Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે પીર

પ્રકરણ - ૭

પ્રકરણ - ૭

0:000:00

જુદા જુદા કેટલાક રૂપાલંકારિક વાક્યોમાં સમાયેલા ભાવાર્થની સમજણ; આ કિતાબને સાત પ્રકરણોમા વહેંચી નાખવાના કારણો; વિશ્વ અને મનુષ્ય વ્યક્તિત્વ વચ્ચેના સંબંધની ટૂંક વિગત વિષે.

શરીયતી અહકામોમાં રહેલો ભાવાર્થ.

(૧૯૪) “તહારત” (શાસ્ત્રોક્ત વિશુદ્ધિ) આની મતલબ આ છે; બોધની જાહેરી બાજુનેજ વળગી રહેનારા જે કાર્યો કરે તેવા કાર્યોમાંથી પોતાને પાક કરવું.

“વજુ કરવું” એટલે ઈમામની શનાખત તરફ વળવું; કારણ કે તાવિલી હદમાં પાણીનો અર્થ ઈલ્મી હકીકત ગણાય છે. જાહેરી લોકોના કૃત્યોમાંથી જ્યારે ખુદાનો બંદો પોતે પાક થાય છે, ત્યારે તેને ધર્મનું જ્ઞાન કે જે ઈમામની શનાખત છે, તે પ્રાપ્ત થાય છે. અને જ્યારે જ્યારે તે જાહેરી (કર્મકાન્ડ-શરિયત)માં પડી જાય છે, ત્યારે ત્યારે તેને ફરી પાક થવા માટે હકીકતી જ્ઞાન તરફ પાછું ફરવું પડે છે.

(૧૯૬) ‘નમાઝ’, આનો અર્થ પયવસ્તગી (સમાગમમાં આવવું) એવો થાય છે, કારણ કે સલાત, દુઆ બંદગી, "વસલાત” એટલે સમાગમ “ભેટો” શબ્દમાંથી ઉત્પન્ન થયેલ છે. આનો ભાવાર્થ તહારત યાને વિશુદ્ધ થયા બાદ, એટલે કે દીનના દુશ્મનોની દોસ્તીનો ત્યાગ કર્યા બાદ, ઈમામની શનાખતની હદે પહોંચવું અથવા આવી જવું એવો થાય છે.

બાન્ગે નમાઝ યાને (અજાન) નમાઝ માટે બોલાવવું એનો અર્થ દઆવત છે, એટલે કે અહલેહક યાને સત્યના શોધકોને ઈમામની શનાખત અને તેની મારિફત હાંસલ કરવા બોલાવવા એવો થાય છે. ...“સર્વોત્તમ કાર્ય માટે આવો."

(૧૯૭) જેઓએ ઈમામ (નફ્સેકુલ)ની શનાખત મેળવી છે, તેઓ અખંડિત બંદગી કરનારની હાલતે પહોંચી ગયેલ છે.

શરાહ (કાયદા કાનુન) બાબતમાં કુરાને શરીફ (સુ. ૫૭, આ. ૧૩)માં ફરમાવેલ છે કે, “તેના અંદરના ભાગમાં રહેમત છે અને તેના બહારના ભાગમાં મોઢા આગળની શિક્ષા છે.” મનુષ્યનું શરીર છે તે એક કબર છે અને કબરની પીડાઓ શરીયતના અહકામોની પાબંદી છે.

બદલો પહોંચાડનારા ફિરસ્તાઓની મતલબ દીનના દરજ્જાઓ (હુદુદે દીન) થાય છે. બહેશ્ત નિવાશીઓ એમને ગણવામાં આવે છે કે, જેઓને શરીયતના જાહેરી સ્વરૂપમાંથી મુક્તિ મળેલી છે અને જેઓ તેનો બાતુની અર્થ સમજી શક્યા છે. તેમને આ દુનિયામાં મળેલો બદલો તેમની શરીયતની પાબન્દીમાંથી મળેલી મુક્તિ છે. હ. રસુલ સ. ફરમાવે છે કે; “તેમના ઉપરની શિક્ષા અને તોક નાબુદ થાય છે.”

(૧૯૮) રોઝે ક્યામતનો અર્થ જેમ કુરાને શરીફ (સુરા ૮૬, આ. ૯)માં ફરમાવવામાં આવેલ છે કે; "તે દિવસે, (કે જે દિવસે) છુપા વિચારો ખુલ્લા થાય છે.” એવો થાય છે.

જામે મસ્જીદનો અર્થ હુજ્જત થાય છે; કારણ કે તેની આસપાસ બધા ભેગા મળે છે. બીજી મસ્જીદો તે મુઅલ્લીમો (શિક્ષકો) છે. કિબ્લા તરફ વળવું એનો અર્થ હુજ્જત તરફ દરેકે વળવાની ફરજ એવો થાય છે; પણ હુજ્જતે ફક્ત ઈમામ તરફ વળવાનું છે.

'રોજા' રાખવાનો અર્થ તકીયો રાખવો એવો થાય છે; એટલે કે આગમચેતી તરીકે તકીયો કરવો અને દઆવતના ધાર્મિક સિધ્ધાંતો દુશ્મનોથી છુપા રાખવા.

