મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી
વાર્તા - ૫
વાર્તા - ૫
દકુકી અને તેની ચમત્કારિક બક્ષિશો વિષે.
૧૯૨૪ તે દકુકીની મુખમુદ્રા સુંદર હતી. તે (ખુદાનો) ચાહક, (રૂહાની) રાજા હતો.
૧૯૨૫ તે જમીન પર ચાલતો (પણ જાણે કે) અવકાશમાંનો ચંદ્રમા. રાત્રીના મુસાફરોના આત્માઓ તેનાથી પ્રકાશિત બન્યા હતા.
૧૯૨૬ તેઓ એક જ જગ્યાએ પોતાનું રહેઠાણ રાખતા નહિ. એક જ ગામમાં તેઓ બે દિવસ ગુજારતા નહિ.
૧૯૨૭ તેમણે કહ્યું, જો હું બે દિવસ એક જ ઘરમાં રહું તો રહેવાની જગ્યાનો પ્રેમ મારામાં જાગૃત થાય.
૧૯૨૮ હું રહેવાની જગ્યાના કારણે છેતરાતાં બીઉં છું. ઓ મારા આત્મા, સ્થળાંતર કર અને સ્વતંત્રતા સુધી સફર કર.
૧૯૨૯ મારા દીલની ખાશીયતને સ્થાનિકતાને હવાલે નહિ કરું. (મારો આત્મા) ચકાસણી વખતે પવિત્ર બને (તેથી આમ કરૂં છું).
૧૯૩૦ તેઓ દિવસના ભાગમાં મુસાફરી કરતા. રાત્રી દરમ્યાન બંદગી ગુજારતા, તેમની આંખ બાદશાહ (ખુદા) તરફ ખુલ્લી રહેતી અને એ (પોતે) બાજ જેવા (બનતા).
૧૯૩૧ તેઓ ખુદાની ખલ્કતથી જુદા પડી ગયા હતા.
૧૯૪૧ તેમણે (હ. પયગમ્બર સાહેબે) હ. મૌલા-મુર્તુઝાઅલી (અ.સ.)ને સિંહ સાથે સરખાવ્યા છે. (પણ) તેના જેવા સિંહ નહિ, તેમણે (આ સુચક) વાપર્યું છે.
૧૯૪૨ ઓ યુવાન, રૂપક અને તેની હકીકત, આ બે વચ્ચેનો તફાવત દકુકીની વાર્તા માટે,આગળ રાખ.
૧૯૪૫ ખુદાઈ પ્રેમથી (રાત્રીઓ) જાહેરી બંદગીમાં પસાર થઈ જતી હતી, તે (ખુદાઈ) પસંદગી પામેલ ‘ઇમામે મુબીન' (મુરશીદે કામિલ)ને હંમેશાં શોધતો હતો.
૧૯૪૬ તેની મુસાફરીનું મુખ્ય ધ્યેય એ હતું કે એક પળ માટે પણ “રૂહાની રાહબર"ના સંસર્ગમાં આવે.
૧૯૪૭ જ્યારે તેઓ રસ્તા પર જઈ રહ્યા હતા. ત્યારે તેઓ કહેતા હતા, ‘ઓ ખુદા, મને પસંદગી પામેલા (હ. ખીજર)નો સાથીદાર બનાવ.
૧૯૪૯ ઓ ખુદાવંદા, તેઓ કે જેઓને હું જાણતો નથી. તેવાઓને મહેરબાની કરી, દયા બતાવી, મારા તરફ મોકલ.
૧૯૫૦ માલિક તેને જવાબ આપશે, ઓ ખૂબ જ ઉદાર શાહજાદા, આ કઈ લાગણી છે અને કદી ન બુઝાતી આ કઈ તરસ છે?
૧૯૫૧ તેં મારો પ્રેમ સંપાદન કર્યો છે, માટે તું (મારા સિવાય) બીજાને ગોતે છે? જ્યારે ખુદા તારી સાથે છે ત્યારે શા માટે તું માણસને શોધે છે?
