મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી
વાર્તા - ૯
વાર્તા - ૯
એક બુઢા માણસે ડોક્ટર પાસે પોતાના દર્દોની ફરિયાદ કરવી અને ડોકટરે આપેલા જવાબ વિશે.
૩૦૮૮. એક વૃદ્ધ માણસે ડોકટરને કહ્યું, હું મારા મગજ થકી દુઃખ ભોગવું છું.
૩૦૮૯. ડોકટરે જવાબ આપ્યો કે, મગજની નબળાઈ ઉમરને અંગે છે. બુઢા માણસે કહ્યું, “મારી આંખોમાં અંધારાં આવે છે.
૩૦૯૦. ડોકટરે જવાબ આપ્યો કે ઓ વૃદ્ધ શેખ, તે ઉંમરને અંગેજ છે. તેણે કહ્યું: મારી પીઠમાં સખત પીડા થાય છે.
૩૦૯૧. ડોકટરે જવાબ આપ્યો, ઓ નબળા શેખ. તે પણ ઉંમર અંગે છે. તેણે કહ્યું, હું જે પણ ખાઉં છુ, તે પચતું નથી.
૩૦૯૨. ડોકટરે જવાબ આપ્યો કે, જઠરની નબળાઈ પણ ઉંમરનું (પરિણામ) છે. તેણે કહ્યું કે હું જ્યારે શ્વાસ લઉં છું, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ છે.
૩૦૯૩. તેણે કહ્યું, “હા એ દમ છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે, બસો દર્દો આવી પહોંચે છે.
૩૦૯૪. તેણે બૂમ પાડીને કહ્યું, “ઓ મૂર્ખ, તું આ એક જ મુદ્દામાં) ચોંટી ગયો છે, દવામાં તું માત્ર આ એક જ ચીજ શીખ્યો છે,
૩૦૯૫. ઓ તૂટેલા ભેજાવાળા, તારી બુદ્ધિએ આ જ્ઞાન આપ્યું નથી કે, ખુદાએ દરેક દર્દની રાહત નકકી કરેલ છે?
૩૦૯૬. તું, ઓ ગધેડા, શક્તિની નબળાઈ થકી જમીન ઉપર સ્થિર પગલાં રાખવામાં, તું (પડી ગયો છે).
૩૦૯૭. પછી ડોકટરે તેને કહ્યું, “ઓ વૃદ્ધ, આ ગુસ્સો અને પિત્તાશય પણ વૃદ્ધાવસ્થાને અંગે જ છે.
૩૦૯૮. જ્યારે તમારા (શરીરનાં) બધા અવયવો અને તેના કાર્યો નબળા પડયા છે. ત્યારે તમારી ધીરજ અને પોતાના પરનો કાબૂ (પણ) નબળાં થયાં છે.
૩૦૯૯. તે (બૂઢો માણસ) બે શબ્દો પણ સહન કરી શકતો નથી. તે તુર્તજ રાડ પાડી ઊઠશે. તે એક ટીપું પણ હજમ નહિ કરે, તુર્ત જ ઊલટી કરશે,
૩૧૦૦. સિવાય, ચોક્કસ પ્રાચીન પીર કે જે ખુદા સાથે નશામાં છે, અને જેના અંતરમાં “ભલાઈ ભરેલી જિંદગી (ઉતરી છે)”
૩૧૦૧. દેખીતી રીતે તે વૃદ્ધ છે, પરંતુ અંતરમાં તે યુવાન છે, ખરેખર તો તે કઈ હસ્તી છે? તે વલી અને નબી છે.
૩૧૦૭. તું જે પણ (તેના વિષે) ધારીશ પસાર થઈ જશે. જે વિચારમાં ન આવી શકે, તેવો તે (મહાન) ખુદા છે.
૩૧૦૮. તો પછી આ ઘરને દરવાજે અનુમાન કરી (શા માટે વર્તન કરે છે)? જ્યારે તેઓ જાણે છે કે, ઘરમાં કોણ છે?