‘જકાત’ અથવા ધાર્મિક કર,નો અર્થ ધાર્મિક તાલીમ આપવી અને મોમીનોની સમજશક્તિના પ્રમાણમાં, તેમના મગજમાં ઉતારવી એવો થાય છે.

(૧૯૯) 'હજ' અથવા કાબાની યાત્રાની મતલબ એ છે કે, પોતાની અગાઉની માન્યતાઓનો આસ્તે આસ્તે ત્યાગ કરી, મુસ્તાજીબને દરજ્જેથી હુજ્જતના દરજ્જા સુધી પહોંચવા ક્રમવાર આગળ વધવું.

'લબ્બેયકા' ઉચ્ચારણની મતલબ એ છે કે, દાઈના બોધનો સ્વીકાર કરવો અને ઈહરામ યાને હજનો ખાસ પોષાક ધારણ કરવો એની મતલબ એ છે કે, જેઓ ફક્ત શરીયતની જાહેરી બાજુને વળગેલા છે, તેમની સંગત અને તેવી (જાહેરી) ક્રિયાઓથી દુર રહેવું.

(૨૦૦) (હજની ક્રિયામાં) દોડવું યાને તવાફ કરવા એની મતલબ એ છે કે, ઈમામ પાસે પહોંચવાની ઉતાવળ કરવી. જામઅ અને કસ્ત્ર જેવી હજની ક્રિયાઓનો ઈશારો પીર (હુજ્જત) અને શાહ (ઈમામ) તરફ છે. પત્થર ફેંકવાની મતલબ એ છે કે શયતાન જેવા લોકોને હાંકી કાઢવા. ઝમઝમના કુવાનું પાણી લઈ લેવાની મતલબ એ છે કે, મજહબના ઈલ્મની શોધ પાછળ મંડયા રહેવું અને ઈહરામ (હજ માટેનો ખાસ પહેરવેશ) ઉતારી નાખવો એની મતલબ એ છે કે શરીયતનો તોક ઉતારી નાખવો.

“માસિક માંદગી” (દરમિયાન જે જે પ્રતિબંધો છે) તેની મતલબ આ પ્રમાણે છે; દરેક ઉંચા દરજ્જાના લાહીક (ધર્માધિકાર) અથવા મુઅલ્લીમ (શિક્ષક)ને મઝહબમાં કાંઈ શંકા જેવું લાગે તો તેણે બીજાઓને તઆલિમ આપવાનો પોતાનો અધિકાર હોય છતાં, જ્યાં સુધી પોતે પોતાની શંકાનું નિવારણ મેળવી ન શકે ત્યાં સુધી, તેણે નમાઝ પડવાથી યાને દઆવતના કાર્યથી દુર રહેવું જોઈએ.

ગર્ભવંતી સ્ત્રીઓને માસિક માંદગી નથી આવતી, એટલે કે જેઓએ હકીકતી જ્ઞાન ધારણ કરેલ હોય છે, તેઓ શંકા કુશંકાથી મુક્ત બનેલા છે. જેમ એક ઘરડી ઓરતને માસિક માંદગી નથી આવતી તેમ જેઓ ધર્મ અંગિકાર કર્યાની હાલતમા લાંબા વખત સુધી રહેલા હોય છે, તેઓને શંકા કુશંકા નથી આવતી.

(૨૦૧) 'સફર' યાને મુસાફરી કરવી તેની મતલબ એ છે કે, ધાર્મિક સિધ્ધાંતોના અભ્યાસમાં યાને તઆલીમી દરજ્જાઓમાં આગળ વધવું.

(૨૦૨) “મોત”ની મતલબ એ છે કે, સત્યજ્ઞાન યાને (મારિફત) યાને હકીકતી ધર્મ મેળવવામાં નિષ્ફળ થવું.

(૨૦૫) “પાક રોટી” હકીકતની દુનિયા છે, કે જે શક અને ગુન્હાના ડાઘ રહિત છે. (વગર મહેનતની હકની રોજી).

(૨૧૧) આ રસાલાને સાત પ્રકરણોમાં વહેંચી નાખવાનું કારણ.

હકીકતી દીનની વ્યવસ્થા, તેનો પાયો (અસાસ) અને તેનો ધર્મ પ્રચારક (નાતિક) તરફ નજર કરતાં આપણને જણાય છે કે ઈમામ, બાબ, અસાસથી મુસ્તજીબ સુધીના મર્તબાઓમાં સાત દરજ્જા છે. બ્રહ્માન્ડ અને માનવ સ્વભાવ તપાસતા આપણને જણાય છે કે, તેમાંની દરેક વસ્તુઓમાં સાત એકમો સમાયેલા છે કુરાને શરીફ (સુરા ૪૧, આ. ૫૩)માં ફરમાવેલું છે કે, “અમે જલ્દીથી તેમને અમારી નીશાનીઓ પૃથ્વીના કિનારાઓમાં અને તેઓના પંડમાં દેખાડીશું.” એટલે કે, “અમે તેમને દીનના હુદુદો યાને (મર્તબાઓ)ના દરજ્જાઓ વિશ્વમાં અને તેમના પોતાના સ્વભાવમાં બતાવશું”

(૨૧૨)સહુથી પહેલા તો પહેલા સાત દરજ્જાઓની હદની સંખ્યા કમાલ આંકડો છે.કમાલિયતનો અર્થ એ છે કે, તે એવી સાત સંખ્યાઓનો બનેલો છે કે, જેઓ સાદા આંકડા તરીકે સંપુર્ણતાવાળા છે અને તે આવા (પાકા) આંકડાનો સરવાળો છે.

