Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૫ તારવણી

વાર્તા - ૧૦

વાર્તા - ૧૦

0:000:00

બાતમીદારે એક કન્યાનું વર્ણન કર્યું અને કાગળ ઉપર તેનું ચિત્ર દોર્યું અને મિસરના ખલીફાનું તેણીના પ્રેમમાં પડવું અને એક અમીરને શક્તિશાળી લશ્કર સાથે મોસલના દરવાજા સુધી મેકલ્યો અને (કન્યા મેળવવાના) ઈરાદા માટે મોટી ખુનામરકી અને પાયમાલી કરી.

૩૭૩૧ એક બાતમીદારે મિસરના ખલીફાને કહ્યું. “મોસલનો બાદશાહ હુરાંને પરણ્યો છે.

૩૭૩૨ તે પોતાના બાહુમાં એક એવી છોકરી રાખે છે કે દુનિયામાં તેના સરખી ખુબસુરતી છે જ નહિ.

૩૭૩૩ તેણીનું વર્ણન મુશ્કીલ છે, કારણકે તેણીની ખુબસુરતી (બધી) હદોથી પર છે. તેણીની ચિતરેલી છબી કાગળ ઉપર અહીં છે.

૩૭૩૪ જ્યારે બાદશાહે કાગળ ઉપર તેણીની પ્રતિમા જોઈ, તે બેચેન બન્યો અને તેના હાથમાંથી પ્યાલો પડી ગયો.

૩૭૩૫ તુરતજ તેણે એક કેપ્ટનને એક ઘણાજ શક્તિશાળી લશ્કર સાથે રવાના કર્યો.

૩૭૩૬ અને કહ્યું  “જો તે તને પેલો ચંદ્રમા (ખુબસુરત) આપી ન દે તો તેની કચેરી અને મહેલ પાયામાંથી ઉખેડી નાખજે.

૩૭૩૭ પણ જો તે તેણીને આપી દે, તો તેને છોડી દેજે અને ચંદ્રમાને અહીં લઈ આવજે કે હું પૃથ્વી ઉપર ચંદ્રમાને આલીંગન કરૂં.”

૩૭૩૮ કેપ્ટન પોતાના રસાલા અને હજારો શુરવીરો અને નગારાં અને વાવટાઓ સાથે મોસલ તરફ રવાના થયો.

૩૭૩૯ પાકની આજુબાજુ ભેગા થએલા અસંખ્ય તીડોની માફક (એક લશ્કર સાથે) તેણે શહેરના રહેવાશીઓનો નાશ કરવાનો નિર્ધાર કર્યો.

૩૭૪૦ દરેક બાજુએ તે કાફ પર્વત જેવી શક્તિશાળી સેનાને વિરોધી કાર્યમાં ગોઠવી.

૩૭૪૧ ગોફણમાંથી અને તીરોથી ઝખમો ફટકારવામાં આવતા હતા. ધુળ વચ્ચે વાદળામાંથી તલવારો (ઝબુકતી) હતી,

૩૭૪૨ (આખા) એક અઠવાડીયા સુધી સખત લડાઈમાં તેણે આવી કત્લેઆમ કરી. પત્થરના મિનારાઓ મીણ જેવા નરમ બન્યા.

૩૭૪૩ મોસલના રાજાએ આ ભંયકર સંઘર્ષ જોયું, પછી (આખરે) તેણે શહેરમાંથી (કેપ્ટન)ની પાસે દૂત મોકલ્યો,

૩૭૪૪ કહેવા સાચા ઈમાનદારોનું લોહી વહેવડાવી તું શું (મેળવવા) માગે છે ? તેઓ આ ભયંકર લડાઈમાં મરી રહ્યા છે.

૩૭૪૫ જો તારો હેતુ મોસલ શહેરનો કબજો મેળવવાનો હોય તો, અત્યારે જો, આના જેવું વધુ લોહી રેડ્યા વગર તે મેળવાએલ છે.

૩૭૪૬ હું શહેરથી બહાર ચાલ્યો જઈશ, અહીં તે તારા માટે છે. અંદર દાખલ થા, રખેને દમન કરાએલાઓનું લોહી તને પકડે (અને વેરની વસુલાત માગે).

૩૭૪૭ અને જો તમારો હેતુ માલમિલ્કત અને સોનું અને ઝવાહિરો છે તો શહેરનો કબજો લેવા કરતાં તે વધુ સહેલું છે.

