Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૧

વાર્તા - ૧

0:000:00

શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને ઘણી રહેમ કરવાવાળો છે.

૧ (રૂહાની) બાદશાહ, હુસ્સામુદ્દીન, કે જે તારાઓનો પ્રકાશ છે, પાંચમી કિતાબ શરૂ કરવાની માંગણી કરે છે.

૬ કેદીઓ આગળ તારા વખાણ કરવા એ ખોટું છે. હું તારા વખાણ રૂહાની સભામાં (કહીશ).

૯ સૂર્યને વખાણનાર (ખરેખર તો) પોતાના જ વખાણ ઉચ્ચારે છે, કારણ કે તમારી આંખો તેજસ્વી છે, સુજેલી નથી.

૧૦ સૂર્યનો દોષ કાઢવો એ પોતાનો જ (દોષ) કાઢવા સમાન છે, કારણ કે (તે લાગુ પડે છે) “મારી આંખો આંધળી, તેજહીન અને હલકી છે.

૧૧ દુનિયામાં જે કોઈ 'નશીબદાર સૂર્ય' (ઈમામેમુબી)નો અદેખો બને છે, શું તને તેના ઉપર દયા આવે છે ?

૧૫ તારો મોભો બુદ્ધિશાળીઓના વિચાર કરતા ઘણો આગળ નીકળી ગયો છે. તારા વખાણ કરવામા બુદ્ધિશાળી (પણ) તદ્દન મુર્ખ બન્યો છે.

૧૬ જો કે આ બુદ્ધિશાળી તેની જાહેરાત કરવામાં ખૂબ જ નબળો છે, તો પણ દરેકે (તે દિશામાં) નબળી રીતે (પણ) હિલચાલ કરવી જોઈએ.

૧૭. જાણ કે જ્યારે આખી વસ્તું મેળવી શકાતી નથી. (છતાં) પણ તારે આખીને છોડી દેવી જોઈએ નહિ.

૧૮ જો તું વાદળામાંથી પડેલ ધોધમાર વરસાદનું (બધું) પાણી પી શકે નહિ (છતાં) પાણી પીવાનું તું કેમ છોડી શકીશ ?

૧૯ જો કે તું ગુઢાર્થની છુટથી વાત કરી શકીશ નહિ છતાં તેના થોડા છોતરાંથી પણ ખબરદાર થા.

૨૦ (મારા) બોલેલા શબ્દો (માત્ર) તારા સંબંધમાં એક છોતરા (સમાન) છે. પણ તેઓ બીજી સમજણ માટે સારા ગર્ભ (સમાન) છે.

૨૧ આકાશ સ્વર્ગના સબંધમાં નીચું છે, છતાં પૃથ્વીની સરખામણીમા તે ઘણું ઉંચું છે.

૨૨ હું તારી વર્ણનાત્મક વાતો કહીશ એટલા માટે કે તેઓ (મારા સાંભળવાવાળા) (તારા તરફનો) રસ્તો લે. 

૨૩ તું ખુદાનું ‘નૂર' છો અને આત્માઓને ખુદા તરફ શક્તિશાળી રીતે દોરનાર (છો). તેણે પેદા કરેલા માનવો નિરર્થક ધારણા અને (ખોટી) માન્યતાના અંધારામા છે.

૨૪ આ આંધળાઓના દુભાએલા દિલને મલમની નવાજીશ થવા માટે આ ભવ્ય 'નૂર' તરફ પૂજ્યભાવ હોવો જરૂરી છે.

૨૫ તીવ્ર અવાજ સાંભળનાર (દિલના) દાનવાળો આ 'સૂર’ મેળવે છે કે જે ઉંદરની માફક અંધારાના પ્રેમમાં નથી.

૨૬ (ચામાચીડીયાની માફક) નબળી આંખવાળા કે જે રાતના જ ફરે છે તેઓ ઈમાનના ચાંદની આજુબાજુ કેમ ફેરા ફરશે ?

૨૯ તે તાડના ઝાડની માફક પોતાની શાખાઓ (આકાશ તરફ ઊંચે) નહિ ઉંચકે (કારણ કે) તેણે ઉંદરોની માફક જમીનમાં દર ખોદ્યાં છે.

૩૦ આ માણસ જાતને દિલના દબાણની ચાર ખાસિયતો (મળેલી) છે. આ ચારેય વિવેક- બુદ્ધિનો ફાંસીનો માંચડો છે.

"ચાર પંખીઓ લ્યો અને તેમને તારી તરફ ફેરવો”નું વિવરણ.

૩૧ ઓ તું કે જેની વિવેકબુદ્ધિ સૂર્ય જેવી (તેજ) છે, તું જમાનાનો ખલીલ છે. રસ્તામાં ત્રાસ આપતા આ ચારે પંખીઓની કુરબાની કર.

