વજ હે દીન - દીનનો ચહેરો
રેકોર્ડીંગ - ૫
રેકોર્ડીંગ - ૫
પ્રકરણ - ૩૫ થી ૫૧.
જેહાદનો ગૂઢાર્થ
(૨૭૭) ઈન્સાનના શરીરનો સંબંધ આ દુનિયા સાથે અને જાનનો સંબંધ રૂહાની (આત્મિક) દુનિયા સાથે છે. ત્યારે આ દુનિયાની જરૂરીયાતો તેને આલમે ફાની (નાશવંત દુનિયા) તરફ ખેંચે છે. જ્યારે તેના મઅકુલાત (આત્માની જરૂરીયાતો) તેને પેલી દુનિયા (આલમે બકા) જે નાશ પામવાની નથી, તેના તરફ આકર્ષે છે.
આ દુનિયા (ફાની) અને પેલી દુનિયા (બકા)ની રસાકસીમાં ખેંચાઈ રહેલા ઈન્સાનોના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં એવા લોકોનો સમાવેશ થાય છે કે જેઓ દુનિયાની ખ્વાહેશાત (અયશ, આરામ, ખાવું, પીવું માત્ર)માં જકડાએલા છે. જેના લીધે તેઓ નફસે શહેવાની તરફ વળે છે. બીજા ભાગના લોકો દીનદારો છે. જેઓ દુનિયાની મોહજાળમાં ન સપડાતા અક્લેકુલ અને નફ્સેકુલ તરફ વળે છે. ત્રીજી કક્ષાના લોકો બન્ને દુનિયા વચ્ચે અધ્ધર રહે છે. તેઓ નેકી અને બદીમાં ભેળસેળ કરી દે છે, સવાબ (પૂણ્ય) અને અજાબ (પાપ), ખરા અને ખોટા વચ્ચેનો તફાવત જોઈ શક્તા નથી. આવી પરિસ્થિતિમાં ઈન્સાન માટે જરૂરી છે કે તે આલમે રૂહાની તરફ પોતાના વિચારોને કેન્દ્રિત કરી દે અને નફ્સે શહેવાથી (તામસ) ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લે.
(૨૭૯) જેહાદનો હુકમ ઈમામ જ આપી શકે છે. લોકો માટે ઈમામ વિના જેહાદ કરવું વાજીબ નથી.
એક જેહાદ શારીરિક છે. જે દીનના જીસ્મ એટલે શરીઅત મેળવવા માટે છે.
બીજા પ્રકારની જેહાદ દીનના જાન એટલે તાવીલને મેળવવા માટે છે.
(૨૯૧) તન્ઝીલ અને તાવીલના જોડાણથી જ ઈમામની સુરત પયદા થાય છે.
(૨૯૨) હદીસ શરીફમાં છે કે, “જે કોઈ શખ્સ પોતાના સમયના હૈયાત ઈમામની ઓળખાણ વિના મરી જાય તો તેનું મરણ જાહેલિયત (અજ્ઞાનતા) કહેવાય અને જાહિલ જહન્નમી છે.
(૨૯૪) ઈમામે ફરમાવેલું છે કે દીન ફક્ત રોઝા નમાઝનું નામ નથી, બલકે દુનિયા અને આખેરતની આબાદીનું દરેક કામ દીન છે.
(૨૯૭) અવ્વલ, સાની, નબી (નાતિક) અને વસી (અસાસ) દિને ઈસ્લામના ચાર સ્થંભ છે, તેમના ઉપર જ દીનનો પાયો છે. હજ જે ઈમામની મઆરેફત (ઓળખાણ) કરાવે છે.
(૩૦૮) ઝાહેર અને બાતિન બન્નેનો સુમેળ ખુદાતઆલાની ઈબાદતમાં અગત્યનો ભાગ ભજવે છે.
