Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૪

વાર્તા - ૪

0:000:00

"અને તે તમારી સાથે છે” નું વિવરણ.

૧૦૭૩ તારા માથાના મુગટ ઉપર રોટલાઓ ભરેલો એક થેલો છે, અને તું દરવાજે દરવાજે રોટલાના એક ટુકડા માટે ભીખ માંગે છે ?

૧૦૭૪ તારા પોતાના માથા તરફ ધ્યાન દે, અસ્થિર મગજ છોડી દે, જાઓ, તારા દિલના દરવાજાને ખખડાવ. શા માટે તું દરેક દરવાજો ખખડાવે છે ?

૧૦૭૫ જ્યારે તમે ઘૂંટણ સુધી નદીના પાણીમાં છો, તમે પોતે તમારાથી બેધ્યાન છો અને આ એક અને પેલા એકમાંથી પાણી શોધો છો,

૧૦૭૬ આગળ અને પાછળ પણ પાણી, એક અખૂટ પાણીનો જથ્થો (પણ) "તમારી આંખો સમક્ષ એક અડચણ છે”  અને  “તેઓની પાછળ એક અડચણ છે.”

૧૦૭૭ ઘોડો (સવારના) સાથળની નીચે છે, અને ઘોડેસવાર ઘોડો શોધે છે. (જ્યારે પુછ્યુ) આ શું છે ? તે કહે છે, એક ઘોડો, પણ ઘોડો ક્યાં છે ?

૧૦૭૮ અરે, તારી નીચે શું આ ઘોડો નથી, જોવામાં સ્પષ્ટ નથી ? “હા” તે કહે છે, પણ કોઈએ કદી એક ઘોડો, જોયો ?

૧૦૭૯ તે પાણીની તરસે દીવાનો છે, તે (પાણી) તેના ચહેરાની સામે જ છે, તે પાણીમાં છે અને વહેતા પાણીથી બેખબર.

૧૦૮૦ સમુદ્રમાં મોતીની માફક, તે કહે છે, “સમુદ્ર ક્યાં છે ?” અને પેલો છીપ જેવો આભાસ તેની દિવાલ (અડચણ).

૧૦૮૧ તેનું કહેવું “ક્યાં" ? તેના માટે એક પડદો બને છે, સૂર્યના કિરણો ઉપર તેના માટે તે એક વાદળું બને છે.

૧૦૮૨ તેની (જાહેરી) ખરાબ આંખ તેની (આંતરિક) આંખ) ઉપર એક પાટો છે, અડચણ હટાવવાની (સજાગતા જ) તેની એક અડચણ બને છે.

૧૦૮૩ પોતાના (ખુદનું) સજાગપણું તેના (આંતરિક) કાનનો ડટ્ટો બને છે. તારું (સઘળું) ધ્યાન (માત્ર) ખુદા તરફ દોરેલું રાખ, ઓ તું કે જે તેનામાં બેગાનો છે.

હ. મુહમ્મદ (૨.સ.અ.) ની હદિસ ઉપર વિવરણ. “જે કોઈ પણ પોતાની ચિન્તાઓ, એક ચિન્તા બનાવશે, ખુદા તેને બધી ચિન્તાઓથી મુક્ત બનાવશે અને હરકોઈ જે ચિન્તાઓથી વિચલિત થયો છે, ખુદા કઈ ખીણમાં તેનો નાશ કરે છે તેની ચિન્તા (ખુદા) કરશે નહિ.

૧૦૮૪ તું તારૂં ધ્યાન (બધી) દિશાઓમાં વહેંચી નાખેલ છે, પેલી મોહજાળો એક લીલા છોડ જેટલી પણ કીંમતી નથી.

૧૦૮૫ સાંભળ, પેલી સુકેલ ડાળી કાપી નાખ, તેને નસીબ પર છોડી દે, આ લીલી ડાળીને પાણી પા, તેને તાજી કર.

૧૦૮૬ દરેક કાંટાળા મૂળ તારા ધ્યાનનું પાણી (પોતા તરફ) ખેંચે છે, તારા ધ્યાનનું પાણી ફળને કેમ પહોંચશે ?

૧૦૮૭ આ (ચાલુ) વખતે બન્ને લીલી છે, (પણ) છેડો જો. (અને) જો કે આ એક શુન્યમાં પરિણમશે. (જ્યારે) પેલી એકમાંથી ફળ ઉગશે.

૧૦૮૯ ન્યાય શું છે ? વૃક્ષોને પાણી આપવું. અન્યાય શું છે ? કાંટાઓને પાણી પાવું.

પ્રેમીની કહાણી કે જે પોતાની પ્રિયતમા પાસે પોતાની સેવાના કાર્યો અને વફાદારી અને લાંબી રાત્રીઓ (જે દરમ્યાન) તેઓના પાસાઓ તેમની પથારીઓમાં ઘસાતાં હતાં અને ભુખ તરસના લાંબા દિવસો ગણાવતો હતો અને તે કહેતો હતો “મેં તારા સિવાય બીજા કશાની ગણત્રી કરી નથી. જે (હજી) કોઈ ખીદમત કરવી બાકી હોય તો મને જણાવ, કારણ કે તું જે પણ હુકમ કરીશ તે હું બજાવી લાવીશ. પછી ભલે તે હ. ઈબ્રાહીમ ખલિલુલાહની માફક અગ્નિમાં દાખલ થવાનો હોય અથવા હ. યુનુસ (અ.સ.) ની માફક સમુદ્રની મહાકાય મચ્છીના મોઢામાં પડવાનું હોય અથવા ફીરજીસ (અ.સ.)ની માફક સીત્તેર વખત ક્તલ થવાનું હોય અથવા હ. સુયાબની માફક રોતાં રોતાં આંધળા બનવાનું હોય અને વફાદારી અને પયગમ્બરોની કુરબાની માફક જેની ગણત્રી કરી ન શકાય” અને પ્રિયતમાનો જવાબ દેવો.

