Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૭

વાર્તા - ૭

0:000:00

હ. ઈસા (અ.સ.) મુર્ખાઓથી ડુંગરની સપાટી ઉપર ભાગ્યા તે વિષે.

૨૫૭૦ મરીયમના પુત્ર હ. ઈસા (અ.સ.) પર્વત તરફ દોડતા હતા. તમે કહેશો, કદાચ સિંહે તેમનું લોહી પીવાનું ઈચ્છયું હશે?

૨૫૭૧ અમુક માણસ તેમની પાછળ દોડયો અને કહ્યું, “તમને ઠીક છે? (જ્યારે) તમારી પાછળ કોઈ પડયું નથી, ત્યારે પંખીની માફક તમે કેમ નાસો છો?”

૨૫૭૨ તો પણ (હ. ઈસા અ. સ.)એ દોડવું ચાલુ રાખ્યું. એટલી ઝડપથી કે તેના થકી તેમણે પેલાને જવાબ પણ આપ્યો નહિ.

૨૫૭૩ તે એક કે બે ખેતર સુધી તેમની પાછળ પડયો. અને પછી તે હ. ઈસા (અ.સ.) ને ઘણીજ આતુરતાપૂર્વક અરજ કરવા લાગ્યો.

૨૫૭૪ કહે, ખુદાની ખુશી ખાતર તમો એક પળ માટે ઉભા રહો, તમારા આ નાસવા અંગે (મારા દીલમાં) એક મુશ્કિલી ઉભી થઈ છે.

૨૫૭૫ ઓ અમીર, તમે આ દિશામાં શાને કારણે ભાગી રહ્યા છો? તમારી પાછળ સિહ તો પડ્યો નથી, કોઈ દુશ્મન પણ નહિ અને કોઈ બીકનો ભય પણ નથી.

૨૫૭૬ તેમણે કહ્યું, “હું મુર્ખથી ભાગી રહ્યો છું, ચાલ્યો જા. હું મારા ખુદને બચાવી રહ્યો છું. મને અટકાવ નહિ.”

ર૫૭૭ તેણે કહ્યું, શા માટે? શું તમે જ મસિયાહ નથી, કે જેનાથી આંધળા અને બહેરા સાંભળતા થયા છે?

૨૫૭૮ તેમણે કહ્યું, 'હા' પેલાએ કહ્યું, ‘શું તમે તેજ બાદશાહ નથી, કે જેની ફૂંક અદ્રષ્ય દુનિયા ઉપર કાયમી બને છે.?”

૨૫૭૯ (તેથી) જ્યારે તમે એક મરેલા માણસ ઉપર મંત્ર ઉચ્ચારો છો, ત્યારે સિંહે શિકાર પકડયો હોય અને કુદે છે તેમ તે કદી પડે છે ?”

૨૫૮૦ તેમણે કહ્યું, “હા. હું તેજ છું. પેલાએ કહ્યું, ઓ સૌંદર્યશાળી, તમે જ માટીમાંથી પંખીઓને જીવન આપતા નથી ?”

૨૫૮૧ તેમણે કહ્યું, “હા.” પેલાએ કહ્યું, “તો ઓ પવિત્ર આત્મા, તમો જે પણ ઈચ્છો તે તમે કરે છો, તો પછી તમને કોની બીક છે?"

૨૫૮૨ આવી ચમત્કારીક સાબિતીઓ પછી દુનિયામાં એવો કોણ છે, કે જે તમારો ગુલામ ન બને ?

૨૫૮૩ હ. ઈસા (અ. સ.) એ કહ્યું, “ખુદાના પવિત્ર તત્ત્વ, કાયાના ઘડનાર અને અંનતતામાં પેદા કરેલા આત્મા...

૨૫૮૪ ખુદાઈ પવિત્ર તત્ત્વ અને ગુણોની પવિત્રતાઈ થકી કે જેના કારણે સ્વર્ગ અત્યાનંદમાં છે તેના....