(૩૩૫) જેહાદમાંથી પીઠ ફેરવવાની બાબતમાં એવું કહેલું છે કે દીનના કોઈ હદને ઝાહેરના કોઈ લોકો સાથે ચર્ચા કરવાનો પ્રસંગ આવે અને તે સમયે તે હદની ચર્ચા કરવાના બદલે શાંત રહે અથવા ચર્ચા કરતી વખતે મનમાં નબળાઈ રાખે અથવા તો બેદિલી પોષે જેના લીધે ઝાહેરના લોકોમાં હિંમત આવી જાય. ત્યારે એમ કહેવાય કે તે હદે હકની જેહાદથી મોઢું ફેરવી લીધું. તેની ખરી ફરજ તો એ છે કે તે હિમ્મતથી બહસ કરે અને વિરોધીઓને પરાજય આપવામાં પૂરી કોશિશ કરે જેથી હકની જીત અને બાતિલની હાર થાય.
(૩૪૦) કુર્આને મજીદમાં લખેલી આયતમાં અગ્યાર પ્રકારનો ગોશ્ત હરામ છે, માત્ર બારમા પ્રકારનો, કિબ્લા સામે મોઢું રાખી સુવડાવેલ જાનવર કે જેને બિસ્મિલ્લાહ અલ્લાહો અકબર બોલી ઝબ્હ કીધો હોય તેનો જ ગોસ્ત હલાલ છે.
(૩૪૧/૩૪૨) ડુક્કર એટલા માટે હરામ છે કે ન તો તેના માટે ઝબીહત છે ન હલાલની કોઈ સૂરત તે તો લોકોની ખેતી-વાડીને ખરાબ કરનારો છે. જેમ ખેતીવાડી બરબાદ થવાથી માનવજાત મુસીબતમાં આવી પડે તેજ પ્રમાણે જો દીન બરબાદ થાય તો બધું જ ફના થઈ જાય.
(૩૪૪) મુમિનો જો તમે હલાલ અને હરામ, ઝાહિર અને બાતિન બન્નેને ઓળખીને ચાલશો તો તમને નજાતનો રસ્તો મળી જશે.
દજ્જાલ બાબત
(૩૪૭) હવે રસુલેખુદા (સ. અ. વ.)ની હદીસ કે કાણા દજજાલથી ચેતીને રહેજો. તેમાં શું સંકેત છે તે જોઈએ.
(૩૪૮) બે પ્રકારના કાણા દજ્જાલો હર ઝમાનામા મૌજુદ હોય છે. બાતિનનો અસ્વીકાર કરી ઝાહિર પર ચાલનારા અને બાતિનને વળગી ઝાહિરને તજી દેનારા બન્ને જાતના લોકો કાણા દજ્જાલ જેવા છે, બન્નેનું દીન અધુરું છે, નાશકારક છે, ગુમરાહ છે.
તાવીલ અને તન્ઝીલ બન્નેને જેએાએ તિલાંજલી આપી દીધી છે, તેઓ બન્ને આંખે આંધળા છે. એવી જ રીતે જેઓએ ફક્ત કિતાબ સાચવી અને રોઝા નમાઝ જાળવ્યા તેઓએ પોતાની જમણી આંખ બંધ કરી દીધી અને જેઓએ કિતાબ, રોઝા અને નમાઝ તર્ક કરી માત્ર બાતિન પદ જ ભરોસો કીધો તેઓએ પોતાની ડાબી આંખ બંધ કરી દીધી. આ પ્રકારના દરેક આંધળા અને કાણા દજ્જાલ ખુદાના શત્રુ છે.
(૩૪૯) ત્યારે હકના દીન પર તે જ છે કે જે ઝાહિર અને બાતિન બન્નેને સાચવે છે અને ખુદાના ફરમાન મુજબ વર્તે છે. કિતાબ અને એહલેબયતના જોડાણમાં મોટો ભેદ સમાયેલો છે અને શરીઅતના જીસ્મમાં એ જ વસ્તું જાન બનીને રહેલી છે.
લખવામાં આવેલું છે કે જ્યારે અમીરૂલ મુમિનીન મૌલાના અલી (અ.સ.)ને પકડી-જકડીને વિરોધીઓની સભામાં લાવવામાં આવ્યા અને બયઅત માટે જબરદસ્તી કરવામાં આવી ત્યારે આપે ડાબો હાથ આગળ કર્યો હતો અને મુઠ્ઠી બંધ રાખી હતી. એ વખતે સવાલ કરનારને આપે ફરમાવ્યું હતું કે, “હું મારો જમણો હાથ નબીના હાથમાં આપી ચૂક્યો છું, હવે તે બીજાને અપાય નહીં.”