૧૨૪૨ અમુક પ્રેમી પોતાની પ્રિયતમાની હાજરીમાં તેની સેવાઓ અને કાર્યોની ગણતરી કરતો હતો.

૧૨૪૩ કહે, તારી ખાતર મેં ફલાણું ફલાણું કર્યું. આ લડાઈમાં મેં તીરો અને ભાલાઓના (ઝખમો) સહન કર્યા.

૧૪૪ દૌલત શક્તિ અને કિર્તી ચાલી ગએલ છે. તારા માટેના મારા પ્રેમના કારણે મારા ઉપર કેટલાએ બદકિસ્મત પડેલ છે.

૧૨૪૫ એક પણ સવારે મને ઊંઘતો કે હસતો જોયો નથી. એકાદી સાંજે મને પૈસા અગર સાધન સાથે જોએલ નથી.

૧૨૪ જે કઠણાઈઓ અને સખતાઇઓ તેણે અનુભવી હતી, તે વાળેવાળ ખુલાસાવાર તેણીને ગણી બતાવતો હતો.

૧૨૪૭ ઠપકાના કારણ માટે નહિ. તે પોતાના પ્રેમની સત્યતાની એક સો સાબિતીઓ ખુલ્લી કરતો હતો.

૧૨૪૮ સમજદાર માણસો માટે એકાદ સુચન પણ પૂરતું છે (પણ) તેનાથી પ્રેમીઓની (ઝંખના) કેવી રીતે હટાવાય ?

૧૨૫૦ તે (પ્રેમી) પેલી ઘણા વખતથી ફરિયાદ દિલગીરીપૂર્વક કરતો એક સો શબ્દો બોલતો હતો, કહે, “હું એક શબ્દ પણ બોલ્યો નથી.”

૧૨૫૧ તેનામાં અગ્નિ હતો, તે શું હતું તે, તે જાણતો ન હતો પણ તેની ગરમીના કારણે એક મીણબત્તીની માફક તે રોતો હતો.

૧૨૫૨ પ્રિયતમાએ કહ્યું; “તું આ બધું કર્યું છે. છતાં તારો કાન વધુ ખોલ અને સારી રીતે સમજ.

૧૨૫૩ કારણ કે પ્રેમ અને વફાદારીના મુળનું મુળ છે તે તું કર્યું નથી. આ જે તું કર્યું તે (માત્ર) શાખાઓ જ કરેલ છે.

૧૨૫૪ પ્રેમીએ તેણીને કહ્યું “મને કહે તે મુળ શું છે ?” તેણીએ કહ્યું “તેનું મુળ મરવું અને નહિવત બનવું છે !”

૧૨૫૫ તું (બીજું) બધું કર્યું છે (પણ) તું મરણ પામ્યો નથી, <b>તું જીવે છે, સાંભળ, મરી જા.</b>

૧૨૫૬ તુર્તજ તેણે પોતાને (જમીન ઉપર સુવરાવ્યો) અને (કાયાને) પ્રેતને છોડી દીધું, ગુલાબની માફક, હસતો અને આનંદ પામતો તે પોતાના માથાથી (જીવનથી) રમત રમી ગયો.

૧૨૫૭ પેલો હસનાર અનંતકાળ સુધી તેની સાથે તત્વવેત્તાની સમજણ અને શાંત આત્માની માફક એક બની ગયો.

૧૨૬૨ સુર્યના કિરણે “પાછા ફરો” (ની બૂમ) સાંભળી અને ઉતાવળમાં પોતાના ઉદ્દગમ સ્થાને પાછું ફર્યું.

એક આધ્યાત્મીકે એક કુતરીને બચ્ચાંઓ સાથે જોઈ કે જેના ગર્ભાશયમાં બચ્ચાં ભસતા હતા. તે તાજુબીમાં ગરકાવ બન્યો. કહે, "કુતરાના ભસવાનું કારણ (અજાણ્યાઓ વિરૂદ્ધ) ચોકી કરવાનું છે. માના ગર્ભાશયમાં ભસવું ચોકી રાખવાના ઇરાદા માટે નથી અને ફરીવાર ભસવું કદાચ મદદ માટે બેલાવવાનું બને અને તેનું કારણ દુધ માટેની એક ઈચ્છા પણ હોય, વિગેરે, આ બાબતમાં આવું કારણ છે જ નહિ.” જ્યારે તે ભાનમાં આવ્યો, તેણે ખુદાની બંદગી ગુજારી, અને ખુદા સિવાય બીજો કોઈ તેનો અર્થ જાણતો નથી. જવાબ આવ્યો, એક સમુહની હાલતને જાહેર કરે છે કે જે (રૂહાનીયત) આંતરિક દ્રષ્ટિ ધરાવવાનો ઢોંગ કરે છે અને (જાહેરી) પડદામાંથી બહાર આવ્યા વગર, અને તેઓ દિલની આંખો ઉઘાડયા વગર (ગુઢાર્થ) ઉચ્ચારણો ઉચ્ચારે છે. તેનાથી તેમને પોતાને નથી મળતી શક્તિ અને સ્વાભાવિક મદદ, તેમજ નથી મળતું તેમના સાંભળનારાઓને કાંઈ માર્ગદર્શન અને સાચી દોરવણી.

૧૩૪૫ એક ‘ચીલા' (ચાલીસ) દિવસની ધાર્મિક બંદગી (માટેની નિવૃત્તિ) દરમ્યાન અમુક માણસે રસ્તા ઉપર બચ્ચાંઓ સાથેની જાડી કુતરી સ્વપ્નામાં જોઈ.

