Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી

વાર્તા - ૬

વાર્તા - ૬

0:000:00

૧૪૪૮ જો એક કીડી (પણ) હ. સુલેમાન (અ. સ.) જેવો દરજજો શોધે તો, લાગણી હીનતાથી તેની કલ્પના અંગે હસતો નહિ કે જોતો નહિ.

હ. દાઉદ (અ.સ.) ના ઝમાનામાં એક માણસ કે જે રાત અને દિવસ બુમ મારતો : “મને કાંઈપણ મહેનત કર્યા વગર હલાલની જીવન જરૂરીયાતો આપો” વિષે.

૧૪૫૦ હ. દાઉદ (અ.સ.)ના વખતમાં અમુક માણસ દરેક સંત કે ભોળા માણસ પાસે,

૧૪૫૧ આ પ્રાર્થના બોલ્યા કરતો, “ઓ ખુદા, મને કાંઈપણ મહેનત કર્યા વગર દોલત આપ.

૧૪૫૨ જ્યારે કે તેં મને હરામના હાડકાંનો આળસું, ફટકા સહન કરનાર, આસ્તે ચાલનાર પ્રમાદી બનાવ્યો છે,"

૧૪૫૪ તેવી જ રીતે ઓ તું કે જે સંપૂર્ણ છે, મને આળસુ પેદા કર્યો છે, તું તે પ્રમાણે આળસુના રસ્તે મને રોજની રોજી પહોંચાડતો રહે.

૧૪૫૫ હું આળસુ છું, અને અસ્તિત્વના છાંયામાં સુતો છું. તારી દયા અને કિર્તીના પડછાયામાં સુઉં છું.

૧૪૫૭ દરેક જણ કે જેને પગ છે, તે રોજી શોધે છે. એક કે જેને પગ નથી તેના તરફ પણ તું દયા બતાવે છે.

૧૪૬૦ જ્યારે કે નાનાં બચ્ચાંને પગ નથી. તેની માતા આવે છે અને તેના (મોંમાં) ખાવાનું રેડે છે.

૧૪૬૧ હું કાંઈપણ મહેનત લીધા વગર વખતસર રોજની રોજી (મેળવું), હું શોધવા સિવાય બીજું સહન કરી શકું તેમ નથી.

૧૪૬૨ દીવસથી રાત અને રાતથી દીવસ, લાંબા વખત સુધી તે આમ પ્રાર્થના કર્યા કરતો હતો.

૧૪૬૩ લોકો તેના આવા શબ્દોથી, તેની (ખોટી) આશા અને વિવાદ પર હસતા હતા.

૧૪૬૪ કહેતા, અજબ છે, આ મુર્ખ શું કહે છે? કોઈએ તેને ભાંગ આપી છે. કે જેથી (અક્કલ વગરનો બન્યો છે),

૧૪૬૫ રોજની રોજી મેળવવા દરેકે કામ, મહેનત તથા થાક સહન કરવો જોઈએ. દરેકને ખુદાએ એક હુશીયારી અને રોજી મેળવવાની લાયકાત આપી છે.

૧૪૬૬ તારી રોજની રોજીનો ભાગ આમ શોધતો રહે, “તમારા રહેઠાણોના દરવાજામાંથી દાખલ થાઓ."

પેલો કે જે કાલાવાલા કરી પ્રાર્થના કરતો હતો, તેના ઘરમાં ગાયનું દોડી જવું. હ. પયગમ્બર સાહેબે કહ્યું છે, “જેઓ પ્રાર્થનામાં સત્યાગ્રહી છે તેઓને ખુદા ચાહે છે, કારણ કે તેનાથી તે જે વસ્તુ માગે છે, તેના કરતાં દુઆમાં અત્યાગ્રહી થવામાં વધુ ફાયદો છે તે વિષે.

