Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૮

વાર્તા - ૮

0:000:00

હ. પયગમ્બર સાહેબની વાત કે જેઓ અરબોની વણજારની મદદે આવ્યા, કે જે (વણજાર) તરસના માર્યા મુંઝવણમાં અને પાણીથી વંચિત અને મહાસંકટમાં હતી.

૩૧૩૦ તે વાડીમાં એક અરબનું ટોળું હતું, તેઓની પાણીની મસકો વરસાદ ન હોવા અંગે સૂકી બની હતી.

૩૧૩૧ એક વણજાર સખત તકલીફમાં રણની વચ્ચે, પોતાનાં મૃત્યુ ફરીથી ભજવાય તેવી (બની હતી).

૩૧૩૨ ઓચિંતા તેઓ કે જેઓ બંન્ને દુનિયાને મદદ કરે છે. તેવા હ. મુસ્તફા (૨. સ. અ) મદદ કરવાની ખાતર રસ્તા ઉપર દેખાણા.

૩૧૩૩ તેઓએ (નબી સાહેબે) ત્યાં ધાર્યા કરતાં વધુ મોટી વણજાર ધગધગતી રેતી ઉપર, એક સખત અને ભયંકર મુસાફરીમાં મગ્ન બનેલી જોઈ.

૩૧૩૪ તેઓના ઉંટોની જીભો બહાર લટકતી હતી, લોકો રેતી ઉપર દરેક જગ્યાએ વિખરાએલા હતા.

૩૧૩૫ તેઓને દયા આવી અને કહ્યું, “ સાંભળો, તમારામાંના કેટલાક ભાઈઓ જલ્દી જાય, અને પેલી રેતીની ટેકરીની પેલી પાર દોડો.

૩૧૩૬ એક સીદી તુર્તમાં જ ઊંટની પીઠ ઉપર એક મસક લાવશે. (કે જેને ) તે તેના શેઠ પાસે બની શકતી ઝડપે લઈ જઈ રહ્યો છે.

૩૧૩૭ ઉંટનાં સવાર સીદીને ઊંટ સહિત મારી પાસે લાવો, જરૂર પડે તો દબાણ કરીને પણ લાવો.

૩૧૩૮ પેલા શોધનારા રેતીની ટેકરીઓ પાસે પહોંચ્યા. થોડીવારમાં તેઓએ તેમ કર્યું.

૩૧૩૯ એક સીદી ગુલામ એક ઊંટ સાથે જતો હતો. ઇનામ લઈ જતો હોય તેવી રીતે, તે પાણીની મસક લઈ જતો હતો.

૩૧૪૦ પછી તેઓએ તેને કહ્યું, ઇન્સાન જાતની મગરૂરી, પેદા કરાએલાઓમાં ઉત્તમમાં ઉત્તમ આ દિશાએ તને આમંત્રે છે.

૩૧૪૧ તેણે કહ્યું, હું તેને ઓળખતો નથી. તે કોણ છે? બોલાવવા આવનારામાં એકે કહ્યું, “તેઓ ચંદ્રમાના ચહેરા જેવા માયાળુ ખાસિયત ધરાવનારા છે."

૩૧૪૨ તેઓએ (પયગમ્બર સાહેબના) જુદા જુદા ગુણો કહી બતાવ્યા, તેણે કહ્યું, “તે પેલો કવી (જાદુગર) જેવો છે.

૩૧૪૩ તેણે લાખો લોકો ઉપર જાદુથી જમાવટ શરૂ કરી છે, હું તેની તરફ અર્ધીં વેંત જેટલો પણ નહી આવું.

૩૧૪૪ તેઓ તેને આગળ ખેંચી જતા, તેઓની સમક્ષ લઈ આવ્યા, તેણે ગુસ્સામાં અને ઝનુનમાં બૂમ બરાડા પાડયા,

૩૧૪૫ જ્યારે તેઓ તેને માનવંત (નબી સાહેબ) પાસે ખેંચી ગયા. તેઓ (નબી સાહેબે) કહ્યું, “તમો (સઘળા) પાણી પીઓ અને તેમાંનું (પાણી) લઈ લ્યો.”

