મશનવી મૌલાના રૂમી, ભાગ-૩ તારવણી
વાર્તા - ૪
વાર્તા - ૪
(આત્મજ્ઞાનની) મદહોશી નિરીક્ષણ અને ધ્યાનમાં લેવા યોગ્ય બાબતને રોકે છે, તે દર્શાવતી એક બોધવાર્તા.
૧૩૭૬ અમુક માણસ કે જેના વાળ બે રંગના હતા. તે એક ઘણા જ પ્રખ્યાત વાળ કાપનાર પાસે આવ્યો.
૧૩૭૭ તેણે કહ્યું, “ઓ યુવાન, મારા બુઢાપા અંગે થએલ સફેદ વાળ મારી દાઢીમાંથી હટાવ. કારણ કે મેં એક નવી ઘરવાળી પસંદ કરી છે.”
૧૩૭૮ તેણે તેની આખી દાઢી કાપી નાખી, અને (તેના વાળ) તેની આગળ મૂકીને કહે “તું પોતે (સફેદ વાળ) ખેંચી લે, કારણ કે એવું બન્યું છે કે, મારે બહુ જરૂરી કામે જવું છે.”
૧૩૭૯ તે (તેને) ચૂંટે એ સવાલ જવાબ જેવું છે, કારણ કે રૂહાનીયત આવેશ આવી ચીજોની દરકાર કરતો નથી.
૧૩૮૦ અમુક એક માણસે ઝયદને ગરદન ઉપર થપ્પડ મારી. તે (ઝયદ) યુદ્ધના ઝનૂન સાથે તેના તરફ ધસ્યો.
૧૩૮૧ મારનાર કહે, “હું તને એક સવાલ પૂછું છું. તેનો પહેલો જવાબ દે અને પછી મને માર.”
૧૩૮૨ મેં તારી ગરદનની બોચી ઉપર (થપ્પડ) મારી. અને થપ્પડનો અવાજ થયો. આ મુદ્દા ઉપર મારે તને સવાલ કરવો છે.
૧૩૮૩ ઓ અમીરોની મગરૂરી, “આ અવાજ મારા હાથથી થયો કે, તારી ગરદનની બોચીથી થયો?
૧૩૮૪ તેણે (ઝયદે) કહ્યું, “આ દર્દના કારણે આ નિરીક્ષણ અને ધ્યાનમાં લેવા જેવી વાત વિચારવાની મને ફુરસદ નથી.”
૧૩૮૫ તું કે જે આ દર્દ વગરનો છે, આના ઉપર વિચાર કર. ધ્યાનમાં રાખ કે જેને દર્દ થાય છે, તેને આવા વિચાર આવતા નથી.”
વાર્તાનો સાર
૧૩૮૬ હ. પયગમ્બર સાહેબના અસહાબોમાંથી કોઈ ભાગ્યે જ એવો હતો કે જે, કુરાનને મોઢે જાણતો હોય, જો કે તેઓના આત્માને (આમ કરવાની) ઈચ્છા હતી.
૧૩૮૭ જો કે તેનો અર્ક તેમનામાં ભર્યો હતો, અને ભરાએલા (પરિપૂર્ણ) બન્યા હતા. (છતાં) છાલ પાતળી અને તુટી ફુટી હતી.
૧૩૮૮ તેવી જ રીતે અખરોટ, પીસ્તા અને બદામની છાલ, જ્યારે ગર્ભ ભરાઈ જાય છે, ત્યારે છાલ ઘટતી જાય છે.
૧૩૮૯ (જ્યારે) ગર્ભ, જ્ઞાન વધે છે, ત્યારે તેની છાલ ઘટે છે, કારણ કે પ્રેમી પ્રિયતમાથી સભર છે.
૧૩૯૦ શોધકની શોધ ઊલ્ટી જાતની હોવા (સંભવ) છે. વહી અને (દૈવી) “નુર” પ્રકાશે છે, ત્યારે એ પયગમ્બર બળી જાય છે. (તેમાં સમાય જાય છે).
૧૩૯૧ જ્યારે અખંડતાના ગુણો બહાર દેખાતા બન્યા છે, ત્યારે ક્ષણિક્તાનો ઝભ્ભો બળી જાય છે.
