મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી
વાર્તા - ૫
વાર્તા - ૫
૧૮૭૭. હ. પયગમ્બર સાહેબે ફરમાવ્યું છે કે “ડહાપણમાંથી (બહાર આવતી) દુશ્મની, મૂર્ખામાંથી આવતા પ્રેમ કરતાં વધુ ઉત્તમ છે.
એક સૂતેલા માણસના મોંમાં સર્પનું જવું અને એક અમીરે (તેને) ત્રાસ આપવો તે વિષે
૧૮૭૮. એક ડાહ્યો માણસ રસ્તા પરથી ઘોડેસવાર થઈને જતો હતો, (તે પળે કે જ્યારે) એક સૂતેલા માણસના મોંમાં સર્પ જતો હતો.
૧૮૭૯. ઘોડેસ્વારે તે જોયું, અને ઉતાવળથી તે સર્પને અટકાવવા જતો હતો, (પણ) (તેમ કરવાનો) તેને મોકો મલ્યો નહિ.
૧૮૮૦, જ્યારે તેને ભરપૂર સમજશક્તિ પ્રાપ્ત થયેલી હતી, તેણે પેલા સૂતેલાને કેટલાંય જોર શોરથી ચાબુક લગાવ્યા.
૧૮૮૧. ચાબખાના સખત મારથી નાસવા, એક ઝાડ નીચે તેણે આશરો લીધો.
૧૮૮૨. ત્યાં કેટલાંય સડેલાં સફરજનો હતાં. કે જે (ઝાડ પરથી) નીચે પડેલાં હતાં, તેણે (ઘોડેસ્વારે) તેને કહ્યું, “ઓ દર્દમાં ઘેરાએલા, આ ખાવામાંડ.
૧૮૮૩. તેણે પેલા માણસને એટલાં બધાં સફરજન ખાવા આપ્યાં કે, તે તેના મોંમાંથી ફરીવાર પડી જતાં હતાં.
૧૮૮૪. તે રડતો હતો, “ઓ અમીર, આજીજી કરી કહું છું કે, તું શા માટે મારી પાછળ પડયો છે? મેં તારું શું કર્યું (શું બગાડયું) છે?”
૧૮૮૫. જો તમને મારા તરફ જૂની દુશ્મનાવટ છે. તો મને તમારી તલવારથી મારો અને જલ્દી મારું ખૂન કરો.
૧૮૮૬. હું તમારી દ્રષ્ટિએ પડયો ત્યારે અશુભ ચોઘડિયું હશે. આહ, તે ઘણો સુખી છે કે જેણે તમારો ચહેરો જોયો ન હોય?
૧૮૮૭. કોઈપણ ભૂલ વગર, કોઈપણ પાપ વગર કે કોઈપણ નાનું મોટું (અજુગતું) કર્યા વગર, આવો જુલમ પાખંડીઓ પર (પણ) વાજબી નથી.
૧૮૮૮. મારા મોંમાંથી શબ્દોની સાથે લોહી પણ વહી રહ્યું છે, ઓ ખુદા, તારા છત્ર નીચે તેણે (કરેલા પાપનો) બદલો આપજે.”
૧૮૮૯. દરેક પળે તેને શ્રાપ દેતો હતો. (જ્યારે) તે (ઘોડેસ્વાર) ચાલુ મારતો હતો અને કહેતો, "આ મેદાનમાં દોડ."
૧૮૯૦. ચાબુકના ફટકા, અને ઘોડેસ્વાર, પવન માફક (વેગીલો). (તેથી) પેલો દોડતાં દોડતાં અવારનવાર માથાભેર પડતો હતો.
૧૮૯૧. તેણે પેટ ભરીને ખાધું હતું. ઊંઘમાંથી ઊઠેલો, થાકેલો હતો. એક લાખ જખમ (ખાધા હોય તેવો) તેનો ચહેરો અને પગ બન્યા.