૩૧૪૬ તેઓએ પેલી પાણીની મસકમાંથી દરેકની તરસ બુજાવી, ઉંટો અને દરેક માણસે તેમાંથી પાણી પીધું.

૩૧૪૭ તેની (પેલા શીદી ગુલામની) પાણીની મસકમાંથી તેઓ પોતાની નાની મોટી (બધી) મસકો પાણીથી ભરી, તેમની અદેખાઈમાં આકાશમાંના વાદળા દિવાના થઈ ગયાં.

૩૧૪૮ શું કદી કોઈએ આવી નવાઈ જોઈ છે? એકજ મસકના પ્રતાપે તરસ અંગે, આટલી બધી દોજખની અગ્નિ, માનસિક આવેગ, ઠંડો બનાવાય ખરો?

૩૧૪૯ શું કોઈએ આવી (નવાઈ) જોઈ છે? કે આટલી બધી પાણીની મસકો કાંઈ પણ મહેનત વગર એક જ મસકમાંથી ભરાણી હોય ?

૩૧૫૦ પાણીની મસક પોતે તો એક પડદો હતી, અને વાસ્તવિક રીતે (નબી સાહેબના) હુકમથી (દૈવી) દયાનાં મોજાંઓ, અસલ દરિયામાંથી (તેમની) તરફ આવતાં હતાં.

૩૧૫૧ પાણી ગરમ થતાં વરાળમાં બદલાઇ જાય છે, અને તેજ હવા ઠંડીથી પાણીમાં ફેરવાઈ જાય છે.

૩૧૫૩ જેવી રીતે કે તમારા બચપણથી તમે આ (ગૌણ) કારણ અનુભવ્યું છે, તમે અજ્ઞાનતાના કારણે આ (ગૌણ) કારણને વળગી રહ્યા છો.

૩૧૫૪ કારણને (ધ્યાનમાં લેતાં) તમો ‘કૌસર'ના ભુલાએલા છો એટલે જ તમે આ પડદાઓ તરફ વલણ ધરાવો છો.

૩૧૫૫ જ્યારે બધાં (ગૌણ) કારણો જતાં રહેશે, ત્યારે તમે તમારૂં માથું કુટશો. અને ઘણીવાર બુમો પાડશો. “ઓ અમારા માલિક, ઓ અમારા માલિક.”

૩૧૫૬ માલિક તમને કહેશે, (ગૌણ) કારણોથી તને હટાવીલે, ઓ વિચિત્ર, મારૂં કામ તેં કેવી રીતે યાદ રાખ્યું ?

૩૧૫૭ તે (ગૌણ કારણોનો માનનાર) કહેશે, હવે પછી હું સંપૂર્ણ રીતે તનેજ જોઈશ, હું પેલા છેતરામણા કારણોને જોઈશ નહિ.

૩૧૬૧ વણજારના લોકો (નબી સાહેબના) આ કાર્યથી નવાઈ પામ્યા. (તેઓ બોલી ઉઠયા) “ઓ મોહમ્મદ, એ તું કે જેની ખાશિયત સમુદ્રની છે, આ (બધું) શું છે ?"

૩૧૬૨ તમે એક નાની પાણીની મસકને પડદો બનાવ્યો. તમે આરબો અને કુર્દોને ડુબાવ્યા છે! (બધાની તરસ મટાડી છે).

ચમત્કારીક રીતે હ. પયગમ્બર સાહેબે અદ્રષ્ય દુનિયાના પાણીથી, પેલા ગુલામની મસક ભરી અને પેલા સીદીનો ચહેરો મહાન દયાળુ ખુદાની રજાથી સફેદ બનાવ્યો.

૩૧૬૩ ઓ ગુલામ, હવે તારી પાણીની મસક (પાણીથી) ભરેલી જો, કે જેથી તું ફરિયાદમાં કંઈ પણ ભલું બુરૂં બોલે નહિ.

૩૧૬૪ પેલો સીદી તો આ સાબીતી સાથેનો (હ. પયગમ્બર સાહેબનો) ચમત્કાર જોઈ દીગમુઢ બની ગયો તેનું ઈમાન અવકાશ વગરની દુનિયામાંથી ખેંચાતું હતું.