૧૪૮૫ એક દિવસે ઓચિંતા તે સવારમાં આહ ભરતો, અને નિસાસા નાખતો, બંદગીના શબ્દો ઉચ્ચારતો હતો ત્યારે,

૧૪૮૬ ઓચીંતી એક ગાય તેના ઘરમાં દોડી આવી, તેણીએ પોતાનાં શીંગડાંઓથી ધક્કો માર્યો, અને તાળું અને નકુચો તોડી નાખ્યાં.

૧૪૮૭ ગાય હિંમત પૂર્વક ઘરમાં કુદી પડી. માણસે છલંગ મારી અને તેના પગ બાંધ્યા.

૧૪૮૮ પછી તેણે જરા પણ ઢીલ વગર ગાયનું માથું કાપી નાખ્યું. લાંબો વિચાર કે દયા વગર (તેમ કર્યું).

હ. દાઉદ (અ.સ.) ના વખતમાં પેલો જે કામ કર્યા વગર હકથી રોજી માંગતો હતો અને તેની દુઆનો સહાનુભુતીભર્યો જવાબ મળ્યો તે વિષે.

૨૩૦૬ પેલો ગરીબ માણસ કે જે રાત દિવસ રોતો અને ગીરીયાઝારી કરતો તેની વાત મારા મગજમાં આવી.

૨૩૦૭ (તે) કાંઈપણ કામકાજ કે હિલચાલ અને મહેનત કર્યા વગર હકની રોજી આપવા ખુદા પાસે અરજ કર્યા કરતો હતો.

૨૩૧૦ ગાયના માલિકે તેને ઓચિંતો જોયો અને કહ્યું, “એઈ, ઓ તું કે જેના ભયંકર કાર્યથી મારી ગાયના કટકા થયા છે !

૨૩૧૧ એઈ (મને) કહે, શા માટે તેં મારી ગાય મારી નાખી ? મૂર્ખ, બદમાશ, (મારાથી) સારી રીતે સમજી લે."

૨૩૧૨ તેણે કહ્યું, “હું ખુદા પાસે રોજની રોજી માગતો હતો. અને કિલ્લા તરફ ફરી, બંદગી કરવાની તૈયારી કરતો હતો.

૨૩૧૩ પેલી મારી ઘણા વખતની મારી દુઃઆનો (ખુદાએ) જવાબ આપ્યો. તેણી (ગાય) મારી રોજીંદી રોજીનો ભાગ હતો. મેં તેને ઝબેહ કરી, આ મારો જવાબ છે.”

હ. દાઉદ (અ.સ.) નું બન્ને દાવો લડનારાઓનું સાંભળવું અને પ્રતિવાદીને સવાલ કરવા વિષે.

૨૩૭૬ હ. દાઉદ (અ.સ.) જ્યારે આગળ આવ્યા ત્યારે (પૂછયું) એઈ, આ બધું શું છે? તે શું છે?

૨૩૭૭ ફરીયાદીએ કહ્યું, ઓ ખુદાના પયગમ્બર (મને) ઈન્સાફ (આપો). મારી ગાય ગુમાવાઈ છે.

૨૩૭૮ તેણે મારી ગાયને મારી નાખી, તેણે શા માટે મારી તેનું કારણ તેને પૂછો, અને બનેલી બધી હકીક્ત કહી બતાવી.

૨૩૭૯ હ. દાઉદ (અ.સ.) એ (પેલા ગરીબને) કહ્યું, “એ સદ્દગૃહસ્થ બોલ, આ માનવંતા માણસની મિલ્કતનો તેં શા માટે નાશ કર્યો?”

૨૩૮૦ ધ્યાન રાખજે, આડું અવળું ન બોલતો, (પણ) તારો બચાવ રજુ કર, એટલા માટે કે આ દાવો અને હકીકત એક બાજુએ લઇ જવાય (પતાવી શકાય).”

૨૩૮૧ તેણે કહ્યું, “ઓ (હ. દાઉદ અ. સ.) હું સાત વર્ષો સુધી રાત દિવસ દુઆ અને આજીજીમાં મશગુલ હતો.