૧૮૯૨. રાત પડી ત્યાં સુધી પેલા (ઘોડેસ્વારે) તેને આમથી તેમ દોડાવ્યો, આખરે પિત્ત વધી જતાં ઊલટીઓ થઈ.
૧૮૯૩. જે પણ ચીજો સારી કે ખરાબ તેણે ખાધી હતી. તે બહાર આવી અને જે તેણે ખાધેલું તેની સાથે પેલો સર્પ પણ બહાર આવ્યો.
૧૮૯૪. જ્યારે તેણે પોતામાંથી શર્પ બહાર આવેલો જોયો. કે તે પેલા લાભદાયી અમીરની ઘૂંટણીએ પડયો.
૧૮૯૫. જેવી તેણે કાળા, કદરૂપા, મોટા સર્પની ભયંકરતા નિહાળી, પેલી દિલગીરીઓ ખલાસ થઈ ગઈ.
૧૮૯૬. તેણે કહ્યું, “ખરેખર તમો (ખુદાઈ) રહેમતના જીબ્રાઈલ છો, અથવા તમે ખુદા છો, કારણ કે તમે ઉદારતાના માલિક છો.”
૧૮૯૭. અરે, જ્યારે તમે મને જોયો તે વખતને ધન્ય છે, હું મરેલેા હતો. તમે મને જિંદગી આપી છે.
૧૮૯૮. મા (બચ્ચાંને) શોધે તેમ તમે મને શોધતા હતા, અને હું તમારાથી ગધેડાની માફક ભાગતો હતો.
૧૮૯૯. ગધેડો તેના માલિકથી મૂર્ખાઈપણા અંગે ભાગે છે. તેના માલિક (તેની) પાછળ સારા ઈરાદાથી (દેોડે છે).
૧૯૦૦. તે તેને નફા કે નુકશાન ખાતર નથી શોધતો. પણ એટલા માટે કે વરુ કે (બીજું) જંગલી જાનવર તેને ફાડી ન ખાય.
૧૯૦૧. અરે તેજ સુખી છે કે જે તમારા ચહેરાની કલ્પના કરે અથવા ઓચિંતો તમારા શરીર પર પ્રકાશ કરે.
૧૯૦૨. ઓ તમે કે જેઓનાં પવિત્ર રૂહાનીએ વખાણ કર્યાં હતાં, હું તમારા તરફ કેટલા મૂર્ખતા ભરેલા અસભ્ય શબ્દો બોલ્યો હતો ?
૧૯૦૩. ઓ માલિક અને બાદશાહ અને અમીર, હું બોલ્યો ન હતો પણ મારી મૂર્ખાઈ બોલી હતી. તે (ગુન્હાની) મને સજા ન કરતા.
૧૯૦૪. જો મેં એક કણ જેટલું પણ આ સાંભળ્યું હોત, તો મેં (આ) મૂર્ખાઈ ભરેલા શબ્દો કેમ ઉચ્ચાર્યા હોત?
૧૯૦૫ હું તમારા વખાણ માટે ઘણું બોલ્યો હોત! ઓ ભલા માણસ, (ખરી) હકીકતની જરા જેટલી ચેતવણી, મને જો તમોએ આપી હોત.
૧૯૦૬. પણ તમે ચૂપ રહ્યા, વ્યાકુળતા બતાવી અને શાંતિથી મારા માથા પર મારવું ચાલુ રાખ્યું,
૧૯૦૭. મારું માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું, અને મારા માથામાંથી સમજશક્તિ ચાલી ગઈ, ખાસ કરીને આ માથાને (માત્ર) નાનું મગજ છે (સમજણ ઓછી છે).
૧૯૦૮. ઓ ઉજળા ચહેરાવાળા અને ઉજળા કાર્યોવાળા ભલા ઇન્સાન, મને માફ કર, મેં ઉન્માદમાં કહેલું ભૂલી જાઓ.
૧૯૦૯. તેણે જવાબ આપ્યો, જો મેં તેમાંથી કાંઈ પણ વાત કરી હોત તો, તમારું પિત્ત તેજ પળે પાણીમાં ફેરવાઈ ગયું હોત.