૧૩૯૨ દરેક જણ જે કુરાનનો ચોથો ભાગ પણ મોઢે જાણતો. તે અસહાબો પાસેથી સાંભળતો હતો કે “તે ‘મહાન' આપણા વચ્ચે છે."
૧૩૯૩ બહારના (રૂપથી) આવા ઉંડા (આંતરિક) અર્થ ભેગા કરવા એ શક્ય નથી. અલબત્ત શક્તિશાળી રૂહાનીયત બાદશાહ (ઈમામે મુંબી) થકી (બને).
૧૩૯૬ સત્ય કહેતાં આંધળાને લાકડી પ્યારી હોય છે. (આંતરિક) આંધળો પોતે કુરાનની ભરેલી પેટી જેવો છે.
૧૩૯૮ ફરીવાર કુરાનથી ભરેલી પેટી, તે કે જેના હાથમાં ખાલી પેટી છે, તેનાથી વધુ સારો છે.
૧૩૯૯ છતાં ફરીવાર પેટી જે કાંઈ પણ ભારથી ખાલી છે. તે ઉંદરો અને સરપોથી ભરેલી પેટી કરતાં વધુ સારી છે.
૧૪૦૦ (આ બાબતનો) સરવાળો આમ છે. જ્યારે એક માણસ મિલાપની હાલતે પહોંચે છે, તેના માટે વચ્ચે આવનાર નકામો છે.
૧૪૦૧ જ્યારે કે તેં તારી શોધની ચીજને પ્રાપ્ત કરી છે, ઓ હિંમતવાન, ત્યારે હવે જ્ઞાનની શોધ તારા માટે ખરાબ છે.
૧૪૦૨ જ્યારે કે તું બહિશ્તના છાપરાઓ ઉપર સવાર થયો છે, ત્યારે સીડી ગોતવી એ મિથ્યા છે.
૧૪૦૩ પરમસુખની પ્રાપ્તિ પછી પરમ સુખને પહોંચાડતો રસ્તો, કિંમત વગરનો છે. સિવાય કે બીજાને મદદ કરવામાં અને શિખવવામાં કામ લાગે.
૧૪૦૪ (જ્યારે) પ્રકાશિત આરસી કે જે ચોકખી અને સંપૂર્ણ બની છે (ત્યારે) ઓપનારને બોલાવવો એ મૂર્ખાઈ છે.
૧૪૦૫ બાદશાહ અને (તેની) ઉદારતાથી (તેની સાથે) આનંદથી બેઠા પછી કાગળ અને સંદેશક ગોતવા એ ઘૃણાજનક છે.
એક પ્રેમીને તેની પ્રિયતમાની હાજરીમાં પ્રેમપત્ર વાંચવામાં મશગુલ થવું અને આથી પ્રિયતમાનું નારાજ થવું. જે સાબીત થઈ ચુક્યું હોઈ તેની હાજરીમાં જ સાબીતી શોધવી એ શરમજનક છે. જે જ્ઞાને ખુદને માહિતગાર કર્યું, તે મેળવ્યા પછી તેમાં પોતાને જકડી રાખવું એ દોષપાત્ર છે, તે વિષે.
૧૪૦૬ ( જ્યારે) તેની પ્રિયતમાએ તેને પોતાની પાસે બેસાડ્યો, (ત્યારે) અમુક માણસે એક કાગળ રજુ કર્યો અને તેની આગળ વાંચવા લાગ્યો.
૧૪૦૭ પત્રની કડીઓ(માં) વખાણ અને સ્તુતિ હતાં. વિરહનું દર્દ, પડેલી આફતો અને સંકટોનું વર્ણન હતું.
૧૪૦૮ પ્રિયતમાએ કહ્યું, “જો આ બધું મારી ખાતર છે, તો આપણી મુલાકાત વખતે વાંચવું, એ જીવનનો દુર્વ્યય છે,
૧૪૦૯ હું અહીં તારી પાસે છું, અને તું કાગળ વાંચે છે, આ કોઈપણ અંશે (સાચા) પ્રેમીની નિશાની નથી.
૧૪૧૦ તેણે જવાબ આપ્યો, “તું અહીં છો પણ હું સારી રીતે ખુશી મેળવતો નથી.”