૧૯૫ર તેઓ જવાબ દેશે, “ઓ માલિક, ઓ અદ્રષ્ય જાણનાર, તેં મારા દીલમાં આજીજી કરવાનો રસ્તો ખોલ્યો છે.
૧૯૫૩ જો કે હું ‘દરિયા' વચ્ચે બેઠેલો હોવા છતાં, મેં મારી ઇચ્છા કુંજામાંના પાણી ઉપર રાખી છે.
૧૯૫૮ એક તૃષ્ણા સંપૂર્ણ માણસ બનવાની હોય છે. જ્યારે બીજી તૃષ્ણા, નિંદાત્મક અને બદનામી અંગેની હોય છે.
૧૯૫૯ અરે, અહીં (આ બાબતનું) ઘણું જ રહસ્ય ભર્યુ ગુઢાર્થ છે કે, હ. મુસા (અ.સ.) હ. ખિઝર તરફ દોડતા બહાર પડયા.
પયગમ્બર તરીકેની પોતાની સંપૂર્ણતા અને ખુદામાં એકતા પામેલા હ. મુસા (અ.સ.) નું હ. ખિઝરને શોધવાનું ગુઢાર્થ.
૧૯૬૨ ઓ મહેરબાન સાહેબ, ખુદા જેની સાથે બોલ્યો તેનામાંથી શીખ. તેની ઝંખનામાં કાલીમ (હ. મુસા અ.સ.) શું કહે છે તે જો.
૧૯૬૩ આવી મહાન પદવીની દરકાર વગર અને આવા નબીપણાના દરજજા છતાં, હું હ. ખિઝરનો શોધનાર છું. મેં (ખુદના) દરજ્જાને તજી દીધો છે.
૧૯૬૪ તેઓએ કહ્યું, ઓ મુસા તેં તારા લોકોને તજી દીધા છે, તે આશીર્વાદીત માણસને શોધવામાં ગાંડાની માફક ભટકો છો.
૧૯૬૭ હ. મુસાએ કહ્યું, “(મારા વિરુદ્ધ) આવી વાત નહિ કરો. સૂર્ય અને ચંદ્રમાના રસ્તા પર અવરોધો ન મૂકો.
૧૯૬૮ હું બે સમુદ્રોને ભેગા થતી જગ્યાએ તેને શોધવા જઈશ. તેથી “ઝમાનાના બાદશાહ”ની સોબતવાળો બનીશ.
૧૯૬૯ હું મારી ઈચ્છા પૂર્ણ થવાના કારણરૂપ હ. ખિઝરને બનાવીશ. હું આગળ ચાલ્યો જઈશ અને રાત્રિના લાંબા વખત સુધી મુસાફરી કરીશ.
૧૯૭૦ હું પાંખો અને પીંછાઓથી વર્ષો સુધી ઉડીશ, અને વર્ષો તો શું? હજારો વર્ષ સુધી(પણ).
૧૯૮૨ તેણે દકુકીએ કહ્યું, એક દિવસ હું ઝંખના કરતો જતો હતો, જેથી મનુષ્યમાં તે પ્રિતમનું ‘નૂર' જોઈ શકું.
૧૯૮૩ હું પાણીના ટીપામાં સમુદ્રને અને રજકણની અંદર બિડાએલો 'સૂરજ' જોઈ શકું.
૧૯૮૪ જ્યારે હું અમુક કિનારે પગે ચાલી આવ્યો, દિવસના બહુ મોડું થયું હતું, સાંજ પડતી હતી.
કિનારાની દિશામાં સાત મીણબત્તીઓ હોવા જેવો આભાસ થયા વિષે.
૧૯૮૫ મેં ઓચિંતા દૂર દૂર સાત મીણબત્તીઓ જોઈ અને મેં તેના તરફ જવા ઝડપ કરી.
૧૯૮૬ દરેક મીણબત્તીનો પ્રકાશ ઝગઝગાટ કરતો સુંદરતાથી અવકાશ ઉપર ચડતો હતો.
૧૯૮૭ હું આશ્ચર્યચકિત બન્યો, (તેથી) આશ્ચર્ય પોતે દંગ બની ગયું. મારી સમજણના મસ્તક પર અત્યાનંદના મોજાં પસાર થયાં.