૨૫૮૫ (હું કસમપૂર્વક કહુ છું કે) તે ફૂંકો અને સૌથી મહાન ખુદાઈ નામ કે જે હું બહેરા અને આંધળા ઉપર ઉચ્ચારૂં છું તેની અસર ઉત્તમ છે.

૨૫૮૬ હું (તેમને) પત્થરવાળા ડુંગરો ઉપર ઉચ્ચારૂં છું, અને તે કટકા થઈને જમીન દોસ્ત થઈ વેરાઈ જાય છે.

૨૫૮૭ હું (તેમને ) મુડદા ઉપર ઉચ્ચારૂં છું, અને તે જીવંત બને છે, હું અદ્રષ્યમાં ઉચ્ચારૂં છું, અને તે સ્થુળ પદાર્થ બને છે.

૨૫૮૮ હું લાખો ગણો મૂર્ખ હોઈ તેના દીલ ઉપર પ્રેમપુર્વક તે ઉચ્ચારૂં છું. પણ તેના મુર્ખાપણામાંથી તે સાજો થતો નથી.

૨૫૮૯ તે કઠણ પત્થરની શીલા બને છે. તે તેની ખાસિયતમાં બદલાતો નથી. તે રેતી બને છે, કે જે કાંઈ ઉત્પન્ન કરી શકતી નથી.

૨૫૯૦ પેલાએ કહ્યું. “ખુદાનું નામ ત્યાં ફાયદો કરે છે, અને અહીં (ઉપલી બાબતમાં) ફાયદો કરતું નથી. તેનું કારણ શું?"

૨૫૯૧ પેલી (શારિરીક) અશક્તિ એ દર્દ છે. અને આ નાદાનપણું પણ બિમારી છે, પેલાનું દર્દ મટાડે છે, ત્યારે આને તેમ મટાડતું નથી!”

૨૫૯૨ તેમણે (હ. ઈશાએ) કહ્યું, “નાદાનીની બિમારી એ ખુદાઈ કોપનુ (પરિણામ ) છે, (શારિરીક ) બિમારી આંધળાપણું એ કાંઈ (દૈવી) કોપ નથી. તેઓ ચકાસણી અંગે છે.

૨૫૯૩ ચકાસણી એ બિમારી છે કે જે દૈવી દયા લાવે છે, નાદાનપણુંએ તે બિમારી છે, કે જે (દૈવી) કો૫ લાવે છે.

૨૫૯૪ તે કે જે (બિમારી નાદાન) ઉપર લાદવામાં આવી છે, તેને (ખુદાએ) સીલ મારેલ છે, કોઈ પણ હાથ તેને આરામ આપી શકે તેમ નથી.

૨૫૯૫ મુર્ખથી નાશી જા, હ. ઈસા (અ.સ.) જેવા પણ (તેઓથી) નાશી ગયા હતા, નાદાનોની દોસ્તીથી કેટલું બધું લોહી વહેવડાવાયું છે?

૨૫૯૬ હવા થોડું થોડું પાણી ચોરે છે (વરાળ બનાવે છે). તેવી જ રીતે તે નાદાન તારો દીન તારાથી ચોરે છે.

૨૫૯૭ તે તારી ગરમી ચોરી જાય છે અને (વળતાં) ઠંડી આપે છે, જેમકે તમારી બેસવાની જગ્યાએ જ (કોઈ) પત્થર મુકી જાય !

૨૫૯૮ હ. ઈસા (અ.સ.)નું નાશવું એ કાંઈ બીક અંગે ન હતું, તે નાદાનોના અપકૃત્યથી સલામત છે, તે (બીજાઓને) શીખવવા ખાતર હતું.

૨૫૯૯ દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધી સખત ધુમ્મસ ભરો (તો પણ) તે પ્રકાશિત સુર્યને શું નુકશાન કરશે?

એક સુફી કે જે ખોરાક રાખવાના ખાલી બટવામાં મોહિત થયો તે વિષે.

