મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી
વાર્તા - ૨, સમરકંદનો સોની
વાર્તા - ૨, સમરકંદનો સોની
૩૪. તું જાણે છે શા માટે (તારી રૂહાની આરસી) દર્પણ પ્રતિબીંબ પાડતું નથી? કારણ કે તેના મુખ ઉપરથી કાટ દૂર કરવામાં આવેલ નથી.
હવે દિલની આરસી ઉપરથી કાટ કેવી રીતે દૂર કરવો તેનો ગુઢાર્થ-ભેદ જાહેર કરતી એક વાર્તા.
(આપણે વાર્તા સાંભળીયે તેના પહેલા તેના પાત્રોનું અદના બુદ્ધિથી તાવિલ જાણીએ. રાજા એ ઈન્સાન છે, ઈન્સાની રૂહ છે. દાસી એ ઈન્સાનનું દિલ છે.(વિખરાએલું તત્વ). સાકર જેવા મીઠા સમરકંદનો સોની એ નાતિક છે. રૂહાની વૈધ એ ખયાલના રૂપમાં, પ્રેમ અદ્રશ્ય છે, ખીજર છે. જાહેરી વૈદ એ જાહેરી ઈલ્મ ધરાવતા આલીમ છે.)
સમરકંદના સોનીનું બયાન,
એક બાદશાહનું દાસી ઉપર આશિક થવું, તેને ખરીદ કર્યા પછી દાસીનું માંદુ પડવું, અને હકીમો પાસે તેનો ઉપાય કરાવવો.
૩૫. હે મિત્રો, આ વાત સાંભળો, (ખરી રીતે) તે આપણી ચાલુ (આંતરિક) હાલતનો જ ચિતાર છે, વર્ણન છે.
૩૬. અગાઉના વખતમાં એક રાજવી-રાજા હતો. જેના પાસે દુન્યવી તેમજ દીનનું પણ રાજ્ય હતું.
૩૭. એવું બન્યું કે એક દહાડો રાજવી પોતાના દરબારીઓ સહિત શિકાર કરવા ઘેાડા ઉપર સવાર થયો.
૩૮. રાજાએ રાજમાર્ગ પર એક દાસી જોઈ. (તેને દેખતાં જ) રાજાનો આત્મા તે દાસીનો ગુલામ બની ગયો.
૩૯. કેમ કે પીંજરામાં તેનો આત્મા વ્યાકુળ થઇ રહ્યો હતો, ( આથી ) તેણે પૈસા આપી તે દાસી ખરીદી લીધી.
૪૦. તેણીને ખરીદ કર્યા બાદ રાજા પાતે પેાતાની જરૂરત પ્રમાણે સફળ થયો. તેવામાં કુદરતી તે દાસી માંદી પડી ગઈ.
૪૩. રાજવીએ ડાબી અને જમણી (સર્વે) બાજુએથી વૈદો યાને આલીમો એકઠા કર્યાં અને વૈદોને કહ્યું, અમારા બન્નેના પ્રાણ તમારા હાથમાં છે.
૪૪. મારી જીંદગીની કાંઈ વિસાત નથી, (પણ) તેણી દાસી મારા પ્રાણનું જીવન છે. હું દુઃખી અને ઘાયલ છું. તેણી જ મારો ઈલાજ છે.
૪૬. સઘળા વૈદો તેને કહેવા લાગ્યા, અમે અમારી જાત જોખમમાં મુકશું. અમારૂ સઘળું બુદ્ધિબળ એકત્ર કરશું,
અને સાથે મળીને (ઈલાજ) કરશું.
૪૭. અમારામાંના દરેક (વૈદ) વિશ્વનેા મસીહ છે. દરેક દર્દની દવા અમારા હાથમાં છે.
૪૮. તેઓએ અહંકારમાં આવીને, ઈન્શાઅલ્લાહ ન કહ્યું. તેથી ખુદાએ તેઓને માણસની દુર્બળતા બતાવી આપી.
૪૯. મારો મતલબ (એ છે) કે ઈન્શાઅલ્લા ન કહેવું, દીલની કઠોરતા છે, કેવળ (જીભથી) બોલવું (અને ખરા દીલથી નહિ) એ ખાલી દંભ છે.
૫૦. હે (વાંચક) એવા માણસ છે કે જેઓ જીભથી ઈન્શાઅલ્લાહ ઉચ્ચારતા નથી, (છતાં પણ) તેનો આત્મા ઇન્શાઅલ્લાહના, તત્વ સાથે મળેલો હોય છે.
૫૧. જે કંઈ તેઓએ (જાહેરી વૈદોએ, જાહેરી આલીમોએ) ઉપાય અને દવા કરી (તેનાથી), દાસીની બિમારી વધી અને જરૂરીયાત પુરી ન થઈ.