આપ (સ.અ.)ના આ જવાબમાં ઘણો લુત્ફ છે, નબી તન્ઝીલના અને અલી તાવીલના ધણી છે. મૌલાના અલીએ ડાબો અને તે પણ બંધ મુઠ્ઠીવાળો હાથ આગળ કરીને બતાવી દીધું કે હું જેઓને ડાબો બંધ મુઠ્ઠીવાળો હાથ આપું છું તેઓ ઝાહિરને પણ સમજનારા નથી. પછી બાતિનથી તેઓને નિસ્બત હોય જ ક્યાંથી ?
આટલા વિવેચન ઉપરથી જે સાચો દીનદાર હશે તે કાણા દજ્જાલથી અને બન્ને આંખના આંધળાઓથી જરૂર બચીને ચાલશે. કારણ તે બન્ને લાનતને પાત્ર છે.
નિકાહ બાબત
(૩૫૨) નિકાહ બે પ્રકારના છે. એક જીસ્માની અને બીજા રૂહાની.
(૩૫૩) ગદીરે ખુમમાં હજારો મુસલમાનોના દરમિયાન અલીના બે હાથ ઊંચા કરીને આપે ફરમાવ્યું : “મન કુન્તો મવલાહો ફહાઝા અલીય્યુન મવલાહો” (જેનો હું મૌલા છું, તેના અલી મૌલા છે). પછી આપે અજબ શાનની દુઆ ફરમાવી અને અલીના ફઝલને ઝાહિર કર્યું.
(૩૫૪) ઈદે ગદીરના દિને રસુલિલ્લાહ (સ. અ. વ.)એ રૂહાની નિકાહ બાબત મુમિનોના વલી હતા. અલી આલા ઉમ્મતના જીવન સાથી હતા. એ જોડાણના અક્લેકુલ અને નફ્સેકુલ જેવા બે સાચા શાક્ષી હતા. બે શાક્ષી વગર નિકાહ દુરસ્ત થઈ શકતા નથી એ હદીસ તે દિને સાકાર થઈ નબી અને વસી મુમિનોના મા-બાપ છે. એમની અતા ફરમાવેલી સુરત જે હૂર કરતાં ઊંચી છે તેનાથી (હ.અલી સાથે) મુમિનોની શાદી થઈ છે.
(૩૫૭) જે સાચો મૂમિન છે તે ખોટાથી દૂર રહી સાચાને પસંદ કરશે. પોતાના આત્માનું જોડાણ બ રાહે રાસ્ત નબી અને વસીની પરવાનગી અને ખુશીથી કરશે નબી (સ.અ.વ.) ફરમાવે છે કે: “શાદીખાના આબાદી કરો જેથી તમારી વંશાવલી (ઈલ્મ) વધે અને કયામતમાં તમારા માટે હું બીજાઓથી ગર્વ લઉં."
આ ફરમાનમાં આપનો ઈશારો રૂહાની જોડાણથી છે. જે આપ ઈલ્મના વધારાને પસંદ કરે છે. એટલું જ નહીં પણ ગર્વ પણ લે છે. પોતાને ઈલ્મના મદીના (શહેર) કહે છે અને ફરમાવે છે કે અલી તે મદીનાના લાલ (દરવાજા) છે. તદુપરાંત આપે એમ પણ ફરમાવેલું છે કે “મારાથી, યા મારા એહલેબયતથી યા તેઓના શિખવાડેલાઓથી શીખો. “અંબિયાઓના વારસો, આલિમો છે."
(૩૫૮) એક વખતે રસુલે ખુદા (સ.અ.વ.)એ એક નૌજવાનને જોયો અને પૂછયું, “તું પરણેલો છે કે નહીં ?” પેલાએ જવાબ દીધો કે “ના સાહેબ હજી હું કુંવારો છું.” નબીએ પેલાને કહ્યું, “ઝટ પરણી લે કેમકે હાલમાં તું શયતાનના ભાઈઓમાંથી છે.”
બાતિનમાં નબીનો પેલા જવાનને પૂછેલા સવાલનો અર્થ એ છે કે “તું ઈલ્મ પઢેલો છે કે નહીં ?"
