કલામે પીર
પ્રકરણ - ૫
પ્રકરણ - ૫
ઈમામતનો અર્થ, ઈમામના અપ્રસિધ્ધપણા અને જહુરાતના સમયો અને મહાન ક્યામત (ક્યામતુલ ક્યામત)ની મતલબ વિષે.
(પેજ-૧૧૭) “ફુસુલે મુબારક” યાને “મુબારક પ્રકરણો” (નામની કિતાબમાં) એવું વર્ણન છે, કે એક વખત એક દહેલમ વાસીને ઈસ્ફહાનમાં, આજ સંપ્રદાયના એક પ્રતિનિધિ સાથે વાદવિવાદ થયો. તેના વિરૂદ્ધિએ કહ્યું કે “ખુદાને હાથ નથી, આંખો નથી” વગેરે; (એ મુજબ મનુષ્ય શરીરના દરેક ભાગો તેણે કહી બતાવ્યા) પેલા દહેલમવાસીયે જવાબ આપ્યો કે ”ઓ પુછડા વગરના ! તું જે ચીજનું વર્ણન કરે છે, તે ચીભડું છે કે તરબુચ ?”
(૧૧૯) હકીકતી કોમ યાને ઈસમાઈલીઓ ખુદાતઆલા તેને શક્તિશાળી બનાવે કહે છે કે, "આ જગત ઉપર રહેલી દરેક વસ્તુંનો કોઈ ધણી હોવો જોઈએ, કે જે છે, હંમેશાં હતો અને હંમેશા રહેશે; તે ઝાતી તેમજ સિફાતી છે અને સાથે સાથે તે અરૂપ અને નિર્ગુણ છે.”
જ્યાં સુધી અમુક વસ્તુંના દ્રવ્ય અને સ્વરૂપને મળતી હોય, એવી કોઈ વસ્તું પોતાની પાસે ન હોય, ત્યાં સુધી એ ચીજને કોઈપણ વ્યક્તિ ઓળખી શક્તી નથી, એના વગર એ ચીજ તેનાથી બિલકુલ અકળ રહે છે. જ્ઞાનની હદની બહાર જે વસ્તું હોય, તેને શોધવા માટે (એ વગરનો બીજો) કોઈ માર્ગ મળે એ અસંભવિત છે.
ખુદાવંદતઆલાની એવી ઈચ્છા છે કે, પોતે પોતાના માણસ (મર્દ) દ્વારા ઓળખાય અને પુજાય. એ માટે તેણે બધી મખલુકાતમાંથી મનુષ્યને પસંદ કરેલ છે અને તેને પોતાનું સ્વરૂપ, ગુણ યાને સ્વભાવ બક્ષીસ કર્યા છે.
(૧૧૯-૧૨૦) જ્યારે અઝરાઈલે માટીમાંથી આદમનું શરીર બનાવ્યું, ત્યારે તેણે ખુદાઈ અવાજ એમ કહેતા સાંભળ્યો કે: “આદમની સુરત બનાવ.” અઝરાઈલે અર્જ ગુજારી કે, “ઓ પાક સર્જનહાર, મારે તેની સુરત કેવી બનાવવી તે હું નથી જાણતો.” સર્જનહારના અવાજે ફરમાવ્યું કે “તું પાણીથી ભરેલો એક પ્યાલો લે અને તેને તારી સનમુખ મુક તેમાં તું મારૂ પ્રતિબિંબ જો અને તેને મળતી આદમની સુરત બનાવ.” એટલા માટે કુરાને શરીફમાં ફરમાવેલ છે કે : “ખરેખર એ દયા સાગરે પોતાના સ્વરૂપ જેવોજ આદમને બનાવ્યો.”
(૧૨૧) એ પ્રમાણે કોઈપણ વ્યક્તિએ ખુદાવંદતઆલાની શનાખત, તેના મર્દ (ઈમામે ઝમાન)ની શનાખતમાં મેળવવી જોઈએ. “ઝમાનાના મહમદ અને હૈદર (ઈમામે ઝમાન)થી ખુદાને ઓળખો.”
પયગમ્બરો અને નેક શખ્સોએ એવા સુચનો કરેલા છે કે, તે બારીતઆલાને મનુષ્ય સ્વરૂપ હોવું જોઈએ ! હાલના ઝમાનાના હકીકતી લોકો તેને મૌલાના, ઈમામે ઝમાન અને ક્યામુલ ક્યામત તરીકે સંબોધે છે. “મૌલાના” નામ ખુદાવંદતઆલાના મહાન નામોમાંનું એક છે. કુરાને શરીફ (સુરા ૨, આ. ૨૮૬)માં ફરમાવેલ છે કે “અન્તા મૌલાના ! (તું અમારો મૌલા છે.)” તેમજ (સુરા ૯, આ. ૫૧) "અને તે અમારો મૌલા છે.” વળી (સુરા ૪૭ ,આ. ૧૧) “ખુદા તેઓનો મૌલા છે કે જેઓએ ઇમાન આણ્યું છે.”
આપણા મૌલા યાને મૌલાના સંબોધનનો અર્થ “આલમધણી” થાય છે, ગૌરવશાળી અને ગુણગાન ગાવા યોગ્ય તે છે. તેને ઝમાનાના ઈમામ પણ કહેવામાં આવે છે.
