કલામે પીર
પ્રકરણ - ૩
પ્રકરણ - ૩
ઈસમાઈલી મજહબ કે જે સત્ય છે, તે સિવાય બીજો કોઈ એવો મજહબ નથી કે જેથી નજાત મેળવી શકાય, એ બાબતના સત્ય ખુલાસા વિષે.
(પેજ-૩૮) ખુદાવંદતઆલા ફરમાવે છે કેઃ (કુરાને શરીફ સુ. ૫ આ. ૫૫) “માત્ર તમારા દોસ્ત ખુદા અને તેનો પેગમ્બર છે અને તેમજ મોમીનો છે કે, જેઓ દુઆ પડે છે અને જગાત આપે છે જ્યારે કે તેઓ રૂકુઉ કરે છે."
આની મતલબ એ છે કે, મેં અલી કે જે મને પ્યારો અને મારી નજીકમાં નજીકનો મારો દોસ્ત છે. તેને તમારો દૈવી રક્ષણહાર મેં નિમ્યો છે કે જેના હાથમાં મેં બંદગી, રોજા અને હજ સંબંધી બાબતો અને આ જીંદગી અને આખરતની જીંદગીને લગતી બીજી બધી બાબતો સોંપી છે. હ. અલી કે જે દૈવી રક્ષણહાર છે તેની મોહબ્બતને ખાતર, જે કોઈ બંદગી ગુજારશે, રોજા રાખશે અને હજ કરશે તેમનુંજ (એ બધું) મારા દરબારમાં મકબુલ થશે પણ અલી અને તેના ગાદી વારસો (ઈમામો)ની મહોબત વગરની કોઈની પણ એ (બાબતો) મારા દરબારમાં મકબુલ નહી થાય, પછી ભલેને તેઓ પુર્વથી પશ્ર્ચિમ સુધીના છેડા જેટલી મહાન તાબેદારી અને ભક્તિ બતાવતા હોય. "માત્ર તમારો દોસ્ત ખુદા અને તેનો પેગમ્બર છે."
(૩૯) ખુદાવંદતઆલા કુરાને શરીફ (સુ. ૪૦ આ. ૪૭) માં ફરમાવે છે: “ખરેખર, (મેં તેને નિમેલ છે) પૃથ્વી ઉપર દૈવી રક્ષણ તરીકે અને તેના હાથમાં આપ્યો છે. દૈવી હુકમ (અમ્ર) અને બંદગીને લગતી બધી બાબતોમાં તેનેજ સત્તા છે.”
આની મતલબ એ છે કે, તેની બંદગી એ ખુદાની બંદગી છે. જેમકે ખુદાવંદતઆલા ફરમાવે છે કે, “ખુદાની શનાખત મેળવવી તેનો અર્થ ઝમાનાના ઈમામની શનાખત મેળવવાનો છે.”
(૩૯-૪૦) હ. રસુલ (સ.) ફરમાવ્યું છે કે: “મારા બાદ મારી ઉમ્મતમાં ૭૩ ફિરકા થશે, પણ તેમાંનો એકજ નજાત મેળવશે અને બાકીના દોઝખમાં જશે.” આ હદીસ ફરમાવી તે પ્રસંગે શાહે મર્દા (હ. મૌલા મુર્તઝાઅલી), સલમાન, બુઝર, જબીર, અનસારી, સુહાઈલ, મુહાજીરો અને અનસારીઓ બધા હાજર હતા. એ વખતે શાહે મર્દાએ પુછયું કે “યા રસુલિલ્લાહ ! કોણ નજાત પામશે ? અને અધોગતિમાં કોણ જશે ?” હ. રસુલ (સ.) ફરમાવ્યું કે, “ઓ અલી, તારે અને તારા અનુયાયીઓ (શીયાઓ)એ ખુશ થવાનું છે. અલીનું અને તારા શીયાઓ બીજા કરતા ઉંચા છે."
આ છે કુરાને શરીફ (સુરા ૬, આ. ૧૫૫) મુજબ જેમકે, "ખરેખર, આ મારો સીધો રસ્તો છે ત્યારે તે પ્રમાણે ચાલો, અને જુદે જુદે રસ્તે ચાલો નહિ કે જેથી તમે આડે રસ્તેથી છુટા પડી જાઓ.”
આહમદ પછી તેની ઉમ્મતમાં ૭૩ ફિરકા પડ્યા તેમાંનો એક હક (સત્ય) છે અને બીજા બધા હલાક થનાર છે, તે એકજ ફિરકો તેઓનો છે કે જેઓ અહલેબયતને અનુસરે છે, અને બીજા બઉતેર ફિરકા ભુલમાં પડેલા છે.
તમારા કાનો ખોલો, અને હ. રસુલ (સ.)ના જવાબ ઉપર ધ્યાન આપો. આ લોકમાંના (એક), મેં હ. રસુલ (સ.)ની આલ (ઈમામે ઝમાન)નો દામન પકડયો છે.
(૪૧) દોસ્ત તું પણ તેનો દામન પકડી લે; જેમકે હદીસમાં હ. રસુલ (સ.) ફરમાવ્યું છે કેઃ
”હું અને મારી અહલેબેયત (ઝુરય્યત ઈમામે ઝમાન) હ. નુહ પયગમ્બરની કિશ્તી મિસાલ છીએ. જેઓ અંદર દાખલ થયા, તેઓ તોફાનથી બચી ગયા અને જેઓએ નાફરમાની કરી તેઓ ડુબી મુઆ."
જ્યારે હું હ. નુહ (પેગમ્બર)ની કિસ્તીમાં, હ. રસુલ (સ.) અને તેના વસી સાથે છું તો પછી ભલેને પૃથ્વી ઉપર જળપ્રલય થાય અને ભલેને આકાશમાંથી આફતો વરસે.
