Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૭

વાર્તા - ૭

0:000:00

હ. પયગમ્બર સાહેબે, પેલા બીમારની મુલાકાત લીધી તેની વાત.

૨૨૧૨. આ બીમારને મળવા જવું એ આ (રૂહાની) પ્રીતના કારણે છે, અને આ પ્રીતિ દિલમાં સો માયાળુપણાં ઉત્પન્ન કરે છે,

૨૨૧૩. અજોડ પયગમ્બર સાહેબ પેલા બીમાર માણસને જોવા ગયા, તેમને માલુમ પડયું કે અસહાબ છેલ્લા શ્વાસો લઈ રહ્યો છે.

૨૨૧૪. જ્યારે તમે “ઓલિયા”ની હજૂરથી દૂર બન્યા છો, હકીકતમાં તમે ખુદાથી દૂર થયા છો.

૨૨૧૫. તેવી જ રીતે સાથી મુસાફરોથી જુદુ પડવાનું પરિણામ દિલગીરી છે. તો પછી બાદશાહના ચહેરાની જુદાઈ ઓછી (દિલગીરી) કેમ હોય?

૨૨૧૬. પેલા (બાદશાહો)નો પડછાયો (રક્ષણ), દરેક પળે શોધવાની ઉતાવળ કર. અને તે પડછાયાના કારણે તું સૂર્યથી પણ ચડિયાતો બને.

૨૨૧૭. જો તારે મુસાફરી પર જવું છે, તો આ ઈરાદાથી આગળ વધ, અને જો ઘરે (રહેવાનું) બને, આ ભૂલતો નહિ.

અમુક શેખનું બાયઝીદને કહેવું, “હું જ કાબા છું. મારી આસપાસ ફેરા ફર.”

૨૨૧૮. કોમનો શેખ બાયઝીદ મોટી યાત્રા 'હજ' અને નાની 'ઉમ્રા' કરવા મક્કા શરીફ તરફ ઉતાવળે જઈ રહ્યો હતો.

૨૨૧૯. દરેક શહેર કે જ્યાં તેઓ જતા ત્યાં સૌથી પહેલાં માનવંત દરવેશની તપાસ કરતા.

૨૨૨૦. તેઓ આજુબાજુ ચક્કર લગાવતા (અને) પૂછતા, (રૂહાની) "અંતર દૃષ્ટિ, ઉપર આધાર રાખનાર આ શહેરમાં કોણ છે?"

૨૨૨૧. ખુદાએ (કુરાનમાં) કહ્યું છે, તારી મુસાફરીમાં તું જ્યાં જ્યાં પણ જા, તારે સૌથી પહેલાં (પવિત્ર) માણસને શોધવો જોઈએ.

૨૨૨૨. ખજાનાની ઝંખનામાં જા, કારણ કે (દુનિયાનો) નફો નુકશાન બીજે નંબરે આવે છે. તેમને ડાળીની માફક સમજ (મૂળ તરીકે નહિ).

૨૨૨૩. જે કોઈ ઘઉંની ઝંખનામાં વાવે છે, ખરેખર તેને ફોતરાં મલે છે (પણ માત્ર) ગૌણ (રીતે).

૨૨૨૪. જો તું ફોતરાં વાવીશ, તો કદી ઘઉં ઊગશે નહિ માણસ શોધ, માણસ શોધ, માણસ.

૨૨૨૫. જ્યારે યાત્રા કરવાની ઋતુ છે, ત્યારે કાબાની ઝંખનામાં જા. જો તું (તે હેતુ સાથે) ગયો તો? મક્કા પણ જોવામાં આવશે.

૨૨૨૬. “મિઅરાજ ”માં પ્યારાના દીદારની ઝંખના હતી. અવકાશ અને ફિરસ્તાઓ પણ દેખાડવામાં આવ્યા, પણ તે બીજે નંબરે આવે. (પહેલે દીદાર).

વાર્તા

૨૨૨૭. એક નવાસવા માણસે એક દિવસ નવું ઘર બાંધ્યું. પીરે આવી તેનું ઘર જોયું.

૨૨૨૮. શેખે તેના નવા મુરીદને કહ્યું, તેના સારા વિચારોની તેણે પરીક્ષા કરી.

૨૨૨૯. “અય દોસ્ત, તેં આ બારી શા માટે બનાવી છે?” તેણે જવાબ આપ્યો, “એટલા માટે કે આ રસ્તે તેમાં અજવાળું આવે.”

૨૨૩૦. તેણે કહ્યું, “તે (એક માત્ર) શાખા છે. (તારી) ખાસ (ઈચ્છા) આ હોવી જોઈએ કે, આ નીક થકી હું નમાઝ માટે (બોલાવવાની અઝાન) સાંભળી શકું.”

૨૨૩૧. બાયઝીદે (કાબા તરફની) મુસાફરીમાં “જમાનાના ખીઝર”ને શોધવા ખૂબ મથામણ કરી.