૩૧૦૯. મૂર્ખ મસ્જિદને માન આપે છે, અને દિલ (કે જેમાં ખુદા વસે છે) તેનો નાશ કરવાની કોશિશ કરે છે.
૩૧૧૦. તે (મસ્જિદ) નોંધવા યોગ્ય છે, આ (દિલ) ખરી (વસ્તુ) છે, ઓ ગધેડાઓ, (રૂહાની) રાહનુમાના દિલ સિવાય (ખરી) મસ્જિદ બીજી કોઈ નથી.
૩૧૧૧. ઔલિયાઓનું અંતર મન એજ મસ્જિદ છે, કે જે બધાને સિજદા કરવાની (જગ્યા) છે. ખુદા ત્યાં છે.
૩૧૧૩. તેઓ પયગમ્બરો સાથે લડાઈ કરવા જતા હતા. તેઓએ (માત્ર) શરીર જોયું, તેઓ એમ ધારી બેઠા કે તે (પણ) એક માણસ છે.
૩૧૧૪. તારામાં પેલા અસલના લોકોનો સ્વભાવ અને સાર છે, તું કેમ બીતો નથી કે રખેને તું પણ (તેઓના જેવો) બને?
૩૧૧૫. જે આ બધી નિશાનીઓ તારામાં છે, અને તું પણ તેઓમાંનો (એક) છે, તો પછી તું કેવી રીતે બચવાનો?
જુહી અને, પેલું બાળક જે પોતાના બાપના જનાજા પાસે આકંદ કરતું હતું, તેની વાત.
૩૧૧૬. એક છોકરો ખૂબજ આક્રંદ કરતો હતો. અને તેના બાપના જનાજાની પાસે તેના માથામાં મારતો હતો.
૩૧૧૭. કહેતો કે બાપ! થોડી માટીની અંદર સખત રીતે પૂરી દેવા શા માટે તેઓ તમોને લઈ જાય છે ?
૩૧૧૮. તેઓ તમોને સાંકડા અને શાંત ઘરમાં લઈ જાય છે. તેમાં ચાદર નથી, તેમાં સાદડી નથી.
૩૧૧૯. રાત્રીના બત્તી નથી અને દિવસે ખાવાનું નથી. ત્યાં ખોરાકની વાસ કે નિશાની નથી.
૩૧૨૦. સારો સમારેલો દરવાજો નથી. છાપરાનો રસ્તો નથી. તમારી સંભાળ લેનાર કોઈ પાડોસી નથી.
૩૧૨૧. તમારું શરીર લોકોના ચુંબન કરવાની જગ્યા હતી. તેવું શરીર બંધિયાર અને અંધકારમય જગ્યાએ કેમ જશે?
૨૧૨૨. દયા વગરનું ઘર, સાંકડો ઓરડો, જ્યાં તમારો ચહેરો કે તમારો રંગ બાકી રહેશે નહિ.
૩૧૨૩. આ રીતે તે ઘરના ગુણો ગણાવતો હતો. જ્યારે તેની બન્ને આંખોમાંથી લોહીના આંસુ વહેતાં હતાં.
૩૧૨૪. જુહીએ તેના બાપને કહ્યું, “ઓ માનવંતા, (સાહેબ) ખુદાના કસમ, તેઓ આ (મૈયતને) આપણા ઘરે લઈ જતા લાગે છે.”
૩૧૨૫. બાપે જુહીને કહ્યું, મૂર્ખ ન થા. તેણે કહ્યું, ઓ બાપ! (ઓળખવાની) નિશાનીઓ સાંભળો.
૩૧૨૬. તેણે જે નિશાનીઓ એક પછી એક વર્ણવી, આપણા ઘરમાં અચોક્કસતા કે શક વગર, બધીજ (નિશાની) છે.
૩૧૨૭. (તેમાં) નથી સાદડી, નથી બત્તી કે ખાવાનું, તેના દરવાજા સારી રીતે સમારેલા નથી. તેની દીવાલો કે છાપરું (પણ નથી.)