પેલો કુતરો અસહાબે કહફ (ઉંઘનારા એફીશીયનો) સાથે હોવાથી બચી ગયો;
(તો પછી) “હું હ. રસુલ (સ.)ની આલ (ઈમામે ઝમાન) સાથે હોઉ તો કેમ બચી નહિ જાઉ ?”
આપણે પેલા ભુલમાં પડેલાં બઉતેર ફિરકાઓ વિષે હમણા વિવેચન કરી ગયા હવે નજાતી ફિરકા વિષેની વિગત ઉપર આવીએ.
(૪૧-૪૨) આ ફિરકામાં એ લોકો છે કે જેઓ એમ માને છે કે, ઈમામ હમેશાં હોય છે અને તેના વગર જગત ટકી શકે નહિ. ઈમામ હંમેશાં હોય છે, હંમેશાં હતો અને હંમેશાં રહેશે; જેમકે કુરાને શરીફમાં ખુદાવંદતઆલાએ ફરમાવ્યું છે કે, (સુરા ૩૬, આ. ૧૨) “અને અમે ગણી છે દરેક ચીજ જાહેર ઈમામમાં (ઈમામે મુબીનમાં).”
હ. રસુલ (સ.) ફરમાવે છે કે: “જો ઈમામ વગર એક ક્ષણ પણ રહે તો, ખરેખર પૃથ્વી પોતાની તમામ આબાદી સાથે નેસ્તો નાબુદ થઈ જાય.” આ જગત સલામત રહી શકે એ ખાતર ઈમામ, તેની હસ્તી ઉપર એક લાખ વખત પોતાની મુબારક નજર ફેંકે છે અને જુદા જુદા પયગમ્બરોએ ખુદાવંદતઆલા તરફથી ઉતરેલી કિતાબો જેવી કે, તોરાહ, ઈન્જીલ, ઝંબુર, ફુરકાનમાં એ બાબતની ખબર આપી છે.
શયર-ઝંબુર અને તૌરાત અને ઈન્જીલ અને ફુરકાન ચારે કિતાબ(દફતરો)માં અલી વિષે નોંધ છે.
(૪૨-૪૩) અને જે પેયગમ્બરો થઈ ગયા તેમણે કાયમે વક્ત માટે ઈશારા કરેલ છે અને હ. પયગમ્બર રસુલ (સ.) ફરમાવે છે કે ઈમામ દુનિયામાં હંમેશા હોય છે અને એવું કોઈ વખત નથી બનતું કે કોઈ પણ શખ્સ તેની રહેબરી મેળવ્યા વગરનો રહે” અને તેના હુજ્જત અને પીર(દાઈ) ધર્મ પ્રચારક હંમેશા હોય છે, જેઓ મુરીદોને ખબર આપે છે અને જેઓ સત્યના શોધકો છે, તેની પાસે એની જાહેરાત કરે છે, કારણ કે એજ કામ માટે તેના તરફથી તેમની ખાસ નિમણુંક થયેલી હોય છે. કુરાને શરીફમાં ખુદ ખુદાવંદતઆલા ફરમાવે છે કે “જમાનાના ઈમામની શનાખત તેજ ખુદાવંદતઆલાની શનાખત છે.” માણસ જાતને ખુદાવંદતઆલાની મારિફત જાહેર કરવા ખાતર ”અને તેમની પાસે મારી (ખુદાવંદતઆલાની) હુજ્જત (સાબીતી) થવા” તે હંમેશાં હાજર હોય છે.
(૫૪) “નુરન અલા નુર”નો અર્થ એ છે કે, ...જ્યારે એક ઈમામ જોમો સિફારે છે ત્યારે બીજો એમ એક પછી એક કે જે પણ હ. રસુલ (સ.)નો વસી ગણાય છે, તે આવે છે અને આ સીલસીલો હ. આદમ (અ.)થી ખાતેમુન નબી સુધી કદી પણ ટુટેલ નથી અને તેમના બાદ (હ. અલીથી) ક્યામતને દિવસે જાહેર થનાર "કાયમ”ના વખત સુધી ટુટનાર નથી.
(૫૮-૫૯) હ. રસુલ (સ.) વળી પણ ફરમાવે છે કે; “હું તમારી પાસે બે ખજાના મુકી જાઉ છું. જો તમે તેને સાચવી રાખશો તો તમે કદી પણ ગુમરાહ થશો નહિ (તે છે) ખુદાઈ કિતાબ અને મારી ઈતરત કે જે અહલેબૈત છે. તેઓ (અને કુરાને શરીફ) એકલા નથી. કદી પણ જુદા થશે નહિ ત્યાં સુધી કે હોજે કૌસર (યાને રોઝે કયામત) ઉપર તમે આવી પહોંચો.”
આ મુજબ એ સાફ સમજાય છે કે ઈસ્લામના તઉત્તેર ફિરકામાંથી જે કોમ નજાત યાને મોક્ષ મેળવશે તે એકજ કોમ છે કે જે હ. ઈસમાઈલ અને ઈસમાઈલી ઈમામોના અનુયાયીઓ છે; એનો પુરાવો આ રહ્યો (કુરાને શરીફ સુ. ૩૩, આ. ૩૩) "માત્ર ખુદા ઈચ્છે છે કે તમારા ઉપરથી હે અહલેબૈત ! નાપાકી દુર કરે અને તે તમને પાક કરી પવિત્ર કરે.”
