કલામે પીર
પ્રકરણ - ૨
પ્રકરણ - ૨
બઉતેર (72) ફિરકાના સિધ્ધાંતોના ખોટાપણા વિષે.
(પેજ-૨૫) હકતઆલાના “હુજ્જત” કે જે દરેક જમાનામાં, દરેક પ્રસંગે, મોજુદ હોવાજ જોઈએ. જો ખુદાવંદતઆલા તરફથી એજ મુજબ સીધી રહેબરી મેળવતી બીજી પણ અક્કલો હોય તો, સાધારણ બુદ્ધિઓ ઉપર આધાર રાખવાથી, જે પ્રકારનો ગોટાળો થાય, તેવોજ ગડબડ ગોટાળો એથી થઈ પડે. એ મુજબ થાય તો દરેક જમાનામાં ઘણા ધર્મો ઉગી નીકળે અને ક્યા ધર્મને અનુસરવું એ બાબતમાં સાધારણ લોકો વિમાસણમાં પડી જાય. એથી એ જરૂરનું છે કે હંમેશા એકજ મજહબ હોવો જોઈએ અને તે એકજ કે જ્યાં હંમેશાં “હુજ્જત” યાને ખુદાવંદતઆલા અને તેની આજ્ઞાઓની હસ્તીના શાક્ષીરૂપ એક "ઈન્સાન રૂપ"માં હોય.
(૨૬) આપણે પહેલા એ વાતની નોંધ લઈએ કે, દરેક (આસરે) હજાર વર્ષે ખુદાવંદતઆલા એક નાતિક (ધર્મ પ્રચારક) મોકલે છે કે જે પ્રારંભમાં ઉંચામાં ઉંચા અને તદ્દન સત્ય (હકીકતી) મજહબનો બોધ આપવાનું ચાલું કરી દે છે; પણ જ્યારે કાંતો લોકો તેવા બોધનો અસ્વીકાર કરે છે અથવા તેમાં તેમને સમજ પડી શકતી નથી અથવા કુરાને શરીફમાં ફરમાવેલ છે તે મુજબ તકબ્બુરીને લીધે જાણી બુજીને તેની સામે થાય છે, ત્યારે નાતિકને પોતાનો બોધ અલંકારિક ભાષામાં આપવાનું ફરમાન મળે છે. એ ઉપરથી તે, તેના ઉપર બુરખો નાંખી દે છે અને શરીયતના કડક અને સખ્ત નિયમોની સાંકળથી મનુષ્યોના હાથ અને પગ બાંધી લે છે.
નાતિક તે પછી પોતાની બાદ રહેવા માટે એક વસી હંમેશા નીમી જાય છે. વસી શરીયતી અહેકામોના બાતુની અર્થ યાને તાવીલનો રખેવાળ હોય છે. નાતિકે જાહેર કરેલી શરીયત (તંઝીલ) અને વસીના ઇલાહી બાતુની અર્થ (તાવીલ)ના ખુલાસા જમાનાના ઈમામના સીધા ફરમાનોમાં સમાયેલા હોય છે કે, જે (ઈમામ) અઢાર હજાર આલમનો ધણી છે તેના નામ ઉપર સલવાત. આવી શરીયત એ રીતે લોકો વચ્ચે લાંબા કાળ સુધી રહે છે એટલે તેઓ તેને અસલ અને શુધ્ધ સત્ય (હકીક્ત) તરીકે સમજી બેસે છે. તેઓ તેની જાહેરી બાજુમાંથી વધારે ફાયદો ઉઠાવતા આસ્તે આસ્તે બંધ પડે છે.
(૨૭) ત્યાર પછી એક નવો નાતિક મોકલવામાં આવે છે, જે તેના અગાઉના પેગમ્બરની શરીયતને મનસુખ યાને રદ કરે છે. સર્વથી પહેલાં તે હકીકતનો બોધ આપવા માંડે છે પણ જો લોકો ફરી પણ આ બોધ સાથે અનુકુળ થતા નથી, તો તે ફરી પાછા બીજા અલંકારીક રૂઢીના પાયા નાખે છે અને લોકોને સખ્ત શરીયતના તોકથી બાંધે છે. આમ કરવાનું કારણ એ છે કે લોકો કે જેઓ હકીકતનો સિધ્ધાંત સમજવા જેટલી શક્તિ ધરાવતા નથી, તેઓ ઢોર જેવા છે, કે જેઓ ઘાસ અને તણખલા તરફ ખેંચાય છે પણ ફળની ગણના કરતાં નથી. જીદ્દી જનાવરને બાંધવા મજબુત સાંકળની જરૂર હોય છે.