૩૧૨૮. આવી ડહાપણની રીતે બિન આજ્ઞાધારક ને તેનામાં સો નિશાનીઓ હોય છે, પણ તેઓ તેમને કેવી રીતે જોશે?
૩૨૨૯. ઘર, નામની રીતે દિલ કે જે (ખુદાઈ) બાદશાહ સૂર્યના કિરણોથી પ્રકાશ હીન રહે છે.
૩૧૩૦. યહૂદીઓના આત્માની માફક સાંકડા અને અંધારા, હેતાળ બાદશાહના (રૂહાની) સ્વાદ વગરનું કંગાળ.
૩૧૩૧. તેના દિલમાં સૂર્યના પ્રકાશિત કિરણો ચમક્યાં નથી, નથી (તેના દિલના) દરવાજા ખુલ્યા કે પવિત્રતા (તેમાં દાખલ થઈ).
૩૧૩૨. આવા દિલ કરતાં તો કબર તારા માટે વધુ ઉત્તમ છે, હમણાં ઊઠ, તારા દિલની કબરમાંથી જાગૃત થા.
૩૧૩૩. તું હયાત છો, અને હયાતથી જન્મ્યો છે, ઓ આનંદી અને મોહક, આ સાંકડી કબરથી તું ગૂંગળાયો નથી?
૩૧૩૯. જેણે જેણે ખુદાને જોયો છે, તે ખુદાનો છે, જેણે જેણે પેલી મચ્છીને જોઈ છે, તે તેની મચ્છી છે.
૩૧૪૦. આ દુનિયા એક દરિયો છે, અને કાયા તે મચ્છી છે, અને આત્મા તે યુનુસ છે, જે સવારના પ્રકાશથી અટકાયેલો છે.
૩૧૪૧. જો તે (ખુદાની) કીર્તિ ગાતો બને તો, તેને મચ્છીમાંથી છૂટકારો મળે, નહિતર તે તેમાં તેનો ખોરાક બને (અને તેનો નાશ થાય).
૩૧૪૬. (ધીરજ) જેવી બીજી કોઈ મોટી કીર્તિ નથી, ધીરજ રાખ, (દર્દમાંથી) છૂટવાનો રસ્તો ધીરજ છે.
૩૧૪૭. ધીરજ એ 'સરાત'ના પુલ જેવી છે, સામી બાજુએ બહેસ્ત.
૩૧૪૯. ધીરજની બક્ષિશ વિષે તું શું ભણીશ? આ તું બરડ દિલવાળા, ખાસ કરીને “ ચીગીલ” ની ખૂબસૂરતી માટેની ધીરજ.
૩૧૫૦. મર્દમાં લડાઈની કીર્તિ અને (ઈસ્લામ માટે) ચડાઈમાં ઉત્સાહ હોય છે, નામર્દને તો કાયાના જ વિચારો હોય છે.
રણનો અરબ અને ગુણીમાં રેતી ભરવા પર ફિલસુફના ઠપકા પરની વાત.
૩૧૭૬. રણના એક અરબે ઊંટ ઉપર, બે મોટા કોથળા લાદેલા, (જેમાંનો ) એક દાણાથી ભરેલો (હતો).
૩૧૭૭. તે બન્ને કોથળાના મથાળે બેઠો હતો, એક વાચાળ તત્વવેત્તાએ તેને સવાલ કર્યો.
૩૧૭૮. તેણે તેના અસલ વતન માટે પૂછયું, અને વાતોમાં વળગાડ્યો, અને તેની તપાસની વાતચીતમાં ઘણી સારી ચીજો કહી,
૩૧૭૯. ત્યારબાદ તેણે તેને કહ્યું, “પેલા બન્ને કોથળા શેના ભરેલા છે? સત્ય હકીકત કહો.”