૨૨૩૨. નવા ચાંદની માફક વળેલો એક બૂઢો માણસ તેણે જોયો, (પવિત્ર) માણસની વાણી અને શક્તિ તેણે તેનામાં જોઈ.

૨૨૩૩. તેની આંખો દ્રષ્ટિ વગરની અને તેનું દિલ સૂર્ય જેવું (પ્રકાશિત). જાણે એક હાથી (પોતાના અસલ વતન) હિન્દુસ્તાનનું સ્વપ્ન જોતો હોય!

૨૨૩૪. આંખો બંધ છતાં તે સો ખુશીઓ જુએ છે! જ્યારે તે (પોતાની આંખો) ખોલે છે, તે પેલી (ખુશીઓ) જોતો નથી, આહ, (કેવી) અજાયબી !

૨૨૩૫. ઘણી અજાયબી ઊંઘમાં બતાવવામાં આવે છે, નિંદ્રામાં દિલ બારી બને છે.

૨૨૩૬. તે કે જે જાગૃત છે, સારાં સ્વપ્ના જુએ છે. તે (ખુદાનો) જાણકાર છે, તેના (પગની) ધુળથી તમારી આંખો આંજો.

૨૨૩૭. તેઓ (બાયઝીદ) તેની આગળ બેઠા. અને તેની સ્થિતિ વિષે પૂછ્યું કે, તે દરવેશ છે અને કુટુંબ કબીલાવાળો છે.

૨૨૩૮. તેણે (વૃધ્ધે) કહ્યું, “ઓ બાયઝીદ, તમે કઈ તરફ જઈ રહ્યા છો, આવા અજાણ્યા મુલકમાં આ બધો સામાન લઈ કઈ તરફ જાઓ છો?”

૨૨૩૯. બાયઝીદે જવાબ આપ્યો, હું પ્હો ફાટતાં કાબા તરફ જવા રવાના થાઉં છું. પેલાએ બૂમ પાડી કહ્યું, “આહ, મુસાફરીમાં તમારી પાસે ખાધા ખોરાકીનો કેવો જથ્થો છે?”

૨૨૪૦. તેણે જવાબ આપ્યો, “મારી પાસે બસો રૂપાના સિક્કા છે.” જુઓ (તે) મારા કમરપટાના એક ભાગમાં સાચવીને બાંધ્યા છે.

૨૨૪૧. તેણે કહ્યું, “મારી આસપાસ સાત વખત ફેરા ફર, અને (કાબાની) હજમાં ફરવા કરતાં વધુ બહેતર સમજ.

૨૨૪૨. ઓ ઉદારાત્મા, પેલા દિરહમો મારી આગળ મૂક, અને જાણ કે તેં વધુ મોટી હજ અદા કરી છે, અને તારી ઉમેદ પરિપૂર્ણ થઈ છે.

૨૨૪૩. (કે) તેં વધુ નાની હજ (પણ) અદા કરી છે, અને કાયમી જીવન મેળવ્યું છે (કે જેથી) તું પવિત્ર થયો, અને 'સફા'ની ટોંચે પહોંચ્યો છે.

૨૨૪૪. સત્યનો સત્ય (ખુદાવંદ) કે જેને તારા આત્માએ જોયો છે, (હું કસમ ખાઉં છું કે) તેના મકાન કરતાં વધુ મોટા તરીકે, તેણે મને પસંદ કરેલ છે.

૨૨૪૫ અલબત્ત, કાબાતુલ્લાહ તેના દીનની ખિજમતનું ઘર છે, પણ મારું રૂપ, જેમાં મને પેદા કરવામાં આવ્યો, તેના અંદર દિલનું ઘર છે.

૨૨૪૬. ખુદાએ કાબા બનાવ્યું ત્યારથી તે કદી તેમાં ગયો નથી, અને આ (મારા) ઘરમાં જીવંત (ખુદા) સિવાય બીજું કોઈ ગયું નથી.

૨૨૪૭. જ્યારે તેં મને જોયો છે, તેં ખુદાને જોયો છે, તું સત્યતાના કાબાના ફેરા ફર્યાં છે.

૨૨૪૮. મારી ખિદમત કરવી એ ખુદાના વખાણ અને (તેને) તાબે થવા બરાબર છે. ખબરદાર થજે, તું એવો વિચાર નહિ કરતો કે હું ખુદાથી જુદો છું.

૨૨૪૯. તારી આંખો સારી રીતે ખોલ અને મારા તરફ જો, કે જેથી તું "ખુદાનું નૂર" માણસમાં જુએ.”

૨૨૫૦. બાયઝીદે પેલા ગૂઢાર્થ વચનોને ધ્યાનથી સાંભળ્યાં. અને સોનાની વાળીની માફક, તેના કાનમાં મૂક્યાં.

