Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૮, રણના ગરીબ અરબ અને તેની ઘરવાળીના કજીયાની વાર્તા.

વાર્તા - ૮, રણના ગરીબ અરબ અને તેની ઘરવાળીના કજીયાની વાર્તા.

0:000:00

[ગરીબ અરબ = ઈબાદતી પણ, ઈલમની ઉણપ. ઘરવાળી સ્ત્રી = બુદ્ધિ]

રણના ગરીબ અરબનું તેની ઘરવાળીની વાતથી બદલાવું, ગરીબાઈ અને તંગીના લીધે તેની વાત.

૨૨૫૨. એક રીતે અરબની ઘરવાળીએ તેના ધણીને કહેવા માંડ્યું. કજીયો કર્યો. (તેણી) વાત હદની બહાર લઈ ગઈ.

૨૨૫૩. આપણે આ ગરીબાઈ અને તકલીફો ભોગવીએ છીએ, આખી દુનિયા સુખમાં (જીવે છે). માત્ર (આપણે જ) દુ:ખી છીએ.

૨૨૫૪. આપણને ખાવા માટે રોટલી નથી. આપણો (માત્ર) ખોરાક દુ:ખ, બળાપો અને અદેખાઈ છે. આપણું પાણી પણ (માત્ર) આંખમાનાં આસું છે.

અરબનું તેની ઘરવાળીને ધીરજ ધરવા સમજાવવું, અને ધીરજ અને ગરીબાઈની ઉત્તમતાનું વર્ણન કરવા વિષે.

૨૨૮૮.તેનો ધણી તેને કહે? ક્યાં સુધી તું આવક અને ભીની પેદાશ (seed-produce) શોધીશ? આપણી જિંદગીમાં શું બાકી રહ્યું છે? લગભગ (જિંદગી) વીતી ગઈ છે.

૨૨૮૯. અક્કલવાળો માણસ વધઘટ ઉપર ધ્યાન આપતો નથી. કારણ કે બન્ને ધોધબંધ પ્રવાહની માફક પસાર થઈ જાય છે.

૨૩૧૩. હું મજબુત રીતે (ખરા દિલથી) સંતોષ તરફ જાઉં છું. તું શા માટે ભુંડું બોલવા તરફ જઈ રહી છો?

૨૩૧૪. સવાર સુધી આ રીતે સંતોષી માણસ અંતઃકરણપૂર્વક બહાદુરીથી વાતો કરતો રહ્યો.

સ્ત્રીની તેણીના ધણીને નસીહત કરવી, કહે, “તારા (રૂહાની) દરજ્જા અને લાયકાતની વાત ન કર, તું જે નથી તે શા માટે કહે છે? જો કે તારા શબ્દો તો સાચા છે પણ તું ખુદામાં વિશ્વાસ હોવાના દરજ્જા સુધી પહોંચ્યો નથી. તારા ભક્તિ ભાવ ભરેલાં કાર્યો અને રહેઠાણ વિષે બોલવું. એ નુકશાનકારક છે, અને ખુદાની નજરમાં સૌથી વધારે ધિક્કારવા યોગ્ય છે.”

૨૩૧૫. પત્ની બૂમ પાડી ઊઠી, ઓ તું કે જેણે પોતાની ખ્યાતિ ધર્મથી કરી છે, (તેથી) હું વધુ વખત તારી બનાવટી વાતો ઉપર ભરોસો રાખીશ નહિ.

૨૩૧૬. મારી પાસે અર્થ વગરની વાતો, અનુમાન અને ખોટો દાવો ન કરો. ચુપ રહો. અહંકાર અને જ્ઞાન વગરની વાત ન કરો.

૨૩રર. આ સંતોષ એ આત્માનો ખજાનો છે, (તે તેં મેળવ્યો છે) તેવી બડાઈ ન હાંક, ઓ (તું કે જે) મારા આત્માની દિલગીરી અને દુઃખ છે.

૨૩ર૩. મને તારી મિત્ર ન કહે, બહુ વહાલનો દેખાવ ન કર. હું ન્યાયની ભાગીદાર છું. હું દગા ફટકાની ભાગીદાર નથી.

૨૩૯૧. ઓ સ્ત્રી, ઝઘડો કરવો અને રસ્તા રોકવા બંધ કરી દે. અને જો બંધ કરવા ન હોય તો મારાથી છૂટી થઈ જા. મારું દિલ સંકોચાઈ ગયું છે.

૨૩૯૩. જો તું ચુપ થઈશ તો (ઠીક છે) અને જો નહિ થાય તો હું આજ પળે આ મારૂં રહેવાનું ઘર છોડી જઈશ.

સ્ત્રીએ પોતાના ધણીનું માન જાળવી પોતે જે બોલી તે માફ કરવા ખુદાને આજીજી કરી તે વિષે.

૨૩૯૪. જ્યારે ઘરવાળીએ જોયું કે તે ઝનૂની અને બેકાબૂ બન્યો છે, ત્યારે તેણીએ રોવું શરૂ કર્યું. આંસુઓ સ્ત્રીઓનું લલચાવવું છે.

૨૩૯૫. તેણી કહે, મેં ક્યારે તમારી પાસેથી આવા શબ્દો સાંભળવાની આશા રાખી હતી? મેં તમારી પાસેથી જુદી જ આશા રાખી હતી.

૨૩૯૬. સ્ત્રીએ (હવે) પોતાપણું (કજીયો) છોડીને વાતો કરવી શરૂ કરી. તેણી કહે, હું તો તારી ધૂળ છું, નહિ કે તારી ધણીયાણી (ને લાયક ).

૨૩૯૭. શરીર, મારો જીવ અને બધું મારું તારૂં જ છે, મારા પર તારી જ સત્તા અને હુકમ છે.

