Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૨ તારવણી

વાર્તા - ૧

વાર્તા - ૧

0:000:00

રૂપ(Dense) અને સરૂપ(Subtle)

૧૫. હજરત આદમે એક ડગલું વાસનામય આનંદમાં ભર્યું, બહેશ્તની ઊંચી હાલતમાંથી તેના નસની ગળચી પકડાણી.

૧૬. ફિરસ્તાઓ શેતાનથી ભાગે તેમ તેનાથી ભાગતા હતા. એક રોટલાની ખાતર તેણે, હજરત આદમે કેટલાં આંસુ વહેવડાવ્યાં.

૧૭. જો કે પાપ કે જેમાં તેઓ ઘેરાયા હતા તે (માત્ર) એક વાળ (મિસાલ) હતું, છતાં તે વાળ તેની આંખમાં ઊગ્યો હતો.

૧૮. હજરત આદમ અનંત નૂરની આંખ હતા. (પણ) આંખનો વાળ એ એક મોટો પહાડ છે.

૧૯. જો હજરત આદમે પેલી (બાબતમાં) સલાહ લીધી હોત તો, તેને પાપના પશ્ચાતાપમાં માફી માંગવી ન પડત.

૨૩. જા, જલ્દી ખુદાના દોસ્તને શોધ. જ્યારે તેં આમ કર્યું, ખુદા તારો દોસ્ત છે.

૨૪. તે કે જેણે વૈરાગ્ય ઉપર પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, (પોતાનું ધ્યેય બનાવ્યું છે) તે તે પાઠ શીખવામાં પણ (તેનું ધ્યાન) દોસ્તમાં જ છે.

૨૫. દરેકે પોતાને અજાણ્યાથી એકાંત કરવી જોઈએ. નહિ કે દોસ્તથી. ચામડાનો કોટ શિયાળા માટે છે, નહિ કે વસંતઋતુ માટે.

૨૬. (જો) બુદ્ધિવાન બીજા બુદ્ધિવાન સાથે સહયોગ કરે છે. તો (જ્ઞાનનો) પ્રકાશ વધે છે અને રસ્તો ચોકખો બને છે.

૨૮. ઓ શિકારી, તારી આંખો તારી દોસ્ત છે, તેને લાકડીઓ અને તણખલાથી (દુનિયાની માયાથી) પાક રાખ.

૨૯. ખબરદાર ! જીભની સાવરણીથી ધૂળ ભેગી નહિ કરતો. તારી આંખોને કચરાની ભેટ ન ધરતો.

૩૦. જ્યારે સાચો ઈમાનદાર, સાચા ઈમાનદારની આરસી છે. તેનો ચહેરો કચરામાંથી સલામત છે.

૫૪. તું ક્યારેક સૂર્ય બને છે, ક્યારેક સમુદ્ર, ક્યારેક કાફ પર્વત, ક્યારેક “અન્કા.”

૫૫. તારા સત્વમાં તું આ કે પેલો નથી. ઓ તું કે જે ધારી શકાય, તેના કરતાં વધુ મોટો છે, અને વધુ કરતાં પણ વધુ મોટો.

૫૬. રૂહ, જ્ઞાન અને સમજણ સાથે સહકારમાં છે, રૂહને અરબી અને તુર્કી (ભાષા) સાથે શું સંબંધ છે?

૯૨. હું અજાયબ થાઉં છું કે, તો પછી હું મારો ચહેરો કેમ જોઈશ? કે જેથી હું જાણું કે મારો ચહેરો કેવો છે? હું રાત જેવો કે દિવસ જેવો છું?

૯૩. ઘણા લાંબા વખતથી મારા આત્માનું પ્રતિબિંબ શોધું છું. (પણ) મારું પ્રતિબિંબ કોઈથી બતાવી શકાયું નહિ.

૯૪. મેં કહ્યું, તો પછી આરસી શા માટે છે? (તેનો ઉપયોગ આજ છે) કે દરેક જણ પોતે કોણ અને કેવો છે તે જાણી શકે.