૩૨ કારણ કે કાગડાની માફક આ દરેક જણ બુદ્ધિશાળીઓની આંખમાંથી વિવેકશક્તિ ઝડપી લ્યે છે.

૩૩ આ ચાર શારીરિક ગુણો 'ખલીલ'ના પંખીઓ માફક મળતા આવે છે. તેઓની કુરબાની આત્માને (ઊંચે ચડવા માટે) રસ્તો તૈયાર કરે છે.

૩૪ ઓ 'ખલીલ', ભલા અને બુરાના સફળતાપુર્વક છુટકારા માટે (એક સરખી રીતે) તેઓનાં માથા કાપી નાખ કે જેથી (માણસોના) પગ બંધાતા અટકે.

૩૫ સઘળું તું જ છો. અને તેઓ તારા ભાગ છે, (જેલને) ખોલ કારણ કે તેઓના પગો એ તારાજ પગો છે.

૩૬ તારાથી (આખી) દુનિયા રૂહમાં ભરપુર જગ્યા બની છે. એક ઘોડેસ્વાર એ લશ્કરનો મદદગાર બને છે.

૩૭ તેવી જ રીતે જેમ આ કાયા (આ) ચાર મનોવૃત્તિનું રહેઠાણ છે, તેમ ચાર ખોટા આશ્રય લેનારાના નામ તેઓને આપ્યા છે,

૩૮ જો તું ઇચ્છે કે લોકો અનંત કાળની અમર જિંદગી મેળવે, તો આ ઢોંગી અને હલકા ચાર પંખીઓના માથાં કાપી નાખ.

૩૯ (અને પછી) તેઓને બીજી રીતે સજીવન કર, જેથી ત્યારબાદ તેઓથી કાંઈ નુકસાન થશે નહિ.

૪૦ આ ચાર મામુલી પંખીઓ, જેઓ રસ્તામાં ત્રાસ આપે છે, તેઓએ લોકોના દિલમાં પોતાનું ઘર બનાવ્યું છે.

૪૧ ઓ ખુદાના વાઈસરોય, જ્યારે કે તું આ જમાનામાં દરેક હકીકતીઓના દિલનો સત્તાધીશ છો.

૪૨ ત્યારે આ ચાર જીવતા પંખીઓનાં માથાં કાપી નાખ અને હંમેશ માટે જીવતા રહે તેવાં જનાવરો બતાવ કે જેથી તેઓને હંમેશ માટે સહન કરવું પડે નહિ.

૪૩ તે બતક અને મોર અને કાગડો અને કુકડો છે. આ (માણસ જાતના) આત્માઓમાં આ ચાર હલકી મનોવૃત્તિ માટે બોધવાર્તા જેવા છે.

૪૪ બતક કંજુસાઈ છે. અને કુકડો એ વિષયવાસના છે. પ્રતિષ્ઠા એ મોર જેવી છે અને કાગડો (ઈચ્છા) મનોકામના છે.

૪૫ તેની (કાગડાની) ઈચ્છાનું મુળ આ છે કે તે અમરત્વ અથવા (જાહેરી) લાંબી જિંદગી માટે આશાઓ અને ઈચ્છાઓ કરે છે.

૪૬ બતક કંજુસાઈ છે કારણ કે તેની ચાંચ હંમેશાં જમીનમાં હોય છે. ભીની અને સુકી જમીનમાં દટાએલાની શોધમાં હોય છે.

૪૭ (તેણીનુ) પેલું ગળું એક પળ માટે પણ આળસ કરતું નથી. “તમે ખાઓ”ના (દૈવી) હુકમને સાચવવા અમસ્તું અમસ્તું પુકારે છે.

૪૮ તે જાણે કે ઘરમાં ખાડો ખોદતા લુંટારા માફક છે. અને બહુ જલદીથી પોતાની પેટી ભરે છે.

૪૯ ભલા બુરાના (ભેદભાવને ન ગણકારતા) પેટીમાં મોતીઓ અને પંખીઓ માટેના અનાજના દાણા છલોછલ ભરે છે,

૫૦ કોથળામાં દરેક જાતના પદાર્થો છલોછલ ભરે છે, કારણ કે તેને બીક લાગે છે કે રખેને બીજો કોઈ દુશ્મન આવી જાય ?

૫૧ વખત દબાણ કરે છે, તક નજીવી છે, તે ભયભીત થએલું હોય છે. તે જરા પણ ઢીલ વગર જેમ બને તેમ જલ્દી તે તેને પોતાના કબજામાં લ્યે છે.

