વજ હે દીન - દીનનો ચહેરો
રેકોર્ડીંગ - ૪
રેકોર્ડીંગ - ૪
પ્રકરણ - ૧૨ થી ૩૪.
સુરે ઈખલાસ અને તેની તાવિલ.
(પેજ-૧૦૧) ખુદા કુરઆને પાકમાં ફરમાવે છે કે “તેની તરફ પાકીઝા કલીમા ઉપર ચઢે છે. અને નેક અમલ તેને બુલંદ કરે છે.”
(૧૦૨) પરવરદિગારે આલમનું ફરમાન પણ છે કે, આગાઝ (શરૂઆત) અને અંજામ (અંત) બન્ને એકબીજાથી સંકળાએલા હોવા જોઈએ.
સુરે ઈખ્લાસમાં આખાએ કુરઆને મજીદનો નિચોડ છે.
સુરએ ઈખ્લાસમાં ખુદા ફરમાવે છે, “અય મુહમ્મદ કહો કે "ખુદા એક છે" (કુલ હોવલ્લાહો અહદ) અહીં “હુવા” (તે - He )થી મુરાદ બારીતઆલાનો તે શબ્દ જે શુદ્ધ સ્પષ્ટિકરણ છે. અલ્લાહ શબ્દના ચાર અક્ષર છે. આ ચાર અક્ષરથી મુરાદ ચાર હદ છે. બે જીસ્માની અને બે રૂહાની. એ દરેક હદના જુદા જુદા દરજ્જા છે. જે વહેદતથી જુદા પડી ગયા.
(૧૦૩) પરવરદિગાર ફરમાવે છે કે, “અલ્લાહુ -સ- સમદ” સમદનો અર્થ સય્યદ થાય છે. સમદના ખાસ ગુણ એ છે કે બેનિયાઝ હોય છે, એટલે કે તેને કોઈની ગરજ હોતી નથી અર્થાત તે કોઈના ઉપર આધાર રાખતો નથી. આનો તાવલી અર્થ એ કરી શકાય કે, જ્યારે ઉપર જણાવેલા ચાર હુદુદે ખુદાની વહદાનિયત જાણી લીધી ત્યારે તેઓ સય્યદ અને રૂહાની કહેવાયા. પછી તેઓએ પોતાથી નીચલા દરજ્જાના લોકોને ફાયદો પહોંચાડ્યો એટલે કે બીજાઓને પણ ખુદાની વહદાનિયતથી જાણકાર કર્યાં.
પછી આગળ કહેવાયું છે કે; “લમ યલિદ વ લમ યુલદ” ન તે કોઈને જન્મ આપે છે, ન તેને કોઈએ જન્મ આપ્યો છે. આ આયતમાં તાવીલી અર્થ એ સમાયો છે કે ખુદાતઆલા જગત અને તેમાં સમાએલી દરેક વસ્તુંનો પયદા કરનાર છે. પરંતુ ખુદાએ એક ચીઝને બીજી ચીઝમાંથી પયદા કરેલી વસ્તુંને, તેમાંથી પયદા થનારી બીજી વસ્તુઓનો સબબ બનાવ્યો છે.
(૧૦૪) એમ કહીએ કે ખુદાથી દરેક વસ્તું પયદા થયેલી છે તો ખુદા ઈલ્લત (કારણ) બની જાય, પણ આપણે જાણીએ છીએ કે ખુદા ઈલ્લત (કારણ) નથી.
આપણે જ્યારે ખુદાને આલિમ, હકીમ કે કાદિર તરીકે સંબોધિત કરીએ છીએ ત્યારે આપણે ઈલ્મ, હિકમત અને કુદરતને ઈલ્લત (કારણ) ગણવું જોઈએ. કેમકે આલિમની ઈલ્લત (કારણ) તેનું ઈલ્મ છે. હકીમની ઈલ્લત (કારણ) તેની હિકમત અને કાદિરની ઈલ્લત (કારણ) તેની કુદરત છે.
હજી ખુદા ફરમાવે છે કે: “વલમ યકુલ લહુ કુફુવન અહદ” અર્થાત તેનો કોઈ જોટો જડે એવો નથી, તાવીલના આધારે આનો અર્થ એ છે કે જે, ઈબ્દા (શુરૂ) છે તે અક્લેકુલની ઈલ્લત (કારણ) છે. એટલે કે અક્લેકુલથી શરૂઆત છે, પણ અકલેકુલ મબ્દા (સર્જન) નથી. અક્લેકુલને દાના (સમજદાર) પણ કહેવામાં આવે છે, કેમકે અક્લેકુલથી સૌથી પ્રથમ વસ્તું વુજૂદમાં આવી તે અક્લ (દાનાઈ) હતી.
