Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૧૦

વાર્તા - ૧૦

0:000:00

ખુદા તેના પાપની સજા ન કરે અને હ. સુયાબનો તેને જવાબ, ઊંટની દોરી પકડી ઉંદરે તેને દોરવવું

૩૨૮૪. ખુદાએ છછુંદરમાં આંખો મૂકી નથી, કારણ કે ખોરાક મેળવવામાં તેને તેની જરૂર નથી.

૩૨૮૫. આંખો અને દૃષ્ટિ વગર જીવી શકાય છે, અંધારી દુનિયામાં આંખોથી તે સ્વતંત્ર છે.

૩૨૮૬. તે માત્ર ચોરી કરવા આવવા સિવાય જમીનમાંથી બહાર આવતી નથી. આખરે પેદા કરનાર તેને ચોરી કરવામાંથી શુદ્ધ રાખે. (પવિત્ર રાખે).

૩૨૮૭. તેના (પવિત્ર થયા ) બાદ તે પાંખો મેળવશે અને પંખી બનશે, ઊંચે ઊડતું અને ખુદાની કીર્તિ ગાતું.

૩૨૮૮. દરેક પળે ગુલાબ બગીચામાં ખુદાનો આભાર માને છે. તે બુલબુલની માફક સો (મીઠા) અવાજ પેદા કરશે.

૩૨૮૯. ઓ તું કે જેણે મને ખરાબ હાલતમાંથી મુક્તિ આપી છે. આ તું કે જે દોઝખને બહેસ્ત બનાવે છે.

૩૨૯૨. શબ્દ એક માળાની માફક છે, અને તેનો અર્થ એ પંખી છે. શરીર એ નદીનો પટ છે, આત્મા વહેતું પાણી.

એક માણસનું વ્યક્તિગત સંભાષણ કે મહાન ખુદા તેના પાપની સજા ન કરે અને હ. સુયાબનો તેને જવાબ દેવો.

૩૩૬૪. હ. સુહેબના વખતમાં અમુક માણસ આમ કહેતો હતો. “ખુદાએ મારામાં ઘણી ભૂલો જોઈ છે.”

૩૩૬૫. કેટલાં બધાં પાપો અને અપરાધ કરતાં મને તેણે જોયો છે, અને (છતાં) ખુદા તેના માયાળુપણા અંગે મને સજા કરતો નથી.

૩૩૬૬. તેના જવાબમાં સુહેબના કાનમાં ચોકખી રીતે, ગૂઢાર્થમાં ખુદાએ કહ્યું.

૩૩૬૭. કહે છે (તેને કહો), તેં કહ્યું છે, મેં કેટલાં પાપો આચર્યાં અને (છતાં) ખુદાએ તેના માયાળુપણા અંગે મારા ગુનાહોની સજા કરી નથી.

૩૩૬૮. ઓ મૂર્ખ, તું તેનાથી ઊલટું અને ઊંધું જ કહે છે, ઓ તું કે જે રસ્તો ત્યજીને, જંગલનો રસ્તો અખત્યાર કર્યો છે.

૩૩૬૯. કેટલી બધી વાર, કેટલી બધી વાર મેં તારો પીછો પકડયો છે. અને તું તેથી અજાણ છો! તું પગથી માથા સુધી સાંકળમાં બંધાએલો પડ્યો છે.

૩૩૭૦. એ કાળા ઘડા, તારી ધૂળ ઉપરની ધૂળે, તારા દિલના ચહેરાને બગાડયો છે.

૩૩૭૧. માટી મૂકનારે તારા દિલનો કબજો લીધો છે, કે જેથી (રૂહાની) ગૂઢાર્થો સમજવા આંધળુ બન્યું છે.

૩૩૮૮. જયારે સુહેબે આ ઊંડા વચનો કહ્યાં, તે રૂહના શ્વાસ થકી, તેના દિલમાં ગુલાબો ખીલી ઊઠયા.

૩૩૮૯. તેના આત્માએ આકાશમાંથી દિવ્ય સંદેશો સાંભળ્યો, તેણે કહ્યું, “જો તેમણે મને સજા કરી છે તો તેની નિશાની ક્યાં છે?”

૩૩૯૦. તેણે (શુયાબે) બૂમ પાડી, “ઓ માલિક તે મને નકારે છે, તે પેલી સજાની નિશાનીઓ શોધે છે.”

૩૩૯૧. તેણે (ખુદાએ) કહ્યું, “હું (પાપનો) ઢાંકપિછોડો કરનાર છું. હું તેની ગુપ્ત વાતો કહીશ નહિ. માત્ર એક જ તેના પ્રયત્ન ખાતર એંધાણી (હું આપીશ).

૩૩૯૨. મારી સજાની એક નિશાની આ છે, (તેના જમા ખાતામાં) રોજાના પવિત્ર કાર્યો અને બંદગી છે.

૩૩૯૩. અને રોજિંદી પ્રાર્થનાઓ અને સખાવત છે. પણ રૂહાની બક્ષિશનું એક અણુ પણ તેને મળ્યું નથી.