(૫૯/૬૦) તે દિવસથી કે જ્યારે ખુદાવંદતઆલાએ પોતાના પેદા કરેલાઓને પુછ્યું કે “શું હું તમારો મૌલા નથી ?” ત્યારથીજ પૃથ્વી ઉપર ઈમામ છે. ઈમામ મનુષ્યમાં સહુથી દાના હોય છે. તેની કોમ તેને ચૂંટે એ સવાલ રહેતો જ નથી.
(૬૧) ખુદાવંદતઆલાએ કુરાને શરીફમાં ફરમાવેલ છે કે: (કુરાને શરીફ સુરા ૩, આ. ૧૪૪) "મહમદ એકલા પયગમ્બર છે; તેના જમાના પહેલા રસુલો થઈ ગયા છે.” આની મતલબ એ છે કે જો તેઓ ખુદાતઆલાના રસુલો હતા, તો મહમદ ખરેખર રસુલે ખુદા છે. ખુદાતઆલાએ મહમદને પસંદ કરેલ છે જેમકે કુરાને શરીફમાં ફરમાવેલ છે કે; (સુ. ૩૬ આ. ૨-૩-૪) "બિસ્મિલ્લાહહીર રહેમાનિર રહિમ, હિકમત ભરેલા કોરઆનના સોગંદ છે કે તું મોકલેલ પયગમ્બરોમાંનો એક છે કે જેઓ સીધા રસ્તા ઉપર હતા.” એ ઉપરથી એ સિધ્ધ થાય છે કે હ. મહમદ રસુલે ખુદાને ફરમાન થયેલ હતું કે તે, માણસોને સીધો રસ્તો (સતપંથ) બતાવે કે જેથી તેઓ ભુલ અને પાપમાં પડે નહિ.
કુરાને શરીફ (સુ. ૫૩, આ. ૩-૪) માં ફરમાવેલું છે કે: “તે પોતાની ઈચ્છા પ્રમાણે બોલતો નથી. વહ્ય સિવાય બીજુ કાંઈ નથી કે જે તેને વહી કરવામાં આવે છે.” યાને તે જે બોલે છે તે ખુદાવંદતઆલા તરફથી ઉતારવામાં આવેલ અથવા હ. જીબ્રિલ મારફત મોકલવામાં આવેલ વહ્ય છે.
(૬૩) હ. રસુલ (સ.) ફરમાવે છે કે, "મારા પરવરદિગારે મને વચન આપ્યું છે કે, હ. અલી અને અહલેબૈત અને તેની આલ (ઈમામો) તરફની મહોબ્બત વગરની કોઈ પણ મોમનની ઈબાદત કબુલ કરવામાં આવશે નહિ.”
(૬૪-૬૫) “ખરેખર, ખુદાતઆલાએ ખુદ પોતાના જેવો આદમને બનાવ્યો અને તેમાં પોતાનો રૂહ ફુંકયો.” આની મતલબ એ છે કે તમારો ચહેરો ખરાબ દેખાય એવો રાખો નહિ કારણ કે ખુદાતઆલાએ પોતાની છબી ઉપરથી આદમને પેદા કરેલ છે અને તેમાં પોતાનો રૂહ ફુંકેલ છે. સુરતે ઈલાહી તે નફ્સેકુલ છે અને આદમ તે નાતિક અથવા પોતાના ઝમાનાનો પયગમ્બર છે કે જેને નફ્સેકુલ તરફથી તાય્યિદ (તાત્કાલીક મદદ) મળતી હતી. તાવિલી અર્થમાં “ચહેરા”નું સંબોધન હંમેશા ઈમામનું રૂપક છે એટલે એ (વાક્ય) કહેવાનો ખરો અર્થ એ છે કે ખોટા દાવેદારોને ખરા ઈમામો તરીકે માનીને જેમ વિરૂધ્ધિઓ કરે છે, તેમ ઈમામોની માનહાનિ કરો નહિ. દરેક જમાનામાં નાતિક લોકોને બોલાવે છે અને (માણસ રૂપમાં રહેલા) ખરા ઈમામના અનુયાઈ થવાની રીતભાત શીખવે છે.
"રૂહે ઈલાહી” જે આ વાક્યમાં છે તેનો અર્થ કુરાને શરીફમાં (સુરા ૪, આ. ૧૭૧)માં સમજાવવામાં આવેલ છે કે: “ખુદાનો શબ્દ છે, જે તેણે મરીયમ પાસે પહોંચાડયો છે અને તે ખુદા તરફથી (આવેલ) પાક આત્મા છે.” યાને ખુદાઈ કલામ કે જે મરીયમમાં ઉતરેલો રૂહ છે.”
વળી આ આયત (સુરા ૬૬, આ. ૧૨)માં એમ પણ જણાવવામાં આવ્યું છે કે “તે એક (ખુદા) જેણે આ રૂહ ફુંકયો, તે મહાન યાને ખુદાએ તેને મરીયમના ગર્ભાશયમાં ઉતાર્યો. અને તેમજ એમરાનની દિકરી મરીયમનું દ્રષ્ટાંત છે કે જેણે પોતાની દામન પાક જાળવી રાખ્યો પછી અમે તેમાં અમારો રૂહ ફુંકયો અને તેણીએ પોતાના પરવરદિગારના શબ્દો અને આસમાની કિતાબોને સાચી માની અને તેણી હોકમ ઉઠાવનારી હતી."