(૧૦૫) અલ્લાહ પાકે માટીને ગંદકીથી સાફ કરી આદમની સુરત બનાવી ઈન્સાનનું સર્જન કર્યું.
ત્યારે સાબિત થયું કે આદમ અને તેના ફરઝંદોનો દીનનો પાયો કલેમા ઉપર રચાએલો છે. જેમાં નફી (નકાર) અને અરબાત (હકાર) બન્ને શામિલ છે. અને તે જ કલેમએ ઈખ્લાસ છે.
આ કલેમની શુરૂઆત “લા" શબ્દથી થાય છે અને પછી ‘ઈલાહા' આવે છે. એટલે કે શુરૂના શબ્દમાં "લામ" અને "અલિફ” છે અને પછીના શબ્દમાં “અલિફ" અને “લામ” છે. અલિફ અને લામથી દલીલ તન્ઝીલ અને તાવીલ છે.
રસુલિલ્લાહ (સ.અ.વ) અને આપના વસી અમીરૂલ મુમિનીન અલી (અ.સ.) મેહસૂસ અને મઅકૂલ છે દરેક ચીઝ આપના મારફત જ જાણી શકાય છે.
છેવટે ફરી એકવાર કહું છું કે દીનનો આગાઝ અને તેનો અંજામ સુરએ ઈખ્લાસ છે.
(૧૧૫) બિસ્મિલ્લાહ ખુદાનું નામ છે. રસુલિલ્લાહ (સ.અ.વ.) બ નફ્સે નફીસ પોતાના દૌરમાં ખુદાના નામ જેવા જ છે. તેજ પ્રમાણે વસી અમીરૂલ મુમિનીન અલી (અ.સ.) અને આપના પછીના ઈમામો પણ પોતપોતાના દૌરમાં ખુદાના નામ જેવા જ છે.
(૧૧૬) હવે જ્યારે સુલિલ્લાહ (સ. અ. વ.) ખુદાનું નામ હોઈ શકે છે ત્યારે આપના ફરઝંદો કે જેઓ આપના ફરમાનથી ઉમ્મતના લોકોના દરમિયાન, કાયમ થયેલા છે. તેઓ કેમ ખુદાના નામ ન હોઈ શકે ?
જે શખ્સ ઈમામુઝ ઝમાનનું નામ ન લેતો હોય, ઈમામને બય્યત ન આપતો હોય તેને તાવીલની સમજણ આપવી ન જોઈએ.
(૧૧૬) રહેમાન ખુદાનું ખાસ નામ છે. રહેમાન નામ (અક્લેકુલ) ખુદા સિવાય બીજા કોઈને આપી શકાતું નથી. એટલા માટે જ તે ખાસ નામ કહેવાય.
(૧૧૭) રહીમ એ ખુદાનું સામાન્ય નામ છે. સામાન્ય દેખાતો રહીમ શબ્દ (યાને નાતિક) બાતિની દાવતના લોકો માટે ખાસ અર્થ ધરાવે છે.
(૧૧૯) જેમ ઝાહિરી નમાઝ તહારત (પાકીઝગી) વિના દુરસ્ત નથી. તેમ ઈલ્મે હકીક્ત કે જે બાતુની નમાઝ છે તે ઈમામુઝ ઝમાનને અહદ આપ્યા વિના મેળવી શકાતી નથી.
(૧૨૪) ઈમામ હુજ્જતને હુકમ અને પ્રેરણાથી ઈલ્મ આપે છે. હુજજત લોકોને અને દાઈઓને શબ્દો દ્વારા ઈલ્મ આપે છે.
(૧૨૫) જેમ માણસ ચહેરા ઉપરથી ઓળખાય તેમ દીનની એાળખાણ નાતિકથી થાય છે.
(૧૨૭) જે ચીઝ આપણને દેખાય છે તેની તાઅત કરવી જ જોઈએ. જ્યારે જે ચીઝ આપણે જોઈ શકતા નથી તેનો ઈકરાર વાજિબ છે. જીસ્માની હુદૂદ આપણે જોઈ શકીએ છીએ ત્યારે રૂહાની હુદૂદની આપણે મઆરિફત કરીએ છીએ.
જ્યારે આપ (હ. રસુલ) નાતિકના મરતબા ઉપર આવ્યા અને આપને મેઅરાજ થઈ.
(૧૩૦) તયમ્મુમ એટલે લાચારીની હાલતમાં માટીથી વઝૂ કરવું.