૨૨૫૧. (ઘરડા માણસ) થકી બાયઝીદનો (રૂહાની પ્રકાશ) વધ્યો અને સ્વીકારાએલો, આખરમાં પોતાની મંજિલે પહોંચ્યો.

હજરત પયગમ્બર સાહેબને પેલા બીમાર માણસની બીમારીનું કારણ, ઉધ્ધતાઈ ભરેલી પ્રાર્થના હતી, તેની જાણ થવી.

૨૨૫૨ જ્યારે પયગમ્બર સાહેબે બીમારને જોયો. તેઓ પેલા કુટુંબી જેવા દોસ્ત સાથે. માયાળુ અને લાગણીપણે વર્ત્યા.

૨૨૫૩. તેણે જ્યારે પયગંબર સાહેબને જોયા. તો તે (જાણે) જીવતો બની ગયો, તમોએ એમ કહ્યું હોત, “પેલી પળે તેને પેદા કર્યો.”

૨૨૫૪. તેણે કહ્યું, બીમારીએ આ ઉત્તમ નશીબ ઇનાયત કર્યું છે કે, આ બાદશાહ સવારના પહોરમાં મારી તરફ આવ્યા છે,

૨૨૫૫. કે જેથી, આ સુલતાન કે જે, રસાલા વગરના છે, તેમના આગમનથી મારામાં તંદુરસ્તી અને આરામ ઉત્પન્ન થયાં છે.

૨૨૫૬. દુ:ખ, બીમારી અને તાપ ખુશ રહો! રાતનું જાગરણ અને મૂંઝવણ આશિર્વાદિત હો!

૨૨૫૭. અરે, ખુદાએ મારી ઘરડી ઉંમરમાં, આવી બિમારી અને રાહતની દયા અને ઉદારતા બતાવી છે.

૨૨૫૮. તેણે જ મને મારી પીઠમાં દર્દ આપ્યું છે, કે જેથી દરેક મધ્યરાત્રે નિંદ્રામાંથી સફાળો બેઠા થવા સિવાય છૂટકો હોતો નથી.

૨૨૫૯. એટલા માટે કે આખી રાત ભેંસની માફક ઝોકાં ન ખાઉં, ખુદાએ તેની રહેમતથી મને દુઃખ આપ્યું હતું.

૨૨૬૦. વૃદ્ધાવસ્થાની નબળાઈમાંથી આ ખુદાની રહેમત ઉછળી છે, અને દોઝખનું મને દબાવવું ચૂપ થઈ ગયું છે.

૨૨૬૧, દુઃખ એ ખજાનો છે, કારણ કે તેમાં રહેમત (છૂપાએલી) છે, જ્યારે તમે છીલટું ઉખેડી નાખો છો, ત્યારે સત્વ તાજું બને છે.

૨૨૬૨. ઓ ભાઈ, અંધારી અને ઠંડી (જગ્યામાં રહેઠાણ કર) દિલગીરી, નબળાઈ અને દુઃખ ધીરજથી સહન કર.

૨૨૬૩. રૂહાની નશાનો પ્યાલો અને જીવનનો ઝરો, પેલી ઊંચાઈઓ માટે બધા જ નીચાણમાં છે.

૨૨૬૪ પેલી વસંત રૂંતુ પાનખર ઋતુમાં સમાયેલી છે. અને પાનખર ઋતુ વસંત રૂંતુમાં (સમાએલી). તેમાંથી ભાગ નહિ.

૨૨૬૯. લોકોએ કહ્યું, “કોની પાસેથી અમે સલાહ મેળવીએ? પયગમ્બરોએ જવાબ આપ્યો, “અકલ કે જે “ઈમામ” છે. તેની (સલાહ લ્યો).”

૨૨૭૦. તેણે (સવાલ કરનારે) કહ્યું (પણ) “જો બચ્યું અંદર હોય, અથવા સ્ત્રી કે જેને લાંબી સમજણ ન હોય તો.

૨૨૭૧. તેણે (પયગમ્બરે) કહ્યું, “તેણીની સલાહ લ્યો અને જે તેણી સલાહ આપે, તેનાથી ઊલટું ચાલો અને તારે રસ્તે ચાલ્યે રાખ.

૨૨૭૪. જો તેણી નમાઝ અને રોજા માટે ફરમાન કરે, (ધ્યાન રાખજે), નફસે અમ્મારા એક મોટો દગલબાજ છે. તેણી તારા વિરુદ્ધ જન્મ આપવાનું કોઈ કાવતરું રચશે.

૨૨૭૫. તારા આમાલને લગતા કાર્યો માટે જ્યારે તું તારા નફસે અમ્મારાની સલાહ લે. તેણી જે પણ (કરવાનું કહે) તેનાથી ઊલટું ચાલવું (એજ) સાચું છે.

૨૨૭૬. જો તું તેણી અને તેણીની બળજબરીને પહોંચી વળે નહિ, તો દોસ્ત પાસે જા અને તેની સાથે ભળી જા.