પર. પેલી દાસી (મંદવાડને લીધે) વાળ જેવી પાતળી બની ગઈ, (જ્યારે) રાજવીની આંખેામાં આંસું વહેતાં થયાં.
૫૩. નશીબજોગે સરકાએ (વિનિગરે) પિત્ત વધાર્યું, બદામનુ તેલ શુષ્કતા-ઠંડાપણું બતાવતું હતું.
પ૪. હીમજ-હરડેથી (જુલાબને બદલે) કબજીયાત થઈ ગઈ. ઝાડા આવતા બંધ થઈ ગયા. પાણી (આગ ઓલવવાને બદલે) અગ્નિ ઉશ્કેરનારું નીવડયું.
જાહેરી હકીમોને લીધે દાસીને વધું બિમાર થવાની હકીકત, બાદશાહને જાણ થવી અને તેણે મહાન ખુદાના દરબાર તરફ રજુ થવું, પ્રાર્થનાના જવાબ રૂપે, દૈવી પુરૂષને બાદશાહનું સ્વપ્નામાં જોવું.
૫૫. રાજવીએ જ્યારે પેલા વૈદોની નબળાઈ નિહાળી ત્યારે તે ઉઘાડે પગે મસ્જીદે ગયો.
૫૬. તે મસ્જીદમાં જઈને મહેરાબ ભણી (સીજદામાં) ગયો. અને (એટલું રડયો) કે રાજવીનાં આંસુથી સિજદા સ્થળ પાણી પાણી થઈ ગયું.
૫૭. જ્યારે તે ફ્નામાંથી નીકળી પેાતાના પંડમાં-જીસ્માની ભાનમાં (શુદ્ધીમાં) આવ્યો ત્યારે તેણે પોતાની જીભ ખુદાની સ્તુતિમાં-વખાણમાં ખોલી.
૫૮. હે,(પવિત્ર જાત તારી દયાથી) આ અદના બક્ષિસ જાહેરી રાજપાટ મારી પાસે છે, હું શું કહું? જ્યારે તું ગુપ્ત ભેદ જાણનાર છે.
૫૯. હે સદા અમારી ઉમ્મીદોના આશ્રયદાતા, ફરીવાર અમેા (સત્ય) માર્ગ ચૂકી ગયા.
૬૦. તેં ફરમાવ્યું, અલબત હું તારો ભેદ જાણું છું, પરંતુ તારી દુઆમાં તારે જાહેર કરવું જોઇએ.
૬૧. જ્યારે તેણે રાજવીએ અંતરના ઉંડાણમાંથી આજીજી કરી ત્યારે (ખુદાઈ) રહેમતનો દરિયો જોશમાં આવી ગયો.
૬૨. રૂદન દરમ્યાન નિંદ્રા (એકાગ્રતા) આવી ગઈ, સ્વપ્નું આવ્યુ, તેમાં એક વૃદ્ધ પુરૂષ દેખાયો.(પ્રેરણા થઈ).
૬૩. તેણે કહ્યું હે રાજન ખુશ સમાચાર ! તારી દુઆઓ કબુલ થઈ છે, આવતી કાલે કોઇ અજાણ્યો તારી પાસે આવશે. તે અમારા તરફથી છે, (તે જાણજે).
૬૪. જ્યારે તે આવે ત્યારે (વિશ્વાસ રાખજે કે) તે હુશિયાર વૈદ છે, તેને સાચો સમજજે. કારણ કે તે અમીન(દયાળું) અને સાદિક(સાચો) છે.
૬૫. તેના દરેક ઉપચારમાં પૂર્ણ જાદુ જોઈ લેજે. તેની પ્રકૃતિમાં ખુદાઈ શક્તિ જોઈ લેજે.
૬૬. જ્યારે આપેલો સમય આવી પહોંચ્યો.
૬૮. તેણે એક ભવ્ય અને પવિત્ર પુરૂષ જોયો, જાણે કે છાયામાં સૂર્ય.
૬૯. તે દુરથી બીજના ચંદ્રની માફક આવતો હતો. તે અવિધમાન (અદ્રશ્ય) હતો. જો કે "ખ્યાલ"ના રૂપમાં દેખાતો હતો.
૭૦. દુનિયામાં ખ્યાલ નહિવત છે, સૂક્ષ્મછે. (તો પણ) જગતનું અસ્તિત્વ ખ્યાલ પર આધાર રાખે છે. તે નિહાળ.
૭૨. એ ખ્યાલ કે જે સંત લેાકેાની જાળ છે, તે સ્વર્ગીય બગીચામાં રહેનારાનાં પ્રતિબીંબ છે.