જો તું તારી જાનની અંદર નજર કરશે તો, તે તને ખુલ્લો દેખાશે.
અરે તું ધુળ અને પાણી માટે ફક્ત મનોવિકાર ઉપર જ નજર નાંખતો નહિ,
પાક આંખોથી હકનું નુર જો, તું આ કે પેલા મારફત તેને જોઈ શકશે નહિ.”
કુરાને શરીફ (સુ. ૧૭, આ. ૭૧) "તે દિવસે કે જે દિવસે અમે દરેક પ્રજાને તેના ઈમામના નામથી બોલાવીએ છીએ.” યાને આવતી કાલે, રોઝે ક્યામતના ખુદાવંદતઆલા દરેક કોમને તેમના ઈમામ મારફત બોલાવશે.
જો ઈમામે ઝમાનને સચ્ચાઈ પુર્વક નહિ ઓળખે તો, તારી હજાર (સાલની) બંદગી હશે તો પણ તું દોઝખમાં જશે.
“મારિફતે ઈલાહી શું છે ?" જવાબમાં તેઓશ્રીએ ફરમાવ્યું કે “ખુદાની મારિફત એટલે ઝમાનાના ઈમામની ઓળખાણ.” ઈમામોમાંના એકે ફરમાવેલ છે કે : “જે જે ખુદાતઆલા માટે કહેવામાં આવેલ છે તે અમારા માટે કહેવામાં આવેલ છે.
આ દુનિયામાં જે કાંઈ ચીજ નજરે પડે છે તેનો આદ (શરુઆત) હોય છે અને તેથી તેનો અંત પણ જરૂર હોય છે.
મજહબો અને ફિરકાઓને પણ આદ અને અંત હોય છે.
એક કવિએ કહ્યું છે કે;- “અગર તું ઝમાનાના ઈમામને ખાત્રીપુર્વક ઓળખશે નહિ, તો તેં હજારો (વર્ષ સુધી) બંદગી કરી હશે, તો પણ તું દોઝખમાં જશે.”
(૧૨૫-૧૨૬) આ ઉપરથી એ સાબિત થાય છે કે દરેક ચીઝને હદ હોવી જોઈએ, એજ પ્રમાણે દરેક નાતિકે બતાવેલ ધર્મ મનસુખ (રદ) થવો જોઈએ અને તેની જગ્યાએ નવો ધર્મ આવવો જોઈએ. દરેક ધર્મને આદ હોવાથી એ જરૂરનું છે કે તેનો અંત પણ હોય છે જ. ધર્મ અથવા ફિરકાના આવા અંતને તેની “કયામત” અથવા “હિસાબનો દિવસ” કહેવામાં આવે છે અને કેટલાએક મજહબોના છેવટના અંતને "ક્યામતુલ કિયામત” કહેવામાં આવે છે, જે શખ્સનો મારફતનો અમલ થાય છે. તેને “ક્યામુલ કયામત’ ગણવામાં આવે છે.”
(૧૨૬) “મુબારક પ્રકરણો” (ફુસુલે મુબારકમાં) એવું લખેલ છે કે "ક્યામત વિશ્વમાં સદા સર્વદા છે અને કાયમનું તત્વ (નુર) જગતમાં હર જમાનામાં હમેશાં હાજર હોય છે. મજહબો અને ફિરકાઓની સમ્પુર્ણતા તેના ઉપર આધાર રાખે છે.
અમે હમણા એ સમજાવી ગયા કે, દરેક નબી જે આ દુનિયામાં નવા મજહબનો પાયો નાખવા આવે છે, તેણે (પોતાની પાછળ) લોકોને અલંકારિક સ્વરૂપમાંથી બહાર કાઢી ખરી વહેદત (ખુદાઈ એકતા)ના માર્ગે દોરી જવા માટે કોઈને પણ નિમી જવોજ જોઈએ. આવો પુરૂષ એજ કાયમુલ ક્યામત છે અને તે હંમેશાં હૈયાત હોય છે.
ક્યામતે ક્યામત યાને ક્યામતોની ક્યામત એને કહેવામા આવે છે કે જે વખતે “કાયમ” પોતે દુનિયા ઉપરના તમામ લોકોની સામે સજા આપનારી પોતાની વહેદતની તલવાર સાથે જાહેર થાય છે.
“રણશીંગડાના પહેલા અવાજથી જગતના બધા લોકોને એ મૃત્યુવશ બનાવે છે અને બીજા અવાજથી પોતાના સર્વ શક્તિવાન હાથથી બધાને એ ફરી સજીવન કરે છે અને તેઓ અમર અને અનંત જીવન અને દૈવી હૈયાતી પ્રાપ્ત કરે છે.”
(૧૨૭-૧૨૮) જમીન અને આસમાનના માલિક આપણા મૌલા અબુલ હસન અલાજીક્રિયાસલામની લખેલી “ફુસુલ મુબારક” (મુબારક પ્રકરણો)માં જણાવવામાં આવેલ છે કે, “અમે મહત્તા અને વહેદતની સજા કરનારી તલવાર વડે, પૃથ્વી ઉપરના બધા મનુષ્યોને કતલ કરીશું. એક વખત અમે તેમાંના કેટલાકને કતલ કરેલા છે. અને બીજી વખત અમે અમારું વચન પાળ્યું કે જેથી દરેક બાબત પુરી થઈ ગઈ અને અમે મૃત્યુને પણ કતલ કર્યું અને બધાને ફરી સજીવન કર્યા. ત્યાર પછી અવિનાશી કાયમની અમરતા વડે અને આવશ્યક સદા રહેનારી હસ્તી વડે અમે શરીયતના ઝમીનો આસમાન દુર કરી નાખ્યા છે અને હકીકતના ઝમીનો આસમાનને (તેની જગ્યાએ) ફેલાવી દીધા છે.”
