Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૧૧

વાર્તા - ૧૧

0:000:00

ઝાડ કે જેના ફળ ખાતા મૃત્યુ ન આવે, તેની શોધખોળ વિષે,

૩૬૪૧. એક વિદ્વાન માણસે (એકવાર) વાર્તા કહેવા ખાતર કહ્યું, 'હિન્દમાં એક ચોક્કસ ઝાડ છે.'

૩૬૪૨. જે કોઈ તેનું ફળ લઈને ખાય છે, તે બૂઢો થતો નથી કે મરતો પણ નથી.

૩૬૪૩. એક રાજાએ સાચા માણસ પાસેથી આ વાત સાંભળી, તે પેલા ઝાડ અને તેના ફળનો પ્રેમી બન્યો.

૩૬૪૪. કલાના મંત્રીમંડળમાંથી તેણે એક હોંશિયાર એલચીને તેની શોધ કરવા હિંદ મોકલ્યો.

૩૬૪૫. તેનો એલચી (પેલા ઝાડની) શોધમાં (ઘણા) વર્ષો હિંદમાં ભટક્યો.

૩૬૪૬. તે આ હેતુ માટે એક શહેરથી બીજા શહેરે ભટક્યો, કોઈપણ ટાપુ કે પહાડ કે મેદાન (જોયા વગર) બાકી રાખ્યું નહિ.

૩૬૪૭. દરેક જણ કે જેને તે પૂછતો તે મશ્કરી કર્યા વગર રહેતો નહિ, કહેતો, કેદી બનેલા ગાંડા સિવાય આની પાછળ કોણ તપાસ કરે?

૩૬૪૮. ઘણા તેની મજાક કરી ધબ્બો લગાવતા. ઘણાઓ કહેતા, “ઓ નશીબદાર આદમી.”

૩૬૪૯. તારા જેવા સમજદાર અને હોંશિયાર માણસ (પરિણામથી) નાસીપાસ થાય? તે નકામુ કેમ જાય ?

૩૬૫૦. આવું માન ભરેલું બોલવું પણ તેને બીજો તમાચો હતો. દેખીતા તમાચા કરતાં તે વધુ જોરદાર તમાચો હતો.

૩૬૫૧. તેઓ તેને મશ્કરીમાં ચડાવતા કહે, “ઓ ભલા માણસ, ફલાણી ફલાણી જગ્યાએ એક બહુ જ ફેલાવો પામેલું ઝાડ છે.”

૩૬૫૨. ફલાણી ફલાણી જગ્યાએ એક લીલુ ઝાડ છે. બહુ જ ઊંચુ અને પહોળું અને તેની દરેક ડાળી મોટી છે.

૩૬૫૩. બાદશાહનાં એલચી કે જેણે આ શોધમાં પોતાની કમર કસી હતી, દરેક જણ પાસેથી જુદો જુદો રિપોર્ટ સાંભળતો હતો.

૩૬૫૪. તેથી તેણે વર્ષો સુધી આમ મુસાફરી કરી. (જ્યારે) બાદશાહ તેને પૈસા મોકલતો રહ્યો.

૩૬૫૫. પરદેશમાં તે ખૂબ થાક ભોગવ્યો. આખરે તેણે વધુ વાર શોધવાનું માંડી વાળ્યું.

૩૬૫૬. તેને જોઈતી ચીજની કાંઈ નિશાની કે રસ્તો મળતો ન હતો. તેને જે જોઈતું તેના સમાચાર સિવાય બીજું કાંઈ દેખાતું ન હતું.

૩૬૫૭. તેની આશાની દોરી કપાઈ ગઈ હતી અને ચીજ જે તેણે શોધી હતી. તે આખરે અદ્રશ્ય બની હતી.

૩૬૫૮. તેણે બાદશાહ પાસે પાછું ફરવાનું નક્કી કર્યું રસ્તો બદલાવી આંસુ સારતો પાછો ફર્યો.

શેખ પેલા રૂપના બંધનમાં બંધાએલો હતો. તેણે તેને “ઝાડનો” અર્થ સમજાવ્યો તે વિષે.

૩૬૫૯. એક ડાહ્યો શેખ હતો. ઉમદા ચાંદ જેવો, આરામ કરવાની જગાએ, પેલો એલચી નિરાશામાં પડયો હતો.