૧૯૮૮ (મેં વિચાર્યું) આ કઈ જાતની મીણબત્તીઓ છે? કે જેને તેણે પ્રકાશિત કરી છે, જેમાથી તેણે પેદા કરેલી આંખો સીવાઈ ગઈ છે.
૧૯૮૯ (સાત જુમખાની ) મીણબત્તી કે જેનો પ્રકાશ ચંદ્રમાથી વધુ ચડીયાતો હોવા છતાં, લોકો બત્તી શોધવા ગયા હતા.
૧૯૯૦ અદૂભૂત ! તેઓની આંખો ઉપર પાટો (પડદો) હતો. તેઓ બંધાએલા હતા.
“જેને તે ચાહે છે તેને તે 'સત્યપંથે' દોરવે છે. સાત મીણબત્તીઓનું એક જ મીણબત્તી જેવી દેખાવા વિષે.
૧૯૯૧ પછી મેં સાત (મીણબત્તીઓને) એક બનેલી જોઈ, તેનો પ્રકાશ અવકાશની ધાર ચીરતો હતો.
૧૯૯૨ પાછી ફરી એક વાર તે સાત બની, મારી મદહોશી અને અત્યાનંદ હઠ વટાવી ગયું.
૧૯૯૩ મારી જીભ કે વાણીમાં (કરી ન શકાય) તેવું મીણબત્તીઓ વચ્ચે સાંધણ હતું.
૧૯૯૪ વર્ષો પર્યંત જીભથી બહાર ન પાડી શકાય કે ન સમજાય તેવી તે દેખાતી હતી.
૧૯૯૫ એક તીક્ષ્ણ બુદ્ધિશાળી એક પળ માટે જે જુએ છે. તે તેને વર્ષો દરમ્યાન કાનથી સાંભળવાનું અશક્ય છે.
૧૯૯૬ જ્યારે કે તેનો છેડો જ નથી, ત્યારે તારા ખુદની પાસે પાછો જા. (કારણ કે) (અલી નબીની) મદદ માફક તારા વખાણની ગણત્રી કરી શકું તેમ નથી.
૧૯૯૭ હું વધુ આગળ વધ્યો. તે મીણબત્તીઓ કે જે ‘નૂરાની બાદશાહ’ની નિશાનીઓમાંની ચીજ છે (તે જોવા) દોડ્યો.
૧૯૯૮ (આમ) હું મારા ખુદમાં મુંગો બનેલો અને અસ્થિર હાલતમાં ઉતાવળ અને ઝડપથી પડી ગયો ત્યાં સુધી દોડયે જતો હતો.
૧૯૯૯ હું આવી (હાલતમાં) ભાન વગરનો, સૂઝ વગરનો થોડીવાર સુધી જમીનની ધૂળમાં પડ્યો રહ્યો.
૨૦૦૦ પછી હું પાછો ભાનમાં આવ્યો અને ઉભો થયો, તમે કદાચ એમ કહેશો કે આ મુસાફરીમાં મને હાથ કે પગ ન હતા.
૨૦૦૧ આ સાત મીણબત્તીઓ આંખને સાત માણસો તરીકે દેખાણી. તેઓનો પ્રકાશ અવકાશના મધ્ય બિંદુના ઘુમ્મટ સુધી પહોંચતો હતો.
૨૦૦૨ પેલા પ્રકાશોની આગળ દિવસનું અજવાળું એક ટીપા જેવું હતું, તેઓની તીર્વતાથી તેઓ બીજા બધા પ્રકાશો ઉપર અહેસાન કરતા હતા.
હવે તે સાત મીણબત્તીઓના વૃક્ષો બનવા વિષે
૨૦૦૩ પછી દરેક માણસે વૃક્ષનો આકાર ધારણ કર્યો. તેઓની લીલાશ જોઈ મારી આંખો આનંદમાં ગરકાવ બની ગઈ.