મોસલના માલિકે છોકરી ખલીફને સોંપી દેવી એટલા માટે કે મુસ્લિમોનું લોહી વધુ ન વહેવડાવાય.

૩૭૪૮ જ્યારે દુત કેપ્ટન પાસે આવ્યો, તેણે (કેપ્ટને) તેને કાગળ કે જેના ઉપર (પેલી છોકરીની) પ્રતિમા ચીતરેલ હતી તે આપી.

૩૭૪૯ (કહે), કાગળ તરફ જો, આની મને જરૂર છે, સાંભળ, તેણીને સોંપી દો, નહિતર (હું તેણીનો કબજો દબાણથી લઈશ, કારણકે) હું વિજેતા છું,

૩૭૫૦ દુતના પાછા ફરતાં પેલા ભલા બાદશાહે કહ્યું. “(માત્ર) રૂપ ઉપર ધ્યાન ન આપો, તુર્તજ તેણીને દોરી જાઓ.”

૩૭૫૧ ‘સત્ય પંથ'ના ઝમાનામાં હું એક મૂર્તિપૂજક નથી. તે વધુ યોગ્ય છે કે મૂર્તિ મૂર્તિપૂજકના હાથોમાં હોય.

૩૭૫ર જ્યારે દૂત તેણીને તેની પાસે લાવ્યો, કેપ્ટન સીધો તેણીની ખુબસુરતીથી પ્રેમમાં પડ્યો.

૩૭૬૦ (જે ખરેખરો) એક ખાડો હતો તેને સલામત રસ્તા તરીકે કેપ્ટને નિહાળ્યો, તેને અનુત્પાદક જમીન વાવેતર યોગ્ય દેખાણી (તેથી) (તેમાં) તેણે બી વાવ્યું.

૩૭૬૧ (આ કેપ્ટનની આવી હાલત હતી) એવી રીતે કે સ્વપ્નામાં એકે સુંદર ચહેરો જોયો અને તેની સાથે શાદી કરી.

૩૭૬૨ જ્યારે સ્વપ્નું પુરૂં થયું અને જાગૃત થયો તો જોયું કે તે ખાલી સ્વપ્નું હતું અને પેલી સ્ત્રી મોજુદ હતી નહિ.

૩૭૬૩ તે પોતાના દિલમાં કહેવા લાગ્યો કે અફસોસ કે મેં કોઈ જીવંત ઓરત સાથે શાદી ન કરી, સ્વપ્ના ઉપર અફસોસ કરવા લાગ્યો.

૩૭૬૪ પેલો પહેલવાન શારિરીક શક્તિવાળો હતો, રૂહાની શક્તિવાળો ન હતો. તેણે મર્દનું બી પેલી ઓરત રૂપી જમીનમાં વાવ્યું.

૩૭૬૫ તેના પ્રેમના ઘોડાએ એક સો બંધનો તોડી નાખ્યાં, તે (કેપ્ટન) બુમ પાડતો હતો, “મને મોતની કાંઈ પરવા નથી.”

૩૭૬૬ મને ખલીફની કઈ પરવા છે ? (જ્યારે કે હું) પ્રેમમાં છું, મારૂં જીવન અને મૃત્યુ મારા માટે સરખું છે.

૩૭૬૭ હું આજીજી કરૂં છું, આવા આવેશ અને ગરમીમાં વાવો નહિ, એકાદ (રૂહાનીયત) રાહનુમાની સલાહ લ્યો.

૩૭૬૮ (૫ણ) સલાહ ક્યાં છે ? સમજણ ક્યાં છે ?(જ્યારે) લાલસાના વાવાઝોડાએ (તેમનો) નાશ કરવા પોતાના નહોરો આગળ કર્યા છે ?

૩૭૬૯ “એક અટકાયત આગળ અને એક અટકાયત પાછળ” (પણ) તે કે જે (ગુલાબી) ગાલોથી આકર્ષાયો છે તે આગળ અથવા પાછળ જોતો નથી.

૩૭૭૦ કાળો મુશળધાર વરસાદ તેનું જીવન લેવા આવે છે કે જેથી એક શિયાળ, એક સિંહને કુવામાં (વિનાશમાં) ધકેલે છે.

૩૭૭૧ કંઈક (પાર્થીવ) શુન્ય કુવામાં આભાસ દેખાતો કરે છે, એટલા માટે કે તે (આભાસ) પર્વત જેવા (મજબુત) સિંહોને તેમાં ફગાવે.