૭૩. એ ખ્યાલ કે જે રાજાએ સ્વપ્નામાં જોયા હતા, તે પરોણા-મહેમાનના મુખ પર દેખાઈ આવતા હતા.
૭૪.“વલી”માં ખુદાનુ ઝાહેર નુર મૌજુદ છે, જો દીલ ચોક્ખુ હશે તો, તે તું જોઇશ.
૭૫. આ ખુદાનો વલી-દોસ્ત જ્યારે દૂરથી નજરે પડયો, (તો તેણે જોયુ કે ) તેના પગથી માથા સુધી નુર વરસતું હતું.
૭૬. રાજવીએ કહ્યું મારો માશુક તું જ છે, નહિ કે દાસી, પરંતુ જગતમાં એક કામમાંથી બીજું કામ નીકળી આવે છે.
૭૭. એ, તું જાણે કે મારા મુસ્તફા છે, અને હું તારા માટે જાણે સેવક છું. તારી સેવા ખાતર મેં મારી કમર કસી છે.
૭૮. ખુદા પાસેથી વિવેક શક્તિ માગીએ (કારણ કે) અવિવેકી, ખુદાની રહેમત મેળવી શકતા નથી.
૮૦. હજરત મુસાની કોમને આસમાનમાંથી (ભોજનના) થાળ, વગર ખરીદે કે વેચે, વગર તકલીફે ઉતરતા હતા.
૮૧. હજરત મુસાની કોમમાંથી કેટલાક અસભ્યતાથી બોલી ઉઠ્યા, આમાં લસણ તથા મસુર કયાં છે?
૮૨. આસમાનમાંથી થાળ અને ભોજન (આવતા) બંધ થઈ ગયા. (પરિણામે) ખેડની વેઠ તથા કોદાળી અને દાતરડું લઈ વૈતરૂ કરવાનું રહ્યું.
૮૩.ફરી જ્યારે હ. ઈસાએ દરમ્યાનગીરી કરી તેા ખુદાએ આસમાનથી થાળ અને ખાવાનું મોકલ્યું.
૮૪. ફરીવાર ઉદ્ધત લોકોએ, વિવેકનો ત્યાગ કર્યો.
૮૫. હજરત ઈસાએ તેઓને સમજાવ્યા કે, આ થાળ નિરંતર આવનારા છે, અને આવતા અટકશે નહી.
૮૬. મહાન ખુદાના થાળ તરફ, શંકા કે લાલસા રાખવી એ અનુપકારીપણું, નાસુકરી છે.
૮૭. લાલસાથી અંધ બનેલા તે ભિખારીઓના કારણે એ રહેમતના દ્વાર બંધ થયા.
૮૮.જકાત અટકાવવાથી (વરસાદ માટે) વાદળાં નથી ચઢતા.
૮૯. જે જે દુ:ખ અને તકલીફ તારા ઉપર આવી પડે છે. તે તારા ડર વગરના (ફાવે તેવા) વર્તન અને દુષ્ટતાના કારણે છે.
૯૧. આ આકાશ વિવેકના પ્રતાપે પ્રકાશથી ભરપુર છે, ફીરસ્તા (પણ) વિવેકના પ્રતાપે કલંક રહિત અને પવિત્ર છે.
૯૨. સુર્ય ગ્રહણ દુષ્ટતાના કારણે થયું, અઝાઝીલ પણ દુષ્ટતાના પ્રતાપે ખુદાઈ દ્વારથી હડધુત થયો.
જેનાં સ્વપ્નામાં દીદાર થયા હતા અને જેની પધરામણીની ખુશ વધાઇ આપવામાં આવી હતી, તે દૈવી વૈદ સાથે રાજવીની મુલાકાત..
૯૩. તેણે (રાજાએ) પેાતાના હાથ પહેાળા કરીને તેને રૂહાની વૈદને આલિંગન કર્યું અને પ્રેમથી, પેાતાના દિલ અને આત્મામાં સ્થાન આપ્યું.
૯૪. તેના હાથ અને કપાળ ચુમવા લાગ્યો.
૯૬. તેણે રાજાએ વૈધને કહ્યું કે "ધિરજ સુખની ચાવી છે" એ (હદીસના અર્થ) રૂપ (મારા માટે તુંજ છે!).
૯૭. ઓ તું, કે જેનો દીદાર દરેક સવાલનો જવાબ છે. તારા થકી સર્વે મુશ્કેલીઓ વાતચીત કર્યા વિના આસાન થઈ જાય છે.
૯૮. તું અમારા દીલમાં જે (વાત) હોય તેનો ખુલાસો કરવાવાળો છે. જે કોઇના પગ કાદવમાં ફ્સાએલા છે, તે દરેકનો તું હાથ ઝાલનાર છે.