૨૦૦૪ પાંદડાંના ખીચોખીચ ભરાવ અંગે કોઈ ડાળી દેખાતી ન હતી. અસંખ્ય ફળ થકી પાંદડાંઓ નહિવત બની ગયાં.
૨૦૦૫ દરેક વૃક્ષોએ પોતાની ડાળીઓ 'સિદ્ર'થી પણ ઉપર ફેલાયેલી હતી. 'સિદ્ર' તો શું ન કહી શકાય તેટલી હદે પહોંચી હતી.
૨૦૦૬ દરેક વૃક્ષનું મૂળ જમીનના તળીયા સુધી પહોંચ્યું હતું. હકીકતમાં બળદ અને મચ્છી (જમીન) કરતાં વધુ નીચે ગયાં હતાં.
૨૦૦૭ તેઓનાં મૂળીયાં તેઓની ડાળીઓ કરતાં વધુ હસતાં હતાં. તેએાના આકારોથી બુદ્ધિવાનો પણ ઉપર તળે (મુંઝાએલા) થતા હતા.
૨૦૦૮ ફળોમાંથી પ્રકાશના ઝડપભેર ચમકારા પથરાતા હતા. ફળના રસની માફક ઉછળતા હતા.
પેલાં વૃક્ષો લોકોથી અદીઠ હોવા વિષે.
૨૦૦૯ જે બીજા (બધા કરતાં) વધુ અજાયબી આ હતી કે લાખો તેમની નજીકથી મેદાન અને રણમાંથી પસાર થતા હતા.
૨૦૧૦ તેઓ તેના પડછાયાની ઉમેદમાં અને ઉનના કપડામાંથી રાજછત્ર બનાવવામાં પોતાનાં જીવન ન્યોછાવર કરવાની તમન્નામાં હતા.
૨૦૧૧ અને પેલા (વૃક્ષોનો) પડછાયો પણ જોતા ન હતા. આવી વિકૃત આંખો ઉપર એક સો ઝટકા મારો.
૨૦૧૨ તેઓની આંખો ઉપર ખુદાના કોપે સીલ મારેલ છે, તેથી આવા ચંદ્રમાને જુએ નહિ. (પણ) માત્ર તારા જુએ.
૨૦૧૩ તે એક રજકણ જુએ છે, સૂર્ય નહિ. છતાં પણ તે ખુદાની કૃપા અને રહેમતથી હતાશ નહિ થાય.
૨૦૧૪ વણજાર ખોરાક વગરની છે, અને (છતાં) આ પાકેલાં ફળો તેમની બાજુમાં પડેલાં છે ! ઓ ખુદા આ કેવું જાદુ છે ?
૨૦૧૫ સૂકાયેલાં ગળાવાળા, ઝપાઝપીમાં લૂંટાએલા, સડી ગએલાં સફરજન ભેગા કરતા હતાં.
૨૦૧૬ (જ્યારે) દરેક પાન અને પેલી ડાળીઓનાં મોર ચાલુ કહેતા હતા, “આને મારા લોકોએ જાણ્યું હોત તો ?”
૨૦૧૭ (ત્યારે) દરેક વૃક્ષની દિશામાંથી બૂમ આવતી હતી. ઓ તમે બદકિસ્મતી સમુહ અમારા તરફ આવો !
૨૦૧૮ જ્યારે (દૈવી) ઈર્ષામાંથી વૃક્ષ તરફ બુમ આવતી હતી, અમોએ તેઓની આંખોને પાટા બાંધ્યા છે, " નહિ, ત્યાં આશ્રય નથી.”
૨૦૧૯ જો કોઈએ તેમને કહ્યું હોત, આ દિશાએ જાઓ કે તમે આ વૃક્ષોમાંથી સુખ મેળવો.
૨૦૨૦ તેઓ બધાએ આમ કહ્યું હોત, દૈવી નશીબ અંગે આ ગરીબ ભાન વગરનો ગાંડો બન્યો છે.
૨૦૨૬ હું દરેક પળે મારી આંખો ઘસતો (એમ ધારીને કે) કદાચ હું સ્વપ્નાં અને (દુનિયા)ના વખતનો આભાસ જોતો હોઈશ ?