૩૭૭૨ તમારા સ્ત્રી કુટુંબીઓ સાથે કોઈને હળવા મળવા દેતો નહિ. કારણ કે આ બે (સ્ત્રી અને પુરૂષ) ને રૂ અને અગ્નિના ભડકા સાથે સરખાવાય છે.

૩૭૭૩ તેને ખુદાઈ પાણીથી બુઝેલો અગ્નિ જોઈએ છે, પેલા હ. યુસુફ (અ.સ.)ની માફક કે જેઓ હલકટ આવેશના સમયે ખુદાને મજબુત પકડે છે.

૩૭૭૪ પોતાને સિંહની માફક સ્વરૂપવાન, સાઈપ્રસ જેવી કદાવર અને પતલી ઝુલેખાથી પોતાને દુર રાખ્યો.

૩૭૭૫ તે (કેપ્ટન) મોસલથી પાછો ફર્યો અને પોતાને રસ્તે પાછો ફર્યો ત્યાં સુધી કે તે એક જંગલમાં હરિયાળી જગ્યામાં પડાવ નાખ્યો.

૩૭૭૬ પ્રેમની અગ્નિ એટલી સખત જલતી હતી કે તે આસમાનમાંથી જમીનને ઓળખી શક્યો નહિ.

૩૭૭૭ તેણે પોતાના તંબુમાં પેલો ચંદ્રમા (ખુબસુરત)ને આલીંગન કરવા નક્કી કર્યું. ખલીફની બીક અને પોતાની સમજણ તે વખતે ક્યાં હતી ?

૩૭૭૮ જ્યારે વિષયવાસના દુનિયામાં (જીતનું) નગારૂં પીટે છે ત્યારે સમજણ તે વળી શું છે ? એક (નિર્માલ્ય) મુળો(radish), અને એક મુળાનો પુત્ર.

૩૭૭૯ તેની ઝનુની આંખને એક સો ખલીફો તે પળે એક મચ્છરથી પણ હલકા દેખાયા.

૩૭૮૦ પેલો ઓરતનો સ્નેહી ઓરતની પાસે નગ્ન બેઠો.

૩૭૮૧ અને જ્યારે લશ્કરમાં એક એચીંતી આફતથી કયામતના જેવો મહાન શોરબકોર ઉઠયો.

૩૭૮૨ પહેલવાન આ સાંભળી નાગો ફૌજ તરફ દોડ્યો. પેલી સ્ત્રીએ એક તલવાર જે લટકી રહી હતી તે તેના હાથમાં આપી.

૩૭૮૩ તેણે જોયું કે એક ઝનુની કાળો સિંહ જંગલમાંથી ઓચિંતાના લશ્કરના મધ્ય સ્થાને ધસી આવ્યો છે.

૩૭૮૪ (કે) અરબી ઘોડાઓ સખત ઉશ્કેરાણા છે, (કે) દરેક તબેલા અને તંબુ મુંઝવણમાં હતા.

૩૭૮૫ (અને કે) લાલસા અંગે ઝનુની સિંહ સમુદ્રની છોળની માફક હવામાં વીસ ગજના ઠેકડા મારતો હતો.

૩૭૮૬ કેપ્ટન મર્દાનગીવાળો અને નીડર હતો, તે પેલા ઝનુની સિંહની માફક સિંહને મળવા આગળ વધ્યો.

૩૭૮૭ તેણે તેના ઉપર પોતાની તલવાર વીંઝી અને તેનું માથું ઉડાવ્યું (પછી) તુર્તજ ખુબસુરતના તંબુ તરફ ઉતાવળે પાછો ફર્યો.

૩૭૮૮ જ્યારે તેણે પોતાને આ હુરાંની સમક્ષ હાજર કર્યો ત્યારે તેની કલ્પના પહેલા જેવી જ રહી હતી.

૩૭૮૯ આવા ભયંકર ઝનુની સિંહનો મુકાબલો કર્યા પછી પણ તેનો પેલી હુર માટેનો જુસ્સો તેવોજ રહ્યો, નરમ પડયો ન હતો.

૩૭૯૦ તેનો આવો જુસ્સો અને બહાદુરી જોઈ પેલી ઓરત તો અજાયબીમાં ગરકાવ થઈ ગઈ.