૩૬૬૦. તે (એલચીએ) કહ્યું, આશા ન હોવા છતાં હું તેની પાસે જઈશ અને (ફરીવાર) તેણે બતાવેલા રસ્તા પર પગલાં માંડીશ.

૩૬૬૧. એટલા માટે કે તેની દુઆ (આર્શીવાદો) મને સાથ આપે, જ્યારે કે મને મારા દિલની ઈચ્છા પૂરી કરવાની કોઈ આશા નથી.

૩૬૬૨. આંખમાં આંસુ સહિત તે પેલા શેખ પાસે ગયો, તે વાદળાની માફક આંસુ સારતો હતો.

૩૬૬૩. તે બૂમ પાડી કહે, “ઓ શેખ, અત્યારે મારા પર દયા અને આર્શીવાદ આપવાનો વખત છે. હું નિરાશામાં છું, અત્યારે મારા તરફ દયા બતાવવાનો વખત છે.”

૩૬૬૪. તેણે શેખે કહ્યું, “તારી નિરાશાનું કારણ ખુલ્લી રીતે કહે, તારી શું ઉમેદ હતી ? તારી દૃષ્ટિમાં શું હતું?”

૩૬૬૫ તેણે જવાબ આપ્યો, “શહેનશાહે અમુક ચોક્કસ ડાળીઓવાળું ઝાડ શોધવા મને પસંદ કર્યો હતો.”

૩૬૬૬. કારણકે એક ઝાડ છે, જે આખી દુનિયાના તખ્તા ઉપર અદભૂત છે. તે ફળના તત્વો જીવનનું જળ છે.

૩૬૬૭. મેં તે વર્ષો સુધી શોધ્યું છે, અને (તેની) કંઈ નિશાની જોઈ નથી. સિવાય કે આ ખુશી થતા માણસોની મશ્કરી અને મજાક.

૩૬૬૮. શેખ હસ્યો અને તેને કહ્યું, “ઓ ભોળિયા, આ સંતમાં જ્ઞાનનું ઝાડ છે.

૩૬૬૯. બહુજ ઊંચુ, અને બહુજ ભવ્ય અને બહુ દૂર સુધી ફેલાએલું, તે (ખુદાઈ) દરિયામાંથી પસાર થતું જીવનનું જળ છે.

૩૬૭૦. તું માત્ર રૂપ ઉપર ભટકયો છે, તું ભૂલો પડયો છે, તું તે શોધી શકીશ નહિ, કારણ કે તું, વાસ્તવિકતા ને છોડી દીધી છે.

૩૬૭૧. કોઈવાર તેનું નામ 'ઝાડ' છે, કોઈવાર 'સૂર્ય' કોઈવાર 'દરિયા' ના નામથી ઓળખાઈ છે અને કોઈવાર 'વાદળ'.

૩૬૭૨. (તે) તે ચીજ છે કે જેમાંથી લાખો અસરો ઉત્પન્ન થાય છે, તેની આખરી અસર 'અમર જિંદગી' છે.

૩૬૭૩. જો કે (સત્વમાં) તે એક છે, (છતાં) તેની લાખો અસરો છે, અસંખ્ય નામો તે એકને લાગુ પડે છે.

૩૬૭૪. એક માણસ (તમારા) સંબંધે તમારો પિતા છે. બીજા સખ્સના સબંધે તે પુત્ર હોય.

૩૬૭૫. બીજા માણસને જોતા તે દૂર અને દુશ્મન હોય,બીજાને માટે તે દયાળુ અને દોસ્ત હોય,

૩૬૭૬. (તેને) લાખો નામ છે, (પણ) તે માત્ર એકજ માણસ છે, દરેક ગુણના માલીક આંધળી રીતે તેના વર્ણનને વળગી રહ્યા છે.

૩૬૭૭. જે કોઈ માત્ર નામજ શોધે છે, (અને) જો કે તેને વિશ્વાસુ કાર્ય સોપાયું હોય, તો તે આધાર વગરનો અને જેવો તું છે, તેવો ભાંગી પડેલો છે.

૩૬૭૮. શા માટે તું “ઝાડ”ના નામને ચોંટી રહ્યો છે? કે જેથી તું ખૂબજ નિરાશ અને બદકિસ્મત રહી ગયો છે?

૩૬૭૯. "નામ" ઉપરથી પસાર થઈ જા. ગુણો તરફ જો એટલા માટે કે તે ગુણો તને સત્વનો રસ્તો બતાવે.