૨૩૮ર હું (આ) ખુદા પાસેથી ખોળતો હતો, (મેં કહ્યું) ઓ ખુદા, મને હલાલ રોજી કાંઇપણ મહેનત વગર જોઈએ છે.

૨૩૮૬ આ બધી આજીજીઓ અને આક્રંદ બાદ ઓચિંતાની મેં મારા ઘરમાં ગાય જોઈ,

૨૩૮૭ ખોરાક અંગે નહિ પણ મારી વિનંતી સ્વીકારવામાં આવી તે કારણથી મારી આંખ ઝાંખી બની.

૨૩૮૮ મેં તેને મારી નાખી કે જેથી આભાર દર્શાવવા (દાન)માં વાપરૂં, એટલા માટે કે જે અદ્રષ્ય ચીજોનો જાણનાર છે તેણે મારી દુઆ સાંભળી છે."

૨૩૯૯ તેમણે (હ. દાઉદે) કહ્યું, સાંભળ, ઓ ગાયના માલિક, આજે મને વિરામ દે, વિવાદની બાબતોના ઉંડાણમાં ન જતો.

૨૪૦૦ જેથી હું એકાંતમાં જાઉં અને ગુઢાર્થોના જાણનારને હું જ્યારે બંદગીમાં બેસું ત્યારે આ બાબતમાં પુછી જોઉં.”

૨૪૦૧ બંદગી દરમ્યાન હું ખુદાની હજુરમાં રજુ થવા ટેવાએલો છું, (હદીસ)નો અર્થ, “મને નિયમીત બંદગીમાં ખુશી ઉત્પન્ન થાય છે."

૨૪૦૨ મારા આત્માની બારી ખુલ્લી છે, (અને અદીઠ દુનિયાની) પવિત્રતામાંથી કોઈ પણ મધ્યસ્થી વગર ખુદાઈ કિતાબ મારા તરફ આવે છે.

૨૪૦૩ (દૈવી દયાની) કિતાબ અને વરસાદ અને “નૂર” મારા ઉદ્ગમ સ્થાનમાંથી મારી બારીમાં મારા ઘરમાં પડે છે.

૨૪૦૪ બારી વગરનું ઘર એ દોજખ છે, ઓ ખુદાઈ 'ખાસ' બારી બનાવવી એ ‘સત્યપંથ'નો પાયો છે.

૨૪૦૮ હું સૂર્યની માફક “નૂર”માં ઝબોળાયો છું, કે “નૂર"માંથી મારા ખુદને પિછાણી શકતો નથી.

૨૪૦૯ મારૂં બંદગીમાં જવું અને પેલું એકાંત, એ લોકોને રસ્તો શીખવવાના કારણે છે.

૨૪૧૪ તેઓ જ્યાં એકાંતમાં (બંદગી કરતા) ત્યાં જવા રવાના થયા.

૨૪૧૫ તેમણે દરવાજો બંધ કર્યો, અને શાંતિપૂર્વક બંદગી કરવાના સ્થળે ગયા. (પોતે) બંદગીમાં (મશગુલ થયા) કે (ખુદા પાસેથી) જવાબ મળે.

૨૪૧૬ ખુદાએ તેમને તમામ હકીકત ખુલ્લી કરી, જે ખરેખર સજાને પાત્ર હતો તેનાથી તેઓ ખબરદાર બન્યા.

૨૪૧૭ બીજા દિવસે બધા દાવેદારો આવ્યા અને હ. દાઉદ (અ.સ.)ની હજુરમાં હારબંધ ઊભા રહ્યા,

૨૪૧૮ આમ (બાકી રહેલા) વાદવિવાદના પ્રશ્નો તેમની સમક્ષ રજુ થયા, વાદી તુર્તજ જુસ્સાભરી દલિલો કરવા લાગ્યો.

હ. દાઉદ (અ.સ.) નો ગાયના માલિક વિરૂધ્ધ ઇન્સાફ આપવો, તેને ગાય અંગેનો દાવો પાછો ખેંચી લેવાની ફરજ પાડવી. ગાયના માલીકનું હ. દાઉદ (અ. સ.) ઉપર દોષારોપણ કરવા વિષે.