૩૭૯૧ તેના કારણે તે વખતે પેલી ખુબસુરત આ પહેલવાન સાથે ઘણી ખુશીથી લપટાઈ ગઈ અને એક દિલ અને જીવ માફક બની ગઈ.

૩૭૯૨ આ બંન્ને આત્માઓનું એક બીજા સાથેના મિલનમાં, તેમની તરફ અદ્રશ્ય દુનિયામાંથી એક બીજો આત્મા આવશે.

૩૭૯૩ તે જન્મ ધારણ કરવાના રસ્તે આવશે, જો તેના ગર્ભાધારણનો રસ્તો ન રૂંધાય તો.

૩૭૯૪ જ્યારે જ્યારે બે માનવો પ્રેમ અથવા તિરસ્કારમાં ભેગા થાય છે, ત્રીજો જરૂર જન્મશેજ.

૩૭૯૫ પણ પેલા આકારો (ગુણધર્મો) અદ્રશ્ય દુનિયામાં ઘડાય છે, જ્યારે તમો ત્યાં જશો ત્યારે તમે તેમને સ્પષ્ટપણે જોશો.

૩૭૯૬ પેલી સંતતિ તમારા જોડાણોથી જન્મી છે, ખબરદાર, કોઈ પણ જેડાણમાં બહુ જલ્દી આનંદ ન અનુભવતો.

૩૭૯૭ (મુલાકાતના) આપેલા સમયની ધારણામાં રહેજે, (દૈવી) વચનની સત્યતા જાણી લેજે કે બહાર આવનાર (તેઓના ભલાબુરામાં) જોડાશે.

૩૭૯૮ કારણ કે તેઓ કાર્ય અને કારણથી જન્મ્યા છે, દરેકને રૂપ અને વાણી અને રહેઠાણ છે.

૩૭૯૯ તેઓની બુમ તમને પેલી ખુશકારક રહેઠાણમાંથી આવે છે, ઓ તું કે જે અમોને ભુલી ગએલ છે, બની શકતી ઝડપે આવી પહોંચો !

૩૮૦૦ (દરેક) સ્ત્રી અને પુરૂષના (રૂહાની પરિણામનો) આત્મા અદ્રશ્યમાં (તેમના માટે) રાહ જોતો હોય છે, શા માટે તમો ઢીલ કરો છો ? રસ્તા ઉપર આગળ જલ્દી પગલું મૂકો.

૩૮૦૧ તેણે (કેપ્ટને) પોતાનો રસ્તો ગુમાવ્યો અને પેલા ખોટા પ્રભાતથી (થાપ ખાધેલા) છાશના વાસણમાં એક મચ્છરની માફક પડ્યો.

પેલા લશ્કરના સરદારે પાપ કે જે તેણે આચર્યું હતું તેનો પશ્ચાતાપ કર્યો અને જે પણ કાંઈ બન્યું હતું તેમાંથી કાંઈ પણ ખલીફને ન કહેવા વિનંતી કરી.

૩૮૦૨ તે થોડા સમય માટે પેલા (પ્રેમના પ્રકરણમાં) તલ્લીન બન્યો હતો (પણ) ત્યારબાદ તેણે પેલા ભયંકર ગુન્હાનો પશ્ચાતાપ કર્યો.

૩૮૦૩ અને તેણીને વિનંતી કરી, કહે, ઓ તું કે જેનો ચહેરો સૂર્ય સમાન છે, જે બની ગયું તેનો જરા પણ ઈશારો ખલીફને આપતી નહિ.

૩૮૦૪ જ્યારે ખલીફે તેણીને જોઈ ત્યારે તે પણ (પ્રેમમાં) વ્યાકુળ બન્યો અને પછી પોતાનું વાસણ છાપરાથી નીચે પડ્યું.

૩૮૦૫ (બાતમીદારે) તેણીના કરેલા વર્ણન કરતાં એકસો ગણી વધુ ખુબસુરત તેણે તેણીને જોઈ, વાસ્તવમાં જોવું એ સાંભળવા સરખું કેમ બને ?

૩૮૦૬ વર્ણન સમજણની આંખ માટે (દોરેલું) ચિત્ર છે. જાણ કે (ઈન્દ્રિયમય) રૂપ આંખ માટે છે, નહિ કે કાન માટે. 

૧૮૭૭ અમુક માણસે એક છટાદાર બોલનારને પૂછયું, ‘ઓ ભલા વિવરણના પુરૂષ, સત્ય અને જુઠ શું છે ?'

