કલામે પીર
પ્રકરણ - ૧
પ્રકરણ - ૧
સૈયદના શાહ નાસિર ખુશરૂ રચિત,
કિતાબે હફત બાબ (સાત પ્રકરણ) યાને
અનુવાદક: વલીમહમદ નાનજી હુદા
આ કીતાબના લેખક નાસિર ખુશરૂનું જીવન ચરિત્ર.
(પેજ-૯) જ્યારે ખુદાવંદતઆલા અમુક વસ્તું બનાવવાની ઈચ્છા કરે છે ત્યારે તે તેની ઉત્પત્તીનું કારણ ઉભું કરે છે. આ અદના ગુલામનો ઈતિહાસ આ પ્રમાણે છે:
જેવો હું મારો ડાબો અને જમણો હાથ પારખવા શીખ્યો એવોજ અને જ્યાં સુધી ખુદાઈ કિતાબના અક્ષરો અને ઈલાહી ભેદ જે આપણા પયગમ્બર રસુલ (સ.) મારફત આપણને મળેલ છે તે, એટલે કુરાને શરીફ સમજવા શીખ્યો, કે જેનું જ્ઞાન મને મારી દશ વર્ષની ઉમર પહેલા થયું, ત્યાં સુધી મારું દિલ તરેહવાર વિદ્યાઓ શીખવા અને જુદી જુદી જાતના નેકીના કાર્યો કરવા પાછળ પરોવાયેલું રહ્યું.
ત્યાર બાદ હું સાહિત્ય અને વ્યાકરણ શીખવા, મોટી મોટી લુગાતો યાને શબ્દકોષોનો અભ્યાસ કરવા વ્યુત્પત્તિ અને કાયદાની ભાષા અને ખતપત્રોને લગતી વિદ્યા મેળવવા પાછળ ગુંથાઈ ગયો; ત્યાર પછી મેં ખગોળવિદ્યા, રમલ, ભુમિતિ, ઈલ્મે મજીસ્તી, માપણી અને તેને લગતી વિગતોની વિદ્યાઓ હાથ ધરી.
(૧૦) તે બાદ હું મજહબી અહકામો તરફ વળ્યો અને હું કુરાને શરીફ ઉપરની ૯૦૦ તફસીરો જોઈ ગયો અને કુરાન પડવાની કળા મેં હાથ કરી અને બીજી જુદી જુદી વિદ્યાઓમાં પારંગત થવા તેના અભ્યાસ પાછળ હું મંડી પડયો.
બાતુની વિદ્યાઓનું જ્ઞાન મેળવવા અને દુનિયા જોવાના હેતુસર દેલમ દેશ અને હયદરાબાદ જીલ્લો છોડી હું ચાલી નીકળ્યો. ૩૦ વર્ષના ગાળામાં મેં મીસર, બૈઝાનટીયમ, ગ્રીસ અને બેબીલોન જોયા. ત્યાર પછી મેં શરીયત (કાયદા) અને હ. રસુલની હદીસો અને કુરાને શરીફની આયાતોના ખંડન ઉપરની ટીકાઓ અને નાસુખ યાને મનસુખ થયેલી અને હરામ અને હલાલ બાબતોના વર્ણનવાળી બધી આયાતોનો અભ્યાસ કરવાનું કામ હાથ ધર્યું.
કુરાન પડવાની જુદી જુદી તરકીબો જે જુદા જુદા તઆલીમી કેન્દ્રોવાળા શહેરોમાં પ્રચલિત હતી તેનો મેં અભ્યાસ કર્યો. હ. ઈમામ મહમદ બાકર (અ.)ની કેટલીક કિતાબો મને મળી આવી જેવી કે “કશફે કબીર” યાને “મહાન સ્પષ્ટીકરણ” અને બીજી “જામીએ સગીર” યાને “ટુંકો સંગ્રહ” તેમજ “શામીલ” યાને “કુલ બાબતોનો સમાવેશ” ની કિતાબ મને જડી અને મારા વડવાઓ ઈમામ અલી ઈબ્ને મુસારિઝાના હાથની લખેલી એક હસ્ત લિખિત પ્રત, ઈમામ મહમદ બિન હસન અસકરીની કૃતિયોમાંથી મને મળી આવી. વળી તે જમાનાના લોકોના વાંચનમાં ઉપયોગી બીજી કિતાબોનું પણ મેં વાંચન કર્યું.
