Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૪

વાર્તા - ૪

0:000:00

એક તત્વવેત્તાનું (કુરાનની આયતમાં) અવિશ્વાસ બતાવવો. “જે તમારું પાણી જમીનમાં ડૂબી જાય.”

૧૬૩૩. એક (કુરાન પઢાવનાર) શિક્ષક કુરાનના પાનામાંથી વાંચતો હતો, (જો) "હું ઝરા સુધી પાણી પહોંચતાં અટકાવું.

૧૬૩૪. અને પાણીને તેના તળિયે છૂપાવું અને ઝરાને સૂકવી નાખું અને દુકાળની જગ્યા (બનાવું).

૧૬૩૫. હું કે જે કીર્તિવંતનો કીર્તિવંત છું. તેના સિવાય તેવાં ઊંડા પાણીને ઝરામાં પાછું કોણ લાવશે?”

૧૬૩૬. એક ધિક્કારવા લાયક ફિલસૂફ અને પ્રમાણશાસ્ત્રી, તે પળે નિશાળની બાજુએથી પસાર થતો હતો.

૧૬૩૭. જ્યારે તેણે (આ કુરાનની) આયાત સાંભળી, ત્યારે તેણે તેના ઈન્કારમાં કહ્યું, "તો તે પાણી અમે પાવડા વડે પાછું લાવીએ છીએ."

૧૬૩૮. અમો ઊંડાણમાંથી થોડા ત્રીકમ અને પાવડાના ઘાથી પાણી ઉપર લાવીએ છીએ.

૧૬૩૯. રાત્રે તે નિંદ્રામાં પડયો, અને સ્વપ્નમાં (જોયું કે), એક સિંહ જેવા દિલના માણસે તેના ચહેરા પર ઘા કરી તેની બન્ને આંખો આંધળી કરી.

૧૬૪૦. અને કહ્યું, “ઓ દયાજનક પાપી, જો તું સાચું બોલતો હો તો, તારી દૃષ્ટિના ઝરામાંથી બન્ને આંખો કુહાડા વડે બહાર કાઢ.

૧૬૪૧. સવારે જ્યારે તે (પથારીમાંથી) કૂદયો ત્યારે માલમ પડયું કે તેની બન્ને આંખો આંધળી છે. તેની બંન્ને આંખોનું ભરપૂર તેજ ચાલ્યું ગયું છે,

૧૬૪૨. જો તેણે રુદન કર્યું હોત અને (ખુદાની) માફી માગી હોત, તે ચાલ્યું ગયેલું તેજ (ફરીવાર) ખુદાની રહેમતથી મેળવી શકત.

૧૬૪૩. પણ માફી માગવાની (શક્તિ) પણ, (આપણા) હાથમાં નથી. પશ્ચાતાપનો સ્વાદ દરેક મુખ ચાખી ન શકે!

૧૬૪૪. તેના કાર્યોના દુષ્ટપણા અને (સત્યના તેના) ઈન્કારના આફતપણાએ તેના દિલને પશ્ચાતાપના રસ્તેથી રોકયું હતું.

૧૬૪૫. તેનું દીલ ખડકની સપાટી જેવું કઠણ બન્યું હતું. તેમાં વાવેલો પશ્ચાતાપ કેમ ઊગે?

૧૬૬૪. તેઓ તેઓનાં કપડાં (ભલા ગુણો) ક્યાંથી લાવ્યા છે? (તેઓએ તે) બધાં, જે દયાળુ અને કીર્તિવંત છે, તેમાંથી શોધી કાઢયા છે.

૧૬૬૫. પેલી દયાઓ (ખુદાના) પ્રતિનિધિની નિશાનીઓ છે. તેઓ ખુદાઈ ખિદમતના ખાદીમ પગલાંની નિશાનીઓ છે.

૧૬૬૬. એક પુરુષ કે જેણે બાદશાહને જોયો છે, અને તેની નિશાનીથી ખુશી થયો છે. જ્યારે એકે તેને જોયો નથી, ત્યારે તેને તેની ઓળખ નથી.