૩૦૧૪ એક સુફીની એક દિવસ ખીલી ઉપર (લટકતા) ખોરાકના ખાલી બટવા ઉપર ઓચિંતી નજર પડી, (અને) તે ઘુમવા લાગ્યો અને પોતાના કપડા ફાડ્યા.

૩૦૧૫ બુમ પાડી કહે, અરે, ખોરાક વગરના ખોરાક, અને દુકાળ અને ભૂખ માટેની દવા !

૩૦૧૬ જ્યારે તેની આહો અને તેની બેખુદી વધુ મોટી બની, દરેક કે જે સુફી હતો તે તેમાં જોડાયો.

૩૦૧૭ તેઓ બુમ અને ચીસો પાડતા હતા. કેટલાય અત્યાનંદી બનતા હતા અને (કેટલાય) સભાન હતા.

૩૦૧૮ એક આળસુ કામઢા છોકરાએ સુફીને કહ્યું, શું બાબત છે? (માત્ર) ખોરાકને બટવો (ખીલી ઉપર) ટીંગાયો અને તે પણ રોટલા વગરનો ખાલી.

૩૦૧૯ તેણે (સુફીએ) કહ્યું, ચાલ્યો જા, તું એક આત્મા વગરનો ખાલી ઘાટ જ છો, તું ખુદી શોધ, કારણ કે તું પ્રેમ નથી.

૩૦૨૦ પ્રેમીનો, ખોરાક રોટલાના અસ્તિત્વ વગર રોટલાનો પ્રેમ છે, જે પણ કોઈ ઈમાની નથી, તે અસ્તિત્વના દાસત્વમાં છે.

૩૦૨૧ પ્રેમીઓને અસ્તિત્વ સાથે કાંઈ કામ નથી, પ્રેમીઓને મુડી વગર વ્યાજ મળે છે.

૩૦૨૨ તેઓને પાંખો નથી છતાં તેઓ દુનિયાની આજુબાજુ ઉડે છે. તેઓને હાથ નથી (છતાં) તેઓ પોલો રમવાના મેદાનમાંથી દડો ઉપાડી જાય છે.

૩૦૨૩ તે દરવેશ કે જેણે વાસ્તવિકતાની સોડમ લીધી છે, પોતાના કાપી નાખેલા હાથ થકી તે ટોપલી ગુંથે છે.

૩૦૨૪ પ્રેમીઓએ પોતાના તંબુ 'લામકાં'માં ખોડ્યા છે, તેઓ એકજ રંગના છે, અને ‘બે ખુદી’ની માફક એકજ સત્યના છે.

૩૦૫૩ સાંભળ, તું શા માટે સુકાણો છે ? કારણ કે અહીં તો 'ઝરા' છે. સાંભળ, શા માટે તું ફિક્કો છે? કારણ કે અહીં તો એક સો ચિકિત્સાઓ છે.

૩૦૫૪ સાંભળ, (મારા) પડોશી બગીચામાં આવ, તે (આર્શીવાદ વગરનો) કહેશે ઓ વહાલા આત્મા હું આવી શકતો નથી.

એક અમીર અને તેનો ગુલામ કે જે નિયમીત બંદગીનો બહુ શોખીન પ્રેમી હતો. અને જેને નિયમિત બંદગીમાં મોટી ખુશી (ઉપજતી) અને જે ખુદાની સાથે એક્યતા પામેલો હતો, તેની વાર્તા.

૩૦૫૫ અમીરની ઇચ્છા પહોં ફાટતાં, ગરમ પાણીના સ્નાન કરવા (જવાની) હતી. તેણે બુમ પાડી, ઓ શંકર તારૂં માથું ઉપાડ, (ઉભો થા),

૩૦૫૬ ઓ કામઢા, ‘અલતુન' પાસેથી કુંડું અને ટુવાલ અને માટી લઈ લે, કે જેથી આપણે ગરમ પાણીના સ્નાનાગારમાં જઈએ.