૩૧૬૫ તેણે જોયું કે એક ઝરો હવામાંથી (પેલીપારની દુનિયામાંથી) પાણી રેડતો હતો. અને તેની પેલી પાણીની મસક પેલા (ઝરાના) ઉદગમનો પડદો બની હતી.

૩૧૬૬ (તેની પ્રકાશિત) નજરમાં પડદાઓ પણ ચિરાઈ ગયા હતા, તે અદ્રષ્યમાંનો ઝરો ચોક્ખી રીતે જોતો હતો.

ત્યારબાદ ગુલામની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે પોતાના શેઠ અને રહેવાની જગ્યાને (પણ) ભુલી ગયો.

૩૧૬૮ તેનામાં તેના રસ્તે જવાનું જોર ન હતું. ખુદાએ એક મજબુત ઉમેદ તેનામાં નાખી હતી,

૩૧૬૯ ૫છી ફરીવાર (નબી સાહેબે) તેના ભલા માટે તેને પાછો ખેંચ્યો. કહ્યું, ખુદામાં આવ, પાછો ફર, ઓ તું કે જે આમ કરવાથી સંગીન તક મેળવીશ.

૩૧૭૦ આ મૂંઝવણનો વખત નથી, અત્યાનંદ તારી સમક્ષ છે. હવે જલ્દી તારે રસ્તે ચપળતા અને ઝડપથી આગળ વધ.

૩૧૭૧ તેણે (ગુલામે) હ. મુસ્તફાના હાથ પોતાના ચહેરા ઉપર મુક્યા અને હાથને ઘણા ચુંબન કર્યા.

૩૧૭૨ પછી હ. મુસ્તફાએ પોતાનો આશીર્વાદીત હાથ તેના ચહેરા ઉપર ઘસ્યો અને તેને નશીબદાર બનાવ્યો,

૩૧૭૩ એબીસિનીયન (કાળો) સીદી, પૂર્ણિમાના ચાંદ જેવો સફેદ બન્યો અને તેની રાત, પ્રકાશિત દિવસમાં ફેરવાઈ ગઈ.

૩૧૭૪ તે ખુબસુરતી અને માધુર્યમાં યુસુફ બન્યો. તેઓ (નબી સાહેબે) કહ્યું, હવે ઘરે જાઓ. તારા ઉપર વિતેલી વીતક જાહેર કરજે.

૩૧૭૫ તે એકલો, હાથ કે પગ વગરનો, અત્યાનંદમાં મસ્ત જતો હતો. તેના જવામાં હાથ કે પગને (પણ) ઓળખતો ન હતો.

૩૧૭૬ પછી વણજારના પડોસમાંથી, બે પાણી ભરેલી મસકો સાથે, તેના શેઠ પાસે ઉતાવળમાં આવ્યો.

શેઠે ગુલામને સફેદ થએલો જોયો અને તેને એાળખી શક્યો નહિ અને કહ્યું, તેં મારા ગુલામને મારી નાખ્યો છે, ખુની શોધી કાઢેલો છે, અને ખુદાએ જ તને મારા હાથમાં ફેંક્યો છે.

૩૧૭૭ શેઠે તેને આચિંતો દુરથી જોયો અને ગુંચવાએલો રહ્યો.

૩૧૭૮ તેણે કહ્યું, “આ મારી મસક અને મારો ઊંટ છે, તો પછી મારો ભીના વાનનો ગુલામ ક્યાં છે?

૩૧૮૫ અરે, તું શું કરે છે? મારો ગુલામ ક્યાં છે? સાંભળ, તું સાચી હકીકત કહેવામાંથી છટકી શક્વાનો નથી,

૩૧૮૬ તેણે (ગુલામે ) કહ્યું, “હું ગુલામ અંગે બનેલી ગુપ્ત હકીકતો (વાળેવાળ) એક પછી એક જણાવું છું.

૩૧૮૭ તમે મને ખરીદ નહોતો કર્યો ત્યારથી અત્યાર સુધીની પસાર થએલી (બધી બાબતોનો) ખુલાસો કર્યો.

૩૧૮૮ કે જેથી તું જાણે કે હું (મારા રૂહાની) અસ્તિત્વમાં તેનો તે જ છું. જો કે મારી રાત્રીની કાયામાં પ્રકાશિત પ્રકાશ ખુલ્યો છે.