૧૩૪૬ તેણે ઓચિંતાના ગલુડીયાની બુમ સાંભળી, ગલુડીયા ગર્ભાશયમાં હતા. અદ્રષ્યમાન.

૧૩૪૭ તેને, ચિચિયારીઓએ ખૂબજ વધુ પડતો આશ્ચર્યચકિત બનાવ્યો. કેવી રીતે કુરકુરીયાં ગર્ભાશયમાંથી બહાર બોલ્યા (તેની તેને નવાઈ લાગી) !

૧૩૪૮ ગલુડીયાં ગર્ભાશયમાં કારમી ચીસો પાડતા હતા. (તેણે વિચાર્યું) શું કદી કોઈએ દુનિયામાં આવું જોયું છે ?

૧૩૪૯ જ્યારે તે પોતાના સ્વપ્નામાંથી જાગૃત થયો અને ભાનમાં આવ્યો ત્યારે તેની મુંઝવણ દરેક પળે વધતી ગઈ.

૧૩૫૦ સર્વશક્તિમાન અને કિર્તીવંત ખુદાની હજુર પુરનુર સિવાય “ચીલા' દરમ્યાન આ ગાંઠ છોડનાર કોઈ હતું નહિ.

૧૩૫૧ તેણે કહ્યું, “ઓ માલિક, આ મુશ્કેલી અને વાદવિવાદના કારણે હું “ચીલા” દરમ્યાન 'તારી ઝીકર'થી વંચિત બન્યો છું.

૧૩પર મારી પાંખો ઢીલી કર કે જેથી હું ઉંચે ઉડું અને ઝીકરના બગીચામાં અને (આત્મજ્ઞાનીઓના) સફરજનની વાડીમાં દાખલ થાઉં.

૧૩૫૩ તેને તુર્તજ અદ્રશ્યમાંથી એક જવાબ મળ્યો, કહે, “જાણ કે તે અજ્ઞાનીની નકામી વાતનું પ્રતીક છે."

૧૩૫૪ કે જે, અંતરપટ અને પડદામાંથી બહાર આવ્યા વગર (અંધાપો હોવા છતાં) નકામી વાતો કરવી શરૂ કરી છે.

૧૩૫૫ ગર્ભાશયમાંની કુતરાની બુમ નકામી છે. 

ઝરવારના લોકો અને ગરીબો તરફની તેઓની અદેખાઈની કહાણી. તેએાએ કહ્યું “અમારા બાપે મુર્ખાઈ ભરેલી નિખાલસતામાં પોતાની ફળવાડીમાંની પેદાશનો મોટો ભાગ ગરીબોને આપ્યા કર્યો. પુત્રોએ દશમો ભાગ (દશોંદ)ની ભરપાઈ વારંવાર જોઈ અને આશીર્વાદ જોયા નહિ.

૧૩૭૩ એક ઈમાનદાર ભલો માણસ હતો. તેણે સંપૂર્ણ સમજ અને અંત (જોવાની) એક (મહાન) દીર્ઘદ્રષ્ટિ હતી.

૧૩૭૪ યમનની નજીક ઝરવાનના ગામડામાં તે તેની સખાવત અને સારા સદ્ગુણોથી પ્રખ્યાત હતો.

૧૩૭૫ તેનું રહેઠાણ ગરીબોનું કાબા હતું. દુઃખીયારાઓ હંમેશાં તેની પાસે આવતા.

૧૩૭૬ તે ફોતરા સાથેનું અનાજ તેમજ ઘઉંનો દશમો ભાગ જ્યારે ફોતરા જુદા કરવામા આવતા ત્યારે આડંબર રહિત દેતો.

૧૩૭૭ જો તેને આટામાં ફેરવતો તો તેનો પણ દસમો ભાગ દેતો. જો તેમાંથી રોટલો બનાવતો તો તે રોટલાનો પણ દસમો ભાગ દેતો.

૧૩૭૮ તે કોઈ પણ પેદાશને દશમા ભાગ (દશોંદ) દેવામાંથી બાકાત રાખતો નહિ. તેણે જે વાવ્યું હોય તેમાંથી ચાર વખત દશમો ભાગ દેતો.

૧૩૭૯ પેલો (ઉદાર) માણસ ચાલુ રીતે પોતાના બધા પુત્રોને ઘણી સુચનાઓ આપ્યા કરતો.

૧૩૮૦ કહે, ખુદાની ખાતર, ખુદાની ખાતર, મારા ચાલ્યા જવા બાદ ગરીબ લોકોનો હિસ્સો કંજુસાઈથી અટકાવતા નહિ.

૧૩૮, કે જેથી પાક અને ફળો ખુદા તરફથી તમારી તાબેદારીના પ્રતાપે એક (ઉતરેલા આશીર્વાદની) માફક કાયમી રહે.

૧૩૮૨ કોઈ પણ અટકળ અથવા શંકા વગર (તે) ખુદા જ છે કે જેણે દ્રષ્યમાંથી બધી પેદાશ અને ફળો મોકલ્યા છે.

૧૩૮૩ જો તમે  એ જગ્યામાં કે જ્યાંથી પેદાશ આવે છે ત્યાં વાપરશો, તો તે નફાનો દરવાજો છે તમો (ત્યાંથી) એક (મોટો) નફો મેળવશો.

૧૩૮૪ તુર્ત આગલી પેદાશમાંથી આવેલ મોટો ભાગ ખેતરમાં વાવે છે, કારણ કે તે ફળો (પાક)નું ઉદ્ગમસ્થાન છે.

