મશનવી મૌલાના રૂમી, ભાગ-૬ તારવણી
વાર્તા - ૧૪
વાર્તા - ૧૪
બાદશાહની કહાણી કે જેણે પોતાના ત્રણેય દીકરાઓને આદેશ આપ્યો. કહે, “મારી શહેનશાહતમાંની આ મુસાફરીમાં ફલાણી જગ્યાએ અમુક બંદોબસ્ત સ્થાપિત કરો અને ફલાણી જગ્યાએ અમુક હાકેમોની નિમણુંક કરો પણ ખુદાની ખાતર, ખુદાની ખાતર ફલાણા કિલ્લા પાસે જતા નહિ, અને તેની આજુબાજુ ચકરાવો લેતા નહિ.
૩૫૮૩ એક બાદશાહ હતો. બાદશાહને ત્રણ દીકરાઓ હતા. ત્રણેય ડહાપણ અને પરખશક્તિથી વિભૂષિત હતા.
૩૫૮૪ દરેક એક બીજાથી ઉદારતામાં અને લડાઈમાં અને બહાદુરીમાં એકબીજાથી ચડીયાતા હતા.
૩૫૮૫ શાહજાદાઓ (કે જે) બાદશાહની આંખની ખુશી હતા. બાદશાહ સમક્ષ ત્રણ મીણબત્તીઓની માફક સાથે ઉભા રહ્યા.
શાહજાદાઓની બાદશાહને વિદાયગીરી કરવી, તેઓના પિતાની રાજસત્તાના મુલકમાં મુસાફરીએ નીકળી પડવું અને વિદાયગીરીની પળે બાદશાહે પોતાની સુચનાઓને દોહરાવી.
૩૬૩૦ (બાદશાહના) ત્રણ શાહજાદાઓ (મુસાફરી માટે) નીકળી પડે તેવી રીતે પોતાના પિતાની માલમિલ્કત જોવા રવાના થયા.
૩૬૩૧ અને આર્થીક હાલત અને નિયમસર સંચાલનના ઈરાદા માટે પોતાના શહેરો અને કિલ્લાઓની મુસાફરી કરે.
૩૬૩૨ તેઓએ બાદશાહનો હાથ ચુમ્યો અને તેમની વિદાયગીરી માંગી. પછી બાદશાહ કે જેનાથી બધા આધીન હતા, તેમને કહ્યું
૩૬૩૩ “જ્યાં જ્યાં તમારૂં દિલ દોરે ત્યાં તમારો રસ્તો કરજો, ખુશીમાં હાથ હલાવતા ખુદાના રક્ષણ નીચે જાઓ,
૩૬૩૪ એક કિલ્લા તરફ જેનું નામ "સમજણનો લૂટારો" છે. ત્યાં જવા સિવાય (ગમે ત્યાં જાઓ), તે (કિલ્લો), તાજના પહેરનારાઓ માટે ડગલા સખત બનાવે છે. (દુઃખમાં નાખે છે.)
૩૬૩૫ ખુદાની ખાતર, ખુદાની ખાતર, તે કિલ્લો કે જે ચિત્રોથી સુશોભિત છે તેનાથી દુર રહેજો. જોખમ કરતાં ચેતજો.
૩૬૩૬ તેના મિનારાઓ અને તેની છત, બધી પ્રતિમાઓ અને શણગારો અને ચિત્રોથી આગળ અને પાછળ સભર છે.
૩૬૩૭ ઝુલેખાના આવાસની માફક (કે જે તેણીએ) ચિત્રોથી ભરેલ બનાવ્યો એટલા માટે કે હ. યુસુફ (અ. સ.) મને કમને પોતા ઉપર નજર કરે.
૩૬૩૮ જ્યારે કે હ. યુસુફ તેણીના તરફ જોતા નહિ, તેણીએ લુચ્ચાઈ કરી ઓરડો પોતાના ચિત્રોથી ભરી દીધો હતો.
૩૬૩૯ કે જેથી જ્યારે સુંદર મુખવાળો (યુવાન) જોતો ત્યારે પસંદગી કરવાની શક્તિ વગર તે તેણીનો ચહેરો જોતો.
૩૬૪૦ અપૂર્વ મહાન ખુદાએ એવી શક્તિવાળા(હ. યુસુફ)ને પોતાની નિશાનીઓ જાહેર કરતું રંગમંચ છએ દિશાએ બનાવ્યું છે.
૩૬૪૧ એટલા માટે કે હરકોઈ પ્રાણી અથવા છોડ ઉપર તેઓ જોતા, તેઓ દૈવી દાનના ચરાણમાં ધરાઈ જતા.
૩૬૪૨ જ્યારે કે તેણે આત્મજ્ઞાનીઓના સમુહમાં કહ્યું છે, “તમારો ચહેરો જ્યાં પણ ફેરવશો ત્યાં તેનો ચહેરો છે.”
૩૬૪૩ જો તરસમાં તમો થોડું પાણી પ્યાલામાંથી પીઓ છો, તો તમો પાણીની અંદર ખુદાને જુઓ છે.
૩૬૪૪ ઓ આંતરિક દ્રષ્ટિના આદમી, તે કે જે (ખુદાનો) પ્રેમી નથી, (તે) પાણીમાં પોતે પોતાની જ પ્રતિમા જુએ છે.
૩૬૪૫ (પણ) જ્યારે કે પ્રેમીની પ્રતિમા તેનામાં (પ્રિયતમમાં) અદ્રષ્ય થઈ છે. પછી પાણીમાં હવે તે કોને જોશે ? (તે મને) કહે !
૩૬૪૬ અદેખાના કામ થકી, તેઓ (આત્મજ્ઞાનીઓ) પાણીમાં પ્રતિબિંબિત થતા ચંદ્રમાની માફક તેઓ ફિરસ્તાઓના ચહેરામાં ખુદાની ખુબસુરતી નિહાળે છે.
૩૬૪૭ તેની અદેખાઈ એક પ્રેમી અને સાચા (વખાણનાર) વિરુદ્ધ દોરાએલી છે.