૨૩૯૮. જો કે ગરીબાઈના કારણે મારા દિલે ધીરજ ગુમાવી છે. (પણ) તે મારા માટે છેજ નહિ, પણ તારા માટે છે.

૨૩૯૯. મારી તકલીફોમાં તું જ આધાર છે. તમે પૈસા વગરના હો તેમ હું ઇચ્છતી નથી.

૨૪૦૦. આ બધું મારા આત્મા અને મનમાં મારે ખાતર નથી. આ રુદન અને શોક કરવા એ તારી ખાતર જ છે.

૨૪૦૧. (હું કસમ ખાઉં છું) ખુદાના કે દરેક પળે તારા માટે, તારી સમક્ષ હું ખુશીથી મૃત્યુ માટે તૈયાર છું.

૨૪૧૨. હવે જ્યારે મેં તારી માફીની બત્તી કરી છે, ત્યારે હવે હું વિરોધ છોડી દઉં છું. અને પશ્ચાતાપ કરૂં છું.

૨૪૧૩. હું તારી સમક્ષ તલવાર અને ચક્ર મૂકું છું. હું તારી સમક્ષ મસ્તક નમાવું છું. ઝાટકો લગાવ.

૨૪૧૪. તું મારાથી જુદાઈની વસમી વાત કરે છે. તને યોગ્ય લાગે તેમ કર, પરંતુ આ નહિ કર.

૨૪૧૮. આ રીતે, તેણી જીતવાની અને દયાળુ ભાષા બોલતી હતી, દરમ્યાન તેના પર રોવાનું ધ્રૂસકું આવ્યું.

૨૪૧૯. જ્યારે આંસુ અને ડૂસકાં હદ વટાવી ગયાં, તેણી કે જે વગર આંસુએ મોહ પમાડતી હતી.

૨૪૨૦, ત્યાં (જાણે કે) વરસતા વરસાદમાં વીજળીએ ચમકારો કર્યો, (અને) તે એકાકી માણસના દિલમાં અગ્નિની ચિનગારી સળગી.

૨૪૨૧. તેણી કે જેના ચહેરાનો તે માણસ ગુલામ હતો. તે કેમ બને કે તેણી તે ગુલામ સામે રમત માંડે?

૨૪૨૨. તેણી કે, જેના તે જ સ્વભાવથી તું ધ્રુજે છે, તેણી જ્યારે તારી આગળ રોવું શરૂ કરે, ત્યારે તું કેવો ભલો બની રહે છે !

માણસની કબુલાત કરવી, તેની ઘરવાળીની અરજ કે તેણે ગુજરાનનું સાધન શોધવા જવું, અને તેણીના વિરોધને ખુદાઈ માર્ગદર્શન માનવું. દરેક જ્ઞાની માણસના મગજમાં છે કે આ ખરૂં છે કે કક્ષામાં ફરતી ચીજોનો કોઈ ફેરવનાર છે.

૨૪૩૮. જાલીમ અમલદાર મોત વખતે પોતાના જુલમ માટે જેમ દિલગીર થાય, તેમ આ માણસ પોતાના શબ્દો માટે દિલગીર થયો.

૨૪૩૯. તેણે કહ્યું, મારી જિંદગીના આત્માનો હું વિરોધી કેમ બન્યો? મેં મારા પોતાના આત્માના માથા ઉપર લાત કેમ મારી?

૨૪૪૦. જ્યારે દૈવી ભાવિ આવે છે ત્યારે તે નજરને વાળી દે છે તેથી આપણું જ્ઞાન, માથું કે પગમાં (ખરા ખોટામાં) ફેરફાર સમજી શકતું નથી.

૨૪૪૧. જેવું નસીબ પસાર થાય છે હોંશિયારી તેને ફાડી ખાય છે, પડદો ચિરાઈ જાય છે, અને તેની છાતી ફાટી જાય છે.

૨૪૪૨. માણસે કહ્યું, ઓ ઘરવાળી, હું પશ્ચાતાપ કરૂં છું. જો હું નાસ્તિક હતો તો (હવે) હું મુસ્લિમ બનું છું.

(જાહેર) સમજની આંખેં હજરત સાલેહ અને તેની ઉંટડીને તુચ્છ, આધાર વગરની સમજતા હતા. જ્યારે ખુદાને લશ્કરનો નાશ કરવો હોય ત્યારે તે તેઓના દુશ્મનોને આધાર વગરના બતાવે છે. અને સંખ્યામાં થોડા બતાવે છે. જે કે દુશ્મન તેનાથી વધુ જેરાવર હોય તે પણ તે તારી દ્રષ્ટિમાં થોડા બતાવે છે કે જેથી ખુદાને જે કરવાનું છે તે તે કરે છે.

[સાલેહ = દિલ, NC. ઉંટડી = Natik અર્થાત કાયા-રૂપ]

૨૫૦૯. હજરત સાલેહની ઉંટડી રૂપમાં ઉંટ હતી. તે (દયા વગરની) કોમે પોતાની મૂર્ખાઈમાં તેને ઝબેહ કરી.

૨૫૧૦. જ્યારે તેઓ પાણીના કારણે તેના દુશ્મન બન્યા. તેઓ પાણી અને ખોરાકમાં આંધળા બન્યા.

૨૫૧૧. ખુદાની ઉંટડી નાના ઝરા અને વાદળામાંથી પાણી પીતી હતી. તેઓએ (હકીકતમાં) ખુદાનું પાણી ખુદા માટે અટકાવ્યું.

૨૫૧૨. હજરત સાલેહની ઉંટડી ઈમાનદાર માણસોના શરીર જેવી બની. ઝાલીમોના ખાતમા માટે ફાંસો બની.