આસમાનો સાત છે. જેમાં સાત ગ્રહો છે, જમીનો સાત છે, સમુદ્રો સાત છે, પ્રદેશો સાત છે, જોરદાર વસ્તું સાત છે, અઠવાડિયાના દિવસો સાત છે, આ મુજબ સાત વખત સાત બને છે.

મનુષ્યના શરીરમાં સાત વિભાગો છે.

(૨૧૩) જ્ઞાનનેન્દ્રિયો; શ્રવણ, નજર, સ્વાદ, ગંધ, વૃદ્ધિ, બુદ્ધિ અને કલ્પનાશક્તિ. પ્રેરણાના સાત પ્રકાર છે; આકર્ષણ, સ્પર્શ, પાચન, પ્રત્યાકર્ષણ, સુચન, વૃદ્ધિ અને પ્રજોત્પાદન. મનુષ્ય સાત દ્રવ્યોમાંથી ઉત્પન્ન થએલ (Plasm સલાલેહ) માટી, વિર્ય, ઘટ્ટ બની ગયેલું લોહી, ગર્ભ, માંસ અને હાડકા. એવું ફરમાવેલું છે કે, “અમે તેને સંપુર્ણ (સ્વરૂપમાં) પેદા કરેલ છે.” મિશ્રણમાંથી જ મજબુતી મળે છે અને મનુષ્ય જીવન સાત પ્રકારની કળામાંથી પસાર થાય છે; તાજું જન્મેલું બાળક, નાનકડું બાળક, બચ્ચું, છોકરો, યુવાન, આધેડ વયનો અને વૃધ્ધો. આ પ્રમાણે બધુ સાત સંખ્યામાં દેખાય છે.

“રસુલિલ્લાહ” (અરબીમા) સાત અક્ષરોથી જ લખાય છે. એજ પ્રમાણે “લા ઈલાહા ઈલલ્લાહ”નો કલમો (લખાય છે.) કુરાને શરીફના સાત વિભાગો (કિસ્માત) છે; તેમાં સાત લાંબા પ્રકરણો છે. સાત પ્રકરણો ‘મીમ' અક્ષરથી શરૂ થાય છે. (પહેલા પ્રકરણોમા) સાત આયાતો છે. “બિસ્મીલ્લાહ”નો કલમો સાત અક્ષરોનો બનેલો છે.

ધાર્મિક કાનુનો (શરીઅત) છ જમાનામાં સાત સાહેબે શરીયત યાને શરીયતના સ્થાપકો થયા છે; હ. આદમ, હ. નુહ, હ. ઈબ્રાહિમ, હ. મુસા, હ. ઈસા, અને હ. મહમદ રસુલિલ્લાહ (સ.) અને એક છે તે કાયમ (હ. અલી).

(૨૧૪) વસીઓ પણ સાત છે. હ. શીશ, હ. શામ, હ. ઈસ્માઈલ, હ. હારૂન, હ. સમઉનસફા, અને હ. મૌલાના અલી. હદીસમાં ફરમાવેલું છે કેઃ “(અલ્લાહે) તેમને સાતમાંથી પેદા કર્યા છે, તેમને સાતમાંથી રોજી આપી છે અને તેમણે અલ્લાહને સાત વખત સુજીદા કર્યા છે.”

સ્વાદ સાત પ્રકારના અને રંગ પણ સાત પ્રકારના છે. "ઈલા અલ્લાહ”નો એક કાંટો છે કે જેના ઉપર બધા ધાર્મિક અહકામોનું વજન સરખું થાય છે. અક્ષરોનું (છુપા અર્થનું) જ્ઞાન બધા વિદ્વાનનો પાયો છે. એટલા માટે હું કહું છું કે, તવહીદના કલમામા બે વિગતો સમાયેલી છે. એક નકારાત્મક અને બીજી હકારાત્મક અને સાત જવાહીરો.

"લા અલ્લાહ”નો કલમો ચાર તત્વોનો બનેલો છે. ‘લા ઈલાહા ઈલ અલ્લાહ’ વાક્યનું લખાણ અક્ષરોના સાત જુથનું બનેલું છે.

(૨૧૭) (મનુષ્યે) પોતાના ઝમાનાના આદમ (નાતિક)ને ઓળખી લેવો જોઈએ અને તેની શનાખત મેળવવી જોઈએ કે જેથી તેને મુક્તિ મળે અને શાન્તિ પ્રાપ્ત થાય.

અલ્લાહતઆલાનો સત્ય દીન આજ છે. અને દીન શબ્દનો તાવીલી અર્થ ઈમામ થાય છે. આ આયાતની મતલબ એમ થાય છે કે; “ઓ નાતિક, તારા ઈમામને અને તારા ખુદાને ઓળખ કે જેથી તને સાચું ઈમાન પ્રાપ્ત થાય.” સાચો મઝહબ, ફિતરત યાને અલ્લાહતઆલામાંથી પેદા થયેલ છે.

