મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી
વાર્તા - ૨
વાર્તા - ૨
નિયમીત બંદગી અને રોજા અને (આવી) બધી જાહેરી ચીજો આંતરિક પ્રકાશની સાક્ષીઓ છે તે સમજાવવા વિષે.
૧૮૩ આ (નિયમીત) બંદગી અને રોજા અને હજ અને જિહાદ (આંતરિક) ઈમાનના પ્રમાણ છે.
૧૮૪ જકાત અને ભેટો આપવી અને ઈર્ષાને તજી દેવી એ એક માણસના ગુપ્ત વિચારોના સાક્ષી છે.
૧૮૫ ખોરાક અને મહેમાનગીરીની તાસકો તે જાહેરાતના માટે છે કે “અમો ઓ (મહાન) મહેમાનો, અમે તમારાથી સાચા સુમેળવાળા બન્યા છીએ.”
૧૮૬ ઈનામો અને ‘મહેમાનીઓ અને ખુદાને અર્પણ કરવું, સાક્ષી પુરે છે કે “અમો તારાથી ખુશ છીએ.”
૧૮૭ જે કોઈપણ પૈસા આપવામાં અથવા કાકલુદી કરવામાં પોતાને ક્રિયાશીલ કરે છે તેની (માયના) શું છે ? (તેનું કહેવું છે કે) “મારી અંદર એક ઝવાહીર છે. "
૧૮૮ મારી પાસે ઝવાહીર છે એટલે કે ‘પરહેજી અને ઉદારતા' આ સખાવત અને રોજાઓ (આ બન્ને ગુણોને) લગતા સાક્ષીઓ છે.
૧૮૯ રોજાઓ સર્વથા કહે છે, તે કે જે (સર્વમાં) હલાલ, કાયદાસરનું હતું તેનાથી પરહેજી કરી છે (તો પછી) જાણ કે તેને હરામ (ગેરકાયદેસર સાથે) સંબંધ નથી.
૧૯૦ અને તેણે આપેલી ઝકાત (સર્વથા) કહે છે, તે પોતાના ખુદની માલમિલ્કત આપે છે તો પછી તે ધર્મીષ્ઠોની ચોરી કેમ કરશે?
૧૯૧ જો તે પોતાના (સ્વાર્થીપણામાં) ખિસ્સાકાતરૂની જેમ વર્તશે તો પછી બન્ને સાક્ષીઓ દૈવી ઈન્સાફની કોર્ટમાં કાયદાસરના નહિ કહેવાય.
૨૨૫ ઓ કર્ણપ્રિય સુંદર અવાજવાળા, બિલાલ, મિનારા ઉપર જા" રવાના થવાનું નગારૂં વગાડ.
૨૨૬ જ્યારે કાયા (નિયમિત બંદગીમાં) ઉભી છે, આત્મા તેની મુસાફરી ઉપર ગએલ છે. જ્યારે કે તેનો આત્મા પાછા ફરવાની પળે તે કહે છે, 'સલામ'
૨૨૭ (દુનિયામાં પાછા ફરતી વખતે) તે બધાને માટીથી વઝુ કરવાથી અને કિબ્લા શોધનારાઓને યોગ્ય દિશા નક્કી કરવાના પ્રયાસથી મુક્ત કરે છે.
૨૩૨ તૃપ્તિ ખુદામાંથી છે, પણ એક ગંદો, રોટલાના ધ્યાન વગર તૃપ્તિ કેમ મેળવશે ?
૨૩૩ સુંદરતા ખુદામાંથી છે, પણ ભૌતિકવાદી સુંદરતાની અસર બગીચાના પડદા (મધ્યસ્થી) વગર અનુભવી શકે નહિ.
૨૩૪ જ્યારે કાયાની મધ્યસ્થી હટાવાય છે. (પછી) તે કે જે (કાયાથી મુક્ત બનાવાયો) હ. મુસા (અ.સ.)ની માફક 'ચંદ્રમા'નું 'નુર' (તેના પોતાના) દિલમાં કોઈ પણ પડદા વગર મેળવે છે.
૨૩૫ પાણીથી ધરાવેલા આ સદ્ગુણો સાક્ષી પુરે છે તેની માફક જ છે, તેની આંતરિકતા ખુદાની રહેમતથી છલોછલ ભરાએલ છે.
૨૨૧ ખરેખર આ પાણીના કહેવાનો ભાવાર્થ ઓલિયાઓનો આત્મા છે કે જે તમારા કાળા ડાઘાઓને ધોઈ નાખે છે.
પ્રકાશિત પુરૂષની અંદરથી નૂર પોતેજ તેના 'નૂર' ની સાક્ષી પુરે છે. કોઈપણ આમાલ કે શબ્દથી તેની જાહેરાત કર્યા વગર. તે સમજાવવા વિષે.