૯૯. ઓ ખાસ પસંદગી પામેલા વૈદ, જો તું જતો રહે તો (અમારા પર) મૃત્યુ આવી જાય. અને (જીવનની) વિશાળ જગ્યા સાંકડી થઇ જાય.
૧૦૦, તું જગતનો સ્વામી છે. જે કોઈ તને ચાહતો નથી તે ખચીત હલાક થઇ ગયો.
રાજવીનું તે દૈવી વૈદને બીમાર દાસી પાસે લઇ જવું.
૧૦૧, જ્યારે તે મિલન અને મહેમાની થઈ રહી, ત્યારે તે (રાજવી) તે (મહેમાનનેા) હાથ ઝાલી જનાનખાનામાં લઈ ગયો.
૧૦૨. તેણે રાજવીએ દરદી અને તેનાં દર્દની વાત કહી સંભળાવી. પછી વૈધને દરદી પાસે બેસાડયો.
૧૦૩. (દૈવી વૈધે) તેણીને તપાસી.
૧૦૪. તેણે કહ્યુ, તેઓ (દાંભીક જાહેરી વૈદો, જાહેરી આલીમોએ) જે જે દવાઓ કરી તેનાથી તેની તંદુરસ્તી સુધરી નથી, બલકે (તંન્દુરસ્તીનો) નાશ કર્યો છે.
૧૦૫. તે જાહેરી વૈદો અંદરની સ્થિતીથી બેખબર હતા.
૧૦૬. તેણે (રૂહાની) વૈદે જોયું અને દાસીના દર્દનો ભેદ ખુલી ગયો. પરંતુ તેણે તેને ગુપ્ત રાખ્યું. રાજાને ન કહ્યું.
૧૦૮. તેણીની પીડા પરથી તેણે જાણ્યું કે, તેણી દીલની બિમાર છે. તેણીનુ દીલ (પ્રેમથી) જકડાએલુ છે.
૧૦૯. દીલની બિમારી જેવી, કોઇ બીજી બિમારી નથી.
૧૧૦. પ્રેમની બિમારી (બીજી) બિમારીઓથી જુદી છે.
૧૧૧. પ્રેમ આ તરફનો હોય કે પેલી તરફનો હોય, પરિણામે આપણને એ (હકીકી) બાદશાહ તરફ દોરી જાય છે.
૧૩૬. પ્રેમીઓનાં રહસ્યો બીજાઓની વાર્તામાં, રૂપકમય સંભળાવવામાં આવે, એ બહેતર છે.
૧૪૨. ફીત્નો, ખળભળાટ અને ખુનરેજી થાય તેવી ખટપટ ન કર. (ખુલ્લે ખુલ્લી વાત ન કર, રૂપકમાં વાત કર).
૧૪૩. તે દૈવી પુરૂષની, દાસીના દરદને શેાધવા માટે રાજવી પાસે એકાંતની ઈચ્છા કરવી.
૧૪૪, તેણે કહ્યું, હે રાજન, ઘરને ખાલી કરી દે. સ્વજનો અને અજાણ્યાઓને દૂર કરી દે.
૧૪૬. ઘર ખાલી કરવામાં આવ્યુ. વૈદ્ય અને દાસી સિવાય એક પણ માણસ તેમાં રહ્યો નહી.
૧૪૭. નમ્રતાથી તેણે વૈદે દાસીને કહ્યું કે, તારૂં શહેર (વતન) કયાં છે? કારણ કે દરેક શહેરના લોકોનો ઉપચાર જુદો હોય છે.
૧૪૮. અને તે શહેરમાં તારૂં સગું વહાલું કોણ છે? કોની સાથે તારા સંબંધ અને મેળ મેળાપ છે?
૧૪૯. તે પાતાના હાથ તેણીની નાડ ઉપર રાખીને, કુદરતી તકલીફો વિષે એક પછી એક પૂછતો હતો.
૧૫૦, જ્યારે કોઈના પગમાં કાંટો ભોંકાય છે. ત્યારે તે પેાતાના પગને ઘુંટણ પર રાખે છે.
૧૫૧. અને સેાઈની અણી વડે તે કાંટાનો અગ્રભાગ ગોતવા માંડે છે, અને જો તે જડતો નથી, તો તે હેાઠ વડે તે ભાગને ભીનો કરે છે.
૧૫૨. પગના કાંટાને શોધવો આટલો મુશ્કેલ છે, તો દીલમાં ભોંકાએલ કાંટો શેાધવો કેટલો મુશ્કેલ હશે?