૨૪૧૯ હ. દાઉદ (અ.સ.) એ તેને કહ્યું, “ચૂપ રહે. જા, તારો દાવો માંડી વાળ, તારી ગાયની જવાબદારીમાંથી આ ઇમાનદારને છુટો કર.

૨૪૨૦ ઓ યુવાન જેવી રીતે ખુદાએ (તારા પાપ ઉપર) પડદો ઢાંક્યો છે, તેવી રીતે (તારા પાપ) ઢાંકવા માટે (ખુદાનો) ઉપકાર માન, અને રવાના થા.”

૨૪૨૧ તે બુમ પાડી ઊઠ્યો, “ આહ, મને શ્રાપ હોજો, આ તે કેવો ઈન્સાફ છે ? કેવો ન્યાય ? મારા ખાતર તમે નવો કાયદો સ્થાપો છો ?

૨૪૨૩ આંધળા કુતરાઓ તરફ પણ આવું ખોટું કદી આચરવામાં આવ્યું નથી. તારા આવા અણધાર્યા અન્યાયથી ટેકરા અને ડુંગરા પણ તુટી પડશે.”

૨૪૨૪ તે બુમો પાડીને આવી ખુલ્લી રીતે દલિલો ઉચ્ચારતો હતો, “ધ્યાન રાખો, આ અન્યાયનો જમાનો આવ્યો છે, ધ્યાન રાખો."

હ. દાઉદ (અ.સ.) એ ગાયના માલિક વિરૂદ્ધ સજા જાહેર કરી, એમ કહીને કે “પ્રતિવાદીને તારી બધી માલ મિલ્કત આપી દે."

૨૪૨૫ ત્યારબાદ હ. દાઉદ (અ.સ.) એ તેને કહ્યું, ઓ સત્તાની અવજ્ઞા ન કર. જલ્દીથી તારી તમામ માલ મિલ્કત તેને આપી દે.

૨૪૨૮ ફરી એક વાર તે દોષ દેવામાં પડ્યો. પછી હ. દાઉદ (અ.સ.) એ તેને પોતાની હજુરમાં નજીક બોલાવ્યો.

૨૪૨૯ અને કહ્યું, જ્યારે કે તે તારા નશીબમાં ન હતું, એ તું કે જેનું નશીબ આંધળું છે, તારી દુષ્ટતા ધીરે ધીરે પ્રકાશમાં આવે છે.

૨૪૩૧ ચાલ્યો જા. હવે તારા છોકરાંઓ અને તારી ઘરવાળી તેનાં ગુલામો બન્યાં છે. વધુ જરા પણ ન બોલતો.

૨૪૩૩ લોકોએ પણ હ. દાઉદ (અ.સ.)ને દોષ દેવો શરૂ કર્યો, કારણ કે તેઓ (ફરીયાદીના) છુપાં કર્તવ્યોથી સભાન ન હતા.

૨૪૪૦ (લોકોના) ટોળાએ પોતાનો ચહેરો હ. દાઉદ (અ.સ.) તરફ ફેરવ્યો, કહે, ઓ પસંદ કરાએલા નબી, કે જેઓને અમારી તરફ પ્રેમભાવ છે.

૨૪૪૧ આવો (ઈન્સાફ) કરવો તમારા લાયક નથી, કારણ કે આ તો દેખીતો અન્યાય છે. તમે કાંઈપણ કારણ વગર એક નિર્દોષને નીચો પાડ્યો છે.

લોકોએ અમુક ચોક્કસ મેદાનમાં ભેગા થવાનો હ. દાઉદ (અ.સ.)નો નિર્ણય કરવો, એટલા માટે કે ગુઢાર્થ ખુલ્લું થાય અને બધી દલીલોનો અંત આવે.

૨૪૪૨ તેમણે કહ્યું, ઓ દોસ્તો, વખત આવી પહોંચ્યો છે કે, છુપાએલ ગુઢાર્થને જાહેરમાં ખુલ્લું કરવામાં આવે.