૧૬૬૭. પેલાનો રૂહ કે જેણે “હું (તમારો માલિક) નથી”ના વખતે પોતાના માલિકને જોયો, અને પોતામાં જ સમાઈ જઈ નશાબાજ બન્યો.

૧૬૬૮. તે (પેલો રૂહ) તે શરાબની સુવાસ જાણે છે. કારણ કે તે તેણે (પહેલાં) પીધો હતો. જ્યારે તેણે તે પીધો નથી, તે તેની સુવાસ પામી શકે નહિ.

૧૬૬૯. કારણ કે ડહાપણ એ ખોવાઈ ગયેલા ઊંટની મિસાલ છે. બાદશાહોની હજૂરમાં આવજાવ કરનારની માફક તે દોરે છે.

૧૬૭૦. તમે સ્વપ્નામાં ખુશી પમાડતાં પુરુષનો ચહેરો જુઓ છો, કે જે તમને વચન અને નિશાની આપે છે.

૧૬૭૧. કે તમારી ઉમેદ પૂરી થશે, અહીં નિશાની છે. આ અને આવો પુરુષ તમોને આવતી કાલે મળશે.

૧૬૭૨. એક નિશાની એ છે કે ઘોડેસ્વાર હશે. એક નિશાની એ છે કે, તે તમોને તેની છાતીએ ભેટાડશે.

૧૬૭૩. એક નિશાની એ છે કે, તે તમારી આગળ હસશે. એક નિશાની એ છે કે, તે તમારી હાજરીમાં પોતાના હાથ ભેગા કરશે.

૧૬૭૪. એક નિશાની એ છે કે, જ્યારે કાલ સવાર પડશે ત્યારે આ સ્વપ્નની વાત તમે બીજાને કહેજો નહિ, એમ કરવાની ઈચ્છા થાય તો પણ નહી.

૧૬૭૫, (છેલ્લી સમજાવેલી) નિશાનીને લગતી, તેણે (ખુદાએ) હજરત યાહ્યાના પિતાને કહ્યું, ત્રણ દિવસ (પસાર થાય) તે પહેલાં તમે બોલતા નહિ.

૧૬૭૬. તારા પર જે કાંઈ વીતે છતાં, ત્રણ રાત્રી ચૂપકીદી રાખજે. આ યાહ્યાની (અવતરવાની) નિશાની બનશે.

૧૬૭૭. ત્રણ દિવસો દરમ્યાન એક શબ્દ ઉચ્ચારતો નહિ કારણકે આ ચૂપકીદી તારા ઈરાદાની નિશાની છે.

૧૬૭૮. ખબરદાર રહેજે ! આ નિશાની બોલી નાંખીશ તો નહિ. આ બાબત તારા દિલમાં સંતાડેલી રાખજે.

૧૬૭૯. તે જેનું સ્વપનું આવ્યું. તેને આ નિશાનીઓ સાકરની માફક મીઠી (જીભથી) કહેશે. આ નિશાનીઓ કઈ છે ? (તે તેને) સો નિશાનીઓ કહેશે.

૧૬૮૦. આની (પાછળ) જે નિશાનીઓ (આપે છે) તેથી તમે ખુદામાંથી (રૂહાનિયત) બાદશાહી અને શક્તિ જે તમે શોધો છો તે મેળવશો.

૧૬૮૧. કે તમે લાંબી રાત્રીઓમાં ચાલુ રુદન કરો છો, અને તમે હંમેશા સવારના પહોરમાં બંદગી કરવામાં ઉત્સાહી છો.

૧૬૮૨. જે (તમે શોધો છો) તેની ગેરહાજરીમાં તમારા દિવસો અંધકારમય બને છે. (કે) તમારી ડોક ત્રાકની માફક પાતળી બની છે.