૧૪૧૧ તારી ખાતર છેલ્લા વર્ષોમાં અનુભવેલું, અલબત આ પળે અનુભવતો નથી. તારી મુલાકાત કરી રહ્યો હોવા છતાં.
૧૪૧૨ મેં આ (પત્ર - જ્ઞાનના) ઝરામાંથી ઠંડુ પાણી પીધું છે. અને મેં મારી આંખ અને દિલ આ પાણીથી તાજાં કર્યાં છે.
૧૪૧૩ હું ઝરો જોઉં છું પણ પાણી (જોતો) નથી. બનવા જોગ છે કે કોઈ લુટારાએ મારા પાણીથી રસ્તો રોક્યો છે.
૧૪૧૪ તેણીએ કહ્યું, “તો પછી હું તારી પ્રિયતમા નથી, હું ‘બલગર' (ગામ)માં છું, અને તારી ઇચ્છીત વસ્તુ 'કુતુ'માં છે.
૧૪૧૫ તું મારાથી પ્રેમમાં છો, અને લાગણીની હાલતમાં (પણ) છો, ઓ યુવાન તું લાગણીની હાલતમાં છો, પ્રેમ એ તારા હાથની વાત નથી.
૧૪૧૬ તેથી તું જે શોધી રહ્યો છે, તે તમામ હું નથી. તારી ઇચ્છત વસ્તુનો વર્તમાન સમયે, હું એક ભાગ (માત્ર) છું.
૧૪૧૭ હું માત્ર તારી પ્રિયતમાનું ઘર છું, નહિ કે પ્રિયતમા પોતે. (સાચો) પ્રેમ રોકડ માટે હોય છે, તીજોરી માટે નહિ.
૧૪૧૮ ખરો પ્રેમી તે છે કે, જે એક હોય, તારી શરૂઆત અને અંત કોણ છે?
૧૪૧૯ જ્યારે તું તેને ગોતી લઇશ, ત્યાર પછી તેના આગમનનો ઇન્તેજાર નહિ હોય. તે દેખીતો અને ગુઢાર્થ પણ છે.
૧૪૨૨ તે કે જેણે મુસાફરી (રસ્તામાં) થંભાવી છે, તો એ કાંઈ (મુસાફરીનો) અંત નથી, તે (બદલાતી) હાલતની રાહ જોતો અને શોધતો બેઠેલો છે.
૧૪૨૩ તેનો (મુરશિદે કામીલ) “ઇમામે મુબી”નો હાથ એ હાલત (સ્થિતિ) ફેરવતી સર્વશ્રેષ્ઠ હસ્તિ છે, (જો) તે પોતાનો હાથ ફેરવે, જસત પણ તેનાથી કંચન બની જાય !
૧૪૨૪ જો તે (મુરશિદે કામીલ) ઈચ્છે, મૃત્યુ પણ મીઠું બની જાય, કાંટાઓ અને સુંદર ચમેલી અને ગુલાબ બની જાય.
૧૪૨૫ એક પળે તેનો દરજ્જો મહાન બનાવવામાં આવશે, અને એક પળે ઘટાડવામાં આવશે. દરજ્જા પર જે હજી આધારીત છે તે (દિની દુનિયાનો) માનવ છે.
૧૪૨૬ આવી રીતે ‘સુફી' એ સમયનો પુત્ર છે, પણ એક પવિત્ર (સુફી) સમય અને (state) દરજ્જાથી નિરાલો છે.
૧૪૩૨ કદાચ (તે) ચંદ્રમાનો આવાસ (ઘર) બને, પણ તે ચંદ્રમા નથી. ભલે તે એક ભવ્ય ચિત્ર બને, પણ તે (દિલ વગરનું) છે.
૧૪૩૩ સુફી કે જે પવિત્રતા ઈચ્છે છે, તે સમયની (અવસ્થા)નો પુત્ર છે. તે બાપને પકડી રાખે તેમ સમયને પકડી રાખેલ છે.
૧૪૩૪ પવિત્ર (સુફી) કીર્તિવંત (ખુદા)ના 'નુર'માં સમાય ગએલ છે. તે કોઇનો દીકરો નથી, અને (તે) સમય અને દરજ્જાથી મુક્ત થયો છે.