૩૬૪૯ તેની (ખુદાની) દયા એક યઝીદને એક બાયઝીદ બનાવે છે.
૩૬૫૪ જો તેઓનો પિતા આ શબ્દો બોલ્યો ન હોત અને પેલા કિલ્લા વિરૂદ્ધ તેમને ચેતવ્યા ન હોત.
૩૬૫૫ તો તેઓનું મંડળ કદી પણ કિલ્લા પાસે આવ્યું ન હોત, તેઓની ઈચ્છા તેમના તરફ તેમને કદી દોરી ગઈ ન હોત,
૩૬૫૬ કારણ કે તે બહુ પ્રખ્યાત ન હતો. તે એકાંત અને (બીજા) કિલ્લાઓ અને મુખ્ય રસ્તાઓથી વધુ પડતો દુર હતો.
૩૬૫૭ (પણ) જ્યારે તેણે (બાદશાહે) પેલી મનાઈ ઉચ્ચારી, ત્યારે તેઓના દિલો વૃથા ઉમેદ અને કલ્પનાના પ્રદેશમાં ફેંકાયા હતા.
૩૬૫૮ અને આ મનાઈના કારણે તેઓના દિલોમાં તીવ્ર ઈચ્છા પેલા (કિલ્લા)ની ગુપ્તતા તપાસ કરવા ઉદભવી.
સુલતાનના પુત્રોનું મના કરેલા કિલ્લા તરફ જવું, જેમકે માણસ આતુરતાથી લાલસા રાખે છે તેની કે જેની મનાઈ કરવામાં આવી હોય, “અમોએ અમારી સેવાઓ બજાવી, પણ તારી હલકી પ્રકૃતિના દાસને ખરીદ કરી શકી નહિ.
૩૬૯૯ (મુસાફરોના) સમુહે પોતાને રસ્તે કિલ્લો શોધવાને લીધે.
૩૭૦૦ તેઓ મનાઈ કરેલા ફળના ઝાડ પાસે પહોંચ્યા, તેઓ ઈમાનદારની હારમાંથી બહાર નીકળી ગયા.
૩૭૦૧ જ્યારે કે તેઓ પોતાના પિતાની મનાઈ અને અધિકૃત નિષેધથી વધારે ઝનુની બન્યા હતા, તેઓએ (બળવાખોરની રીતે) પોતાના માથા પેલા કિલ્લા તરફ ઉંચા કર્યાં.
૩૭૦૨ પસંદ કરાએલા બાદશાહના હુકમને ન ગણકારતાં (તેઓ) કિલ્લા તરફ આગળ વધ્યા કે જે સમજદારીનો લુંટારો અને ખુદના સંયમનો નાશ કરનાર છે.
૩૭૦૩ પ્રકાશિત દિવસે પોતાની પીઠ ફેરવતા, તેઓ સમજણની ઈનાયત થએલી સલાહની પરવા કર્યા વગર ગાઢ રાત્રીમાં પહોંચ્યા.
૩૭૦૪ ચિત્રોથી સુશોભીત સુંદર કિલ્લામાં (જ્યાં) પાંચ દરવાજાઓ સમુદ્ર તરફ અને પાંચ જમીન તરફ (જતા હતા.).
૩૭૦૫ પેલા દરવાજાઓના પાંચ, બહારની ઇન્દ્રિઓની માફક, રંગ અને સુગંધ (પાર્થીવ દુનિયા) તરફ નજર કરે છે. તેમનામાંની પાંચ આન્તરીક ઇન્દ્રિઓની માફક "ગુઢાર્થ"(ની દુનિયા) શોધે છે.
૩૭૦૬ પેલા હજારો ચિત્રો અને રેખાંકિત આકૃતિઓ અને શણગારોથી તેઓ (શાહજાદાઓ) સખત બેચેન બનાવાયા હતા (કે જેથી) તેઓ આમતેમ અજાયબીમાં ગરકાવ બન્યા.
૩૭૦૭ આ પ્યાલાઓથી બેહોશ બનો નહિ, કે જે (વિલક્ષણ) રૂપો છે, રખેને તું પ્રતિમાઓ કોતરનાર અને મૂર્તિપુજક બને.
૩૭૦૯ તારું મોઢું મદીરાના આપનાર પાસે ઉઘાડ, જ્યારે મદિરા આવે છે ત્યારે પ્યાલાની ખોટ રહેશે નહિ.
૩૭૧૨ રૂપને અરૂપથી અસ્તિત્વમાં લાવવામાં આવે છે. જેવી રીતે કે અગ્નિથી ધુમાડો પેદા થયો છે.
૩૭૨૦ (ખુદાનું) અરૂપ કાર્ય, એક રૂપનું (બી) વાવે છે (જ્યાંથી) જ્ઞાન અને સમજણથી સભર એક કાયા ઉગી નીકળે છે.
૩૭૨૩ જો તે (ખુદાની) દયામાંથી રૂપ બનેલું હોય, તો તે (કાયા) વિકસતી બને છે, જો તે નકારાત્મક હોય તો તે (કાયા) દિલગીરીઓ ભરેલ હોય છે.
૩૭૨૯ (દાખલા તરીકે) જ્યારે એક આનંદી ટોળું એક છાપરાના છેડા ઉપર ઉભું હોય છે ત્યારે જમીન ઉપરનો દરેકનો પડછાયો ધ્યાનમાં રાખ,
૩૭૩૦ વિચારનું રૂપ (આત્માના) ઉંચા છાપરા ઉપર છે, જ્યારે કાયા પડછાયાની માફક થાંભલાઓ ઉપર (કાયાના અવયવો)માં દેખાય છે
૩૭૩૧ કાર્ય થાંભલાઓ (કાયાઓ) ઉપર દેખીતું છે, જ્યારે વિચાર (કે જે પેદા કરે છે તે) ગુપ્ત છે પણ બન્ને કાર્ય અને અસરના રૂપમાં જોડાએલા છે.