૩૦૫૭ શંકરે (તેજ) પળે કુંડું લીધું અને એક સારો ટુવાલ તેની સાથે લઈ બન્ને નીકળી પડયા.

૩૦૫૮ રસ્તા ઉપર મસ્જિદ હતી, અને નમાઝની ‘અઝાન’ ખુલ્લી રીતે તેના કાન પર પડી.

૩૦૫૯ શંકર નિયમિત બંદગીનો પ્રેમી હતો. તેણે કહ્યું, “ઓ મારા અમીર, ઓ માયાળુ શેઠ,

૩૦૬૦ આ બાંકડા ઉપર શાંતીથી બેસો, કે જેથી હું ફરજ રૂપની બંદગી ગુજારૂં અને 'લમ યકુન ' પઢું.”

૩૦૬૧ જ્યારે પેશ ઇમામ અને લોકો આગળ આવ્યા, અને બંદગી અને ધાર્મીક ગીતો પુરા કર્યાં.

૩૦૬૨ ત્યારે શંકર ત્યાં લગભગ બપોર થવા આવ્યા ત્યાં સુધી રહ્યો. અમીરે ત્યાં થોડો વખત વાટ જોઈ.

૩૦૬૩ (પછી) તેણે કહ્યું, ઓ શંકર, શા માટે તું બહાર આવતો નથી? તેણે જવાબ આપ્યો, (ઓ માનવંત શેઠ) તે (ખુદા) મને બહાર આવવા દેતો નથી.

૩૦૬૪ ધીરજ ધરો, જુઓ હું આવ્યો, (ઓ મારી આંખોના) પ્રકાશ, હું બેધ્યાન નથી. કારણ કે તું અમારા કાનમાં જ છે.

૩૦૬૫ એક પછી, એક પછી, એક, સાત વખત તેણે ધીરજ ધરી, આખરે માણસ શંકરની અવગણનાથી નિરાશમાં બુમ પાડી.

૩૦૬૬ તેનો (શંકરનો) હંમેશાં આ જવાબ હતો. ઓ માનવંત સાહેબ, તે મને બહાર આવવા દેતો નથી.

૩૦૬૭ તેણે (શેઠે) કહ્યું, “મસ્જિદમાં કોઈ બાકી તો રહ્યો નથી. તો પછી તને કોણે કેદ કરી રાખ્યો છે? કોણે તને ત્યાં બેડીમાં રાખ્યો છે?"

૩૦૬૮ તેણે (શંકરે ) જવાબ આપ્યો, તેણે કે જેઓ તેને બહાર સાંકળથી બાંધે છે, તેણે મને અંદર સાંકળ નાખી છે.

૩૦૬૯ તે કે જેણે તને અંદર આવવા ન દીધો, મને બહાર આવવા દેતો નથી.

૩૦૭૦ તેણે કે જેણે તને આ દિશાએ પગલું ભરવા દીધું નથી. તેણે આ ગુલામનો પગ સાંકળથી બાંધ્યો છે, કે જેથી તે વિરૂદ્ધ દિશાએ હિલચાલ કરી શકે નહિ.

૩૦૭૧ સમુદ્ર મચ્છીને બહાર આવવા દેતો નથી. સમુદ્ર જમીનના જનાવરોને અંદર આવવા દેતો નથી.

૩૦૭૨ મચ્છીનું અસલ ઘર પાણી છે. અને જનાવરોનું (ઘર) જમીન છે. અહિં યુક્તિ પ્રયુક્તિઓ કામ લાગે તેમ નથી.

૩૦૭૩ (દૈવી ભાવીનું) તાળું સખત છે, અને (માત્ર) ખુદાજ તેને ખોલનાર છે, (ખુદાની) ઈચ્છાને સમર્પણ અને મુંગી અનુમતીથી વળગી રહે.

૩૦૭૪ એક પછી એક અણુમાંથી ચાવીઓ બને છે, (છતાં) આ ખુલ્લું થવું એ “દૈવી શહેનશાહ” વગર અસર ન કરે !