૧૩૮૫ તે તેનો ઘણો ભાગ વાવે છે અને (માત્ર) એક થોડું જ વાપરે છે, કારણ કે તેના ઉગવામાં તેને કાંઈ પણ શંકા નથી.

૧૩૮૮ કહીને, આ મારી આવકનું હંમેશાં મૂળ બન્યું છે, આમાંથી, તે જ પ્રમાણે મારી આજીવીકા માટેની ગાંઠો ખુલે છે.

૧૩૮૯ તેની આવક પેલી જગ્યામાંથી આવી છે. અનિવાર્યપણે તેજ જગ્યા ઉપર ખુલ્લા દીલે અને ઉદારતાપુર્વક અર્પણ કરે છે.

૧૩૯૦ આ જમીન (જે પેદાશ પેદા કરે છે) અને (આ) બકરાનું ચામડું એ માત્ર એક પડદો (ગૌણ કારણ) છે. જાણ કે દરેક પળે (ખરૂં) આજીવીકાનું મુળ શું છે.

૧૩૯૧ જ્યારે તમો વાવો, ત્યારે અસલિયાતની જમીનમાં વાવો કે જેથી દરેક દાડે એક લાખ (આશીર્વાદો) ઉત્પન્ન થાય.

૧૩૯૨ (જેમ) હું ધારું છું તેમ જો તમે (હમણાંજ) બિયાં વાવ્યા છે, તે જમીન કે જે (પાક પેદા) કરે છે તેના નીમીતનો તમે વિચાર કર્યો.

૧૩૯૩ જ્યારે તે (બી) બે કે ત્રણ વર્ષ દરમ્યાન ઉગતાં નથી તો તમો બંદગી અને આજીજીમાં (તમારા માથા ઉપર) તમારો હાથ મુકવા સિવાય બીજું શું કરી શકો ?

૧૩૯૬ કે જેથી તમો જાણો કે તે (ખુદા બધા પોષણના) મુળનું મુળ છે અને કે પોષણના શોધનારે માત્ર તેનેજ શોધવો જોઈએ.

૧૪૩૦ તેણે (બાપે) પોતાના છોકરાઓને ઘણી સુચનાઓ આપી અને આગ્રહભરી વિનંતીના બીયાં વાવ્યાં (પણ) તેઓનો પ્રદેશ ઉજજડ હતો, તે કાંઈ મદદગાર બન્યું નહિ.

૧૪૩૧ જો કે સલાહ આપનારને એક સો સુચનાઓ હોય છે, સુચના ધારણ કરવાવાળા કાનની માગણી કરે છે.

૧૪૫૫ પણ એક આભાસ કે જે ખુદાના રસ્તા ઉપર સ્થૂળ પદાર્થ સામે સંબંધિત બનેલ છે.

હ. આદમ (અ.સ.)ની કાયા પેદા કરવાની શરૂઆતમા જ્યારે તેણે (ખુદાએ) હ. જીબ્રાઈલ (અ.સ.)ને હુકમ કર્યો, “કહે જાઓ, આ જમીનમાંથી માટીની એક મુઠી ભરી આવો.”

૧૪૫૬ જ્યારે સિરજનહારે ભલી અને બુરી શક્તિની કસોટીના ઈરાદા અંગે માણસને અસ્તિત્વમાં લાવવા ઈચ્છા કરી ત્યારે,

૧૪૫૭ તેણે સાચા હ. જીબ્રાઈલને હુકમ કર્યો. કહે, જાઓ, પાછી આપવાની અનામત તરીકે જમીન ઉપરથી માટીની એકાદ મુઠી લઈ આવો.

૧૪૫૮ તેઓ ભગીરથ પ્રયાસ માટે કટિબદ્ધ થયા અને પૃથ્વી ઉપર આવ્યા કે જેથી તેઓ પેદા કરાએલા જીવોના માલિકનો હુકમ અમલમાં મુકે.

૧૪૫૯ ફરમાનબરદારે પોતાનો હાથ પૃથ્વી તરફ હલાવ્યો, પૃથ્વી પોતાને સંકોચી અને ડરી ગઈ.

૧૪૬૦ પછી પૃથ્વીએ પોતાની જીભ ઢીલી કરી અને આજીજી કરી, કહે, “અપૂર્વ પેદા કરનાર તરફ ઉચિત પૂજ્યભાવના કારણે.

૧૪૬૧ મારાથી દુર રહો અને ચાલ્યા જાઓ, મારૂં જીવન બચાવો, જુઓ તમારા સફેદ ઘોડાના કટિ પ્રદેશને મારા તરફથી બીજી દિશાએ ફેરવો.

૧૪૬૨ ખુદાની ખાતર, મને છોડી દ્યો અને માણસની મુશ્કિલીઓમાં મને સંડોવો નહિ.

૧૪૬૩ (હું તમને વિનંતી કરૂં છું), ખુદાની પસંદગીના કારણે જેનાથી ખુદાએ તમને પસંદ કર્યા અને સર્વમય તખ્તી (લોહે મહુકુઝ)માં (લખાએલા)થી તમોને માહિતગાર બનાવ્યા.

૧૪૬૪ કે જેથી તમો ફિરસ્તાઓના શિક્ષક બન્યા છો અને ખુદા સાથે ચાલું વાતો કર્યા કરો છો.

૧૪૬૫ તમો ચેતન પ્રગટાવતા આત્માના જીવન છો, નહિ કે કાયાનું (જીવન).

૧૪૬૬ તમોને હ. અસરાફિલ (અ.સ.)ની ઉપર પહેલેથી જ સરસાઈપણું છે કારણ કે તે કાયાનું જીવન છે (જ્યારે) તમો આત્માના (જીવન) છો.