૯૫. લોહાની આરસી (માત્ર) છીલટાં માટે (બહારના દેખાવ માટે) છે. જે આરસી દિલની હકીકત બતાવે તે જ, મોટી કિંમતની છે.

૯૬. દીલની આરસી, દોસ્તના ચહેરા સિવાય બીજું કાંઈ નથી. દોસ્તનો ચહેરો, પેલી પારની દુનિયાનો છે.

૯૭. મેં કહ્યું, ઓ દિલ, “કુલ્લ”નો અરીસો શોધ. સમુદ્ર પાસે જા. નદીથી તારું કામકાજ ફતેહ પામશે નહિ.

૯૯. જ્યારે તારી આંખ મારા દિલની આંખ બની. ત્યારે મારું આંધળું દિલ દિદારમાં જઈ, (ત્યાં જ) ડૂબી ગયું.

૧૦૦. મેં જોયું કે (તું) અનંત કાળ રહેનાર 'સર્વમય' આરસી છો, મેં મારું પ્રતિબિંબ તારી આંખમાં જોયું.

૧૦૧. મેં કહ્યું, આખરે હું મને પોતાને શોધી શક્યો છું. તેની આંખોમાં મને પ્રકાશિત રસ્તો મલ્યો છે.

૧૦૩. મારું પ્રતિબિંબ તારી આંખમાંથી બોલી ઊઠયું, "હું તું જ છો, અને તું એકતામાં (સંપૂર્ણ) હું જ છું".

હ. ઈસાના સાથીદારનું હ. ઈસા સાથે હાડકાં પર દુઆ કરી સજીવન કરવા કહેવું,

૧૪૧. અમુક મૂર્ખ માણસે હ. ઈસાની સાથે મુસાફરી કરતાં (રસ્તામાં) ઉંડા ખોદેલા ખાડામાં હાડકાં જોયાં.

૧૪૨. તેણે કહ્યું, ઓ સાથીદાર મને તે કીર્તિવંત નામ (શીખવો) કે જેનાથી તમે મુડદા સજીવન કરો છો.

૧૪૩. (તે) મને શીખવો, કે જેથી હું ભલાઈ કરું અને તેના થકી હાડકાને જિંદગી આપું.

૧૪૪. હ. ઈસા કહે “ચૂપ રહે, કારણકે તે તારું કામ નથી. તારી ફૂંક અને વાણીનું તે કામ નથી.

૧૪૫. કારણ કે તેને માટે વરસાદથી પણ ચોકખો શ્વાસ જોઈએ. અને ફિરસ્તાનાં કૃત્યો કરતાં આરપારમાં જવું જોઈએ.

૧૪૬. તે શ્વાસને (ફૂંક)ને પવિત્ર કરવામાં જિંદગીનો ઘણો સમય જોઈએ છે, કે જેથી તેના (માલિકને) સ્વર્ગના ખજાનાથી નવાજવામાં આવે છે.

૧૪૭. (ધારો કે) તેં આ દોરડાને તારા હાથમાં મજબૂત પકડી રાખ્યું છે. તો શું તારા હાથમાં હજરત મૂસાની કરામતો ઉત્પન્ન થશે?”

૧૪૮. તેણે કહ્યું, “જો હું (આવા પવિત્ર) ગૂઢાર્થ ઉચ્ચારી ન શકું, તો પેલા હાડકાં ઉપર તમે નામ ઉચ્ચારો.”

૧૪૯. હ. ઈસાએ પોકાર્યું. “ ઓ માલિક આ તમારો (છૂપો સંકેત) શું છે? આ મૂર્ખના આ ફળરહિત કાર્યને ચોંટી રહેવામાં શું (ભેદ) છે?

૧૫૦. આ બીમાર માણસને પોતાની કેમ ચિંતા નથી? આ મડદાને પોતાની (રૂહાની) જિંદગીની કેમ ફિકર નથી?