(૧૩૧) પાણીથી મુરાદ ઈમામના ઈલ્મની અને માટીથી મુરાદ હુજ્જતના ઈલ્મની છે. જ્યારે હુજ્જત હાજર ન હોય ત્યારે પાણી હુજજતનું અને માટી દાઈનું ઈલ્મ છે. જ્યારે દાઈ હાજર ન હોય ત્યારે દાઈનું ઈલ્મ પાણી અને મુમિનનું ઈલ્મ માટી હોય છે. મુમિનની સરખામણી માટી સાથે અને ઈલ્મની સરખામણી પાણી સાથે એટલા માટે કરવામાં આવે છે કે માટી અને પાણી એકબીજામાં મળી શકે છે. ઈલ્મ ફક્ત મુમિનના માટે જ છે.
(૧૩૩) અશક્ત મુસ્તજીબ તાવીલના સાહેબોની ઈતાઅત કરી શકતો નથી. હુજ્જત, દાઈ, ઈમામ, અસાસ અને નાતિકની ઈતાઅત અને ફરિશ્તાઓમાં અવ્વલ અને સાનીનો એકરાર ઈન્સાન ઉપર ફર્ઝ છે.
તયમ્મુમ (વઝુ) નાપાક માટીથી ન થઈ શકે આનો અર્થ એ છે કે અશક્ત મુમિન એવા મુમિન પાસેથી ઈલ્મ ન લે જેનું દિલ ખુદાના અવલિયાઓ પ્રત્યે સાફ ન હોય.
(૧૩૬) અઝાન નાતિકની દાવત ઉપર દલીલ છે. નાતિકમાં બે કુવ્વત છે. એક ઝાહિર અને બીજી બાતિન મુઅઝઝિન એટલે અઝાન દેનાર (બાંગી)થી મુરાદ નાતિક છે. મસ્જીદનો ઊંચો મીનારો કે જ્યાંથી અઝાન દેવાય છે તેનાથી મતલબ નાતિકના બુલંદ મરતબાની છે.
(૧૩૭) અઝાન આપતી વખતે બાંગી પોતાનો ચહેરો કિબ્લા તરફ રાખે છે, એટલે નાતિક એમ કહે છે કે હું દુનિયાના લોકોને ખુદાવંદે ક્યામત (નફ્સેકુલ) તરફ આમંત્રણ આપું છું.
(૧૪૧) નમાઝની તાવિલ દાવત છે.
(૧૪૩) નાતિક અને અસાસને ઓળખ્યા વિના પ્રથમ (અક્લે અવ્વલ - અક્લેકુલ) અને બીજા (અક્લે સાની - નફ્સેકુલ) તરફ જઈ શકાતું નથી.
(૧૪૪) કિબ્લાથી ઈશારો અક્લે અવ્વલ (અક્લેકુલ) તરફ છે. કે જેના તરફ દુનિયાની તમામ સર્જાએલી વસ્તુંઓને પાછુ વળવાનું છે.
ફરીઝતની બાકીની બે હદ બંદા તરફ મનસૂબ છે. જેમાં પહેલી હદ નિય્યત અને બીજી હદ વઝૂ છે. નિય્યત નાતિક તરફ અને વઝૂ અસાસ તરફ ઈશારો કરે છે.
(૧૪૫) રૂકુ (અડધો સિજદો) છે તે દૌરે કબીરમાં અસાસના તરફ અને દૌરે સગીરમાં હુજજત તરફ ઈશારો કરે છે.
પાચમું ફરીઝત સજદો કરવું છે, તેનાથી મતલબ દોરે કબીરમાં નાતિક અને દૌરે સગીરમાં ઈમામની પહેચાન છે.
મુસ્તજીબ દીનના હુદુદોથી સંપૂર્ણ રીતે જાણકાર થઈ જાય છે અને ત્યાર પછી તેનો દરજ્જો વધીને માઝૂન (શિક્ષક) સુધી પહોંચી જાય છે તેને દીન બાબત ચર્ચા કરવાનો પૂરો અધિકાર મળી જાય છે.
(૧૫૪) મુજાહિદ (જેહાદ કરનાર) તેને કહેવામાં આવે છે કે જે દઅવતનો પ્રચાર કરવા માટે તનતોડ કોશિશ કરે છે અર્થાંત એહલે ઝાહિરથી જંગ કરે છે અને તેઓને પોતાના જાનથી ખુદા, રસુલ, વસી, ઈમામ, હુજ્જત અને દાઈ તરફ બોલાવે છે.
સફરથી મતલબ ત્રણ જીસ્માની હદ- નાતિક, અસાસ અને ઇમામથી છૂટા પડવાનો છે.