૨૪૩ તેમના (ખુદાના) સાક્ષી બનવાની હકીકત સાક્ષીઓ અને ઉપદેશો અને આત્મ-ભક્તિ અને જીવનના-બલિદાનના કાર્યોથી સ્વતંત્ર છે.
૨૪૪ જ્યારે કે પેલા (રૂહાનીયત) સત્વનું 'નુર' પ્રકાશિત બન્યું છે ત્યારે તેણે આ ઢોંગથી સ્વતંત્રતા મેળવી છે.
૨૪૫ તેથી તેના આમાલ અને વાણીની તેની પાસેથી સાબિતીની માગણી ન કર. કારણ કે તેના થકી બન્ને દુનિયાઓ એક ગુલાબની માફક ખીલી ઉઠી છે.
૨૪૬ આ સાબિતી શું છે ? તે કે જે ગુપ્ત છે તે જાહેર બનાવાય, ભલે પછી તે શબ્દથી કે કાર્યથી કે બીજા કંઈક થકી હોય.
૨૪૭ કારણ કે તેનો હેતુ રૂહાનીયત સત્વની આંતરિક પ્રકૃતિને જાહેર બનાવવાનો છે, (પેલા સત્વના) ગુણધર્મ કાયમી છે, જો કે આ આફતો (આમાલો અને વાણીઓ માફક) ઝપાટાબંધ પસાર થઈ જાય છે.
૨૪૮ ચકાસણીના પત્થર ઉપર સોનાની નિશાની રહેતી નથી. (પણ) સોનું (પોતે) ભલી પ્રખ્યાતીનું બેશક રહે છે જ,
૨૪૯ તેવી જ રીતે, આ (બધી) નિયમીત બંદગી અને જીહાદ અને રોજાઓ રહેતા નથી પણ આત્મા (હંમેશ માટે) ભલી યાદીમાં રહે છે.
૨૫૯ જ્યારે તારો સાક્ષી પ્રમાણિક સાબિત થયો છે ત્યારે તે સ્વીકારવામાં આવેલ છે નહિતર તેને કસ્ટડીમાં એક કેદી માફક રાખવામાં આવેલ હોત.
૨૬૦ ઓ ઉદ્ધત, જ્યાં સુધી તું (પવિત્ર ઔલિયાથી) સ્પર્ધા કરીશ ત્યાં સુધી તેઓ (તારી સાથે) સ્પર્ધા કરશે. “તેમને માટે રાહમાં આડા પડો, પછી ખરેખર, તેઓ (તારાથી) રાહમાં આડા પડયા છે." હ. મુસ્તફા (૨. સ. અ.)એ પોતાના મહેમાનને સાબિતી આપી.
૨૬૧ આ વિવરણનો અંત નથી. હ. મુસ્તફા (૨. સ. આ.)એ તેને ‘ઈમાન’ની દરખાસ્ત કરી, અને યુવાને સ્વીકારી.
૨૬૨ પેલી સાબિતી કે જે કાયમની આશીર્વાદીત બની છે અને કાયમ માટે સખત બંધાએલી બેડીઓને છુટી કરી છે.
૨૬૩ તે એક સાચો ઈમાનદાર બન્યો, હ. મુસ્તફા (૨. સ. અ.)એ તેને કહ્યું “આજ રાત્રે પણ મારો મહેમાન બનજે.”
૨૬૪ તેણે કહ્યું, “ખુદાના કસમ, હું અનંત કાળ માટે તમારો મહેમાન છું. હું ગમે ત્યાં હોંઉ કે ગમે ત્યાં જાઉં.
૨૬૫ હું તારાથી જીવતો બનાવાયો છું અને તારાથી જ મુક્ત કરાયો છું, આ દુનિયા અને પેલી દુનિયામાં તારા મેજ ઉપર (જમનાર) છું.”
૨૭૭ પેલો અરબ તે રાત્રીના હ. પયગમ્બર સાહેબનો મહેમાન બન્યો. તેણે એક બકરીનું માત્ર અર્ધુજ દુધ પીધું અને (પછી) પોતાના હોઠો બંધ કર્યા.
૨૭૮ તેઓએ (હ. પયગમ્બર સાહેબે) દુધ પીવા અને કંઈક ખાવાની તાણ કરી, તેણે કહ્યું. “ખુદાના કસમ, ખરા દિલથી કહું છું કે હું ધરાઈ ગયો છું."
૨૭૯ આ ઢોંગ અથવા મિથ્યા આડંબર અને બનાવટ નથી. ગઈ રાત્રી કરતાં વધુ પેટ ભરેલ છે."