(૧૨૮) હ. આદમ (અ.)ના વખતમાં આપણા મૌલા મલિકસલ્લામ યાને શીશ નામે ઓળખાતા હતા.
(૧૨૮-૧૨૯) હ. નુહ (અ.)ના વખતમાં આપણા મૌલા માલિક યઝદાકના નામે ઓળખાતા હતા અને તેઓશ્રીના અનુયાયીઓ બ્રાહ્યિમ કહેવાય છે.
(૧૨૯) હ. નુહ પેયગમ્બરે તેઓશ્રી (હ. મલિક યઝદાક)ની પાસે ફરીયાદ કરી કે "કેટલાક લોકો તેમની દઆવતનો સ્વીકાર કરતા નથી.” એ ઉપરથી તેઓશ્રીએ આજ્ઞા આપી કે, "દરેક બાબત શરીયતના જાહેરી સ્વરૂપમાં ડુબાડી દેવામાં આવે.” એ મુજબ દરેક ચીજ ડુબાડી દેવામાં આવી.
હ. ઈબ્રાહિમ (અ.)ના વખતમાં આપણા મૌલા મલિકુસ સલામના નામે ઓળખાતા હતા. હ. ઈબ્રાહિમની એક કોમ ગબ્ર તરીકે ઓળખાય છે.
(૧૩૦) હ. ઈબ્રાહિમની વાતમાં તેઓશ્રીનું, સિતારા ચંદ્ર અને સુર્ય તરફ જોવું એ, દાઈ, બાબ અને હુજ્જતને લાગુ પડે છે. જ્યાં સુધી તેઓશ્રીએ આપણા મૌલાની મુલાકાત લીધી નહિ ત્યાં સુધી તેઓશ્રીને કદીપણ ચેન પડ્યું નહિ.
હ. મુસા (અ.)ના વખતમાં આપણા મૌલા હ. ઝુલકરનયન તરીકે ઓળખાતા હતા. રાત્રે ઝાડ ઉપર નુરને જોવાની જે વાત છે, તેનો ભાવાર્થ શરીયતની જાહેરી બાજુ થાય છે. ઝાડ તે છે પુરૂષ યાને વ્યક્તિ અને નુરની મતલબ આપણા મૌલાની વહેદત-એક ઈશ્વરવાદનો સ્વિકાર થાય છે.
હ. ઈસા (અ.)ના વખતમાં આપણા મૌલા હ. મઆદ તરીકે ઓળખાતા અને આપણા હ. રસુલ (સ.)ના ઝમાનામાં તેઓશ્રી હ. મૌલા મુર્તઝાઅલીના નામથી ઓળખાતા હતા.
(૧૩૦-૧૩૧) હ. ઈસા (અ.)મે પાછા ફરવાનું અને ક્યામતનું કામ પુરૂં કરવાનું અને લોકોને ખુદાતઆલાના દિદાર કરાવવાનું જે વચન આપ્યું છે, તેના ભાવાર્થમાં હ. મૌલા મુર્તઝાઅલી તરફ ઈશારો રહેલો છે. હ. રસુલ (સ.) ફરમાવે છે કે “હ. અલી ઈબ્ને અબિતાલિબ રોઝે ક્યામતના વખતે પધારશે અને તેઓશ્રી એકલાજ ક્યામતનો વાવટો લહેરાવશે.”
બધા ઈમામો હ. મૌલા મુર્તઝાઅલી ખુદ પોતે જ છે અને તે બધાં તેઓશ્રીમાં સમાયેલા છે.
“એક દીવામાંથી બીજો દીવો પ્રગટે છે તેમ.”
તેઓ બધા પોતાના અનોખા સત્વ તરીકે એકજ છે; કોઈ પ્રસંગે ઈમામ યુવાન દેખાય છે, કોઈ વખત વૃદ્ધ દેખાય છે. વળી બીજી કોઈ વખતે તે એક બાળક (સ્વરૂપે) દેખાય છે. આમ બનવાનું કારણ એ છે કે જગત જેમ ચાલે છે તેમજ ચાલ્યા કરે. તેઓશ્રી બધા ભેદોના જહુર છે.