(૬૬) કુંવારીકાનો તાવિલી અર્થ હુજ્જત યાને ખુદાતઆલાની સાબિતીનું અલંકારીક રૂપ છે અને ગર્ભાશયનો અર્થ કાન થાય છે; જેવી રીતે ગર્ભાશયમાંથી મનુષ્ય સ્વરૂપ હસ્તીમાં આવે છે, તેજ મુજબ કાન દ્વારા સુખુનો સાંભળવાથી રૂહાની સ્વરૂપ પયદા થાય છે. આખી આયાતનો તાવિલી અર્થ એમ થાય છે કેઃ “હ. મરીયમ કે જે ઈમરાનના હુજ્જત હતા. તેમણે પોતાના કાન સામાન્ય જાહેરી સુખુનો કે જે તાવિલ રહીત હતા તે સાંભળવાથી દુર રાખ્યા ત્યારે તાવિલી સ્વરૂપમાં ખુદાઈ સુખુનોથી તેણીને નવાજવામાં આવી. આની હ. ઈસા રૂહ અલ્લાહને તરબીયત આપવામાં આવી. આયાતમાં રૂહ કુંકવાની તેમજ કલમાઓ અંગીકાર કરવાની એમ બેઉ વાતો આવે છે.
રૂહ એ (ખુદાઈ) સુખુન અથવા કલમાના અલંકાર રૂપ છે. “તેણી હુકમ ઉઠાવનાર”નું સંબોધન જે તેજ આયાતમાં દેખાય છે તેની મતલબ “નજીકનો સંબંધ” થાય છે. હ. મરીયમ હુજ્જતોમાંના એક હતા. અને ઇમરાન (મરીયમના પિતા)ના વંશને સર્વ આલમ ઉપર પસંદ કર્યા છે.” આનો અર્થ એ છે કે પેયગમ્બરોનો વંશ આ દુનિયાની ઉત્પતિના વખતથી (ઝુ્રય્યત) પેઢી દર પેઢી એમ ખાતેમુલ નબી સુધી ચાલી આવેલ છે અને દુનિયાના અંત સુધી ઈમામ તરીકે તેમજ ચાલુ રહેશે.
(૬૭) "બ્રહ્માન્ડનો પાયો પડ્યો તે પહેલા કેટલાક હજાર વર્ષ અગાઉ અલી અને મહમદ સાથે બેઠા હતા.”
કુરાનની સુરા (સુરા ૪૨, આ. ૨૩)માં ખુદાવંદતઆલાએ ફરમાવ્યું છે કે: “કહે કે હું તમારી પાસે સંદેશો પહોંચાડવા માટે મારા સગાવહાલા (અહલેબયત) પ્રત્યે તમારા પ્રેમ સિવાય બીજો કાંઈ બદલો માંગતો નથી”
"હે મહમદ કહી દે કે હું (તમારો) પેયગમ્બર હોવા માટે તમારી પાસેથી કાંઈ બદલો માંગતો નથી. હું પેયગમ્બર અથવા બોધ આપવા માટે અનુયાયીઓ પાસેથી કાંઈ પણ વળતર લેતો નથી. હું ફરી એટલુંજ માંગુ છું કે તેઓ મારા ગાદી વારસો (અહલેબયત) તરફ મિત્ર ભાવ રાખે.”
(૬૭-૬૮) આનાથી ખુદાનો બંદો, તે યાને બારીતઆલાની નજીક થાય છે અને જે કાંઈ મારી ઝુરય્યત-આલમાંના કોઈ માટે કાંઈ કાર્ય કરે છે યાને જે મારો ફરમાંબરદાર છે અને મારા (ગાદીવારસ) તરફ મહોબત રાખે છે તે વધારે ને વધારે મારી નજીક થાય છે અને તે મારામાં મળી જશે”; જેમકે હ. રસુલે હ. અલીને ફરમાવ્યું કે: “જેવો સંબંધ હારૂનને મુસા સાથે હતો એવોજ સંબંધ, તેના મહાન વડવાઓ બદલાતી દુનિયા અને ઘુઘવતા સાગરને ખાતર, તમારો (સંબંધ) મારી સાથે છે.”
આ સંકેત એ શખ્સ માટે છે કે જેને હ. પયગમ્બર (સ.) પોતાના પિત્રાઈ ભાઈ અને પોતાના વસી (જાનશીન) તરીકે સંબોધે છે. તેઓશ્રી માટે એ સુચન છે કે: "જેનો હું મૌલા છું તેમનો અલી મૌલા છે.” કહીને બધા ફરમાબરદાર ઈમાનદારોને તેઓશ્રી યાને હ. રસુલ (સ.)એ નવાજેલ છે. આ ફરમાન હ. પેયગંબર રસુલ (સ.) સાહેબે ગદીરે ખુમવાળા પ્રસંગને દિવસે પોતાના અનુયાયીઓ માટે કર્યું હતું.
વધુમાં તેઓ નામદારે ફરમાવ્યું કે : “ઓ ખુદા; જે તેની સાથે દોસ્તી કરે તેને તુ તારો દોસ્ત બનાવ, જે તેને મદદ કરે તેને તું મદદ કર અને જે તેની અવગણના કરે તેની તું અવગણના કરજે.” આ હદીસની સચ્ચાઈનો પુરાવો એક બીજી હદીસમાં મળે છે. હ. પયગમ્બર રસુલ (સ.) ફરમાવ્યું કે: પહેલી વસ્તુ કે જે ખુદાતઆલાએ પેદા કરી તે (આકાશનો) ગુમ્બજ હતો જેના ઉપર તેણે લખ્યું કે “ખુદા સિવાય બીજો ખુદા નથી, મહમદ ખુદાનો પયગમ્બર છે અને અલી, મુસ્તફાનો વસી (જાનશીન) છે."