૧૬૮૩. અને સખાવતમાં તમારી પાસે જે પણ હતું, તે આપી દીધું છે. (કે જેથી) તમારે માલસામાન (તમામ) સખાવતમાં આપી દીધો છે, કે જેમ જુગારી જુગારમાં બધું ગુમાવી દે છે.

૧૬૮૪. (કે) તમોએ તમારો સરસામાન અને ઊંધ અને તમારા ચહેરાની સુંદરતા (તંદુરસ્તી) અને તમારી જિંદગી કુરબાન કરી છે, અને વાળની માફક પાતળા બન્યા છો.

૧૬૮૫. (કે) તમે વારંવાર અગ્નિમાં બળતણના લાકડાની માફક બેઠા. તમે વારંવાર ઢાલની માફક તલવારને ભેટવા ગયા છો.

૧૬૮૬. એક લાખ આવાં નિરાધારપણાનાં કામ કરવાની (ખુદાના) પ્રેમીઓને ટેવ પડેલી હોય છે. અને (તેઓની સંખ્યા) ગણી શકાય તેવી નથી.

૧૬૮૭. તમોએ આવું સ્વપ્નું રાત્રે આવ્યા બાદ, સવાર પડે છે. પેલાની આશા અંગે તમારો દિવસ જીતનો બને છે.

૧૬૮૮. તમે તમારી નજર ડાબી અને જમણી તરફ ફેરવી છે. (અજાયબીમાં કહો છો) પેલી એંધાણી અને નિશાની ક્યાં છે?

૧૬૮૯. તમે એક પાંદડાની માફક છો. (અને કહો છો) અફસોસ જો દિવસ પૂરો થઈ જશે. અને નિશાની પસાર નહિ થાય તો?

૧૬૯૦. તમે ગલીઓમાં, બજારમાં અને ઘરોમાં, એક ગાયનું બચ્ચું ગુમાયું હોય તેમ દોડો છો.

૧૬૯૧. (કોઈ પૂછે છે) સાહેબ, શું કાંઈ શુભ સમાચાર છે? શા માટે તમે આમ તેમ દોડો છો? તમારી માલિકીનું અહીં શું ખોવાઈ ગયું છે?

૧૬૯૨. તમે તેને કહેશો, સારા સમાચાર છે, પણ તે સારા સમાચાર મારા સિવાય કોઈ જાણતું નથી.

૧૬૯૩. જો હું તે કહું, મારી નિશાની ભૂલાઈ જાય અને જો તે ભૂલાઈ તો, મૃત્યુનો વખત આવી પહોંચે.

૧૬૯૪. તમે દરેક ઘોડેસ્વારને તાકી તાકીને જુઓ છો. તે તમને કહે છે. “ મારા તરફ ગાંડાની માફક નહિ. જુઓ.”

૧૬૯૫. તમે તેને કહો છો, “મેં એક મિત્ર ગુમાવ્યો છે. હું તેને શોધવા નીકળ્યો છું.

૧૬૯૬. ઓ ઘોડેરવાર, તારૂં કિસ્મત હંમેશા ભવ્ય રહે? પ્રેમીઓ તરફ દયા રાખ અને (તેમને) દરગુજર કર.

૧૬૯૭ જ્યારે તમે તપાસ કરી છે. અને તમારી શોધ ખરા અંતઃકરણવાળી છે, ખરા અંતઃકરણની કોશિષ કદી નિષ્ફળ જતી નથી. આ (પયગંબર સાહેબની) હદીસ છે.

૧૬૯૮ ઓચિંતો આશિર્વાદી ઘોડેસ્વાર આવે છે. પછી તે તદ્દન નજીકથી તમારી છાતીને આલિંગન આપે છે.

૧૬૯૯. તમો બેભાન બનો છો. નશાની માફક પડો છો, અજાણ્યું માણસ કહે છે, “અહીં જૂઠ અને ઢોંગ છે.”