૨૮૦ (હ. પયગમ્બર સાહેબના) ઘરના બધા માણસો નવાઈમા ગરક થયા કે આ બત્તી આ તેલના એક ટીપાથી ભરાઈ ગયેલ છે !
૨૮૧ અને તે કે જે (માત્ર) ખોરાકનો (એક) ટુકડો જ હતો જે આવા એક હાથીના પેટને (ભરવાનું) નિમીત્ત બનેલ છે.
૨૮૨ સ્ત્રીઓ અને પુરૂષોમાં ગણગણાટ ઊઠયો “પેલો માણસ કે જેની કાયા એક હાથીની છે તે એક માખી જેટલું થોડું ખાય છે.”
૨૮૩ અશ્રદ્ધાની તુંડમીજાજી અને લાલસા જીતાઈ ગએલ હતી, અજગર એક કીડીના ખોરાકથી સંતોષાયો હતો.
૨૮૪ અશ્રદ્ધાની ભિખારી જેવી કંજુસાઈ તેનાથી છુટી પડી ગઈ હતી. ઈમાનના મીઠા ખોરાકે તેને મજબુત અને મજબુત બનાવ્યો.
૨૮૫ તે કે જે ઝનુની ભુખથી કંપતો હતો તેણે હ. મરીયમની માફક બહિશ્તના ફળ નિહાળ્યા.
૨૮૬ બહિશ્તના પેલા ફળે તેની કાયાને સંતોષી. તેના દોજખ જેવા પેટે વિસામો મેળવ્યો.
૨૮૭ ‘ઈમાન’નું સત્ય એ શક્તિશાળી આશીર્વાદ છે, અને ખૂબજ ઉત્તમ સ્વાદિષ્ટ ખોરાક છે. ઓ તું કે જે ઈમાનથી નહિ પણ ધંધાથી સંતોષાયો છે.
"નુર ” કે જે આત્માનો ખોરાક છે, ઔલીયાની કાયાનો ખોરાક બને છે. તેથી તે (તેની કાયા )પણ આત્મા સાથે આત્મીય બને છે. (હદીસ) “મારા શેતાને મારા હાથે ઈસ્લામ સ્વીકાર્યો છે.”
૨૯૦ શેતાન ત્યાં સુધી મુસ્લિમ કેમ બને કે જ્યાં સુધી તેણે મધુર ખોરાક ખાધો નથી કે જેનાથી મરેલાને હૈયાત બનાવાય ?
૨૯૧ સેતાન લાલસાપૂર્વક દુનિયાથી પ્રેમમાં, આંધળો અને બહેરો છે. (પણ આ) પ્રેમ, કાંઈ પણ શક વગર બીજાના પ્રેમથી કપાએલો બની રહે.
૨૯૨ દિવ્ય દ્રષ્ટિના ભોંયરામાંથી જ્યારે તે 'મદિરા’નો સ્વાદ લ્યે છે, આસ્તે આસ્તે તેનો પ્રેમ પેલી બાજુએ બદલાતો જશે.
૨૯૩ ઓ તું કે જેનું પેટ કંજુસ છે, (દુનિયામાંથી) આમ હટી જા, એક માત્ર રીત ખોરાક બદલવાની છે.
૨૯૭ “ નૂર” ઉપર નિર્વાહ કર, આંખ જેવો બન. ઓ માણસ જાતમાંનો સર્વોત્તમ, ફિરસ્તાઓની હદનો બન.
૨૯૮ ફિરસ્તાઓની માફક તારો ખોરાક ખુદાવંદતઆલાની કિર્તીને બનાવ. કે ફિરસ્તાઓની માફક તું સંતાપમાંથી મુક્ત બને.
૩૯૩ આ બતક કે જે લાલસા છે, ખલીલ (ઈબ્રાહિમ ખલીલુલ્લાહ) પાસેથી તે બતકને મારી નાખવી જ જોઈએ, તે શીખ.
આ વાંકી વળેલી બતકનો કિસ્સો છે, જે લોભ છે: ખલીલ (ઈબ્રાહિમ) પાસેથી બતકને મારી નાખવાનું શીખ.
૩૯૪ આના સિવાય બતકમાં ઘણું ભલું અને બુરું છે (પણ) હું બીઉં છું કે વિવરણના (વધુ ઉપયોગી) મુદ્દાઓ હું ચુકી જઈશ.
મોર અને તેની પ્રકૃતિ અને હ. ઈબ્રાહિમ (અ.સ.)નું તેને મારી નાખવાના કારણનું વર્ણન કરવું.
૩૯૫ હવે આપણે બે રસવાળા (બેવડા ચહેરાવાળા) મોર તરફ આવ્યા, કે જે પ્રખ્યાતી અને નામનાની ખાતર પોતાને પ્રદર્શિત કરે છે.