ત્યાર પછી મેં પ્રાચિન કિતાબો એટલે કે હ. મુસા પયગમ્બરની “તોરાહ”, હ. ઈસા પયગમ્બરની "ઈન્જીલ", હ. દાઉદ પયગમ્બરની “જંબુર" અને હ. ઈબ્રાહીમ (અ.)ની કિતાબો (સુહુફ) જે તે જમાનાના લોકોને સંબોધાયેલા ઈલાહી વચનો ગણાય છે, તેનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાર બાદ મને 'શીજુરાનસના શ-મર-કીસ'ની અને યુવાન યહુદી પ્ટેલેમીની કિતાબો મળી આવી જેનો મેં અભ્યાસ કર્યો. આમાં બીજા છ વર્ષ વિતી ગયા. ત્યાર બાદ ઈસ્લામી મજહબને લગતાં શિક્ષણ તરફ પાછા વળતાં, ફિલસુફી, તર્કશાસ્ત્ર, ધાર્મિક અને ભૌતિક ખાસિયતના કાનુનો, મહાન વિદ્વાનોના વૈદક, રાજદ્વારી અને જાદુઈ વિદ્યાના જ્ઞાનમાં મને ભારે રસ પડયો.
જગતમાં એકે વિદ્યા બાકી ન રહી કે જેનો મેં અભ્યાસ નહિ કર્યો હોય, (પછી) તે તોરાહ, ઈન્જીલ, જંબુર કે કોરાન હોય !
બઉતેર વર્ષ સુધી રાત અને દિવસ વિચારશીલ રહ્યાથી, મને ફક્ત એટલી જ ખાત્રી થઈ કે, “હું કાંઈ જાણતો નથી”. “બૈયતે મામુર” અને “ઉમ્રા”ની બે નાની અને બે મોટી એમ ચાર હજ મેં કરી. આ હજો દરમિયાન મારી બધી માલમિલ્કત મેં ગરીબો અને હાજતમંદોને વહેંચી દીધી. મારી આખી જીંદગીમાં કદી પણ રોજુ નહિ છોડતા ચાલું રોજા રાખ્યા. મુસાફરી વખતે કે વિસામો ખાતી વખતે કોઈ તરફ પણ મેં ગુસ્સો કે નારાજગી કદી પણ બતાવી નથી, પણ દરેક સાથે હું વિનયી રહ્યો છું. અહલે તદાદ યાને પ્રખ્યાત નાસ્તિકોના ધર્મ અને તેમના ખોટા સિદ્ધાંતો સિવાય બીજા કોઈ પણ ધર્મ કે તેના સ્થાપકો માટે મેં કદી પણ ટીકા કરી નથી; ટુંકમાં કોઈ પણ માટે હું કદીપણ ખરાબ બોલ્યો નથી.
જ્યારે હું પુખ્ત ઉમ્મરે પહોંચ્યો ત્યારે આ હદીસો "જેણે પોતાને ઓળખ્યો તેણે ખુદાને ઓળખ્યો” અને "દરેક જણ સાચા મજહબ (ફિતરત) ઉપર ચાલવા જનમ્યો છે” મુજબ ખુદાની મારિફ્ત અને તેની બંદગી માટે મારા આત્માને તમન્ના જાગી.
આ વિચારોનો બોજો મારા ઉપર એટલો બધો પડયો કે, તે બોજો સહન ન કરી શકવાથી હું જંગલો અને ડુંગરાઓમાં કેટલીક વખત ચાલ્યો જતો. કેટલીએક વખત કેટલાક લોકો, જેઓ દેખાવે મારા કરતાં જુદા પ્રકારના દેખાતા હતા તેમની પાસેથી મને કાંઈક સધ્યારો મળશે એવા ખ્યાલથી તેવાઓની પાસે જઈ તેમની સલાહો લેતો, પણ એ લોકો મને જાહેરી ઈલ્મ પાછળ મંડ્યા રહેવાની સલાહ આપતા. એમ છતાં આવા ઈલ્મ માટે મેં મારાથી બનતું બધું કર્યું, પણ હું જેની શોધ કરતો હતો, તે એક કે જેની બંદગી કરવી ઘટે તેના તરફનો જે માર્ગ હું ઢુંઢતો હતો તે મને મળી નહિ શકવાથી, હું નાસીપાસની આગમાં વધારે ને વધારે બળવા લાગ્યો;
જ્યા સુધી સહન થઈ શક્યું ત્યાં સુધી જાહેરી અહકામોની પાબંદીથી મને લાભ થયો, પણ મારો રૂહ રડવા અને કહેવા લાગ્યો કે “અમે ઉદાસ છીએ.” અને દિલ બળતું અને કહેતું કે “અમે રડીએ છીએ.” એ મુજબ મારી ફુજુલ વિતેલી જીંદગી ઉપર હું એટલો બધો રડતો કે કોઈ વખત મને એમ લાગતું કે મારો ઉત્સાહભંગ જીવ મારા ખોળિયામાંથી નીકળી જાય છે અને મદદ માટે આજીજી કરે છે અને મારૂં લોહી નિતરતું દિલ, શાંતિ અને આશ્રયની તમન્નામાં, મારી આંખોમાંથી આંસુ વહેવરાવતું.