૨૪૪૩ (તમો) સઘળા ઉઠો, કે જેથી આપણે આગળ જઈએ, જ્યાંથી આપણે છુપાએલ ગુપ્ત હકીકતથી માહીતગાર થઈએ.

૨૪૪૪ ફલાણા મેદાનમાં એક તોતીંગ ઝાડ છે. તેની ડાળીઓ ગીચ, અસંખ્ય અને વાંકી વળેલી છે.

૨૪૪૫ તેના મૂળીયાઓમાંથી મને લોહીની વાસ આવે છે.

૨૪૪૬ તે સુંદર ઝાડ નીચે ખૂન કરવામાં આવ્યું છે. આ નશીબ ફુટેલા માણસે તેના શેઠનું ખૂન કર્યું છે.

૨૪૪૭ અત્યાર સુધી ખુદાએ તેનું પાપ ઢાંક્યું હતું. (પણ) આખરે તે હલકટના અનુપકારીપણા અંગે (જાણવામાં આવ્યું છે).

૨૪૪૮ તેણે એક દિવસ પણ તેના શેઠના કુટુંબ તરફ ધ્યાન દીધું નથી. નવરોઝ કે ઉત્સાહની ઋતુમાં (પણ નહિ).

૨૪૪૯ અને તંગીમાં પડેલા (બચ્ચાં કે સગાંવહાલાની જરૂરીયાત) એક કાળીઓ અનાજ (પણ) આપવા તપાસ કરી ન હતી. અથવા અગાઉના ઉદ્દગારો વિષે પણ ચિંતા કરી ન હતી.

૨૪૫૦ (અને આમ જ ચાલુ રહ્યું) જ્યાં સુધી કે એક ગાયના ખાતર આ શ્રાપિત બદમાસે તેના (શેઠના) પૌત્રને જમીન પર પછાડયો ત્યાં સુધી.

લોકોનું પેલા ઝાડ તરફ જવું.

૨૪૭૨ જ્યારે તેઓ પેલા ઝાડ આગળ ગયા ત્યારે તેમણે (હ. દાઉદ અ. સ.) એ કહ્યું “તેના હાથ તેની પીઠ પાછળ બાંધો.”

૨૪૭૩ એટલા માટે કે હું તેનું પાપ અને ગુન્હો જાહેરમાં લાવું, “અને આ જ જગ્યાએ ન્યાયનો વાવટો ફરકાવું.”

૨૪૭૪ તેમણે કહ્યું, ઓ કુતરા, તેં આ માણસના દાદાનું ખૂન કર્યું છે, તું ગુલામ છે, આવા કારણે જ તું માલિક બન્યો છે.

૨૪૭૫ તેં તારા શેઠને મારી નાખ્યો છે, અને તેની માલ મિલ્કત ઉઠાવી ગયો છે, તેનું શું થયું તે ખુદાએ ખુલ્લું કર્યું છે.

૨૪૭૬ તારી ઘરવાળી તેની ચાકરડી હતી, તેણી (પણ) માલિક તરફ અન્યાયપણે વર્તી છે.

૨૪૭૭ તેણીએ જે પણ બચ્ચાં છોકરો કે છોકરી જણ્યાં છે, તેઓ બધાં પહેલેથી છેલ્લે સુધી તેના શેઠના વારસની માલીકીના છે.

૨૪૭૮ તું ગુલામ છે, તારો નફો અને માલ તેની મિલ્કત છે. તેં કાયદાની માંગણી કરી હતી, કાયદો લે અને જા, આનેજ તું લાયક છે.

૨૪૭૯ તેં તારા શેઠને ઘાતકીપણે મારી નાખ્યો હતો. તારો શેઠ આજ જગ્યાએ દયાની યાચના કરતો હતો.

૨૪૮૦ તેં જે ભયંકર કાર્ય કર્યું તે સ્પષ્ટ દેખાય છે. તારી ઉતાવળમાં તે છુરો માટીથી અંદર જ સંતાડયો હતો.