૩૩૯૪. તે ભક્તિનાં મહાન કામ અને કાર્યો બજાવે છે. પણ રૂહાની લિજજતનું એક ટીપું પણ તેને મળ્યું નથી.

૩૩૯૫. તેના ભક્તિનાં કાર્યો (રૂપ)માં સારાં છે, પણ આત્મા સારો નથી. અખરોટ ઘણા છે. પણ તેમાં સત્વ નથી.

૩૩૯૬. રૂહાની બક્ષિસની જરૂર છે, એટલા માટે કે ભક્તિનાં કાર્યો ફળ આપતાં થાય, છોતરાંની જરૂરત છે કે જેથી ગર્ભ ઝાડ ઉત્પન્ન કરે.

૩૩૯૭. છીલટા વગરનું કરમદું કેવી રીતે નાનો છોડ બને? આત્મા વગરનું રૂપ એ કલ્પના સિવાય કાંઈ નથી.

ઉંદરનું ઊંટના નાકની દોરી ખેંચવી અને મગરૂર બનવા વિશે

૩૪૩૬. એક નાના ઉંદરે પોતાના આગલા પગમાં, ઊંટને દોરવાના દોરડાને પકડયું, અને સ્પર્ધામાં (તેની સાથે) રવાના થયો.

૩૪૩૭. જે તૈયારી સાથે ઊંટ તેની સાથે ચાલી નીકળ્યો તેના કારણે, ઉંદર પોતાને બહાદુર ધારીને ઠગાતો હતો.

૩૪૩૮. તેના વિચારના કિરણો ઊંટને અથડાયાં, તે (ઊંટે મનમાં) કહ્યું, હું તને બતાવીશ, (હમણા તો) આનંદ કર.

૩૪૩૯. (બધું સારું થયું) ત્યાં સુધી કે (ઉંદર) એક મોટી નદીના કિનારે આવ્યો, કે તેમાં કોઈ સિંહ કે વરૂ (પણ) અશક્ત બનત.

૩૪૪૦. ઉંદર ત્યાં અટક્યો અને સૂકો બન્યો, ઊંટે કહ્યું, “ઓ મારા સાથી, ટેકરી અને મેદાનમાં,

૩૪૪૧. આમ તું કેમ થોભી ગયો? તમો શા માટે નિરાશ થયા છો? માણસની માફક આગળ વધો, નદીમાં કુદી પડો.

૩૪૪૨. તમો મને દોરવનાર અને આગેવાન બન્યા છો; અર્ધે રસ્તે ઊભા ન રહો અને લકવા થયેલા ન બનો.

૩૪૪૩. તે (ઉંદરે) કહ્યું, “આ મોટી અને ઊંડી નદી છે, ઓ દોસ્ત, મને ડૂબી જવાનો ભય છે.”

૩૪૪૪. ઊંટે કહ્યું, “મને પાણીની ઊંડાઈ માપવા દે, અને તેણે તુર્તજ પોતાનો પગ તેમાં મૂક્યો.

૩૪૪૫. તેણે કહ્યું, “પાણીતો માત્ર ઘૂંટણ સુધી છે, એ આંધળા ઉંદર, શા માટે તું નિરાશ થયો છે, અને તેં તારું મગજ ગુમાવ્યું છે?”

૩૪૪૬. તે (ઉંદરે) જવાબ આપ્યો, “તે તને કીડી (જેવું) લાગે છે, પણ મારા માટે અજગર છે. કારણ કે એકના ઘૂંટણ અને બીજાના (ઘૂંટણ) વચ્ચે તફાવત છે.

૩૪૪૭. ઓ અત્યુત્તમ, જો કે તે માત્ર તારી ઘૂંટણ સુધી છે, તો પણ મારા માથાના મુગટથી સો ગણો ઊંચો છે.”

૩૪૪૮. તે (ઊંટે) કહ્યું, “બીજી વાર આવા અહંકારથી ન વર્તતો, રખેને આ તણખા તારા શરીર અને રૂહને કચરી નાખે.”

૩૪૪૯. તારા જેવા ઉંદર સાથે હરીફાઈ કર, ઉંદરને ઊંટની સાથે કાંઈ કહેવાનું નથી (સંબંધ નથી).

૩૪૫૦. તેણે (ઉંદરે) કહ્યું, “હું પશ્ચાતાપ કરું છું, ખુદાની ખાતર આ ભયંકર પાણીની પેલી પાર લઈજા.”

૩૪૫૧. ઉંટને દયા આવી, તેણે કહ્યું, “સાંભળ, કુદકો માર અને મારી પીઠ પર બેસીજા.

૩૪૫૨. આ રસ્તો મારા માટે ખાત્રીપૂર્વક સહીસલામત છે. હું આવી લાખો (નદીઓથી) પસાર થાઉં છુ.”

૩૪૫૩. જો તું પયગમ્બર નથી. તો (પયગમ્બરો એ બતાવેલા) રસ્તા પર ચાલ, કે જેથી એક દિવસે ખાડામાંથી (રૂહાનિયત) જગ્યા અને શક્તિમાં આવો.