(૧૬૦) નફ્સેકુલ અને નાતિકની ઓળખાણ આપનાર તરકીબ (composition) અને તાલીફ (Compilation) છે અને અસાસ અને કાએમની ઓળખાણ તાવિલ અને તાઈદ આપે છે.
(૧૬૩) અક્લેસાનીએ છ નાતિકના તરફ ફરમાન મોકલાવ્યા કે તેઓ પોતાના નૂરને જગતમાં ઝાહિર કરે. એ છ નાતિક તે આદમ, નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને મહંમદ (સ.અ.વ.) છે.
(૧૬૪) હ. મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)એ ઈશા (અ.સ.) પછી ઝુહૂર ફરમાવ્યું હ. ઈસા (અ.સ.) અને હ. મુહમ્મદ (સ.અ.વ.)ના દરમિયાન છ ઈમામ થયા છે.
(૧૬૫) નાતિક (અ.સ.) ફરમાવે છે કે “અય લોકો ! હું તમને બે ફરિશ્તા તરફ બોલાવું છું, અક્લે અવ્વલ અને અક્લે સાની. હું (નાતિક) ત્રીજો ફરિશ્તો છું, મારા વસી (અસાસ) ચોથા ફરિશ્તા છે.
નાતિક અને અસાસનો એકરાર કર્યા વિના અવ્વલ અને સાની સુધી પહોંચી શકાતું જ નથી.
(૧૬૬) બે રકાત ચુપકીદીથી પઢાય છે. જેમાં ફક્ત અલહમ્દ છે. અક્લે અવ્વલ અને અક્લે સાની રૂહાની છે. એમાં જીસ્મનો ખ્યાલ રાખવો કુફ્ર છે.
મુમિનીન ખુદાનો હમ્દ (તારિફ) કરે, શુક્ર કરે, ઉપકાર માને કે અલ્લાહ જલલશાનહુએ લોકોના દરમિયાન નાતિકને મોકલાવ્યા જેની દોરવણીથી જાણવા મળ્યું કે ખુદાતઆલા તમામ જગતનો સર્જનહાર છે. નાતિક ન હોત તો જગતના લોકો ખુદાથી અને પોતાની આકેબતથી અજાણ હોત બલ્કે અક્લ અને ઈલ્મથી પણ વંચિત હોત.
(૧૬૭) મુમિનીન ખુદાનો હમ્દ કરે છે, શુક્ર કરે છે કે તેણે અસાસને કાયમ કર્યાં. જેણે મુમિનીનને નાતિકના તન્ઝીલની તાવીલથી વાકિફ કર્યાં.
(૧૬૮) અસાસે મુમિનોને રૂહાની અને જીસ્માની ફરિશ્તાઓની તાવીલથી જાણકાર કર્યાં.
(૧૬૯) તાઅત (તાબેદારી)માં સૌથી વધારે મહત્ત્વ અસાસની તાબેદારીનું છે. કારણ કે અસાસની તાવીલથી જ બીજા બધા હુદુદોને ઓળખી શકાય છે.
(૧૮૪) દરેક સાતમા ઈમામમાં અગાઉના ઈમામોની શાન (દાવતમાં) ઝાહિર થાય છે. જે પ્રમાણે મુહમ્મદ મુસ્તફા (સ.અ.) આપના પહેલા થઈ ગએલા નબીઓની શાન અને ફઝીલતના વારસ છે.
(૧૮૮) કુરબાનીથી મુરાદ નાતિકથી મુસ્તજીબ સુધી બધાને અહદ આપવું છે. આ સાહેબોને અહદ આપવાથી જ, ઈન્સાનનું જોડાણ ખુદા સાથે થાય છે. નાતિકની કુરબાની અસાસ છે કે જેને મુમિનોથી નાતિકનો અહદ લીધો છે. એજ પ્રમાણે અસાસની કુરબાની ઈમામ, ઈમામની કુરબાની હુજ્જત, હુજ્જતની કુરબાની દાઈ, દાઈની કુરબાની માઝૂન અને માઝૂનની કુરબાની મુસ્તજીબ છે. ઈદે અદહાના દિવસે ઊંટ, ગાય અને ઘેટા-બકરાની કુરબાની કરવામાં આવે છે. ઊંટ નાતિક પર, ગાય અસાસ પર દલીલ છે. આ છે ઈદે અદહાની તાવીલ એટલે બાતિનના અર્થની સમજણ.
(૧૯૦) સૂરજથી મુરાદ, સમયના નાતિક અથવા ઈમામ (અ.સ.) છે. ચાંદથી ઈશારો વસી અથવા ઈમામના હુજજત તરફ છે. ગ્રહણથી મુરાદ દીનના દુશ્મનોની ચાલ- બાઝી તરફ છે જે દાવતના રસ્તામાં અડચણ રૂપ છે.
