કલામે પીર
પ્રકરણ - ૬
પ્રકરણ - ૬
જીસ્માની અને રૂહાની આલમો અને ચીજોના આદ અને અંત અને “મુસ્તજીબ” થી “ઈમામ” સુધીના દરજ્જાઓ વિષે.
(પેજ-૧૮૧) આ વ્યવસ્થિત દુનિયા, ઉંચામાં ઉંચા દિવ્ય નભોમંડળથી માંડીને, ઠેઠ પૃથ્વીના મધ્ય બિન્દુ સુધી, ફક્ત ખુદાતઆલાની હસ્તી ઉપર જ ટકેલ છે : એટલે કે તે કોઈ એવી શક્તિના આધારે છે, કે જેને હસ્તીમાં લાવનાર ખુદાઈ તાકાતના સ્વરૂપોમાંનુ એક છે. આકાશો પિતાની જેમ છે, રોશનીઓ ભાષા માફક છે અને જડ પદાર્થ વનસ્પતિ અને પશુઓ તેના ફરજંદો છે. આકાશોમાં વ્યાપક (આ શક્તિ) પિતા તરીકે અને બીજમાં વ્યાપક (આ શક્તિ) માતા તરીકે અને નજરે દેખાતી જડ પ્રકૃતિમાંની એ શક્તિ તેમના બાળકો તરીકે છે.
(૧૮૧-૧૮૨) આ બધા સ્વરૂપો સંયોજીતપણે મનુષ્યમાં એકત્રિત થયા છે; અને ખુદાઈ શક્તિના આવા બધા સ્વરૂપો આવી રીતે મનુષ્ય દેહમાં સંયોજીતપણે ફરી એકત્રીત થયેલા છે એટલે ખુદ ખુદાવંદતઆલાને તેવી દેહ અથવા સ્વરૂપ હોવું જોઈએ. જગત મનુષ્યની સિફાતો (ગુણો)ની વિસ્તૃત વ્યવસ્થા સિવાય બીજું કાંઈ નથી; અને મનુષ્ય જગતની સિફાતો (અથવા તત્વોનું) એકીકરણ છે; આ પ્રમાણે હકીકતમાં મનુષ્ય વિશ્વ (સ્વરૂપ) છે. જે જે તત્વોનો તે બનેલો છે તે બધા પોત પોતાની યોગ્ય જગ્યા (મરકઝ)માં પાછા ફરનાર છે, એટલા ખાતર આપણે આ વેરવિખેર પડેલાં તત્વો, કે જેનો મનુષ્ય બનેલો છે, તેને આલમે મૌજુદાત કહી શકીયે છીએ.
(૧૮૨) આત્મિક અથવા આત્માઓની જગત (આલમે અરવાહ)નો અર્થ સત્યની દુનિયા, (આલમે હકાયક) એટલે કે દીનની અંદર જે ખ્યાલોનું વર્ણન છે તે દુનિયા થાય છે. દરેક ચીજનું અસ્તિત્વ તેના ખરા નમુના (હકીકત) ઉપર આધાર રાખે છે, કે જેના તળમાં દરેક જાતના પદાર્થોનો વર્ગ રહેલો છે. બધા પદાર્થોના પડમાં રહેલાં સત્ય (હકીકત)નું સ્પષ્ટીકરણ દીનના ખ્યાલોમા થયેલ છે. રૂહાની જગત તે (અનંત) જીવનનું જગત છે, જ્યારે સ્થુળ જગત તે શારીરિક અને ભૌતિક પદાર્થનું જગત છે; બેઉ ભેગા હોય છે ત્યારે સંપુર્ણ હોય છે, પણ જુદા જુદા હોય ત્યારે તેઓ કોઈ ચીજ નથી.