૩૦૭૫ જ્યારે તમે તમારી પોતાની યોજના ભુલી જાઓ, ત્યારે તમે પેલું યુવાન (સુખી) કિસ્મત, “તમારા રૂહાની રાહબર” પાસેથી મેળવી શકો છો.

૩૦૭૬ જ્યારે તમે ખુદને ભૂલી જવાવાળા બનો છો. ત્યારે તમે ખુદાને યાદ કરનારા બનો છો, (જ્યારે) તમે તેના ગુલામ બન્યા છો (ત્યારે) તમને સ્વતંત્ર કરવામાં આવશે.

દુનિયામાં રચ્યા રહેતા માણસનું ઈમાન, બીક અને આશાનું બનેલું હોય છે.

૩૦૯૩ દરેક વેપારીનું ધ્યેય આશા અને તક છે, ભલે પછી સખત પરીશ્રમ અંગે તેઓનાં ગળા રેંટિયાની ત્રાક માફક સાંકડાં થઈ જાય !

૩૦૯૪ જ્યારે તે (વેપારી) સવારમાં દુકાને જાય છે, ત્યારે રોજીની આશા અને તકમાં આગળ અને આગળ દોડે છે.

૩૦૯૫ જો તમને રોજી (પેદા કરવાની) તક મળી તો તમે શા માટે દુકાને જાવ છો ? ત્યાં નાઉમેદ થવાની બીક તો છે, (છતાં) તમો કેવો દ્રઢ વિશ્વાસ રાખો છો ?

૩૦૯૬ રોજી કમાવાની (બાબતમાં) હંમેશાની હતાશાની બીક તમને તેની શોધમાં પાતળા નથી બનાવતી?

૩૦૯૭ તમે કહેશો, હતાશાની બીક મારી સમક્ષ છે તો ખરી, છતાં જો હું (આળસાઈ કરૂં) તો બીક મોટી બને છે.

૩૦૯૮ જ્યારે હું કામમાં હોઉં છું, આશા વધુ હોય છે, (પણ) જ્યારે કે આળસુપપણામાં હોઉં છું ત્યારે મને વધુ જોખમ હોય છે.

૩૦૯૯ તો પછી ઓ હલકા વિચાર કરનાર આદમી, દીન ધર્મ પાળવામાં તને કઈ બીક પાછળ ધકેલે છે.

૩૧૦૦ આપણા આ બજારોના લોકો કેવો નફાકારક વેપાર કરે છે, તે તમે જોયો નથી ? નબીઓ અને ઔલિયાઓ (આ વેપારમાં) લાગી પડયા છે.

૩૧૦૧ અને આ (રૂહાની) દુકાને જવામાં કઈ ખાણ (ખજાનો) તેમને દેખાણો છે. આ બજારમાં તેએાએ કેવી રીતે નફો મેળવ્યો છે.

૩૧૦૨ પેલા એકને અગ્નિ (હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહની માફક) આજ્ઞાકિત બન્યો.

હ. અનશની વાર્તા. તેમણે ટુવાલને અગ્નિમાં નાખ્યો, અરે તે બળ્યો નહીં.

૩૧૧૦ માલિકના ફરજંદ અનશને લગતી ચાલી આવતી વાત જાણવામાં આવી છે કે અમુક માણસ તેનો મહેમાન બન્યો,

૩૧૧૧ તેણે (પેલા માણસે) કહ્યું કે ખાણું ખાધા પછી અનસે જોયું કે મેજનો ટુવાલ રંગમાં પીળો હતો.

૩૧૧૨ ગંદા અને મેલા ડાઘાથી ભરપુર, અને કહ્યું, ઓ દાસી, તેને જલ્દીથી ભઠ્ઠીમાં નાખી દે.

૩૧૧૩ આથી સમજુ દાસીએ ભઠ્ઠી કે જે અગ્નિથી ભરપુર હતો તેમાં ફેંક્યો.