(૨૧૮) જો તેમના ઉપરથી મનુષ્ય સ્વરૂપનો બુરખો ઉપાડી લેવામાં આવે તો, અસલ જાત જ બાકી રહે. જેમકે કુરાને શરીફ (સુરા ૨૮, આ. ૮૮)માં ફરમાવેલ છે કે “ખુદાના ચહેરા સિવાય સર્વ ચીજ નાશવંત છે.” અને તેનો ચહેરો તે ઈમામ છે. એજ બાબતનો ઈશારો આ આયાતમાં પણ મળી આવે છે કે; “દરેક ચીજ પોતાની અસલીયાત તરફ પાછી ફરે છે.”

“દરેક ચીજ પોતાની અસલ હાલતે પહોંચી જાય છે. ચોકખુ સોનુ, રૂપું (ચાંદી) અને સીસું.”

(૨૧૯) વૃક્ષ કે જેના ફળ મનાઈ હોવા છતાં હ. આદમે ચાખ્યા અને તેના પાંદડા પોતે પોષાક તરીકે પહેર્યા, તે (ઝાડ) નેકી અને બદીનું ઝાડ હતું એટલે તે એક પ્રકારની ચતુરાઈ હતી. તે ઝાડના ફળ ઈલ્મે બાતિન હતુ. એટલા માટે તે ઝાડને બહેશ્તનું વૃક્ષ કહેવાનો લોકોને હક છે અને પેલા પાંડદા કે જેની વચમાં ફળ ઉગે છે તે મઝહબની જાહેરી બાજુનું જ્ઞાન છે, જે ફક્ત પશુંઓનો ખોરાક છે.

જો નેકી અને બદીના જ્ઞાનનું ઝાડ માણસમાં હોય, કે જે રીતે કુરાન શરીફ (સુરા ૨૦, આ. ૧૧૮)માં ફરમાવેલ છે …અમ્રતનું ઝાડ (યાને અમરપદ) અને વળી એવી બાદશાહી કે જે કદી ખંડિત થનાર નથી યાને (અવિચળ રાજ્ય)” – તો પછી બહેસ્ત પણ માણસ(ના રૂહમાં) હોવું જોઈએ, કારણ કે અમરપદ અને અવિચળ રાજ્ય ખુદાને નિરખનાર ઝાડના જ ફળ હોવા જોઈએ.

(૨૧૯-૨૨૦) હ. આદમે ઉચ્ચારેલા પશ્ચાતાપના શબ્દો અને જે સ્વિકારવામાં આવ્યા તે પણ માણસમાં જ હોવા જોઈએ કે જે કુરાને શરીફ (સુ. ૧૪ આ. ૨૪) ઉપરથી દેખાઈ આવે છે કે, “પાક શબ્દ એક પાક ઝાડ જેવો છે. તેનું મૂળ દ્રઢ છે અને ડાળીઓ આસમાનમાં છે.” દીની ઈલ્મના વર્તુળમાં તુબાના ઝાડનું ઉચ્ચારણ સાચા ઈમામને માટે વપરાય છે.

(૨૨૦) જેમ બધા જાણે છે તેમ તુબાનું ઝાડ બહેસ્તમાં છે અને તેની ડાળીઓ તેના ઉંચામાં ઉંચા ભાગ ઉપર લટકેલી છે. બહેશ્ત નિવાસી જે કાંઈ ચીજની ઈચ્છા કરે છે તે તુરતજ તે ડાળીયો ઉપર દેખાય છે. તેઓને ખુદાતઆલા તરફથી ઈલ્મ, શક્તિ અને ઈચ્છા કે જે ત્રણે એકજ છે, તેના જેવી પરબારી તાય્યીદ યાને પ્રેરણા મળતી હોય તેવાઓનું આ એક રૂપાલંકાર છે. તેથી તેમને તાય્યીદ (પ્રેરણા)ની બક્ષીસ થએલી છે, તેઓને જે ચીજની ઈચ્છા થાય તે તેઓ સંબંધીના પોતાના ઈલ્મના પ્રભાવથી તુરતજ મેળવી લે છે.

(૨૨૧) દરેક બહેશ્ત નિવાસીને “તાય્યીદ”માં હિસ્સો હોય છે. આજ કારણને લીધે જણાવેલું છે કે, ...જે માટે કુરાને શરીફ (સુ. ૪૪, આ. ૫૪)માં ઈશારો છે કે “અમે તેઓને પહોળી આંખોવાળી હુર સાથે પરણાવશું.”

જે કોઈ ફિરસ્તાઈ ખસલત ધરાવે છે, પણ (હજી) ફિરસ્તો બની શકયો નથી, તે ખરી હુરાઓને નિરખવાને હક્કદાર થઈ શકશે નહિ. આ માટે કુરાને શરીફ (સુરા ૫૫, આ. ૫૬)માં ઈશારો છે કે: “(કુમારીકાઓ) જેઓને તેઓની અગાઉ કોઈ માણસ અથવા જીન્ન અડક્યા નથી”. ફિરસ્તાઈ ખસલતના ફિરસ્તાઓથીજ એ થઈ શકશે.

(૨૨૨) એક આશક પોતાની માશુકને મળતા જે પ્રકારનો અનેરો આનંદ અનુભવે, એવો અવનવો પરમ આનંદ બક્ષે છે.