(૩૫૯) ફરમાવે છે કે : શીખનાર અને શીખવાડનાર જ્યારે ઈલ્મ માટે બેસે છે ત્યારે ફિરશ્તા તેઓ પર પોતાની પાંખોથી સાયો કરે છે. વળી જાણવું જોઈએ કે મૂમિન મૂમિનનો ભાઈ છે.
જેઓને ફિરશ્તાના ભાઈ બનવું હોય તો (અક્લેકુલ અને નફ્સેકુલ) બે શાક્ષીવાળા વલીની ખુશનુદીથી ઈલ્મ હાસિલ કરે, એટલે ઈલ્મી શાદી કરે.
જાણી લ્યો કે રૂહાની જોડાણમાં મહેરથી મુરાદ તે તાવીલ છે કે દુનિયાની તમામ વસ્તુંઓ કરતાં કીંમતી મતા છે.
(૩૬૦) આટલા શબ્દો પર નિકાહ અને સિફાહનું પ્રકરણ સમાપ્ત કરું છું.
કર્ઝાએ હસના (ખુમ્સ)
(૩૬૧) ખુદાની ખલ્કતના ત્રણ પ્રકાર છે. (૧) રૂહાની (આત્મિક) એટલે પેલી દુનિયા, (૨) જીસ્માની (ભૌતિક) એટલે આ દુનિયા અને (૩) તાલીફ એટલે દીની દુનિયાની રચના.
એ જ રીતે દીનના પણ ત્રણ દરજ્જા છે. (૧) નાતિક, જે તનઝીલના સાહેબ છે. (૨) અસાસ, જે તાવીલના ધણી છે અને (3) ઈમામ, જે તન્ઝીલ અને તાવીલ બન્નેનું જોડાણ કરનાર છે.
(૩૬૨) એજ પ્રમાણે દીનના પણ ત્રણ પ્રકાર છે. (૧) તફસીર: ખુદાઈ કિતાબોની સમજણ. (૨) હદીસ, અંબિયા (નબીઓના) ફરમાનો. (૩) ફિકહે, શરીઅતના કાનૂનો (જેને અંગ્રેજીમાં ISLAMIC JURISPRUDENCE ('થીયરી ઓફ લો' કહે છે.)
જે શખ્સ આ ત્રણે વિદ્યા (ઈલ્મ)માં પારંગત હોય છે. તે ઊંચા દરજજાનો ગણાય છે. અને બીજા લોકો તેને આલિમ હોવાના કારણે માન અકરામ આપે છે.
અલ્લાહ પાકે કુરઆને મજીદની સૌથી પહેલી સુરા જેને સુરે ફાતેહા (OPENING SURA) કહે છે. તેમાં ફરમાવેલું છે કે: “અલહમ્દુલિલ્લાહે રબ્બીલ આલમીન" "વખાણ (હમ્દ) તે અલ્લાહ માટે જે બન્ને દુનિયાનો રબ (ધણી) છે." ઉપર જણાવેલી ત્રણે પ્રકારની દુનિયાઓનો સર્જનહાર તે પાક પરવરદિગાર છે, જેને ત્રણ તાઅત દરરોજ સમયસર અદા કરવાની કુરઆને પાકની એક જ આયતમાં આ બાબત તરફ ઈશારો કરવામાં આવેલો છે : “નમાઝને કાયમ કરો, ઝકાત અદા કરો અને ખુદાને કર્ઝે હસના (હક) આપો.
(૩૬૩) પણ ત્રીજો હુકમ કે જે ઘણો મહત્ત્વનો છે. તેની અવગણના કરી છે. એટલુંજ નહીં પણ તે ‘ખુદાઈ કર્ઝ,(ખુમ્સ) શું છે તે બાબતે વિદ્વાનોને પૂછીને તે બાબતમાં જાણકારી મેળવવાની કોશિશ કીધી નથી. એકજ આયતમાં ત્રણ હુકમ આપીને ખુદાએ ત્રણેનો એકબીજા સાથે શું સંબંધ છે તે દર્શાવી દીધું છે. દાખલા તરીકે જે નમાઝ ન પઢે તેની ઝકાત કબૂલ થતી નથી.