૨૫૧૩. (ખુદાઈ હુકમ) “ખુદાની ઉંટડીને પાણીનો તેનો ભાગ લેવા દો” મૃત્યુ અને આફતના હુકમમાંથી તે લોકો વિરુદ્ધ ઘડાએલું કાવતરું.(નશીબે તેઓને ઘેરી લીધા).

૨૫૧૪. ખુદાના કોપે એક માત્ર ઉંટના લોહીના બદલામાં આખું ગામ માંગવામાં આવ્યું.

૨૫૧૫. તેનો (પયગમ્બર કે રૂહાની પેશ્વાનો) આત્મા સાલેહની માફક છે. તેનું શરીર ઉંટડી છે. રૂહ (ખુદા સાથે) મેળાપમાં છે, શરીર તંગીમાં (મુશ્કેલીમાં છે).

૨૫૧૬. સાલેહનો રૂહ પીડાથી લાગણી પ્રધાન ન હતો. ઘા ઊંટ (શરીર) ઉપર પડતા હતા. તત્ત્વ (રૂહ) ઉપર નહિ.

૨૫૧૭. કોઈપણ, રૂહાની પેશ્વાના (દિલો) ઉપર જીત મેળવી શકે નહિ. છીપને જ નુકશાન થાય છે. મોતીને નહિ.

૨૫૧૮. સાલેહનો રૂહ ઇજા પહોંચાડી શકાય તેવો ન હતો. ‘ખુદાનું નુર' નાસ્તિકોને આધીન નથી.

૨૫૧૯. આત્માના આત્મા (ખુદાએ) માટીની કાયામાં (રુહનો) સમાવેશ કર્યો, કે જેથી તેઓ તેને ઈજા કરે અને સજા ભોગવે.

૨૫૨૦. તેઓ જાણતા ન હતા કે આ કાયાને ઈજા પહોંચાડવી તે, તેને જ (ખુદાને) ઈજા પહોંચાડવા (બરાબર છે). આ બરણીનું પાણી નદીના પાણી સાથે મળેલું છે.

૨૫૨૧. ખુદા શરીર સાથે સંબંધ ધરાવે છે, એટલા માટે તે (રૂહાની પેશ્વા) આખી દુનિયા માટે સલામતીનું ઘર બને.

૨૫૨૨. ઉંટ કે જે રૂહાની પેશ્વાનું શરીર છે, તેનો ગુલામ બન, કે જેથી તું હજરત સાલેહના રૂહનો સાથીદાર બને.

૨૫૨૩. (થામુદના લોકોને) હજરત સાલેહે કહ્યું, જ્યારે તમોએ આ દુશ્મની બતાવી છે, ત્યારે (હવે) ત્રણ દિવસ પછી ખુદાની સજા તમારા પર આવશે.

૨૫૨૪. ત્રણ દિવસ પછી રૂહાનીના લેનાર તરફથી પીડા આવશે, તેની ત્રણ નિશાનીઓ હશે.

૨૫૨૫. તમારા બધાના ચહેરાનો રંગ બદલાઈ જશે. નજરે પડતા રંગથી તે જુદો હશે.

૨૫૨૬. પહેલે દિવસે તમારા ચહેરાનો રંગ કેસરી થઈ જશે અને બીજે દિવસે 'અરગવા' માફક રાતો થઈ જશે.

૨૫૨૭. ત્રીજે દિવસે તમો બધાના ચહેરા કાળા પડી જશે. ત્યાર બાદ ખુદાનો કોપ આવી પહોંચશે.

૨૫૨૮. તમારા પર આવનાર કોપની નિશાનીઓ મારાથી જાણવા માગતા હો તો, તે ઊંટડીનું બચ્ચું(અર્થ) પર્વતો તરફ દોડી ગયું છે.

૨૫૨૯. જો તમો તેને પકડી શકો તો તમારા માટે મદદ (બચાવ) છે, નહિતર આશાનું પંખી, ચોક્કસપણે જાળમાંથી નાશી છૂટ્યું છે.

૨૫૩૦. કોઈપણ ઉંટડીના બચ્ચાંને આંબી શકયું નહિ, તે પર્વતોમાં પહોંચી ગયું અને અદૃષ્ય થયું.

૨૫૪૭. ખુદાએ (હજરત સાલેહને) કહ્યું, તેઓની નાસ્તિકતા માટે તું ધીરજ ધર, તેઓને નસીહત કર. તેઓના નીમેલા વખતથી વધુ તેઓ રહી શકે નહિ.

૨૫૪૮. મેં કહ્યું, તેઓના દૃષ્ટ કૃત્યોએ નસીહતને નકારી છે. નસીહતનું દૂધ પ્રેમ અને આનંદથી બહાર આવે છે.

૨૫૪૯. તેઓ મારી સાથે ઘણી જ દુષ્ટતાથી વરત્યા છે, (જેથી) નસીહતનું દૂધ મારી નાડીઓમાં જામી ગયું છે.

૨૫૫૦. મને ખુદાએ કહ્યું, હું તને એક ભેટ આપીશ. હું તારા ઝખ્મો પર પાટો બાંધીશ.

૨૫૫૧. ખુદાએ મારૂં દિલ આકાશ જેવું સ્વચ્છ કર્યું. તેણે મારા દિલમાંના જુલમોને વાળી જૂડીને સાફ કર્યા.

૨૫૫૨. હું ફરીવાર તેઓને ચેતવણી દેવા ગયો. હું તેઓ સાથે દૃષ્ટાંતથી અને સાકર જેવા મીઠા શબ્દોથી બોલ્યો.