૩૮૦૮ તેણે તેનો કાન પકડયો અને કહ્યું, “આ ખોટો છે, આંખ સાચી છે અને ચોક્કસતા ધરાવે છે.”

     ખલીફાનું આ ઓરત પાસે શહેવત માટે આવવું.

૩૮૪૨ જ્યારે બાદશાહે ‘મિલન'નો ઈરાદો કર્યો ત્યારે તે આ ઓરત પાસે તેવી ઈચ્છાએ આવ્યો.

૩૮૪૩ તેની તસ્વીર તો શું ? ખુદ હાજર હતી. તેની સાથે રાત્રી ગુજારવાનું નક્કી કર્યું.

૩૮૪૪ જ્યારે તે પેલી ઓરતના પાસે બેઠો, તેજ વખતે કિસ્મતે તેની બાજી બગાડી નાખી.

૩૮૪૫ ઉંદરનો ખટખટનો અવાજ તેના કાન ઉપર પડ્યો, આ અવાજથી તેના જુસ્સાની હાલત દબાઈ ગઈ. તેનું શહેવતનું જોર ખલાસ થયું.

૩૮૪૬ ખલીફાને વિચાર આવ્યો કે આ અવાજ સરપનો હોવો જોઈએ કે જે બાજુએથી રોજ હરકત કરે છે.

આ દાસીનું હસવું કે ક્યાં સિંહ સાથે બાથ ભીડનાર પેલો કેપ્ટન અને કયાં  ઉંદરથી ડરી જનાર બાદશાહ !

૩૮૪૭ જ્યારે દાસીએ બાદશાહની આવી હાલત જોઈ, તેનાથી હસવું ખાળી શકાણું નહિ.

૩૮૪૮ તેણીએ પેલા પહેલવાનની શક્તિ અને બાદશાહની નામર્દી જોઈ, જોરશોરથી હસવા માંડ્યું.

૩૮૪૯ સ્ત્રીનું હાસ્ય લાંબો સમય ચાલુ રહ્યું. તેણીએ તે (દબાવવા) સખત કોશીષ કરી પણ તેણીના હોઠો બંધ થયા નહિ.

૩૮૫૦ તેણીએ ભાંગ ખાનારાઓની માફક સખત રીતે હસવું ચાલુ રાખ્યું. નફાનુકશાનની (બધી ગણત્રી) તેના હાસ્યે હરાવી દીધી.

૩૮૫૧ જે પણ કાંઈ તેણીએ વિચાર્યું (જ્યારે કે) એક ઓચિંતાના પાણીના પ્રવાહનો દરવાજો ખોલવામાં આવે. તે (માત્ર) તેનું હસવું વધારતું હતું, જેમ (જ્યારે કે) એક ઓચિંતાના પાણીના પ્રવાહનો દરવાજો ખોલવામાં આવે.

૩૮૫૨ રૂદન અને હાસ્ય અને દિલગીરી અને દિલની ખુશી, જાણ કે (તેમાંના) દરેકને એક સ્વતંત્ર ઉદ્દગમસ્થાન છે.

૩૮૫૩ દરેકને એક (ખાસ) કોઠાર છે, ઓ ભાઈ, જાણ કે તેની કુંચી ખોલનારના હાથમાં છે.

૩૮૫૪ તેણીનું હાસ્ય ઓછું થતું ન હતું. પછી ખલીફ ગુસ્સે થયો અને ઝનુની બન્યો.

૩૮૫૫ તેણે તુર્તજ મ્યાનમાંથી પોતાની તલવાર કાઢી અને કહ્યું, ઓ (ઢોંગી) સ્ત્રી, તારા હસવાનું ગુપ્ત કારણ જાહેર કર.

૩૮૫૬ આ હાસ્યથી એક શંકા મારા દિલમાં ઉદભવી છે, સત્ય કહે, તું મને ફોસલાવી શકીશ નહિ.

૩૮૫૭ અને જો તું અસત્યથી મને છેતરીશ અથવા ખોટા બહાના ઉચ્ચારીશ તો પણ.

૩૮૫૮ હું જાણીશ જ (કારણ કે) મારા દિલમાં પ્રકાશ છે, જે કહેવાનું છે તે તારે કહેવુંજ પડશે.