૩૭૩૩ પરંતુ જેવો પ્યાર રૂહાનીયત બાદશાહ તરફ હોય છે, તો તે પાર્થીવ રૂપના મોહમાંથી છૂટી જાય છે.
૩૭૩૪ રોટલો અને નિમકનું (પાર્થીવ) રૂપ કે જે (ખુદાએ ઈનાયત) કરેલો ફાયદો છે; અને તેનું પરિણામ (શરીરમાં જે) શક્તિ છે જે અરૂપ છે.
૩૭૩૫ લડાઈના મેદાન ઉપર તલવાર અને ઢાલના રૂપ અને તેનું પરિણામ અરૂપ ચીજ ‘વિજય' છે.
૩૭૩૮ આ રૂપો કે તેઓનું અસ્તિત્વ અરૂપમાંથી છે, તો પછી શાના આધારે તેઓ તેનો ઈન્કાર કરે છે કે જે તેઓને અસ્તિત્વમાં લાવ્યું છે.
૩૭૫૯ જ્યારે બધું ગુમાવાયું છે, તેઓએ સઘળું મેળવ્યું છે. નહિવતપણા તરફ સંકોચાતા તેઓ સમસ્ત (સંપૂર્ણ) તરફ આગળ વધ્યા છે.
ચિત્રોથી શુશોભિત કિલ્લાના શામીયાનામાં તેઓએ ચીનના રાજાની પુત્રીની ચીતરેલી પ્રતિમા જોઈ અને તેઓ ત્રણેએ ભાન ગુમાવ્યા અને વ્યાકુળતામાં પડયા અને તપાસ આદરી, પૂછતા કે આ કોની પ્રતિમા છે ?
૩૭૬૦ આ મુદ્દો અંત વગરનો છે, (ત્રણેઈના) સમુહે ઓચિંતાના એક ખુબસુરત અને બાદશાહી પ્રતિમા નિહાળી.
૩૭૬૧ (મુસાફરીના) સમુહે પેલા કરતાં વધુ સુંદર ચિત્રો જોયા હતા પણ (આ એક)ની નજરે તેઓ ઉંડા સમુદ્રમાં હડસેલાયા હતા.
૩૭૬૨ કારણ કે આ પ્યાલામાં તેમની પાસે અફીણ આવ્યું. પ્યાલાઓ દ્રષ્યમાન છે પણ અફીણ અદ્રષ્ય છે.
૩૭૬૩ સમજણનો નાશ કરનાર (નામે) કિલ્લાએ પોતાનું કામ કર્યું તેણે (બધા) ત્રણેયને મહાદુઃખની ખીણમાં ફગાવ્યા.
૩૭૬૪ પણછ વગર તીર જેવા (પ્રેમના) ચમકારા દિલમાં ભોંકાય છે, દયા, દયા, ઓ દયા વગરના.
૩૭૬૫ એક પથ્થરની પ્રતિમાએ (વહી ગએલી) પેઢીને નષ્ટ કરી છે અને તેઓના ધર્મોમાં અને દિલોમાં (તેના માટેના પ્રેમની) અગ્નિ પ્રજ્વલીત કરી છે.
૩૭૬૬ જ્યારે આ (પ્રતિમા) રૂહાનીયત છે, તે કેવી મોહક હોવી જોઈએ ! તેની મોહિની દરેક પળે બદલાય છે.
૩૭૬૭ જ્યારે ચિત્રેલા આકારનો પ્રેમ ભાલાની અણી માફક શાહજાદાઓના દિલમાં ઝખમો કરતો હતો.
૩૭૬૮ તેઓમાંનો દરેક વાદળની માફક આંસુઓ સારતો હતો, પોતાના હાથો કરડતો અને બુમો પાડતો, અરે, અફસોસ !
૩૭૬૯ હવે આપણે જોઈએ કે બાદશાહે શરૂઆતમાં શું જોયું, “પેલા અપૂર્વે કેટલી બધી વાર આપણને વિનંતી કરી હતી !”
૩૭૭૦ પયગમ્બરોએ (આપણા ઉપર) એક મોટો ઉપકાર કર્યો છે, કારણ કે તેઓએ આપણને અંતથી માહિતગાર કર્યા છે.
૩૭૭૪ તે (પયગમ્બર) તમો છો, પણ આ (અસત્ય) તું નહિ, (તે) પેલો તું (છો) કે જે અંતે (આભાસની દુનિયામાંથી) ભાગી છુટવાના અંત:કરણવાળો હોય.
૩૭૮૬ તેઓના પ્રેમની પીડાએ તલાશ કરવી શરૂ કરી, કહે, અમને નવાઈ ઉપજે છે કે તેણી કોની છે, કે જેની આ ચિત્રેલ પ્રતિમા છે.
૩૭૮૭ તેઓની મુસાફરીના રસ્તામાં ઘણી તપાસ કર્યા બાદ એક રૂહાની રાહબર આંતરિક દ્રષ્ટિવાળાએ આ ગુઢાર્થનો ખુલાસો કર્યો.
૩૭૮૮ કાનના રસ્તાથી નહિ. દૈવી પ્રેરણાથી તેમને (બધા) ગુઢાર્થો ખુલ્લા થયા.
૩૭૮૯ તેણે કહ્યું, આ તેણીની પ્રતિમા છે કે જે હુરાંઓની પણ ઈર્ષાની વસ્તું છે. આ ચાઈનાની શાહજાદીનું ચિત્ર છે.
૩૭૯૦ તેણી આત્માની માફક અને ગર્ભની માફક સંતાએલ છે, તેણીને એક ગુપ્ત મંડપ અને મહેલમાં (રાખવામાં આવેલ છે).
૩૭૯૧ સ્ત્રી કે પુરુષ કોઈને પણ તેની હજુરમાં દાખલ થવા દેવામાં આવતા નથી. બાદશાહે તેણીની મોહિનીના કારણે તેણીને સંતાડી રાખી છે.
૩૭૯૨ બાદશાહને તેણીના (ભલા) માટે (મોટી) અદેખાઈ હતી કે જેથી એક પંખી પણ તેણીના છાપરા ઉપરથી ઉડતું નહિ.