૧૯૧૦. જો મેં તે સર્પનું વર્ણન કર્યું હોત, તો ભયના અંગે જીવન ઘટી જાત.
૧૯૧૧. હજરત મુસ્તફાએ ફરમાવ્યું છેઃ તમારા આત્મામાં પેસેલા દુશ્મનની હકીકત જો તમને સત્ય રીતે કહું તો,
૧૯૧૨. હિંમતવાળા માણસોનું પણ પિત્તાશય ફાટી જાત, ને (આવો માણસ) પોતાને રસ્તે જઈ ન શકે, કે બીજા કોઈ કાર્યની દરકાર ન કરે…
૧૯૧૩. તેના દિલની અંદર ઈબાદત કરવાની સહનશીલતા ન રહે, કે ન રહે નમાજ અને રોજા રાખવાની શક્તિ !
૧૯૧૪. તે બિલાડીની સમક્ષ ઉંદરની માફક નકામો બની રહે, તે વરુની સમક્ષ ઘેટાની માફક કંગાળ બની રહે.
૧૯૧૫. તેનામાં નાસવાની શક્તિ કે યોજના જ ન રહે. એટલા માટે જ કાંઈ પણ બોલ્યા સિવાય મેં સંભાળ લીધી.
૧૯૨૩. (જો મેં તને સર્પ વિષે કાંઈ કહ્યું હોત) તો તમો કાંઈ પણ ખાઈ શકવાને શક્તિમાન ન હોત, અને ઊલટી કરવાને પણ શક્તિમાન ન હોત અથવા (તેમ કરવાની) દરકાર ન હોત.
૧૯૨૭. માણસ કે જેને આ દુઃખમાંથી છોડાવવામાં આવ્યો, તે તેના ઘૂંટણમાં પડતો હતો અને કહેતો હતો, “ઓ મારા સદભાગ્ય અને ખજાના, તું (મારું) પરમસુખ છે.”
૧૯૪૪. ખામીના વાળને તારી બંને આંખોથી સાફ કર, કે જેથી તું અદ્રશ્ય દુનિયાના બાગ અને શરુના ઝાડોનો ક્યારો જુએ.
૧૯૪૫. તારા ગળાં અને નાકમાંથી કફ કાઢી નાખ, કે જેથી ખુદાઈ પવન તારી (રૂહાનીના) મધ્યમાં સમજણની સુવાસ પાથરે.
૧૯૫૦ અને જો તું તેમ કરવાને અશક્ત છો તો, (ખુદાઈ) દયાના કાબા તરફ ઊંડ, તે મદદગાર પાસે તારી અશક્તિ જાહેર કર.
૧૯૫૧. ગીરિયાઝારી અને રુદન એ જોરાવર જથ્થો છે. "અકલેકુલ્લ"ની દયા એ સૌથી જોરાવર આયા છે.
૧૯૫૨. આયા અને માતા બહાનું શોધે છે, (રાહ જુએ છે કે) ક્યારે તેણીનું બાળક રોવું શરૂ કરશે.
૧૯૫૩. તેણે (ખુદાએ) બાળક પેદા કર્યું, એટલા માટે કે તેણે રોવું જોઈએ અને જેથી (પછી) દૂધ તેના માટે બનાવવામાં આવે.
૧૯૫૪. તેણે કહ્યું, “તમે ખુદાને સાદ કરો” આક્રંદ કરવામાંથી બાકાત ન રહેતો, એટલા માટે કે તેના પ્યારનું માયાળુ દૂધ વહેતું થાય.
૧૯૫૫. પવનના ઝપાટા (વરસાદ જેવું) વાદળમાંથી વહેતું દૂધ, આપણી સંભાળ માટે છે. એક પળ માટે ધીરજ ધર !
૧૯૫૬. (આ આયત) શું તેં સાંભળી નથી? “આસમાનમાં તારી હંમેશની રોજી છે.” શા કારણે આ નીચી જગ્યાએ તું ખૂંચી ગયો છે?