૧૪૬૭ તેમના રણશિંગાનો અવાજ કાયાઓનો વિકાસ (ઉત્પન્ન કરે છે), તમારી ફુંક એક માત્ર દિલનો વિકાસ (પેદા કરે છે).

૧૪૭૬ તેજ રીતે તેણીએ (પૃથ્વીએ) વિનંતી કરી અને સૌગંદ આપ્યા, (તેથી)  તેઓ (હ. જીબ્રાઈલ ખાલી હાથ) પાછા ફર્યા.

૧૪૮૨ જ્યારે હ. મિકાઈલ (અ.સ.) પૃથ્વી ઉપર પહોંચ્યા ત્યારે તેણીમાંથી માટી ખેંચવા તેમણે પોતાનો હાથ લાંબો કર્યો. 

૧૪૮૩ પૃથ્વી ધ્રુજી ઉઠી અને પાછળ હટવું શરૂ કર્યું, તેણી કાલાવાલા કરતી બની અને આંસુઓ વહાવ્યા.

૧૪૯૪ હ. મિકાઈલ (સ. અ.) ઈન્સાફના માલિક પાસે પોતાની શોધની વસ્તુથી હાથ અને પહેરણથી ખાલી (પાછા) ફર્યા.

૧૫૧૯ કારણકે કિર્તીમાન બાદશાહે આંસુઓને “શહીદોના લોહી" જેટલો જ દરજ્જો આપ્યો છે.

૧૫૨૦ આપણા ખુદાએ હ. અસરાફિલ (અ.સ.)ને કહ્યું “જાઓ, પેલી માટીથી તારો હાથ ભરીને પાછા આવો.”

૧૫૨૧ હ. અસરાફિલ (અ. સ.) તેવીજ રીતે પૃથ્વી પર આવ્યા, ફરીવાર પૃથ્વીએ રૂદન શરૂ કર્યું.

૧૫૨૭ તું દયાનો ફિરસ્તો છે, દયા બતાવો ! તું 'તખ્ત’નો ઉપાડનાર અને (દૈવી) બક્ષિશોનો કિલ્લો છો.

૧૫૨૮ ‘તખ્ત' ઈન્સાફ અને પ્રમાણિકપણાની ખાણ (ઉદ્ગમસ્થાન) છે, તેની નીચે દરગુજરપણાથી ભરેલી ચાર નદીઓ છે.

૧૫૨૯ દુધની એક નદી અને એક મધની નદી અનંત કાળ સુધીની, એક શરાબની નદી અને એક વહેતા પાણીની નદી.

૧૫૩૦ ૫છી 'તખ્ત'માંથી તેઓ બહિશ્તમાં વહે છે (તેમાંની) થોડીએક ચીજો આ દુનિયામાં પણ દેખાય છે.

૧૫૩૧ અલબત અહીં પેલી ચાર નદીઓ ગંદી બની છે. શાથી ? મરણાધીનતા અને અપચાના ઝેરથી.

૧૫૩૨ પેલી ચારેય (નદીઓમાંની) દરેકમાંથી કાળી-પૃથ્વી ઉપર એક ઘુંટ રેડવામાં આવેલ છે અને લાલચ આગળ ધરવામાં આવી છે.

૧૫૩૩ એટલા માટે કે આ જંગલી કંગાળો તેનું મુળ શોધે (પણ) આ અર્થહિન લોકોનાં ટોળાં આ (ઘુંટડાથી) સંતુષ્ટ છે.

૧૫૩૪ તેણે (ખુદાએ) નાનાં બચ્ચાંઓ માટે દુધ અને પોષણ આપેલ છે, તેણે દરેક સ્ત્રીની છાતીને (દુધનો) એક ઝરો બનાવેલ છે.

૧૫૩૫ (તેણે) દિલગીરી અને ચિંતા હાંકી કાઢવા શરાબ (આપેલ છે), તેણે દ્રાક્ષને હિંમત આપતો એક ઝરો બનાવેલ છે.

૧૫૩૬ માંદાઓ માટે કાયાના એક ઈલાજ તરીકે તેણે મધ આપેલ છે, તેણે એક મધમાખીના આંતરિક ભાગને (મધનો) એક ઝરો બનાવ્યો છે.

૧૫૩૭ તેણે ડાળી અને મુળને સરખી રીતે ચોકખાઈ અને પીવા માટે પાણી આપ્યું છે. 

૧૫૩૮ (હેતુ એ છે) કે તમો આ (નિષ્પન્ન વસ્તુંઓના) અસલીયાત તરફનો રસ્તો અનુસરો.

૧૫૪૪ ઓ (તમે કે જેઓ) દિલગીરીભરેલા તરફ દર્દ મટાડનાર યાને દવા છો. તમે પેલા બન્ને (જીબ્રાઈલ અને મિકાઈલની જેમ) ફાયદા પહોંચાડનારની માફક જ કરો.

૧૫૪૫ તુર્તજ હ. અસરાફિલ (અ.સ.) બાદશાહ (ખુદા) પાસે પાછા ફર્યા.

દ્રઢ ઠરાવ અને મજબુત મનના ફિરસ્તા હ. અઝરાયલ (અ.સ.)ને મુઠીભર માટી ઉઠાવી લાવવા મોકલાવવું, એટલા માટે કે હ. આદમ (અ.સ.)ની કાયા સજાગ બને.

૧૫૪૯ ખુદાએ વિના વિલંબે હ. અઝરાયલ (અ.સ.)ને કહ્યું “નકામી કલ્પનાથી ભરેલી પૃથ્વી ઉપર નજર નાખ.

૧૫૫૦ પેલી નબળી બેઅદબ ઘરડી બેવડ ડોસીને શોધ, ધ્યાનથી સાંભળ, મુઠીભર મારી લઈ આવ અને ઉતાવળ કરજે.”