૨૦૨૭ તે સ્વપ્ન કેમ બની શકે? હું વૃક્ષો ઉપર ચડતો તેનાં ફળો ખાતો, કેવી રીતે તે કબુલ ન કરૂં ?
૨૦૨૮ (પણ) ફરીને જ્યારે હું (મારી) વાત, ન માનનારાઓ તરફ જોતો કે જુઓ આ ફળવાડીને એક બાજુ મુકી દેતા હતાં.
૨૦૩૦ (જ્યારે હું જોતો) આ કંગાળ સમુહ એક પાંદડાની જરૂરીઆત માટે પણ રોદણા રોતા હતા.
૨૦૩૧ (અને જ્યારે હું જોતો) આ હજારો લાખો લોકો આ વૃક્ષો અને ફળોથી નાસી છુટયા હતા.
૨૦૪૩ (નાસ્તિકો તરફના) આવા વાદવિવાદથી હ. પયગમ્બર સાહેબ અજાયબ થતા હતા. અબુ લહબ પણ (હ. નબીસાહેબના મોજીઝાથી) અજાયબીમાં ગરકાવ થતો.
૨૦૪૫ એા દકુકી, જલ્દીથી (મિલનની ઝંખનામાં) વધુ આગળ વધ, સાંભળ, ચુપ રહેજે જેમકે ત્યાં કાનોની સખત અછત છે, તું ક્યાં સુધી બોલ્યા કરીશ? ક્યાં સુધી,
સાત વૃક્ષોનું એક બનવા વિષે.
૨૦૪૬ તેમણે (દકુકીએ) કહ્યું, નશીબદાર એવો હું વધુ આગળ વધ્યો, ફરીવાર બધાં સાતેઈ વૃક્ષો એક બન્યા.
૨૦૪૭ દરેક પળે તેઓ સાત બનતાં હતાં અને એક પણ. અત્યાનંદમાં મારી હાલત કેવી બની હશે?
૨૦૪૮ ત્યારબાદ મેં તે સાતેઈ વૃક્ષોને વિધીપુર્વક બંદગીમાં સામેલ થએલા જોયા. (મુસ્લિમો) બંદગી કરવા એકઠા થાય છે, ત્યારે એક સફમાં ઊભા રહે છે તેમ (ઉભેલા જોયા).
૨૦૪૯ એક વૃક્ષ પેશ ઇમામની માફક આગળ હતું, બીજાઓ તેની પાછળ ઊભા હતા.
૨૦૫૦ (તેમનું) પેલું ઉભવું, ધુંટણીએ પડવું સિજદામાં જવું, (આવી રીતનો) વૃક્ષોનો દેખાવ મારા માટે ખૂબ જ અદભૂત હતો.
૨૦૫૧ પછી મેં ખુદાનો તે શબ્દ મગજમાં ગોઠવ્યો. તેમણે કહ્યું છે, આને લગતું, “પાદડાં વગરના વૃક્ષો અને છોડવાઓ, તેઓ સિજદામાં જાય છે.”
૨૦પર પેલાં વૃક્ષોને ઘુંટણ કે કમર ન હતી. નિયમીત ગુજારાતી બંદગીની આ બાબત કેવી અદભૂત છે. ૨૦૫૩ દૈવી વહી (મારા પર) આવી, “ઓ પ્રકાશીત બનેલા હજી તું અમારા કાર્યથી અજાયબ થાય છે ?
સાત વૃક્ષોનું સાત માણસો બનવા વિષે
૨૦૫૪ લાંબા સમય બાદ પેલાં (વૃક્ષો) સાત માણસ બન્યા, ઉંડા ચીંતનમાં પડેલા (ખુદાની મહોબતમાં) એક હારમાં બધા બેઠા હતા.
૨૦૫૫ મેં મારી આંખો ચોળવી ચાલુ રાખી, કે સિંહ જેવા આ સાત કોણ છે? અને આ દુનિયામાંનો તેમનો (સંબંધ) શું છે ?