(૬૯) કોઈએ સવાલ કર્યો કે “આપની અહલેબૈયતમાં કોને ગણવા ?” (હ. રસુલ) તેઓ નામદારે જવાબમાં ફરમાવ્યું કે: "અલી અને બેઉ મારા દોહિત્રા અને બીજા બધા ઈમામો કે જે હ. ઈમામ હુસેનથી પિતા પછી પુત્ર એમ ગાદીએ આવે કે જેઓ ખુદાતઆલાની રહેમતથી માસુમ છે. ખરેખર એઓ અહલેબૈયત છે વગેરે… "વળી (હ. મૌલા મુર્તઝાઅલી તરફ જોઈને) વધારામાં ફરમાવ્યું કે: “તારૂં ગોશ્ત તે મારૂં ગોશ્ત છે, તારું લોહી તે મારું લોહી છે.” હ. રસુલે ખુદાએ જે ફરમાવ્યું તે ખરું છે.
(૭૧) હ. રસુલ (સ.)ને પીછાણે છે પણ તેના વસીને પિછાણતો નથી, તે કયામતને દિવસે હ. મહમદ (સ.)ને ઓળખી શકશે નહિ અને તેથી તે બેફરમાની છે.
ત્યાર પછી હ. રસુલે ખુદાએ ફરમાવ્યું કે: “જે કોઈ હ. અલી અને તેના ગાદી નશીન (ઈમામો) તરફ મહોબત રાખે છે તે મારા તરફ મહોબત રાખે છે અને જે કોઈ મારા તરફ મહોબત રાખે છે તે ખુદા તરફ મહોબત રાખે છે.”
(૭૨) જ્યારે હ. પયગમ્બર હજ કે જે “હજે આલા” કહેવામાં આવે છે, તેમાંથી પાછા ફરતા હતા ત્યારે તેઓશ્રી “લયલતુલ કદ્ર”ની રાત્રે “કાય્યમુલ કદ્ર” નામે ઓળખાતી જગ્યાએ આવી પહોંચ્યા. એ વખતે હ. જીબ્રિલ નાઝિલ થયા અને કુરાને શરીફની આ આયાત કહી (સુ. ૫. આ. ૬૭).
(૭૨-૭૩) "ઓ રસુલ, તારા પરવરદિગાર તરફથી જે સંદેશો તારા તરફ નીચે મોકલવામાં આવ્યો છે તે તું પહોંચાડી આપ અને જો તું તેમ નહિ કરે તો તેનો સંદેશો તેં પહોંચાડયો નથી, અને ખુદા તને માણસોથી બચાવશે.” એટલે કે, ઓ મહમદ, તારા વસીની નિમણુંક કર અને લોકોને કહી દે કે ‘અલી’ ઈમામ છે. જો તું એમ નહિ કરીશ તો તું નબીપણાને યોગ્ય ગણાઈશ નહિ.”
(૭૩-૭૪) ત્યાર પછી હ. પયગમ્બર સાહેબે ઊંટો ઉપરથી કજાવા ઉતારી તેનું એક મિમ્બર બનાવવા હુકમ આપ્યો. ત્યારબાદ હ. અલી (અ.)નો હાથ પકડી મિમ્બર ઉપર લઈ જઈને બેસાડ્યા અને છટાદાર ખુતબો ભણતા ફરમાવ્યું કેઃ “હું ઈમાન લાવ્યો છું ખુદામાં, તેના ફિરસ્તાઓમાં અને તેના રસુલોમાં અને છેલ્લા દિવસમાં.” છેલ્લો દિવસ એટલે શાહે મર્દા (હ.અલી (અ.) અને તેના જાનશીન કે જે મુજબ હ. પયગમ્બર અર્થ કરતા હતા એ મુજબ તેનામાં યાને (અલી અ.)માં ઈમાન રાખવાનું ફરજીયાત છે. ત્યાર બાદ હ. પયગમ્બર સાહેબે ફરમાવ્યું કે: “જેનો હું મૌલા છું તેનો અલી મૌલા છે.” કારણ કે કહેલું છે કે “માત્ર તમારો દોસ્ત ખુદા અને તેનો પયગમ્બર છે વગેરે.”
(૭૫) જે લોકોએ હ. ફાતેમા પાસેથી રસુલે ખુદા તરફથી વારસામાં મળેલું મકાન અને "ફંદક”નો બાગ છીનવી લીધો, જો કે ખરી વાત એમ હતી કે તેમણે યાને (હ. રસુલે ખુદાએ) પોતાની હૈયાતી દરમિયાન પોતેજ આ બધું તેણીને બક્ષીસ કર્યું હતું અને જેઓએ તે છીનવી લીધું તેમનો તેના ઉપર કાંઈ પણ હક હતો એવી તેમની પાસે કોઈ સાબિતી નહોતી, છતાં તેમણે કેટલી હદ સુધી જુઠાણા ફેલાવ્યા હતા અને કાવત્રા કર્યા હતા તેનો કોઈ પણ શખ્સ તોલ કરી શકશે.
(૭૬) સ્ત્રીઓમાં મહાન ગુણવાન હ. ફાતેમાએ શાક્ષીઓ રજુ કર્યા કે, તેમના પિતાશ્રી આ બધું તેમને વારસામાં સોંપી ગયા હતા પણ પેલા નાદાન અને બુરા લોકોએ શાક્ષીઓ કે જેમાં એવા એવા માણસો હતા જેવા કે અમીરૂલ મોમનીન હ. અલી, ઉમ્મે કુલસુમ, સલમાન, બુઝર, સુહાયલ, મીકદાદ, જબીર અન્સારી અને નબી સાહેબના કુટુંબના બધા જણા જેમાં ઉમ્મે અયમાન કે જેને જીન્નત મળશે એવું વચન હ. પયગમ્બરે આપ્યું હતું, તેવાઓ હતા, તેમની સાક્ષીને ખોટી ગણી તેમણે પોતાના મોઢાઓ કાયમની શરમના બુરખા નીચે છુપાવી દીધા છે.