૩૮૫૯ જાણ કે બાદશાહોના દિલમાં એક શક્તિશાળી ચંદ્રમા હોય છે, જો કે ક્યારેક તે વાદળાંઓની નીચે સંતાએલ હોય છે.

૩૮૬૦ બહાર જતી વેળાએ દિલમાં એક બત્તી હોય છે. ગુસ્સા અને આઘાત વખતે કથરોટની નીચે મુકાય છે.

૩૮૬૧ પેલી દીર્ઘદ્રષ્ટિ અત્યારે મારી સાથે જ છે, સિવાય કે તું જે કહેવાની તારી ફરજ છે તે કહે.

૩૮૬૨ નહિતર, હું તારૂં માથું આ તલવારથી જુદું કરીશ, ઉડાઉ જવાબ તને જરાપણ મદદગાર થશે નહિ.

૩૮૬૩ અને જો તું સાચું કહીશ, હું તને સ્વતંત્ર કરીશ, ખુદાને આપેલું વચન હું તોડીશ નહિ, હું તને રાજી કરીશ.

૩૮૬૪ તે જ પળે તેણે એક પછી એક એમ સાત કુરાને શરીફ ગોઠવ્યાં અને કસમ ખાધા અને આવી રીતે (પોતાના વચનનું) સમર્થન કર્યું.

છોકરીનું તલવારના ઝાટકે (પોતાનું માથું કપાઈ જવાની) બીકે ખલીફ પાસે પેલી ગુપ્તતા જાહેર કરવી અને તેણીને બળજબરીથી બોલવાની ખલીફે ફરજ પાડી. (જેણે કહ્યું) “તારા હસવા માટેના કારણનો સત્ય જવાબ દે નહિતર તને મારી નાખીશ.”

૩૮૬૫ જ્યારે સ્ત્રી અસહાય બની, ત્યારે તેણીએ પેલો રૂસ્તમ કે જે એક સો 'ઝાલ’નો પુત્ર હતો તેની મર્દાનગી (ને લગતું) જે બન્યું હતું તે જાહેર કર્યું.

૩૮૬૬ તેણીએ (આવવાના) રસ્તા ઉપર નેવોઢાગૃહ જે (તેણીના) માટે તૈયાર કરવામાં આવેલ તેની રજેરજ માહિતી આપી.

૩૮૬૭ પહેલવાનનું સિંહને કતલ કરવું પછી તંબુ તરફ આવવું અને સિંહની જરા જેટલી પણ બીક તેનામાં દેખાણી નહિ.

૩૮૬૮ તેણે સિંહનો મુકાબલો કર્યો તો પણ તેના જુસ્સામાં જરા જેટલી પણ ઓટ આવી નહિ, જુસ્સો ચાલુ રહ્યો.

૩૮૬૯ ખુદા ગુપ્ત ચીજોનો જાહેર કરનાર છે, જ્યારે કે તેઓ ઉગી નીકળશે,

બાદશાહ, પેલા પ્રપંચી કાર્યોથી માહિતગાર બનતાં તેને છુપાવવું અને માફ કરવાનું નક્કી કર્યું અને તેને (કેપ્ટનને) પેલી ગુલામ કન્યા આપવી. અને સ્વીકાર કર્યો કે તકલીફ તેના ઉપર થએલી સજા હતી અને (ગુલામ કન્યા મેળવવાના) તેના પ્રયાસનું પરિણામ હતું. અને મોસલના માલિક તરફ જે ગુનો કર્યો તેનું પરિણામ હતું કારણ કે “અને જે હલકાઈ કરે છે તે પોતા વિરૂદ્ધ જ છે” અને, “અરે તારો માલિક ચોકી ઉપર છે,” અને તેને બીક લાગી કે જો પોતે વેર લેશે તો વેર પોતાના ઉપર પ્રત્યાઘાત પાડશે. જેમ આ અન્યાય અને પોતાની લાલસાએ પોતાના ઉપર પ્રત્યાઘાત (ક્યારનો) પાડી દીધો હતો.

૩૮૯૫ બાદશાહ ભાનમાં આવ્યો, તેણે (ખુદાની) માફી માંગી અને પોતાનું પાપ, ત્રુટિ અને હઠ કબુલ કરી.

૩૮૯૬ તેણે પોતાના મનમાં કહ્યું  “મેં જે કર્યું તેના વેરની વસુલાત મોસલના બાદશાહ તરફથી મારા આત્માને (મળી ગઈ).