૨૦૫૬ જ્યારે રસ્તાનો વળાંક લેતાં હું (તેઓની) વધુ નજીક આવ્યો, મેં સાવધાની પુર્વક તેઓને સલામ કરી.
૨૦૫૭ તે સમુહે મારી સલામનો જવાબ આપ્યો, “ઓ દકુકી, અમીરોના તાજ અને મગરૂરી,"
૨૦૫૮ (મેં મારા મનમાં કહ્યું) તેઓ મને કેમ ઓળખી શક્યા? તેઓએ અગાઉ આ સિવાય કદી મારી તરફ આંખ પણ માંડી ન હતી,
૨૦૫૯ તેઓએ તુર્તજ મારા બોલ્યા વગર મારો વિચાર જાણી લીધો, અને એકબીજાને નીચી નજરે જોવા લાગ્યા.
૨૦૬૦ અને હસ્તાં હસ્તાં જવાબ આપ્યો, “ઓ માનવંત સાહેબ, હજી તારાથી આ છુપું છે?
૨૦૬૧ ખુદામાં દીલથી મદહોશ બનેલાથી ડાબી અને જમણી બાજુનું કાર્ય શા માટે છુપું રાખવામાં આવેલ છે.
૨૦૬૨ મેં (મારા મનમાં) કહ્યું, (રૂહાની) સમજણોના સંદેશાથી તેઓ જો જાણીતા છે, તો (શબ્દો)ના રૂપ અને અક્ષરોના નામથી તેઓ કેવી રીતે જાણીતા હશે?
૨૦૬૩ તેણે (સાતમાંના એકે) કહ્યું, જો એક ઓલીયાના (અંતરમાંથી) નામ ભુલાય તો તેની અજ્ઞાનતા અંગે નહિ પણ ખુદામાં તેના એકરૂપ થવા અંગે હોય છે.
૨૦૬૪ ત્યારબાદ તેએાએ કહ્યું, “ઓ પવિત્ર દોસ્ત, અમો તારી આગેવાની નીચે બંદગી ગુજારવા માગીએ છીએ.”
૨૦૬૫ મેં કહ્યું, “ભલે, પણ થોડીવાર રાહ જુઓ, મને વખત બદલાયા અંગે થોડી મુશ્કેલી છે.
૨૦૬૬ તે (મુશ્કેલીઓ) પવિત્ર સાથના કારણે ઉકેલી શકાશે, કારણકે દ્રાક્ષ જમીનના સાથ અંગે ઉગતી હોય છે.
૨૦૬૭ ફોતરા સહિતનું બી કૃપાની રાહે અંધારી જમીનના સંગમાં આવતા સુગંધીત બની ઉગે છે.
૨૦૬૮ તે તદ્દન જમીન સાથે, કોઈ પણ રંગ અથવા સુગંધ, રાતો અથવા પીળો (રંગ) તેના પર બાકી ન રહે તેમ ભૂંસાઈ જાય છે.
૨૦૭૦ તેના અસલની હાજરીમાં બેખુદ બન્યો, રૂપ નાશ પામ્યું; અને તેના અસલ અર્કે દેખાવ દીધો.
૨૦૭૩ મારો આત્મા તે જ સમયથી, સમય અંગે સ્વતંત્ર થએલ છે, કારણ કે કલાકો જુવાનને બુઢો બનાવે છે.
દકુકીનું પેશ ઇમામ તરીકે આગળ આવવા વિષે.
૨૦૮૪ આ વિવરણનો છેડો જ નથી, જલ્દી દોડ, સાંભળ; બંદગીનો વખત થયો છે. ઓ દકુકી, આગળ જા.
૨૦૮૫ ઓ અદ્વિતીય, સવારની નમાઝ પડાવ, કે સમય તારાથી માન ભરેલો બને.
૨૦૮૬ ઓ પવિત્ર દ્રષ્ટિવાળા ઈમામ; નિયમીત બંદગીના પેશ ઈમામમાં પાક નજર અનિવાર્ય છે.
૨૦૮૭ ઓ માનનીય (વાંચક) દીને (ઇસ્લામ)ના કાયદા પ્રમાણે પેશ ઇમામ તરીકે આંધળો માણસ હોય, એ કાયદેસર નથી.