૧૪૩૫ ‘નુર' કે જે પેદા કરતું નથી તેમાં કુદી પડ. તે જનમ લેતો નથી. જન્મ દેતો નથી. તે ખુદા સાથે સંબંધીત છે.
૧૪૩૮ ઓ અમીર, એ હકીકત સ્વીકારતો નહિ કે, તું અશકત (છો) અને મજબુત નથી, તારી ઉત્કંઠ ઈચ્છા તરફ જો.
૧૪૩૯ જેમ સુકા હોઠ ખાતર તે પાણી શોધતો ફરે છે, તેમ ગમે તેવી હાલતમાં તું શોધતો રહે.
૧૪૪૦ કારણ કે તારો સુકો હોઠ, એ સાબીતી આપે છે કે, આખરે તું ઝરાના મથાળે પહોંચીશ.
૧૪૪૧ હોઠનું સુકાપણું એ પાણીમાંનો સંદેશો છે. (કહે) આ ઉત્કંઠા (તલબ) તને પાણી સુધી ચોક્કસ પહોંચાડશે.
૧૪૪૮ જો એક કીડી (પણ) હ. સુલેમાન (અ. સ.) જેવો દરજજો શોધે તો, લાગણી હીનતાથી તેની કલ્પના અંગે હસતો નહિ કે જોતો નહિ.
(સબર યાને ધીરજ વિષેની વાર્તાઓ)
પોતાના પુત્રોના મરણ અંગે અમુક શેખની દિલગીરી ના દર્શાવવાના કારણ વિષે.
૧૭૭૨ અગાઉના વખતમાં એક શેખ હતો (જે) (રૂહાની) અધિકારી, દુનિયાની સપાટી ઉપર સ્વર્ગીય રોશની (હતો).
૧૭૭૩ ધાર્મીક કોમો વચ્ચે નબી જેવો, સ્વર્ગીય બગીચાના દરવાજા ખોલનાર (જેવો).
૧૭૭૪ પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે કે, “રાહબર કે જે (રૂહાની ) રીતે આગળ વધે છે, તે લોકોની વચ્ચે નબીના જેવો છે.”
૧૭૭૫ એક સવારે તેના કુટુંબે તેને કહ્યું, “ઓ ઉમદા સ્વભાવના ભલા માણસ. તમો આવા સખત દીલના કેમ છો તે અમોને કહો.”
૧૭૭૬ અમે તારા ગુમાએલા દીકરાઓની દીલગીરીમાં, પીઠ બેવડી બની જતાં, વાકાં વળી ગયા છીએ.
૧૭૭૭ તમે શા માટે રોઈને દીલગીર થતા નથી? અથવા તો શું તમારા દીલમાં દયાનો છાંટો પણ નથી ?
૧૭૭૮ જ્યારે કે તમને દીલમાં દયા નથી, તો પછી અમો તમારામાં બીજી કઈ આશા રાખએ ?
પોતાના છોકરાઓના મરણ વખતે ન રોવાના શેખનાં કારણો વિષે.
૧૭૯૯ શેખે (તેની ઘરવાળીને ) કહ્યું, ઓ માનવંતી, એમ ધારી ન લેતી કે મારામાં દયા અને હેત અને માયાળુ દીલ નથી.
૧૮૦૨ હું કરડતા કુતરાઓ માટે પણ દુઃઆ કરતો હોઉં છું, રડીને માંગુ છું, ‘ઓ ખુદા, આ હલકી હાલતમાંથી તેઓને મુક્ત કર.'
૧૮૦૩ (માગું છું) આ કુતરાઓને પણ પેલા (સારા) વિચારમાં (આચારમાં) રાખ કે જેથી લોકો તેને પત્થર મારે નહિ.
૧૮૧૪ તેણી (શેખની સ્ત્રીએ) કહ્યું, “પછી જ્યારે કે તમને દરેકના પર દયા છે, અને આ ટોળાની આજુબાજુ (ચોકી કરતા) ભરવાડ માફક છો ત્યારે.
૧૮૧૫ તમારા પોતાના પુત્રો માટે કેમ કલ્પાંત કરતા નથી ? જ્યારે કે મૃત્યુ લોહી પીનારા નસ્તરથી તેમના ટુકડા કરે છે?