૫૨ તેને પોતામાં પોતાની સ્વતંત્રતાનો વિશ્વાસ હોતો નથી (કે જેથી તે માને છે કે પોતાની વિરુદ્ધ) કોઈ દુશ્મન આગળ આવશે નહિ,

પ૩ પણ સાચો ઈમાનદાર “પ્રત્યક્ષ ખુદા"માં વિશ્વાસના પ્રતાપે (પોતાને મળેલી દુનિયાની દોલતને) અનુકૂળ રીતે અને પાકો વિચાર કરીને મેળવશે.

૫૪ તેને તક ગુમાવવાની કે દુશ્મનની બીક હોતી નથી. કારણ કે તે દુશ્મન ઉપર 'બાદશાહી' અધિકારને સ્વીકારતો હોય છે,

૫૫ તેને બીજા સાથી નોકરો આગળ, તેણે મેળવેલ લાભને ગુમાવવાની બીક નથી હોતી.

૫૬ (કારણ કે) તે બાદશાહી ઈન્સાફ કે જે પોતાના અનુયાયીઓને અંકુશમાં રાખવાની સમજણ ધરાવે છે (માને છે) તેથી કોઈપણ બીજા કોઈ પર શિરજોરી કરે નહિ.

૫૭ તે સ્વાભાવિક રીતે ઉતાવળ કરતો નથી અને શાંત રહે છે. તેને પોતાનો ભાગ ગુમાવવાની બીક હોતી નથી.

૫૮ તેની પાસે ખૂબજ વિચાર-વિમર્શ, ધીરજ અને સહનશીલતા છે; તે સંતુષ્ટ, નિઃસ્વાર્થ અને શુદ્ધ હૃદયનો છે,

૫૯ કારણ કે આ ધૈર્યતા કૃપાળુ (ખુદાની) રહેમત છે. જ્યારે કે પેલી ઉતાવળ સેતાનના ધક્કામાંથી છે.

૬૦ કારણકે સેતાન તેને (કંજુસ માણસને) ગરીબાઈની બીક બતાવે છે. અને બોજાનો પશુ હથીઆરના ઘાથી ધીરજને મારી નાખે છે.

૬૧ કુરાને મજીદમાંથી સાંભળ કે “સેતાન તને સખત ગરીબાઈના ભયથી ધ્રુજાવે છે.”

૬૨ તેથી ઉતાવળમાં તું ગંદી ચીજો ખાય, અને ગંદી વસ્તુઓ લ્યે. (આમ થતાં) તું ઉદારતાની ખામી, ધૈર્યતાહીન ભલા કાર્યો કરવાની લાયકાત વગરનો (રહે.)

૬૩ (તેથી) જરૂરીયાત અંગે નાસ્તિક પોતાનો ખોરાક સાત કટોરામાં લે છે, તેનો ધર્મ અને આત્મા પાતળો અને હલકટ, તેનું પેટ પહોળું (હોય છે.)

હ. મુસ્તફા (ર. સ.અ.) ઉપર ઉતરેલ શરીયતના કાયદા આનુષંગીક “નાસ્તિક સાત કટોરામાં પોતાનો ખોરાક લ્યે છે, જ્યારે ઈમાનદાર પોતાનો ખોરાક એક કટોરામાં લ્યે છે."

૬૪ નાસ્તિકો હ. પયગમ્બરના મહેમાનો બન્યા. તેઓ સાંજના મસ્જિદે આવ્યા.

૬૫ કહે, “ઓ બાદશાહ, અમે તમારી મહેમાનનવાઝી શોધતા તમારા મુલાકાતીઓ તરીકે આવ્યા છીએ. ઓ તું કે જે દુનિયાના (બધાં) રહેવાસીઓનો સત્કાર કરનાર છે.

૬૬ અમે સાધનહીન છીએ. અને ઘણે દુરથી આવ્યા છીએ. અમારૂં કહેવું ધ્યાનમાં લે, તમારી દયા અને પ્રકાશ અમારા પર પાથરો.

૬૭ તેમણે (તેમના અસહાબોને) કહ્યું “ઓ મારા દોસ્તો, (આ મહેમાનોને તમારા વચ્ચે) વહેંચી લ્યો, કારણકે તમે મારી ખાસિયત અને મારામાં એક થયા છો !” 

૬૮ દરેક લશ્કરીઓનાં શરીરો રાજાથી ભરાએલા હોય છે, જેથી તેઓ (પોતાના) બાદશાહ માટે શત્રુઓ વિરૂદ્ધ તલવાર ઉપાડે છે.

૬૯ તમે તલવાર ઉપાડો છો તેનું કારણ બાદશાહી ગુસ્સો છે. નહિતર તમારા ભાઈઓ વિરૂદ્ધ તમોને શાનો ગુસ્સો હોય ?

७० તમે તમારા નિર્દોષ ભાઈને દસ મણ વજનની ગદાથી ફટકો લગાવો છો તેનું કારણ રાજાના ગુસ્સાનું પ્રતિબિંબ છે.