હ. પયગમ્બર (સ.) પોતાના મુખ મુબારકથી વારંવાર ફરમાવતા હતા કેઃ "ફાતેમા મારો તનનો ટુકડો છે અને તેને જે કાંઈ ઈજા થાય છે તે મને થાય છે.”
(૭૭) હ. પયગમ્બર રસુલ (સ.) સાહેબે ફરમાવ્યું કે: “ઓ અલી, ખુદાવંદતઆલાએ ફાતેમા સાથે તમારી શાદી કરી છે અને દહેજમાં આખી પૃથ્વી આપી છે. એથી જે કોઈ જમીન ઉપર ચાલે છે અને ફાતેમા તરફ અભાવ રાખે છે તે ચોરની માફક ચાલે છે.”
(૭૭-૭૮) ઉમૈયા અને અબ્બાસી વંશના ખલીફાઓ માંહેના કેટલાકને એમ લાગ્યું કે “એ ખોટું થયું હતું”. અને તેમણે તેઓશ્રીના વંશજોને એ બાગ પાછો સોંપીને તેમનો હક અદા કરવા ઈચ્છા કરી હતી. આમાંનો પહેલો ખલિફો ઉમ્મર ઈબ્ને અબ્દુલ અઝીઝ હતો. (હી. સ. ૯૯-૧૦૧ : ઈ. સ. ૭૧૭- ૭૨૦) કે જે ઉમૈયાઓમાં મોટામાં મોટો ધાર્મિક (પરહેઝગાર) શખ્સ હતો. તેના બાદ અબ્બાસી ખલિફાઓમાં મઆમુન, મુઅતસિમ અને વસીક હતા. તેમણે હ. ફાતેમાના વંશજોને એ બાગનો કબજો સોંપ્યો હતો. જ્યારે (ખલીફા) મુત્તવકીલનો વારો આવ્યો ત્યારે તેણે તેમની પાસેથી પાછો લઈ લીધો પણ (ખલીફા) મુ-તાદીદે તેનો કબ્જો પાછો સોંપ્યો વળી ખલિફા મુસ્તફીએ તે પાછો લઈ લીધો અને મુક્તદીરે ફરી તે પાછો સોંપ્યો.
(૮૧-૮૨) ઘણી વખત એવું બને છે કે (ઈમામ) પોતાના મુરીદોને મોહમાં નાંખી દે એવા કાર્યો કરે છે અને જો ખુદા ન કરે ને મુરીદો તેના કાર્યો માટે ટીકા કરે તો, તેઓ મહાન મોહજાળમાં ફસી પડે અને તેના ગુસ્સાના ભોગ થઈ પડે. કોઈ કોઈ વખત તે પોતે પોતાના ખરા (હકીકતી) સ્વરૂપમાં દેખાય છે. તેના મુરીદો કે જેઓ હકીકતી દુનિયાના છે તેઓ તેનું એવુ સ્વરૂપ જોઈ શકે છે. પણ જેઓ આ ભૌતિક જગતને લગતા હોય છે તેઓ ‘હકીકત’ (કેવળ સત્યને) તે સમજી શક્તા નથી અને એ (સમજવું) જ્યાં સુધી અશક્ય છે, ત્યાં સુધી તેનો ભેદ તેઓ પામી શક્તા નથી.
(૮૨) જે કોઈ શખ્સ એમ કહે કે, “ઈમામે આ પ્રમાણે વર્તવું જોઈએ અને તે પ્રમાણે નહિ”. તે પોતે પોતાને એવી સ્થિતીમાં મુકે છે કે, જેમ જાણે તે એમ કહેતા હોય કે: “હું મોહિકક યાને કેવળ સત્ય છું અને ઈમામોએ મારા કહેવા મુજબ વર્તવું જોઇએ.” આ મુજબ તેને ઈમામ ઉપર ઈમાન નથી હોતું.
(૮૪) સાચો મઝહબ મઝહબે ઈસમાઈલીયા છે. આ લોકો પોતાના ઈમામે ઝમાનના કાર્યો તરફ નથી જોતાં પણ ઈમામ જે મુજબ ફરમાન કરે તે મુજબ વર્તે છે. કારણ કે શીષ્ય અને ગુરૂ વચ્ચેનો સંબંધ જીભ અને કાન વચ્ચે જેવો સંબંધ છે તેવો છે. અથવા ઓરત મર્દના જેવો છે. કાને જીભ પાસેથી શિક્ષણ લેવાનું છે. અને ઓરતે મર્દ પાસેથી બીજ લેવાનું છે.
એ ઉપરાંત શરીયત એ ભૌતિક દરજ્જો છે અને તરીકત અને હકીકત રૂહાની દરજ્જા છે.
"કર્મ” એ ભૌતિક જગત સાથે સંબંધ રાખે છે. જ્યારે “શબ્દ” એ રૂહાની જગત સાથે સંબંધ રાખે છે. આ હકીકતી કોમે ભૌતિક જગત કે જેની સાથે શરીયતને સંબંધ છે તેને વટાવી ગયેલ હોવાથી અને રૂહાની જગત કે જે હકીકતની દુનિયા છે, ત્યાં સુધી પહોંચી ગયેલ હોવાથી તેમની આંખો શબ્દ યાને “રૂહાની જગત” તરફ વળેલી હોય છે.