(૧૮૨-૧૮૩) “મુબારક પ્રકરણો” (ફુસુલે મુબારક)માં એવું વર્ણન છે, કે શરીર અને જીવાત્મા ભેગો મળે ત્યારે શરીર બને છે અને જીવાત્મા અને (કારણ) શરીર ભેગા મળે ત્યારે જાન જીવન બને છે. સાત્વિક અને શારીરિક જ્ઞાનેન્દ્રિયો ભેગી મળતા તારતમ્ય (સારાંશ) બને છે અને શારીરિક જ્ઞાનેન્દ્રિયો અને સત્વ બેઉ ભેગા મળતા ઐહિક ખ્યાલો બને છે; કારણ કે જો તમે કોઈ જીવંત જીવાત્માને તે અન્યોન્ય સંબંધ રાખનાર છે, એવા મુદ્દાથી જોશો તો તે તમને શરીર દેખાશે અને જો તમે શરીરને કેવળ સત્યની દ્રષ્ટિએ જોશો, તો તે એક જીવંત આત્મા સિવાય બીજું કાંઈ નથી (એમ જણાશે). અને જો ગહન ખ્યાલ અને અન્યોન્ય સંબંધની દ્રષ્ટિએથી એને જોવામાં આવશે, તો તે શારીરિક ઈન્દ્રિઓ દ્વારા આવતા ખ્યાલો સિવાય બીજું કાંઈ નથી (એમ દેખાશે). જેવી રીતે કે શારીરિક ઈન્દ્રીયો દ્વારા મળેલ ખ્યાલને હકીકતી દ્રષ્ટિએ જોતા તે ગહન ખ્યાલ નજરે પડે છે. જો તમે ખુદ હકીકત (સત્ય)ને અન્યોન્ય સંબંધની દ્રષ્ટિએ જોશો, તો તે અન્યોન્ય સંબંધ ધરાવનાર તરીકે જણાશે અને અન્યોન્ય સંબંધ ધરાવનારને હકીકતી દ્રષ્ટિએ જોશો, તો તે હકીકત (સત્ય) દેખાશે. અને જે કોઈ ખુદાઈ વહેદાનીયતને અન્યોન્ય સંબંધ ધરાવનારી દ્રષ્ટિએ જુએ છે, તો તે તેને અનેક સ્વરૂપે દેખાય છે; પણ જો તે મખલુકાતના અનેક સ્વરૂપોને હકીકતી દ્રષ્ટિએ જોશે, તો તેને ખુદાતઆલાની એકતા (વહેદાનીયત) દેખાશે.
(૧૮૩-૧૮૪) એજ ‘ફુસુલે મુબારક’માં એમ લખવામાં આવ્યું છે કે, જે કાંઈ કેવળ સત્ય છે તેને અન્યોન્ય સંબંધ ધરાવવા સાથે કાંઈ નિસ્બત નથી અને જે કોઈ વસ્તું ફકત અન્યોન્ય સંબંધ ધરાવનાર છે, તેને હકીકત (સત્ય) સાથે કાંઈ લાગતું વળગતું નથી; અને જે કાંઈ હકીકતમાંથી અન્યોન્ય સંબંધ ધરાવનાર હોય છે, તેને બેમાંથી એકે સાથે નિસબત નથી અને જે કાંઈ કેવળ સત્ય છે અને અન્યોન્ય સંબંધી તરીકે સંબંધ રાખનાર છે, તે આ બેઉ વર્ગમાંનું છે. એ મુજબ જે કોઈ સત્ય અને અન્યોન્ય સંબંધધારકને બરાબર રીતે પારખી કાઢે છે, તે ખોટા અને કલ્પિત ખ્યાલોથી મુક્ત રહે છે.
(૧૮૪) મુબારક પ્રકરણોમાં એમ પણ જણાવેલું છે કે, ક્યામતના દિવસે કે જ્યારે બધા જોઈ શકે એવી દેહમાં ખુદાતઆલા પોતાની જહુરાત ફરમાવશે, ત્યારે શરીયત નિરૂપયોગી અને કલ્પિત દેખાશે.