૩૭૯૩ તે દિલ માટે અફસોસ છે કે એક ગાંડો આવો મોહ અથડાયો છે, કોઈપણ કદી આવો મોહ ન અનુભવે !
૩૭૯૪ આ તેના માટેની વેરની વસૂલાત છે કે જેણે અજ્ઞાનતાનાં બી વાવ્યાં, અને પ્રકાશ અટકાવ્યો અને પેલી (કિંમતી) સલાહને સસ્તી ગણી.
૩૭૯૭ ઓ અમીર, તારી પોતાની હુશીયારી છોડી દે, (દૈવી) સદભાવ સમક્ષ તારું પગલું પાછું ભર અને ખુશીથી મરી જા.
૩૮૮૬ તો પછી શું ચાલુ જગત કરતા બીજું છે ? બીજી દુનિયા (કે જેનું જ્ઞાન) અહીંથી તને ઉપાડી જશે અને ખુદા તરફ તને દોરવતું બનશે.
જે બન્યું હતું તેને દ્રષ્ટિમાં રાખતા સારામાં સારો સ્વીકારવાનો ક્યો રસ્તો છે તેની ત્રણેય શાહજાદાઓની ચર્ચા કરવી.
૩૮૮૭ ત્રણેય દુઃખીયારાઓએ પોતપોતાના ચહેરા મેળવ્યા, બધા ત્રણેય જણાઓએ એકજ જાતની દિલગીરી અને વેદના અને દુઃખ અનુભવ્યા.
૩૮૮૮ બધા ત્રણેઈ એકજ ચિંતન અને મોહમાંના સાથીઓ હતા. ત્રણેય એકજ દર્દના બિમાર અને એકજ ઈલાજના સાથી હતા.
૩૮૮૯ ચુપકીદીના સમયે ત્રણેયનો એકજ વિચાર હતો, વાણીની વેળાએ, પણ ત્રણેયની એક જ દલીલ હતી.
૩૮૯૦ એક પળે તેઓ બધા વિપત્તિના જમવાના મેજ ઉપર લોહીના આંસુ સારતા હતા.
૩૮૯૧ બીજી પળે ત્રણેય, પોતાના દિલમાંથી જલન અંગે ગરમ કરેલી તપેલીની (માફક) બળતી ગરમ આહો ભરતા હતા.
સૌથી મોટાભાઈનો વાર્તાલાપ.
૩૮૯૨ સૌથી મોટાએ કહ્યું, “ઓ ઈમાનદારીના આદમીઓ, બીજાઓને સલાહ દેવામાં શું આપણે મર્દો ન હતા ?
૩૮૯૩ જ્યારે જ્યારે બાદશાહનો એકાદ હજુરીઓ આપણી પાસે દુઃખની અને ગરીબાઈની અને બીક અને ગભરાટની ફરિયાદ કરતો.
૩૮૯૪ ત્યારે આપણે કહ્યા કરતા, તારી કઠણાઈઓનો કલ્પાંત ન કર, શાંત બન, કારણ કે ધીરજ (આત્મસંયમ) દુ:ખમાંથી મુક્ત થવાની ચાવી છે.
૩૯૦૧ હવે આપણો વારો છે. “શા માટે આપણે બીકણ બાઈડીઓની માફક દુઃખી બન્યા અને બુરખાની અંદર ગયા છીએ ?
પુરેપુરી ચર્ચા-વિચારણા બાદ શાહજાદાઓનું પોતાની પ્રિયતમા અને પોતાની ઈચ્છિત વસ્તું તરફ ચીનના પ્રાંત માટે રવાના થવું, એટલા માટે કે તેઓ પેલી વસ્તું તરફ બની શકે તેટલા વધુ નજદીક બને, જોકે મિલનનો રસ્તો રૂંધાએલો છે. તે વખાણવા યોગ્ય છે કે જેટલું બની શકે તેટલું વધુ નજીક પહોંચાય.
૩૯૮૦ તેઓએ આ કહ્યું અને તુર્તજ રવાના થયા, ઓ મારા દોસ્ત, જે પણ બધું મેળવવાનું હતું તે બધું તે પળે મેળવાણું હતું.
૩૯૮૧ તેઓએ (પોતાના ભોમીઆ તરીકે) મનોબળ પસંદ કર્યું. અને સાચા સાક્ષીઓ બન્યા પછી તેઓ ચીન દેશ તરફ રવાના થયા.
૩૯૮૨ તેઓએ પોતાના માબાપ અને રાજ્ય છોડ્યા, તેઓએ છુપાએલ પ્રિયતમા તરફનો રસ્તો લીધો.
૪૦૦૦. આ ત્રણેય શાહજાદાઓના આત્માઓ દરેક દિશાએથી ચીનની આજુબાજુ પંખીઓ દાણાઓ ઉપાડવા ચકરાવો લે તેમ લેતા હતા.
૪૦૦૧ તેઓ (પોતાના દિલોમાં) છુપેલા વિચારો ઉચ્ચારવા પોતાના હોઠો ખોલવાની હિંમત કરતા ન હતા, કારણ કે તે એક વિનાશક અને ગંભીર ગુપ્તતા હતી.
૪૦૦૭ તેઓ (શાહજાદાઓ) એકબીજાને પોતાની ગુપ્તતાઓ એક સો બીક અને સાવચેતીથી ધીમા અવાજમાં, સંકેતમાં કહેતા હતા.
૪૦૦૮ ખુદા સિવાય બીજો કોઈ તેમની ગુપ્તતાનો વિશ્વાસુ ન હતો, તેમના નિસાસા ફક્ત સ્વર્ગમાં જ ફૂંકાયા.
૪૦૦૯ તેઓ બાતમી પહોંચાડવાની ખાતર પોતપોતા વચ્ચે અમુક ગુઢાર્થ શબ્દો ઉચ્ચારતા હતા.
૪૦૨૧ ઝુલેખાએ હ. યુસુફ (અ.સ.)ના નામને દરેક વસ્તુંથી જોડેલ હતું. નેતરથી કુંવારના લાકડા સુધી.