તુબાનું વૃક્ષ અને હુરાંઓ વિષેઃ

ખુદાની જાતની નુરાનીયત કે જે દરેક અણુંમા જહુર પામેલ છે, તે જ્યારે વાસ્તવિકપણે એક રૂપ બને છે ત્યારે તે દ્રષ્ય બેશક એક અત્યંત ખુબસુરત સ્વરૂપ ધારણ કરે છે, અને બહેશ્તની જે હુરાંઓ કહી છે તેની મતલબ આ છે. એતો ખુલ્લુ છે કે સાફ આત્મિક ચક્ષુએ જોનારા શખ્સો, ફક્ત (બહેશ્ત) જોવાને જ પરમાનંદની હાલત નથી ગણતા. ઈલાહી અમ્રનું જ એ કામ છે કે જ્ઞાની (આરીફ)નો આખો આત્મા અને તેની સંપુર્ણ જાત, સંપુર્ણ મિલન અને સંયોગીક રીતે તે સ્વરૂપ સાથે એકાકાર બની જાય, કારણ કે કોઈ પણ ચીજના જ્ઞાન માટેનું કોઈ પણ વ્યક્તિનું ચિંતન, તે વ્યક્તિની જાત સાથે તદાકાર બની જાય છે.

બહેશ્ત અને તેના દ્વાર

ગહન ખ્યાલની આલમમાં બહેશ્તનો અર્થ બકા યાને અમરપદ અને જ્ઞાન થાય છે. ઈન્દ્રીય જ્ઞાનના અનુભવમાં તેનો અર્થ આનંદ થાય છે.

બહેશ્તના ઝરાઓ વિષે

(૨૨૭) બહેશ્તમાં ચાર જાતના ઝરાઓ છે. પાણીનો કે જે જરાએ નુકશાનકારક નથી; દુધ, શરાબ અને ચોખ્ખું મધ જેમકે કુરાને શરીફ (સુરા. ૪૭ આ. ૧૫)માં ફરમાવેલું છે; “તેમાં પાણીની નદીઓ છે કે જે કદી વાસ મારી બગડનાર નથી અને દુધની નદીઓ છે કે જેનો સ્વાદ બદલાતો નથી અને દારૂની નદીઓ છે કે જે પીનારાઓને મધુર સ્વાદિષ્ટ લાગે છે અને શુધ્ધ મધની નદીઓ છે.”

પાણીની નદી; માણસ, પશુ કે વનસ્પતિ દરેક પ્રાણીને ઉપયોગી છે. આ નાતિકની (ધાર્મિક બોધ) દઆવત માટેની સંજ્ઞા છે, કે જે (ધાર્મિક બોધ)નો ઉદ્દેશ દરેકને સમજાય એવી રીતનો હોય છે. શરીયતી અહકામોના અર્થ અને નાતિકના બોધ વચનનો લાભ અહલે વહેદતના લોકો અને અહલે તરતુબના લોકો કે જે (ઉપરની આયાતમાં જણાવેલ) માણસ સમાન છે અને અહલેતઝાદ કે જે (ઉપરની આયાતમાં જણાવેલ) પશુ સમાન છે, તેવાઓને પણ એક સરખી રીતે મળે છે.

દરેક નાતિકને પોતપોતાની વિલક્ષણતાઓ હોય છે. જેમ તંદુરસ્તીને અસર કરનારૂં ભાંભરું પાણી અથવા નિર્દોષ પાણી હોય છે, તે મુજબ જુદા જુદા નાતિકો તરફથી દાખલ કરવામાં આવેલી જુદી જુદી ધાર્મિક વ્યવસ્થાઓ, શરીયતો જુદા જુદા મુળતત્વોની બનેલી હોય છે.

(૨૨૮) આવા અહકામોમાંના કેટલાક મઝહબની જાહેરી બાજુ પાળનારા લોકો ઉપર બોજા રૂપ છે. દાખલા તરીકે રોજા, નમાઝ, ઝકાત અને હજ જેવા અહકામોનું સખ્ત પાલન કરવાની ફરજ, જાહેર પરસ્ત લોકો ઉપર નાખવામા આવેલ છે.

બીજા કેટલાક અહકામો જેવા કે મહાન ગુણોની ખીલવણી કરવી અથવા તાવીલ (ગુઢાર્થ)નો ભાવાર્થ સમજવો.

જેમ પાણીની બાબતમાં બને છે તેમ જરા ઓછા પ્રમાણના લોકોને દુધની નદી લાભ પહોંચાડે છે. બધી જાતની વનસ્પતિ અને જીવંત પ્રાણીઓમાંથી કેટલાક વર્ગોના પ્રાણીઓને દાખલા તરીકે પક્ષીઓને તેની જરૂર નથી હોતી.

(૨૨૮-૨૨૯) (દુધની નદીની) આ સંજ્ઞા મહાન હુજ્જત તરફના ભેદ માટે છે કે “જેના સ્વાદમાં કદી ફરક પડતો નથી.” યાને તેમાં વધુ ખુલાસા (તાવીલ)ની જરૂર હોતી નથી. ....હ. રસુલ સ. ફરમાવે છે કે: "હું ઈલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો (બાબ) છે.” એટલે કે ઘણોજ પાક બાબ.