૨૫૫૩. મેં સાકરમાંથી તાજું દૂધ પેદા કર્યું. મેં દુધ અને મધ મારા શબ્દો વડે મેળવ્યા.

૨૫૫૪. પેલા શબ્દો તેઓમાં ઝેર બન્યા. કારણ કે તેઓ શરૂઆતના પાયાથી ઝેરમાં મળેલા હતો.

હ. સુલેમાનના શબ્દો, "ઓ માલિક મને આપ". એટલે કે આ સલ્તનત અને સત્તા મારા સિવાય બીજા કોઈને આપતો નહી, નું તાવિલ.

૨૬૦૩. જો મુરશિદ ઝેર પીએ તો પણ તે વિષનાશક બને છે, પરંતુ જો શોધનાર (મુરીદ) તે પીએ તો તેના મનમાં અંધારું થઈ જશે.

૨૬૦૪. હજરત સુલેમાન પાસેથી આ શબ્દો બહાર પડ્યા છે, "ઓ માલિક મને આપ". એટલે કે આ સલ્તનત અને સત્તા મારા સિવાય બીજા કોઈને આપતો નહિ.

૨૬૦૫. આ દયા અને બક્ષીસ મારા સિવાય બીજા કોઈ ઉપર ઉતારતો નહિ. આ અદેખાઈ જેવું લાગે છે, પણ (હકીકતમાં) તેમ હતું નહિ.

૨૬૦૬. તારા દિલથી (ગૂઢાર્થ) વાંચ “તે ન વર્તે.” મારા પછી એ શબ્દના અંદરના અર્થને ન જો. તેની (હજરત સુલેમાનની) તૃષ્ણાનું મૂળ શોધી કાઢ (અર્થનું) નહિ.

૨૬૦૭.પણ તેની બાદશાહીમાં એક છે જે, આ દુનિયાની બાદશાહીમાં (દરેક રીતે) વાળે વાળમાં પોતાના મસ્તકનો ભય હતો.

૨૬૦૮. ધર્મની ફિકરમાં, દિલની ફિકરમાં, માથાની ફિકર કર, આપણા માટે આના જેવી બીજી કોઈ કસોટી નથી.

૨૬૦૯. તેટલા માટે દરેકને હજરત સુલેમાન જેવી ઉંચી મહાત્વાકાંક્ષા હોવી જરૂરી છે, એટલા માટે લાખો રંગો અને સુગંધીઓથી (લાલચથી) છટકી શકે.

૨૬૧૦. આવું મહાન ( રૂહાની ) બળ તેઓ ધરાવતા હતા. છતાં (દુન્યવી ) બાદશાહીનાં મેજ તેના દિલને ગૂંગળાવતાં હતાં.

૨૬૧૧. જ્યારે આ દિલગીરીમાં તેના પર ધૂળ છવાઈ ગઈ (બાદશાહીમાં ખુદાની યાદીમાં ખામી આવી) ત્યારે દુનિયાના બધા રાજાઓ તરફ તેને સહાનુભૂતિ ઉત્પન્ન થઈ.

૨૬૧૨. ત્યારે તેણે (તેઓના વતી ખુદાને) યાચના કરી અને કહ્યું, (રૂહાની) સંપૂર્ણતા સાથે આ બાદશાહી તેઓને પણ આપ કે જે મને આપી છે.

૨૬૧૩. તું (તે) ગમે તેને આપીશ, અને (ગમે તેના પર) આ બક્ષીસો નવાજીશ કરીશ, તે (શખ્સ) સુલેમાન છે, અને હું પણ તે જ છું.

૨૬૧૪. તે મારી પાછળ નથી, તે મારી સાથે છે, ખરેખર મારી સાથે જ છે, તેનો અર્થ શું? હું બીન હરીફ છું.

૨૬૧૫. આ સમજાવવાની મારી ફરજ છે, પણ (હવે) હું માણસ (અરબ) અને તેની સ્ત્રીની વાત તરફ પાછો ફરૂં છું.

અરબ અને તેની ઘરવાળીના કજીયાનો સાર.

૨૬૧૬. જેના દિલમાં ઈમાન છે, (તે) માણસ અને સ્ત્રીના બદલાઈ જવામાં બોધ નિહાળે છે.

૨૬૧૭. (દાખલા તરીકે) માણસ અને સ્ત્રીનું (વાદ વિવાદમાં) બદલાઈ જવું એ આગળ કહેવાઈ ગયું છે. જાણ કે તે તારો નફ્સ(રૂહ) અને બુધ્ધિની વાત છે,

નું પોતાના ધણીને રોજની રોજી કેવી રીતે કમાવવી તેની ખાસ વિગત કહેવી અને તેણે તે કબૂલ કરી તે વિષે.

૨૬૮૪. સ્ત્રી કહે, સૂર્ય પ્રકાશિત થયો છે, આખી દુનિયા તેમાંથી પ્રકાશ મેળવે છે.

૨૬૮૫. ખુદાના પ્રતિનિધિ અને ખુદાના ખલીફા થકી બગદાદ (રોશની ભર્યું-સુખી) વસંત ઋતુ જેવું બન્યું છે.

૨૬૮૬. જો તું બાદશાહની હજૂરમાં જઈ શકીશ, તું પોતે બાદશાહ બની જઈશ. તું કેટલો લાંબો વખત કમનસીબી પાછળ જઈશ?

૨૬૮૭. નસીબદાર સાથે દોસ્તી એ અમૃત છે. ખરેખર તેઓની (પસંદગીની) દૃષ્ટિને પણ અમૃત સાથે કેમ (સરખાવાય)?

૨૬૮૮. હજરત આહમદની આંખો અબુબક્ર પર પડી. તે એક જ ઈમાનદારીના કૃત્યને અંગે “સીદીક” (સાચા) બની ગયા.