૧૫૧. તેણે તેના મરેલા (આત્માને) (દરકાર વગર) છોડી દીધો છે, અને બીજાનાં મરી ગયેલાના હાંકડાને સજીવન કરવા તલપાપડ થયો છે?

૧૫૨. ખુદાએ (જવાબ આપી) ફરમાવ્યું, જેનો નાશ થવાનો છે, તે (નાશ) શોધતો હોય છે. ઉત્કંઠા(ઈચ્છા) જે (તેનામાં) જાગી છે, તે તેના વાવવાના અંગે વેર વાળનાર છે.

૧૫૩. જે કોઈ દુનિયામાં ઉત્કંઠાના બી વાવે છે, તેને ચેતવવામાં આવેલ છે કે, તે ત્યાં ગુલાબનો બગીચો ભાળી શકશે નહિ.

સૂફીનું ચાકરને પોતાના પ્રાણીની સંભાળ લેવાનું કહેવું અને નોકરનું “લા હોલ” કહેવું

૧૫૬. એક સુફી દુનિયાની મુસાફરી કરતો કરતો એક રાત્રે, તે (સૂફીઓના) આશ્રમમાં મહેમાન બન્યો.

૧૫૭. તેની પાસે એક પ્રાણી (ગધેડો) હતો. તેણે તેને તબેલામાં બાંધ્યો. (જ્યારે) તે (પોતે) મિત્રો સાથે મંચના મુખ્ય આસને બેઠો.

૧૫૮. ત્યાર બાદ તે તેના દોસ્તો સાથે (ગુઢાર્થ જ્ઞાનના) ધ્યાનમાં લાગી ગયો. (ખુદાના) દોસ્તની હાજરી એ એક કિતાબ છે, તેથી પણ વધુ (છે).

૧૫૯. સૂફી લોકોની કિતાબ અક્ષરો અને શાહીની બનાવેલી હોતી નથી. તે બરફ જેવા સફેદ દિલ સિવાય, બીજું કાંઈ નથી.

૧૬૦. વિદ્યાર્થીનો ખોરાક કલમની નિશાની (અક્ષરો અને લખેલા શબ્દો) છે, સુફીનો ખોરાક શું છે? “પગલાંની નિશાની.”

૧૬૧. તે (સૂફી) શિકારીની માફક દબદબાથી ખેલે છે, તે કસ્તુરીવાળા મૃગનો રસ્તો જુએ છે, અને તેનાં પગલાંને અનુસરે છે.

૧૬૨. થોડા વખત માટે હરણનાં પગલાં તેના માટે ખરેખરો (ઉકેલ) છે, (પણ) ત્યારબાદ તેને દોરવનાર હરણની ડુંટીજ છે (કસ્તુરીની વાસ અંગે રસ્તો મળતો હોય છે.)

૧૬૩. જ્યારે તે રસ્તો (મળતાં) ઉપકાર માનતો રસ્તો ઓળંગી જાય છે, તે રસ્તા થકી તે આખરે પોતાની મંજિલે પહોંચે છે.

૧૬૪. કસ્તુરીની વાસથી દોરવણી મેળવી, એક રસ્તો પસાર કરવો, તે સો રસ્તા ભટકીને ઓળંગવા કરતાં વધુ સારું છે.

૧૬૫. દિલ કે જે (ખુદાઈ નૂર)ના કિરણોને ઊગવાની જગ્યા છે, તે 'આરિફ' માટે (હકીકતી સમજણનો) ખુલતો દરવાજો છે.

૧૭૭. વિચાર એ ભૂતકાળ અને ભવિષ્યકાળનું (પ્રતીક છે). જ્યારે તે આ બન્નેથી મુક્ત થાય છે, ત્યારે મુશ્કેલીનો અંત આવે છે.

૧૭૮. આત્માએ દ્રાક્ષમાં દારૂ જોયો છે, આત્માએ શૂન્યમાં પણ રૂપ જોયું છે.