૧૫૫૧ હ. અઝરાયલ (અ.સ.) (દૈવી) વટહુકમના અફસર અવકાશી ગોળા તરફ હુકમ અનુસાર રવાના થયા.

૧૫૫૨ પૃથ્વીએ રિવાજ મુજબ, ખુબજ મોટેથી રૂદન શરૂ કર્યું. તેણીએ તેને આજીજી કરી, તેણીએ ઘણાએક કસમો ખાધા.

૧૫૫૩ બુમ પાડી કહે “ઓ પસંદગી પામેલા યુવાન, ઓ તખ્તના ઉપાડનાર, ઓ તું કે જેનો હુકમ જમીન આસમાનમાં અનુસરાય છે.

૧૫૫૪ મહાન ખુદાની કૃપાની દયાની ખાતર, રવાના થઈ જાઓ, તેણે કે જેણે તારામાં દયા દાખલ કરી છે તેની ખાતર રવાના થઈ જાઓ.

૧૫૫૫ બાદશાહ કે જે એકલો જ પુજાય છે તેના ખાતર (રવાના થઈ જાઓ), અને જેનાથી કોઈનું પણ રૂદન ઈન્કારાતું નથી.

૧૫૫૮ તેણે (અજરાઈલે) જવાબ આપ્યો, “તે અર્થઘટન એક અંતરાય બનશે. હુકમના સ્પષ્ટ અર્થોનો ગુંચવાડો શોધ નહિ.”

૧૫૫૯ જો તમે તમારો પોતાનો વિચાર બદલો (કે જેથી હુકમ સાથે સહમત બનો). તેનાથી તે વધુ સારૂં છે કે તમો આ હુકમનો અવળો અર્થ કરો.

૧૫૬૦ મારૂં દિલ તમારી આજીજીઓથી બળે છે, તમારા આ ખારમય આંસુઓના કારણે મારૂં અંતઃકરણ લોહીથી ભરાઈ ગયું છે.

૧૫૬૧ હું દયા વગરનો નથી, નહિ, દિલગીરી ભરેલાઓની દિલગીરી માટે પેલા ત્રણ પવિત્રો (આગળ આવી ગએલા ફરિસ્તાઓ) કરતાં મને વધુ દયા છે.

૧૫૬૨ જો હું એક અનાથને પણ તમાચો મારૂં જ્યારે માયાળું પ્રકૃતિવાળો પુરુષ (ખુદા) તેના હાથમાં (હલવો) મિઠાઈ મુકે.

૧૫૬૩ પેલા મારા તમાચાઓ બીજાના હલવા કરતાં વધુ સારા છે, અને જો તે (બીજાના) હલવાથી મોજીલો બન્યો તો તેના પર શાપ હોજો !

૧૫૬૪ તારી આક્રંદમય બુમથી મારૂં દિલ બળે છે, પણ એક મોટી દયા જાણવા, ખુદા શીખવી રહ્યો છે.

૧૫૬૫ માયાળુપણું ઘાતકીપણાની અંદર છુપાએલ છે, અમુલ્ય અકીક ગંદકીમાં સંતાએલ છે.

૧૫૬૬ ખુદાથી આચરેલું ઘાતકીપણું મારી એક સો દયાઓ કરતાં વધુ બહેતર છે, ખુદાના હુકમની સામે થવું અને તેનામાં પોતાને ન સમાવવું તે આત્મા તરફ ટળવળાટ છે.

૧૫૬૭ તેનું સખતમાં સખત ઘાતકીપણું બંન્ને દુનિયાની દયા કરતાં વધુ બહેતર છે. “પેદા કરાએલા સજીવ જીવોનો માલિક” કેવો ઉત્તમ છે અને (તેની) મદદ કેવી મહાન છે !

૧૫૬૮ તેના ઘાતકીપણામાં ગુપ્ત માયાળુપણું છે, તેટલા માટે આત્માનું તેને સુપ્રદ થવું આત્માનું જીવન વધારે છે.

૧૫૬૯ ધ્યાન દઈને સાંભળ, શંકા અને ભુલ ખાવી છોડી દે, જ્યારે કે તેણે તને આવવાનો હુકમ કર્યો છે ત્યારે તારા મસ્તકને તેના તરફ ઉતાવળે જવા, તારા મસ્તકને દોડતું બનાવ…

૧૫૭૦ તેનું “આવો” તને ઉચ્ચતા આપશે, તે (તને) નશો અને (રૂહાનીયત) નવોઢાઓ અને પલંગો આપશે.

૧૫૭૧ ટૂંકમાં, હું કદીપણ પેલા અપૂર્વ હુકમને નબળો અને વાકછળથી ગુંચવણભર્યો બનાવી શકું નહિ.

એક ઘણીજ જાણીતી કહેવત છે, (ખાસ કરીને), “દિવાલે ખીલીને કહ્યું,  ”શા માટે તું મને ફૂટે છે ? ખીલીએ જવાબ આપ્યો, જે તમને ફટકારે છે તેના તરફ જુઓ” સમજાવવું.

૧૫૯૦ હું તેની (ખુદાની) બે આંગળીએ વચ્ચે એક કલમની માફક છું. હું (તેના તરફની) તાબેદારીની હરોળમાં ડગુમગુ થનાર નથી.

૧૫૯૧ તેઓ (હ. અઝરાઈલ) આ વિવરણમાં પૃથ્વી સાથે મશગુલ હતા. (અને તે દરમ્યાન) તેમણે જુની જમીનમાંથી (માટીની) મુઠી ઉપાડી લીધી.