૪૦૧ (લોકોની) પાછળ, (દોસ્તોની) મેદની અને કિંમત વગરની કિર્તી અને ખુદી અંગે તું શું એક દોરી અથવા વણાટ મેળવીશ ? અનુભવ કર અને જો.
૪૦૨ (તારી) ઘણી ખરી (જીંદગી) ચાલી ગઈ છે અને દિવસ થોડો છે. (છતાં) તું હજી પણ લોકોની પાછળ પડવામાં મશગુલ છો.
૪૦૩ હલકટ ટોળાની માફક એકને પકડવામાં અને બીજાને સકંજામાંથી છોડવામાં મથ્યો રહે છે.
૪૦૪ પછી ફરીવાર આ એકને છુટો કરીને બીજાની શોધ, અહીં એક બચ્ચાની ધ્યાન વગરની રમત છે.
૪૧૧ પ્રેમ મારા કાનમાં ખૂબજ ધીમેથી કહે છે. “શિકારી બનવા કરતાં શિકાર બનવું વધુ સારું છે.”
૪૧૨ તારા ખુદને મુર્ખ બનાવ અને એક છેતરાએલો બન, ઉંચા સૂર્યના દરજજાને મુકી દે, એક પતંગીયું બન.
૪૧૩ મારા દરવાજાનો એક રહેનાર બન અને ઘર વગરનો બની જા. એક બત્તી બનવાનો ઢોંગ ન કર, એક પતંગીયું બની જા.
૪૧૪ કે જેથી તું જીવનની સુવાસ જુએ (માણે) અને દાસત્વમાં છુપાએલી બાદશાહીનું કાળજીપુર્વક મનન કરે.
૪૫૪ દયાળુ હ. પયગમ્બર સાહેબે ખૂબજ ઉત્તમ રીતે કહ્યું છે : “સમજણનું એક પતંગીયું તારા માટે રોજાઓ અને નિયમીત બંદગી કરતાં વધુ ઉત્તમ છે."
૪૭૦ યુક્તિ યોજ કે તમારી પોતાની યુક્તિ-પ્રયુક્તિમાંથી મુક્તિ મેળવો. યુક્તિ યોજ કે તમે કાયાથી અનાસકત (છુટા) બનો.
૪૭૧ યુકિત યોજ કે તમો (ખુદાના) 'નીચામાં નીચા ગુલામ બનો, જો તમો (ખુદીમાં) નીચા (ની હાલતમાં) દાખલ થશો તો તમો અમીરી (દરજજાવાળા) બનશો.
૪૭૩ પણ એક પતંગીયાની માફક અગ્નિમાં દોડતો જા, પેલી (ખિદમત)ની કોથળી ન સીવતો, સાચી દાનતથી રમત રમ.
૪૭૪ સત્તા છોડી દે અને આધીનતાની ગીરીયાઝારી અમલમાં મુક. ઓ દરવેશ, (દૈવી) દયા આધીનતાથી કરેલી પ્રાર્થના તરફ આવે છે.
૪૭૬ હ. યુસુફ (અ. સ.)ના ભાઈઓનું રોવું એક યુક્તિ હતી, કારણ કે તેઓના દિલો અદેખાઈ અને અશક્તિથી ભરેલા હતા.
રેતાળ પ્રદેશના અરબની વાર્તા કે જેનો કુતરો ભુખે મરતો હતો, જ્યારે તેની કોથળી રોટલાથી ભરેલી હતી. તે કુતરા ઉપર આક્રંદ કરતો અને કવિતા ગાતો અને ડુસકા ભરતો અને પોતાનું માથું અને ચહેરો કુટતો અને છતાં પોતાની થેલીમાંથી એક કોળીઓ પણ કુતરાને આપવાની નારાજી બતાવતો હતો.
૪૭૭ કુતરો મરતો હતો અને અરબ ડુસકા ખાતો હતો, આંસુ વહાવતો અને બુમ પાડતો હતો “અરે, અફસોસ.”
૪૭૮ એક ભિખારી પસાર થયો અને પૂછ્યું. “આ ડુસકા ખાવાનું કારણ શું છે ? તારૂં રૂદન અને બળાપો કોના કારણે છે ?
૪૭૯ તેણે જવાબ આપ્યો, “મારા કબજામાં એક ઉત્તમ ગુણવાળો કુતરો હતો, જુઓ તે રસ્તા ઉપર મરી રહ્યો છે.
૪૮૦ તે મારા માટે દિવસે શિકાર કરતો અને રાત્રીના ચોકી કરતો. (તે) તીક્ષણ નજરવાળો અને શિકાર પકડવામાં, અને ચોરોને ભગાડવામાં (હુશીયાર) હતો.”