અમે હમણાજ જણાવી ગયા છીએ કે, આખરતના દિવસે દરેક ચીજ જીવંત બનશે. જેમકે કુરાને શરીફ (સુરા ૨૯, આ. ૬૪)માં ફરમાવેલ છે કે : “અને આ સંસારની ઝીન્દગી રમત અને ખેલ સિવાય બીજું કાંઈ નથી અને આવતી ઝીંદગીનું રહેઠાણ નિરંતર ઝીંન્દગીનું રહેઠાણ છે, જો તેઓ સમજે તો !” આની મતલબ એ છે કે જેણે હકીકત સંબંધી જ્ઞાન હાંસલ કર્યું છે, તેના સિવાય બીજો કોઈ જીવંત નથી. જેમકે કુરાને શરીફ (સુરા ૧૬, આ. ૨૧)માં ફરમાવેલું છે કે: “તેઓ મુએલા છે, જીવ વગરના છે.” અને આવતી જીંદગી (કેવળ) ધાર્મિક હકીકતનું રાજ્ય (રૂહાનીયત) છે.
(૧૮૫) એ પ્રમાણે જગત એ મનુષ્ય (માફક) છે. હ. રસુલ (સ.) ફરમાવે છે કે, આવતી જીંદગીમાં પત્થર અને જમીનની સુકી માટીને વાચા થશે, અને ‘માણસ’ સિવાય કોઈ બોલી શકે નહિ, એટલે એ સાબિત થાય છે કે, આવતી જીંદગીમાં દરેક વસ્તું પોતાની અસલિયતમાં મળી જશે અને જે સ્વરૂપમાં તેને (માણસને) પેદા કરવામાં આવેલ છે, તે અસલ સ્વરૂપમાં માણસનું સ્વરૂપ છે. આ ઇન્દ્રિયોનું જગત કુરાને શરીફમાં ફરમાવ્યું છે તેના જેવું છે. જેમ કે: (સુરા ૪૮, આ. ૧૦) “ખુદાનો હાથ તેઓના હાથ ઉપર છે. પછી જે કોઈ વચન તોડે છે તે માત્ર પોતાની વિરૂધ્ધ વચન તોડે છે, અને જે કોઈ વચન પુરૂં પાળે છે કે જે તેણે ખુદાને આપ્યું છે તેને ખુદા જલ્દીથી મોટો બદલો આપશે.” આની મતલબ એ છે કે, તેના (ખુદાતઆલાના) હાથ ઉપર કોઈનો હાથ નથી, કારણ કે તેનો ભેદ એ ખુદાઈ ભેદ છે, તેના કાન તે ખુદાના કાન છે તેની આંખો તે ખુદાની આંખો છે, તેની જીભ તેનું મ્હોં, તેની ઝબાન, તેના ફરમાન, તેણે કરેલી મનાયો બધું ખુદાનું જ છે; અને હલાલ કે હરામના ફરમાનોને રદ કરવા યા તેમાં ફેરફાર કરવા, એ બધું તેના હાથમાં છે. તે તેજ છે કે જે ફરમાનો કરે છે. જેમ કે ખુદાતઆલાએ કુરાને શરીફ (સુ. ૫, આ. ૫૫)માં ફરમાવ્યું છે કે “માત્ર તમારા દોસ્ત ખુદા અને તેનો પયગમ્બર છે” અને “તહકીક હું પૃથ્વી ઉપર ખુદાનો ખલિફો (ઈમામ) છું.”
(૧૮૬) “તેઓના હાથ ઉપર ખુદાનો હાથ છે.” એ સ્પષ્ટિકરણ તેના માટે છે. કારણ કે તેના હાથ ઉપર બીજા કોઈનો હાથ કદી પણ હશે નહિ.