(૨૨૯) મધનો ઉપયોગ દુધ વાપરનારાઓ કરતાં પણ વધારે ઓછી સંખ્યાના પ્રાણીઓ કરે છે. ફક્ત આદમ ઝાત અને અમુક પ્રાણીઓ જ તેનો કાંઈ પણ લાભ ઉઠાવે છે. આદમ જાતના કેટલાક દર્દો સાજા કરવાના કામમાં તે આવે છે. આ અસાસની તાવીલો કે જેનો હેતુ લોકોની જાહેલીયત અને તકલાદી પરહેઝગારીના દર્દો નાબુદ કરવાનો છે તેની સંજ્ઞા રૂપે છે. શિક્ષક વર્ગના લોકો સાથે જ ફક્ત તેને નિસ્બત છે; જેવી રીતે ત્રણ પ્રકારનું મધ મળે છે; જેવું કે કાચુ (અશુદ્ધ) મધ, અથવા થોડુંક શુદ્ધ થયેલું અથવા તદ્દન ચોખ્ખું મધ. તેવી જ રીતે તાવીલ (ગુઢાર્થ)ના પણ ત્રણ દરજ્જાઓ છે. વાર્તાના અર્થનો ખુલાસો કે જે સર્વથી સાદો છે- મજહબના અહકામોમાં સમાયેલા ભાવાર્થનો ખુલાસો-તે વચલો રસ્તો છે, અને બાતુની અર્થ સમજાવવા વાપરવામાં આવેલ રૂપકોનો ખુલાસો.

(૨૩૦) મધ વાપરનારાઓની સંખ્યા કરતા શરાબની નદી એથીએ વધારે ઓછી સંખ્યાવાળાઓ માટે છે. કારણ કે શરાબ ફક્ત મનુષ્ય પ્રાણીની મજા પુરતો જ મર્યાદિત છે. તે દિલગીરી અને ગમગીનીમાં રાહત આપે છે. તે ઈમામ તરફની દિવ્ય પ્રેરણા યાને તાય્યીદની સંજ્ઞા રૂપે છે. આ ઘણા થોડા માણસોને મળી શકે છે અને તે તેમને આ દુનિયા અને આખરતની ધાસ્તીમાંથી રાહત આપે છે. આ દુનિયાના લોકો માટે શરાબ નાપાક અને હરામ ઠરાવેલી વસ્તુ છે, છતાં બહેશ્તના વાસીયો માટે તે પાક અને હલાલ ચીજ છે.

(૨૩૧) સિરાતલમુસ્તકીમ (સીધો રસ્તો), મિઝાન (પાપ પુણ્ય તોળવાનો કાંટો) અને મરણ અને હિસાબના દિવસ વચ્ચેના ગાળા સંબંધી બાબતો ઉપર હવે આપણે આવશું.

જાણી લ્યો કે, પુલસિરાત દોઝખના ઉપરનો પુલ છે. તે વાળ કરતા પણ વધારે બારીક અને તલવારની ધાર કરતા વધારે અણીદાર છે. તેનો માર્ગ હજાર વર્ષનો ચઢાણવાળો, એક હજાર વર્ષનો સપાટ અને એક હજાર વર્ષનો નિચાણવાળો છે.

એ પણ જાણી લ્યો કે, ‘લેખા’ હિસાબના ઉચ્ચારણનો અર્થ એ છે કે, 'દરેકના સારા અને નરસા કૃત્યોને એકઠા કરવા, જેમકે કુરાને શરીફ (સુરા. ૯૯, આ. ૭-૮)માં ફરમાવેલ છે કે “પછી જે કોઈ એક કીડી જેટલું પણ ભલુ કરશે તે તે જોશે અને જે કોઈ એક કીડી જેટલું પણ દુષ્ટ કર્મ કરશે તે પણ તે જોશે.”

ઈમામે ઝમાનની શનાખત દ્વારા આ બધુ મળી શકે છે અને જે કોઈ આ ફરમાન કે, “બીજાઓ તમારી પાસે હિસાબ માંગે તે પહેલા તમે તમારી પોતાની પાસેથી હિસાબ માંગી લ્યો”

(૨૩૨) મનુષ્યોના કર્મના કાંટા ઉપર વજન કરવામાં આવતા થયેલા કૃત્યોના ભારેપણાનો અર્થ જુદો થાય છે.

એવું કર્મ કે જેનું કારણભુત શરીર પોતે ન હોય પણ તેમાંથી તૃપ્તિ મળી શકી હોય અને કોઈપણ વ્યક્તિ એવી રીતે કર્મ કરીને આનંદમય લાગણી, ખુશી અને તૃપ્તિ મેળવે, જેમકે કુરાને શરીફ (સુરા ૧૦૧, આ. ૬-૭)માં ફરમાવેલું છે કે; “પછી જેના (કૃત્યોના) કાંટાનો તોલ ભારે થશે તે ખુશકારક જીન્દગીમાં રહેશે.”

(૨૩૩) હ. ઈસા પયગમ્બર (અ.) માટે કુરાને શરીફ (સુરા ૪, આ. ૧૭૧)માં ફરમાવેલું છે કે; “ખુદાનો શબ્દ છે, જે તેણે મરીયમ પાસે પહોંચાડ્યો છે, અને તે ખુદા તરફનો પાક આત્મા છે.” હ. ઈસા પયગમ્બર ઈન્જીલમાં ફરમાવે છે કે; “આસમાનમાંથી જે નેકી મોકલવામાં આવેલ તે હું (નાતિક) છું.”