૩૧૮૦. તેણે જવાબ આપ્યો, “મારા એક કોથળામાં ઘઉં છે, અને બીજામાં રેતી છે, (જે) માણસોનો ખોરાક નથી.”
૩૧૮૧. તેણે પૂછયું, “તમે આ રેતી શા માટે લાદી છે?” તેણે જવાબ આપ્યો, “એટલા માટે કે બીજો કોથળો એકલો ન રહે.” (સમતોલપણુ જળવાઈ રહે).
૩૧૮૨. તેણે કહ્યું, “ડહાપણની ખાતર, અર્ધા ઘઉંની ટોપલી બીજામાં રેડી દે.
૩૧૮૩. જેથી કોથળાઓ (વજનમાં) હલકા થશે અને ઊંટ (ઉપરનો ભાર) પણ, તે (અરબ) બૂમ પાડી કહે, શાબાશ ! ઓ હોંશિયાર અને ઉમદા દરવેશ!”
૩૧૮૪. આવો સારો વિચાર અને આવી સારી હૈયા ઉકલત! અને (છતાં) તમે આવા નગ્ન, થાકેલા, પગેથી (મુસાફરી કરો છો).
૩૧૮૫. પેલા ભલા માણસને આ તત્વવેતા પર દયા આવી અને તેને ઊંટ ઉપર બેસાડવાનો નિશ્ચય કર્યો.
૩૧૮૬. તેણે તેને ફરીવાર પૂછ્યું, “ઓ સુંદર વાણીના સંત, તારા પોતાના સંજોગો વિષે થોડી માહિતી આપ.
૩૧૮૭. આવું જ્ઞાન અને સમજશક્તિ કે જે તું ધરાવે છે, (તો પછી) તું વજીર છે કે રાજા ! સત્ય કહે.”
૩૧૮૮. તેણે જવાબ આપ્યો, “હું આ બન્ને માંહેનો એક પણ નથી, હું સામાન્ય લોક માંહેનો છું. મારા દેખાવ અને કપડાં તરફ જુઓ.”
૩૧૮૯. તેણે પૂછયું, “તમારી પાસે કેટલા ઊંટ છે? કેટલા બળદો છે?” તેણે જવાબ આપ્યો, મારી પાસે આ કે પેલા કંઈજ નથી. મને ઊંડો ન ઊતારો.”
૩૧૯૦. તેણે કહ્યું, કોઈ પણ હિસાબે, (કહો) તમારી દુકાનમાં કેટલો માલ છે? તેણે જવાબ આપ્યો, “મારી પાસે દુકાન ક્યાં છે? (અરે) મારી પાસે રહેવાનું પણ ક્યાં છે?”
૩૧૯૧. તેણે કહ્યું, “તો પછી હું પૈસા વિષે પૂછીશ (તારી પાસે) કેટલાં પૈસાં છે? કારણકે તમે એકાકી ફરનાર છો, કે જેની સલાહ વખણાય છે!”
૩૧૯૨. તમારી પાસે એક છે, કે જે દુનિયાના જસતને સોનામાં ફેરવે છે. તમારી સમજણ અને જ્ઞાન મોતીઓના ઘર છે.
૩૧૯૩. તેણે જવાબ આપ્યો, “ખુદાના કસમ, એ અરબના રાજા, મારી તમામ મિલ્કતમાં રાત્રીનો ખોરાક (ખરીદવાની ) શકિત (પણ) નથી.
૩૧૯૪. હું ખુલ્લા પગે અને નગ્ન શરીરે દોડું છું, જ્યાં મને કોઈ એક રોટલો આપે છે, ત્યાં હું જાઉં છું.
૩૧૯૫. આ ડહાપણ અને વિદ્યા અને ઉત્તમ (મગજ) થી કલ્પના અને માથાના દુખાવા સિવાય બીજુ કાંઈ મળતું નથી,
૩૧૯૬. પછી પેલા અરબે તેને કહ્યું, “મારી બાજુએથી દૂર હટ, કે જેથી તારું કમનશીબ મારા ઉપર ન રેડાય.