એક પ્રખ્યાત (દરવેશી) માણસને કે જે ગાંડાનો ઢોંગ કરતો હતો. તેને વાતચીતમાં કેમ ખેંચી ગયો તેના વિશે

૨૩૩૮. અમુક માણસ કહેતો હતો, "મને કોઈ બુદ્ધિશાળીની જરૂર છે. (કે જેથી) હું મુશ્કેલી માટે સલાહ લઉં."

૨૩૩૯. એકે તેને કહ્યું, “અમારા શહેરમાં પેલો માણસ જે ગાંડો દેખાય છે, તેનાથી વધુ બુધ્ધિમાન કોઈ જ નથી.

૨૩૪૦. જુઓ, ફલાણા (નામનો) એક છે, નેતર પર સવાર થએલો, બચ્ચાંઓની સાથે તે (નેતર પર) ઘોડેસ્વારી કરે છે,

૨૩૪૧. તે ચુકાદા આપવામાં હોંશિયાર છે. જાણે કે અગ્નીની ચિનગારી. તે મોભામાં આકાશ જેવો (ભવ્ય) છે અને અવકાશના તારા જેવો છે.

૨૩૪૨. તેની કીર્તિ “કરોબી”નો (સમજુ) આત્મા બન્યો, તે આ (ઢોંગી) ગાંડપણમાં છૂપાએલો બન્યો.

૨૩૮૩. દિલના માણસ (રૂહાની પેશ્વા)માંથી (પેલા જ્ઞાનની) શોધ કર, મૂર્ખાઓ પાસેથી તેને શોધતો નહિ, કારણ કે તેની આગળ બીજા બધા મૂર્ખાઓ છે.

૨૩૮૪. સલાહનો શોધનારો તેને (જે ગાંડાનો ઢોંગ કરતો હતો તેને) મળ્યો. કહે છે, “ઓ પિતા ! તું કે જે બચ્ચા (જેવો) બન્યો છે, (મને) એક ખાનગી વાત કહે.”

૨૩૮૫. તેણે જવાબ આપ્યો, “ આ દરવાજેથી દૂર હટી જા, કારણ કે આ દરવાજો ખુલ્લો નથી. પાછો ફર. આજનો દિવસ ખાનગી હકીકત કહેવાનો દિવસ નથી.”

૨૩૮૬. જો ‘મકાં’ ને લામકાંમાં (કોઈ જાતનો) પ્રવેશ હોત, હું લાકડા ઉપર (યાને ગાદી ઉપર બેઠો) હોત, રૂહાની પેશ્વાની માફક (હુકમો આપતો હોત).

એક માણસ કે જે પીને પડ્યો હતો, તેને પોલીસ અમલદારનું જેલમાં લઈ જવાનું તેડું કરવા વિષે.

૨૩૮૭. એક પોલીસ અમલદાર એક જગ્યાએ મધ્ય રાત્રીએ આવ્યો, તેણે ભીંતના તળિયે એક માણસને પડેલો જોયો.

૨૩૮૮. તેણે બૂમ પાડી, “એય, તું પીધેલ છો, (મને) કહે તમે શું પીધું છે?” માણસે કહ્યું, “ આ જે બરણીમાં છે, તે પીધું છે.”

૨૩૮૯. તેણે કહ્યું, “મહેરબાની કરી, બરણીમાં શું છે તેની વિગત કહે, ”તેણે જવાબ આપ્યો, "તે કે જે મેં પીધું છે." અમલદારે કહ્યું, “પણ તે તો (નજરથી) અદ્રશ્ય છે.”

૨૩૯૦. તેણે (ફરીવાર) પૂછયું. “તેં શું પીધું છે ? તેણે ફરી તેજ જવાબ આપ્યો, “જે બરણીમાં છૂપાએલ છે.”

૨૩૯૧. આ સવાલો અને જવાબોનું કૂંડાળું થતું હતું. પોલીસ અમલદાર ગધેડાની માફક કાદવમાં ખૂંચી ગયો હતો.

૨૩૯૨. પોલીસ અમલદારે તેને કહ્યું, અહીં આવ. “અહીં આવ અને “આહ” કહે. (પણ) પીધેલા માણસે બોલતી વખતે “હું હું” કહ્યું.

૨૩૯૩. તેણે કહ્યું, મેં તને આહ કહેવાનું કહ્યું હતું. (અને) તમે હું કહો છો? તેણે જવાબ આપ્યો (કારણ કે) હું ખુશીમાં છું. જ્યારે તમે દુઃખમાં વાંકા વળી ગયા છો.

૨૩૯૪. 'આહ' દુઃખ તકલીફ અને અન્યાય (થકી) બોલાય છે. શરાબ પીનાર “હું હું” આનંદ થકી ઉચ્ચારે છે.