૨૬૮૯. ધણીએ કહ્યું: મારે રાજાને મળવા કેવી રીતે જવું? હું તેની પાસે બહાના વગર કેમ જઈશ?

અરબનુ રણ વિસ્તારમાંનું પાણીના કુંજાનું બગદાદમાં મોમીનોના સરદાર પાસે ભેટ તરીકે લઈ જવું, એમ સમજીને કે તે શહેરમાં પાણીની સખત તંગી હશે…

૨૭૦૩. સ્ત્રીએ કહ્યું, ખુદાથી પવિત્ર થનાર લોક જ્યારે પોતાની તમામ શક્તિથી ઉઠે તેજ સત્યતા છે.

૨૭૦૪. આ કુંજામાં આપણી પાસે વરસાદનું પાણી છે, માત્ર તેજ તારી દોલત મૂડી અને મિલ્કત (છે).

૨૭૦૫. આ પાણીનો ઘડો લઈને રવાના થાવ. તેને ભેટ (તરીકે) લઈ જાવ. અને તે શહેનશાહની હજૂરમાં પહોંચે.

૨૭૦૬. એમ કહેજો, અમારી પાસે આના સિવાય બીજું કશું નથી. રણમાં આ પાણીથી વધુ સારું બીજું કાંઈ નથી.

૨૭૦૭. જો કે તેનો ખજાનો સોનું અને ઝવેરાતથી ભરપૂર હશે. છતાં પણ આના જેવું પાણી તે મેળવી શકશે નહિ. એ ભાગ્યેજ મળે છે.

૨૭૦૮. આ કુંજો શું છે? આપણું શારીરિક કેદખાનું. તેની અંદર ખારૂં પાણી છે.

૨૭૦૯. ઓ મારા માલિક, આ મારો કુંજો તારી રહેમતના પ્રતાપે સ્વીકારજે. “ખુદાએ ખરીદયું છે.” (પઢ).

૨૭૧૧. આ કુંજામાંના (પાણીને) દરિયામાં જવાનો રસ્તો હશે. અને કદાચ મારો કુંજો દરિયાની સ્થિતિ ધારણ કરી બેશે.

૨૭૧૨. જેથી તું તે જ્યારે રાજાને ભેટ તરીકે તેની પાસે લઈ જાય ત્યારે રાજાને તે પવિત્ર ચોકખું માલમ પડે. અને તે તેનો ખરીદનાર બને.

૨૭૧૩. (અને) તેના પછી તે પાણી અનંત બની જશે. સેંકડો દુનિયા આ મારા કુંજામાંના (પાણીથી) ભરાઈ જાય.

૨૭૧૫. તેની (ધણીની) દાઢી હવાથી (અહંકારથી) ભરેલી હતી. (તેણે મનમાં વિચાર્યું) આહ! તેની પાસે આવી મહાન ભેટ હતી! આ ખરેખર તેના જેવા બાદશાહને લાયક જ છે.

૨૭૧૬. તેની ઘરવાળી જાણતી ન હતી કે (બગદાદ) જે જગ્યાએ છે ત્યાં મહાન નદી દરિયા (જેવી). તેનું પાણી સાકર જેવું મીઠું છે.

૨૭૧૭. શહેરની વચ્ચેથી દરિયાની માફક પસાર થતી, હોડીઓ અને મચ્છીની જાળોથી ભરપૂર.

૨૭૧૮. “જેની નીચે નદીઓ વહે છે” ની સમજણ મેળવ. સુલતાન પાસે પહોંચ અને તેનું સામ્રાજ્ય અને ઠાઠમાઠ જોઈને સમજણ મેળવ.

૨૭૧૯. આપણી ઈંદ્રીઓની (જાહેરી) સમજ જે અત્યારે છે તે, તે નદીઓના (પાણી) સામે એક ટીપું જ છે.

અરબની ઘરવાળીનું પાણીના કુંજાને ઊનના કપડામાં સીવીને તેનું મોઢું બંધ કરવું. કારણકે અરબનું કહેવું હતું કે (રાજા માટે આ ખૂબજ કીમતી ભેટ છે).

૨૭૨૦. ધણી કહે, હા, ઘડાનું મોઢું બાંધી લે. ધ્યાન રાખજે. આ એવી ભેટ છે કે જે આપણને નફો કરી દેશે.

૨૭૨૧. આ કૂંજાને ઊનના કપડામાં સીવી લે. બાદશાહ પોતાનો રોજો આ ભેટથી (આ પાણીથી) ખોલશે.

૨૭૨૨. કારણકે આના જેવું પાણી દુનિયામાં ક્યાંય નથી. બીજું કોઈપણ (પાણી) આના જેટલું ચોકખું નથી.

૨૭૨૩. (તેણે આ કહ્યું). કારણકે તેઓ દરિયાનું ખારૂં પાણી પીવાને (લીધે માણસો) હંમેશાં ડગુમગુ અને અડધા આંધળા હોય છે.

૨૭૨૪. પક્ષી કે જેનું રહેઠાણ ખારા પાણીમાં હોય તેઓ ચોકખું (મીઠું) પાણી ક્યાં મળી શકશે, તે કેવી રીતે જાણી શકે?

૨૭૨૫. ઓ, તું કે જેનો જન્મ ખારા પાણીમાં થયો છે, તે શટ(Shatt), જયહુન(Jayhun) અને યુક્રેટસ (Euphrates) જેવી નદીયોને કેમ જાણી શકશે?

૨૭૨૬. ઓ, તું કે જે વણજારના કાફલામાંથી (દુનિયાની ગફલતથી) ભાગી છૂટયો નથી. તે બેખુદી, બેફામ, અને બેહદપણું તું કેવી રીતે જાણી શકીશ?