૧૭૦૦. તેનામાં આ કેવી ઉર્મિ છે તે પેલો કેમ જોઈ શકે? કોની સાથે, અને મિલનની કેવી નીશાની છે, તે પેલો જાણતો નથી.

૧૭૦૧. આ નિશાની તેનેજ કે જેણે તેને પહેલાં જોયો છે, તેને લાગુ પડે છે. બીજાની નજરે તે નિશાની કેમ દેખાશે.

૧૭૦૨. દરેક પળે પેલી નિશાની તેમાંથી આવતી હતી. એક (નવો) આત્મા પેલાના આત્મામાં દાખલ થતો હતો.

૧૭૦૩. મદદહીન મચ્છીને પાણી પહોંચ્યું હતું. આ નિશાનીઓ છે. "પેલી કિતાબની નિશાનીઓ છે."

૧૭૦૪. આથી પયગમ્બરોમાં જે નિશાનીઓ છે, તે કે જે (ખુદાનો પ્રેમી અને જાણનાર) દોસ્ત કે જે વિશિષ્ઠ (જાણકાર છે).

૧૭૧૫. આપણા બાદશાહે (ખુદાએ) પરવાનગી આપી છે (કહે છે,) “ખુદાની યાદીમાં ઉત્સવ ઉજવો” તેણે આપણામાં અગ્નિ જોયો અને આ૫ણને પ્રકાશ આપ્યો.

૧૭૧૬. તેણે કહ્યું છે, જોકે મારા માટેના ઉજવાતા ઉત્સાહમાં હું બાકાત છું, (અને જો કે) (માનવ જાતના) ચિત્રમય વિચારો મારે લાયક નથી.

હ. મુસાએ એક ભરવાડની પ્રાર્થનાને ગુન્હો ગણવા વિષે.

૧૭૨૦. હ. મૂસાએ રસ્તા પર એક ભરવાડને જોયો. કે જે કહેતો હતો, “તું (જેને ઈચ્છે છે) તેને પસંદ કરે છે.

૧૭૨૧. તું ક્યાં છે કે જેથી હું તારો નોકર બનું અને તારાં બૂટ સાંધુ અને તારું માથું ઓળાવું?

૧૭૨૨. કે જેથી હું તારાં કપડાં ધોઉં અને તારી લીખો મારી નાંખું અને તને દૂધ આપું, ઓ પૂજવાને લાયક!

૧૭૨૩. કે જેવી હું તારા નાના હાથને ચુંબન કરું. અને તારા નાના પગને ઘસું (અને જ્યારે) સૂવાનો વખત આવે ત્યારે તારો નાનો ઓરડો સાફ કરૂં.

૧૭૨૪. ઓ તું કે જેના પર મારા બધાં બકરાં કુરબાન કરું, ઓ તું કે જેની યાદીમાં આ બધી મારી આહો, અને નિસાસા છે.

૧૭૨૫. આ રીતે ભરવાડ આમ ડહાપણના શબ્દો પણ મૂર્ખતા ભરેલા બોલતો હતો. હ મૂસાએ કહ્યું, અય આદમી કોને (સંબોધે છે)?

૧૭૨૬. તેણે જવાબ આપ્યો, “તેને કે જેણે આપણને પેદા કર્યા, તેને કે જેનાથી આ આ દુનિયા અને આકાશ દૃષ્ટિમાં આવ્યા.”

૧૭૨૭. હ. મૂસાએ કહ્યું, ખબરદાર, તું બહુજ બગડી ગયો છે, ખરેખર તું ઈમાનદાર બન્યો નથી, તું નાસ્તિક બન્યો છે.

૧૭૨૮. આ બધો લવારો શું છે? આ ખુદાની નિંદા અને શો બકવાસ છે? તારા મોઢામાં રૂના ડૂચા નાખ (મોઢું બંધ કર).

૧૭૪૮. તે (ભરવાડે) કહ્યું, “ઓ મૂસા, તેં મારું મોઢું બંધ કર્યું છે, તેં મારો આત્મા પશ્ચાતાપમાં બાળી મૂક્યો છે.”