રૂહ સંબંધમાં કુરાને શરીફ (સુ. ૧૭, આ. ૮૫)માં ફરમાવવામાં આવેલ છે કે: “કહે, રૂહ મારા પરવરદેગારના હુકમ (અમ્ર)થી છે.” અને ખુદાવંદતઆલા ફરમાવે છે કે, રૂહ અમ્રની દુનિયાને લગતો હોવાથી તે હૈયાત છે. કારણ કે અમ્ર અલ્લાહ હંમેશા તેની સાથે હોય છે; જ્યારે જ્યારે રૂહનો સંબંધ તેનાથી કપાઈ જાય છે ત્યારે ત્યારે તે તેનાથી જુદો પડી જાય છે અને મરી જાય છે. કોઈને હુકમ (અમ્ર) કરવો તે શબ્દ (કોલ)નું રૂપ હોય છે નહિ કે કર્મ (ફલ)નું રૂપ; હુકમ (અમ્ર)નો અર્થ ફરમાન કરવું તે છે. લોકો કે જેઓ ફકત મઝહબના જાહેરી સ્વરૂપને વળગી રહેતા હોવાથી તેમના જમાનાના મુહિકક યાને સત્યના ધારક એટલે ઈમામનું ફરમાન મેળવી શકતા નથી. તેઓ મુડદા જેવા છે, અમ્ર તેમના તરફ આવતો નહિ હોવાથી, - તેમનામાં રૂહ હોતો નથી અને તેથી તેઓ મરેલા છે.
(૮૬) શિષ્યે પોતાના ગુરૂના બોધ કાર્ય (કે જે સમજવામાં તે ભુલ કરતો હોય છે) તેની નુકતેચિની કરવી જોઈએ નહિ પણ તેણે તો પોતાના રહેબરના બોલ મુજબજ વર્તવાનું અને રહેબર ગમે તે જાતનું ફરમાન કરે તેણે - આવું ફરમાન કેમ કર્યું ? શા માટે કર્યું ? એવા સવાલો કર્યા વગર-ફક્ત પાલન કરવાનું છે.
ઈમામ તેમના ઉપર જે જે કસોટીઓ યાને અઝમાયેશ નાખે, તેમાંથી પાર ઉતરવાને તેઓ મક્કમ હોય છે.
(૮૬-૮૭) કુરાને શરીફ (સુ. ૨, આ. ૧૫૫ થી ૧૫૭)માં ફરમાવેલ છે કે: "અને ખચિત અમે કાંઈક બીકથી અને ભુખથી અને દૌલત અને દેહ અને ફલના યાને ઔલાદના નુકશાનથી તમારી અઝમાયેશ કરીશું અને ધિરજવાનને ખુશીના સમાચાર આપ કે જેઓ જ્યારે તેઓની ઉપર કાંઈ મુશિબત આવી પડે છે ત્યારે કહે છે કે ખરેખર અમે ખુદાને (આધીન) છીએ. અને ખરેખર અમે તેની તરફ પાછા ફરનાર છીએ. આવા લોકો ઉપર પોતાના પરવરદિગાર તરફથી સલવાત અને રહેમત છે. અને તે તેઓ છે કે જેઓ ખરે રસ્તે દોરવાયા છે."
(૮૮) ૧ - અહલેતઝાદ એ લોકો છે કે જેઓ પોતાને બીજી કોઈ પણ વસ્તું કરતા પહેલા જુએ છે અને ખુદાતઆલાને જોતા નથી, આ કુફ્રપણાની હાલત છે. આ લોકો અહલેતઝાદ યાને ધર્મ વિરૂધીઓ છે અને તેઓ ખુદા એક છે એમાં યાને તવહીદમાં ઈમાન કદીપણ રાખી શકનાર નથી.
૨ - આસ્તે આસ્તે આગળ વધતા લોકો યાને અહલેતરતુબ, એ લોકો છે કે જેઓ બેઉને જુએ છે, પોતાને ખુદને અને ખુદાને, અને આ હાલત મુશરીક યાને ખુદામાં બીજાને ભાગીદાર ગણવાની અને મુનાફકપણાની છે.
૩ - જે લોકો એકજ ખુદાની માન્યતાવાળા યાને અહલેવહેદત છે તેઓ (દરેક જગ્યાએ) ફક્ત ખુદાનેજ જુએ છે. બલ્કે પોતાને ખુદને પણ તેઓ જોતા નથી, ...બલ્કે તેઓ ખુદાવંદતઆલામાં બિલકુલ મળી ગયા હોય છે અને ખુદા સિવાયની બીજી કોઈ ચીજની તેઓ કાંઈ પણ કનવાર (પરવાહ) કરતા નથી, અથવા એમાં તેમને જરાએ રસ પડતો નથી. ખુદાની હસ્તી આગળ તેઓ પોતાને કાંઈ પણ સમજતાં નથી. આ છે ખુદાવંદતઆલાની વહેદત યાને એકપણામાં, તેજ કેવળ સત્ય છે એમાં, ખુદાઈ રાજ્ય અને ઈશ્વરપણાની ખરી માન્યતા ધરાવનારા લોકોની હાલત !!
એ મુજબ જેઓ અહલેતઝાદ યાને જેઓ ધર્મમાં માનતા નથી તેવા હોય, તેમણે પ્રથમ અહલેતરતુબ યાને આસ્તે આસ્તે (ધર્મમાં) આગળ વધનારાઓની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ; અને અહલેતરતુબે અહલેવહેદતના લોકોનો દરજ્જો પ્રાપ્ત કરવા પ્રયત્નો કરવા જોઈએ અને અહલેવહેદત વાળાઓએ ખુદાઈ એકપણાના બધા દરજ્જાઓ વટાવીને સાહેબે યકીન યાને મજબુત યકીનવાળા થવાની કોશીષો કરવી જોઈએ.