(૧૩૧-૧૩૨) મૌલાના શાહ હસન અલા ઝીકરીયાસલામે, પોતાના તમામ ગૌરવ સાથે આલમોત ગઢમાં પ્રગટ થવાની ઈચ્છા ફરમાવી, જેવી રીતે તેઓશ્રીએ પોતે પોતાના ખુત્બામાં ફરમાવ્યું છે કેઃ
(૧૩૨) 'ઊઠો, કારણ કે કયામત આવી પહોંચી છે ! ખરેખર જે ‘નિશાની’ની વાટ જોવાતી હતી, તે સત્ય નિવડેલ છે અને તે આ છે; બધી કયામતનો જે અંત છે, તે કયામત આવી પહોંચી છે, -એ દિવસ કે જે દિવસ ઇશારાઓ અને સુચનો મારફત જ્ઞાન મેળવવાનું બંધ પડે છે, એ દિવસ કે જ્યારે સ્પષ્ટીકરણો, સંતજનોની કહેવતો અને સુચનોથી જ્ઞાન મેળવવાનું બંધ પડે છે, અને શરીરો બંદગીમાં મગુલ બને છે; એ દિવસ કે જ્યારે કર્મ, વાચા, માર્ગદર્શક નિશાનો અને સુચનો પોતાના છેવટના ધ્યેય સુધી પહોંચી ગયા છે.
જે કોઈ શખ્સ પોતાની આંખોથી મુળ સત્વને જોઈ શકે છે, તેણે બધા સ્પષ્ટિકરણો અને દૈવી નિશાનીઓ જોઈ લીધી છે, પણ જે કોઈ તેને તેના નામે અને ગુણો દ્વારા જુએ છે, તે ગેર રસ્તે દોરવાયેલ છે અને વિમાસણમાં પડી ગયેલ છે અને (ખરા જ્ઞાનથી) વિમુખ થયેલ છે.
(૧૩૨-૧૩૩) મૌલાના કાયમુલ કયામત,—તેઓશ્રીના નામ ઉપર નમન અને એમના નામનો જય હો ! બધી હસ્તી - ધરાવતી ચીજોના માલિક છે. તે એ મૌલા છે કે જે સ્વતંત્ર હસ્તી છે. તે સર્વસ્વ છે, તેની બરાબર કોઈ હસ્તી નથી. જે કાંઈ આવે છે તે બધું તેનામાંથી આવે છે. તેણે દયાના દરવાજાઓ ખોલી નાંખ્યા છે; તેણે બધાને પોતાની મારિતના નુર વડે, જોતા, સાંભળતા, બોલતા અને અવિનાશી જીવન જીવતા બનાવ્યા છે; તેની હ્રદય વિશાળતા માટે તેનાજ ગુણગાન ગાવા ઘટે છે, જે કોઈ આ સમજે તેણે તે પ્રમાણે કરવું જોઇએ ! મહાનમાં મહાન તે એક જ છે તે ગૌરવશાળી તે એકલાજ છે કે જેનું સત્વ, મારિફત છે.
(૧૩૭-૧૩૮) કોઇ વખત એવું પણ બને છે કે ઈમામ પોતાની જાતી ઝહુરાત વખતે પણ દઆવતનું કાર્ય (ધર્મ પ્રચારનું કામ) ચાલું રાખવા માટે હુજ્જતની નિમણૂંક કરે છે; પણ ઇમામ અને તેના હુજ્જત બેઉ અપ્રસિદ્ધ બની જાય, એ અસંભવિત છે. ક્યામતે ક્યામત પ્રસંગે, કે જ્યારે બધી બાબતોનું સ્પષ્ટીકરણ થાય ત્યારે, કોઈ ચીજ, આ સ્થુળ જાહેર જગતને લગતી અથવા રૂહાની વર્તુળ યાને બાતિનને લગતી કોઈ પણ ચીજ લોકોની નજર આડે આવી અડચણ કરતા થઈ શકશે નહિ. એ પ્રસંગે ન તો હુજ્જત અથવા ન તો કોઈ પણ દરજ્જાવાળો શખ્સ જાહેર હશે; તે વખતે તો કાયમ પોતેજ દરેક બાબતનું વજુદ બની રહેશે.
(૧૩૯) ખુદાવંદતઆલા, પોતે પેદા કરેલા જગતની વ્યવસ્થામાં, મનુષ્યમાંથી કોઈ શખ્સને પસંદ કરી, તેને ઈલાહી પ્રેરણા યાને ઈલ્હામ દ્વારા અથવા સ્પષ્ટિકરણ યાને વહ્ય દ્વારા કૃત્યોની આંકણી કરવાનું જ્ઞાન બક્ષે; જેઓ ઈલાહી આજ્ઞાઓનું જ્ઞાન અને કૃત્યોનું ધોરણ વહી દ્વારા મેળવે છે, તેઓ પયગમ્બરો કહેવાય છે. અને જેઓને ઈલ્હામ અથવા પ્રેરણા દ્વારા એ મળે છે. તેઓ ઈમામો અને ઓલીયાઓ કહેવાય છે.
(૧૪૦) કુરાને શરીફ (સુ. ૩૩, આ. ૪૦)માં ફરમાવેલ છે કે, "મોહમદ તમારામાંના એકે પુરૂષનો બાપ નથી, પણ ખુદાનો પયગમ્બર છે. અને પયગમ્બરોમાં ખાતેમ (છેલ્લો) છે.” તે એકલો જ શરીયત યાને કાયદો, તરીકત યાને રૂહાની પ્રગતીના કાનુનો, હકીકત યાને હકનું જ્ઞાન અને મારિફત યાને ખુદાવંદતઆલાનું કેવળ જ્ઞાન આપનાર છે. જ્ઞાનના આ બધા પ્રકારો તેના જાનશીન (ઈમામો)માં મૌજુદ છે;
(૧૪૭) “જ્યારે અમે આદમને બહાર મોકલ્યો, ત્યારે અમે અમારી પોતાની જમાલિયત (સૌંદર્ય) રણમાં મુકી દીધી.”