૧૮૧૬ જ્યારે કે દયા હોવાનો પુરાવો આંખમાંના આંસુઓ છે, ત્યારે તમારી આંખો ભીની કે આંસુ વગરની કેમ છે?”
૧૮૧૭ તે તેની ઘરવાળી તરફ ફર્યો અને કહ્યું, “ઓ વૃદ્ધા, ખરેખર ડિસેમ્બરની ઋતુ જુલાઈ જેવી હોતી નથી.
૧૮૧૯ જ્યારે હું તેઓને મારી આગળ સ્પષ્ટ જોઉં છું, ત્યારે તું જેમ કરે છે તેમ મારો ચહેરો શા માટે પીંખું ?
૧૮૨૧ જુદાં પડતાં કે વિદાય અંગે રૂદન ઉદભવે છે. (પરંતુ) હું મારાં વહાલાંઓથી મળેલો છું અને તેમને આલીંગન કરૂં છું.
૧૮૨૪ ઓ વાંચનાર, ઇંદ્રિયની સમજ બુદ્ધિમાં કેદ છે, (અને) તે પણ જાણી લે કે બુદ્ધિ આત્માની કેદી છે.
૧૮૨૫ આત્મા બુદ્ધિનો બાંધેલો હાથ ખુલ્લો કરે છે, અને તેને મુંઝવતી હકીકતોને આરામદાયક બનાવે છે.
૧૮૨૬ (શારીરિક) ઇંદ્રિઓ અને (સમજણના) વિચારો એ ચોક્ખા પાણીની ઉપર તરતા, પાણીની સપાટી ઉપર ઘેરાવો લેતા બરૂઓની માફક છે.
૧૮૨૭ અક્કલવંતનો હાથ પેલાં બરૂઓને એક બાજુ હાંકી કાઢે છે, (પછી) બુદ્ધિ કે પાણી છતું થાય છે.
૧૮૨૮ પાણી ઉપર બરૂઓ બહુ પહોળાઈમાં પડેલાં છે, જાણે કે પરપોટાઓ, (છતાં) જ્યારે બરૂઓ એક બાજુએ ચાલ્યાં ગયાં, પાણી પ્રકાશમાં આવ્યું.
૧૮૨૯ જ્યાં સુધી કે ખુદા બુદ્ધિવંતનો હાથ ઢીલો ન કરે. ત્યાં સુધી આપણા પાણી ઉપર ઈચ્છાઓના બરૂઓ વધતાં જાય છે.
૧૮૩૦ તેઓ હરેક પળે પાણીને (વધુને વધુ) સંતાડે છે, પેલી ઇચ્છા હસતી હોય છે. અને તારી બુદ્ધિ રડતી હોય છે,
૧૮૩૧ (પણ) જ્યારે ભક્તિભાવ તારી ઉમેદોના હાથોને જકડી રાખે છે, ત્યારે ખુદા બુદ્ધિના હાથોને ઢીલા કરે છે.
૧૮૩૨ તેથી જ્યારે બુદ્ધિ તારો માલિક અને રસ્તો બતાવનાર બને છે, ત્યારે શક્તિશાળી ઇંદ્રિઓ તારી તાબેદાર બને છે.
૧૮૩૩ તે નિંદ્રા વગર પણ પોતાની સમજણોથી સુઈ જાય છે, કે જેથી તે અદીઠ વસ્તુઓને આત્મામાંથી પેદા થતી જુએ.
૧૮૩૪ તે તેની જાગૃત અવસ્થામાં પણ સ્વપ્નાઓ જુએ છે, અને સ્વર્ગના દરવાજા પોતાની અંદર ઉઘાડે છે.
કુરાન વાંચતા ચક્ષુહીન માણસની વાર્તા, જ્યારે તે વાંચે ત્યારે તેની આંખને ફરીને દ્રષ્ટિ મળી જવા વિષે.
૧૮૩૫ એક વાર એક દરવેશ શેખે એક બુઢા આંધળાના ઘરમાં કુરાને મજીદ જોયું.
૧૮૩૬ તે તામુઝ (મહિનામાં) તેનો મહેમાન બન્યો, તે બન્ને દરવેશો ઘણા દિવસો સુધી સાથે રહ્યા હતા.
