબ અને હલવાનું જમણ જમી લીધું છે ? અરે, એ કેવી નવાઈ જેવી ચીજ છે ? 

૨૪૯૪ તેણે જવાબ આપ્યો, “જ્યારે પેલા શહેનશાહ કે જેને બધા તાબે થાય છે, હુકમ આપ્યો, ત્યારે હું તે કોણ કે સામો થાઉં ?

૨૪૯૫ (ઓ) યહુદી, શું તમો હ. મુસા (અ.સ.)નો હુકમ પછી ભલે તે ભલો કે બુરો હોય તેની વિરૂદ્ધ બળવો કરો ખરા ?

૨૪૯૬ (ઓ) ક્રિશ્ચિયન, ભલા કે બુરા હ. ઈસા (અ.સ.)ના હુકમથી તું તારો ચહેરો ફેરવે ખરો ?

૨૪૯૭ (તો પછી) પયગમ્બરોની કિર્તી વિરૂદ્ધ હું કેમ બળવો કરૂં ? “મેં હલવો ખાધો છે અને અત્યારે હું ખુશ છું.”

૨૪૯૮ પછી તેઓએ તેને કહ્યું, “ખુદાના કસમ, તમે સાચું સ્વપ્નું જોયું છે, અને તે અમારા એક સો સ્વપ્નાઓ કરતાં વધુ ઉત્તમ છે.

૨૪૯૯ ઓ આનંદી, તમારૂં સ્વપ્નું જાગૃત છે, કારણ કે તેની અસર (વાસ્તવિકપણું) તારા મીઠાઈ ખાવા અંગે તારા જાગૃતપણાની સાબિતી છે.

૨૫૦૦ પ્રખ્યાતિ અને (દુન્યવી) તાકાત અને હુશીયારી છોડી દે, જરૂરી બાબત (ખુદાની) બંદગી અને સારા સદગુણો છે.

૨૫૦૧ આ જ કારણ માટે ખુદાએ આપણને ‘નિરાકાર'માંથી બહાર આણેલ છે, “મેં મારી બંદગી કરવા સિવાય બીજા માટે માણસ જાતને પેદા કરી નથી.”

૨૫૦૨ સામીરી કે જેની હુશીયારી (સોનાનો, વાછરડો બનાવવામાં બતાવી) ખુદાના દરવાજાથી દુર હટાવાયો. (તેના) જ્ઞાને તેને શું નફો કરી આપ્યો ?

૨૫૦૩ તેના રસાયણશાસ્ત્રના જ્ઞાનથી કારૂને શું મેળવ્યું ? જમીને તેને કેવી રીતે અગાધ ઉંડાણમાં ઉતારી દીધો ?

૨૫૦૪ બધા પછી અબુલહબ (અબુજહલે) જ્ઞાનમાંથી શું મેળવ્યું ? તેની બેઈમાનીના કારણે માથાભર દોજખમાં પડ્યો.

૨૫૦૫ જાણ કે (સાચું) જ્ઞાન અગ્ની ચોકખી રીતે જોવામાં સમાએલ છે, નહિ કે ખોટો લવારો કરવામાં કે પેલો ધુમાડો અગ્નિની સાબીતી છે.

૨૫૦૬ ઓ તમો કે જેનો પુરાવો સંતની આંખોમાં વૈદની સાબિતી કરતાં વધુ ગંધાય છે.

૨૫૦૭ જ્યારે કે તમને આના કરતાં બીજી કોઈ સાબિતી નથી તો, ઓ પુત્ર, વિષ્ઠા અને પેશાબ તપાસ !

૨૫૦૮ ઓ તમો કે જેનો પુરાવો તમારા હાથમાંની લાકડી છે (કે જે) બતાવે છે કે તમોને આંખની ખામી છે.

૨૫૦૯ (આ) બધો અવાજ અને આડંબરી વાત અને સત્તા ધારણ કરવી (નો માત્ર અર્થ), “હું જોઈ શકતો નથી (મહેરબાની કરી) મને માફ કરો.” 

૨૬૨૬ જ્યારે કે ખુદાના હાથે ‘કિબ્લો' જાહેર બનાવ્યો છે. હવેથી શોધને અસ્વીકાર્ય ગણો.

૨૬૨૮ જો તમો આ 'કિબ્લો' એક પળ માટે પણ ભુલશો તો તમો દરેક નકામા 'કિબ્લા' તરફ ગુલામીમાં ગરકાવ થશો.

૨૬૨૭ સાંભળ, તમારા ચહેરા અને માથાને શોધમાંથી હટાવી લે, હવે જ્યારે કે અંતિમ મુકામ અને રહેણાંક દ્રષ્ટિમાં આવેલ છે.

યા અલી મદદ