હદીસમાં વર્ણન છે તેમ ખુદાવંદતઆલાએ ફરમાવ્યું છે કે: “હું એક છુપો ખજાનો હતો અને મને ઈચ્છા થઈ કે હું ઓળખાઉં એટલા માટે મેં મખલુકાત પેદા કરી, કે જેથી તેઓ મને ઓળખે.” આની મતલબ એ છે કે ખુદાવંદતઆલા ફરમાવે છે કે: “હું છુપાયેલો હતો અને મને જાહેર થવાની ઈચ્છા થઈ, તે પછી મેં ‘અક્લેકુલ’ અને ‘નફ્સેકુલ’ને પેદા કર્યા અને એ બે નુર પ્રત્યેના ઈશ્કમાંથી મેં દુનિયા અને દુનિયાના લોકોને પેદા કર્યા કે જેથી હું જાહેર થઈ જાઉં અને મારી ઈચ્છા પુરી થઈ.”
(૧૪૮) “આસમાન જોખમદારીનો બોજો ઉપાડી શક્યું નહિ (એટલે) કર્મનું દોષાર્પણ મારા વિનયી નામ ઉપર આવી પડયું.”
હકીકતનો આખો જમેલો માણસમાં સમાયેલ છે, એવા રૂપમાં કે વિશ્વમાં વિખરાયેલા પડેલા મહાન જથ્થામાં જે કાંઈ છે, તે બધાનો માવો તત્વરૂપે ઈન્સાનમાં રહેલો છે. આની મતલબ એ છે કે, આકાશમાં જે જે દેખાય છે, તે બધું જીવાત્મામાં રહેલું છે. જે કોઈ શખ્સ પોતાના ઝમાનાના ઈમામની શનાખતમાં વાસલ થાય છે, તે ઈલાહી દરબારનો ખાસ ખાદિમ બને છે. ત્યાર પછી તેને બેઉ જહાનમાં સુખ મેળવવાનો માર્ગ પ્રાપ્ત થાય છે, કે જે પોતે પોતાને ઓળખવાનું જ્ઞાન છે અને જે જીવનના મૂળ અને તેના અંતિમ હેતુના જ્ઞાનનો બનેલો છે. મઓતબર હદીસમાં ફરમાવેલ છે કે: “જેણે પોતાના નફ્સને ઓળખ્યો તેણે પોતાના રબ (ખુદા)ને ઓળખ્યો.”
“પોતાના વજુદને ઓળખનાર થા, પછી માણસોમાં પ્રથમ દરજ્જાનો બન.”
(૧૪૯) કોઈ શખ્સ, જેવો પોતાને ઓળખવાનું જ્ઞાન હાંસલ કરે છે, કે તરતજ તે પોતાના ઝમાનાના ઈમામની શનાખત મેળવે છે. તેનું સ્થાન મખલુકાતમાં ઉંચ બને છે અને તે સન્માનના મહાન દરજ્જે પહોંચે છે.
(૧૫૦) આવા દરેક નાતિક (પૈયગમ્બર) સાથે એક એમ સંખ્યામાં છ વસીયો થયેલા છે; હ. આદમ (અ.)ના વખતમાં હ. શીશ, હ. નુહ (અ.)ના વખતમાં હ. શામ, હ. ઈબ્રાહિમ (અ.)ના વખતમાં હ. ઈસમાઈલ, હ, મુસા (અ.)ના વખતમાં હ. હારૂન, હ. ઈશા (અ.)ના વખતમાં સમઉનસફા અને હ. મહમદ રસુલના વખતમાં અમીરૂલ મોમનીન (હ. મૌલા મુર્તઝાઅલી.)
બધા પેયગમ્બરો, ઓલીયાઓ અને પાકને પવિત્ર પુરૂષોમાં અમીરૂલ મોમનીન હ. અલી સર્વથી મહાન છે. કુરાને શરીફ અને હદીસમાં તેઓશ્રીના સંબંધમાં ઘણા બધા સીધા સુચનો છે. જેવાં કે સુરે “તબરકા”, “સુરે યાસીન”, સુરે “હઅલતા” અને આયાતો જેવી કે “અલ્લાહ નુરૂસમાવાત વલ અર્ઝ”, “ઈન્ના અન્ઝલના"ની સુરા પણ તેઓશ્રીના સંબંધમાં છે. જેમ ખુદાવંદતઆલાએ ફરમાવ્યું છે કે: જેમ રમઝાન મહિનો બીજા એક હજાર મહિનાઓ કરતાં બહેતર છે તેમ ઈમામે ઝમાન, હજાર નબીઓ અને રસુલો કરતાં અફઝલ છે.
(૧૫૧) હ. મૌલા મુર્તઝાઅલી સંબંધી હદીસમાં હ. રસુલ (સ.) ફરમાવે છે કે “હું ઈલ્મનું શહેર છું અને (હ.) અલી તેનો દરવાજો છે.”