૨૭૨૭. અને જો તું જાણે છે તો તે તારા બાપ દાદા પાસેથી મેળવેલ છે. (તો પછી) આ નામો તને બારાખડી જેવાં (કેમ લાગે છે?)

૨૭૨૯. પછી પેલા અરબે કુંજો લીધો. અને મુસાફરીએ રવાના થયો. પોતાની સાથે તેને (કુંજાને) રાત દિવસ રાખીને.

૨૭૩૦. તે કુંજા માટે દેવી કમનસીબે (કાંઈ નુકશાન ન થાય) તે માટે ખૂબ ધ્રુજતો. આખરે તે તેને રણમાંથી શહેર (બગદાદ)માં લઈ જઈ શક્યો.

૨૭૩૧. તેની ઘરવાળી મુસલ્લા ઉપર પ્રાર્થનાઓ કરતી હતી, અને કહ્યા કરતી, “ રબ્બી સલીમ.” “ઓ ખુદા બચાવજે.”

૨૭૩૨. આજીજી કરતી કે, અમારૂં પાણી લૂંટારાઓથી સલામત રાખજે. ઓ માલિક ! તે ઝવેરાતને પેલા સમુદ્ર સુધી ભેટાડજે. (બાદશાહ સુધી પહોંચાડજે).

૨૭૩૩. જો કે મારો ધણી ચપળ અને કુનેહવાળો છે, છતાં ઝવેરાતના લાખો દુશ્મન હોય છે.

૨૭૩૪. (સ્ત્રી કહેતી હતી) ખરેખર મોતી, તે ખરેખર હૌજે કવસરનું પાણી છે, આ ટીપું છે જે અસલ મોતીનું ટીપું છે.

૨૭૩૫. સ્ત્રીની પ્રાર્થનાઓ અને આજીજીઓ થકી, અને ધણીની ચીવટ અને કાળજીપૂર્વક (સાચવણથી) તે વજનદાર બોજો.

૨૭૩૬. તે તેણે લાંબો વખત લગાડયા વગર લૂંટારાથી સલામત અને પત્થરાઓથી બચાવીને શહેનશાહની રાજધાનીમાં લાવ્યો.

૨૭૩૭. તેણે ભવ્ય દરબાર જોયો, જ્યાં ગરજવાળા લોકો પોતાની જાળ (જરૂરિયાતની યાદી) પાથરી બેઠા હતા.

ખલીફાના અમલદારી અને હજૂરિયાઓ અરબની ભેટ સ્વીકારવા માન આપી આગળ આવ્યા, તે વિષે…

૨૭૭૩. અરબ ગાઢ જંગલમાંથી બાદશાહના રાજમહેલના દરવાજે આવી પહોંચ્યો.

૨૭૭૪. બાદશાહના હજૂરિયા તેને મળવા ગયા. તેની છાતી પર માયાળુપણે ગુલાબજળ છાંટ્યું.

૨૭૭૫. વાતચીત કર્યા વગર પણ તેઓ તેને શું જોઈતું હતું તે સમજી ગયા, તેઓનો રીવાજ હતો કે માગ્યા પહેલાં આપવું.

૨૭૭૬. પછી તેઓએ તેને કહ્યું, ઓ અરબના શેખ, તમો ક્યાંથી આવો છો? મુસાફરી અને (તેના) થાક બાદ (હવે) તમે કેમ છો?

૨૭૮૨. હું અજાણ્યો છું. હું વિશાળ રેતીના રણમાંથી આવું છું. હું સુલતાનની મહેરબાનીની આશાએ આવ્યો છું.

૨૭૮૩. તેની કૃપાની સુગંધ આખા રણ (વિસ્તારમાં) ફેલાણી છે, (તેનાથી) રેતીના કણે કણ જાગૃત થયા છે.

૨૭૮૪. હું આટલી લાંબી મજલે દીનાર માટે આવ્યો છું. જેવો હું અહીં આવ્યો કે આ દેખાવની (ભવ્યતાનો) નશો ચડ્યો છે.

વ્યાકરણ શાસ્ત્રી અને હોડીવાળા વચ્ચે શું બન્યું.

૨૮૩૪. આ બધી જુદી જુદી જાતના જ્ઞાનમાં મરણને દિવસે (ઉત્તમ) સાધન અને રસ્તાનું ભાતું (રૂહાની) ગરીબાઈનું જ્ઞાન છે.

૨૮૩૫. અમુક વ્યાકરણ શાસ્ત્રી હોડીમાં બેઠો. પોતાની બડાઈ ખોરી કરતો હોડીવાળા તરફ ફર્યો.

૨૮૩૬. અને કહે, તું કદી વ્યાકરણ શીખ્યો છે? તેણે જવાબ આપ્યો 'ના'. પેલો કહે, તારી અર્ધી જિંદગી પાણીમાં ગઈ.

૨૮૩૭. હોડીવાળો દિલગીરીમાં હૃદયભગ્ન બન્યો, પણ તે વખતે તે જવાબ દેતાં અટકી ગયો.

૨૮૩૮. પવને હોડીને વમળમાં ફસાવી. હોડીવાળાએ જોરથી વ્યાકરણ શાસ્ત્રી તરફ બૂમ પાડી.

૨૮૩૯. મને કહે, કેવી રીતે તરવું તે તું જાણે છે? તે કહેઃ ના. અરે ભલા મીઠી ભાષા બોલનાર સુંદર યુવાન !

૨૮૪૦. તે કહે, ઓ વ્યાકરણ શાસ્ત્રીજી તમારી આખી જિંદગી પાણીમાં ગઈ આ વમળમાં હોડી ડૂબી રહી છે.