૩૧૯૭. તારું કમનશીબ ડહાપણ મારાથી દૂર લઈજા. આ જમાનામા (બધા) લોકો માટે, તારી વાણી (પણ) કમનશીબ છે.
૩૧૯૮. કાં તો તું પેલી દિશાએ જા, અને હું આ દિશાએ દોડું, અથવા જો તારો રસ્તો આગળ હોય, તો હું પાછળ જઈશ.
૩૧૯૯. એક કોથળો ઘઉં અને બીજો રેતીનો આ નકામી યુક્તિઓ, મારા માટે વધુ સારી છે.
૩૨૦૦. મારી મૂર્ખાઈ એ ઘણીજ આશિર્વાદિત મૂર્ખાઈ છે, કારણ કે મારું દિલ (રૂહાની દયાથી) સુંદરતમ્ સજાવટ કરેલું છે, અને મારો આત્મા ધાર્મિક વૃત્તિનો છે.
૩૨૦૧. જો તારી ઈચ્છા છે કે, કંગાલિયત (તારામાંથી ) અદૃષ્ય થાય, તો ડહાપણ માટે સખત કોશિશ કર, કે (કંગાલીયત) તારામાંથી નાબૂદ થાય.
૩૨૦૨. ડહાપણજે (માનવ) સ્વભાવ અને કલ્પનામાંથી જન્મે છે, તે શાણપણ જેમાં (ખુદા)ના પ્રકાશની છલકાતી કૃપાનો અભાવ છે.
૩૨૦૩. આ દુનિયાનું ડહાપણ ધારણા અને શકનો વધારો કરે છે, મઝહબનું ડહાપણ આકાશમાં ઉપર લઈ જાય છે.
૩૨૦૪. આ પાછલા જમાનાના બુદ્ધિયુક્ત ઠગોએ, પોતાને જૂના (લોકો)થી (પોતાને) ઉપર ચડાવ્યા છે (વધુ ડાહ્યા સમજે છે).
૩૨૦૫. લુચ્ચાઈ શીખવાવાળાઓએ તેઓનાં દિલ બાળ્યા છે. અને યુક્તિઓ અને ઢોંગ શીખ્યા છે.
૩૨૦૬. તેઓએ ધીરજ અને પરોપકાર, કુરબાની અને ઉદારતાના (ગુણો), કે જે (આત્મિક) નફાનું સત્ય છે, તે પવનમાં ફગાવી દીધા છે.
૩૨૦૭. (ખરો) વિચાર તો એ છે કે (રૂહાની) રસ્તો ખુલ્લો કરે છે, (ખરો) રસ્તો એ છે કે, જેના ઉપર (રૂહાની) રાજા આગળ વધે છે,
૩૨૦૮. (ખરો) બાદશાહ તે જ છે કે જે પોતામાં બાદશાહ છે, અને ખજાના કે લશ્કર અંગે બાદશાહ બનેલો નથી.
૩૨૦૯. કે જેથી તેનું રાજા પણું અનંતકાળ ટકી રહે છે, જેવી રીતે ઈસ્લામ દીનની કીર્તિ" માફક (ટકી રહેનાર છે).
શેખ ઈબ્રાહીમ બીન અદમનો દરિયા કિનારાનો મોજીજો.
૩૨૧૦. અદમના પુત્ર ઈબ્રાહીમ વિષે આમ કહેવાયું છે કે, લાંબી મુસાફરી કર્યાં બાદ, દરિયાના કિનારે (આરામ) કરવા બેઠા.
૩૨૧૧. (જ્યારે) તેઓ પોતાના સૂફીના ઝબ્બાને ટાંકા લઈ રહ્યા હતા. એક અમીર તેજ કિનારા પર ચાલતાં ઓચિંતો તે જગ્યા ૫ર આવ્યો,
૩૨૧૨. પેલો અમીર શેખના નોકરમાંનો એક હતો, તે શેખને ઓળખી ગયો અને નમન કર્યું.