૨૪૮૧ અરે, (આ શું ) ? માટીની અંદરજ તેનું માથું અને છરો દટાએલ છે, આવી રીતે, તમે માટીને ખોદવી ચાલુ રાખો?

૨૪૮૨ છરા ઉપર પણ આ કુતરાનું નામ લખેલું છે (કે જે) પોતાના શેઠ સાથે આવી રીતના દગા અને ઇજાઓ કરી વર્તન કરેલ છે.

૨૪૮૩ તેઓએ (હુકમ મુજબ) અમલ કર્યો, અને જ્યારે તેઓએ (જમીન) ખોદી, તેઓને છરો અને માથું જડી આવ્યું.

હ. દાઉદ (અ.સ.) નો હુકમ કરવો, “ગુન્હો સાબિત થયો હોઈ ખુની ઉપર બદલો લેવામાં આવે."

૨૪૮૬ તેમણે તેજ છરાથી બદલો લેવાનો (તેને મારી નાખવાનો) હુકમ કર્યો, ખુદાઈ જ્ઞાનમાંથી તેની કરામત (યુક્તિઓ) તેને મુક્ત કેમ કરે?

૨૪૮૭ જોકે ખુદા રહેમત નવાજીશ કરતો હોય છે, છતાં જ્યારે તે (પાપી) હદ વટાવી ગએલ હોય છે, ત્યારે તે (પેલાનું પાપ) ખુલ્લું કરે છે.

૨૪૯૨ તેના (પેલા ખૂનીના) દાવાનું ગુઢાર્થ જ્યારે ખુલ્લું કરવામાં આવ્યું, ત્યારે હ. દાઉદ (અ.સ.)નો મોજીઝો બે ગણો પ્રકાશમાં આવ્યો.

૨૫૦૨ આ તો ખરેખર બધા મોજીઝાનો આત્મા છે કારણ કે તે (મોજીજો) (રૂહાની રીતે) મરેલાને કાયમી જિંદગી અર્પનાર છે.

૨૫૦૩ દુષ્ટ માણસને મારી નાખવામાં આવ્યો અને (દુનિયાના) બધા લોકો જીવનથી જાગૃત થયા. દરેક જણ ખુદાનો નવો (સાચો) સાધક બન્યો.

માણસનો નફસે અમ્મારા ખુનીના સ્થાને છે કે જે ગાયના અંગે દાવેદાર બન્યો, અને ગાયનો મારનાર એ સદબુદ્ધિ છે. અને પેલા હ. દાઉદ (અ.સ.)એ મુરશીદ કે જે ખુદાનો પ્રતિનીધી છે. કે જેઓની શક્તિ અને મદદથી પેલા દુષ્ટને મારી નાખવો શક્ય છે. અને રોજીંદી (રૂહાની) રોજીથી માનવંત બનો કે જે મહેનત થકી મેળવાએલ નથી. તેમ જેના માટે કાંઈ કીંમત આપવી પડતી નથી.

૨૫૦૪ તારા નફસે અમ્મારાને મારી નાખ, અને દુનિયાને (રૂહાની રીતે) જીવંત બનાવ. તેણે (તારા દુષ્ટ મને) તેના શેઠને મારી નાખ્યો છે. તેને ગુલામ બનાવ.

૨૫૦૫ સાંભળો, તમારૂં દૃષ્ટ મન, એ ગાયના દાવેદાર જેવું છે, તેણે પોતાને ધણી અને માલિક બનાવેલ છે.

૨૫૦૬ ગાયને મારનાર એ તમારૂં પવિત્ર મન છે. જા અને ગાયના મારનારથી કજીઓ ન કર. (ગાય) કે જે તારી કાયા છે.

૨૫૦૮ કાંઈ પણ મહેનત વગરની રોજી મેળવવાનું શેના ઉપર આધારીત છે? તેની ગાયને મારી નાખવા ઉપર કે જે બધી ખરાબીનું મૂળ છે.