(ભિખારીએ) પૂછ્યું “તેને શાની પીડા છે? શું તે ઘવાયો છે ? ” અરબે જવાબ આપ્યો, “કુતરાની ભૂખે તેને આવો રૂદનમય બનાવ્યો છે.”
૪૮૨ તેણે કહ્યું “આ દુઃખ અને તકલીફ સહન કરવામાં થોડી ધીરજ ધરો, જેઓ ધીરજવાન છે તેઓ ઉપર બદલામાં ખુદાની દયા ઉતરે છે.”
૪૮૩ ત્યારબાદ તેણે તેને કહ્યું, “ઓ અમીર, તમારા હાથમાં આ ભરેલી કોથળીમાં શું છે ?”
૪૮૪ તેણે જવાબ આપ્યો, “મારો રોટલો અને આહાર અને ખોરાક કે જે ગઈ રાત્રીમાં બાકી રહ્યો (કે જે) હું મારી કાયાને ખવરાવવા મારી સાથે લઈ જાઉં છું.”
૪૮૫ તેણે પૂછયું, શા માટે તમો (થોડો) રોટલો અને ખોરાક કુતરાને આપતા નથી ? તેણે જવાબ આપ્યો, “મને આટલી હદ સુધી પ્રેમ અને ઉદારતા નથી.”
૪૮૬ (એક મુસાફરથી) રસ્તા ઉપર પૈસા વગર રોટલો મેળવી શકાતો નથી. પણ આંખોમાંનાં પાણીની કાંઈ કિંમત દેવી પડતી નથી.
૪૮૭ તેણે (ભિખારીએ) કહ્યું, “ઓ હવાથી ભરેલ પાણીની મસક, તારા માથા ઉપર ધૂળ પડો ! કારણ કે તારા અભિપ્રાયમા રોટલાનો એક ટુકડો આંસુઓ કરતા વધુ કિમતી છે.
૪૮૮ આંસુઓ (અસલ રીતે) લોહી છે. અરે દિલગીરીથી પાણીમા ફેરવાયું છે, નકામા લોહીની કિંમત માટી જેટલી પણ નથી.”
૪૮૯ તેણે (અરબે) પોતાને સંપૂર્ણપણે ઈબ્લીસની માફક અલગ બનાવ્યો. તેના આંસુઓ અધમતા સિવાય બીજું કંઈ ન હતું.
૪૯૦ હું તેનો (આજ્ઞાંકિત) ગુલામ છું, કે જે પેલા કિર્તીવંત અને મહાન બાદશાહ સિવાય કોઈને પોતાના ખુદને વેચશે નહિ.
૪૯૧ (કે જેથી) જ્યારે તે રૂએ છે, આસમાન રોવું શરૂ કરે છે, અને જ્યારે તે (પ્રાર્થનામાં) રૂદન કરે છે, અવકાશી ગોળો આક્રંદ શરૂ કરે છે, કહે છે, 'ઓ માલિક.'
૪૯૨ હું પેલી ઉચ્ચાભિલાષી ઇચ્છાનો ગુલામ છું, કે જે “અમૃત” સિવાય બીજા કોઈને નમતો નથી.
૪૯૩ ભાંગેલા હાથથી પ્રાર્થના કરવા ઉભો થા, ખુદાની રહેમત ભાંગેલાઓ તરફ ઉડે છે.
૪૯૪ ઓ ભાઈ, જો તારે આ સાંકડા ભોંયરામાંથી મુક્તિની જરૂર હોય તો કાંઈ પણ ઢીલ વગર જા (અને પોતાને) અગ્નિ ઉપર (ફેંક).
૪૯૫ ખુદાની યુક્તિ-પ્રયુક્તિ નજરમાં રાખ અને તારી પોતાની યુક્તિઓ તજી દે, અરે, તેની યોજનાઓથી યોજના કરનારાઓની બધી યોજના શરમમાં મુકાણી છે.
૪૯૬ જ્યારે તારી યોજના માલિકની યોજનામાં નહિવત બની છે ત્યારે તું એક ખૂબ જ ભવ્ય સંતાવાની જગ્યાનો ઓછામાં ઓછો ખજાનો અનંત કાળની જિંદગી ઊચાં દરજ્જે સવાર થવામાં અને ચડવામાં (સમાએલી છે).
૪૯૮ તારા મોર જેવા પીંછાને નિહાળ નહિ. પણ તારા પગોને નિહાળ. એટલા માટે કે હલકટ આંખનો ઉપદ્રવ તારો રસ્તો રૂંધે નહિ.
૪૯૯ કારણ કે એક પર્વત પણ દુષ્ટની આંખથી તેના પાયામાંથી સરકી જાય છે, કુરાનમાં વાંચ અને નિશાની (જો), “તેઓ તને લથડાતો બનાવે છે.”