૧૭૪૯. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં, અને લાંબો નિશાસો નાખ્યો અને ઉતાવળે પોતાનું માથું જંગલ તરફ ફેરવી ચાલ્યો ગયો.

ખુદાએ હ. મુસા (અ.) ને ભરવાડના કારણે ઠપકો આપ્યો.

૧૭૫૦.હજરત મૂસાને ખુદાની વહી આવી, તેં મારા ચાકરને મારાથી જુદો કર્યો છે.

૧૭૫૧. તું (પયગંબર તરીકે) ભેગા કરવા આવ્યો છે કે, તું જુદાઈ કરાવવા?

૧૭૫૨. જ્યાં સુધી તારાથી બની શકે ત્યાં સુધી જુદાઈ માટે પગ નહિ ઉપાડ, મને (બધી) ચીજોમાં સૌથી વધારે ધિક્કારવા જેવી ચીજ “છૂટા પાડવું.” છે.

૧૭૫૩. મેં દરેક ઉપર એક ખાસ પ્રકારની કાર્યની રીત ઈનાયત કરી છે, મેં દરેકને ભાવ સમજાવતું રૂપ આપ્યું છે.

૧૭૫૪. તેના ભાવ અંગે તે વખાણને (લાયક છે). અને તારા ભાવમાં તે ઠપકાને (લાયક છે), તેના માટે તે મધ છે અને તારા માટે ઝેર.

૧૭૫૫. હું તમામ પવિત્રતા, અપવિત્રતા, આળસ અને ચપળતા (મારી યાદીમાં રહેનારથી) સ્વતંત્ર છું.

૧૭૫૬. હું મારાં વખાણ કરવા કહેતો નથી કે જેથી હું તેમાંથી ફાયદો મેળવું, “નહીં” પણ (એટલા માટે કે) હું મારા ચાકર તરફ ફાયદો કરું…!

૧૭૫૭. હિન્દુઓમાં હિન્દની વાક્ય રચના વખાણ કરવા લાયક છે. જ્યારે સિંધમાં સિંધીઓની વાક્ય રચના વખાણ કરવા લાયક છે.

૧૭૫૮. હું તેઓને (મારાં) તેઓના વખાણથી પાક કરતો નથી. તેથી તેઓ જ (પોતે) પવિત્ર બને છે. મોતી વેરે છે.

૧૭૫૯. હું તેઓની જીભ કે વાણી તરફ જોતો નથી. હું તેના અંતરની ભાવના અને (રૂહ) જોઉં છું.

૧૭૬૦. હું તેના દિલ તરફ તે નીચું(નમ્ર) છે કે નહિ, તે તાકી રહું છું. જો કે બોલાયેલા શબ્દો હલકા(નમ્ર) ન પણ હોય!

૧૭૬૧. કારણ કે દિલ છે તે જ વાસ્તવિક છે, વાણી તો (માત્ર) બનાવ છે, તેથી બનાવ એ ગૌણ છે. ખરી વસ્તુ વાસ્તવિકતા છે.

૧૭૬૨. આ વાક્યોના ભાગો અને વિચારો અને અલંકારો હજી કેટલા (વધારે)? મારી માગણી બળવાની છે બળવાની, બળવાની સાથે દોસ્ત બનવાની.

૧૭૬૩. તારા આત્માના પ્રેમનો અગ્નિ સળગાવ. વિચાર અને ભાવને તદ્દન બાળી મૂક.

૧૭૬૪. ઓ મૂસા, તેઓ કે જે પ્રચલિત રિવાજ જાણે છે, તેઓ એક જાતના છે. જેઓના આત્મા અને રૂહો બળે છે, તેઓ બીજી જાતના છે.

૧૭૬૫. પ્રેમીઓને દરેક પળે બળવાનું છે, કર અને દશોંદ નાશ પામેલા ગામડાં પર (નખાતી નથી).