૧૮૩૭ તેણે (પોતાના મનમાં) કહ્યું, 'અરે આ કિતાબ !(અહીં શા માટે છે? જ્યારે કે સત્યપ્રિય દરવેશ ચક્ષુહીન છે).
૧૮૩૮ (જ્યારે તે) આ પ્રતિછાયામાં (મુંઝાએલો હતો) તેની ઉત્કંઠા વધવા પામી. (તેણે મનમાં કહ્યું) તેના સિવાય બીજું કોઈ અહીં રહેતું નથી.
૧૮૩૯ તે એકલો જ છે (છતાં) તેણે (દિવાલ પર) કિતાબ ટીંગાડી છે. (મારી બુદ્ધિમત્તામાં) હું ભુલ થવા દઉં કે માનવતાથી ન વર્તું તેવો તો નથી જ.
૧૮૪૦ (તેને કારણ) કહેવા સવાલ કરું? નહિ, નહિ, હું ધીરજ ધરીશ, એટલા માટે કે મારૂં ધારેલું, ધીરજ થકી મેળવી શકીશ.
૧૮૪૧ તેણે ધીરજ બતાવી, અને થોડા વખત માટે ગુંચવાડામાં રહ્યો, આખરે (ગુપ્ત) જાહેર થયું, કારણ કે ધીરજ ખુશીની ચાવી છે.
હ. દાઉદ (અ. સ.)ને (લોઢાની) કડીઓ બનાવતા જોઇ હ. લુકમાનનું તેનું કારણ જાણવા સવાલો કરવામાંથી મુક્ત રહેવું, કે જેથી પોતાના દીલ ઉપરનો તેવો કાબુ આરામનું કારણ બને, તે વિષે.
૧૮૪૨ પવિત્ર દીલના હ. લુકમાન હ. દાઉદ (અ.સ.) પાસે ગયા. તેમણે જોયું કે તેઓ લોઢાની કડીઓ બનાવતા હતા.
૧૮૪૩ (અને) પેલા માનવંતા બાદશાહ બધી લોખંડની કડીઓને એક બીજીમાં ભેળવતા હતા.
૧૮૪૪ તેમણે (હ. લુકમાને) હથીઆર બનાવવાની આ કળા (અગાઉ કદી) જોઈ ન હતી (તેથી) તેઓની આતુરતા વધવા પામી.
૧૮૪૫. આ શું બનશે? હું તેને એક બીજાની અંદર આ કડીઓ ભેળવતી બનાવવાનું કારણ પૂછીશ.
૧૮૪૬ ફરીવાર તેમણે પોતાના મનમાં કહ્યું, “ધીરજ વધુ ઉત્તમ છે. એકને તરસ છીપાવવાનો સૌથી ઉત્તમ ભોમીયો ધીરજ છે.
૧૮૪૭ જ્યારે તમે એક પણ સવાલ નહિ પુછો, ત્યારે (પેલી ગુપ્ત હકીકત) વધુ જલ્દીથી બહાર આવશે, પક્ષી, ધીરજ, બધા પક્ષીઓથી વધુ ઝડપે ઉડનાર છે.
૧૮૪૮ અને જો તમે પૂછશો તો તમારી ધારણા વધુ મોડી મેળવશો, જે સહેલું હતું તે તમારી ઉતાવળથી વધુ મુશ્કેલ બન્યું.
૧૮૪૯ જ્યારે હ. લુકમાન ચુપ રહ્યા. હ. દાઉદ (અ. સ.) ની પેલી કાર્યવાહી પૂર્ણ થઈ.
૧૮૫૦ તે અમીર અને ધીરજવાન હ. લુકમાનની હાજરીમાં તેઓએ પોતાના દરજ્જાનો પોષાક પહેર્યો.
૧૮૫૧ તેમણે કહ્યું, “ઓ યુવાન, આ એકલું જ પહેરવાનું ઉત્તમ વસ્ત્ર છે. લડાઈના રણમેદાનમાં ઘા ઝીલવા માટે (ઉત્તમ) છે."
૧૮૫ર હ. લુકમાને કહ્યું, “ધીરજ પણ એક સારૂં સુચન છે, કારણ કે તે દરેક જગ્યાએ સલામતી અને મુશ્કિલી વખતે સારો બચાવ છે.