(૧૯૧) સલામ બોલવાથી મતલબ એ છે કે ઈમામ અથવા દાઈએ પોતાના શત્રુઓ પર વિજય મેળવી લીધો. જગતમાં નૂર ફેલાયો અને ધરતી અજવાળી થઈ. ચાંદ અને સૂરજ ફરી પાછા ગ્રહણથી છૂટા થયા. તેઓનો પ્રકાશ પૃથ્વી ઉપર પડ્યો. કારણ રૂહાની પૃથ્વી યાને મોમીનો માટે હકની દાવત છે.
(૨૦૬) સાહેબે ફરમાવ્યું છે કે જે ઝકાત આપતો નથી તેની નમાઝ પણ નકામી છે એટલે જે અસાસને નથી માનતો તે નાતિકને પણ નથી માનતો. નાતિકની શરીઅત રમ્ઝ (ભેદ), ઈશારા (સંકેત) અને મિસાલ (દાખલા) ૫૨ રચાયેલી છે. એટલે જે કોઈ તેનો ભેદ નથી જાણતો તેના આચરણની કોઈ કિંમત નથી, ભેદનો ઉકેલ અસાસથી જ થાય છે. તેની બતાવેલી તાવીલ જ સાચી ગણાય, આ વાતનો ઈન્કાર કરનારે અસાસની નાફરમાની કીધેલી ગણાય. અસાસની નાફરમાની નાતિકની નાફરમાની અને નાતિકની નાફરમાની ખુદાતઆલાની નાફરમાની છે અને અલ્લાહપાકની નાફરમાની કરનાર અધર્મી છે, કાફિર છે.
(૨૦૯) નાતિકને ફકીર (દરવેશ) એટલા માટે કહેલા છે. કે તેઓ રૂહાની ફયઝ (ફાયદા)ના મોહતાજ છે. ત્યારે રૂહાની હુદૂદ (નફ્સેકુલ) આપનાર અને નાતિકો લેનાર ગણાય.
(૨૧૦) નબી (સ. અ. વ.)એ ઉમ્મતને કહ્યું, “હું તમારા દરમિયાન બે કીમતી વસ્તું મૂકી જાઉં છું “ખુદાની કિતાબ અને મારી ઈતરત (આલ)” આ બે વસ્તું કદીયે છૂટી નહીં પડે એટલા સુધી કે હોઝે કવસર (નફ્સેકુલ) પર સાથે જ આવશે. કિતાબ અને શરીઅત પર અમલ કરાવનાર પાક ઈમામો છે.
(૨૧૩) ઝકાત પણ એક ઈબાદત છે.
(૨૧૪) (સોના ચાંદી ઉપર ઝકાત) સોનું અને ચાંદી બે ધાતુ છે અને તેનો ઈશારો બે રૂહાની અસલ તરફ છે. નાતિક અને અસાસ.
(૨૧૮) ઊંટના સદકામાં સંકેત નાતિક (નબી)નો છે. ઊંટ લાંબી મુસાફરી દરમિયાન ભારી બોજ ઉપાડે છે. જાણીતી વાત છે કે જીસ્માની અને રૂહાની આલમ વચ્ચેની મુસાફરી કરતા લાંબી બીજી કોઈપણ મુસાફરી નથી. એ જ રીતે ખુદાતઆલાના કોલ અને ફરમાન કરતા ભારી બીજો કોઈ બોજો નથી. આ બોજ ફક્ત નાતિક જ ઉપાડવાને સમર્થ છે.
(૨૧૯) ઊંટની કુરબાની કરતી વખતે પહેલા ઊંટની છાતીમાં છૂરી ભોંકવામાં આવે છે. આ ક્રિયાને અરબી ભાષામાં 'નહર' કહે છે તે પછી તેને ઝબ્હ કરાય છે. ઊંટને નહર કરવામાં સંકેત એ છે કે પહેલા મિસાક (અહદ) લેવાય અને પછી માથું જુદુ કરાય, મતલબ જ્યારે મુમિન પોતાના દીનના સરદારો પાસેથી બાતિની ઈલ્મ મેળવી લે છે, ત્યારે બાતિલ (જુઠ્ઠાણુ) દૂર થઈ જાય છે. જે શખ્સ હકીકતને પહોંચે છે તેને બાતિલના ધડની જરૂરત રહેતી નથી (ખરી વાત જાણી લીધા પછી ખોટી વાત નાબૂદ થઈ જાય છે).