૧૫૯૨ એક જાદુગરની માફક તેણે પૃથ્વીમાંથી (માટી) ઝૂંટવી લીધી, (જ્યારે) પૃથ્વી તેના શબ્દો સાંભળવામાં તલ્લીન બની હતી.

૧૫૯૩ તેઓ બેધ્યાન માટીને ખુદા પાસે લાવ્યા (તેઓ) ભાગી ગએલાને પાછા નિશાળે લાવ્યા.

૧૫૯૪ ખુદાએ કહ્યું “ મારા દેદીપ્યમાન જ્ઞાનની (હું કસમ ખાઉં છું) કે હું આ (મારા) પેદા કરાએલા જીવોનો તને ફાંસીગર બનાવીશ.”

૧૫૯૫ તેણે જવાબ આપ્યો, “ઓ માલિક, જ્યારે હું તેમને મોતના ઘાટે ઉતારીશ ત્યારે તારા પેદા કરેલાઓ મને પોતાનો દુશ્મન સમજશે.

૧૫૯૬ ઓ માનવંતા માલિક મને દ્રષ્ટિમાં ધિક્કારાએલો અને દુશ્મન જેવો બનાવવો તે આપને યોગ્ય લાગે છે ?”

૧૫૯૭ તેણે (ખુદાએ) કહ્યું  “હું અમુક કારણો (જેવા કે) તાવ અને મરડો અને પાગલપણું અને ભાલાના (જખમો)ને ખુલ્લા દ્રષ્યમાન બનાવીશ.

૧૫૯૮ આમ કરીને હું તેઓનું ધ્યાન તારામાંથી (મૃત્યુને) બિમારીઓ અને ત્રણ કારણો તરફ ફેરવીશ.”

૧૫૯૯ તેણે (હ. અઝરાઈલે) જવાબ આપ્યો, “ઓ માલિક, ઓ સર્વશક્તિમાન, એવા પણ તારા ચાકરો છે કે જેઓએ કારણોના (આભાસોને) ચીરી નાખેલ છે. 

૧૬૦૦ તેઓની આંખો કારણની આરપાર પસાર થાય છે, માલિકની દયા થકી તે બધા પડદાઓ પસાર કરી ગએલ છે.

૧૬૦૧ તેઓ પરમ આનંદના આંખના નિષ્ણાતપણામાંથી એકતાનું આંજણ મેળવ્યું છે અને અસ્થિરતા અને વ્યાધિમાંથી મુક્ત બનાવાયા છે.

૧૬૦૨ તેઓ તાવ અને મરડો અને ક્ષય તરફ જોતા નથી. તેઓ આ કારણોને પોતાના દિલમાં દાખલ કરતા નથી.

૧૬૦૩ કારણ કે આ દર્દોમાંના દરેકનો ઈલાજ છે, જ્યારે તે અસાધ્ય બને છે ત્યારે તે (દૈવી) વટહુકમનું કાર્ય છે.

૧૬૦૪ ખાત્રીપુર્વક જાણો કે દરેક દર્દને તેની દવા છે, (દાખલા તરીકે) રૂવાંટીવાળું ચામડું ઠંડીના દુઃખ માટે દવા છે.

૧૬૦૫ (છતાં) જ્યારે પેલા એક માણસને ઠંડીથી થીજેલો બનાવવા ખુદા ઈચ્છે છે ત્યારે ઠંડી એક સો ચામડાની અંદર પણ દાખલ થાય છે.

૧૬૦૬ અને તેના શરીરમાં એક ધ્રુજારી મૂકે છે કે જે માળામાં છુપાઈ જવામાં કે કપડામાં વિંટાળવાથી પોતાને બચાવી શકશે નહિ.

૧૬૦૭ જ્યારે વટહુકમ આવે છે ત્યારે વૈદ મુર્ખ બને છે અને દવા પણ પોતાનું કાર્ય બજાવવામાં નિષ્ફળ બને છે.

૧૬૦૮ (ગુઢાર્થ) જોનારનું નિરખવું આ (ગૌણ) કારણોથી પડદામય કેમ બનાવાય કે જે બેવકુફને પકડવાનો એક પડદો છે ?

૧૬૦૯ જ્યારે આંખ તદ્દન સંપૂર્ણ છે. ત્યારે તે મુળ (અસલિયાત) જુએ છે, જ્યારે એક માણસ ત્રાંસી આંખવાળો છે ત્યારે તે ડાળી (નિષ્પન્ન વસ્તુ) જુએ છે.

૧૬૧૦ ખુદાએ કહ્યું “તે કે જે અસલ પરખે છે (નિષ્પન્ન વસ્તું તરફ ધ્યાન આપતો નથી) તો પછી તે તારા મધ્યસ્થીપણાના ધ્યાનવાળો કેમ બનશે ?

૧૬૧૧ અલબત્ત તું અધમપણામાંથી (તારી ખરી પ્રકૃતિને) સંતાડી છે, છ્તાં પણ ચોક્ખી આંખવાળો (આત્મજ્ઞાની) માટે તું એક પડદો (નિમિત્ત) સિવાય બીજું કંઈજ નથી.

૧૬૧૨ અને (ખરેખર) પેલાઓ કે જેઓને મૃત્યુ સાકરની માફક (મીઠું) છે, તેઓની (આ દુનિયાની માલ મિલકતથી) મદહોશ કેમ બનશે. (કેમ અંજાઈ જશે) ?

૧૬૧૩ શારીરિક મૃત્યુ તેમને વસમુ લાગતું નથી, જ્યારે કે તેઓ અંધાર કોટડી અને જેલમાંથી એક બગીચામાં જાય છે.

૧૬૧૪ તેઓને આ મહાદુઃખના જગતમાંથી મુક્ત બનાવાયા છે, કીંમત વગરની નુકશાની માટે કોઈ રૂદન કરતું નથી.