૨૮૪૧. જાણ કે અહીં પોતાને ભુંસી નાખવું જરૂરી છે. વ્યાકરણ નહિ. જો તું પોતાને મારી શક્યો છે તો દરિયામાં બીક વગર ભૂસકો માર.

૨૮૪૨. દરિયાનું પાણી મરેલાને તરતો ઉપર રાખે છે, પણ જો તે જીવતો હોય તો દરિયાના પાણીમાં કેવી રીતે બચી શકશે?

૨૮૪૬. જો કે અમોએ વ્યાકરણ શાસ્ત્રીની (વાત) કહી, એટલા માટે કે અમે તને પોતાનું નહિવતપણાનું વ્યાકરણ શીખવીએ.

૨૮૪૮. પાણીનો કુંજો એ આપણું જુદી જુદી જાતનું જ્ઞાન છે, અરે બાદશાહ! એ ખુદાઈ જ્ઞાનનો ટીગ્રીઝ (દરિયા) છે.

૨૮૪૯. આપણે પાણીનો જગ દરિયા પાસે લઈ જઈએ છીએ. તે જો જાણતા ન હોઈએ તો આપણે ગધેડા છીએ. (જાણ કે) ગધેડા જ છીએ.

૨૮૫૦. આટલું છતાં અરબ તે માફીને પાત્ર છે, કારણ કે તે મહાન નદી દજલાથી અજ્ઞાત હતો.

૨૮૫૧. જેમ આપણે દરિયાથી વાકેફ છીએ તેમ તે વાકેફ હોત તો તે (પાણીનો) કુંજો એકથી બીજી જગ્યાએ લઈ ગયો ન હોત.

૨૮૫ર. બલકે જો તે દરિયાથી ખબરદાર હોત તો પથ્થરથી પેલા કુંજાના ટુકડા કરી નાખ્યા હોત.

તે અરબ પાણીના કુંજાને અંગે ઇનામને પાત્ર નથી, એમ સમજવાને બદલે, બાદશાહનું ભેટ સ્વીકારવું અને ઈનામની નવાજીશ કરવી.

૨૮૫૩. જ્યારે બાદશાહે (ભેટ) જોઈ અને તેની વાત સાંભળી ત્યારે તેણે તે કુંજો સોનાથી ભરી દીધો. અને (બીજી ભેટો) ઉમેરી.

૨૮૫૪. તેણે (બાદશાહે) અરબને ગરીબાઈમાંથી છોડાવ્યો. તેણે તેને ભેટ અને માનવંત પોષાક અર્પણ કર્યો.

૨૮૫૫. કહે, આ કુંજાને સોનાથી ભરી દઈ તેના હાથમાં આપો. જ્યારે તે ઘર તરફ પાછો ફરે ત્યારે ટીગ્રીસ (નદીને) રસ્તે પાછો મોકલો.

૨૮૫૬. તે અહીં રણના રસ્તે જમીન પર મુસાફરી કરીને આવ્યો. નદીના રસ્તે જતાં તેને (તેનું ઘર) વધુ નજદીક થશે.

૨૮૫૭. જ્યારે તે અરબ વહાણમાં બેઠો, અને ટીગ્રીઝ નદી જોઈ તે શરમમાં માથું ઝૂકાવી સીજદા કરવા મંડી પડ્યો.

૨૮૫૮. કહે, તે કૃપાળુ સુલતાનનું માયાળુ પણું અજબ છે, અને વધુ અજબ તો તે છે કે તેણે કુંજાનું પાણી સ્વીકાર્યું.

૨૮૫૯. ઉદારતાના સાગરે આટલી જલ્દીથી આના જેવો ઘસાઈ ગએલો સિક્કો કેમ સ્વીકાર્યો?

૨૮૬૪. અને જો તેણે (અરબે) ટીગ્રીઝની સાખા (પણ) જોઈ હોત તો તેણે કુંજાનો નાશ કર્યો હોત, તેનો નાશ કર.

૨૮૬૫. જે તેઓએ જોયું તે હંમેશાં તેમની બાજુમાં જ હોય છે, જેમ પોતે પોતાની નજીક હોય, તેઓએ કુંજા તરફ પત્થર ફેંક્યો.

૨૮૬૬. ઓ તું, કે જેણે અદેખાઈથી કુંજા તરફ પત્થર ફેંક્યો છે. તો કુજો પત્થર વાગવાના પ્રતાપે વધુ સંપૂર્ણ બન્યો છે.

૨૮૬૭. બરણીના ટૂકડા થયા છે, પરંતુ તેમાંથી પાણી ઢોળાતું નથી. આના ટકરાવાથી હજારો અવાજો ઉત્પન્ન થયા છે.

૨૮૬૮. કુંજાના દરેક ટૂકડા એના આનંદમાં નાચે છે, જોકે જાહેરી દૃષ્ટિએ તે મુર્ખાઈ ભરેલું લાગે છે.

૨૮૬૯. (અત્યાનંદ)ની હાલતમાં ન તો જગત નજરે પડે છે, ન તો પાણી, સારી રીતે ગણત્રી કર, માત્ર ખુદા જ ખરેખર સત્ય જાણે છે.

૨૮૭૦. જ્યારે તું સત્યનો દરવાજો ખખડાવીશ. ત્યારે તે તારા માટે ખુલશે. વિચારોની (ધ્યાનની) પાંખ ફફડાવ, એટલા માટે કે તું બાદશાહનો બાજપક્ષી બને.

૨૮૭૧. તારા વિચારની પાંખ ગારા ભરેલી ભારે બની છે, કારણકે, તું માટી ખાનાર છે, માટી તારો ખોરાક બન્યો છે.