૪૦૨૨ તેણીએ તેમનું નામ (બીજા બધા) નામોમાં છુપાવ્યું હતું. અને (તેણીના) વિશ્વાસુ સિવાય બીજા કોઈને તેનો આંતરિક અર્થ જાણીતો બનાવાયો ન હતો.
૪૦૨૩ જ્યારે તેણીએ કહ્યું. “અગ્નિથી મીણ નરમ બનાવાયું,” આનો અર્થ, મારો પ્રિતમ મારા તરફ સખત પ્યાર કરે છે.
૪૦૨૪ અને જો તેણીએ કહ્યું, “જુઓ, ચંદ્રમા ઉગ્યો છે.” અથવા જો તેણીએ કહ્યું, "નેતરની ડાળી લીલી છે.”
૪૦૨૫ અથવા જો તેણીએ કહ્યું, “પાંદડાઓ ખૂબજ ડોલી રહ્યા છે. અથવા જો તેણીએ કહ્યું. “નેતર ખુશીથી બળી રહ્યું છે.”
૪૦૨૬ અથવા જો તેણીએ કહ્યું “ગુલાબે બુલબુલને પોતાની ગુપ્તતા કહી છે, અથવા જો તેણીએ કહ્યું, “બાદશાહે શહનાઝની ગુપ્તતા જાહેર કરી છે.
૪૦૨૭ અથવા જો તેણીએ કહ્યું, “પ્રારબ્ધ કેવું શંકાશિલ છે ? અથવા જો તેણીએ કહ્યું. “ફરનીચરને સારી રીતે સાફસુફ કર”
૪૦૨૮ અથવા જો તેણીએ કહ્યું, “પાણી લાવનાર પાણી લાવ્યો છે ?” અથવા જો તેણીએ કહ્યું, “સુર્ય ઉદય થયો છે.”
૪૦૨૯ અથવા જો તેણીએ કહ્યું, “ગઈ રાત્રીના ઘડો ભરીને પકાવેલ છે અથવા “ભાજી પાલાઓ એક સરખા રાંધવામાં આવ્યા છે."
૪૦૩૦ અથવા જો તેણીએ કહ્યું “રોટલાઓમાં સ્વાદ નથી” અથવા જો તેણીએ કહ્યું “અવકાશી ગોળો ઉલટી દિશામાં ફરતો જઈ રહ્યો છે.
૪૦૩૧ અથવા જો તેણીએ કહ્યું “મારૂં માથું દુઃખે છે “અથવા જો તેણીએ કહ્યું “ મારૂં માથું વધુ સારૂં છે.”
૪૦૩૨ જો તેણીએ વખાણ કર્યાં, તે તેનાં (હ. યુસુફ)ના હેત ચુંબનો હતા, અને જો તેણી દોષ દેતી, તો તે તેનાથી જુદાઈ હતી.
૪૦૩૩ જો તેણી એક લાખ નામનો ખડકલો કરતી, તેણીનો અર્થ અને ઈરાદો હંમેશાં "હ. યુસુફ" હતા.
૪૪૩૪ જ્યારે તેણી ભુખી થતી, ત્યારે તેણી તેમનું નામ લેતી. તેણી (રૂહાનીયત) ખોરાકથી સભર બની જતી અને તેના પ્યાલાથી નશાબાજ બનતી.
૪૦૫૩ બી (જમીનમાં) નાશ પામે છે (માત્ર) પછીજ તે એક અંજીરનું ઝાડ બને છે, “તું મરી ન ગયો ત્યાં સુધી મેં તને આપ્યું નહિ”નો અર્થ આ છે.
ચીનની રાજધાની, જ્યાં બાદશાહ રાજ્ય કરતો હતો, ત્યાં લાંબા સમય સુધી ધીરજથી રાહ જોતા ગુપ્તવાસમાં રહ્યા બાદ, સૌથી મોટા ભાઈએ ધીરજ ગુમાવી અને કહ્યું, “છેલ્લા સલામ ! હું જઈશ અને બાદશાહની હજુરમાં રજુ થઈશ, કાંતો મારા પગ મારી શોધની વસ્તુંને મારી પાસે લાવે અથવા હું ત્યાં મારૂં માથું ગુમાવું.”
(અરબીમાં કહેવાયું છે).
"કાં તો મારા પગ મારી શોધની વસ્તુને મારી પાસે લાવશે અથવા હું જેમ મેં મારૂં દિલ દઈ દીધું છે તેમ મારૂં માથું આપી દઈશ,” અને તેના ભાઈઓની સારી સલાહ કાંઈ મદદકર્તા થઈ નહિ, “ઓ તું કે જે પ્રેમમાં પડેલા પેલાઓને ઠપકો આપે છે, તેમને એકલા રહેવા દે ! તું ભેગા થવાનું કેમ સુચવે છે જેને ખુદાએ ઊંધે રસ્તે દોર્યો છે ? અને તે જ પ્રમાણે.
૪૦૫૪ સૌથી મોટા ભાઈએ કહ્યું, ઓ મારા ભાઈઓ, આટલી બધી રાહ જોતા મારો આ આત્મા (કાયા છોડી દેવાની) તૈયારીમાં છે.
૪૦૫૫ હું બેપરવા બન્યો છું, હું વધુ વખત સહન કરી શકું તેમ નથી, આ સહનશક્તિએ મને અગ્નિ ઉપર મુક્યો છે.
૪૦૫૬ મારૂં જોર આ મનોનિગ્રહથી ખર્ચાઈ ગયું છે, મારી કફોડી હાલત (બધા) પ્રેમીઓને એક ચેતવણી રૂપ છે.
૪૦૫૭ હું (પ્રિયતમાથી) જુદાઈમાં મારી જિંદગીથી થાકી ગયો છું, જુદાઈમાં જીવતું રહેવું એ પ્રપંચ છે.