૩૨૧૩. તે શેખને અને તેના દરવેશી ઝબ્બાને (જોઈને) નવાઈ પામ્યો હતો. કારણ કે તેની સ્થિતિ અને બહારનો દેખાવ બદલાઈ ગયો હતો.
૩૨૧૪. (અજાયબી છે) કે તેણે આવી મોટી બાદશાહત છોડી દીધી, અને પેલી તદ્દન (રૂહાનીયત) ગરીબી પસંદ કરી,
૩૨૧૫. (અને શા માટે) તેણે સાત મુલ્કોની બાદશાહી જતી કરી અને દરવેશી ઝબ્બાને ભિખારીની માફક સાંધે છે.
૩૨૧૬. શેખ તેના વિચારથી માહિતગાર બન્યો, રૂહાની પેશ્વા સિંહની માફક છે, અને (લોકોના) દિલ તેનું શિકાર કરવાંનું ઠેકાણું છે.
૩૨૧૭. તે (તેઓના દિલમાં આશા અને બીકની માફક દાખલ થાય છે, દુનિયાની ગુપ્ત હકીકતો તેનાથી અજાણ નથી.
૩૨૧૮. ઓ ફળ વગરનાઓ, દિલવાળા માણસોના બાદશાહની હજૂરમાં, તમારા દિલ પર ચોકી કરો.
૩૨૨૫ શેખ પોતાની સોય જલ્દીથી દરિયામાં ફેકી અને ઘેરા અવાજે સોયને બોલાવી.
૩૨૨૬. લાખો ખુદાઈ મચ્છીઓ, દરેક મચ્છીઓના મોંમાં સોનાની સોય.
૩૨૨૭. ખુદાઈ દરિયામાંથી પોતાના માથા ઉંચક્યાં, કહે, “ઓ શેખ, ખુદાની સોયો લ્યો.”
૩૨૨૮. તેણે પોતાનો ચહેરો તેના (અમીર) તરફ ફેરવ્યો, અને તેને કહ્યું, “ઓ અમીર, દિલની (રૂહાની) બાદશાહી કે (દુનિયાની) ગંદી બાદશાહી, બન્નેમાં કઈ વધુ ઉત્તમ છે?
૩૨૨૯. આ (મોજીજો) એ જાહેરી નિશાની છે, આ (તો) કંઈજ નથી. અંતરની (દરગાહમાં) ઉતર, ત્યાં સુધી વાટ જો (અને) પછી જો (ત્યાં શું છે?).
૩૨૩૦. તેઓએ બગીચામાંથી માત્ર એક ડાળીજ (માત્ર) શહેરમાં લાવ્યા છે. તેઓ (આખો) બગીચો અને ફળવાડી અહીં કેમ ઉપાડી લાવે?
૩૨૩૧. ખાસ કરીને (આ) બગીચાને જોતાં, આ માત્ર એક પાંદડું છે, તે માત્ર છીલટું છે, અને આ બીજી (દુનિયા) સત્વ છે,
૩૨૩૨. જો તમે પેલા બગીચા તરફ ઝડપી પગલાં ભરતા નથી, વધારે સુવાસ શોધતા નથી.
૩૨૩૩. એટલા માટે કે તે સુવાસ તારા આત્માને (નજીક) ખેંચે. એટલા માટે કે તે સુવાસ તારી આંખોનો પ્રકાશ બને.
૩૨૩૪. હજરત પયગમ્બર સાહેબે કહ્યું છે કે, હજરત યાકુબના પુત્ર, હજરત યુસુફે તે સુવાસની ખાતર કહ્યું “મારું પહેરણ મારા પિતાના ચહેરા પર મૂકો.”
૩૨૩૫. આ સુવાસની ખાતર, હજરત મુહમ્મદ તેમના ઉપદેશમાં ચાલુ કહેતા “રોજિંદી બંદગી મારી આંખોની ખુશી છે.”