એક કાવ્યમાં કહેલું છે કે:- “અગર સમુદ્રો શાહી બની જાય અને બધા ઝાડોની કલમ થઈ જાય, સાત આસમાનો કાગળ બને અને જીબ્રિલ તેના વખાણ કરવા લાગે (અને જો) બધા જીન્નો અને માણસો “શાહના વખાણ લખવા માંડે તો, એક હજારમાંથી એક તુક્કો પણ લખી શકાય નહિ.”
એ સમજવાની જરૂર છે કે ઈમામ દીનના રાજા છે.
(૧૫૬) આવા કારણને લીધે એ અગત્યનું છે કે, હુજ્જત, દાઈ અને તેનાથી નીચા દરજ્જાવાળા ધર્મ પ્રચાર કે પોતાની શક્તિ અને બુદ્ધિ અનુસાર મજહબી દઆવતનું યાને ધાર્મિક પ્રચારનું કાર્ય આગળને આગળ ધપાવ્યે રાખવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે એક નાની સરખી કીડી એના દરમાં હોય અને એને દઆવત કરવાથી દઆવતના કાર્યનો ફાયદો થાય એમ હોય તો, એક દાઈએ તેના દર પાસે એ આશામાં વર્ષો સુધી રાહ જોઈ બેસી રહેવું જોઈએ કે નશીબજોગે તે બહાર નીકળે, ને તેને બોધ આપી શકાય, કે કદાચ તે કીડીમાંથી દીનને કુવ્વત મળી જાય અને તેના સવાબમાં તેને (યાને દાઈને) હિસ્સો મળે.
(૧૫૭) કુરાને શરીફ (સુરા ૪૯, આ. ૧૩)માં ફરમાવેલ છે કે: "ખરેખર ખુદા પાસે તમારામાંનો વધારે માનવંત તેજ છે કે જે તમારામાં વધારે પરહેઝગાર છે.”
(૧૫૯) ખુદાતઆલા પાસે આજીજીપુર્વક દુઆ માંગો કે, તે તમને સત્ય અને પાકું ઈમાન અને મારીફત બક્ષે.
(૧૬૩) એક હદીસમાં ફરમાવેલ છે કે: ખુદાનો બન્દો, ભક્તિના કાર્યોની મદદથી મારી પાસે આવવા માટે, (દરેક ઈમાનદારો માટે જેનો હુકમ થયેલો છે તે ઉપરાંતના) ધાર્મિક અહકામો બજાવવામાં, જ્યાં સુધી હું રાજી થાઉ ત્યાં સુધી, કદી પણ પાછી પાની કરતો નથી અને જ્યારે હું, ખુદા ખરેખર, તેને ચહાવા માંડું છું ત્યારે તેના કાન બની જાઉ છું કે જેનાથી તે સાંભળે છે અને તેની નજર (બની જાઉ છું) કે જેનાથી તે જુએ છે, તેનો હાથ (બની જાઉ છું) કે જેનાથી તે ગ્રહણ કરે છે અને તેના પગ (બની જાઉ છું) કે જેનાથી તે ચાલે છે.
(૧૬૪) આવા ઉંચ દરજ્જે જે લોકો પહોંચ્યા છે તેમાંના કેટલાક કેટલીક વખત એવું બોલવા માંડે છે કે, જે સાધારણ માણસને વાંધાભર્યું અને શરીયતની જાહેર બાજુથી વિરૂદ્ધ જતું લાગે; દાખલા તરીકે (પેલું પ્રખ્યાત વાક્ય) "અનલહક વ સુહાની” યાને “હું હક (ખુદા) છું અને હું વખાણને પાત્ર છું. હ. રસુલ (સ.) ફરમાવ્યું છે કે “હ. મુસા સાથે હમકલામ કરનાર જે નુર હતું તે મારું અને અલીનું નુર હતું.”
"અલ્લાહ, મહમદ અને અલી એકજ છે. અને એકજ (વસ્તુ) છે, પણ જેઓની નજરમાં ખામી છે, તેઓને ત્રણે જુદા જુદા દેખાય છે.”
અમે આ બાબતને આ પ્રમાણે સમજાવશું; ચારે બાજું ધગધગતા કોલસાવાળી આગની વચ્ચે, જ્યારે લોખંડ રાખવામાં આવે છે, અને આગને ભડકાવવામાં આવે છે, ત્યારે લોખંડ આગની જ્વાળામાં ખુલ્લું અને તેની સાથે બીલકુલ સમાગમમાં રહેવાથી, તેની કાળાશ, નક્કરપણું અને અશુદ્ધિ દુર થઈ, તે વિશુદ્ધ બને છે અને ખુદ અગ્નિમાં જે જે ગુણો રહેલા છે, તે બધા ગુણો ધરાવવાની સ્થિતિએ તે પહોંચી જાય છે,
(૧૬૫) તે ખુદ ખુદાતઆલાના હાથ, પગ, કાન અને આંખ બની જાય છે. એ મુજબ તેનું દરેક કાર્ય ખરી રીતે ખુદાનું કાર્ય અથવા સિફત હોય છે; જેમકે હ. રસુલ સ. ફરમાવે છે કે : કુરાને શરીફ (સુરા ૮, આ. ૧૭) "જ્યારે તેં ફેંકી ત્યારે તેં ફેંકી ન્હોતી પણ અલ્લાહે ફેંકી હતી.” જો કે જાહેર રીતે ફેંકવાની ક્રિયા હ. રસુલ (સ.) કરી હતી, છતાં હકીકતમાં એ કાર્ય હકતઆલાનું હતું.