૫૦૦ તેઓનું તેના તરફ દ્રષ્ટિપાત કરવામાં, હ. આહમદ (ર.સ.અ.) (કે જેઓ) એક પહાડ જેવા (હતા) ગારો કે વરસાદ વગર રસ્તાની વચમાં લપસ્યા.
૫૦૧ તેઓ અજાયબીમાં ગરકાવ બન્યા, કહે, આ લપસણી શા થકી છે ? હું ધારતો નથી કે આ બનાવ (કાંઈપણ અર્થ વગરનો) છે.
૫૦૨ જ્યાં સુધી કે (કુરાનની) આયાત આવી અને તેમને સજાગ કર્યા કે (અશ્રદ્ધાળુઓની) હલકટ આંખ અને દુશ્મનાઈના પ્રભાવમાં આમ બન્યું છે.
૫૦૩ (ખુદાએ) પયગમ્બરને કહ્યું, “જો તારા સિવાય બીજો કોઈ હોત તો તુર્તજ ગુલામીમાં (ગર્ક થાત).
૫૦૪ પણ (મારામાંથી) એક સલામતી આવી, તેઓના પહેરણો ફાડતી, અને તારૂં લપસવું (માત્ર) એક નિશાની બનવું.”
૫૦૫ એક ચેતવણી ધ્યાનમાં રાખ, પડાડ તરફ (રૂહાની રાહબર) ઉપર નજર રાખ, અને ઓ તું કે જે એક વરાળથી પણ ઓછો છે, તારા પાંદડાને વિનાશમાં ન નાખ.
૫૧૭ બતકની લાલસા એકવડી છે. (પણ) આ (મોરની લાલસા) પચાસ ગણી છે. વાસનાની લાલસા એ સરપ છે. જ્યારે આ પ્રખ્યાતિની (લાલસા) અજગર છે.
૫૧૮ બતકની લાલસા ગળાના ખોરાકમાંથી અને નસોતરમાંથી જાગે છે. (પણ) આના કરતાં વીસ ગણી લાલસા સત્તાની (અભિલાષા)માં સમાએલ હોય છે.
૫૧૯ તે કે (જે) ખરેખર સત્તામાં હોય છે તે (દૈતપણા)નો ઢોંગ કરે છે, (ખુદાથી) સહ ભાગીદારીની અભિલાષાવાળો ભલો બને ખરો ?
૫૨૦ હ. આદમ (અ.સ.)નું પાપ પેટ અને સંભોગમાંથી ઉદભવ્યું. અને પેલા ઈબ્લીસનું અહંકાર અને સત્તામાંથી (ઉદભવ્યું).
૫૨૧ અનિવાર્યપણે, તેઓ (હ. આદમ અ. સ.) એ તુર્તજ માફી માગી, જ્યારે શ્રાપિત (ઈબ્લીસે) પશ્ચાતાપને લજજાસ્પદ ગણ્યો.
પ્રશાંત આત્માની પેલી પવિત્રતા અને નિખાલસતાને વિચારોથી ખલેલ પહોંચે છે જેમકે (જ્યારે) એક અરીસાની સપાટી ઉપર કાંઈ પણ લખો યા ચીતરો (ત્યારે) ભલે તમો (ત્યારબાદ) સંપૂર્ણપણે ભૂંસી નાખો (છતાં પણ) એક નિશાની અને ડાઘ (આરસી ઉપર) રહેશે જ.
૫૫૭ ( ખુદાઈ મહોબતવાળી) કાયામા પ્રશાંત આત્માનો ચહેરો વિચારના નખોથી કરેલા ઝખમો સહન કરે છે.
૫૫૮ જાણ કે દુષ્ટ વિચાર એ ઝેરમય નખ છે, ઉંડા પ્રતિબિંબની (બાબતમાં) તે આત્માનો ચહેરો ચીરે છે.
૫૫૯ એટલા માટે કે તે (વિચાર કરનારા) મુશ્કિલીની ગાંઠ ઢીલી કરે. તેણે સોનાના ત્રીકમને ગોબરી ચીજમાં મુકેલ છે.
૫૬૦ ઓ પ્રવીણ (વિચારક), ધારો કે ગાંઠ ઢીલી કરાઈ છે, તે એક ખાલી કોથળી ઉપર સખત ગાંઠ જેવી છે.
૫૬૧ ગાંઠ છોડવાના (કામમાં) તું બુઢો બન્યો છો, ધારી લ્યો કે થોડી વધુ ગાંઠો (તારાથી ) છુટી, (તો પણ પછી શું? )
૫૬૨ ગાંઠ કે જે આપણા ગળા ઉપર સખત ભીડેલ છે, તારે જાણવું જોઈએ કે તું તેમાંથી છટકી શકશે નહિ.