ઊંટનું જ્યારે હૃદય ચીરવામાં આવે છે ત્યારે તેમાંથી લોહી વહે છે એજ પ્રમાણે મુમિન જ્યારે અહદ આપે છે ત્યારે તે રૂહાની હુદૂદના જોડાણથી માહિતગાર થઈ જાય છે. આમ થવાથી તેના દિલમાંથી શક નીકળી જાય છે શકરૂપી ખૂન વહી જતા દિલ આરસી જેવું સ્વચ્છ થઈ જાય છે.
બીજી રીતે જોઈએ તો પહેલા ઊંટનું સીનું ચીરવામાં આવે છે અને ત્યાર પછી માથું જુદું કરાય છે. મતલબ નાતિક પ્રથમ રૂહાની હદ (નફ્સેકુલ)થી પોતાનું જોડાણ કરે છે જેના લીધે દરેક પ્રકારના શક સુબેરાત દૂર થઈ જાય છે ત્યાર બાદ નાતિક પોતાના બુલંદ દરજ્જાના લીધે દુનિયાના લોકોથી જૂદા પડે છે.
(૨૨૫) ગાયને અરબી ભાષામાં 'બકર' કહે છે બકરનો એક અર્થ સંશોધન કરવાનો પણ છે. અસાસ પણ કુરઆન અને શરીઅતનું સંશોધન કરે છે. લોકોને તેની તાવીલ અને હકીકત સમજાવે છે.
આમ ગાયમા અસાસની (કુરબાનીનો) સંકેત છે.
(પેજ-૨૩૧/૨૩૨) દસ હદ, કે જેનાથી ઈન્સાનના આત્માને બળ મળે છે. તેમાંના પાંચ રૂહાની છે. કલમ (અક્લેકુલ), લોહ (જીબ્રાઈલ), ઈસરાફીલ, મીકાઈલ અને અજરાઈલ બીજા પાંચ જીસ્માની છે. જેમ કે નબી (નાતિક), વસી (અસાસ), ઈમામ, હુજજ્જત અને દાઈ.
જીસ્માની હુદુદ પોતાના 'દૂન' એટલે પોતાથી ઉતરતા દરજ્જાવાળાને ફાયદો પહોંચાડતા રહે છે. જ્યારે રૂહાની હુદૂદ, પોતાના 'ઝિમ્ન' એટલે પોતાના વર્તુળના લોકોને ફયઝ આપવા માટે, શરીર ઉપર આધાર રાખતા નથી, તેઓ વહ્યે અને તાવીલથી મારિફત કેળવે છે. વળી આ હદમાં પણ ઊંચો અને નીચો દરજ્જો છે જેમ કે ઝાડના પાંદડા અને ફળો, ઝાડ ઉપરથી ઉતર્યાં પછી જ ખોરાકરૂપે કામમાં લેવાય છે. જેમ દરેક ખોરાક પોતાની કુવ્વત પ્રમાણે જીસ્મ અને રૂહ બન્નેને બળવાન બનાવે છે.
શરીરને સૌથી વધુ તાકાત આપનાર ઘઉં છે જે ખાદ્યપદાર્થોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ દસ હદોની પણ એવી જ શાન છે દાખલા તરીકે અસાસ માટે નાતિક, અને ઈમામ માટે અસાસ, ઘઉં રૂપે, વધુ અને વધુ તાકાત આપનારા છે.
(૨૩૨/૨૩૩) દાઈ વાવનાર અને મુસ્તજીબ બીયાં જેવા છે. દાઈ માટે જરૂરી છે કે તે મુસ્તજીબના આત્માને પોતાના ઈલ્મના સાધનથી ઉપલા હદમાંથી એવા હદની સંપૂર્ણ ઓળખાણ આપે, જેના લીધે મુસ્તજીબનો એત્તેકાદ (માન્યતા) મજબુત થાય. બીજું એ કે દાઈ જેમ મુસ્તજીબને ઈલ્મથી નવાઝે છે. તેમ પોતાના વાવેલા એક બીજથી દસ ઉત્પન્ન કરી, તેઓને પોતાના ઈલ્મથી પાક કરે છે. ત્યારે આ દસ હુદુદમાંના પહેલા અને છેલ્લા સિવાયના વચ્ચેના દરેક, હદ ફયઝ (ફાયદો) આપનાર પણ છે અને લેનાર પણ. આ પ્રમાણે એક હદ પોતાના ઉપરવાળાથી ફયઝ લે છે અને પોતાથી નીચેવાળાને આપે છે.