૧૮૫૩ તેણે (ખુદાએ) સબરને હક સાથે મિલાવી છે, ઓ વાંચનાર, (સુર ) વલ અશ્ર ધ્યાન પૂર્વક વાંચજે.
૧૮૫૪ ખુદાએ લાખો ‘અર્ક' પેદા કર્યા છે (પણ) ધીરજ જેવો બીજો કોઈ અર્ક માણસે જોયો નથી.
ચક્ષુહિન અને તેના કુરાન વાંચનની બાકી રહેલી વાર્તા.
૧૮૫૫ મહેમાને ધીરજ બતાવી. અને ગુંચવણ ભરેલી હકીકતનો ઓચિંતો પડદો ખુલી ગયો.
૧૮૫૬ તેણે મધ્યરાત્રીએ કુરાન (વાંચવાનો) અવાજ સાંભળ્યો, તે નિદ્રામાંથી જાગૃત થયો અને અદભૂત હકીકત નીહાળી.
૧૮૫૭ કે પેલો ચક્ષુહિન કુરાને મજીદમાંથી ચોકખે ચોકખું વાંચી શકતો હતો. તે ઉતાવળો બન્યો અને પેલી બાબતનો તેની પાસે (ખુલાસો) માગ્યો.
૧૮૫૮ તે બુમ પાડી ઉઠયો, “અરે ઘણુંજ અજાયબ,” તમે દ્રષ્ટિ વગરની આંખોથી કેવી રીતે વાંચો છો ? (તમે) લીટીઓ કેવી રીતે જુઓ છો ?
૧૮૫૯ તમો જે વાંચો છો તેમાં તલ્લીન બની જાઓ છો, તમોએ પેલા શબ્દો ઉપર તમારો હાથ મુકયો છે.
૧૮૬૦ તમારી આંગળી ભાવના થકી તેની માહિતી આપે છે કે, તમે તમારી દ્રષ્ટિ શબ્દો ઉપરજ લગાડી છે.
૧૮૬૧ તેણે જવાબ આપ્યો, “ઓ તું કે જે કાયાની અજ્ઞાનતાથી છુટો થયો છે, તેથી તને ખુદાના આ અદભુત કાર્યની અસર થઈ છે.
૧૮૬૨ મેં રૂદન કરીને ખુદા પાસે માગ્યું, ઓ તું કે જેની મદદ માંગવામાં આવે છે, મારી જિંદગીની માફક આ કિતાબ (કુરાને મજીદ) વાંચવાનો ઉત્સુક છું.
૧૮૬૩ હું તે મોઢે જાણતો નથી, (માત્ર) તકલીફ વગર વાંચતી વખતે મારી બન્ને આંખોને દ્રષ્ટિ આપ.”
૧૮૬૪ કિતાબ (કુરાને મજીદ) ખુલ્લી રીતે વાંચી શકું તે માટે વાંચતી વખતે મને આંખો પાછી આપ.
૧૮૬૫ ખુદાઈ હજુરમાંથી જવાબ આવ્યો, ઓ ખીદમતગાર ઇન્સાન, ઓ તું કે જેને બધી મુશ્કેલીઓમાં મારામાં જ આશા છે,
૧૮૬૬ (મારા વિષે) તારા ઉમદા વિચારો છે, અને તે ભલી આશા તને દરેક પળે વધુ ને વધુ ઉંચે લઈ જશે.
૧૮૬૭ તેવી જ રીતે તું જ્યારે જ્યારે (કુરાને મજીદ ) વાંચવાનો ઇરાદો કરીશ, અથવા બીજી નકલોમાંથી ઉતારીશ.
૧૮૬૮ હું તેજ પળે તારી આંખોની (દ્રષ્ટી) ફરીવાર આપીશ. ઓ સાધન સંપન્ન પુરુષ, એટલા માટે કે તું (તે) વાંચી શકે.
૧૮૬૯ તેણે તેમજ કર્યું, જ્યારે જ્યારે હું વાંચવા કિતાબ ખોલું છું. (દ્રષ્ટિ મળી જાય છે).
૧૮૭૦ તે સર્વજ્ઞ, કિર્તીવંત બાદશાહ અને પેદા કરનાર, જે પોતાના કાર્યને કદી ભુલી જનાર બનતો નથી.
યા અલી મદદ