૨૦૮૯ આંધળા માણસને ગંદવાડથી બચવાનું કોઈ સાધન નથી. (ગંદકીથી) બચવા અને છેટા રહેવાનું આંખ એ એક રસ્તો છે.
૨૧૧૪ ખુદાએ આ વાર્તાઓ અને બોધકથાઓ મુક્કર કરી છે, એટલા માટે કે લાયકાત વગરનાઓથી (સત્ય ખાશિયતનાં) વખાણ છુપાં રહે,
નિયમીત બંદગી દરમ્યાન દકુકીએ, વહાણ કે જે ડુબવાની તૈયારીમાં હતું, તેમાંના દુઃખીઓની બુમો સાંભળવી.
૨૧૭૬ દકુકી પેશ ઈમામ તરીકે કાર્ય કરવા તૈયાર થયા. કિનારા ઉપર બંદગી ગુજારવી શરૂ કરી.
૨૧૭૭ જ્યારે પેલો સમુહ તેની પાછળ ઉભો. તું જો, ભલો સમુહ અને સ્વીકારાએલો પેશ ઈમામ.
૨૧૭૮ ઓચીંતાની તેની આંખ દરીયા તરફ ગઈ, કારણ કે તેમણે દરિયા તરફથી મદદ, મદદની બુમો સાંભળી.
૨૧૭૯ તેમણે મોજાંઓ વચ્ચે એક વહાણ તેના કિસ્મત આધારિત, તકલીફમાં અને તંગ દશામાં જોયું.
૨૧૮૦ રાતનો અંધકાર, વાદળાંઓ અને તોતીંગ મોજાંઓ, આ ત્રણ જાતનાં અંધારાં હતાં, અને (વહાણ) પાણીની ઘુમરીમાં ડુબવાના ભયમાં હતું.
વહાણની મુક્તિ માટે દકુક્કીની દુઆમાં તરફદારી કરવા વિષે.
૨૨૦૮ જ્યારે દકુકીએ પેલી કયામત જોઈ, તેની દયા ઉભરાઈ આવી અને આંસુઓની ધાર ચાલી.
૨૨૫૧ આપણું પાણી માટીમાં કેદમાં રહ્યું છે, ઓ દયાના સાગર, સાંભળ, અમોને માટીમાંથી બહાર કાઢ.
૨૨૧૦ તેઓને સારી અને સલામત રીતે કિનારે પાછા લાવ, ઓ તું કે જેનો હાથ (શક્તિ) જમીન અને દરિયા (બન્ને) સુધી પહોંચે છે.
૨૨૧૯ (સત્ય કહેતાં) બેખુદીથી થએલી અભ્યર્થના (supplication - વિનંતી) જુદી જાતની છે, તે અભ્યર્થના (બોલનારની) નથી, તે (દૈવી) ઇન્સાફ કરનારથી બોલાએલી હોય છે.
૨૨૨૦ તે અભ્યર્થના ખુદા જ કરાવતો હોય છે, જ્યારે કે તે (બોલનાર) ફના છે ત્યારે અભ્યર્થના અને તેનો જવાબ (બંન્ને) ખુદામાંથી છે.
૨૨૨૧ નામવાળો મધ્યસ્થી (તે વખતે) હાજર હોતો નથી. આવી દુઆ કરવાથી કાયા અને આત્મા (એક સરખી રીતે) ખબરદાર હોતા નથી.
૨૨૮૧ જ્યારે વહાણ બચાવાયું ઉમેદ પૂરી થઈ. તે જ પ્રમાણે તે સમુહની નિયમીત બંદગી પૂરી થઈ.
૨૨૯૨ તેઓ બધા તે પળે ખુદાઈ તંબુમાં દાખલ થયા હતા. પેલું ટોળું ક્યા બગીચામાં ગયું હતું?
૨૨૯૩ હું અજાયબીમાં ગરકાવ બન્યો કે ખુદાએ મારી આંખોથી એક સમુહને કેવી રીતે અદ્રશ્ય કર્યો?
યા અલી મદદ