(૨૭-૨૮) નવો નાતિક પોતાની પાછળ એજ પ્રમાણે વસી મુકરર કરી જાય છે. આ સાત હજાર વર્ષનો જમાનો કે જે ૩,૬૦,૦૦૦ (ત્રણ લાખ સાઈઠ હજાર) વર્ષના મોટા જમાનાનો (યુગનો) એક ભાગ બને છે. તેમાંથી લગભગ ૧,૭૦,૦૦૦ વર્ષો જેટલો જમાનો હમણાં સુધીમાં વિતી ચુક્યો છે. આના અંત સમયમાં સાત હજાર વર્ષના છેલ્લા જમાનામાં ક્યામતે ક્યામત યાને મહાન ક્યામત આવનાર હતી. એ દરમિયાન છ નાતિકો થયા; જેમાંના પહેલા હ. આદમ સીલોન યાને સિંહલદ્વિપમાંથી થયા; બીજા હ. નુહ; ત્રીજા હ. ઈબ્રાહિમ; ચોથા હ. મુસા; પાંચમા હ. ઈસા અને છઠ્ઠા હ. મહમદ મુસ્તફા રસુલ (સ.અ.) થયાં, જેમનો દિન આગલા બધાના દીનોને રદ કરે છે, પણ તેના દૌરના છેલ્લા હજાર વર્ષિય જમાનાના છેડે, જે કયામતે કયામત મહાન ઉદય થયો છે તે સંપુર્ણ ઈલાહી (જહુરાત) હતી. તેઓશ્રીએ પોતે ફરમાવેલ છે કે “મારા બાદ મારી ઉમ્મતમાં ૭૩ ફિરકા પડશે તેમાંના બઉત્તેર ફિરકા ગુન્હા અને હાલાકીમાં પડશે. અને તેમાંનો એક ફિરકો નજાત અને શાંતિ મેળવશે.”
(૨૯) કુરાને શરીફનું સ્પષ્ટીકરણ અને તેના અર્થ હ. રસુલ (સ.) અને તેના હકદાર ગાદીવારસ વસી સિવાય બીજા કોઈ સાથે સંબંધ રાખતા નથી અને તેમના નજીકમાં નજીક (સંબંધી) સિવાય બીજો કોઈ વસી થઈ શકતો નથી. હ. રસુલ (સ.) બાબતમાં હ. અલી સિવાય બીજો કોઈ પણ નજીકનો સંબંધી ન હતો.
(૩૦) હ. અલી સંબંધમાં પણ હ. રસુલ (સ.) સાહેબે ફરમાવેલી હદીસો ઘણી છે. દાખલા તરીકે “હું ઈલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે.” અથવા “હ. મુસા સાથે જેવો સંબંધ હ. હારૂનને હતો તેવો હ. અલી (અ.)નો સંબંધ મારી સાથે છે.”
"તમારું ગોસ્ત તે મારૂં ગોસ્ત છે અને તમારું લોહી તે મારું લોહી છે.”
કાયમ, સાહેબે તાવિલ યાને અલંકારિક ભાષાનો અર્થ સમજાવનાર, અથવા તે કે જેની મોજડીયો એક બીજામાં મળી ગઈ હતી, સંબંધી અથવા ગદીરેખુમના બનાવ સંબંધી અથવા કુરાને શરીફની આ આયાત "તાબેદારી કરો અલ્લાહની, તાબેદારી કરો રસુલની અને તાબેદારી કરો તમારામાંના હુકમ કરવાની સત્તા રાખનાર (ઉલુલ અમ્ર)ની” ના અર્થ સંબંધી કોઈ સવાલ કરે તો તેનો જવાબ આ છે.