૧૮૬. સૂર્ય કે જે આત્મા (માફક) છે, તે બારીઓમાં જુદો થયો છે. કે જે શરીરોમાં છે.

૧૮૭. જ્યારે તમે સૂર્યના ગોળ ચગદા પર નજર કરો છો. ત્યારે તે પોતે તો એક જ છે, પણ તે કે જે શરીરો તરફ જુએ છે, તે શંકામાં પડે છે.

૧૮૮. જાનવરી આત્મામાં જુદાઈ છે, (પણ) મનુષ્ય આત્મા એકજ સત્ય છે.

૧૮૯. તેવીજ રીતે ખુદા પોતાનું નૂર તેઓ ઉપર છાંટે છે, તેનું નૂર (હકીકતમાં) જુદુ થતું નથી.

૨૦૦. ઓ ફરઝંદ, આપણી કાયા અખરોટ અને સૂકી દ્રાક્ષ (માફક) છે, જો તું મર્દ છો, તો આ બન્ને ચીજો છોડી દે.

૨૦૧. અને જો તું તેઓને નહિ છોડે તો, ખુદાની દયા તને નવમા આસમાનમાં પસાર થવાનું અશક્ય બનાવશે.

૨૦૨. હવે જાહેરી રીતનું, આ વાર્તાનું રૂપ સાંભળ, પણ ફોતરામાંથી દાણા જુદા કરવામાં ધ્યાન રાખજે.

વણજારના લોકોનું સૂફીનું પ્રાણી બીમાર છે, તેવું ધારવું.

૨૦૩. જ્યારે આખરે સૂફીની મંડળી (ધ્યાન થકી) (રૂહાની) લાભ શોધતા હતા. તેનો અંત આવ્યો.

૨૦૪. તેઓ મહેમાન માટે ખાવાની થાળીઓ લઈ આવ્યા. અને પછી તેણે પોતાના પ્રાણીનો વિચાર કર્યો.

૨૦૫. તેણે (સૂફીઓના) ચાકરને કહ્યું: તબેલામાં જઈ મારા પ્રાણી માટે ઘાસ અને બાજરાનો બંદોબસ્ત કર.

૨૦૬. તેણે જવાબ આપ્યોઃ “લા હોલ” (“Good gracious!”) આટલું બધું શા માટે કહેવું પડે ? ઘણા લાંબા વખતથી, આ ચીજોનું હું ધ્યાન રાખું છું.

૨૦૭. સૂફીએ કહ્યું, પહેલાં બાજરાને પલાળજે, કારણકે તે ગધેડો વૃદ્ધ છે, અને તેના દાંત હાલે છે.

૨૦૮. તેણે કહ્યું, “લા હોલ” સાહેબ, તમે મને આ શા માટે કહી રહ્યા છો? આ બંદોબસ્ત કરવાનું તેઓ શીખેલા છે.

૨૦૯. સૂફીએ કહ્યું, સૌથી પહેલાં તેનું પલાણ ઉતારી લેજે, પછી તેની પીઠ પર મલમ ચોપડજે.

૨૧૦. નોકર બૂમ પાડી કહે “લા હોલ” ઓ ડહાપણના ભંડાર શા માટે? (આમ કહો છો) મને તમારી માફક હજાર મહેમાન મલ્યા છે.

૨૧૧. અને સઘળા ઘણીજ ખુશી સાથે સીધાવ્યા છે, મહેમાન અમારી જિંદગી અને કુટુમ્બ (જેવા વહાલા છે).

૨૧૨. સૂફીએ કહ્યું, તેને પાણી આપજે. પણ તે નવશેકું હોવું જોઈએ, પેલો બૂમ પાડી કરે “લા હોલ” હું (હવે તો) તમારાથી શરમાઉં છું.

૨૧૩. સૂફીએ કહ્યું, તેને બાજરી સાથે થોડુંજ ઘાસ નાખજે, તેણે જવાબ આપ્યો “લા હૌલ” હવે (મહેરબાની કરી) વાત ટૂંકી કરો.