૩૬૮૦. માણસ જાતની બેકરારી આ નામો થકી ઉપજી છે, જ્યારે તેઓ વાસ્તવિકતાને પહોંચે છે, ત્યારે શાંતિ પામે છે.

ચાર માણસો દ્રાક્ષ માટે કેમ લડ્યા કે જેઓ તેને જુદા જુદા નામથી ઓળખતા હતા તે વિશે.

૩૬૮૧. અમૂક ચોક્કસ માણસે, ચાર માણસોને એક દીરહમ આપ્યો, તેઓમાંના એક (ઈરાનીએ) કહ્યું, “હું આજે "અંગુર"માં વાપરીશ.

૩૬૮૨. બીજો એક આરબ હતો, તેણે કહ્યું, “ના, ઓ બદમાસ, મને "ઈનાબ" જોઈએ, અંગૂર નહિ.”

૩૬૮૩. ત્રીજો તુર્ક હતો, અને તેણે કહ્યું, “આ (પૈસા) મારા છે, મને ઈનાબ જોઈતી નથી, મને "ઉઝુમ" જોઈએ.”

૩૬૮૪. ચોથા એક ગ્રીકે કહ્યું, “આ વાત બંધ કરો, મને "ઈસ્તાફીલ" જોઈએ.”

૩૬૮૫. આ લોકોએ આ ઝઘડામાં એક બીજા સાથે લડાઈ શરૂ કરી. કારણ કે તેઓ નામોના છુપાયેલા અર્થથી અજાણ હતા.

૩૬૮૬. તેઓની મૂર્ખાઈમાં તેઓએ એક બીજાને મૂઠીઓથી માર માર્યો, તેઓ અજ્ઞાનતાથી ભરપૂર હતા, જ્ઞાનથી ખાલી હતા.

૩૬૮૭. જો કોઈ ગૂઢાર્થ જાણનાર માનવંત અને ઘણી ભાષા જાણનાર ત્યાં હોત, તો તેણે તેઓને શાંત કર્યા હોત.

૩૬૮૮. અને પછી તેઓને કહ્યું હોત, “આ એક દીરહમથી હું તમોને બધાને જે જોઈએ છે તે આપીશ.”

૩૬૮૯. કાંઈ પણ ઢોંગ વગર જો તમે તમારા દિલ (મને) સોંપી દેશો, આ દિરહમ તમને જોઈએ તે કરશે (આપશે).

૩૬૯૦. તમારો એક દિરહમ તમારી આશા પૂરી કરતો ચાર બનશે, યાર દુશ્મનો તેના અંગે એક બનશે.

૩૬૯૧. જ્યારે તમો દરેક કહો છો તે જુદાઇ અને ઝઘડો લાવશે. જે હું કહું છું, તે સંપ લાવશે.

૩૬૯૨. તેટલા માટે તમે મૂંગા રહો, “ચૂપ રહો,” કે જેથી હું તમારી વાણી અને વાતચીતમાં તમારી જીભ બનું.

૩૬૯૩. જો તેઓ એક બીજા સાથે કરાર કરે તો, તેઓના શબ્દો એક મજબૂત દોરડાની (માફક) બને, અસરમાં તેઓ ઝઘડા અને બબડાટનું કારણ બને.

૩૭૦૦. (દાખલા તરીકે) હ. સુલેમાન ખુદા થકી (પયગમ્બરી અંગે) બોલતા, અને તેઓ બધાં પંખીઓની ભાષા જાણતા.

૩૭૦૧. તેના ન્યાયી અમલના વખતમાં હરણ વાઘથી દોસ્તી કરતું અને લડાઈથી અલગ રહેતું.

૩૭૦૨. કબૂતર બાજના નહોરોથી સલામત બન્યો, ઘેટાંએ વરુ વિરૂદ્ધ સાવચેતીનાં પગલાં ન લીધાં.

૩૭૦૩. તે (હ. સુલેમાન) દુશ્મનો વચ્ચે મધ્યસ્થી બન્યા. પાંખોથી ઊડતા પ્રાણીઓ વચ્ચે તેઓ એકતા (સ્થાપવાના નિમિતરૂપ) બન્યા.