ત્યારે જે ખુદાઈ કર્ઝ અદા ન કરે તેની નમાઝ અને ઝકાત બન્ને કબૂલ ન જ થાય કેમ કે નબી વસી અને ઈમામથી જોડાણની માન્યતા રાખીને ત્રણેની તાઅત કરે તો જ તે તાઅત (કર્ઝે હસના ચૂકવેલ) ગણાય અને આ ત્રણ સાહેબોની તાઅતથી જ ખુદાની તાઅત ગણાય. જે ઈમામને ન માને તેનું નબી અને વસીનું માનવું અકારત (વ્યર્થ) છે. વસીને ન માને તો તેનો નબીને માનવાનો એકરાર પણ નકામો ગણાય અને જે નબીનો રીતસર એકરાર ન કરે તેણે ખુદાનો ઈન્કાર કરી લીધેલો કહેવાય.
(૩૬૪) હવે જ્યારે આ આયત (કર્ઝે હસના માટે) નાઝિલ થઈ ત્યારે સૌથી પહેલા તેના ઉપર અમલ કરી ખુદાને કર્ઝ આપ્યું તે અમીરૂલ મુમિનીન મૌલાના અલી (અ. સ.) હતા. લખવામાં આવેલું છે કે એક સમયે મૌલાના અલી (અ.સ.) ક્યાંક કામસર જઈ રહ્યા હતા. રસ્તામા આપે એક અરબને જોયો કે જે પોતાના ઊંટને દોરવી જતો હતો. અલી (અ.સ.)ને જોઈ તે ઊભો રહ્યો અને અરજ કીધી, "અય અમીરૂલ મુમિનીન ! મારો આ ઊંટ વેચી દેવાનો છે, આપ ખરીદી લ્યો તો આભા૨."
હ. અલી (અ.સ.)એ જવાબ દીધો, "હાલમાં મારા પાસે રકમની જોગવાઈ નથી.”
પેલાએ અરજ કીધી, “તેમાં કંઈ વાંધો નથી. આપના પાસે જ્યારે પણ પૈસાની જોગવાઈ થાય. કોઈ ગનીમત મળે ? ત્યારે આપજો.”
“કેટલામાં વેચવો છે ?” અલી (અ. સ.)એ પૂછયું.
“એકસો ઓગણીસ દિરહમમાં,” તે અરબે જવાબ. દીધો.”
“જા મેં તારા ઊંટને ખરીદી લીધો.” અલીએ ફરમાવ્યું.
“મેં આ ઊંટ આપને વેચી દીધો.” કહી અરબે ઊંટની લગામ અલી (અ.સ.)ના હાથમાં મૂકી દીધી.
આપ તે ઊંટ લઈ આગળ વધ્યા તો સામેથી આવતો એક બીજો અરબ મળ્યો. તેણે અલી (અ.સ.)ને અરજ કીધી, “યા અલી ! આ ઊંટ વેચવો છે ? હું લઈ શકું ?"
અલી (અ.સ)એ ફરમાવ્યું, “હા.”
“શું લેશો ?”
શેરે ખુદાએ ફરમાવ્યું, “હાલમાં જ મેં તેને એકસો ઓગણીસ દિરહમમાં લીધો છે.”
“લ્યો એકસો ઓગણીસ દિરહમ.” એમ કહી અરબે રકમ ગણી આપી, ઊંટનો કબ્જો લીધો અને રસ્તે પડ્યો.
અલી (અ.સ.) સીધા નબીએ અકરમ (સ. અ. વ.)ની હુઝુરમાં આવ્યા તો નબીએ ઉપલી આયત પઢી સંભળાવી.
અમીરૂલ મુમિનીન તરત તેનો ભાવાર્થ સમજી ગયા અને તરત જ એકસો ઓગણીસ દિરહમ નબી (સ.અ. વ.)ના સામે મૂકી દીધા.
“ઓ ભાઈ અલી ! આ ચાંદીના સિક્કા કયાંથી આવ્યા ?” સરવરે આલમે પૂછ્યું.
મૌલા અલીએ ઊંટની ખરીદી-વેચાણનો પૂરો કિસ્સો કહી સંભળાવ્યો. નબી સાહેબે ફરમાવ્યું, “ભાઈ અલી ! ઊંટ ઉધાર વેચનાર જીબ્રાઈલ હતા અને રોકડેથી ખરીદનાર મીકાઈલ હતા.