૨૧૪. સૂફીએ કહ્યું, તેની જગ્યા પથરા અને છાણ વગરની ચોક્ખી કરજે. અને જો તે ભીની હોય તો તેના પર સૂકી માટી વેરજે.

૨૧૫. તે બૂમ પાડી ઊઠયો “લા હૌલ” ઓ બાપા, ખુદાની દયા માટે આજીજી કરો. અને સંદેશવાહક કે જે પોતાનું કામ જાણે છે, તેને થોડું કહો.

૨૧૬. સુફીએ કહ્યું, દાંતીઓ લઈ ગધેડાની પીઠ પર માલીસ કરજે, તે કહે “લા હોલ” ઓ બાપ (હવે) જરા શરમ રાખો.

૨૧૭. નોકર આમ કહી પોતાની કેડ મજબૂત બાંધી. તેણે કહ્યું, હું જાઉં છું. સૌથી પહેલાં હું બાજરી અને ઘાસ લાવું છું.

૨૧૮. તે ચાલ્યો ગયો અને તબેલાનો કદી વિચાર જ ન કર્યો. તેણે સૂફીને સસલાની ઊંઘ આપી (છેતર્યો).

૨૧૯. નોકર કોઈ બદમાસોને મળવા ચાલ્યો ગયો. અને સૂફીની તાકીદની ઠેકડી ઉડાવી.

૨૨૦. સૂફી મુસાફરીથી થાકી ગયો હતો. અને પોતાની કેડ લંબાવી (સૂવા માટે) આંખો બંધ હોવા છતાં, તે સ્વપ્ન જોતો હતો.

૨૩૪. સૂફી (આ પ્રમાણે દિલના) ઉભરામાં હતો. (જ્યારે) (તે દરમ્યાન) ગધેડો એવો કઢંગી હાલતમાં હતો કે, તે માત્ર આપણા દુશ્મનો હોય તેના ઉપર જ તેવી હાલત ઉતરે.

૨૩૫. પેલો ગરીબ ગધેડો ધૂળ અને પત્થરા વચ્ચે હતો. તેનું પલાણ આડું અને ગળાનું દોરડું તૂટેલું.

૨૩૬. મુસાફરીના થાકથી મરી ગએલા જેવો. આખી રાત ઘાસ વગરનો, અવાર નવાર હાંફતો અને દુઃખ ભોગવતો.

૨૩૭. આખી રાત ફરી ફરીને ગધેડો (પોકારતો હતો).“ઓ ખુદા, હું બાજરી છોડી દઉં છું, પણ તું મને એક મૂઠીભર ઘાસ તો દે.”

૨૪૦. સવાર સુધી આખી રાત પેલો કંગાળ ગધેડો, અતિશય ભૂખ અંગે દરેક દિશાએ દડતો રહ્યો.

૨૪૧. દિવસ ઊગ્યો. નોકર સવારમાં આવ્યો અને ત્વરિત ગતિએ પલાણ શોધી, ગધેડાની ઉપર મૂક્યું.

૨૪૨. ગધેડા વેચનારના રિવાજ મુજબ, બે ત્રણ ફટકા લગાડ્યા. આવા લબાડ પાસેથી મલી શકે, તે ગધેડાએ મેળવ્યું.

૨૪૩. આરના તીક્ષ્ણપણાને અંગે ગધેડાએ કૂદકા મારવા શરૂ કર્યાં, ગધેડાને એવી જીભ ક્યાંથી હોય કે, પોતાની હાલત વર્ણવી શકે?

૨૪૪. જ્યારે સૂફી સવાર થઈને રવાના થયો. તો ગધેડો દરેક વખતે, પોતાના માથાની તરફ પડવો શરૂ થયો.

૨૪૫. (અને) દરેક વખતે લોકો તેને ઊંચકીને ઊભો કરવા લાગ્યા. તેઓ બધાએ વિચાર્યું કે, ગધેડો બીમાર છે.

