Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી, ભાગ-૧ તારવણી

વાર્તા - ૧, વાંસળીના રૂદનનુ બયાન

વાર્તા - ૧, વાંસળીના રૂદનનુ બયાન

0:000:00

દયાળુ અને કૃપાળુ અલ્લાહના નામથી શરૂ કરૂં છું.

૧. સાંભળો, આ વાંસળી શું કહે છે? તે જુદાઈની કેવી ફરિયાદ કરે છે !

૨. જ્યારથી જંગલથી (અસલ વતનથી) જુદી પડી છું. હું વિલાપ કરું છું, રડું છું.

૩. હું એવું (દીલ) માગું છું કે જે, જુદાઈને પ્રતાપે ટુકડે ટુકડા થઈ ગયું હોય, કે જે પ્રેમના દર્દની વાતો ખુલ્લે ખુલ્લી સમજે.

૪. હરકોઈ જે પોતાના અસલથી જુદો થયો છે, તે પુનઃ મિલનની ઘડીની શોધ કર્યા કરે છે.

૮. આત્માને ચર્મચક્ષુ વડે યાને જાહેરી આંખોથી કોઈ દેખે એ ધારો યાને રીત નથી.

૯. વાંસળીનો આ અવાજ જુદાઈનો અગ્નિ છે, પવન નથી. જે કોઈ આ અગ્નિ નથી ધરાવતો તે (ખુદા કરે) નહિવત થઈ જાય.

૧૧. વાંસળી દરેકની સાથી છે, કે જે દરેક પોતાના મિત્રનો વિયોગી છે, તેના સુરોએ અમારા દીલનાં આવરણો ચીરી નાંખ્યાં છે.

૧૩. વાંસળી રક્તમય (કઠીન) પંથનું વર્ણન સંભળાવે છે. અને મજનુની પ્રેમ કથાઓનું વર્ણન કરે છે.

૧૪. આ હીરાનો, ભેદનો હોશનો ‘બેહોશ’ સિવાય કોઈ જાણકાર નથી.

૧૫. અમારી ઉદાસીનતામાં વેળા કવેળા થઈ ગઈ. અમારા દીવસો પ્રેમ બળતરાના સાથી થયા.

૧૬. દિવસો ચાલ્યા ગયા. તો કહે, કાંઈ હરકત નહિ, (ઓ પ્રિયતમ) તું અમારી સાથે રહે, કારણકે તારા સરખો કોઈ પવિત્ર નથી.

૧૭. માછલી સીવાય (હકને ચાહનાર સિવાય) હરકોઈ થોડા જળમાં ધરાઈ જાય છે. હરકોઈ (રૂહાની બક્ષિસ) વગર મહેનતની રૂહાની રોજીથી વંચિત છે. તો તેનો દિવસ (જીદંગી) બરબાદ થઈ જાય છે.

૧૮. કોઈ પણ કાચો માનવી પાકાની સ્થિતિ સમજી શકતો નથી. તેથી મારા શબ્દો ટુંકમાં કહેવા ઘટે. સલામ.

૧૯. હે પુત્ર, માયાવી બંધનને તોડી આઝાદ થા. તું ક્યાં લગી સોના ચાંદીનો ગુલામ રહીશ?

૨૨. જે કોઈનું વસ્ત્ર-કાયા પ્રેમ વડે ચિરાઈ ગઈ છે, તે તૃષ્ણા અને સર્વ દોષથી પવિત્ર થયો છે.

૨૩. ખુશ રહો ! ઓ લાભદાયી પ્રેમ, તું અમારી સર્વ બીમારીઓનો વૈદ છે.
(પ્રેમ છે એ રૂહાની વૈધ છે. એ ખ્યાલના રૂપમાં છે. અવિધ્યમાન યાને અદ્રષ્ય છે. હ. ખીજર છે. પ્રેમ છે.)

૨૪. હે અમારા અહંકાર અને ખુદીના ઔષધ. તુજ અમારો હકીમ છે.

૨૫. પ્રેમના પ્રતાપે માટીની કાયા આકાશો પર ચઢી ગઈ. સીનાઈ પર્વત (પણ) નાચવા લાગ્યો, અને ચંચળ બની ગયો.

૨૬. હે પ્રેમી, પ્રેમ ! સીનાઈ પર્વતનો પ્રાણ બની ગયો. (તેવોજ) તુર મસ્ત બન્યો. અને મુસા બેહાશ થઈ પડી ગયા.

૩૦. સર્વસ્વ પ્રિયતમજ છે, પ્રેમી તો (કેવળ) પડદો છે, પ્રિયતમ જીવંત છે, પ્રેમી મૃત છે.

૩૧. જ્યારે પ્રેમને તેના (પ્રેમીની) દરકાર ન હોય, તો તે પાંખ વગરના પક્ષી જેવો રહી ગયો. તેના માટે અફસોસ !

૩૨. જો મારા પ્રિયતમનો પ્રકાશ મારી આગળ અને પાછળ ન હોય તો, હું આગળ પાછળનું ભાન શી રીતે રાખી શકું?
[રૂહ બદનમાં છે, ત્યાં સુધી તે ક્યાંય પણ જોઈ શકશે નહિ. જ્યારે બદનમાંથી નીકળશે ત્યારે, સર્વે જગ્યાએ જોશે. જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી આગળ, પાછળ આજુબાજુ ક્યાંય પણ જોઇ શકશે નહિ. (રૂહાની રાઝ)]

૩૩. પ્રેમ ઇચ્છે છે કે આ કથન જાહેર થઈ જાય, (પરંતુ) દર્પણ જો પ્રતિબીંબ પાડે નહિ તો શી રીતે થઈ શકે?
[આરસી ઉપર મેલ તથા કાટ ચડેલો હોય, ત્યારે તેમાં સુરજનું નુર પ્રવેશ થતું નથી. જ્યારે આરસી સાફ હોય છે ત્યારે તેમાં નુર પ્રવેશ થાય છે. (KIM-Pg.337)]

૩૪. તું જાણે છે શા માટે (તારી રૂહાની આરસી) દર્પણ પ્રતિબીંબ પાડતું નથી? કારણ કે તેના મુખ ઉપરથી કાટ દૂર કરવામાં આવેલ નથી.