આ પછી અમીરુલ મુમિનીન એ લોકોને ઉપલી આયતની તાવીલથી જાણકાર કર્યા. જે સાંભળી, સાંભળવાવાળાઓએ વાજેબાત અદા કરવાનો સવાબ લીધો.
હવે જ્યારે ખુદાતઆલાનું ફરમાન આવ્યું કે : “અને ખુદાને કર્ઝાએ હસના આપો" તો મુસલમાનોને ખબર નહોતી કે વાજેબાતની રકમ કેટલી હોય. અલીએ આલા જે તાવીલના સાહેબ છે તેઓએ સંખ્યા બતાવી આપી કે તે એકસો ઓગણીસ છે.
બીજું એ કે અબજદના હિસાબથી 'હસના'ના અદદ (સંખ્યા) એકસો ઓગણીસ થાય છે.
'હય’ના આઠ (૮), ‘સીન’ના (૬૦), 'નૂન'ના (૫૦) અને 'અલિફ'ના (૧). આ બધા અક્ષરો (હ, સ, ન, અને અ)નો સરવાળો એકસો ઓગણીસ (૧૧૯) થયો. વળી ‘હસના' શબ્દ બારીતઆલાની વહદાનીયતનો પણ પૂરાવો આપે છે કે ખુદા એક છે, વાહેદ છે. વાહેદ શબ્દના ચાર અક્ષર છે. (વાવ, હય, અલિફ અને દાલ) જેનાથી ગરજ દીનના ચાર અસ્લ છે બે રૂહાની અને બે જીસ્માની. આ અસ્લથી દીની દુનિયામાં એકસો ઓગણીસ હુદૂદ થતા હોય છે. ગુઝિશ્તા (ગુજરેલા) ઝમાનામાં અને હાલના ઝમાનામાં પણ તે સંખ્યા કાયમ રહેલી છે.
ગુઝિશ્તા ઝમાનામાં કે જે અંબિયાઓનો (નબીઓનો) દૌર કહેવાય છે. તેમાં થયેલા એકસો ઓગણીસ હુદુદ આ પ્રમાણે છે; નાતિક, આદમ, નુહ, ઈબ્રાહીમ, મુસા, ઈસા, મોહમ્મદ, સાતમા સાહેબ કાએમ (અ. સ.) આ સાતે હસ્તીના પાંચ અઝીમ મદદગાર છે. અવ્વલ, સાની, જદ, ફત્હ અને ખ્યાલ. આ પાંચેથી દરેક સાહેબ ફયઝ લઈને પોતાના બાર હુજ્જતને સોંપે છે અને તે હુજજતો દ્વારા તમામ જગતને ફાયદો મળે છે. દરેક નાતિકના દૌરમાં જે ઈમામતનો સિલસિલો કાયમ થાય છે. તેમાં સાતરાનું ઘણું મહત્ત્વ છે. દરેક નબી, દરેક વસી અને દરેક ઈમામના પાંચ મોટા મદદગાર છે. અને દરેકના બાર હુજ્જત છે. સાતને સત્તરથી ગુણીએ તો એકસો ઓગણીસ થાય છે. (૭X૧૭=૧૧૯).
(૩૬૮) ...(આ દરેક) સાહેબોનું ફયઝ જગતમાં ફેલાય છે. તવહીદની દાવત કાયમ કરવાનો શુરૂથી આખર સુધી આ એક જ તરીકો છે.
"ઈન્નાલિલ્લાહ વ ઈન્ના ઈલયહે રાજેઉન"ના સંકેત બાબત.
(૩૭૨) ખુદાતઆલા કુરાને મજીદમાં ફરમાવે છે કેઃ "જ્યારે પણ તેઓ પર મુસીબત આવી પડે તો "કહે કે અમે ખુદા માટે જ છીએ અને તેના તરફ જ વળનારા છીએ."
ખુદાતઆલાની તૌફિકથી આ વિષે કહું છું કે જ્યારે ૫ણ કોઈ મુસ્લિમ યા કોઈ મૂમિન મુસીબતમાં આવી પડે, યા દુઃખ-દર્દમાં મુબતેલા થાય (સપડાય). તો ઉપર લખેલી આયત (ઈન્નાલિલ્લાહ...) પઢે.