૧૪૧૫ જો ધરતીકંપ અથવા વિજળી એક જેલનો કોઠો તોડે તો કોઈપણ કેદીનું દિલ તેનાથી ગુસ્સે બનશે ખરૂં ?

૧૬૧૬ (શું તેઓ કહેશે ?) “અફસોસ, તેણે આરસનો પથ્થર તોડયો છે કે જેથી આપણા અંતઃકરણો અને આત્માઓ આ જેલમાંથી છુટયા છે.

૧૬૧૭ જેલના કોઠાના સુંદર આરસ અને ઉમદા પથ્થર આપણને ખુશ કરતા નથી અને આનંદ આપતા હતા.

૧૬૧૮ શા માટે તેણે તેમને તેડ્યા, કે જેથી કેદીઓ નાશી ગયા ? તેનો હાથ આ (ગુન્હાની) સજા તરીકે ભાંગી નાખવો (કાપી નાખવો) જોઈએ.

૧૬૧૯ કોઈ પણ કેદી આવી અક્કલ વગરની વાત કરશે નહિ.

૧૬૨૨ ભોંયરામાંનો કેદી કે જે રાત્રીના ઉંઘમાં પડે છે અને એક ગુલાબના બગીચાનું સ્વપ્નું જુએ છે.

૧૬૨૩ અને કહે છે, “ઓ ખુદા, મને મારી કાયામાં પાછો મોકલતો નહિ (પણ મને એકલો રહેવા દે) એટલા માટે કે આ બગીચામાં એક શાહજાદાની માફક હલન ચલન કરું. 

૧૬૨૪ ખુદા તેને કહે છે, “તારી પ્રાર્થના સ્વીકારવામાં આવી છે, પાછો જતો નહીં. સાચો રસ્તો સૌથી સારી રીતે ખુદા જાણે છે,”

૧૬૨૫ આવું સ્વપ્નું કેવું ખુશકારક છે તેની ગણત્રી કર ! મૃત્યુ જોયા વગર તે (સ્વપ્ન જોનાર) બહિશ્તમાં જાય છે.

૧૬૨૮ ઉપર તરફની મુસાફરીની ઉમેદમાં (જાગૃત થા અને) ઓ યુવાન મિહરાબ તરફ પ્રાર્થના અને રૂદન કરવા એક મીણબત્તીની માફક ઊભો રહે.

૧૬૨૯ વરસાદની માફક તારા આંસુઓને પડવા દે, ભડકાઓથી પોતાનું મસ્તક ગુમાવતી એક મીણબત્તીની માફક આખી રાત્રી પ્રેરણાની શોધમાં ઉત્સાહી બન. 

૧૬૩૦ (જાહેરી) ખોરાક અને પીવા વિરુદ્ધ તારા હોઠો બંધ કર, આસમાની બેઠક તરફ ઉતાવળ કર.

૧૬૩૧ ચાલું રીતે તારી ઈચ્છા બહિશ્ત ઉપર (ચોંટાડેલી) રાખ. બહિશ્ત માટેની ઈચ્છામાં ચરખાની માફક નાચતો રહે !

૧૬૩૨ ચાલું રીતે બહિશ્તમાંથી (રૂહાનીયત) પાણી અને અગ્નિ તારા તરફ આવતા રહેશે અને તારો ખોરાક વધારતા રહેશે.

૧૬૩૩ જો તે (તારી પ્રેરણા) તને ત્યાં ખેંચી જાય, તો તે અજાયબી નથી. તારી કમજોરી ઉપર ધ્યાન ન દે, તારી શોધ (પ્રેરણા) તરફ ચાલુ રાખ.

૧૬૩૪ કારણ કે આ શોધ તારી સાથેની ખુદાની જામીનગીરી છે, કારણ કે દરેક શોધનાર (પોતાથી) કાંઈક શોધવાને લાયક છે.

૧૬૩૫ તનતોડ મહેનત કર કે આ શોધ વધે, કે જેથી તારૂં દિલ (આત્મા) આ શારિરીક કેદમાંથી નાશી છુટે.

૧૬૩૬ લોકો કહેશે, “બીચારો ફલાણો ફલાણો મરી ગયો, ” (પણ) તું કહીશ “ઓ ધ્યાન વગરના હું જીવું છું.”

૧૬૩૭ જોકે બીજી કાયાઓની માફક મારી કાયા આરામમાં મુકાણી છે (છતાં) આઠેય બહિશ્તો મારા દિલમાં ખીલી ઉઠેલ છે,

૧૬૩૮ જ્યારે આત્મા ગુલાબો અને જુઈના ફુલો વચ્ચે આરામમાં પડેલ છે, ત્યારે જો કાયા પેલી વિષ્ઠાની અંદર દટાએલી હોય તો પણ શી પરવા ?

૧૬૩૯ આવી રીતે સુતો પડેલો આત્મા કાયા વિષે શું જાણશે ? કે તે (કાયા) ગુલાબના બગીચામાં છે કે રાખના ખાડામાં ?

૧૬૪૦ (કારણ કે) નિલરંગી અવકાશની દુનિયામાં આત્મા બુમ પાડે છે, “અરે, પેલા મારા લોકોએ શું જાણ્યું ?"

૧૬૪૧ જો આત્મા આ કાયા વગર રહી શકે નહિ, તો પછી બહિશ્ત (અનંતકાળના રહેઠાણ) અને મહેલ કોના માટે બનત ?

૧૬૪૨ જો તારો આત્મા કાયા વગર જીવે નહિ તો (કુરાનમાં આપેલું વચન) “બહિશ્તમાં તમારો ખોરાક છે” કોના માટે આશીર્વાદીત છે ?

યા અલી મદદ