૭૧ રાજા એક જીવ છે. અને લશ્કર તેનાથી ભરાએલું છે. રૂહ પાણી માફક છે અને તેઓના શરીરો નદીના તટો છે.

૭૨ જો રાજાના આત્માનું પાણી મીઠું હશે, તો બધી નદીના તટો મીઠા પાણીથી ભરપુર હશે.

૭૪ દરેક અસહાબે મહેમાન પસંદ કર્યો, તેમની (નાસ્તિકોની) વચ્ચે એક ખડતલ અને (જાડાઈમાં) ગણત્રીથી પર એક જણ હતો.

૭૫ તેને એક પ્રચંડ કાયા હતી. તેને પોતા સાથે કોઇએ લીધો નહિ તે પ્યાલામાં નીચે પડી રહેલા કચરાની માફક મસ્જીદમાં રહ્યો.

૭૬ જ્યારે તે બધાની પાછળ રહી ગયો, ત્યારે હ. મુસ્તફા (ર.સ.અ.) તેને પોતે લઈ ગયા. (નબીના) ધણમાં દુધ આપતી સાત બકરીઓ હતી.

૭૭ કારણકે જમણના વખતે જમવાનું તૈયાર કરવામાં આ બકરીઓને ઘરમાં રાખવામાં આવતી હતી.

૭૮ ઘુઝ તુર્કનો પેલો દીકરો કંગાળ રાક્ષસ રોટલા અને (બીજો) ખોરાક અને સાતેય બકરીઓનું દુધ આરોગી ગયો.

૭૯ ઘરના તમામ (આથી) ગુસ્સે થયા, કારણકે બકરીઓનું દુધ મેળવવાની તેમની પણ ઈચ્છા હતી.

૮૦ તેણે પોતાનું અકરાંતીયું પેટ પીપ જેવું બનાવ્યું, તે પોતે એકલો અઢાર માણસોનો ખોરાક આરોગી ગયો.

૮૧ તે સુવાને વખતે ગયો અને પોતાના ઓરડામાં બેઠા પછી નોકરડીએ ગુસ્સામાં દરવાજો બંધ કર્યો.

૮૨ તેણીએ દરવાજાની સાંકળ બહારથી બંધ કરી કારણકે તેણી તેનાથી ગુસ્સામાં અને ખીજાએલી હતી.

૮૩ અર્ધરાત્રીએ કે પરોઢિએ જ્યારે પેલા નાસ્તિકને કુદરતી હાજતે જવાની ઉતાવળ થઈ.

૮૪ ત્યારે તે પોતાના બીછાનામાંથી ઉઠી દરવાજા તરફ ઉતાવળે ગયો, (પણ) દરવાજે હાથ મૂકતાં તેણે જાણ્યું કે તે બંધ છે.

૮૫ લુચ્ચા માણસે તેને ઉઘાડવા ઘણી યુક્તિઓ લડાવી, પણ ખોલી શકયો નહિ.

८૬ તાકીદી વધી. અને ઓરડો સાંકડો હતો. તે હતાશામાં અને ઉપાય વગરનો અને મુંગો પડી રહ્યો.

८७ તે પડખું ફર્યો અને ઉંઘમાં પડયો. તેની ગાઢ નિદ્રામાં તેને સ્વપ્નું આવ્યું કે તે ઉજજડ જગ્યાએ હતો.

૮૮ જ્યારે કે તેના મગજમાં ઉજજડ જગ્યા હતી, તેની (આંતરિક) દૃષ્ટિ નીંદ્રામાં આગળ વધી.

૮૯ જ્યારે તેણે જંગલ ખાલી જોયું, અને તે એકાંત ગોતતો હતો, એકાંત જોઈને ત્યાં જ હાજત છોડી મુકી.

૯૦ જ્યારે આંખો ખોલી તો જોયું કે બિછાનું ગંદકીથી ભરાઈ ગયું છે, ત્યારે આ બનાવથી તે પાગલ જેવો બની ગયો.

૯૧ અને દિલમાં સેંકડો અવાજ જાગૃત થયા. અરે, આ ક્યા ગુનાહની સજા છે કે જે છુપાવી શકાય તેવી નથી.

૯૨ કહે મારૂં સુવું જાગવાથી વધુ ખરાબ સાબિત થયું, ઇરાદાપૂર્વક વધુ ખાવાથી સ્વપ્નામાં આમ થયું.

૯૩ તે બૂમ પાડતો હતો. “ મારા પર શ્રાપ હોજો, અફસોસ” તે કબરમાંના ઉડાણમાં બેઈમાનની માફક (પોતા પર) શ્રાપ હોજોની આહો પુકારતો હતો.