(૩૭૩) ઈન્સાન જીસ્માની (શારીરિક) દુ:ખ દર્દમાં ઘેરાઈ જાય તો તેના પર વાજીબ છે કે તે પોતાની ઝાતને ખુદા તરફ રજૂ કરી દે. ખુદાની ખુશીમાં પોતાની ખુશી માને અને કહે “ઈન્નાલિલ્લાહ વ ઈન્ના ઈલયહે રાજેઉન.”
એજ રીતે મૂમિનને ઘટે કે જ્યારે તે કોઈ દીનની મુશ્કિલ સમસ્યાને ઉકેલી શકતો ન હોય તે ઉપર મુજબ કહે કે : “હું ખુદાના ખાતિર છું અને ખુદા તરફ જ વળનાર છું" એમાં સંકેત એ છે કે નફસ (જાન)ના. માલિક સમયના ઈમામ છે કેમ કે દરેક મૂમીનોની રૂહાની ઝિંદગીને આધાર આપની પાક ઝાતના લીધે જ છે. જાન પર કોઈ મુસીબત આવી પડે તો તેને દૂર કરનાર પણ ઈમામ જ છે. જે વાતને સામાન્ય ઇન્સાનો સમજી ન શકે તે સમજાવવાનું ઇલ્મ પણ ઇમામ પાસે છે અને દરેક તકલીફોને દૂર કરનાર પણ આપ જ છે.
હવે દીનના હદ તરફ કોઈ ગુંચવાડાભર્યો સવાલ આવી પડે તો તેના માટે જરૂરી છે કે તે ઈમામ તરફ તે સવાલ રજુ કરે તેથી તેની ગુંચવણ દૂર થઈ જાય.
(૩૭૪/૩૭૫) કોઈવાર એવું પણ બને છે કે સવાલ રજુ કરવા છતાં તેનો જવાબ મળતો નથી. આવું બને ત્યારે મૂમિનની ફરજ છે કે તે, પોતાનો ઈમાન સલામત રાખે અને કહે “ઈન્ના લિલ્લાહ વ ઈન્ના ઈલયહે રાજેઉન” મતલબ કે મૂમિન પોતાના જાનની નજાતીના સવાલોને દુનિયાવાળાઓ તરફ રજુ કરવા કરતા ખુદાવાળાઓ તરફ રજુ કરવાનો આગ્રહ રાખે કે જેઓ ઝાહિર અને બાતિન બન્નેના જાણકાર છે. અને એમાં જ દરેક દુઃખ દર્દનું છેવટ છે.
રસુલિલ્લાહ (સ. અ. વ.) અને આપની આલ ઉપર સલવાત બોલવું જરૂરી છે તે બાબત.
(૩૭૬) ખુદાતઆલા કુરાને મજીદમાં ફરમાવે છે કે: “ખરેખર ખુદા અને તેના ફરિશ્તાઓ નબી ઉપર સલવાત પઢે છે. ઓ ઈમાનવાળાઓ તમો પણ તેઓ ઉપર સલવાત પઢો અને દરૂદે તસ્લીમ કહો.
આ આયતમા સલવાત પઢવાને હુકમ થયો છે. પરંતુ તેના અનુસંધાનમાં નબીએ અકરમ (સ. અ. વ.) એ ફરમાવેલું છે કે: “મારા ઉપર પૂંછડી વિનાની સલવાત ન હોય."
અરઝ કરી કે “યા રસુલિલ્લહ ! પૂંછડી વિનાની સલવાત કેવી હોય ?”
(૩૭૭) ઈર્શાદ ફરમાવ્યું કે: “અલ્લા હુમ્મા સલ્લે અલા મોહમ્મદિન કહે અને આલે મોહમ્મદિન ન કહે. તેવી સલવાત પૂંછડી વગરની કહેવાય અને અધુરી ગણાય.”
હજી આપ (સ. અ. વ.)એ ફરમાવેલું છે કે, “તમે મારા ઉપર અને મારી આલ ઉપર એવી સલવાત પઢો કે જેવી ઈબ્રાહીમ અને તેની આલ ઉપર પઢાવેલી છે."
(૩૭૮) ત્યારે અય મૂમિનો ! જાણી લ્યો કે સલવાતનો અર્થ અનુસરવાનો છે. એક કડીથી બીજી કડીને જોડવાનો છે. એમાં અસાસ (યાને અલી) પહેલા છે. તે પછી હકના ઈમામો છે. જે સઘળાની તાબેદારી કરવાથી જ નબી (સ.અ. વ.) સુધી પહોંચી શકાય છે.