કોઈએ હ. રસુલ (સ.)ને સવાલ કર્યો કે, “તમારા આ ઉલુલ અમ્ર કોણ છે ?” તેઓ નામદારે આપણા મૌલા હ. અલી (અ.) તરફ આંગળી ચીંધીને ફરમાવ્યું કે (કુરાને શરીફ સુ. ૫ આ. ૫૫), "માત્ર તમારા દોસ્ત, ખુદા અને તેનો પેયગમ્બર છે.” એક વખત હ. રસુલ (સ.)ને પુછવામાં આવ્યું કે "ઈમાન શું છે ?” તેઓશ્રીએ જવાબમાં ફરમાવ્યું કે “હું ઈમાન લાવું છું ખુદામાં, તેના ફિરસ્તાઓમાં, તેના તરફની કિતાબોમાં, તેના રસુલ અને છેલ્લા દિવસમાં.” અહિંયા જે છેલ્લો દિવસ કહેલ છે તેનો અર્થ મૌલાના અલી છે, કારણ કે હ. રસુલ (સ.) કે જે તન્ઝીલ પહોંચાડે છે તે પહેલો દિવસ છે, તેથી વસી કે જે તાવિલ (અલંકારિક ભાષાની સમજણ) આપે છે તે છેલ્લો દિવસ હોવો જોઈએ અને તેમનામાં ઈમાન લાવવું એ ફરજીયાત છે. આ બાબતને લગતી કુરાને શરીફની ઘણી આયાતો અને પુષ્કળ હદીસો છે.
(૩૨) નસ યાને સ્પષ્ટ નિમણુંકનું ખાસ સુચન (શર્ત) ઈલ્મ અને મારિફત વગરની ખિલાફતને નકામી બનાવી દે છે. ખુદાવંદતાલાએ પોતાના કલામે મજીદમાં ફરમાવ્યું છે કે: “ખુદાની મારિફત તે, પોતાના ઝમાનાના ઈમામની શનાખત છે.” કારણ કે ઈમામ ખુદાવંદતઆલાની હસ્તીની સાબિતી હોવાથી હમેશાં હાજર હોય છે અને તેનું જ્ઞાન યાને મારિફતે ઈલાહી, ઈન્સાન જાતને પહોંચાડે છે.
(૩૩-૩૪) આપણી માન્યતા છે કે, ઈમામત એટલે ઈન્સાન જાતની રહેબરી કે જે તેને યાને ઈન્સાન જાતને ખુદાવંદતઆલાની ખરી શનાખત (મારિફતે હકીકી) પહોંચાડે અને તેની સાથેના રૂહાની મેળાપના રસ્તાઓ દેખાડે. દરેક જમાનામાં આવા રહેબરની જરૂરત છે; એમ ન હોય તો ઈન્સાન જાત અજ્ઞાનતામાં અથવા ગુન્હાઓમાં મશગુલ રહી, ખુદાવંદતઆલાની શનાખત ભુલી જાય અને સત્ય અલોપ થઈ જાય. આવી માન્યતાઓથી ખુદાવંદતઆલા આપણને બચાવે.
ખુદાવંદતઆલાએ પણ ફરમાવ્યું છે કે, (કુરાને શરીફ સુરા ૧૭ આ. ૭૧) "તે દિવસે કે જે દિવસે અમે દરેક પ્રજાને તેના ઈમામના નામથી બોલાવનાર છીએ.” અને હ. રસુલ (સ.)મે પણ હદીસમાં ફરમાવ્યું છે કે: “જો એક પળવાર પણ આ પૃથ્વી ઉપર ઈમામ ન હોય તો તે તમામ વસ્તી સાથે ગારત થઈ જાય.”
તેઓ હ. નુહ પયગમ્બર (સ.)નો દાખલો આગળ ધરશે કે, તેઓશ્રી એક હજાર વર્ષ સુધી જીવ્યા હતા જેમકે કુરાને શરીફ (સુરા ૨૯ આ. ૧૪)માં ફરમાવવામાં આવેલ છે કે: "અને ખરેખર અમે નુહને પોતાની કોમ તરફ મોકલ્યો પછી તે તેઓની વચ્ચે એક હજારમાં પચાસ વર્ષ ઓછો રહ્યો”. અથવા એફેશીયન ઉંઘનારાની વાત રજુ કરશે. આના જવાબમાં હું જણાવીશ કે “આ બધું તાવિલી અર્થમાં છે અને તાવિલાતની નજરે તે સમજવું જોઈએ.”
આપણા મૌલા પોતાના વફાદાર મુરીદોને, ....પોતાની મારિફતના નુરથી તેમને જોતાં, વિચારતા અને સાંભળતા બનાવે.
આપણે આપણો હિસાબ તેનેજ આપવાનો છે અને તેજ (ખુદા) આપણા માટે પુરતો છે.
યા અલી મદદ