૧૯૫૮. દરેક કહેણ જે તને ઊંચે લઈ જાય છે, તો જાણ કે સંદેશ ઊંચેથી આવ્યો છે.
એક બહાદુર માણસે (અજગરની) ભીંસમાંથી રીંછને છોડાવ્યો.
૧૯૭૦. જ્યારે રીંછે અજગર વિરુદ્ધ મદદ માટે રાડ પાડી, એક બહાદુર માણસે (અજગરની) ભીંસમાંથી તેને છોડાવ્યો.
૧૯૭૧. ચતુરાઈ અને હિંમતે એક બીજાને મદદ કરી. આ જોર થકી તેણે અજગરને સંહાર્યો.
૧૯૭૬. તમારી આંખને પ્રકાશ તરફ (જોવાની) ટેવ પાડો. તમે ચામાચીડિયું ન હોતો પેલી દિશામાં જુઓ.
૧૯૭૭. અંતનું દૃશ્ય એ તમારી “નૂર” મેળવ્યાની નિશાની છે, એક પળની વિષયવાસના એ સત્ય જોતાં (અંધારી) કબર છે.
૧૯૮૬. તમારા વિચાર બહારનું રૂપ છે. અને તેનો વિચાર એ રૂહ છે. તારો સિકકો ખોટો છે અને તેનો સિકકો ખાણ (જેવો) (ચોકખો) છે.
૧૯૮૭. તમે (હકીકતમાં) તે છો. તારા પોતાને તેના 'તે' માં શોધ, 'કુ' 'કુ' કહે. તેના તરફ (ઊડતો) હોલો બની જા.
૧૯૮૮. અને જો તને પવિત્ર પુરુષની ખિજમત કરવી પસંદ ન હોય તો તો તું રીંછની માફક અજગરના મોંમાં છો.
૧૯૯૦. જ્યારે તમારામાં શક્તિ નથી, (તો) આક્રંદ કરવું ચાલુ રાખો. જ્યારે તમે આંધળા છો, તો ધ્યાન રાખો તે કે જે રસ્તો જુએ છે, તેનાથી તમારો ચહેરો ફેરેવો નહિ.
૧૯૯૧. તમે રીંછ કરતા ઓછા (ખરાબ) છો, તમે દુઃખ માટે અફ્સોસ કરતા નથી. રીંછને, જ્યારે તેણે રાડ પાડી, ત્યારે દુઃખમાંથી છોડાવવામાં આવ્યું.
રીંછ અને પેલો મૂર્ખ કે જેણે રીંછમાં ભલો વિશ્વાસ મૂક્યો તેની ચાલુ વાત.
૨૦૧૦, રીંછને જ્યારે અજગર પાસેથી છોડાવવામાં આવ્યું. અને પેલા બહાદુર માણસ પાસેથી આટલું (બધું) હેત મેળવ્યું.
૨૦૧૧. ગુફાના માણસોના કૂતરાની માફક. પેલું ગરીબ રીંછ તેના પગને કે જેણે છોડાવવાનો શ્રમ લીધો હતો. તેનું દાસ બની ગયું.
૨૦૧૨. પેલો મુસ્લિમ, થાક ને કારણે પોતાનું માથું (આરામ કરવા) સૂવા માટે મૂક્યું. રીંછ ભક્તિભાવ થકી (તેનું) ચોકીદાર બન્યું.
૨૦૧૩. અમુક માણસ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું, “ઓ ભાઈ, શું (સંબંધી) થયા છો?”
૨૦૧૪, તેણે ખેડેલું જોખમ કહી સંભળાવ્યું, “ઓઃ મૂર્ખ, તારું દિલ રીંછ ઉપર ન ચોંટાડ!”
૨૦૧૫. મૂર્ખની દોસ્તી (તેની) દુશ્મની કરતાં ખરાબ છે, તે (રીંછ)ને કોઈ પણ હિસાબે તારે હંકારી કાઢવું જોઈએ.”