(૨૩૪-૨૩૫) આ ઉપરથી એ ચોખ્ખું સમજાય છે કે, ખુદાતઆલાની ખરી બંદગી અને મારિફત એને જ ગણી શકાય, કે જે પોતાપણાનું જ્ઞાન અને આત્મભાનને પોતાના દિલ ઉપરથી સંપુર્ણપણે હઠાવીને, તેને બદલે એવા જ્ઞાન ઉપર તેને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે કે, ‘'તેના થકીજ દરેક ચીજ અસ્તિત્વમાં છે અને હકીકતમાં પોતા જેવી કોઈ ચીજ નથી.” આજ રીતે કોઈપણ વ્યક્તિ, તેની (ખુદાતઆલાની) સાથે જે શખ્સ એકરૂપ છે, તેની મારિફત હાંસલ કરી શકશે.

જો એકજ વખતે લાખ જેટલા માણસો પણ પોત પોતામાં કરારનામું કરે, છતાં એને એક્યતા ગણી શકાશે નહિ; જરાએ નહિ. તે પોતેજ જુદાઈ રૂપ છે.

જાહેરી દુનિયાના લોકો પોતાની જબાનથી ખુદાવંદતઆલાના નામનો ઉચ્ચાર કરે છે, જે પણ એક ઉત્પન્ન થએલી વસ્તું છે. તેઓ ફક્ત ખુદાનું નામ જાણે છે ખુદ ખુદાને નહિ; કારણ કે ખુદા તરફના પુરૂષ મારફત તેઓ ખુદાને નથી ઓળખતા. આ નામ માટેનો એક ખ્યાલ તેમની કલ્પનાની શોધ છે. એ મુજબ એ ચોખ્ખું સમજાય છે કે તેઓ પોતાની બનાવેલી વસ્તુંને ઓળખે છે, ખુદાને નહિ.

(૨૩૬-૨૩૭) ક્યામતના દિવસે પોતાનું કે કોઈપણ વસ્તુંનું ભાન રાખવું જોઈતુ નથી. જો તમને તેની મારિફત હાંસલ થાય તો, તમારી નજરમાં તમે કાંઈ નહી હો; કારણ કે જે સર્વ કાંઈ છે તે તેજ છે. પોતે પોતાને મરેલા સમજવું (યાને ખુદીને ખોઈ નાખવી) એના જેવો તેને (ખુદાતઆલાને) મળવાનો નજદીકનો બીજો કોઈ દરજ્જો નથી. એથી કાયમ, ક્યામત, શનાખત, અલ્લાહ, નમાઝ, બંદગીનો હેતું, મારિફત, બદલો વગેરે એકની એકજ ચીજ બની રહે છે અને (હકીકતમાં) એ બધી એકની એક જ ચીજ છે. આપણે આંતરજ્ઞાનથી જોઈશું તો જણાશે કે, આ બધી વસ્તુંઓ એક બીજાને મળતી જ છે અને એ બધી વસ્તુઓ ખુદાની હસ્તીની સાબિતીઓ છે, ક્યામતના પ્રકાશથી (અજ્ઞાનતાના નાશથી) ખુદા પોતેજ પોતાની સાબિતી બની જાય છે. તે વખતે કોઈ નજર અથવા આંતરજ્ઞાન અને બીજા તરફની કોઈ તઆલીમ નહિ હોય. તે ખુદબખુદ સીધી રીતે ઓળખાશે.

(૨૩૭) કોઈપણ માણસ તેને પોતાની ખુદની કોશીષથી ઓળખશે નહિ, તેની ઝાત તેના પોતાના થકીજ ઓળખી શકાશે.

શરીયત અને ક્યામત

શરીયત અને ક્યામત વચ્ચેનો સંબંધ એવો છે કે; તેમનો એક બીજા સાથેના સંબંધનો ક્રમ ઉલ્ટાઈ જઈ શકાતો નથી અને ક્યામત પછી શરીયત હોઈ શકતી નથી; કારણ કે પછી તો તે ગમે તે રીતે તેની તે જ ક્યામત રહે છે, એ વાત ખોટી છે કે આ બેઉ વચ્ચેનો તફાવત ભુલી જવા જેવો છે અને ક્યામત તેના (શરીયત)થી જુદી નથી; કારણ કે જો ખરેખર એથી ઉલ્ટી બાબત હોય તો તેની હસ્તી હોય, અને જેની હસ્તી હોય, તેને તેની વિરૂદ્ધની બાજુ યાને તેની નિસ્તી હોય, કે જે એને હોઈ શકે જ નહિ.

(૨૩૭-૨૩૮) આલમ ધણી મૌલાના—જેના નામ ઉપર નમન અને તેના નામનો જય હો,— આ સંબંધી ફરમાવે છે કે; “મખલુકાત તેના સરજનહારનો બુરખો છે અને મખલુકાતની હાલત તેની ખુદાઈનો બુરખો છે, તેજ પ્રમાણે શરીયત એ ક્યામતનો બુરખો છે.”

આ દુનિયા અને તે (દુનિયા) વચ્ચે કાંઈ વધારે છેટું નથી, પણ તે રસ્તા ઉપર એક દિવાલ આવેલી છે, કે જે (દિવાલ) ખુદ તારી હસ્તી છે.