શરીયત, આ દુનિયાના કાનુનો, અને બધા ઈમાનદાર અને પવિત્ર મોમનોનું પાછા ફરવું, તે બધું આપણા મૌલા જે અઝીમુશાન છે, તેઓશ્રીની પાક ઝાતને લાગુ પડે છે. જેમકે કુરાને શરીફ (સુરા ૨૧, આ. ૯૩)માં ફરમાવેલ છે કે: “તેઓ સઘળા અમારા તરફ પાછા ફરનાર છે.” અને (સુરા ૯૬, આ. ૮) "ખરેખર, તારા પરવરદિગાર તરફ પાછું ફરવાનું છે.” અને (સુરા ૨, આ. ૧૫૬) “ખરેખર અમે ખુદાને (આધિન) છીએ અને ખરેખર અમે તેની તરફ પાછા ફરનાર છીએ.”
જે કોઈ શખ્સ ઈમામની શનાખત મેળવે છે, તે શખ્સની દુનિયા એક અમર જીવન અને અનંત હૈયાતીની દુનિયા છે.
(૧૮૭) અહલેતઝાદ (બે દીનની)ની મુક્તિનો આધાર, સત્યની શોધ કરવામાં, સત્યના ઉચ્ચ માર્ગે ડગલા ભરવામાં અને આસ્તે આસ્તે આગળ વધનારા યાને અહલેતરતુબ અને ઈસમાઈલી કોમમાં (એક સભાસદ થઈ) ભળવામાં રહેલો છે. અને ત્યાર બાદ જો તેઓ પોતાથી બનતી કોશિશ કરે, તો તેઓ પણ અહલેવહેદતના લોકોમાં આવી જશે; અને જે મોમીનો સદગુણી અને સદાચારી છે અને ખુદાતઆલાની ઈબાદત બંદગી ગુજારવામાં પોતાની ફરજ જેઓ ચુક્તા નથી, તેઓ ફિરસ્તા બની જાય છે.
(૧૮૮) અર્ષ કુર્ષ યાને ખુદાઈ તખ્ત લોહ કલમ, બહેશ્ત અને દોઝખ એ બધુ માણસ (ના આત્મા)ને લાગુ પડે છે. એ મુજબ બહેશ્ત એ મનુષ્યની એ હાલત છે કે જે ખુદા તરફ અને તેની ખુદાઈ તરફ તેને બોલાવે છે.
(૧૯૦) મુસ્તજીબ (એટલે કે ધર્મના છુપા સિદ્ધાંતોને લગતા સવાલો પુછવાનો અધિકારી)નુ નામ આપવામાં આવે છે અને સાચા ઈમાનના ઉસુલો અને તેની સાબિતીઓ બાબતનું શિક્ષણ શિક્ષક તેને આપે છે.
આ સંબંધમાં ખુદાવંદતઆલા કુરાને શરીફ (સુરા ૨, આ. ૨૬)માં ફરમાવે છે કે “ખરેખર ખુદા એક મચ્છર કે તે કરતા કોઈ જરા મોટાનો દાખલો આપવાને શરમાતો નથી."
મચ્છર (યા મગતરૂ) હકીકતના જ્ઞાનજળમાંથી ઉત્પન્ન થાય છે. ઉડી શકનાર બધા પ્રાણીઓમાં તે સર્વથી નબળું છે. આકાશ તરફ ઉડવું એ હાથીને દ્વેષ થવાનું કારણ આપનાર સુચન છે; કારણ કે તે વિધવિધ પક્ષીઓ અને આસમાનના તારાઓ વચ્ચે ઉડી શકે છે. આસમાનના તારા અને પક્ષીઓની મતલબ સત્ય ધર્મના જુદા જુદા દરજ્જાવાળાઓ છે. હાથી વજનદાર પ્રાણી છે અને તેને હંમેશા જમીન ઉપર જ ચાલવાનું છે, તે આકાશ તરફ નજર પણ કરી શકતો નથી. તે જાહેરી શરીયતના પાબંદોમાં આલિમ જેવો છે, પણ મચ્છર (જાહેરી બાબતો રૂપ) ચામડીમાં પેસી શકે છે. આ જાહેરી શરીયત અનુસરનારાઓને મહાત કરવાના અને તેના સિદ્ધાંતોનું વજન તેના અનુયાઈઓની નજરમાં હલકું બનાવવાના મુસ્તજીબના કામનું એક અલંકારિક રૂપ છે.