૨૩૯૫. અમલદારે જવાબ આપ્યો, “હું તેના વિષે કાંઈ જાણતો નથી. ઊભો થા! ઊભો થા! ગૂઢાર્થ શબ્દો ન ઉચ્ચાર, આ માથાઝીક મૂકી દે.

૨૩૯૬. પેલા માણસે કહ્યું, “ચાલ્યો જા, મારાથી તને શું કામ છે? અમલદારે કહ્યું, તમે પીધેલા છો, ઊભો થા અને કેદમાં ચાલ.

૨૩૯૭. પીધેલા માણસે કહ્યું, ઓ પોલીસ અમલદાર, મને એકલો રહેવા દે અને ચાલ્યો જા, નાગા માણસમાંથી મૂકેલી વસ્તુઓ લઈ જવી કેવી રીતે શક્ય છે?

૨૩૯૮. જો ખરેખર મારામાં ચાલવાની શક્તિ હોત, તો હું મારા ઘરે જ ગયો હોત, અને (તો પછી) આ બાબત ઊભી થાત જ નહિ.

૨૩૯૯. (જો) હું સમજણ અને આત્મ સંયમ ધરાવતો હોત, હું ખુરસી પર બેસી શેખની માફક (સૂચનાઓ આપતો હોત).

પેલા શોધકનું બીજીવાર પેલા પ્રખ્યાત (સંતને) વાદવિવાદમાં ખેંચી જવું, એટલા માટે તેની દલીલો વધુ સારી રીતે જાણી શકાય.

૨૪૦૦. પેલા શોધનારે કહ્યું, “ઓ તમો કે જે નેતર ઉપર સ્વાર થયા છો, મહેરબાની કરી એક પળ માટે તમારા ઘોડાને આ રસ્તે હાંકો.”

૨૪૦૧. તેણે તે તરફ હાંક્યો, બૂમ પાડી કહે, “સાંભળ, જેમ બને તેમ જલ્દી બોલી નાખ, કારણ કે મારો ઘોડો ખૂબ જ હઠીલો અને જુસ્સાવાળો છે.”

૨૪૦૨. ઉતાવળ કર, રખે ને તે તને લાત લગાવે, કઈ બાબત પૂછવી છે, તે ખુલ્લી રીતે સમજાવ.”

૨૪૦૩. તેણે (તલાશ કરનારે) જોયું કે તેના દિલની ખાનગી વાત કહેવાનો પ્રસંગ નથી. તેણે તુર્ત જ એક બહાનું બનાવ્યું અને તે તેને મશ્કરીની વાતમાં ખેંચી ગયો.

૨૪૦૪. તેણે કહ્યું, “આ મહોલ્લાની એક સ્ત્રીને હું પરણવા માગું છું. મારા જેવા માટે કેવી સ્ત્રી લાયક હોઈ શકે? ”

૨૪૦૫. તેણે જવાબ આપ્યો, “દુનિયામાં ત્રણ જાતની સ્ત્રીઓ છે.” “પેલામાંની બે દિલગીરી છે, જ્યારે એક આત્માનો ખજાનો છે.”

૨૪૦૬. પહેલી, જ્યારે તમે તેને પરણશો. ત્યારે તે સંપૂર્ણ તમારી હશે, બીજી અર્ધી તમારી હશે અને અધીં તમારાથી જુદી.

૨૪૦૭. અને ત્રીજી, જાણ કે તે જરા પણ તારી નથી. તેં આ સાંભળી લીધું. (હવે) રવાના થા, હું એક પળમાં રવાના થાઉં છું.

૨૪૦૮. રખેને મારો ઘોડો તને એક લાત ફટકારે. તેથી તું પડી જાય અને પાછો કદી ઊભો ન થાય.”

૨૪૦૯. પેલો શેખ છોકરાંઓની વચ્ચે હાંકી ગયો (પણ) પેલા યુવાને એકવાર ફરી બૂમ પાડી.

૨૪૧૦. “આવો, વિનંતી કરી પૂછું છું, આની સમજુતી બતાવતા જાઓ, તમે કહ્યું કે, આ સ્ત્રીઓ ત્રણ જાતની છે, તો (તેમને) ચૂંટી બતાવો.”

૨૪૧૧. તે તેના તરફ હંકારી ગયો અને તેને કહ્યું, તારી પસંદગીની કુંવારી માત્ર તારી જ થઈ રહેશે.

૨૪૧૨. અને તેણી કે જે બચ્ચાં વગરની વિધવા છે, તે અડધી તારી છે. અને તેણી કે જે તારા માટે કંઈજ નથી, બચ્ચાં સહિતની પરણેલી સ્ત્રી છે.

૨૪૧૩. જ્યારે તેણીને તેણીના પેલા ધણીથી બચ્યું છે, તેણીનો પ્યાર અને આખું દિલ ત્યાં જશે.