૨૮૭ર. પાંઉ અને માંસ એ (અસલ) માટી જ છે, માટે તું થોડું ખા. કે જેથી તું માટીની માફક દુનિયા ઉપર પડયો ન રહે.

૨૮૭૮. ખોરાકની તમન્ના પેલા અરબને (બાદશાહના) દરબારમાં લઈ ગઈ. અને (ત્યાં) તેને પોતાનું ખુશનશીબ સાંપડયું.

૨૮૭૯. જેનો કોઈ આધાર નહિ હતો (ગરીબ કંગાળ હતો), તેવા (અરબની) વાત આપણે કહી રહ્યા છીએ, કે જેના તરફ બાદશાહે રહેમદિલી બતાવી.

૨૮૮૦. (ખુદાની) મહોબતમાં માણસ જે કાંઈ બોલે છે, તે મહોબતના અવકાશમાં તેના મોઢામાંથી મહોબતની સુવાસ પ્રસારે છે.

૨૮૮૧. જો તે ખુદાઈ જ્ઞાન ઉપર બોલે છે, તો તે (રૂહાનીયત) ગરીબાઈમાં ફેરવાઈ જાય છે, તે માણસની મીઠી અને કડવી વાતોમાં (રુહાની) ગરીબાઈની ખુશ્બું આવે છે.

૨૮૮૮. જો સાચા ઈમાનદારને સોનાની મૂર્તિ મળે તો પણ તે તેને પૂજવા માટે ત્યાં કેમ રહેવા દેશે?

૨૮૮૯. ના, તે તેને ઉંચકી લેશે, અને તેને અગ્નિમાં નાખી દેશે. તે તેને ભાંગી નાખશે, તેના ઉછીના રૂપનો (નાશ કરશે).

૨૮૯૦. એટલા માટે કે મૂર્તિનો આકાર સોના ઉપર રહે નહિ. કારણ કે શોધવામાં અડચણ અને અટકાયત કરે છે. રૂપ.

૨૮૯૧ તેના સોનાનું સત્ય એ માલિકનું સત્ય છે. સોનાના સિક્કા પર મૂર્તિની છાપ એ તો ઉછીની છે.

૨૯૦૨ આપણે અરબ, કુંજો અને રાજા બન્ને છીએ. આપણે બધું છીએ.

૨૯૨૭.તેથી જ દરેક સારૂ રૂપ અને આકાર બૂમો પાડતું હોય છે, શુભ સમાચાર! શુભ સમાચાર! વસંત અહીં આવી રહી છે !

૨૯૨૮.જ્યાં સુધી મોર(blossom) બખ્તરની માફક ઝગારા મારે છે, ત્યાં સુધી ફળો પોતાની ગાંઠો કેમ બનાવી શકશે?

૨૯૨૯. જ્યારે મોર ખર્યો ત્યારે ફળનું માથું બહાર આવ્યું. જ્યારે શરીરના ટૂકડા થઈ ગયા ત્યારે રૂહ પોતાનું માથું ઉંચકે છે.

૨૯૩૦. ફળ જ ખરી ચીજ છે. મોર તો તેનું રૂપ છે. મોર એ સારા સમાચાર છે, ફળ તેની બક્ષિસ છે.

૨૯૩૧. જ્યારે મોર ખરી પડ્યો ફળ દેખાવમાં આવ્યું. જ્યારે તે અદૃશ્ય થયું ત્યારે ફળનું વધવાનું થયું.

૨૯૩૨. પાંઉ જ્યાં સુધી ટૂકડા ટૂકડા ન થયું ત્યાં સુધી તે તાકાત ક્યાંથી આપી શકે? (દ્રાક્ષનું) નહિ છુંદાએલું ઝુમખું દારૂ કેવી રીતે ઉત્પન્ન કરશે?

૨૯૩૩. દવા સાથે હરડે મેળવવામાં ન આવે તો તે દવા પોતાની મેળે શક્તિ વર્ધક કેમ બનશે?

૨૯૬૯. જ્યારે પીરે તને સ્વીકાર્યો, ધ્યાન રાખજે, તેમના તાબામાં તને સોંપી દે. હ. મુસાની માફક હજરત ખીઝરની સત્તાની નીચે જા.

૨૯૭૦. ખીઝરનાં કૃત્યો ધીરજથી સહન કર, કે જે દંભ વગરનાં છે, એટલા માટે કે તને ખીઝર એમ ન કહે કે “જા આપણે છૂટા પડીએ છીએ.”

૨૯૭૧. જો તે બોટમાં કાણું પાડે (તો) એક શબ્દ બોલતો નહિ. જો તે બચ્ચું મારી નાખે (તો પણ) તારા વાળ પીંખતો નહિ.

૨૯૭૨. ખુદાએ જાહેર કર્યું છે કે તેનો (મુરશિદે કામિલનો) હાથ તેનો પોતાનો જ હાથ છે, જેમ (તેના શબ્દોમાં) "ખુદાનો હાથ તેના હાથ ઉપર છે.”

૨૯૭૩. ખુદાનો હાથ (બચ્ચાનું) મૃત્યુ નીપજાવે છે અને પછી તેને જિંદગી અર્પણ કરે છે. અરે જિંદગી તો શું? તે તેને હંમેશ રહેનારી રૂહાની બનાવે છે.

૨૯૭૯. જ્યારે તેં મુરશિદ પસંદ કર્યો છે ત્યારે મૂર્છિત દિલવાળો ન બન. પાણી જેવો નબળો ન બન અને જમીનના જેવો રોટલાનો ટૂકડો ન બન.

૨૯૮૦. જો તું દરેક ફટકાએ ગુસ્સે થઈશ તો તું ચોખ્ખો અરિસો, વગર પોંલીસે કેમ થઈ શકીશ?