૪૦૫૮ તેણીમાંથી જુદાઈ યાચના કેટલો લાંબો વખત મને મારી નાખતો બનાવશે ? મારૂં માથું કાપી નાખો, એટલા માટે કે પ્રેમ મને એક નવું મસ્તક આપે.
૪૦૫૯ મારો દીન પ્રેમથી સજીવન રહેનાર છે, આ જનાવરી આત્મામાંથી જીવન ઉતરી આવ્યું છે, અને માથું મારા માટે એક નામોશી છે.
૪૦૬૦ (પ્રેમની) તલવાર પ્રેમીના આત્મા ઉપરથી ધુળ ઉડાડી મુકે છે, કારણ કે તલવાર પાપોને સારું કરી નાખે છે.
(બન્ને) ભાઈઓએ સૌથી મોટાને પોતાની સલાહ દોહરાવી અને તે, તે સહન કરી શક્યો નહિ અને તેમની પાસેથી ભાગી છુટ્યો, ઉન્માદ અને બેચેન બનેલો બાદશાહના દરબારમાં રજા વગર દોડ્યો, પણ આ વધુ પડતા લાલસામય પ્રેમ અંગે હતું, નહિ કે અપમાન અથવા બેદરકારીના કારણે.
૪૩૮૬ બે (ભાઈઓએ) તેને કહ્યું, આકાશમાંના તારાઓની માફક (તારી દલીલના) જવાબો અમારા મનમાં છે.
૪૩૮૭ સિવાય અમે (જવાબ આપીએ) અને બોલીએ ત્યાં સુધી રમત યથાસ્થાને આવશે નહિ, જો અમો બોલશું તો તારૂં દિલ દુઃખાશે.
૪૩૮૮ અમો પાણીમાંના દેડકા જેવા છીએ. બોલવું પણ દુઃખદાયક છે, જ્યારે ચુપકીદીનું પરિણામ બિમારી અને ગુંગળામણ છે.
૪૩૮૯ જો અમો ન બોલીએ તો તારી સાથેની અમારી દોસ્તીને (સત્યતાનો) પ્રકાશ નથી. અને જો અમો બોલીએ તે (તારી) રજા વગરનું છે.
૪૩૯૦ તે સીધો ઉભો થયો, જોરથી કહે, “ઓ કુટુંબીઓ, છેલ્લી સલામ, ખરેખર આ દુનિયા અને તેમાંના બધા પસાર થતા આનંદ સિવાય બીજું કંઈ જ નથી.”
૪૩૯૧ અને પણછમાંથી તીરની માફક ચાલ્યો ગયો, કે જેથી તે સમયે બોલવા માટે તેઓને વખત જ ન હતો.
૪૩૯૨ તે ચીનના બાદશાહની હજુરમાં (પ્રેમના) કેફથી આવ્યો અને તુર્તજ તેના પગ આગળની જમીન ચુમી.
૪૩૯૩ બાદશાહને પોતાના પ્રેમીઓની લાગણીઓ, તેમનો આવેશ અને વ્યાકુળતા પહેલેથી છેલ્લે સુધી દરેકે દરેક વિગત ખુલ્લી જાણીતી હતી.
૪૩૯૮ પેલો માનવંતો (બાદશાહ) તેઓના આત્માઓની અંદર હતો, પણ તેણે ઈરાદાપૂર્વક તેઓથી અજાણ હોવાનો ઢોંગ કર્યો.
૪૪૦૭ પછી જાહેરાત કરનારે પસંદ કરાએલા બાદશાહની હજુરમાં તેની (મોટાભાઈની હાલત)નું વર્ણન કરવા પોતાના હોઠો ઉઘાડ્યા.
૪૪૦૮ તેણે કહ્યું. “ઓ બાદશાહ, તે તારી કૃપા તરફ એક શિકાર બન્યો છે, તેના તરફ બાદશાહી સદભાવ બતાવો, કારણ કે તેની પાસે છટકવાના કોઈ સાધનો નથી.
૪૪૦૯ તેણે રાજાશાહી અને રાજવીપણાનો જુગાર રમ્યો છે. તમારા ખાતર તેણે દેશનિકાલમાં રહેવાનું સહન કર્યું છે. તેના મુંઝાએલા મસ્તક પર તમારો હાથ ફેરવો.
૪૪૧૦ બાદ બાદશાહે જવાબ આપ્યો, “આ યુવાન મારી પાસેથી) દરેક ઉંચો દરજ્જો અને બાદશાહી તે જે શોધે છે તે મેળવશે.
૪૪૧૧ હું અહીં તેના ઉપર, તેણે છોડી દીધેલી બાદશાહત કરતા વીસ ગણી બાદશાહીઓ ઈનાયત કરીશ. અને હું પોતે પણ સોદામાં સામેલ થઈશ.
૪૬૦૧ આવી રીતથી તે લાંબો વખત આ બાદશાહ સાથે રહ્યો, તેનું દિલ કબાબની (માફક ભૂંજાતું) હતું અને તેનો આત્મા (કુરબાનીની) કથરોટ ઉપર મુકાયો હતો.
૪૬૦૨ તેણે કહ્યું “બાદશાહ દરેકનો એક જ વાર શિરચ્છેદ કરે છે (પણ) હું દરેક પળે બાદશાહથી નવો નવો કુરબાન થાઉં છું.
૪૬૧૪ દોજખ અને બહિશ્ત બંને તેની (ઈમાનદારની) બીકમાં ધ્રુજે છે, એક કે બીજું તેનામાંથી સલામતી અનુભવતું નથી.
૪૬૧૭ પ્રિયતમનું "રૂપ" તેનામાંથી અદ્રષ્ય થયું, તે મૃત્યુ પામ્યો અને પ્રિયતમની વાસ્તવિકતામાં મળી ગયો.