ર૫૦૯ દુષ્ટ મન કહેશે, તું મારી ગાયને કેવી રીતે મારશે? કારણ કે દુષ્ટ મનની ગાય એ કાયાનું બહારનું રૂપ છે.

૬/૧૮૬૮ આ ચાલુ ઝમાના દરમ્યાન (માણસોની આંતરિક માન્યતાઓ એક કાબરચીતરી ગાય જેવી છે. અને (જુદા જુદા) દીનના ફિરકાઓમાં વાણીનું ગુંચળું એકસો રંગના (દોરા) વણે છે.

૬/૧૮૭૪ પછી પેલા સિંહો (દુન્યવી) ચરાણમાંથી આગળ આવશે અને ખુદા (તેમનામાં) કાંઈપણ પડદા વગર, તેઓની આવક અને જાવક બતાવશે.

૬/૧૮૭૫ માણસનું (રૂહાની) તત્વ જમીન અને આસમાનને ઘેરી લેશે (જ્યારે) કાબરચીતરાં ઢોરને કુરબાનીના દિવસે બલિ તરીકે મારી નાખવામાં આવશે.

૬/૧૮૭૬ સાચા ઈમાનદારો માટે ક્યામતમાં કુરબાનીનો ભયંકર દિવસ અને ઢોરના નાશનો દિવસ એક તહેવાર છે.

૨૫૧૦ સુમન શેઠનો દીકરો (પ્રતિક રૂપ) કંગાળ રહેલ છે. (જ્યારે કે) દુષ્ટ મન (પ્રતિક રૂપ) ખૂની, એ ધણી અને માલિક બન્યો છે.

૨૫૧૧ રોજની રોજી મહેનત વગર મળે એ શું છે? અને તે રૂહાનીનો ખોરાક છે. નબીઓનો રોજીંદો ખોરાક છે.

૨૫૧૨ પણ તે ગાયની કુરબાની આપવા ઉપર આધાર રાખે છે. જાણ કે (રૂહાની) દૌલત ગાયની કુરબાનીમાં (માલમ પડશે). ઓ તું કે જે ખૂણા અને (દરો) ખોદે છે.

૨૫૧૭ પયગમ્બરો (ગૌણ) કારણો (the cords of secondary)કાપવા આવ્યા. તેઓએ પોતાના ચમત્કારો સાતેઈ આસમાનામાં ગાજતાં કર્યા.

૨૫૨૦ આખું કુરાન ગૌણ નિમિત્તોને કાપવાને લગતું છે, ગરીબ (નબી) ની કિર્તી અને અબુલહબના નાશથી ભરેલું છે.

૨૫૨૩ (ખુદાએ કહ્યું) ખૂન થએલા માણસને મારી નખાએલ ગાયની પુંછડીથી ઘસો એટલા માટે કે તે જ પળે હવામાંની રજાઈમાં તે (ફરીવાર) જીવતો થાય.

૨૫૨૪ (અને તે) કે જેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું, પોતાની જગ્યાએ ફરી ઉઠે અને તેનું લોહી વહેવડાવી પોતાનું લોહી મેળવે (વેર વાળે ).

૨૫૨૫ તેવી જ રીતે કુરાને મજિદમાં શરૂઆતથી અંત સુધી (ગૌણ) કારણો અને નિમિત્તોને તજી દેવાનું કહેવાયું છે, અને (હવે) (આ વિષયને) સલામ.

૨૫૨૬ આથી દોઢ ડહાપણ કરવાવાળા માટે આ (ગુઢાર્થોનું) વિવરણ (આપવામાં ) આવ્યું નથી. (ખુદાની) ખીદમત કર, એટલા માટે કે તે તમને સમજાય તેવું બને.

૨૫૨૭ તત્ત્વવેત્તા તેની બુદ્ધિએ બાંધેલી હકીકતોના પાટામાં બંધાએલો છે. (પણ) પવિત્ર સંત તે છે કે જે સમજણની સમજણ ઉપર, શાહજાદાની માફક સવારી કરે છે.

યા અલી મદદ