૩૭૦૪. એક કીડીની માફક દાણા પાછળ તું દોડે છે. સાંભળ ‘સુલેમાન’ની શોધ કર. હજી સુધી તું આડો કેમ છો ?

૩૭૦૫. દાણા શોધનારને તેનો દાણોજ ફાંસો બને છે, પરંતુ “સુલેમાનનો” શોધક (સુલેમાન અને દાણો) બન્ને પામે છે.

૩૭૦૬. આ પાછલા જમાનામાં જીવતાં પંખીઓને એક પળ માટે પણ એક બીજાથી સહીસલામતી નથી.

૩૭૦૭. (છતાં) આપણા યુગમાં પણ “સુલેમાન” છે, કે જે આપણને શાંતિ આપશે અને આપણે અન્યાયો ભોગવવા નહિ પડે.

૩૭૪૧. અંગૂર અને ઈનાબ વચ્ચેનો ઝઘડો, તુર્ક, ગ્રીક અને અરબ વચ્ચેની હરીફાઈથી ઉકેલાયો ન હતો.

૩૭૪૨. જ્યાં સુધી કે (રૂહાનિયતનો) “સુલેમાન” વાણીમાં હોંશિયાર વચ્ચે નહિ પડે, ત્યાં સુધી આ દ્વેતપણું અદ્રશ્ય નહિ થાય.

૩૭૪૩. ઓ તમો બધા, કજીયાળા પંખીઓ, બાજની માફક, આ બાદશાહના બાજના નગારાને સાંભળો.

૩૭૪૪. સાંભળો ! દરેક દિશાએથી આનંદમાં ઉડો, ભિન્નતામાંથી, દ્વેતપણામાંથી એકતા તરફ (ઊડો).

૩૭૪૫. “જ્યાં પણ તમે તમારો ચહેરો ફેરવશો, તે તરફ તે છે” (કોઈપણ વખતે) આ વસ્તું જ છે, કે જે કદી મનાઈ કરેલી નથી.

૩૭૪૬. આપણે આંધળા અને ઘણાજ મૂર્ખ પંખીઓ છીએ. જેના થકી આપણે એકવાર પણ તે “સુલેમાન”ને ઓળખ્યો નથી.

૩૭૬૫. અને (છતાં જો કે) લંગડાતો અને ખોડંગાતો (પણ) તે દિશામાં કૂદકો મારીશ તો તું લંગડાપણાથી અને ખોડંગતાથી મુક્ત થઈશ.

બતકનું બચ્ચું કે જેને પાળેલી કૂકડીએ ઉછેર્યું. તેની વાર્તા.

૩૭૬૬. તું બતકની પ્રજા છો, જો કે એક પાળેલી મુરઘીએ પોતાની પાંખ નીચે તને ઉછેર્યો છે.

૩૭૬૭. તારી માતા પેલા દરિયાની બતક હતી. તારી આયા, જે જમીનની ચાહક હતી.

૩૭૬૮. તારા અંતરની ઈચ્છા સમુદ્ર માટે છે, આત્માને પેલી ખાસિયત તારી માતા થકી મળી છે.

૩૭૬૯. આ જમીનની તારી ઈચ્છા, તારી આયામાંથી છે. આયાને છોડી દે. કારણ કે તેણી હલકી સલાહકાર છે.

૩૭૭૦. આયાને જમીન ઉપર છોડી દે. દબાણ કર, રૂહાની વાસ્તવિકતાના દરિયામાં બતકોની માફક આવ.

૩૭૭૧. (ભલે) જો તારી મા (પણ) તને પાણીથી બીવાનું ફરમાવે, તું બીતો નહિ, પણ દરિયામા ઝડપથી ઝંપલાવ.

૩૭૭૨. તું બતક છો. તું એવો એક છો કે, જમીન તેમજ પાણી બંનેમાં જીવે છે, તું પાળેલી મરઘી જેવો નથી, કે જેનું ઘર (જમીનના) કીચડમાં છે.

૩૭૭૩. (આ આયાત મુજબ) તું સદ્ગુણમાં બાદશાહ છે, “અમે આદમના પુત્રોને ઉચ્ચ બનાવ્યા છે” તું જમીન અને દરિયો, બંનેમાં પગ મૂકે છે.

૩૭૭૪. કારણ કે રૂહાનીમાં તું છો (આયત મુજબ) “અમે તેઓને સમુદ્ર ઉપર લઈ ગયા” આગળ વધ (આવી હાલતમાંથી) "અમે તેઓને દુનિયા ઉપર લઈ ગયા."