(૧૯૧) જ્યારે મુસ્તજીબ પોતાના શિક્ષણમાં પરિપકવ બને છે અને તેણે મેળવેલું શિક્ષણ એટલી હદે પહોંચેલું હોય કે ...તો તે મુઅલ્લીમ યાને શિક્ષક બને છે.
(૧૯૨) આ દરજ્જાઓથી વધારાનો એક દરજ્જો દાઈનો છે. આ દરજ્જાવાળાને ખાસ અમુક જીલ્લાની સોંપણી નથી થતી, પણ તેને સંપુર્ણ અધિકાર હોય છે કે, તે દઆવત યાને ધાર્મિક પ્રચારનું કાર્ય ચાલું રાખે; એનાથી ઉપરનો મહાનમાં મહાન હુજ્જતનો છે અને એનાથી ઉપરનો દરજ્જો ઈમામનો દરજ્જો છે. ઈમામ અને મહાન હુજ્જત બેઉ દરમિયાન વચલી કોઈ વ્યક્તિ નથી હોતી. હુજ્જત દૈવી જ્ઞાન ધરાવે છે અને તે માસુમ (ગુન્હા રહિત) અથવા કદી ભુલ ન કરે એવા હોય છે. તે અક્લે અવ્વલ સાથે વહેવાર રાખે છે. જેમ ખુદાતઆલાની મારિફત ખુદાતઆલા દ્વારા સિવાય કોઈ મેળવી શકતું નથી, તેમ તેના વગર કોઈ પણ શખ્સ મૌલાની શનાખત મેળવી શકતું નથી. ખુદાતઆલાની ખરેખરી શનાખત એકજ શખ્સને હોય છે. આ શખ્સ તે મહાન હુજ્જત (પીર) છે, બીજા બધા લોકો તેના દ્વારાજ આપણા મૌલાની શનાખત મેળવી શકે છે, કારણ કે અક્કલના ઝળકાટ અને જહુરાત તેનામાં જ ફક્ત માલુમ પડે છે. તે ઈલ્મનો દરવાજો અને આપણા મૌલાની દયા અને ગૌરવનું દ્વાર છે. શકોશુબ્હા નિવારણ કરવાનું અને હકીકત (સત્ય)ના કાનુનો જાણવાનું તે સાધન છે; તે દરેક સાચા મોમીનોનો સરદાર અને હાકમ છે. જે કોઈ તેની નાફરમાની કરે છે, તે દોઝખમાં જાય છે, જ્યાં તે કાયમની સજા ભોગવે છે. ઈલાહી સિફાતો અને તેની મહાન ખાસિયતોની જહુરાત હુજ્જતમાં સંપુર્ણ પણે હોય છે. સાત્વિક રીતે બધા હુજ્જતો એક સરખા છે. ઈમામ કે જે તેના સંપુર્ણ જહુરાતના સમયે મહાન ક્યામતના કાયમ છે, તે તેમનાથી ઘણાજ નજીક છે; હકીકત (સત્ય)ના ભેદોના તેના દ્વારા થતા સ્પષ્ટિકરણમાં હુજ્જત કરતા મહાન દરજ્જો ધરાવે છે.
(૧૯૩) મૌલા આપણને મદદ કરનાર મિત્રો બક્ષે અને પોતાના બંદાઓ માટે પોતાની દયાનો દરવાજો ખુલ્લો રાખે !
યા અલી મદદ