૨૦૧૬. તેણે (રીંછ વાળાએ) (પોતાના મનમાં) કહ્યું, “ખુદાના કસમ, આ તેણે અદેખાઈ અંગે કહ્યું છે, નહિતર, તું શા માટે રીંછપણું જ જુએ છે? આ હેત જો.”
૨૦૧૭. પેલાએ કહ્યું, “મૂર્ખનું હેત છેતરે છે, આ મારી અદેખાઈ તેના હેત કરતાં વધુ ઉત્તમ છે.”
૨૦૧૮. સાંભળ, મારી સાથે ચાલ અને આ રીંછને હાંકી કાઢ. (તમારા દોસ્ત તરીકે) રીંછને પસંદ નહિ કરો, તારી પોતાની જાતવાળાને હાંકી ન કાઢ.”
૨૦૧૯. તેણે કહ્યું, “જા, ચાલ્યો જા, ઓ અદેખા, તારું પોતાનું કામ કર. પેલાએ કહ્યું.” “આ મારું કામ હતું. અને (મારી સલાહને અનુસરવાનું) તારા નશીબમાં નથી.
૨૦૨૦. ઓ અમીર, હું કાંઈ રીંછથી હલકો નથી. તેને છોડી દે, એટલા માટે કે હું તારો સાથીદાર બનું.
૨૦૨૧. મારું દિલ ચિંતામાં ધ્રુજે છે, આના જેવા રીછ સાથે જંગલમાં જતો નહિ.
૨૦૨૨. આ મારું દિલ કદી નકામુ ધ્રુજતું નથી આ “નૂરે હક” છે. આ કાંઈ ઢોંગ કે ખોટી બડાઈ નથી.
૨૦૨૩. હું સાચો ઇમાનદાર છું. કે જે “ખુદાના નૂર'થી જોનાર બન્યો છું. ખબરદાર ચેતતો રહે, આ અગ્નિના દેવળથી ભાગી જા.”
૨૦૨૪. તેણે આટલું બધું કહ્યું, અને તે તેના કાનમાં ન ઉતર્યું. માણસને શંકા, એ મોટો અટકાવ છે.
૨૦૨૫. તેણે તેનો હાથ પકડ્યો, અને તેણે (રીંછવાળાએ) પોતાનો હાથ ખેંચી લીધો. પેલાએ કહ્યું, “હું જઈશ કારણ કે તમે સાચી દોરવણી (મેળવનાર) દોસ્ત નથી.”
૨૦૨૬. પેલો બૂમ પાડી કહે, “જાઓ, મારા માટે તકલીફ ન લો, ઓ માથું મારનાર, તારું આટલું બધું ડહાપણ ન બતાવ.”
૨૦૨૭. તેણે તેને જવાબ આપ્યો, “હું તમારો દુશ્મન નથી, જો તમે મારી પાછળ આવશો તો તમારી મહેરબાની થશે.”
૨૦૨૮. તેણે કહ્યું, “મને ઊંઘ આવે છે, મને એકલો રહેવા દો. જાઓ.
૨૦૨૯. તેણે જવાબ આપ્યો, મહેરબાની કરી તમારા દોસ્તને છોડી ન આપો, કે જેથી તમે સંતની સલામતીમાં સૂઈ શકો, (ખુદા)ના ચાહકના રક્ષણમાં (સૂઓ).”
૨૦૩૦. તેના (રીંછના) હેતે (આ રીંછવાળા) માણસને કલ્પનામાં ધકેલી દીધો. તે ગુસ્સે થયો અને જલ્દીથી ચહેરો ફેરવી લીધો.
૨૦૩૧. ધારી લીધું, કદાચ આ માણસ મારા પર હુમલો કરવા આવ્યો છે. ખૂની લાગે છે, (કદાચ) કાંઈ મેળવવાની આશા હોઈ, ભિખારી હોય કે દલાલ હોય !
૨૦૩૨. અથવા તો તેણે તેના દોસ્તો સાથે સરત મારી હોય કે, તે મને આ મારા સાથીદારથી બાંધેલા બનાવશે.