૨૪૧૪. (હવે) રસ્તો કર, રખેને મારો ઘોડો લાત ઉછાળે અને મારા હઠીલા ઘોડાની ખરી તારા પર પડે.

૨૪૧૫ પેલા શેખે ખુશાલીના એક મોટા અવાજથી બૂમ પાડી, અને પાછી સવારી કરી. તેણે ફરીવાર બચ્ચાંઓને પોતાની પાસે બોલાવ્યાં.

૨૪૧૬. પેલા શોધકે ફરી એકવાર બૂમ પાડી, “નજીક આવો, ઓ સત્તાશાળી બાદશાહ, એક પણ મારો સવાલ બાકી નથી.”

૨૪૧૭. તે આ દિશાએ પાછો ફર્યો, તેણે બુમ પાડી, “કહે તે શું છે ? તે જલ્દી કહે, કારણ કે પેલી પારના બચ્ચાએ મારા દિલને ઊંચો આનંદ પમાડયો છે.”

૨૪૧૮. પેલાએ કહ્યું, “ઓ બાદશાહ, આટલું બધું ડહાપણ અને સમજ (તમે ધરાવો છો છતાં), આ ઢોંગ શા માટે? આમ વર્તવાનું કારણ? અરે, ખૂબ જ વિચિત્ર છે.

૨૪૧૯. સ્પષ્ટીકરણની (તારી શક્તિમાં) અકલેકુલથી તું ટપી જાય છે. તું સૂર્ય છે, તું ગાંડપણમાં કેમ છૂપાયો છે.”

૨૪૨૦. તેણે જવાબ આપ્યો, આ તેઓના શહેરમાં, આ બદમાસો મને કાજી બનાવવાની દરખાસ્ત મૂકે છે.

૨૪૨૧. મેં વાંધો ઉઠાવ્યો, (પણ) તેઓએ મને કહ્યું, “નહિ” તમારા જેવો શીખેલો અને પૂરું કરનાર બીજો કોઈ નથી.

૨૪૨૨. જ્યાં સુધી તમે હયાત છો, ત્યાં સુધી કોઈ તારાથી ઉતરતા દરજજાવાળાને કાજીની કચેરીમાં હદીસ મુજબ આદેશ આપવા (બેસાડવો) તે કાયદા વિરુદ્ધ અને દુષ્ટ છે.

૨૪૨૩. કાયદામાં રજા આપવામાં આવી નથી, કે અમારા શાહજાદા અને આગેવાન તરીકે નીચાને નીમીએ.

૨૪૨૪. આ જરૂરિયાતે મને નિરાશ અને (દેખાવમાં) ગાંડો બનાવ્યો છે, પરંતુ આંતરિક રીતે હું જેવો હતો તેવોજ છું.

૨૪૨૫. મારી ચતુરાઈ (સંતાડેલો) ખજાનો છે. અને હું ખંડિયેર છું. (જાહેર રીતે) જો ખજાનો બતાવું તો (પછી) હું (ખરેખર) ગાંડો છું.

૨૪૨૬. (ખરો) ગાંડો તે છે કે જે ગાંડો બન્યો નથી. તે કે જેણે રાતના ચોકીદારને જોયો નથી અને ઘરે ગયો નથી.

૨૪૨૭. મારું જ્ઞાન નકકર છે, આકસ્મિક નથી. અને આ કીમતી (ચીજ) દરેક દુનિયાનો (હેતુ) સાધવાનું સાધન નથી.

૨૪૨૮. હું સાકરની ખાણ છું. હું શેરડીની વાડી છું. તે મારામાંથી ઊગે છે, અને તેજ વખતે હું (તેમાંથી ખાઉં છું.)

૨૪૨૯. જ્ઞાન એ રૂઢિગત છે અને મેળવેલ (ખરું નથી), જ્યારે તે (તેનો માલિક) દિલગીર થાય છે, કારણ કે સાંભળનાર સાંભળવાથી પ્રતિકૂળ છે.

૨૪૩૦. જ્યારે તે (પ્રખ્યાતિ માટે) ગલમાં ભરાવેલા પદાર્થની માફક શીખ્યો છે. અને (રૂહાનીયત) પ્રકાશ મેળવવા માટે નહિ, તો તે (મઝહબી) જ્ઞાન શોધનાર, દુન્યવી દુષ્ટ જ્ઞાન મેળવાનાર જેટલો જ ખરાબ છે.

૨૪૩૧. (કારણ કે) તે નીચ અને ઉમરાવની ખાતર જ્ઞાન શોધે છે. નહિ કે તે આ દુનિયામાંથી આઝાદી જીતે.

૨૪૩૨. ઉંદરની માફક તેણે દરેક દિશાએ દર ખોધ્યાં છે. અજવાળું તેને દરવાજાથી (પાછુ) ભગાડે છે, (દર) તેને કહે છે, ભાગીજા.