૯૪ આ રાત્રીનો છેડો ક્યારે આવે તેની રાહ જોતો, તેના (કાન પર) દરવાજો ખોલવાનો અવાજ પડે તેની (રાહ જોતો) હતો.

૯૫ ધનુષ્યમાંથી બાણ છુટવાની માફક ભાગવાના કારણે, આવી હાલતમાં રખેને તેને કોઈ જોઈ જાય (તેની બીક હતી).

૯૬ વાર્તા લાંબી છે, હું તેને ટૂંકી કરીશ, દરવાજો ખુલ્યો, તે દુઃખ અને તકલીફમાંથી મુક્ત કરાયો.

હ. મુસ્તફા (ર. સ.અ.) એ તેમના મહેમાનનો દરવાજો ખોલ્યો અને પોતાને છુપાવ્યા એટલા માટે કે (મહેમાન) માણસ કોણે દરવાજો ખોલ્યો તે જુએ નહિ, અને શરમમાં દબાઈ જાય નહિ પણ હિંમતથી આગળ ચાલ્યો જાય.

૯૭ પ્હોં ફાટતાં હ. મુસ્તફા (ર.સ. અ.) આવ્યા અને દરવાજો ખોલ્યો, પ્હોં ફાટતાં (તેને નાસવાનો) રસ્તો આપ્યો કે જેણે (મુક્તિનો) રસ્તો ગુમાવ્યો હતો.

૯૮ હ. મુસ્તફા (૨.સ. અ.) એ દરવાજો ખોલ્યો અને (પોતે) સંતાએલા રહ્યા. એટલા માટે કે દુઃખી માણસ શરમાએલો ન બને.

૯૯ પણ આગળ આવે અને હિંમતપૂર્વક ચાલ્યો જાય, અને દરવાજો ખોલનારની પીઠ કે ચહેરો જુએ નહિ.

૧૦૦ તેઓ કાંતો કોઈ વસ્તુંની પાછળ સંતાયા કે ખુદાના કવચ (દયાળુ રાહત) તેમને સંતાડ્યા.

૧૦૧ ‘અલ્લાહનો રંગ' ક્યારેક (ચીજને) ઢાંકેલો બનાવે છે અને જોનાર ઉપર ગુઢાર્થનો પડદો ખેંચે છે.

૧૦૨ કે જેથી તેની તરફ દુશ્મન વ જુવે, ખુદાની શક્તિ તેના કરતાં વધુ છે, તેનાથી પણ ઘણી વધુ.

૧૦૩ હ. મુસ્તફા (૨. સ. અ.) રાત્રી દરમ્યાન જે બન્યું તે જોતા હતા, પણ માલિકનો હુકમ તેમને અંકુશમાં રાખતો હતો,

૧૦૪ ભૂલ કરવામાં આવી તે પહેલાં (નાસવાનો) રસ્તો ખોલવામાં ન આવ્યો કે તે (નાસ્તિક) શરમ અંગે (દુઃખની) ખીણમાં ન પછડાય.

૧૦૫ (નહિતર નબી સાહેબે તેને વખતસર બહાર જવા દીધો હોત) પણ તે (દૈવી) ડહાપણ અને સ્વર્ગીય હુકમ હતો કે તે ખુદ આ (નામોશી-આ શાપીત કાર્ય) જુએ.

૧૦૬ કેટલાય એવા દુશ્મનીનાં કાર્યો બને છે કે જે (હકીકતમાં) દોસ્તીભર્યા હોય છે. કેટલાક વિનાશના કાર્યો કે જે (હકીકતમાં) ચણતરના (કાર્યો) હોય છે.

૧૦૭ એક મુર્ખ માણસ ઇરાદાપૂર્વક પથારીના ગંદા કપડા નબી સાહેબ પાસે લઈ આવ્યો.

૧૦૮ કહે, “જુઓ ! તમારા મહેમાને આવી વસ્તું કરી છે,” તેઓ હસ્યા, તે “બધી પેદા થએલી હસ્તિઓ માટેની દયા.” (તરીકે મોકલાએલા હતા).

૧૦૯ અને કહ્યું, “બાલદી અહીં લાવો કે જેથી મારા પોતાના હાથથી ધોઈ ચોકખા કરૂં.”

૧૧૦ દરેક જણ કુદી પડયો, ખુદાની ખાતર (આમ ન કરો). અમારા આત્માઓ અને અમારી કાયાઓ આપના ઉપર કુરબાન થાય !

૧૧૧ અમો આ ગંદકી ધોશું, તેને (અમારા) ઉપર જ છોડો, આ જાતનું કાર્ય હાથનું કામ છે, દિલનું કામ નથી.