અલબત્ત સૌથી ઊંચા હદ નાતિક, હકીકતનું ફયઝ (ફાયદો) નીચેની હદવાળાને પુગાડનાર છે પણ લેનાર નથી, કારણ કોઈ જીસ્માની હદથી તેમને ફયઝ મળતું નથી. તેમને તો ખુદા તરફથી (રૂહાની હદ તરફથી) મળે છે. એજ પ્રમાણે છેલ્લામાં છેલ્લા જે મુસ્તજીબ છે, તે માત્ર હકીકતનું ઈલ્મ લેનાર છે પણ કોઈને આપનાર નથી.
(૨૩૪) નાતિક, અસાસ, ઈમામ અને હુજજત લોકોને અલવી (રૂહાની) હુદુદની ઓળખાણ કરાવે છે.
(૨૩૬) છુપા ખઝાનાથી ઈશારો અક્લે અવ્વલ (અક્લેકુલ) તરફ છે જે ખુદાઈ ફયઝના ભંડાર છે અને જેની શાન કુરઆને મજીદમાં આવેલી છે, (આયત) "જેને ખઝાનો મળે તે તેનો પાંચમો ભાગ (ખુમ્સ) ખુદાની રાહમાં આપી દે." કેમકે સાચા અર્થમાં ખઝાનો મેળવનાર નાતિક છે કે જેણે અક્લેકુલથી ફયઝ (ફાયદો) લીધો છે તે પછી નાતિકે અસાસને કાયમ કર્યા છે કે જેને (અસાસે) પાંચ હદને ફયઝ આપ્યું.
(૨૩૭) નાતિક જે ઈલ્મ,અલવી યાને રૂહાની હુદૂદથી હાસિલ કરે છે, તેને તે સારા શબ્દોથી શણગારે છે. ત્યારબાદ તેને તે અસાસને સોંપે છે. અસાસ તે ઈલ્મને પોતાના ખ્યાલમાં મઢી તેને દ્રષ્ટાંતો (દાખલાઓ) અને શિખામણથી ભરપૂર શબ્દોથી શણગારે... આ પ્રમાણે “ઈલ્મેલદુત્રી ” (ખુદાઈ જ્ઞાન) એક પછી એક દરજજા પસાર કરીને, વલોવાઈને, સરળ થઈને મુસ્તજીબ યાને સાધારણ મુમિન સુધી પહોંચી જાય છે. આ છે ખુદાતઆલાનું ફયજ (ઉદારતા) અને બક્ષીશ.
ઝકાતુલ ફિત્ર
(૨૪૩) ચાર વસ્તુમાં બે (ખજૂર અને કિસમિસ) ઝાડના ફળ છે. બીજી બે, (ઘઉં અને જવ) અનાજના પ્રકાર છે. આ ચારમાં સંકેત એ છે કે દરેક -મુમિન, દીનના ચાર હદનો સ્વીકાર કરે છે. જે ચારના લીધે દુનિયાનો વુજૂદ છે. (છેવટે) બધા આ ચાર તરફ જ વળશે. અકલે અવ્વલ, અકલે સાની, નાતિક અને અસાસ.
ખજૂરમાં સંકેત અક્લે અવ્વલનો છે, જે પોતાની મેળે બીજાના આધાર વગર ઊભેલા છે અને જેનો મરતબો બીજા બધા કરતા ઊંચો છે. જેમકે તમામ ઝાડપાનમા ખજૂરનો મરતબો બુલંદ છે. તેનું ઝાડ બીજા ઝાડોથી જુદી રીતે સ્થિર અને સલામત રહે છે,
કિસમિસ (દ્રાક્ષ)નું ઝાડ બીજાના આધારે રહે છે. ટેકા વગર વેલ ચઢતી નથી. અક્લે સાની (નફ્સેકુલ)નો આધાર અક્લે અવ્વલ ઉપર છે દ્રાક્ષ કરતાં ખજૂરમાં જીવનતત્વો પણ વધારે છે અક્લે સાની કરતા અકલે અવ્વલની કુવ્વત વધારે છે. એજ રીતે ઘઉંથી મુરાદ નાતિકથી અને જવથી મુરાદ અસાસની છે. જેમ જવ કરતાં ઘઉં વધીને છે તેમ અસાસ કરતાં નાતિક (નબી) પણ વધીને છે.
(૨૪૪) વળી 'બે સાઅ' જવ, 'એક સાઅ' ઘઉંના બરાબર છે. નબી તાલીફ અને તાઈદ બન્નેના ધણી છે ત્યારે અસાસ માત્ર તાવીલના છે.
(૨૪૫) ઝકાતુલ ફિત્ર ઈદની નમાઝ પહેલા આપી દેવી જોઈએ. કેમકે ઈદથી દલીલ કાએમની છે.
(૨૫૪) નબી (સ. અ. વ.) ફરમાવે છે કે “રોઝા તંદુરસ્તીના પ્રતીક છે.” મતલબ કે ખાવા-પીવાથી પરહેઝ કરે તો જાન અને જીસ્મ બન્નેને લાભ થાય છે.