૨૪૩૪. જો ખુદા તેને પાંખો આપે, ડહાપણની પાંખો, તો તે ઉંદરપણામાંથી નાસી છૂટે. અને પક્ષીઓની માફક ઊડશે.

૨૪૩૬. તર્કશાસ્ત્રનું જ્ઞાન કે જે આત્મા વગરનું છે, તે ઘરાકોના ચહેરાનો (આતુર) પ્રેમી છે.

૨૪૩૭. જો કે વાદવિવાદ વખતે બળવાન હોય છે. (પણ) જયારે તેને એક પણ ઘરાક નથી, ત્યારે તે મરેલો અને પસાર થયેલો છે.

૨૪૩૮. મારો ખરીદનાર ખુદા છે, તે મને ઉપર ખેંચે છે. કારણ કે “ખુદાએ ખરીદેલ છે” (આયત),

૨૪૩૯. મારી કુરબાનીનું ઈનામ તે કીર્તિવંતની સુંદરતા છે. હું કાયદેસરની રોજીની માફક, મારી કુરબાનીમાં આનંદ અનુભવું છું.

૨૪૪૦. આ નાદાર ઘરાકોને છોડી દે. એક મૂઠીભર માટી શું ખરીદ કરી શકશે?

૨૪૪૧. માટી ન ખા. માટી ન ખરીદ, માટી શોધ નહિ, કારણકે માટી ખાનાર હંમેશાં ફિક્કા ચહેરાનો હોય છે.

૨૪૪૨. (ખુદાઈ પ્રેમમાં) તારું કાળજું ચાવ. કે જેથી તું હંમેશાં જુવાન રહે, (અને તેથી) તારો ચહેરો 'અર્ગવાં' ની માફક ખુદાઈ પ્રકાશથી (ગુલાબી) બને.

૨૪૪૩. ઓ માલિક, આ ભેટ અમારા કાર્યના માપથી પર છે. ખરેખર તારી દયાનું ઈનામ તારી અકલ્પિત દયા જ છે.

હ. પયગઅર સાહેબનો પેલા બીમારને ઠપકો આપવો અને [વાર્તાનો] અંત.

૨૪૫૬. પયગમ્બર સાહેબે જ્યારે તેઓ દુઃખ ભોગવતા મિત્રને મળવા ગયા. ત્યારે પેલા બીમાર માણસને કહ્યું,

૨૪૫૭. કદાચ તેં ખાસ જાતની દુઆ માગી હશે. અને અજ્ઞાનતાથી કાંઈ ઝેરવાળો ખોરાક ખાધો હશે.

૨૪૫૮. તમોએ કરેલી દુઆ યાદ કરો, (તે વખતે) તમે નફસે અમ્મારાના કપટમા લપટાએલા હતા.”

૨૪૫૯. તેણે જવાબ દીધો, “મને યાદ નથી. પણ મારા તરફ (તમારી રૂહાની) અસર ફેંકો અને (તે) દુઆ મારી યાદીમાં એક પળમાં આવી જાય.”

૨૪૬૦. હ. મુહમ્મદ (૨. સ. અ.)ની પ્રકાશ આપતી હાજરીથી પેલી દુઆ તેની યાદીમાં આવી ગઈ.

૨૪૬૨. દિલ અને દિલ વચ્ચેની બારીમાંથી સત્ય અને અસત્યને અલગ પાડતો પ્રકાશ ઝબક્યો.

૨૪૬૩. તેણે કહ્યું, “હવે જુઓ. ઓ નબી સાહેબ, હવે મને તે યાદ આવી છે, જે દુઆ હું ઉધ્ધતાઈથી મૂર્ખપણે બોલ્યો.

૨૪૬૪. જ્યારે હું પાપી કાર્યો કરવાં જકડાયેલો હતો, અને (તેમાં) ડૂબતાં તણખલાઓ પકડતો હતો.

૨૪૬૫. (જ્યારે) તમારા તરફથી પાપીઓને ખૂબજ ભયંકર સજાની ધમકી આવી રહી હતી.

૨૪૬૬. (અને) હું ઉશ્કેરાતો જતો (ગુસ્સે થતો) હતો અને (મારા માટે) મદદની આશા ન હતી, સાંકળો સખત ભીડાઈ ગઈ હતી, ખુલે નહિ તેવું તાળું (વાસેલું હતું).

૨૪૬૭. ધીરજ માટે જગ્યા ન હતી. ભાગી છૂટવાનો રસ્તો ન હતો, પશ્ચાતાપ કરવાની આશા ન હતી. બળવો કરવાનો મોકો ન હતો.

૨૪૬૮. હું હારૂત અને મારૂતની માફક દિલગીરીની આહો ભરતો હતો. અને કહેતો હતો, “ઓ મારા પેદા કરનાર.”

૨૪૬૯. કારણ કે હારૂત અને મારૂતે (ક્યામતના દિવસના) ખૌફથી બચવા, ખુલ્લી રીતે બેબીલોનનો કૂવો પસંદ કર્યો.