૨૦૩૩. તેના દિલના દુષ્ટપણામાંથી તેના બધા વિચારમાં એકપણ સારી અટકળ આવી નહિ.
૨૦૩૪. તેના તમામ સારા અભિપ્રાયો રીંછ માટે હતા. ખાત્રીપૂર્વક, તે રીંછની જાતનો જ હતો.
૨૦૩૫. કૂતરાપણા અંગે તેણે સંત ઉપર શક આણ્યો અને રીંછને માયાળુ અને ન્યાયી જોયો.
(સોનાના) વાછરડાને પુજનારાઓમાંના એકને હજરત મૂસાએ કહ્યું; તારા વૃથા શંકાવાદ અને સાવચેતીનું (શું થયું)?
૨૦૩૭. (હજરત મુસાએ કહ્યું) તું મારા પયગમ્બરપણા માટેની, આ સાબિતીઓ અને આ ઉમદા ખાસિયત (જે મેં બતાવી) તેને ન ગણકારતા, તું સો શંકાઓ સેવી !
૨૦૩૮. તેં મારામાંથી લાખો મોજીજા જોયા હતા. (અને બધો વખત) સો ધારણાઓ અને શકો અને (વૃથા) મતમતાંતર તારામાં ઊગતા હતા.
૨૦૩૯. તું ભયંકર રીતે કલ્પના અને સેતાનીક સૂચનાઓથી દબાએલો હતો. તું મારા પયગમ્બરપણા તરફ હાવભાવ વડે અપમાન કરતો હતો.
૨૦૪૦. મેં તારી આંખ આગળ દરિયામાંથી ધૂળ ઉડાડી. તેથી તું ફીરઓનના માણસોના દુષ્ટપણામાંથી છૂટકારો મેળવે.
૨૦૪૧. ચાલીસ વર્ષો સુધી આસમાનમાંથી ખાવાના થાળ આવ્યા, અને મારી દુઆથી ખડકમાંથી નદી વહેતી થઈ.
૨૦૪૨. ઓ ઠંડા (સખત દિલના) માણસ સો વખતના (મોજીજા) અને આ બધી સાબિતીઓ, તારામાંથી વૃથા કલ્પનાઓને હટાવી શકેલ નથી.
૨૦૪૩. જાદુ થકી પેલા વાછરડાએ બૂમ પાડી, (પછી) તું સિજદામાં પડ્યો, એમ કહીને “તું મારો ખુદા છે.”
૨૦૪૪. (પણ) પેલા અનુમાનો એક પ્રલયની માફક ઉખડી ગયાં. અને તારી મૂર્ખાઈ ભરેલી કુનેહ સુવા ગઈ.
૨૦૪૫. તેના (સામીરી)ના કાર્યમાં તમને શંકાઓ કેમ ન આવી? ઓ કદરૂપા, પેલાની માફક તેં તારું માથું (સિજદામાં વાછરડા આગળ) કેમ મૂક્યું?
૨૦૪૬. મૂર્ખાઓને પકડતા જાદુના ઢોંગનો, અને તેની સજાનો કોઈ વિચાર તને કેમ ન આવ્યો?
૨૦૪૭. ઓ તમે કૂતરાઓ, ખરેખર સામીરી કોણ છે? કે તે દુનિયામાં ખુદાને કાપી શકે?
૨૦૪૯. વૃથા બડાઈના (જોરમાં) એક ગાયનું બચ્ચું, ખુદાની માફક મળવાને લાયક છે? જ્યારે મારી પાસે પયગમ્બરપણાની સો દલીલો છે.
૨૦૫૦. મંદબુદ્ધિ અંગે મૂર્ખાઈપણાથી, તેં વાછરડાની આગળ સિજદામાં પોતાને નાખ્યો, સામીરીના જાદુની તારી સમજણ શિકાર બની ગઈ.
૨૦૫૧. કીર્તિવંત ખુદાના “નૂર”થી દૂર, તારી આંગળીને તું ચોરી ગયો. આ તારે માટે ભયંકર મૂર્ખતા, અરે વિનાશનું સત્વ છે.