(૯૨-૯૩) મૌલાના શાહ ઈસ્માઈલની ઈમામત સંબંધમાં કોઈને પણ શક નહતો અને મુસા કાઝિમને ઈમામત આપવાનું જાહેર કરવામાં આવ્યું તેજ ક્ષણે મુસા કાઝિમની ઈમામત આપવા બાબતમાં શક ઉત્પન્ન થયો.
(૯૪) “ત્રણસો વર્ષોનાં અંતમાં સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે.” વાળી હ. રસુલ સ.ની હદીશની ભવિષ્યવાણીના કથન મુજબ તેઓશ્રી મગરીબમાં યાને પશ્ચિમ (આફ્રિકામાં) જાહેર થયા. આ (હદીસ)ની મતલબ એ છે કે હ. રસુલ (સ.)ની હીજરત બાદ ત્રણસો વર્ષે ઈમામતનો સૂર્ય મગરીબમાંથી આશકારા થશે. જ્યારે તે નામદાર (ઈમામ મહેંદી) પોતે જાહેર થયા ત્યારે તેઓશ્રીએ મગરીબ અને શામ અને મીસરના ઘણા શહેરો જીતી લીધા અને મહેદીયા શહેર વસાવ્યું અને ત્યાર બાદ મીસરને દુષ્કાળના મુખમાંથી બચાવ્યું.
(ત્યાર બાદ) ....મૌલાના શાહ મોએઝ (હી. સ. ૩૪૧ થી ૩૬૫ ઈ. સ. ૯૫૩થી ૯૫૭) થયા જે નામદારે ઘણી ખ્યાતી મેળવી છે. તેમણે કેરો શહેર વસાવ્યું.
(૯૫) ....મૌલાના શાહ મુસ્તનસિરબિલ્લાહ (હી. સ. ૪૨૭ થી ૪૮૭ ઈ. સ. ૧૦૩૬ થી ૧૦૯૪) ઇમામ થયા.
મૌલાના શાહ નિઝાર કે જેમના ઉપર ઈમામતની નસ થઈ હતી (યાને ઈમામ શાહ મુસ્તનસિરબિલ્લાહે પોતાના બાદ ઈમામ તરીકે તેમની નિમણુંક કરી હતી) તેમણે બાબા સૈયદનાને (પોતાના ફરજંદ— ભવિષ્યના ગાદી વારસ) સુપ્રદ કર્યા હતા અને બાબા સૈયદનાને મુખ્ય હુજ્જત તરીકે નિમવામાં આવ્યા હતા.
(૯૬) મૌલાના શાહ (હસન) અલાજીકરીયા સલામ (હી. સ. પ૫૭ થી ૫૬૧ ઈ. સ. ૧૧૬૨ થી ૧૧૬૬) થયા. તેઓશ્રીએ પોતાના મુરીદોની ગરદન ઉપરથી શરીયતનો તોક કાઢી નાંખ્યો.
મહાન પુરાતન યુગ પછી, એ વખતે ૧,૮૦,૦૦૦ (એક લાખ એંસી હજાર) વર્ષો વિતી ચુક્યા હતા. આ સમય માટે ખુદ હ. રસુલ (સ.) ભવિષ્યવાણી ભાખી હતી. હ. મુસા (કલીમુલ્લાહ) તૌરેતમાં, હ. ઈસા (રૂહ અલ્લાહ) ઈન્જીલમાં, હ. દાઉદ (અ.) જંબુરમાં, હ. ઈબ્રાહીમ (ખલિલુલ્લાહ) પોતાની કિતાબમાં, હ. જરથોસ્ત (પયગમ્બર) “ઝન્દ” કિતાબમાં, બુ. સૈયદ માઅનવીએ પોતાની કિતાબ અન્ગલીયુનમાં જે બાબતોની ભવિષ્યવાણીઓ ભાખી હતી એ બધી અને હ. રસુલની બધી નિશાનીયો મૌલાના શાહ હસન અલા ઝકરીયાસલામના સંબંધમાં સાચી પડી.
(૯૮) ખરેખર તે (ઈમામ) ઉમદા ખાસિયતો, ઉંચ સદગુણો અને ખુદા અને તેની ખુદાઈ તરફ દોરી જાય એવું જ્ઞાન ધરાવે છે. હદીસમાં હ. રસુલ (સ.) સાહેબે ફરમાવેલ છે કે “મારફતે અલ્લાહ યાને અલ્લાહતઆલાની ઓળખાણ તે મારફતે ઈમામે ઝમાન યાને ઝમાનાના ઈમામની ઓળખાણ છે.”
આ છે ખુદાવંદતઆલાની વહેદત (એક ઈશ્વરવાદની) ખરી માન્યતા ધરાવનારા અને રાહે બકા યાને અમર જીંદગી મેળવવાના રસ્તાની કમાલીયતનો દરજ્જો મેળવનારાઓની હાલત ! હાલમાં એ શિક્ષણ, કે જેનો ફેલાવો કરવા બધા નબીઓ અને નેક માણસો અને આપણા મૌલા - જેમના વખાણ, અને જેમના નામનો જય હો અને જેમનો બોલ જગતમાં સદા બુલંદ રહો—જેઓ બધા નબીઓમાં સહુંથી મહાન છે, તેણે આપેલ છે, અને તે તેના સત્યના પ્રતાપે, આ સાચા મઝહબની પધ્ધતિમાં, ખરેખર ચાલુ છે.
આપણા મૌલા તે એકલા છે કે જેના સિવાય બીજા કોઈની આપણને જરૂર નથી. ખરેખર બધું તેનાજ કબજામાં છે. તેનેજ આપણે હિસાબ આપવાનો છે.
યા અલી મદદ