૨૪૭૦. તેથી તેઓ પેલી આવતી દુનિયાની સજા (ભોગવવાને બદલે) આ (દુનિયામાં ) ભોગવે. તેઓ લુચ્ચા, બુદ્ધિવાન અને જાદુગર જેવા હતા.

૨૪૭૧. તેઓએ સારું કર્યું અને તેઓને લાયક હતું. ધુમાડાનું દુઃખ અગ્નિના દુઃખ કરતાં ઓછું ભારે છે,

૨૪૭૨. (ભવિષ્યની) દુનિયાનું દુઃખ વર્ણન કરી શકાય તેવું નથી. તેની સરખામણીમાં આ દુનિયાનું દુઃખ હલકું છે.

૨૪૭૫. હું કહેતો હતો, “ઓ માલિક, મારા પર આ દુનિયાની સજા જલ્દીથી મોકલ.

૨૪૭૬. તેથી હું પેલી પારની દુનિયામાં (તેમાંથી) છૂટ મેળવું. લગભગ આવી જાતની દુઆ તેના દ્વાર પર ઠોકતો હતો.

૨૪૭૭. ત્યારથી આવી (દર્દમય) બીમારી મારામાં દેખાઈ છે. દુ:ખ થકી મારો આત્મા આરામથી વંચિત બન્યો છે.

૨૪૭૮. હું ખુદાની યાદી કે દુઆ કરવા માટે અશક્ત બન્યો છું. મેં (બધા) ભલા અને બૂરાથી મને બેભાન બનાવ્યો છે.

૨૪૭૯. જો મેં તમારો ચહેરો અત્યારે ન જોયો હોત, ઓ તમો કે જેઓની સુવાસ નશીબવંતી અને આર્શીવાદિત છે.

૨૪૮૦. હું (આ જિંદગીના) બંધનમાંથી તદ્દન પસાર થઈ ગયો હોત, (મૃત્યું પામ્યો હોત). તમોએ દયાળુપણે આ હમદર્દી મારા પર વરસાવી છે.”

૨૪૮૧. પયગમ્બર સાહેબે કહ્યું, એય, આ દુઆ ફરીવાર માગતો નહિ. જમીન અને મૂળિયામાંથી પોતાને ખોદી નાખતા નહિ.

૨૪૮૨. ઓ કંગાળ કીડી, આવા ભવ્ય પર્વત જેવું (વજન) સહન કરવાને તમારામાં કઈ શક્તિ છે?

૨૪૮૩. તેણે જવાબ આપ્યો, “ઓ બાદશાહ, હું પશ્ચાતાપ કરી કહું છું કે, કોઈ પણ સંજોગામાં હું હવે દુષ્ટતાપૂર્વક (આવી) બડાઈ નહિ કરું.”

૨૪૮૫. આપણે વર્ષોથી મુસાફરી કરીએ છીએ. અને અંતમાં હજી (મુસાફરીના) પહેલા તબક્કામાં બંદીવાન છીએ.

૨૪૮૬. જો હ. મુસાનું દિલ આપણાથી રાજી થયું હોત તો, રણમાંથી આગળ સરહદ સુધીનો રસ્તો તેના થકી (આપણને) મળ્યો હોત.

હ. પયગબર (૨. સ. અ.)નું બીમારને મનાઈ હુકમ કરવો અને દુઆ માગતાં શીખવાડવા વિષે.

૨૫૫૧. હજરત પયગમ્બર સાહેબે બીમાર માણસને કહ્યું, “આમ કહે, ઓ તું કે જે સખતને, સહેલું બનાવે છે,

૨૫૫૨. અત્યારના અમારા રહેઠાણ પર પણ ભલાઈ કર, અને ભવિષ્યના રહેઠાણ પર પણ ભલાઈ કરજે.

૨૫૫૩. અમારા માટે બગીચાની માફક રસ્તો અનુકૂળ કરજે, અમારી આખરી મંજિલ ઓ કીર્તિવંત તુંજ છો.”

૨૫૯૪. એવો વેપાર શીખ કે હવે પછી, ખુદાની માફી તારી આવક તરીકે આવતી થાય.

૨૫૯૫. પેલી પારની દુનિયા વેપાર વણજથી ભરપૂર શહેર છે. એમ નહિ વિચાર કે, અહીંજ કમાઈ કરવી પૂરતી છે.

૨૫૯૬. મહાન ખુદાએ ફરમાવ્યું છે કે, પેલી દુનિયાની કમાણીના હિસાબમાં (આ) દુનિયાની કમાણી, માત્ર બચ્ચાંની રમત જેવી છે.

૨૫૯૭. જેવી રીતે તે બાળક બાળકથી ટેવાય છે, તેવી રીતે, દોસ્તની શકલ પેદા કર. જેથી નિકટતા પ્રાપ્ત થાય.