૩૧૮૯ રંગ બદલાણો છે; પરંતુ પવિત્ર આત્મા, રંગ અને (ચાર) તત્વો અને ધૂળથી મુક્ત છે.”

૩૧૯૦ તેઓ કે જેઓ (માત્ર) કાયા જુએ છે, તુર્તજ ભુલ ખાશે, પણ તેઓ કે જેઓ (રૂહાની પાણી) ગટગટાવે છે. તે શારીરિક પાણીની મસક અને બરણી છોડી દે છે.

૩૧૯૧ તેઓ કે જેઓ આત્માને જાણે છે, તેઓ ગુણ કે સંખ્યા વગરના છે. સંખ્યાથી પર છે, સમુદ્રમાં ડુબ્યા છે.

૩૧૯૨ આત્મા બનો અને આત્મા અંગે આત્માને ઓળખો. નહિ કે તર્કશુદ્ધ વિચારસરણીના બાળક. દીર્ઘદ્રષ્ટિના દોસ્ત બનો.

૩૧૯૩ જેવી રીતે કે એક ફિરસ્તો અસલથી જ્ઞાનવાન છે, (અને છતાં) તેઓ ડહાપણના કારણે જુદા રૂપે બે બન્યા. (હારૂત અને મારૂત).

૩૧૯૪ ફિરસ્તાઓએ પંખીની માફક પાંખો અને પીછાં ધારણ કર્યાં, જ્યારે કે આ ડહાપણે પાંખો ગુમાવી દીધી અને સુંદરતા ધારણ કરી. (નીચે ઉતર્યો).

૩૧૯૫ જરૂરીપણે બંને સાથી "આગેવાનો" બન્યા, બન્ને સૌંદર્યશાળી, એક બીજાના મદદગાર બન્યા,

૩૧૯૬ ફિરસ્તા તેમજ સમજશક્તિ ખુદાના શોધકો છે, દરેક જોડકાં એક બીજાના મદદગાર અને આદમના વખાણ કરનારા છે.

૩૧૯૮ તે કે જે હ. આદમ (અ.સ.)ને શરીર સમજ્યો, (નિરાશામાં તેમનાથી) ભાંગી છુટયો, જે (ફિરસ્તાઓએ) ભરોસાપાત્ર “નૂર” જોયું. સિજદામાં પડયા.

૩૧૯૯ પેલાઓ (ફિરસ્તા અને સમજશક્તિ) આ (હ. આદમથી) એવા શક્તિશાળી બનાવાયા હતા. જ્યારે આ નફસ અને સેતાનની આંખે માટી સિવાય બીજું કંઈ ન જોયું.

૩૨૧૧ જ્યાં એક મુશ્કિલ સવાલ છે, જવાબ ત્યાં પહોંચી જાય છે. જ્યાં એક વહાણ છે, ત્યાં પાણી પહોંચી જાય છે.

૩૨૧૨ પાણી શોધ નહિ (પણ) તરસ મેળવ, જેથી પાણી આગળ અને પાછળથી ધસી આવે. તરસ્યો થા !

૩૨૧૩ જ્યાં સુધી કે કુમળા ગળાવાળું બાળક જન્મ્યું નથી. ત્યાં સુધી માની છાતીમાંથી તેના માટેનું દુધ કેમ વહેવું શરૂં થશે ?

૩૨૧૪ જા, આ ટેકરીઓ અને ખીણ ઉપર દોડ મુક. કે જેથી, અંતે તું તરસ્યો બને અને ગરમીનો શિકાર બને.

૩૨૧૫ ઓ બાદશાહ, ત્યારબાદ વાદળાઓના કડાકાના અવાજથી, તું ઝરાના પાણીનો અવાજ સાંભળીશ.

૩૨૧૮ રૂહાની પાક માટે કે જેઓના સત્યો છુપાં છે. (દૈવી) દયાના વાદળાં 'કવસર' ના પાણીથી ભરપુર છે.

૩૨૧૯ એટલા માટે કે, “તેઓના માલિકે તેમને પીવા આપ્યા.” આ શબ્દો કદાચ તને સંબોધીને કહેવાયા હોય ! તરસ્યો બન, ખુદા જ તારો રસ્તો સૌથી સારી રીતે જાણે છે.

યા અલી મદદ