એ મુજબ ખુદાતઆલાની શનાખત, ખુદાતઆલાની બંદગી, ખુદાતઆલાની મારિફત, ખુદાતઆલાની ગીરીયાઝારી, એ બધા ખુદાના બુરખા રૂપે છે. મુહિકક યાને સત્ય પુરૂષનો બોલ અને કાર્ય પણ ખરી રીતે તેનો બુરખો છે. ખુદાતઆલાના અદલો ફજલ તેના બુરખા યાને તેની ખુદાઈના બુરખા છે જ્યારે આપણે “યા ખુદા” કહીએ છીએ ત્યારે આપણે ખુદાતઆલાને વિનવીએ છીએ, બીજી કોઈ ચીજને નહિ.

કેટલાએક લોકો મને પુછે છે કે “બહેશ્તમાં તમે શું એમ કહેશો કે ‘યા સુબ્હાન અલ્લાહ’ ?” હું કહીશ કે; "બેઉ જહાનનો તું માલિક છે, બહેશ્ત અને દોઝખનો માલિક પણ તું જ છે, બધું તારી ઈચ્છા અને હુકમને આધિન છે.”

(૨૩૯) દરેક જણ, જે કોઈ એમ કહેશે કે; હું જાણું છું અથવા નથી જાણતો; અથવા હું ઓળખું છું અથવા નથી ઓળખતો; અથવા મને જોઈએ છે, અથવા મને નથી જોઈતું; હું બંદગી કરૂં છું, અથવા હું બંદગી નથી કરતો; હું છું અથવા હું નથી, આ બધું તે પોતે આલમે કસરતનો હોવાથી એમ કહે છે.

જો તને કોઈપણ બાબતનું જ્ઞાન છે, તો ખરી રીતે તે, તે બાબતનું તારું અજ્ઞાન છે, અને જો તું અજ્ઞાન છે તો તેનાથી તું જ્ઞાન હોવા બરાબર છે. જો તું હૈયાત હો તો, તે તારી બિનહૈયાતી બરાબર છે. અને જો તું બિનહૈયાત હો તો તું હૈયાત હોવા બરાબર છે.

જેઓ અલ્લાહ એક છે એમ અને તેની ઐક્યતામાં ઈમાન રાખે છે. “આ” અને “પેલો”ના ઉચ્ચારણોમાં પોતાનો તો કાંઈ અર્થ જ નથી. એજ પ્રમાણે “હુ” અને “તું” પણ અર્થ હિણ છે. જેવી “તે” વ્યક્તિ છે તેવોજ “તું” છે.

(૨૩૯-૨૪૦) આ છે વહેદત યાને એકતા અને એકેશ્વરવાદીનો અર્થ. પોતે વિચાર કરે છે, બોલે છે, કર્મ કરે છે એ (ભાવના)નો ત્યાગ એ શરીયત અને ક્યામત બન્ને છે. પણ પોતે કાંઈક છે અથવા નથી, પોતે હરે છે ફરે છે અથવા નહિ, પોતે જ્ઞાની છે કે અજ્ઞાન, પોતે બોલે છે યા નહિ, પોતે કર્મ કરે છે અથવા નહિ, એવી ભાવનાનો અર્થ શરીયત છે; જ્યારે હું પણાની નાબુદીનો અર્થ ક્યામત છે.

(૨૪૦) નબીઓ અને ઈમામો કાંઇક નવું શીખવવાના હેતુસર નથી આવતા. ના, તેઓ એ હેતુસર જ આવ્યા હતા કે તેઓને તેમના અસલ કુદરતી ધર્મ (ફિતરત)થી દુર ફેંકી દેનારી જે બાબતો લોકો શીખ્યા હતા, તે બધી બાબતો તેમના મગજમાંથી ભુસી નાંખીને તેમને તેમના અસલ કુદરતી ધર્મ (ફિતરત) ઉપર પાછા લાવવા.બાબા સૈયદના ખુદાતઆલા તેમના આત્માને ઉન્નત બનાવો - ફરમાવે છે કે; “રસુલ અને ઈમામની ઉંચ શનાખત મેળવવી એ ફિતરત (યાને અસલ કુદરતી ધર્મ) છે, અને જે બહેશ્તમાંથી હ. આદમ (અ.)ને હાંકી કાઢવામાં આવ્યા હતા તે પણ ફિતરત જ હતી.”

(૨૪૧) વિદ્વાન બ્રહ્મજ્ઞાનીઓ અને તત્વવેત્તાઓ, પોતાની ઉંચી કૃત્રિમ કલ્પનાઓમાંથી જે કાંઈ કહે, તેથી કોઈ ખુદાઈ શનાખત હાંસલ કરી શક્તું નથી. - કૃત્રિમ શુક્રથી કદી બચ્ચું પેદા થઈ શકે ખરું ? !

(૨૪૨) હ. મહમદ રસુલ (સ.) ફરમાવે છે કે; “જે કોઈ બે વખત જન્મ લેતો નથી, તે સ્વર્ગિય રાજ્ય કદી પણ પ્રાપ્ત કરી શકતો નથી.”

(૨૪૬) મોક્ષ તરફ દોરી જનારો સાચો માર્ગ અમે સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. અને હવે અમે હ. રસુલ (સ.) અને તેના જાનશીનો ઉપર આશીર્વાદો ઉતરે એવી અરદાસ સાથે વિરમીએ છીએ.

યા અલી મદદ