૩૮૯૭ સત્તાના અહંકારમાં બીજાની રખાત મેળવવા કોશીષ કરી તે (અન્યાયે) મારા ઉપર પ્રત્યાઘાત પાડ્યો (જે ખાડો મેં ખોદ્યો) તેમાં હું પડ્યો.

૩૯૧૦ ઓ અમારા માલિક, ખરેખર અમોએ ખોટું કર્યું છે” એક ભુલ બની ગઈ છે. એક દયાનું કાર્ય બજાવ, ઓ તું કે જેની દયાઓ શક્તિશાળી છે !

૩૯૧૧ (ખલીફે કહ્યું)  મેં (તને) માફી આપી છે, હવે આ વાત (કોઈપણ) આગળ કહેતી નહિ કે જે મેં તારી પાસેથી સાંભળી છે.

૩૯૧૩ હું તને અમીર સાથે મિલાવીશ, ખુદાની ખાતર, ખુદાની ખાતર, આ વાતનો એક શબ્દ પણ ઉચ્ચારીશ નહિ.

૩૯૧૭ પછી તેણે અમીરને પોતાની હજુરમાં બોલાવ્યો. 

૩૯૧૮ તેણે તેની પાસે અનુકુળ બહાનું બતાવ્યું. કહે, “હું આ ગુલામ કન્યા તરફ વિમુખ બન્યો છું.

૩૯૧૯ કારણકે મારા બચ્ચાઓની મા આ છોકરીની અદેખાઈ અને વેરથી ઉકળી ઉઠી છે.

૩૯૨૦ મારા બચ્ચાંઓની માને (મારા ઉપર) ઘણા હકો છે, આવો અન્યાય અને જુલમ તેણી (સહન કરે) તે યોગ્ય નથી.

૩૯૨૧ તેણી ઈર્ષા અને અદેખાઈથી ભરેલી છે, તેણી સંતાપ સહન કરે છે. તેણી આ કન્યાના કારણે સખત કડવાશ અનુભવી રહી છે.

૩૯૨૨ જ્યારે હું આ કન્યાને કોઈ બીજા પુરૂષને આપવા ઇચ્છુ છું ત્યારે ઓ મારા વ્હાલા દોસ્ત, તે વધુ યોગ્ય છે કે હું તેણીને તનેજ આપું

૩૯૨૩ કારણકે તેં તેણીને (મેળવવા) ખાતર તારી જિંદગી જોખમમાં મુકી હતી. તેથી તેણીને બીજા કોઈને આપવાના બદલે તનેજ આપવી વધુ યોગ્ય છે.

૩૯૨૪ તેણે તેણીને શાદીમાં આપી અને તેને હવાલે કરી, તેણે પોતાનો ગુસ્સો દબાવ્યો અને લાલસના ભૂક્કા બોલાવ્યા.

શબ્દો સમજાવવા, “અમોએ હિસ્સો આપ્યો છે." એટલે કે તે (ખુદા) એકના ઉપર વાસના અને ગધેડાઓનું (શારિરીક) જોર ઇનાયત કરે છે, અને બીજાને સમજણ અને પયગમ્બરો અને ફરિસ્તાઓની (રૂહાની) શક્તિ ઈનાયત કરે છે. વાસનામય ઈચ્છાઓથી માથું ફેરવવું એ બાદશાહની નિશાની છે, વાસનામય ઈચ્છા છોડી દેવી અને રૂહાનીયત શક્તિ કે જે પયગમ્બરો ધરાવે છે તેની નિશાની છે, બી કે જે વાસનાથી સબંધિત નથી, તેઓનું ફળ માત્ર કયામતમાં દેખાય છે.

૩૯૨૫ જે તે (ખલીફ) ગધેડાઓની મર્દાનગીમાં ખામીવાળો હતો (છતાં) તે પયગમ્બરોની મર્દાનગી ધરાવતો હતો.

૩૯૨૬ તે સત્ય છે કે પયગમ્બરની પ્રકૃતિ અને મર્દાનગી ગુસ્સો અને વાસના અને કંજુસાઈ છોડી દેવી છે.

૩૯૨૭ ભલે તેની પ્રકૃતિમાં ગધેડાની મર્દાનગીની ખામી હોય (તેનું તે વળી શું) ખુદા તેને "મોટા રૂહાનીયત બાદશાહ" નામે બોલાવે છે.

યા અલી મદદ