૧૧૨ ઓ 'લા અમ્રક' ખુદાએ તમારામાં “જીવન” (શબ્દ) ઉચ્ચાર્યો છે, પછી તેણે આપને (પોતાનો) પ્રતિનિધિ બનાવ્યો અને 'તખ્ત' પર બેસાડ્યો.

૧૧૩ અમો આપની ખીદમત કરવા જીવીએ છીએ અને જ્યારે તમો (પોતે) કાર્ય કરવા તત્પર થયા છે, તો પછી અમો શા કામના ?

૧૧૪ તેમણે કહ્યું, “હું તે જાણું છું, પણ આ એક અસામાન્ય કાર્ય-પ્રસંગ છે, મારા ખુદથી તેના ધોવામાં એક ખૂબ જ ઊંડું કારણ છે.”

૧૧૫ તેઓએ રાહ જોઈ, કહીને, આ પયગમ્બર સાહેબના શબ્દો છે, આ ગુઢાર્થો શું છે તે દ્રષ્યમાન થાય ત્યાં સુધી (રાહ જુઓ).

૧૧૬ (તે દરમ્યાન) તેઓ કાળજીપૂર્વક મહેનત કરી, ખુદાના હુકમથી અનોખી રીતે, આડંબરથી નહિ, પેલાં ગંદા કપડાં ધોતા હતા.

૧૧૭ કારણ કે તેમનું દિલ તેમને કહેતું હતું, “તમો જ તેઓને ધુઓ, કારણ કે અહીં વિધવિધ પ્રકારનું ડહાપણ છે.”

મહેમાનનું હ. મુસ્તુફા (૨. સ.અ.)ના ઘરે પાછા આવવાનું કારણ, તે સમયે કે જ્યારે હ. મુસ્તફા (ર.સ.અ.) પોતાના ખુદના હાથથી બીછાનાની ગંદી ચાદર ધોતા હતા (તે જોઈ) તેણે શરમને એક બાજુ મુકી અને પોતાના કપડા ફાડયા, અને પોતા માટે અને પોતાની હાલત માટે પશ્ચાતાપ કર્યો.

૧૧૮ પેલા કંગાળ નાસ્તિક પાસે એક તાવીજ હતું (કે જે તેણે) સલામતીની ખાતર (રાખ્યું હતું) તેણે જોયું કે તે ગુમાવાયું હતું અને તે મુંઝાયો.

૧૧૯ તેણે કહ્યું, “ઓરડો કે જેમાં હું રાત્રી દરમ્યાન સુતો હતો ત્યાં મેં બેખબરીથી માદળીયું મુકી દીધું લાગે છે,”

૧૨૦ જો કે તે શરમાયો હતો છતાં કંજુસાઈએ તેની શરમ હણી લીધી. કંજુસાઈ અજગર છે તે કોઈ નાની વસ્તુ નથી.

૧૨૧ તે માદળીયાની શોધમાં હ. મુસ્તફા (ર.સ.અ) ના ઘરે ઉતાવળે દોડયો અને તેવણને જોયા.

૧૨૨ પેલો ‘ખુદાનો હાથ’ પોતાના ખુદથી ગંદકી ધોતો હતો. “તેમનાથી દુષ્ટ આંખ દુર રહો."

૧૨૩ તેના મગજમાંથી તાવીજ અદ્રષ્ય થયું અને તેનામાં એક પ્રચંડ આનંદાતિરેક ઉઠયો, તેણે તેનો ઝબ્બો ફાડયો.

૧૨૪ તે પોતાનો ચહેરો અને માથું પોતાના બન્ને હાથે કુટતો, દીવાલ અને દરવાજા ઉપર પોતાનું માથું પછાડતો હતો.

૧૨૫ એવી સખત રીતે કે તેના માથા અને નાકમાંથી લોહી નીતરવા લાગ્યું, અને બાદશાહ હ. મુસ્તફા (ર.સ.અ)ને તેના ઉપર દયા ઉપજી,

૧૨૬ તેણે તીણી ચીસો પાડી, લોકો તેની આજુબાજુ ભેગા થયા. નાસ્તિક બુમ પાડતો હતો ઓ લોકો ખબરદાર થાઓ,

૧૨૭ તેણે પોતાનું માથું ભટકાવ્યું, કહીને “ઓ સમજણ વગરના માથા,” તેણે પોતાની છાતી કુટી, કહીને "ઓ પ્રકાશ વગરના પેટ !”

૧૨૮ પોતાને સિજદામાં નાખતો બુમ પાડી ઉઠયો, ઓ (તું કે જે) આખી પૃથ્વી છો, આ અનિચ્છનીય ભાગ (પોતે) તારા કારણે શરમાય છે.