સૌથી મોટા શાહજાદાનું મરણ અને વચલો ભાઈ તેની દફનક્રિયામાં આવ્યો, કારણકે સૌથી નાનો બિમારીના કારણે ખાટલામાં હતો, અને બાદશાહનું વચલાભાઈ સાથે માયાળુપણે વર્તવું કે જેથી તે પણ તેની માયાથી બંધનમાં બંધાયો અને તે બાદશાહ પાસે રહ્યો, અને એક લાખ બક્ષિશો અદીઠ અને દ્રષ્યમય દુનિયામાંથી તેના ઉપર બાદશાહની સદભાવના અને નશીબે નવાજીશ કર્યા, અને તેનું થોડું વિવરણ.
૪૬૩૪ સૌથી નાનો (ભાઈ) માંદો હતો, (તેથી) વચલો સૌથી મોટાની દફનક્રિયામાં એકલો આવ્યો.
૪૬૩૫ (જ્યારે) બાદશાહે તેને ઓચિંતો જોયો, તેણે એક ઈરાદાથી કહ્યું. “આ કોણ છે ? કારણ કે તે પેલા સમુદ્રનો છે, અને તે પણ મચ્છી છે.”
૪૬૩૬ પછી જાહેરાત કરનારે કહ્યું. “તે એક જ બાપનો પુત્ર છે, આ ભાઈ પેલા (મરેલા) ભાઈ કરતાં નાનો છે.”
૪૬૩૭ બાદશાહે પ્રેમપુર્વક તેનો સત્કાર કર્યો, કહે, તું તારા ભાઈનું સંભારણું છે, આમ કહીને તેણે તેને પણ પોતાનો શિકાર બનાવ્યો.
૪૬૩૮ બાદશાહ તરફથી (તેના પ્રત્યે) બતાવાએલા પ્રેમના કારણે પેલો કંગાળ (કે જે) પ્રેમની અગ્નિમાં ભુંજાતો હતો, પોતાની કાયામાં આત્મા કરતાં બીજો એક આત્મા જોયો પોતાના દિલમાં.
૪૬૩૯ તેણે એક સુફી એક સો 'ચીલા'માં ન અનુભવે તેવી આનંદની લાગણી અનુભવી.
૪૬૪૦ દરબાર અને દિવાલ અને પત્થરના ગુંથાએલા પહાડ તેની આગળ ખુલ્લા થએલા દાડમની માફક હસતા તેને દેખાયા.
૪૭૦૧ પણ જો તમો અદ્રષ્યમાંના (તમારા ઈમાનમાં) સીધા બન્યા તો તમે બંન્ને દુનિયાના માલિક અને તમારા પોતા ઉપર (સત્તા ચલાવતા) ન્યાયાધીશ છો.
૪૭૩૫ બચ્ચાં માટે (મોટા) માણસની બાજુમાં જગ્યા નથી, એક બચ્ચાંને માણસો સાથે ખુદા કેમ બેસવા દે?
૪૭૩૬ જો એક ફળ મોટું બને (છતાં) જ્યાં સુધી તે અપકવ છે અને પાકેલું નથી ત્યાં સુધી 'ગુરૂ' કહેવાય છે.
૪૭૩૭ એક અનારને મળતું અને ખાટું (ફળ) એકસો વર્ષનું થાય (તો પણ) તે બાળક છે અને દરેક સમજુ માણસના અભિપ્રાયમાં કાચું છે.
૪૭૩૮ તેના વાળ અને દાઢી ભલે સફેદ બને છતાં તે બીક અને આશાની હાલતમાં બચ્ચા સમાન છે.
૪૭૪૨ આપણા સમ્રાટ (બાદશાહે) આપણા માટે શાશ્વત મિજબાની બનાવી છે (આપણને નજીક ખેંચવા) તે રોજ આપણા કાનો ખેંચે છે (કહે છે), “આશા ગુમાવતા નહિ.”
૪૭૪૩ જો કે આપણે ખીણમાં છીએ (અને) આ નિરાશાથી (દબાએલા છીએ), ચાલો નામ કરતા આગળ જઈએ યાને કે તેણે આપણને આમંત્ર્યા છે.
૪૭૪૯ ભલે સોનાની ઈંટ હોય તો પણ તે તોડી નાખેલ હોવી જોઈએ, જ્યારે કે ઈંટનું હટાવવું પ્રેરણા અને પ્રકાશ માટે આપેલી કીંમત છે.
૪૭૫૦ (પાર્થીવતાનો) પડછાયો હટાવવાના કારણે સીનાઈ પર્વત જમીન ભેગો કરવામાં આવ્યો, પેલા 'નૂર'ના કારણ માટે કટકાઓમાં પડવું નાની બાબત છે.
૪૭૫૫ આ માટી બાળકો માટેનું પારણું છે, યુવાન માણસો માટે તે સાંકડી જગ્યા છે.
૪૭૫૬ બચ્ચાંઓના કારણે કે (જેઓ તેમાં રહે છે) ખુદાએ માટીને પારણું કહી બોલાવી છે અને તેણે બચ્ચાંઓ ઉપર આ પારણાઓમાં દુધ ઈનાયત કર્યું છે.
૪૭૫૭ ઘર આ પારણાઓથી ખીચોખીચ ભરેલું છે, ઓ બાદશાહ ભારે બચ્ચાંઓ જલ્દી મોટા થાય ?
૪૭૫૮ ઓ પારણા, ઘરને પ્રતિકુળ ન કર (પણ જગ્યા રહેવા દે, કે જેથી મોટો માણસ આરામથી હરીફરી શકે.
૪૭૬૦ જેમ ચંદ્રમા સુર્યના (પ્રકાશ) ઉપર નભે છે તેમ તેનો ચંદ્રમા સરખો આત્મા બાદશાહના આત્માના પ્રકાશ ઉપર નભતો બની ગયો.
૪૭૬૧ અને અપૂર્વ બાદશાહમાંથી રૂહાનીયત આહાર તેના કેફી આત્મામાં દરેક પળે આવતો રહયો.
૪૭૬૩ તેણે પોતામાં સ્વાયત્તતા અનુભવી અને સ્વાયત્તતામાંથી એક ઉદ્ધત ગર્વની ભાવના ઉત્પન્ન થઈ.