૨૪૬. એક તેનો કાન સખત રીતે મસળવા લાગ્યો. બીજાએ તાળવાનો ભાગ (મસળવા) શોધ્યો.

૨૪૭. અને બીજો તેના પગમાં પત્થર હોય તો, શોધવા લાગ્યો. અને ત્રીજો તેની આંખમાં કચરો હોય તો, શોધવા લાગ્યો.

૨૪૮. તેઓ એમ પણ કહેતા હતા “ઓ શેખ આનું કારણ શું છે? શું તમે ગઈ કાલે એમ નહોતા કહેતા કે, “ખુદાનો આભાર માનો કે, આ ગધેડો મજબૂત છે,”

૨૪૯. તેણે જવાબ આપ્યો, ગધેડો કે જેણે રાત્રીએ માત્ર “લા હૌલ” ખાધું છે, તે આવી રીત સિવાયની રીતે ચાલી શકે નહિ.

૨૫૦. તેવી રીતે ગધેડાનો ખોરાક રાતના “લા હોલ” હતો. તે રાતના ખુદાના ગુણગાન ગાતો હતો, અને (અત્યારે) દિવસે તે પોતાને સિજદામાં લઈ જાય છે.

૨૫૧. ઘણાખરા લોકો માણસ ખાનાર છે. તેઓના કહેવામાં વિશ્વાસ ન મૂક. "તમને શાંતિ હો."

૨૫૨. બધાનાં દિલ સેતાનનાં ઘર છે, સેતાની માણસોની વાત કબૂલ ન કર.

૨૫૩. જે કોઈ સેતાનના મોંથી “લા હૌલ” બોલાએલ ગળે છે, તે પેલા ગધેડાની માફક લડાઈમાં માથાભર પડે છે.

૨૫૫. ઈસ્લામના રસ્તે અને 'પુલ સીરાત' પર, તે પેલા ગધેડાની માફક ફેર ચડતાં માથાભર પડશે.

૨૬૧. સિંહની માફક તારો શિકાર તું પોતે જ શોધ. અજાણ્યા કે સગાની ખુશામત તરફ ધ્યાન ન દે.

૨૬૨. નીચનું માન પેલા નોકરની માફક છે તે જાણ. તારા (દોસ્ત તરીકે) કોઈ ન હોઈ તે વધુ સારું છે, કે જેથી કોઈની (હિંમત વગરના લોક)ની ખુશામત (સ્વીકારવી પડે).

૨૬૩. તારું ઘર બીજાની જગ્યામાં ન બનાવ, તારું પોતાનું કામ કર. અજાણ્યાનું કામ ન કર.

૨૬૪. અજાણી વ્યક્તિ કોણ છે? તારી માટીની કાયા કે જેના ખાતર આ (બધી) તારી દિલગીરીઓ છે.

૨૬૫. જ્યાં સુધી તું તારી કાયાને ચરબીવાળો (ઉત્તમ) અને મીઠો (ખોરાક) આપે છે, ત્યાં સુધી તારા (રૂહાની) સત્વમાં વધારો જોઈ શકશે નહિ.

૨૬૬. જો કાયાને કસ્તુરી વચ્ચે (પણ) ગોઠવવામાં આવે,(છતાં) મૃત્યુના દિવસે તેની બદબો પ્રકાશમાં આવશે.

૨૬૭. કાયા ઉપર કસ્તુરીને ન ઘસ, તારા દિલ ઉપર ઘસ. કસ્તુરી શું? (કીર્તિવંત) અલ્લાહનું પવિત્ર નામ.

૨૬૮. દંભી કસ્તુરીને પોતાના શરીર પર મૂકે છે. અને પોતાના આત્માને રાખના વાસણના તળીએ મૂકે છે.

૨૬૯. તેની જીભ પર ખુદાનું નામ છે. અને તેના આત્મામાં નાસ્તિક વિચારોની બદબો (છે).