૩૭૭૫. ફિરસ્તાઓને જમીન ઉપર રહેઠાણ નથી. ફરી જોઈએ કે, જાનવરજાત (રૂહાની) સમુદ્રથી અજ્ઞાન છે.

૩૭૭૬. તું તારા શરીરમાં જાનવર છે. અને (તારા) રૂહમાં તું ફિરસ્તાઈ છે. કે જેથી તું જમીન ઉપર પણ મહાલે અને આકાશમાં પણ.

૩૭૭૭. કે જેથી દૈવી પ્રેરણાથી જોનાર, કદાચિત દેખાવે “તમારા જેવો એક માણસ” હોય.

૩૭૭૮. માટીની તેમની કાયા જમીન ઉપર રહેલી અહીં છે, (પરંતુ) તેનો આત્મા પેલી પારના ઉંચામાં ઉંચા અવકાશમાં પરિભ્રમણ કરે છે.

૩૭૭૯. ઓ પુત્ર, આપણે બધા પાણીનાં પંખીઓ છીએ, સર્વમય સાગર આપણી ભાષા જાણે છે.

૩૭૮૦. તેથી સર્વમય સાગર આપણો સુલેમાન છે, અને આપણે બધા સુલેમાનથી પરિચિત પંખીઓ છીએ. આપણે સુલેમાનમાં અનંતકાળ માટે ફરીએ છીએ.

૩૭૮૧. તારો પગ જમાનાના સુલેમાન સાથે રાખી મૂક, કે જેથી પાણી, હજરત દાઉદના બખ્તરની માફક, એક સો (કાનની) વાળીઓ તારા માટે બનાવે.

૩૭૮૨. પેલો જમાનાનો સુલેમાન દરેક પાસે હાજર છે, પરંતુ તેની અદેખાઈ આપણી આંખો ઉપર મંત્રો છાંટે છે, અને આપણને બાંધી લ્યે છે.

૩૭૮૩. કે જેથી મુર્ખતા અને અનુપકારીપણું અને અભીમાનના અંગે, તે આપણી પાસે હોવા છતાં આપણે તેનાથી બીમાર છીએ. (દૂર છીએ).

૩૭૮૪. તરસ્યા માણસને વાદળાંની ગર્જના માથું ચડાવે છે, જ્યારે કે તે જાણતો નથી કે, ગર્જના પરમ સુખનાં પાણીનાં વાદળાં લઈ આવે છે.

૩૭૮૫. તેની આંખ વહેતા ઝરા ઉપર ચોંટેલી રહે છે, સ્વર્ગીય પાણીના આનંદી સ્વાદથી બેભાન.

૩૭૮૬. તેણે પોતાના ધ્યાનના ઘોડાને (ગૌણ) કારણો તરફ દોડાવેલ છે, પરિણામે તે 'કૌસર'માંથી દૂર રહેલો છે.

૩૭૮૭. (પરંતુ) તે કે જે કૌસર (ઈમામે મુબીનને) સ્પષ્ટપણે જુએ છે, તે જગતમાં પોતાનું દિલ ગૌણ(યાને નકામા) કારણો ઉપર કેમ લગાવશે?

યાત્રાળુઓનું દરવેશના ચમત્કારથી અજાયબ થવું કે જે તેઓને જંગલમાં એકલો રહેતો માલુમ પડ્યો હતો.

૩૭૮૮. જંગલ વચ્ચે એક દરવીશ રહેતો હતો. આબાદાનના લોકો માફક બંદગીમાં મશગુલ.

૩૭૮૯. જુદા જુદા દેશોના યાત્રીઓ ત્યાં આવ્યા, તેઓની દ્રષ્ટિ આ સુક લકડી કાયાવાળા દરવેશ ઉપર પડી.

૩૭૯૦. દરવીશની રહેવાની જગ્યા સૂકી હતી, (પરંતુ) તે સ્વભાવે નમ્ર હતો. તેની પાસે રણના ગરમ પવનનો ઇલાજ હતો.

૩૭૯૧. યાત્રીઓ તેના એકાંતપણાથી અજાયબી પામ્યા, અને આવી વિનાશક જગ્યાથી પણ.