(હ. રસુલ) તેઓશ્રીએ ફરમાવ્યું છે કે: "હું અલ્લાહનો કલામ ઉપદેશક (નાતિક) અને ખુદાતઆલા સાથે વાતોચિતો કરનારો છું.” —એટલે કે વાતચિતનો વહેવાર, એ મિત્રતા અને દોસ્તીના દાવાની ઉંચામાં ઉચી હદ હોવાથી, જે કોઈ આ દરજ્જે પહોંચે છે, તે એના જેવો છે કે, જેના વખાણ ખુદાતઆલા કે જે “એકજ” છે તેની ઝાત સાથે થયેલા છે.
(૧૬૭) ખુદાવંદતઆલાએ ફરમાવ્યું છે કે અમીર યાને હ. અલી, ઈલાહી ફરમાન “થા” (કુન) શબ્દ છે.
ઈમામ પોતે એમ કહે છે કે; “અમે ખુદાતઆલાના કલામ છીએ.”
(૧૬૭) “તારી દવા તારામાં જ છે."
(૧૬૮) (હ. અલી) તેઓશ્રીએ એમ પણ ફરમાવ્યું છે કે “તું સુક્ષ્મમાં સુક્ષ્મરૂપે હો અને તેમાં બ્રહ્માંડનો સમાવેશ થયેલ હોય એ મુજબ ચિન્તન કર.”
હ. રસુલ ફરમાવે છે કેઃ “ઓ અલી તમે બધા નબીઓ સાથે છુપાયેલા હતા અને મારી સાથે તમે જાહેર થયા છો.” અને વધુમાં તેઓશ્રીએ ફરમાવ્યું કે : “તમે ખુદાતઆલાની કિતાબ છો. તમે ખુદાતઆલાનો ભેદ છો."
(૧૬૮-૧૬૯) હ. રસુલ (સ.) વળી ફરમાવ્યું કે: “આકાશી કિતાબો જેવી કે તૌરત, ઈન્જીલ, ઝબુરમાં જે ઈલાહી ભેદો છે, તે બધાનો સમાવેશ કુરાને શરીફમાં કરવામાં આવેલ છે, અને કુરાને શરીફમાં જે કાંઈ છે, તે બધાનો સમાવેશ તેના પહેલા પ્રકરણમાં કરવામાં આવેલ છે : અને "ફાતેહા”માં જે કાંઈ છે, તે બધાનો સમાવેશ “બિસ્મીલ્લાહ”માં યાને “ખુદાના નામથી શરૂ કરૂં છું” માં કરવામાં આવેલ છે અને આ કલમામાં જે કાંઈ છે, તે બધું તેના પહેલા અક્ષર “બે”માં અને આખરે તે અક્ષરની નીચેના નુક્તા (મીંડા)માં સમાયેલ છે.”
આ મુજબ એ સ્પષ્ટ સમજાય છે કે, “અલી” (નફ્સેકુલ) એ નુક્તાનો, ઈલાહી ભેદનો અને બધી આકાશી કિતાબોના મર્મનો અર્થ છે.
જે કોઈ શખ્સ તાવિલી અર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરે છે અને (ઈમામતની) શનાખત મેળવે છે તે મોક્ષ અને મુક્તિ મેળવે છે.
(૧૭૦) હ. મુસા અ.ની બાબતમાં ખુદાવંદતઆલા ફરમાવે છે કે, જ્યારે તે આગની નજીક પહોંચ્યો ત્યારે, આગે બુમ મારી કહ્યું: “તહકીક હું ખુદા છું" કુરાને શરીફ (સુરા ૨૦, આ. ૧૧-૧૨)માં ફરમાવેલું છે કે : “પછી જ્યારે તે આગ પાસે આવ્યો ત્યારે તેને નેદા (આકાશવાણી) આવી કે, હે મુસા, તહકીક હું તારો પરવરદેગાર છું માટે તું તારા બન્ને જોડા કાઢ.” અને ખુદાતઆલાએ જ્યારે અગ્નિને મોકલી ત્યારે કોહેતુર બળવા લાગ્યો. તેણે (ખુદાતઆલાએ) ફરમાવ્યું : "તહકીક, હું રબ્બલઆલમિન અલ્લાહ છું."
(૧૭૨) એજ મુજબ હ. રસુલ (સ.) ફરમાવ્યું છે કેઃ “હું તે નુર છું કે જેમાંથી હ. મુસા(અ.)એ હિદાયતી નુર મેળવ્યું એટલે કે હ. અલી (અ.) તે નુર છે, જેનો સ્વિકાર હ. મુસા (અ.)એ હિદાયત મેળવવા કર્યો હતો. જે અગ્નિએ પોકારીને કહ્યું કે, : હું તારો ખુદા છું.” તે તેનું નુર હતું.
હ. રસુલ (સ.) ફરમાવે છે કે : “બધી ચીજોનો મૌલા (કુન) “થા” શબ્દ છે અને હ. અલી ખુદ તે “શબ્દ” છે.” હ. રસુલ વળી ફરમાવે છે કે 'હું અને અલી એકજ નુરમાંથી છીએ.”