૨૭૭. ઓ ભાઈ તું તારા વિચારો પ્રમાણેનો છે. બાકી તો (તું) માત્ર હાડકાં અને રસોઈ છો.

૨૭૮. જો તારો વિચાર ગુલાબ છે, તો તું ગુલાબનો બગીચો છો. અને જો તે કાંટો છે, તો તું રાંધવાની સગડીનું બળતણ છો.

૨૭૯. જો તમો ગુલાબ જળ છો, તો તમે માથા અને છાતીએ છંટાવાના છો. પરંતુ જો પેશાબ જેવા છો, તો ફગાવી દેવામાં આવનાર છે.

૨૯૧. કારણ કે દિવસ અરીસો છે, કે જે (ચોકખા સોનાને) જાણીતો બનાવે છે, તેથી અશરફી (સોનાના સિક્કા) (મળતા) માનને નિહાળી શકે.

૨૯૨. આથી ખુદાએ કયામતને “દિવસ”નો લકબ આપ્યો. (કારણ કે) દિવસ રાતા અને પીળાની ખૂબસૂરતી જાહેર કરે છે.

૨૯૩. હકીકતમાં દિવસ એ અવલિયાઓનું આંતરિક મન છે, (જો કે) તેઓની બાજુમાં સૂર્ય પડછાયાની જેમ (ઝાંખો છે).

૨૯૪. ખુદાઈ ઈન્સાનના (રોશની ભર્યા દિલના) ગૂઢાર્થનું પ્રતિબિંબ 'તે દિવસ' છે. જ્યારે આંખને સીવી લેતી રાત, એ અંધકાર ભર્યા દિલનું પ્રતિબિંબ છે.

૨૯૫. તે કારણને અંગે જ ખુદાએ ફરમાવ્યું “સવાર”. 'સવાર' એ હજરત મુસ્તફાના દિલનું છૂપું “નૂર” છે.

૨૯૬. બીજો મત આ “સવાર”નો અર્થ પ્યારા (ખુદા અને હજરત મુસ્તફા) આ બન્નેનું પ્રતિંબિંબ પણ છે.

૩૦૫. મન્સુર (અલ હલ્લાજ) ના હોઠ પર “અનલ હક” “હું ખુદા છું” (સત્યનું) નૂર હતું. ફિરોનના હોઠ પર “હું ખુદા છું” એ જૂઠ હતું.

૩૦૭. એટલા ખાતર જ હજરત ઈસા એ સાથી મુસાફરને, પેલું માલિકનું મહાન નામ શીખવ્યું નહિ.

૩૦૮. કારણ કે તે તેનો (સાચો ઉપયોગ) જાણત નહિ. અને ઓજારમાં ખામી લાગુ પાડત.

૩૧૭. જેમ વાંકા પગમાં વાંકા બૂટ હોય છે.

૩૧૮. તું ડહાપણ, પોપટિયા જ્ઞાનથી શીખીશ, તો તું તેને લાયક નહિ ઠરે, ત્યારે તે તને છોડી જશે.

૩૧૯. અને જો તું તે લખી અને ઉતારી પણ લે, અને જો કે તું (તેના માટે) પતરાજી કરે અને વિવરણ પણ કરે.

૩૨૦. તે તેનો ચહેરો તારામાંથી ખેંચી લેશે, અને તારાથી ભાગી જશે.

૩૨૧. તે તારો ઉત્સાહ પ્રેમનો જોશે, તો જ્ઞાન તારા હાથનું (આજ્ઞાંકિત) પક્ષી બનશે.

૩૨૧. (પણ) જો તું વાંચે નહિ અને તે તારો ઉત્સાહ પ્રેમના હાથનું (આજ્ઞાંકિત) પક્ષી બનશે.

૩૨૨. તે (ખુદાઈ શબ્દ અને જ્ઞાન), દરેક અણઘડ શિખાવથી ટકાવી રખાતું નથી. (તે) મોરની માફક છે, કે જે ખેડૂતના ઘરમાં (રહેશે નહિ).