૩૭૯૨. તેઓ રોજીંદી બંદગીમાં રેતી ઉપર ઉભા રહેતા, રેતીની ગરમી, જ્યાં ઘડામાંનું પાણી ઉકળી ઉઠે.

૩૭૯૩. તમોએ આમ કહ્યું હોત, તે ઘોડા કે દુલદુલ ઉપર સવાર થએલો, ફુલો અને લીલા છોડ વચ્ચે અત્યાનંદમાં ઉભો છે !

૩૭૯૪. અથવા તો જાણે તેના પગ, રેશમ કે ભરત ભરેલા કપડા ઉપર હોય, અથવા તો તે મંદ વાયુ કરતાં, રેતીની ગરમ હવામાં વધુ રાજી હતો.

૩૭૯૫. તેઓ (યાત્રીઓ) રાહ જોતા ઉભા હતા, (જ્યારે) તે બંદગીમાં ઉભો હતો. ઉંડા ધ્યાનમાં મશગુલ.

૩૭૯૬. જ્યારે દરવીશ ખુદાઈ મુલાકાતની હાલતમાંથી ભાનમાં આવ્યો, ત્યારે રૂહાની રીતે જીવંત અને પ્રકાશિત બનેલ.

૩૭૯૭. કે પેલાના હાથ અને ચહેરા ઉપરથી પાણી ટપકતું હતું. (અને કે) તેનાં કપડા નહાવાની નિશાનીથી ભીનાં હતાં.

૩૭૯૮. તેથી તેઓએ તેને પૂછ્યું. “આ પાણી ક્યાંથી આવે છે?” તેણે પોતાનો હાથ ઉંચો કર્યો, (બતાવતાં) કે તે બહિશ્તમાંથી આવ્યું.

૩૭૯૯. તેણે (યાત્રીએ) કહ્યું “શું તમો ધારો ત્યારે તે આવે છે, કાંઈ કુવા વગર કે, વગર શેરડાએ?

૩૮૦૦. ઓ દીનના બાદશાહ, અમારી મુંઝવણનો ઉકેલ કરો, એટલા માટે કે તમારો રૂહાનીયત અનુભવ, અમારા ઈમાનમાં વધારો કરે.

૩૮૦૧. તમારા ગુઢાર્થોમાંના એકાદને ખુલ્લું કરો, કે અમે (બેઈમાનીના) કમરપટા કાપી નાખીએ.

૩૮૦૨. તેણે (દરવશે) પોતાની આંખો આસમાન તરફ ફેરવી, કહીને "ઓ (ખુદા) યાત્રાળુઓની પ્રાર્થનાનો જવાબ આપો."

૩૮૦૩. હું મારી રોજની રોજી આસમાનમાંથી શોધવા ટેવાયેલો છું. તેંજ ઉપરથી મારા માટે દરવાજો ખોલ્યો છે.

૩૮૦૪. ઓ તું કે જેણે લામકાંથી અવકાશને દ્રષ્ટિમાન કરેલ છે, "તમારી રોજની રોજી આસમાનમાં છે," હકીકતને દ્રષ્ટિમાન બનાવી છે.

૩૮૦૫. આ વિનંતી દરમ્યાન એક સુંદર વાદળું ઓચિંતાના પાણી ભરેલા હાથીની માફક દેખાયું.

૩૮૦૬. અને મસકમાંથી રેડાતા પાણીની માફક રેડાવું શરૂં થયું. વરસાદનું પાણી, ખાડા અને નીચાણમાં ભરાણું.

૩૮૦૭. વાદળાએ મસકની માફક પાણી રેડવું ચાલુ રાખ્યું. અને યાત્રીઓએ પોતાની મસકો પાણી ભરવા ખોલી.

૩૮૦૮. એક ટોળું આ અદભૂત બનાવોના પરિણામે, પોતાના કમર ઉપરના બેઈમાનીના દોરા કાપતા હતા.

૩૮૦૯. એક બીજા સમૂહનું ઇમાન આ ચમત્કારથી વધતું હતું. સાચા રસ્તે કેમ દોરવવા તે માત્ર ખુદા જ જાણે છે.

૩૮૧૦. એક બીજું ટોળું ગ્રહણશક્તિ વગરનું, ચીડીયું, અપકવ, આંતરિક રીતે અધુરૂં ગુમરાહ થયું, અહીં આ વાતનો અંત આવે છે.

ભાગ બીજો સંપૂર્ણ.