૧૫૩. જો દરેક પામર ઈન્સાન દીલનો કાંટો જોઈ શકતે તેા, તેવાને શોક સંતાપ વધુ અસર કેમ કરી શકતે?
૧૫૪. કોઈ ગધેડાની પૂંછડીમાં કાંટો ભોકાય તો, ગધેડો તે કાઢવાનુ જાણતો નથી. (અને) તે કુદકા મારવા માંડે છે.
૧૫૫. તે કુદકા મારે છે, અને કાંટો વધુ જોરથી ભોકાય છે. ડાહ્યાની જરૂર છે, કે તે કાંટો કાઢે.
૧૫૬. પરંતુ તે કાંટો કાઢનાર વૈદ હુશિયાર હતો. એક જગ્યાએ બીજી જગ્યાએ હાથ મુકી તપાસતો જતો હતો.
૧૫૭. ગધેડો કાંટાને બહાર કાઢવા, બળતરા અને વેદનાથી લાતો ઉછાળે છે, અને સેંકડો ઠેકાણે પેાતાને જખમ કરે છે.
૧૫૮. પેલી દાસી પાસેથી, દાસીના સ્નેહીજનોની હકીકત વાર્તા રૂપે પૂછતો જતો હતો.
૧૫૯. તેણી પણ વૈદ્ય પાસે (પેાતાના) રહેઠાણો, માલિકો અને દેશજનોને લગતી વાતો, ખુલ્લે ખુલ્લી કહેતી જતી હતી.
૧૬૦. (જો કે) તેણે વૈદે તેની વાતો પ્રત્યે પોતાના કાન ધર્યા હતા. (પરંતુ) ધ્યાન તેા તેણીની નાડના ધબકારા તરફ હતું.
૧૬૧. કે જેથી કોના નામથી તેણીની નાડ ધબકે છે. (એ ઉપરથી તે જાણી શકે) કે જગતમાં એજ શખ્સ તેણીના આત્માનો ચાહક છે.
૧૬૨. તેણીએ પોતાના સઘળા સ્નેહી, પોતાના ગામના ગણાવ્યા. પછી તેણીએ બીજા શહેરનું નામ લીધું.
૧૬૩. તેણે પુછ્યું, જ્યારે તું તારા પેાતાના ગામથી નીકળી, પછી તું કયા શહેરમાં વધુ રહી?
૧૬૪. તેણીએ કોઈ એક શહેરનું નામ લીધું અને બીજાનું વર્ણન કરવા લાગી. તેણીના ચહેરાના રંગમાં કે નાડમાં કાંઈ ફેર પડ્યો નહીં.
૧૬૫. તેણીએ માલિકો અને શહેરોનુ એક પછી એક વર્ણન કર્યું. પોતાની રહેવાની જગ્યા અને ખાવાપીવાને લગતું, સઘળું કહી સંભળાવ્યું.
૧૬૬. શહેરે શહેર અને (ગામે ગામનુ), ઘર ઘરનું વર્ણન કર્યું, (છતાં) ન તો તેણીની નાડ ફરકી કે, ન તેા ચહેરો ફિક્કો પડ્યો.
૧૬૭. તેણીની નાડ નિયમિત ગતી એ રહી, ત્યાં લગી કે તેણે મીઠા સાકર જેવા સમરકંદ વિષે પુછા કરી.
૧૬૮. તેણીની નાડ ઉછળવા લાગી અને ચહેરો લાલ પીળો થવા લાગ્યો. કારણ કે "સમરકન્દના સોની"થી તેણી વિખૂટી પડી હતી.
૧૬૯. જ્યારે બિમાર (દાસીથી) પેલા વૈદે આ ભેદ જાણી લીધો, ત્યારે તેણે પીડા અને મુશીબતનું મૂળ તપાસી લીધું.
૧૭૦. તેણે પૂછ્યું. તેના ક્યા રસ્તા પર ક્યો મહેાલ્લો છે? તેણીએ કહ્યું. સરૈપુલ, શેરી ગાફતર.
૧૭૧. તેણે રૂહાની વૈદે કહ્યું, તને શું બિમારી છે તેની ખબર મને પડી ગઈ છે. ઝટપટ હું તારો જાદુઈ ઉપાય કરીશ.
૧૭ર. (હવે) તું ખુશી અને ફિકર વગરની બની જા. કારણ વરસાદ જેમ બગીચા તરફ (ભલાઈ) કરે છે, તેમ હું તારા માટે કરીશ.
૧૭૩, હું તારા માટે ચિંતા કરૂ છું. તું ચિંતા ન કર. હું તારા તરફ સો પિતા કરતાં વધુ હેત ધરાવું છું.