૫૬૩ જો તું એક મર્દ માણસ છો તો આ કૂટ સવાલનો ઉકેલ કર, તારૂં જીવન આના ઉપર વિતાવ. જો તમારામાં તેનો આદમનો (આત્મા) મળેલો હોય.
૫૬૪ ધારી લ્યો કે તમો (બધા) સત્યો અને અકસ્માતોની વ્યાખ્યા જાણો છો, (તે તમને શું લાભ કરશે ) ? તારા ખુદનું (સાચું) વર્ણન જાણ, કારણ કે આનાથી છટકી શકાય તેમ નથી.
૫૬૫ જ્યારે તું તારૂં વર્ણન જાણશે ત્યારે તું આ વર્ણનથી ભાગી છુટીશ કે જેથી તું તેને મેળવે કે જેનું વર્ણન જ નથી.
૫૭૧ જો તેને (ફિલસુફને) અગ્નિની એક સાબિતી ધુમાડો છે, તો આપણને (આત્મજ્ઞાનીને) ધુમાડા વગર અગ્નિમાં હોવું મીઠું લાગે છે.
૫૭૨ ખાસ કરીને આ અગ્નિ કે જે (ખુદાથી) (આપણી) નજદીકી અને વફાદારી છે તે આ૫ણને ધુમાડા કરતા વધુ નજીક છે.
૫૭૩ તેથી આત્મા (વાસ્તવિકતાથી) ફરીને (જનાવરી) આત્માની કલ્પનાઓની ખાતર ધુમાડા તરફ જવું એ એક કાળી અધમતા છે.
પ્રેમીના ભક્તિભાવના કાર્ય માટે ખુદા પોતે જ તેના ઉપર ઇનાયત થયેલ બદલો છે, તે સમજાવવા વિષે.
૫૮૬ (તેના) પ્રેમીઓ માટે તે એકલોજ (તેઓની બધી) ખુશી અને ગમ છે, તે (એકલો જ) તેઓની મહેનતનો બદલો અને તેની ખીદમતનું સાટું છે.
૫૮૭ જો પ્રીતમ સિવાય (તેમને માટે નિરખવાની કોઈ ચીજ) હોય તો તે પ્રેમ નથી, તે એક નકામો આવેગ છે.
૫૮૮ પ્રેમ એક એવી ચીનગારી છે કે જે જ્યારે તે ભડકે છે ત્યારે પ્રિતમ સિવાય બીજું બધું બાળી નાખે છે.
૫૮૯ તે (પ્રેમી) ‘નહિવત’ની તલવાર ઘરે લઈ જાય છે, એટલા માટે કે ખુદા સિવાય બીજા બધાને કાપી નાખે, ‘શુન્ય' પછી શું બાકી રહે તેની ગણત્રી કર.
૫૯૦ ખુદા સિવાય કાંઈ બાકી રહેતું નથી, બાકીનું બધુ ચાલ્યું ગયું હોય છે. ઓ શક્તિશાળી પ્રેમ, (તને) અભિનંદન હો ! ઓ અનેક દૈવવાદના વિનાશક.
૫૯૧ ખરેખર, તે પહેલો છે અને છેલ્લો, આંખ કે જે બેવડું જુએ છે તે સિવાયમાંથી અનેક દૈવવાદ જાગતા નિરખ નહિ.
ખરેખર, તે પહેલો અને છેલ્લો છે: અનેક દેવવાદને બેવડી નજરે જોતી આંખ સિવાય બીજા કોઈ પણ વસ્તુંમાંથી ઉદભવતો ન માનો.
૫૯૨ અને, અદભુત ! તેના પ્રતિબિંબ સિવાયની કોઈ ખુબસુરતી છે ખરી ? (ઇન્સાનની) કાયાને આત્મા સિવાય ગતિ નથી.
૫૯૩ કાયા કે જેને તેના આત્માની ખામી છે તે સુંદર કદી પણ બને જ નહિ, (પછી ભલે) તમો મધથી તેને ખરડો.
૫૯૪ તે આ જાણે છે કે જે એક દિવસ (રૂહાની રીતે) સજીવ હતો અને આ આત્માના આત્મા પાસેથી એક પ્યાલો મેળવ્યો.
એક નિઃસ્વાર્થીનું વર્ણન કે જે પોતાના ગુણ-અવગુણોથી સલામત બન્યું છે કારણકે તેઓ ખુદાની અનંતતામાં નહિવત બન્યા છે. તારાઓની માફક કે જે દિવસના વખતે સુર્ય'માં નહિવત (અદ્રષ્ય) બન્યા છે અને તે કે જે નહિવત બનેલ છે તેને અનર્થ'ની બીક નથી અને તે ભયમુક્ત છે, તે વિષે.