૩૧૧૪ બધા મહેમાનો આથી નવાઈ પામ્યા. તેઓ બળતા ટુવાલમાંથી ધુમાડો જોવાની ધારણા રાખતા હતા.

૩૧૧૫ તેણીએ થોડીવાર રહીને તે ટુવાલને ભઠ્ઠીમાંથી ચોકખો અને સફેદ અને ગંદકીથી સાફ બહાર કાઢયો.

૩૧૧૬ (મહેમાનોના) સમુહે કહ્યું, (રસુલના) ઓ માનવંત અસહાબ, તે કેમ ન બળ્યો અને કેવી રીતે તે ચોકખો બન્યો.

૩૧૧૭ તેણે જવાબ આપ્યો, કારણકે હ. મુસ્તફા (૨. સ. અ.) વારંવાર પોતાના હાથ અને હોઠ આ ટુવાલથી લુછતા હતા.

૩૧૧૮ (દોજખના ) અગ્નિ અને દુઃખથી ગભરાએલાઓ દિલ, આવા હાથ અને હોઠની નજીક આવ,

૩૧૧૯ જ્યારે કે તે (પયગમ્બર સાહેબના આશીર્વાદો) એ એક નિર્જીવ વસ્તુ ઉપર આવું આસમાન ઉતાર્યું, ત્યારે પ્રેમીના આત્મા પાસેથી તેણે કઈ ચીજ બળજબરીથી ઉપાડી છે.

૩૧૨૦ જેવી રીતે કે તેમણે (હ. પયગમ્બર સાહેબે) કાબા શરીફના માટીના ચોસલાનો કિલો બનાવ્યો, તેવી રીતે ઓ આત્મા, જરૂર એ પવિત્ર માણસ (ના પગની) ધૂળ બની જા.

૩૧૨૧ ત્યારબાદ તેઓએ દાસીને કહ્યું, “તમારી પોતાની લાગણીઓ આ બાબતમાંની અમોને ન કહો?

૩૧૨૨ શા માટે (તમે) તેમના કહેવા ઉપરથી આટલી જલ્દીથી તેનો ઘા (ભઠ્ઠીમાં) કર્યો ! હું ધારૂં છું કે આ ગુપ્ત (ચમત્કારથી) તેઓ વાકેફ હોવા જોઈએ.

૩૧૨૩ (૫ણ ઓ) દાસી, તેં આવા કીંમતી ટુવાલને અગ્નિની ભઠ્ઠીથી શા માટે ફેંક્યો?

૩૧૨૪ તેણીએ જવાબ આપ્યો, મને તેમની ઉદારતામાં વિશ્વાસ છે. હું તેઓની રહેમતથી નિરાશ થતી નથી.

૩૧૨૫ અને કપડાંનો ટુકડો તો શું? પણ જા, તેઓ મને હુકમ કરે તો હું કંઇ પણ દીલગીરી વગર તે અગ્નિના ભડકાઓમાં કુદી પડું.

૩૧૨૬ તેઓમાંના મારા સંપૂર્ણ વિશ્વાસ અંગે હું તેમાં કૂદી પડું, જેઓ ખુદાને સમર્પિત બન્યા છે, તેઓમાં મને મોટી આશા છે.

૩૧૨૭ હું ટુવાલ તો શું મારા ખુદને પણ તેમાં ફેંકી દઉં, કારણ કે ઉદારાત્મા કે જેઓ આ ગુઢાર્થ જાણે છે, તેવા દરેકમાં મારો વિશ્વાસ છે.

૩૧૨૮ ઓ ભાઈ, આ કિંમીયા માટે ખુદને ઉમેદવાર કર. પુરૂષનું ધ્યાન સ્ત્રીના ધ્યાન કરતા ઓછું હોવું ન જોઈએ.

૩૧૨૯ જે માણસનું દિલ ઓરતના દિલ કરતાં સંકુચિત છે, તે દિલની કિંમત પેટ કરતાં પણ ઓછી છે.

યા અલી મદદ