૧૭૬૬. જે તે (પ્રેમી) ભૂલભરેલું બોલે, તો તેને ખોટું નહિ કહેતો, અને જે તે લોહીમાં સ્નાન કરે. (તેઓ કે જેઓ શહીદો) છે, તેને નવરાવતો નહિ.

૧૭૬૭. શહીદો માટે પાણી કરતાં લોહી વધુ સારું છે, (તેનાથી થયેલી) ભૂલ (બીજા) સો સારાં કર્તવ્યો કરતાં વધુ ઉત્તમ છે!

૧૭૬૮. કાબાની અંદર કીબલાનું રાજ અસ્તિત્વ ધરાવતું નથી. ડૂબકી મારનાર પાસે બરફના જોડા ન હોય તો શું થયું?

૧૭૬૯. નશાબાજો પાસેથી દોરવણી ન શોધ. જેઓનાં કપડાં ફાટીને ટુકડા ટુકડા થઈ ગયાં છે, તેઓને સાંધવાનો હુકમ શા માટે કરે છે?

૧૭૭૦. મહોબ્બતનો મઝહબ બીજા બધા મઝહબ કરતાં જુદો છે, કારણ કે પ્રેમીઓ માટે માત્ર મઝહબ અને પંથ (માત્ર) ખુદા છે.

૧૭૭૧. જો માણેકને (બરાબર પાસા પડેલ નથી) તેનો કાંઈ વાંધો નહિ. પ્રેમ દિલગીરીના દરિયામાં, દિલગીરી ભરેલ નથી.

હ. મૂસા પર ખુદાની વહી આવવી અને હ. મૂસાનું ભરવાડ પાસે માફી માગવું

૧૭૭૨. ત્યારબાદ ખુદાએ હ. મૂસા (અ)ના દિલમાંના ગૂઢાર્થો, કે જે બોલી ન શકાય તે સંતાડ્યા.

૧૭૭૩. તેના દિલ પર શબ્દો રેડાતા હતા. દૃશ્ય અને વાણી એકી સાથે ભળતું હતું.

૧૭૭૪. કેટલીવાર તે પોતે પોતાથી જુદો થયો? કેટલીવાર પોતે પોતામાં પાછો ફર્યો? કેટલીવાર તે અનંતતાથી કાયમીપણામાં ઉડ્યો ?

૧૭૭૫ જો હું આની પછી (તેની વાત) ખુલ્લી કરીશ તો તે (મારામાંની) મૂર્ખતા છે, કારણ કે આનું સ્પષ્ટીકરણ એ આપણી સમજણથી પર છે.

૧૭૭૬. અને જો કે (આથી વધુ) બોલું, તો તે (માણસોના) મગજ ઉખેડી નાખશે, અને જો હું (આથી વધુ) લખું ઘણી કલમોના ટુકડે ટુકડા થઈ જશે.

૧૭૭૭. જ્યારે હ. મૂસા (અ) એ ખુદા તરફથી આ મેણા સાંભળ્યાં, તેઓ પેલા ભરવાડની શોધમાં રણ તરફ દોડ્યા.

૧૭૭૮. તેઓ પેલા ગભરાયેલા માણસના પગલાંની નિશાની ઉપર આગળ વધ્યા. તેઓ આમ કરવામાં ખૂબ જ ઉતાવળ કરી.

૧૭૭૯. સત્ય રીતે જોતાં ગભરાયેલા માણસનાં પગલાં બીજાનાં પગલાની નિશાની કરતાં જુદાં પડે છે.

૧૭૮૦. એક પગલું તે ઉપરથી છેડા સુધી (સીધુ) ભરે છે, અને એક પગલું તે ધર્મગુરુ બિશપની માફક ચોકડી જેવો વળાંક લે છે.