૧૨૯ ઓ તું કે જે સંપૂર્ણ છો, તેના હુકમને તાબે છો, હું કે જે (માત્ર) એક ભાગ છું અન્યાયી અને દુષ્ટ અને સીધે રસ્તે દોરવાએલો નથી.

૧૩૦ (ઓ) તું કે જે સંપૂર્ણ છો, નમ્ર છો, અને ખુદાની બીકે ધ્રુજો છો, હું એક કટકો છું (છતાં) હું દુશ્મનાઈ અને (ખુદાની) વિરુદ્ધાઈમાં રચ્યોપચ્યો રહું છું.

૧૩૧ દરેક પળે તે પોતાનો ચહેરો આસમાન તરફ ફેરવતો હતો, કહેતો હતો, “ઓ દુનિયાના કિબ્લા (તારા તરફ જોવા માટે) મને ચહેરોજ નથી.”

૧૩૨ જયારે તે ધ્રુજતો હતો અને હદ વગરનો કાંપતો હતો ત્યારે હ. મુસ્તફા (અ.સ.અ) તેને પોતાના હાથો વડે બાથમાં લીધો.

૧૩૩ તેને શાંત કર્યો, ખૂબ હેત કર્યું અને તેની (આંતરિક) આંખ ઉઘાડી અને તેને (રૂહાની) જ્ઞાન આપ્યું.

૧૩૪ જ્યાં સુધી કે વાદળા રૂએ નહિ (વરસાદ વરસે નહિ) બગીચો કેમ હસી ઉઠશે ? જ્યાં સુધી કે બાળક રૂદન કરે નહિ ત્યાં સુધી દુધ વહેવું કેમ શરૂ થશે?

૧૩૫ એક દિવસનું બચ્ચું રસ્તો જાણે છે, તે બુમ પાડશે કે જેથી દયાળુ પરિચારીકા આવશે.

૧૩૬ બધી પરિચારીકાની પરિચારિકા (તમારા) રડવા સિવાય દુધ નહિ આપે, તે શું તમે જાણતા નથી ?

૧૩૭ તેણે (ખુદાએ) કહ્યું છે, “તેમને ઘણું રૂદન કરવા દો"  કાન દઈને સાંભળ, કે પેદા કરનારની બક્ષિશ, દુધ બહાર રેડશે.

૧૪૩ તમને નાના બચ્ચાંની માફક આંસુ સારતી આંખની જરૂરત હોવી જોઈએ, (જાહેરી) રોટલો ખા નહિ. કારણ કે તે રોટલો તારૂં પાણી (રૂહાનીયત સુંદરતા) ઉપાડી જશે.

૧૪૪ જ્યારે કાયા પાંદડામાં (સારી ખીલેલી) છે ત્યારે તેના કારણે રાત્રી અને દિવસ ડાળી (કે જે) આત્મા છે પોતાનાં પાંદડા વેરે છે, અને તે વસંતમાં છે.

૧૪૫ કાયાની (ખીલતી હાલત) આત્મા માટે (વગર પાનપણું) છે, ઉતાવળો બનજે, તમારે આ (કાયા)ને ઘટતી અને તેને (આત્માને) વધતો બનાવવો જોઈએ.

૧૪૬ “ખુદામાં ધીરો" આ કાયાની (ખીલતી હાલત) ધીરાણ તરીકે આપો, બદલામાં તમારા દિલમાં બગીચો ખીલે.

૧૪૭ ધીરાણ આપો, આ કાયાના ખોરાકને ઘટાડો કે જેથી ‘ચહેરો' કે જેને આંખે જોયો નથી તે ચહેરો દ્રષ્ટિમાં આવે.

૧૪૮ જ્યારે કાયા પોતે વિષ્ટાથી ખાલી થઈ, ત્યારે (ખુદા) તેને કસ્તુરી અને દિવ્ય મોતીઓથી ભરી દેશે.

૧૪૯ તે (આવો એક માણસ) ગંદકી આપે છે અને (બદલામાં) પવિત્રતા મેળવે છે. તેની કાયા ખુશી અનુભવે છે “તે તમને પવિત્ર કરશે.

૧૫૦ (પરંતું) સેતાન તમને બીવરાવે છે, કહે છે, સાંભળ અને ફરીવાર સાંભળ, તમે આ માટે દિલગીર બનશો અને (તે) તમને ઉદાસ બનાવશે.

૧૫૨ આ (જાહેરી ખોરાક) ખાઓ, તે ગરમ છે અને તમારી તન્દુરસ્તી માટે સારૂં છે અને તમારી ભલાઈ અને સાજા થવા માટે તે પીઓ.

૧૫૫ દુષ્ટ સેતાન આવી યુક્તિઓ અજમાવે છે અને લોકો ઉપર એક સો મંત્રો ઉચ્ચારે છે.