૪૭૬૪ તેણે કહ્યું “હું શું એક બાદશાહ અને બાદશાહનો પુત્ર નથી ? મેં મારો કબજો આ બાદશાહને કેમ લેવા દીધો ?
૪૭૭૨ બાદશાહનું દિલ તેના (શાહજાદાના) વિચારો અને પોતાની વિશુધ્ધ દાનશીલતા માટે બતાવેલ અનુપકારીપણાથી દુઃખાયું હતું.
૪૭૭૩ તેણે (પોતાના મનમાં) કહ્યું, “ઓ હલકા સ્વભાવના આદમી, હું તને પુછું છું કે મારા દાન માટે આ લાયક હતું ? અત્યંત આશ્ચર્યજનક !”
૪૭૭૪ (જો) આ કિંમતી ખજાનો છુટે હાથે પ્રદાન કરવામાં હું કેવી રીતે તારી સાથે વર્ત્યો હતો ? (જુઓ) તારા હલકા આત્માપણા અંગે તું મારી સાથે કેવી રીતે વર્ત્યા છે !
૪૭૭૫ મેં તારા દિલમાં એક ચંદ્રમા મુક્યો છે જે ક્યામતના દિવસ સુધી કદી આથમવાનો નથી.
૪૭૭૬ અને પવિત્ર પ્રકાશના ઈનામ માટે બદલામાં તું મારી આંખમાં માટી અને કાંટા ફેંક્યા છે.
૪૭૭૮ (બાદશાહના) દિલમાં અદેખાઈની વેદનાઓ ઉઠી, બાદશાહની વેદનાઓનું પ્રતિબિંબ તેના (શાહજાદામાં) દાખલ થયું.
૪૭૮૯ ઘઉંના એક દાણા માટેની તારી કંજુસાઈમાં તેં ફાંસામાં (દાખલ થવાનું) પસંદ કર્યું છે, અને તેના ઘઉંનો દરેક દાણો તને ડંખ દેવા એક વીંછી બન્યો છે.
૪૭૯૦ અહંમની ખોટી કલ્પના તારા મગજમાં આવી, (હવે) તારા પગમાં પચાસ મણ વજનની બેડી નિહાળ.
૪૭૯૧ આવી રીતથી તે પોતાના આત્મા માટે વિલાપ કરતો હતો, કહેતો, શા માટે હું મારી બાદશાહીનો વિરોધી બન્યો ?
૪૭૯૨ (પછી) તે ભાનમાં આવ્યો અને ખુદાની માફી માગી અને તેના પશ્ચાતાપથી કંઈક બીજું જ જમા કર્યું.
શાહજાદો કે જે બાદશાહના દિલમાંથી એક (જીવલેણ) ફટકાથી નુકશાન પામ્યો હતો અને બીજી (રૂહાનીયત) ઉત્તમતાઓથી પ્રદાન પામ્યા પહેલા આ દુનિયામાંથી વિદાય થયો હતો, તે કહાણી તરફ પાછા ફરવું.
૪૮૬૫ વાત ટુંકાવ, એક વરસ બાદ પેલા અદેખાની ચીઢે તેને (શાહજાદાને) કબર ભેગો કર્યો.
૪૮૬૬ જ્યારે બાદશાહ ખુદીની નાબુદીની હાલતમાંથી સૂધબૂધમાં આવ્યો (તેણે જાણ્યું કે) તેની લડાયક આંખે લોહી વહેવડાવ્યું છે.
૪૮૬૭ જ્યારે અપૂર્વ (બાદશાહે) પોતાના ભાથામાં જોયું તો જણાયું કે તેના ભાથામાંથી એક તીર ઘટે છે.
૪૮૬૮ તેણે (પોતાના મનમાં) કહ્યું, પેલું તીર ક્યાં છે ? અને (પોતાને જણાવવા) ખુદાને વિનંતી કરી, તેણે (ખુદાએ) જવાબ આપ્યો, તેના (શાહજાદાના) ગળામાં, કારણ કે તે તારા તીરથી જ (મરાણો છે).
૪૮૬૯ બાદશાહ, કે જેનું દિલ એક સાગર સમ હતું, માફી માગી, પણ અફસોસ તીર મર્મસ્થાને વાગ્યું હતું.
૪૮૭૦ તે ઠાર કરાયો હતો અને બાદશાહ તેના માટે દિલગીરીમાં રોયો (કારણ કે) તે (બાદશાહ) બધું છે, તે ઠાર કરનાર અને સૌથી નજીકનો સગો બન્ને છે.
૪૮૭૧ કારણ કે જો તે બન્ને નથી તો પછી તે બધું નથી, (પણ) તે મારનાર અને તેમને માટે રૂદન કરનાર બન્ને છે.
૪૮૭૨ (દરમ્યાન) ફિક્કા ગાલવાળો શહિદ (વચલો ભાઈ ખુદાનો) આભાર માનતો હતો કે તે (તીરે) તેની કાયાને હાની પહોંચાડી છે અને તેને કે જે અસલ (આત્મા) છે તેને હાની પહોંચાડી નથી.
૪૮૭૩ દ્રષ્યમાન કાયા આખરે જવા સર્જાઈ છે (પણ) તે કે જે અસલ (પવિત્ર આત્મા) છે કાયમને માટે આનંદ કરતો હૈયાત રહેશે.
૪૮૭૪ જો કે તે સજા કરવામાં આવી હતી, છતાં તે માત્ર ચામડી ઉપર પડી, પ્રેમી ઈજા વગર પ્રિતમ પાસે ગયો.
૪૮૭૫ જો કે તે બાદશાહની સેવામાં અર્પણ થયો હતો (છતાં) અંતે તે સંપૂર્ણની આંખ (દિદારથી) પ્રિતમ સાથે ‘મિલન'માં દાખલ કરાયો હતો.
૪૮૭૬ અને ત્રીજો (ભાઈ) ત્રણેયમાં સૌથી વધારે આળસુ હતો, તેણે પુરેપુરૂં (ઈનામ) જીત્યું, રૂપ તેમજ વાસ્તવિકતા પણ.
યા અલી મદદ