૧૭૪. સાવધાન, સાવધાન. આ ભેદ કોઈને નહીં કહેજે. અગર રાજા પણ તને પુછે તો (કહેતી નહી).
૧૭પ. જો તારૂં દીલ તારા ભેદની કબ્ર (ગુપ્ત રાખનાર) થશે તો તારી મુરાદ જલ્દીથી પૂરી થશે.
૧૭૬. પયગમ્બર સાહેબનું કથન છે કે જે કોઈ પાતાનો ભેદ ગુપ્ત રાખે છે, તેની મુરાદ જલ્દીથી પુરી થાય છે.
૧૭૭. જ્યારે બી ધરતીની અંદર ગુપ્ત રહે છે. ત્યારે તે ગુપ્ત રહેવાના પ્રતાપે હરિયાળી બને છે.
૧૭૮. સોનુ અને ચાંદી (ધરતીની અંદર) ગુપ્ત ન હોત તો, ખાણની અંદર પોષણ શી રીતે પ્રાપ્ત કરત.
૧૭૯. તે દૈવી વૈદ્યની આશાઓ અને મીઠા શબ્દોના આશ્વાસને, પેલી દાસીને ભય રહિત બનાવી દીધી.
૧૮૦. સાચા વાયદાઓ દીલને રાહત આપે છે. બનાવટી વાયદાઓ બેચેની કરે છે.
૧૮૧. દયાવંતનો વાયદો સદા રહેનાર ખજાનો છે. કુપાત્રના વાયદા આત્માને સંતાપ.
તે ખુદાઈ વૈદે દાસીની બિમારીનું કારણ જાણી લેવું તથા રાજવીને જણાવવું.
૧૮૨. પછી (દૈવી વૈદ્ય) ઉભા થઈ રાજવી તરફ ગયા. રાજવીને તે (ભેદથી) અમુક અંશે માહિતગાર કર્યાં.
૧૮૩. તેણે કહ્યું, યુક્તિ તો યોગ્ય એ છે કે, આ દર્દીના ઈલાજ ખાતર, આપણે એ માણસને અત્રે હાજર કરીએ.
૧૮૪. દૂર દેશથી સોનીને બોલાવી લે. અને શીરપાવથી ફોસલાવી લે.
સોનીને તેડી લાવવા રાજવીનું સંદેશ વાહકોને
સમરકન્દ મેાકલાવવું.
૧૮૫. રાજવીએ તે તરફ એક બે કાસિદો મોકલ્યા, (જેઓ) હુશિયાર, નિપુણ અને ભરોસાદાર હતા.
૧૮૬. તે બન્ને અમીરો રાજવી તરફથી સોની પાસે ખુશ ખબરી લઈને સમરકંદ આવ્યા.
૧૮૭. ઓ ભલા, (સોનીની) કળામાં ઉશ્તાદ, જેની કારીગરીનાં વખાણ બધા જ શહેરોમાં જાણીતાં છે.
૧૮૮. તે ફલાણા રાજવીએ (શાહી) ઘરેણાં ઘડાવવા તને પસંદ કર્યો છે, કેમકે તું (કારીગરીમાં) મુખ્ય છે.
૧૯૧. તે માણસ રાજી થતો રસ્તા પર આવ્યો. એ ખબર ન હતી કે રાજાએ તેની જાન લેવાનો નિશ્ચય કર્યો છે.
૧૯૫. તે પરદેશી માણસ સોની, માર્ગ પસાર કરીને પહેાંચી ગયો, ત્યારે વૈદ તેને રાજવી આગળ લઇ ગયો.
૧૯૬. તેઓ વૈદ, તેને સોનીને આદરમાન સાથે રાજવી પાસે લઇ ગયા. જેથી તેને શીરાઝ શહેરની દીપીકાથી સળગાવી દેવામાં આવે.
૧૯૭. રાજવીએ તેને ઘણા જ આદર સત્કાર કર્યાં.
૧૯૮. પછી વૈદે રાજવીને કહ્યું, એ દાસી આ માણસને સોંપી દો.
૧૯૯. જેથી દાસી તેના મળવાથી રાજી થઇ જાય, અને તેના મિલનનું પાણી તેના દીલની અગ્નિને શાંત પાડે.
૨૦૦. રાજવીએ તે રૂપવતી (દાસી) તેને સોનીને અર્પણ કરી. તડપતાં દીલવાળાં બન્નેનાં લગ્ન કરી દીધા.
૨૦૧. છ માસ સુધી તેઓ બન્ને પ્રેમી સાથે રહ્યા. તે દરમ્યાન પેલી યુવતી પૂર્ણ તન્દુરસ્ત બની ગઈ.