૧૫૭ તે કહે છે, “આ (ખોરાક) કોઈપણ દુઃખ અને દિલગીરી વિરૂદ્ધ ઉપયોગી છે.” તેણે તે જ વસ્તું હ. આદમ (અ.સ.)ને ઘઉંના દાણા માટે કરી હતી.

૧૬૭ તેથી તમારી સમજણને દોસ્તની સમજણ સાથે ભેળવો, (આયાત) પઢો, “તેઓની ઘટનાઓ એકબીજા સાથે સલાહ મસલત કરે છે અને તેને અમલમાં મુકે છે.”

હ. મુસ્તફા (૨.સ.અ.) અરબ મહેમાન સાથે મયાળુપણે વર્ત્યા અને તેના સંતાપોને ઠંડા કર્યાં, કે જે પોતાની શરમમાં અને પશ્ચાતાપમાં અને નિરાશાની અગ્નિમાં ડુસકાં ખાઈ પશ્ચાતાપ કરતો હતો તેને શાંત કર્યો.

૧૬૮ આ મુદ્દાનો છેડો જ નથી, પેલો અરબ (રૂહાની) રાજાના માયાળુપણાથી દંગ જ થઈ ગયો.

૧૬૯ તે મહદ્અંશે દિવાનો બનતો હતો. તેની સમજણ (તેનામાંથી ) ઉડી ગઈ, પણ હ. મુસ્તફા (ર. સ. અ.) ના હાથે (શક્તિએ) સમજણને પાછી ખેંચી.

૧૭૦ તેઓએ (નબી સાહેબે) કહ્યું, “નજીક આવ," એક (માણસ) ગાઢ નિદ્રામાંથી જાગૃત થતો હોય તેવી હાલતમાં તે આવ્યો.

૧૭૧ તેઓએ કહ્યું, નજીક આવ, (તારી બુદ્ધિમત્તા) ગુમાવ નહિ. સાંભળ, ખુદીમાં આવ, તારા માટે અહીં ઘણી મોટી વસ્તુઓ કરવાની છે.

૧૭૨ તેઓએ તેના ચહેરા ઉપર પાણી છાંટયું અને તેણે (નાસ્તિકે) બોલવું શરૂ કર્યું. કહે, ઓ ખુદાના સાક્ષી, કલમો બોલો.

૧૭૩ કે જેથી હું (તેની સત્યતાનો) સાક્ષી બનું, અને (બેઈમાનીપણામાંથી) હટી જાઉં. હું આ (જુઠા) અસ્તિત્વથી થાક્યો છું અને (વાસ્તવિક્તાના) મેદાનમાં આગળ જઈશ.

૧૭૪ તે કે જે આ ન્યાય મંદિરમાં હુકમનામાની જાહેરાત કરે છે, આપણે આપણા દાવાનો મુદ્દો તેની હજુરમાં રજુ કરીએ છીએ. “શું હું (તમારો માલિક) નથી?” અને “હા”

૧૭૫ કારણ કે આપણે કહ્યું, “હા” (અને જ્યારે કે આપણે) આપણા કર્તવ્યોની કસોટી ઉપર (છીએ), અને શબ્દો “અમે (સંમત થયા છીએ)” (જરૂરી) સાક્ષી પુરાવા છે.

૧૭૬ આપણે ઇન્સાફની કોર્ટમાં ચુપ કેમ રહી શકશું ? શું આપણે તે હુકમની સાબિતીમાં અહીં આવ્યા નથી ?

૧૭૭ ઓ સાક્ષી, ન્યાયાધિશના ન્યાયમંદિરમાં કેટલો લાંબો વખત અટકાયતમાં રહીશ ? વખતસર તારી સાબિતી રજુ કર.

૧૭૮ તમને અહીં સાબિતી આપવા અને જરા પણ બેફરમાની ન બતાવવા, હુકમથી બોલાવવામાં આવેલ છે.

૧૭૯ (પણ) તારા દુરાગ્રહમાં તું નીચો બેસી ગયો છે, અને આ બંદીવાસમાં તારા હાથ અને મોં (બંન્ને) બંધ કર્યા છે.

૧૮૦ ઓ સાક્ષી, તું જ્યાં સુધી તે સાબિતી નહિ આપે ત્યાં સુધી તું આ કચેરીમાંથી કેવી રીતે છુટી શકીશ ?

૧૮૧ તે (માત્ર) એક પળની જ બાબત છે, (તારી ફરજ) બજાવ, અને ચાલ્યો જા, તારા પોતા માટે ટુંકી બાબત લાંબી ન કર !

૧૮૨ જેવી તારી મરજી, એકસો વર્ષ દરમ્યાન કે એક પળમાં (તું કરે). આ અનામત સોંપી દે અને તારા ખુદને તેનાથી છુટો કર.

યા અલી મદદ