જેમ જીસ્મ માટે ખોરાક ખાવું છે તેમ જાન માટે ૫ણ છે. તન્ઝીલ એટલે કે ઝાહિરી શરીઅતનું ઈલ્મ તે ખાણું છે. અને તાવીલ તે પીણું છે. આ બન્નેથી જાનને લાભ મળે છે, તન્ઝીલ અને તાવીલ બયાન કરી બીજાઓને તંદુરસ્ત બનાવવા જ ઘટે.
(૨૫૪/૨૫૫) રોઝા રાખવાનો એક ખુલ્લો મતલબ એ છે કે ઈન્સાન તે વડે ખુદાની ફરમાંબરદારી કરે છે, અને ફરિશ્તાઓનો પ્રતીક થાય છે. કેમકે ફરિશ્તાઓને ખાવા-પીવાની જરૂરત હોતી નથી. વળી રોઝાદાર, રોઝા રાખવાથી જાનવરોથી પણ જુદો પડે છે, કારણ કેટલાક જાનવરોને હરતાફરતા ખાવાની ટેવ હોય છે, જ્યારે થોડું ખાવું અને સમય પર ખાવું, તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે.
(૨૫૫) હદીસ શરીફમાં એમ પણ આવેલું છે કે: 'રમઝાન’ ખુદાના અનેક નામોમાંથી એક નામ છે. બીજા મહિનાઓ કરતાં રમઝાનનો મહિનો ઉત્તમ છે એમ પણ કહેવામાં આવેલું છે કે ખુદાના નેક અને ઈબાદત ગુઝારનાર બંદાઓને ફરિશ્તાઓના દીદારનો પણ લાભ મળે છે તેઓના (રોઝા રાખનારાઓના) નેક કામોના લીધે તેઓ માટે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે.
(૨૬૧) અલી ઈબ્ને અબીતાલિબ પોતે જ બોલતા કુર્આન છે. એટલું જ નહીં પણ આપ પોતે જ રમઝાન પણ છે. તેઓ તન્ઝીલ અને તાવીલના ધણી છે, જે શખ્સ મૌલા અલીને ઓળખી લે તેના માટે જરૂરી છે કે તે આ મહાન પાક વ્યક્તિના મહાન મરતબા ઉપર પરદો રાખે એટલે કે અણસમજ અને અજ્ઞાનને તેની જાણકારી આપે નહીં. "જેનો જાન બીમાર અથવા નબળો હોય" જે તાવીલના ઈલ્મને જીરવી શકતો ન હોય અથવા જે સત્યની શોધમાં એક ગામથી બીજે ગામ જતો હોય તેના માટે અલી (અ. સ.)ની વલાયતનો હક બાદમાં પણ વાળી દેવો જ જોઈએ, જે પ્રમાણે રમઝાનના ગુમાવેલા રોઝા વાળવા જરૂરી છે.
દરેક જણે હકીકતનું ઈલ્મ મેળવવાની તનતોડ મહેનત કરવી જ જોઈએ. હકીકતના ઈલ્મની શોધમાં રાત-દિવસ રહેવું જ જોઈએ. વિદ્વાન પુરુષથી પૂછ પરછ કરવી જ જોઈએ અને પોતાના બીમાર જાનને તંદુરસ્ત કરી લેવો જોઈએ.
(૨૭૦) નમાઝ પઢનાર ખાનએ કાબાને આંખે જુવે કે ન જુવે તો પણ કાબાના રૂખ પર (યાને કાબાની દિશામાં મોઢું રાખીને) પઢેલી નમાઝ જાએઝ છે. જ્યારે હજમાં કાબામાં આવવું, તેને તવાફ દેવું (તેના આસપાસ ફરવું) અને તેને આંખો ભરીને જોવું આવશ્યક છે. તે વિના હજ મુકમ્મલ થતી નથી, એટલે અધુરી ગણાય છે.
(૨૭૦) રસુલે અકરમ (સ. અ. વ.)ની હદીસ શરીફ છે કે ધરતી પર રચાએલા કાબા આસમાન ઉપર સ્થાપેલા કાબાના મુકાબિલ છે. ધરતી પર (મક્કામાં) રચાએલા કાબાના આસપાસ, રાત-દિવસ અને બારેમાસ ફરિશ્તાઓ અને આદમીઓ જ તવાફ દે છે જ્યારે બયતે મામૂરને (આસમાન ઉપર રચાએલા કાબાને) ફરિશ્તાઓ જ તવાફ દે છે.
યા અલી મદદ.