૨૦૨. ત્યાર પછી (વૈદે) સેાની માટે શરબત તૈયાર કર્યું, જે તેણે પીધું અને યુવતી પાસે (તે) સોની દિવસે દિવસે સુકાવા લાગ્યો.
૨૦૩. જ્યારે મંદવાડના કારણે તેની સોનીની ખુબસૂરતી ન રહી. ત્યારે યુવતીનુ દીલ તેના ઉપરથી ઉતરી ગયું.
૨૦૪. જ્યારે તે સોની રૂપ વગરનો ફીક્કો પડી ગયો. ત્યારે તેણીના દીલમાં (સોનીનો) પ્રેમ ઠંડો પડી ગયો.
૨૦૫. જે પ્રેમ "રૂપ" ખાતર હોય છે. તે પ્રેમ નહિ. આખરે તે કલંક (સાબિત થાય) છે.
૨૧૬. અને પળવારમાં તે માટીમાં મળી ગયો. પેલી દાસી પ્રેમ અને દુઃખથી પાક (મુક્ત) બની ગઈ.
૨૧૭. કારણ કે મૃત્યુ પામેલાનો ઈશ્ક લાંબો વખત ટકતો નથી. કારણ મૃત્યું પામેલા પાછા આવતા નથી.
૨૧૮. પરંતુ "હૈયાત"નો પ્રેમ આત્મા અને નજરમાં, ફૂલવાડી કરતાં વધુ મહેકતો હોય છે.
૨૧૯. તે જીવંત (માશુક)નો પ્રેમ અખત્યાર કર, કે જે સદા રહેનાર છે. જે પ્રાણ વધારતો મદીરા પાનાર છે.
૨૨૦. તેનો પ્રેમ અખત્યાર કર, કે જેના પ્રેમ થકી નબીયોએ શક્તિ અને મહાનતા મેળવી.
૨૨૧. તું એમ ન કહે કે તે (તેની બાદશાહની હજુર સુધી પહેાંચવાની છૂટ નથી. દયાળુ દાતાર સાથે કામ પાડવું અઘરૂ નથી.
સોનીના વધ કરવાનું તથા વિષ દેવાનું કાર્ય દૈવી સંકેત
અનુસાર હતું. ન તેમાં વાસના હતી. ન દુષ્ટ ભાવના,
એ (વિષે)નું વર્ણન.
૨૨૨. વૈદના હાથે તે માણસનું માર્યા જવું, ન તો કોઈ આશાના કારણે કે કોઈ ભયથી.
૨૨૩. તેણે રાજવીને સંતોષવા પ્રાણ લીધો ન હતો, કે જ્યાં સુધી ખુદાઈ આજ્ઞા અને પ્રેરણા ન આવી.
૨૨૪. તે બાળક કે જેનું ગળું હજરત ખિઝરે કાપી નાખ્યું હતુ. તેનો ભેદ સામાન્ય જનતા સમજી શકતી નથી.
૨૨૫. (શખ્સ) કે જે ખુદા તરફથી વહી પ્રાપ્ત કરે છે, અને તેની જોડે વાત ચીત. તે જે હુકમ કરે તે વ્યાજબી કામ છે.
૨૨૬. એ કે જે (રૂહાની) જીવન આપે છે, તે જે પ્રાણ હરી લે તો તે યોગ્ય છે. (કારણકે) તે ખુદાના પ્રતિનીધિ છે, અને તેના હાથ ખુદાના હાથ છે.
૨૨૭. માટે તેની આગળ હજરત ઈસ્માઈલની માફક મસ્તક ધરી દે, આનંદથી અને હસ્તાં હસ્તાં તેની કટાર આગળ જાન (કુરબાન કરી) દે.
૨૨૮. જેથી તારો આત્મા અનંત કાળ સુધી હસતો રહે. જેમ હજરત અહમદનો પવિત્ર આત્મા ખુદા સાથે (આનંદમાં) છે.
૨૨૯. પ્રેમીઓ આનંદનુ પ્યાલું એ વેળા પીએ છે, કે જે વેળા પ્રિતી પાત્રો પોતાના જ હાથો વડે કતલ કરી નાંખે છે.
૨૩૦. રાજવીએ એ ખૂન વિષય સુખની ઇચ્છાથી નથી કર્યું, તું (આ વિષે) દુષ્ટ ધારણા તથા ઝઘડા છોડી દે.
૨૩૧. તેણે રાજવીએ હલકું કાર્ય કર્યું છે, એમ તેં ધારી લીધું પરંતુ પવિત્રતાની સ્થિતિમાં શુધ્ધતા ઉણપ શા માટે રાખે?
૨૩૨. એટલા માટે તે આ (સખ્ત) સંયમ તથા ઈંદ્રીય દમન છે, જેથી ભઠ્ઠી ચાંદીમાંથી મેલ કીટ કાઢી નાખે.