૬૭૨ જ્યારે, (રૂહાનીયત) ગરીબાઈ થકી, 'ફના' (એવી એક) શ્રેષ્ઠતા આપે છે કે તે હ મુહમ્મદ (અ.સ.)ની માફક પડછાયા વગરનો બને છે.
(૭૩ 'ફના'એ (હ. પયગમ્બર સાહેબને) શ્રેષ્ઠતા આપી, (જેમણે કહ્યું) “ગરીબાઈ મારો ગર્વ છે” તેઓ એક મીણબત્તીની જ્યોતની માફક પડછાયા વગરના બન્યા.
૬૭૪ (જ્યારે) મીણબત્તી ઉપરથી નીચે સુધી તદ્દન જ્યોત બની છે ત્યારે તેની આજુબાજુ પડછાયાને જગ્યા જ નથી.
૬૭૫ મીણ પોતામાંથી ભાગી ગયું અને પડછાયામાંથી પ્રકાશમાં ગયું તેના ખાતર કે જેણે મીણબત્તી ઘસી નાખી.
૬૭૬ તેણે કહ્યું “ફનાના કારણ માટે મેં તને ઘસી નાખ્યો”, તેણે જવાબ આપ્યો, “મેં તેજ પ્રમાણે 'ફના' માં પનાહ લીધી.”
૬૭૭ આ જરૂરી અનંતકાળનું 'ખુદાઈ નૂર' છે, નહિ કે અણધારી નાશ પામતી મીણબત્તીનો પ્રકાશ.
હ. (ઈબ્રાહિમ) ખલિલુલ્લાહે શા માટે કાગડો માર્યો (અને) મુરીદમાં અત્યંત હાનિકારક અને અમુક ઠપકા લાયક દુર્ગુણોને દબાવી દેવા (આવશ્યક) હોવાની સમજણ.
૭૬૫ આ વિવરણનો છેડો અને અંત નથી. ઓ ખુદાના દોસ્ત, તમોએ કાગડાને શા માટે માર્યો?
૭૬૬ “ (દેવી ) હુકમના કારણે” (દૈવી) હુકમમાં ડહાપણ શું હતું?” આના ગુઢાર્થનો એક થોડો ભાગ (હવે) બતાવાય છે.
૭૬૭ કાળા કાગડાની ઘોંઘાટમય બૂમ અને કા કા કરવું, આ દુનિયામાં લાંબા જીવન માટે ચાલું માગ્યા કરે છે.
૭૬૮ તે (કાગડાએ) ઇબ્લીસની માફક ક્યામત સુધી કાયાની લાંબી જિંદગી માટે પવિત્ર અને અજોડ ખુદા પાસે વિનંતી કરી.
૭૬૯ તેણે (ઈબ્લીસે) કહ્યું “કયામતના દિવસ સુધી મને વિચારવાનો વખત આપો” તેણે આમ કહેવું જોઈતું હતું. ઓ અમારા માલિક, અમો પશ્ચાતાપ કરીએ છીએ.”
૭૭૦ પશ્ચાતાપ વગરનું જીવન એ આત્માનો માનસિક ત્રાસ છે, ખુદાથી ગેરહાજર બનવું એ તાત્કાલીક મૃત્યુ છે.
૭૭૧ જીવન અને મૃત્યુ, આ બન્ને ખુદાની (હાજરીમાં) મીઠાં છે. ખુદા સિવાય જીવનનું જળ અગ્નિ છે.
૭૭૨ વધારામાં તે (દેવી) શ્રાપની અસર છે કે આવી એક હજુરમાં તે (લાંબા) જીવનની આજીજી કરતો હતો.
૭૭૩ ખુદા સિવાય બીજી ચીજ માટે ખુદા પાસે કરગરવું એ (માત્ર) કૃત્રિમ નફો છે અને (વાસ્તવમાં) સદંતર નુકશાની છે.
૭૭૪ ખાસ કરીને જીવનને (ખુદામાંથી) ખેંચી ખાવાપીવામાં ડુબાડવાની ઈચ્છાએ સિંહની હાજરીમાં શિયાળના જેવી વર્તણુક છે.
૭૭૮ (કાગડો કહે છે), “મને લાંબી જીંદગી આપો કે જેથી હું કાયમ માટે વિષ્ઠા ખાધા કરૂં, આ મને હંમેશાં આપજો કારણ કે હું બહુ ખરાબ પ્રકૃતિનો છું.
૭૭૯ જો તે ઢોંગી મુખવાળો વિષ્ઠા ખાનાર ન હોત તો તે કહેત, “કાગડાની પ્રકૃતિમાંથી મારી મુક્તિ કરો.”
યા અલી મદદ