૨૦૬૨. જ્યારે તે કે જે ખુદાથી અજ્ઞાન છે, અને તેની દિલગીરી (પ્રેમથી) અજાણ છે, કેટલી બધી વાર તેને બતાવવું, (છતાં) તેણે તે જોયું નહિ.
૨૦૬૩. દિલની આરસી ચોકખી હોવી જોઈએ. એટલા માટે કે તેમાં તમે કદરૂપુ અને ખૂબસૂરત જાણી શકો.
સાચી સલાહ આપનાર, ઠપકાના રૂપમાં (પોતાથી બનતું કર્યા પછી, તે કે જે રીંછમાં ભરોસો રાખનાર બન્યો હતો) તેનાથી છૂટો પડ્યો તે વિષે
૨૦૬૪. પેલો મુસલમાન આ મૂર્ખથી છૂટો પડ્યો, ઉતાવળથી “લાહૌલ” મનમાં બોલી (પોતાના રહેઠાણે) પાછો ફર્યો.
૨૦૬૫. તેણે કહ્યું, “મારા ઉત્સાહી ઠપકામાં અને તેની સાથેના વાદવિવાદમાં (માત્ર પરીણામ એ આવ્યું છે) કે વૃથા કલ્પનાઓ તેના મગજમાં વધુ ઉત્પન્ન થઈ છે.
૨૦૬૬. તેથી ઠપકાનો અને સલાહને રસ્તે અટકાવેલો બને છે. (ખુદાઈ) હુકમ ‘“તેઓથી દૂર હટી જાઓ” આવી ગયેલ છે.
૨૦૬૭. જ્યારે તમારી દવા તેના દર્દને વધારે છે, તો પછી (તેને છોડી દો) (સત્ય સાંભળનારને) તમારી વાત કહો. વાંચો (આયત) "સબસ".
૨૦૭૯. ઓ અહમદ, અહીં સંપત્તિ કાંઈ કામની નથી. પ્રેમથી ભરેલું દર્દ અને નિસાસામય દિલની જરૂર છે.
૨૦૮૦. દિલનો પ્રકાશિત આંધળો માણસ આવ્યો છે, દરવાજો બંધ ન કર, તેને સલાહ દે, કારણકે સલાહ માટેનો તેનો હક છે.
રીંછના માયાળુપણામાં પેલા મગરૂર માણસને વિશ્વાસ મૂકવા વિશેનો અંત
૨૧૨૪. પેલો માણસ ઊંઘમાં પડ્યો, અને રીંછ માખીઓને ઉડાડી મૂકતો હતો.
૨૧૨૫. તેણે યુવાનના ચહેરા પરથી માખીઓને કેટલીયવાર ઉડાડી, પણ તેઓ તુર્તજ ફરીવાર ઉતાવળથી આવી પહોંચતી હતી.
૨૧૨૬. રીંછ (આથી) માખીઓથી ગુસ્સે થયો અને ઊઠયો. તેણે ડુંગરની બાજુએથી એક મોટો પત્થર ઉપાડયો.
૨૧૨૭. તે પત્થર લઈ આવ્યો, અને સૂતેલાના ચહેરા પર માખીઓ ફરીવાર આરામથી બેસેલી જોઈ.
૨૧૨૮. તેણે તે ઘંટીના પડ (જેવો પત્થર) ઉપાડ્યો અને માખીઓ ઉપર માર્યો. એટલા માટે કે માખીઓ ભાગી જાય!
૨૧૨૯. પત્થરે સૂતેલા માણસના ચહેરાનો ભૂકકો કરી નાખ્યો, અને આખી દુનિયામાં આ કહેવતને પ્રસિધ્ધ કરી.
૨૧૩૦. “મૂર્ખનો પ્રેમ તે ખરેખર રીંછનો પ્રેમ છે. ”તેનું ધિકકારવું એ પ્રેમ છે, અને તેનો પ્રેમ એ ધિકકાર છે.