૨૩૩. એટલા માટે જ સારાં નરસાં સોનાની કસોટી થાય છે, જેથી સોનું જોશ ખાઈ ને મેલ ઉપર લઇ આવે.
૨૩૪. જો તે રાજવીનું કાર્ય ખુદાઇ પ્રેરણાનું ન હેાત, તો તે એક હડકાયુ કુતરૂં હોત. રાજવી નહિ.
૨૩૫. તે વાસના, લાલસા અને વિષય સુખથી પર હતો. તેણે કરેલું કૃત્ય સારૂ હતું, પરંતુ એવું સારૂ (જાહેર લેાકને) નઠારૂં લાગે.
૨૩૬.હજરત ખીઝરે નાવને દરિયામાં ભાગી નાખી. (ખરી રીતે) તે ભાંગવામાં સેંકડો મરાયતો છે.
૨૩૭. હજરત મુસાનું દીલ પ્રકાશ અને ખૂબીઓ ધરાવતું હોવા છતાં ખીઝરનાં કાર્યો સમજી શકવા અસમર્થ હતું. તું પાંખ વિના ન ઉડ.
૨૩૮. તે રાજવીનું કાર્ય રાતુ ગુલાબ છે. તેને તું ખૂન ન કહે. તે અકલ સાથે મસ્ત છે. તેને તું દીવાનો ન કહે.
૨૩૯. મુસલમાનની હત્યા કરવી એજ જો તેનો હેતુ હોત, અને જો હું તેનું નામ લેત તો હું અધર્મી ઠરત.
૨૪૧. તે રાજવી હતો. અને દરવેશી રાજવી. તે પસંદગી પામેલો, અને ખુદાના ખાસ બંદામાંથી હતો.
૨૪૨. આવો રાજવી કોઈનો પ્રાણ લે, તો તે ભાગ્ય અને મહાન મરતબા તરફ દોરી જાય છે.
૨૪૩. જો તે (દૈવી વૈદ) પેલા (સોની) પર સખ્તાઈ કરવામાં તેનું ભલું ન જોયું હોત, તેા તે દયાવાન શા માટે (આવી) સખ્તાઈ કરવા પ્રયત્ન કરત.
૨૪૪. બાળક હજામની છરી આગળ ધ્રુજે છે. છતાં માયાળુ માતા બાળકની એ વેદનામાં ખુશ હોય છે.
૨૪૫, તે અડધુ જીવન લઈ લે છે, અને (બદલામાં) એક સો જીવન આપે છે. તે એવો બદલો આપે છે કે જે તારી કલ્પનામાં પણ ન આવે.
૨૪૬. તું (તેઓના કાર્યોની) તારી પોતાની સાથે (સરખામણી કરીને) અનુમાન કરે છે. પરંતુ તું (સત્ય હકીકતથી) દૂર દૂર જઈ પડયો છે. સારી રીતે મનન કર.
૨૯૨. ‘મીમ' અને 'વાવ' અને 'મીમ' અને 'નુન' (આ ચાર અક્ષરો) મોટાઈ આપે તેમ નથી. મોમીન શબ્દ એાળખાણ સિવાય, બીજા હેતુ માટે નથી.
૨૯૬. અક્ષરો પાત્ર છે, તેમાં અર્થ જળની પેઠે છે (પરંતુ) અર્થનો દરિયો તેની પાસે છે. કુરાને શરીફમાં છે કે ગ્રંથની માતા(અર્થ) તેનાજ પાસે છે.
૨૯૭. ખારો સાગર અને મીઠો સાગર અડોઅડ વહી રહ્યો છે. તેઓની વચ્ચે એક આડ છે કે જેથી તે બન્ને ઓળંગી (મિશ્ર થઈ) શકતા નથી.
૨૯૮. જાણ કે આ બંને એકજ મુળમાંથી વહી રહ્યા છે. આ બન્નેને ઓળંગીને, તેઓનાં મૂળ સુધી પહોંચી જા.
૩૦૬. રૂહનો બાદશાહ શરીરને (પ્રથમ) ઉજજડ કરે છે. અને એ પાયમાલી પછી પાછા તેને આબાદ કરે છે.
૩૧૧. અજોડ (હકીકી માશુક)ના કાર્યોનું વર્ણન કોણ કરી શકે? આજે જે કાંઈ મેં કહ્યું, તે તો હાલની જરૂરિયાત પૂરતું છે.
૩૧૬. દાના' (કામિલ મુરશીદ)ના દીદાર કરવા એજ ખરી ઈબાદત છે, એજ ભાગ્યનો દરવાજો ખોલનાર છે.