નબુવત (નાતિક)નો મર્તબો ખલ્ક સાથે સંબંધ રાખે છે અને હ. જીબ્રિલ દ્વારા મળતી વહી સુધીની જ તેની હદ હોય છે.
(૧૭૩) હ. રસુલ સ. ફરમાવે છે કે : “હું તન્ઝીલ ઉપરથી લડાઇ કરૂં છું. અને અલી તાવિલ ઉપરથી.” પણ તાવિલ ખુદ ખુદાતઆલાનો મર્તબો છે.
ઈમામનો વલાયતનો મર્તબો મખફી છે અને નબુવત જાહેર અને ખુલ્લી છે.
(૧૭૪) “અલી” ની વલાયત નબીઓની નબુવત કરતા ઉચ્ચતર (અફઝલ) છે.
હ. રસુલ સ. ફરમાવે છે કે : 'ખુદાતઆલાના (સિધા) મેળાપની મને એવી પળો મળે છે, કે જે ફક્ત ઉંચામાં ઉંચા દરજ્જાના ફિરસ્તા અને નબીઓને જ પ્રાપ્ત થાય છે.’ આની મતલબ એ છે કે, કેટલીક પળોમાં હ. રસુલ ખુદાતઆલા સાથે (સિધો) સમાગમ રાખે છે, કે જે મોકો ફિરસ્તાઓમાં ઉંચો મર્તબો ધરાવનાર હ. જીબ્રિલ જેવા અને પોતાના જેવા નબી, કે જેને નબુવતનો મર્તબો કે જે વલાયતના મર્તબાને અને હ. રસુલના દરજ્જાને લગતો છે, તે મળેલો છે, તે સિવાય બીજા કોઈને લભ્ય નથી.
એ પ્રમાણે પેલો અઘરો વિષય યાને "ફનાફિલ્લાહ” (યાને ખુદાતઆલાની ઝાતમાં ફના થઈ જવું) અને બકાબિલ્લાહ (યાને ખુદાની ઝાતમાં હમેશનું જીવન યાને અમર પદ મેળવવું) બાબતમાં હ. રસુલ (સ.) જે વર્ણન કર્યું છે તે, તે છે.
(૧૭૪-૧૭૫) વળી હ. રસુલ સ. ફરમાવે છે કે “બે ( . ) નીચેનો નુક્તો અને મખફી કિતાબ હું છું.” વળી તેઓશ્રીએ ફરમાવ્યું છે કે: “મારિફત એક નુકતા જેવી છે પણ અજ્ઞાનોએ તેને ઘણા પ્રમાણમાં વિસ્તારી દીધેલ છે.”
(૧૭૫) આ નુકતો એટલે “બિસ્મીલ્લાહ” (ખુદાતઆલાના નામથી શરૂ કરું છું)ના સુત્રના પહેલા અક્ષર બે ( . ) નીચેનો નુકતો જેમ નુક્તામાંથી બધા અક્ષરો બન્યા છે તેમ ઈલાહી ઝાત કે જે એક નુકતા મિસાલ છે તેમાંથી બધી ચીજો ઉત્પન્ન થાય છે.
મારિફત ફક્ત એક નુકતો છે એમ જે કહેવાય છે તે (નુક્તો) તેની પાક ઝાત છે. કારણ કે તેની ઝાત દરેક પ્રકારના જ્ઞાનનું સારતત્વ છે. બધા નબીઓ કે જેમના ઉપર પવિત્ર કિતાબો ઉતરેલી છે અને આ બધી આકાશી કિતાબો આ અક્ષરોથી જુદી હોઈ શકતી નથી અને અક્ષરો ‘નુક્તાથી’ છુટા હોઈ શકે નહિ, એ મુજબ નુક્તો બધાના મુળમાં રહીને તેમના સ્વરૂપો ઘડે છે.
એટલા માટે તો હ. રસુલ સ. ફરમાવે છે કે: “ઓ અલી, તું બધા નબીઓ સાથે છુપી રીતે હતો અને મારી સાથે તું જાહેર રીતે આવેલો છે.” આની મતલબ એ છે કે : “હે અલી તું ખુદાઇ ભેદ હતો અને ખુદ ખુદાઈ ભેદ મહમદ (નાતિક) રૂપે પોતાની જહુરાત ફરમાવી છે.”
(૧૭૬) નુકતામાંથી અલિફ થયો અને “અલીફ” બધા શબ્દો બની ગયો;
એથી દરેક અક્ષર રૂપે “અલીફ” જુદા જુદા નામે ઓળખાય છે.
હ. રસુલ (સ.) ફરમાવ્યું છે કે: “હું ખુદાવંદતઆલાનો બોલતો કલામ (નાતિક) છું.”
(૧૮૦) હ. રસુલ (સ.) ફરમાવે છે કે ; “અલીની મહોબત જેમ આગ લાકડાને બાળી નાંખે છે, તેમ પાપોનો નાશ કરી નાંખે છે.”
વળી હ. રસુલ (સ.) ફરમાવે છે કે: “ખુદાતઆલાએ મારી સાથે કરાર કર્યો છે કે, રસુલ, અલી અને તેના જાનશીન (ઈમામો) તરફની મહોબત વગરના બંદાઓમાંથી કોઈને પણ ઇમાનદાર ગણવામાં આવશે નહિ.”
યા અલી મદદ