(૩૭૯) જ્યારે સલવાત પઢનાર મૂમિનનો અકીદો (માન્યતા) એવો હોવો જોઈએ કે તેના માટે નબીએ અકરમ (નાતિક)ના વારસદાર અર્થાત ઈમામ (અસાસ)ની તાબેદારી તેના માટે જરૂરી છે. જેવી અલીની એતાયત છે જેવી જ ઈમામોની પણ છે. જેવી ઈમામની છે, તેવી જ દાઈની પણ છે. આ પ્રમાણે નીચેથી ઉપર સુધીના હુદૂદને માનીએ તો જ ખુદાની તાઅત દુરસ્ત ગણાય. મૂમિનો માટે લાઝિમ છે કે પોતાના પુર્વજોના ચીલે ચાલે, જેથી પહેલેથી છેલ્લે સુધીનો, અદના આલા બધાનો સ્વીકાર કાયમ રહે. આનું જ નામ સલવાત છે.
સલવાત પઢનાર (અનુસરનાર) પોતાના મનમાં આ વાત સંપૂર્ણ રીતે ઠસાવી દે કે તે નાતિક (નબી)ના ફરમાનને માથે ચઢાવીને, અસાસ (વસીથી) જાનમાલથી જોડાઈને, ઈમામ અને ઈમામના દાઈની તાબેદારી કરનારો છે અને તેના લીધે જ તેની આ દુનિયા અને આખેરત યાને બીજી અને કાયમની દુનિયા જ્યાં તેને જવાનું છે ઉજળી બનનાર છે અને તેને નજાત મળનાર છે. ઈન્શાઅલ્લાહ.
"લા હોલા વ લાકુવ્વતા ઈલ્લા બિલ્લાહિલ અલીયીલ અઝીમ"
(૩૮૦) નબીએ અકરમ (સ. અ. વ.)એ મૂમિનોને માર્ગદર્શન આપ્યું કે તેઓ દરેક આફતમાં અથવા ગર્દિશમાં, કિવા મુસીબતમાં “લા હૌલાવ લાકુવ્વતા ઈલ્લા બિલ્લાહિલ અલીયીલ અઝીમ”ની તસ્બીહ કરે. તદુપરાંત આપે ફરમાવેલું છે કે લા હૌલાના કલેમા જન્નતના ખઝાનાઓમાંથી એક ખઝાના રૂપે છે. તેને તમારા બચ્ચાઓને શિખવાડો જેથી કરીને તેઓ શયતાનના વસવસાઓથી બચીને રહે.
(૩૮૦/૩૮૧) આ એક ઘણો કારગર મંત્ર છે લા હૌલા…નો અર્થ એ છે કે હૌલા (ગભરાટ) અને લાકુવ્વતા (કોઈ શક્તિ પણ નથી), અરબી ભાષામાં 'હોલ' શબ્દનો અર્થ” 'પૂરા એક સાલ વીતી જવાનો' પણ થાય છે. તેમ 'હૌલ’નો એક અર્થ “પાછા વળવાનો” પણ છે.
(૩૮૧) અલીયે અઝીમ (મહાન અલી) કે જે ધરતીમાં અક્લે અવ્વલના મઝહર છે, બધા હુદુદો કરતા આલા અને અફઝલ છે. અલી (અ. સ.)ના ફયઝથી દરેક મુશીબતમાંથી બચવાના દરેક રસ્તાઓ નીકળી શકે છે. હર ઝમાનાના હુજ્જત અને દાઈઓને હિદાયત અને ફયઝ અલી (અ.સ.) તરફથી જ મળે છે કે જે ફયઝ અને હિદાયત પોતાની ઉમ્મતના લોકો તરફ પુગાડે છે.
(૩૮૨) ઈમામ મુસ્તનસિર બિલ્લાહના તાબેદાર, કામદાર, હુજ્જતે ખુરાસાન, હકીમ નાસિર ખુશરૂ અલવીની જગવિખ્યાત કિતાબ 'વજહેદીન' (ગુજરાતી તરજુમો) અહીં સમાપ્ત થાય છે.
યા અલી મદદ