૧૭૮૧. ક્યારેક મોજાંની માફક પોતાને ટોચ પર ઊંચકતો હતો. ક્યારેક પોતાના પેટને મચ્છીની માફક (નીચે) લઈ જતો હતો.

૧૭૮૨. ક્યારેક પોતાની હાલતનું (વર્ણન) ધૂળ ઉપર જોશીની માફક કે જે લીટી દોરતાં શુકન લે છે.

૧૭૮૩. આખરે તેણે (હ. મૂસાએ) તેને પકડી પાડ્યો, અને તેને જોયો. શુભ સમાચાર આપતા કહ્યું, (ખુદા તરફથી) રજા મળી છે.

૧૭૮૪. (બંદગીની) રૂઢિ કે કાયદા શોધ નહિ, જે પણ તારું દર્દમય દિલ ઇચ્છા કરે, તે બોલી નાખ.

૧૭૮૫. તારી નિંદા એ (સાચો) મઝહબ છે, અને તારો (એ) ધર્મ રૂહનો પ્રકાશ છે, તમને બચાવી લેવામાં આવેલ છે. અને તારા થકી (આખી) દુનિયા તરી જવામાં છે.

૧૭૮૬. ઓ તું કે જેને સલામત બનાવ્યો છે (જેમ) “ખુદા પોતે જે ધારે છે તે કરે છે. ”જા અને દરકાર રાખ્યા વગર તારી જીભ ચલાવ (ખુદાના ગમે તેવી રીતે વખાણ કરવામાં).

૧૭૮૭. તેણે કહ્યું, “ઓ મૂસા, હું તેનાથી પણ આગળ ચાલ્યો ગયો છું. મેં મારા દિલના લોહીમાં સ્નાન કર્યું છે.

૧૭૮૮. મેં દૂરમાં દૂરની હદને પસાર કરી દીધી છે, હું પેલી પાર એક લાખ વર્ષની મુસાફરી પૂરી કરી છે.

૧૭૮૯. તમે ચાબુક ફટકાર્યો અને મારો ઘોડો ભડકયો, દોડ મૂકી, અને આકાશની પેલી પાર પહોંચી ગયો.

૧૭૯૦. મારી ઈન્સાની પ્રકૃતિ ભલે ખુદાઈ પ્રકૃતિ સાથે એક થઈ જાય ! તમારા હાથ અને તમારા હથેળી ઉપર આશીર્વાદ હોજો.

૧૭૯૧. હવે મારી હાલત વર્ણન કરવાથી પર છે. જે હું આ કહી રહ્યો છું તે મારી (ખરેખરી) હાલત નથી.”

૧૭૯૨. તમે આરસીમાં તમારૂં પ્રતિબિંબ જુઓ છો, તે તમારું પોતાનું પ્રતિબિંબ છે, તે (કાંઈ) આરસીનું પ્રતિબિંબ નથી.

૧૭૯૩. વાંસળીનો વગાડનાર વાંસળીમાં પવન ફૂંકે છે, શું તે (પવન) વાંસળી ધરાવે છે? નહિ. તે માણસનો (વાંસળી વગાડનારનો છે).

૧૭૯૪. બરાબર ધ્યાન રાખજે ! અગર તમે ખુદાના વખાણ કરતા હો કે આભાર માનતા હો, જાણો કે તે પેલા ભરવાડના અદૃશ્ય (શબ્દો) છે.

૧૭૯૫. જો કે તમારાં વખાણ તેની સરખામણીમાં વધુ સારાં છે, છતાં ખુદાના સંબંધમાં તે બહુ જ નજીવાં છે.

૧૭૯૬. જ્યારે તમે અસલ વસ્તુ જોશો. ત્યારે કહેશો કે “હું જે ધારતો હતો, તે આ નથી.”

૧૭૯૭. તમારા વખાણ (ખુદા) કબૂલ કરે, તે તેની દયા છે. જેમ દર્દથી પીડાતી સ્ત્રીની દુઆમાં હેત હોય છે. તેમ તે પણ હેત છે.