આ મુજબ દરેક શક્ય રસ્તાઓમાં હું મુંઝાઈ પડયો હતો; “પયગમ્બરોનો આવવાનો હેતું શો હતો ?” “તેમણે કોના માટેનું શિક્ષણ આપ્યું ? અને કોનું જ્ઞાન, મારિફત મેળવવા તેમણે બોધ આપ્યો ?” “અંતઃકરણ અને આત્મામાં વાવવામાં આવેલા ઈશ્કનાં બીજ કેવા છે ?” “બધી મખલુકાતનો ખાલિક કોણ છે ?” અને “જીવ આપનાર તાત કોણ છે ?” “જે ચીજો હસ્તીમાં ન્હોતી તેને હસ્તીમાં લાવવાનો ખરો હેતું શો હશે ?”
"જીવંત પ્રાણીઓના દરેક વર્ગમાં કેટલાએક પ્રકાર બીજા કરતાં ચઢિયાતા છે, અને આ (ચઢિયાતા) પ્રકારોમાં વળી ચોક્કસ રૂપમાં બીજા કરતા ઉચા છે; દાખલા તરીકે હેવાનોમાં સિંહ, પક્ષીઓમાં બાજ, જવાહીરોમાં હીરો અને એ મુજબ બીજી બધી ચીજોમાં છે. ત્યારે હવે મનુષ્ય જાતીમાં હમણાં પુરૂષોત્તમ કોણ છે ? અને તેને કેમ ઓળખી શકાય ?” “અજ્ઞાનનો આ આગાધ ઉંડો ખાડો કે જે ખરેખર દોઝખ છે, તેમાંથી નીકળી જ્ઞાનની કુશાદે જગ્યા કેજે અવિનાશી બહેસ્ત છે ત્યાં કેમ પહોંચી શકાય ?” “કોની રહેબરીથી તેની યાને ખુદાતઆલાની નજદીકી હાંસલ થઈ શકે ?” “આ માહિતીઓ કે જે જગતનો કોઈ પણ શખ્સ ધરાવતો હોય એવું દેખાતું નથી તે એવો કયો દોસ્ત છે કે આપે ?”
કોઈ અજાણ્યો કે જે ખુદાતઆલાને પિછાણતો હોય તેના ઉપરથી ખુદાતઆલાની પિછાણ વગરના હજારો દોસ્તોને ઓળઘોળ કરી દેવાય ! ખુદાવંદતઆલાની મારિફતનો માર્ગ એવો માર્ગ નથી કે જેના ઉપર દરેક વ્યક્તિ પોતાની અકલ અને ક્યાસ (કલ્પના)ના પગો વડે ચાલી શકે ! અક્કલ ફક્ત ખાત્રી પુર્વક એટલું સમજે છે કે, આ માર્ગ, કોઈની પણ તઆલીમ વગર, ફક્ત ક્યાસની મદદથી જડી શકે તેમ નથી.
જો આપણે એમ માની લઈએ કે આ રસ્તો અમુક વ્યક્તિના દિલના ક્યાસની મદદથી મળી શકે છે, તો સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે બુધ્ધિમત્તાના સવાલો સંબંધમાં યાને એક વ્યક્તિને બુદ્ધિ મુજબ ચાલવાની બાબતોમાં દરેક જણ બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલવાનો અને તેને તાબે થવાનો ઈન્કાર કરે છે. દરેક જણ પોતાને માટે પોતેજ નિર્ણય કરે છે. એ ઉપરથી એ ખુલ્લું દેખાય છે કે મારિફત હાંસલ કરવાનો રસ્તો દરેકને માટે જુદો જુદો બલ્કે, એક બીજાનો રસ્તો એક બીજાથી વિરૂદ્ધ હોય, એ મુજબ ખુદા કે જેને પહોંચવાનો રસ્તો દરેક જણ ગોતે છે, તે બીજાઓના ખુદાઓ કરતા દરેક બાબતમાં જુદો હોવો જોઈએ અને આવી રીતે ઘણા ખુદાઓ જણાય.
આવી સ્થિતિના કઢંગાપણા માટે વધુ શું કહેવાનું હોય ? !
આ બધું ધ્યાનમાં લેતાં એ સાબિત થાય છે કે ખુદાવંદતઆલાની મારિફતના સવાલ સંબંધમાં વ્યક્તિગત વિચાર શક્તિએ એવી બુદ્ધિની પાછળ પાછળ ચાલવું જોઈએ કે જે દરેક બુદ્ધિઓમાં સર્વશ્રેષ્ઠ હોય અને જેને ખુદાવંદતઆલા તરફથી ખાસ મદદ મળ્યા કરતી હોય ! તેની મદદ વગર કોઈ પણ વ્યક્તિગત બુદ્ધિ ખુદાઈ જ્ઞાન- મારિફત મેળવી શકતી નથી. આવી બુદ્ધિ તે “અકલેકુલ” છે અને દરેક વ્યક્તિની અક્કલ તેના તાબામાં છે અને એ ખુદાવંદતઆલાની “હુજ્જત” (સાબિતી) છે.
દરેકે દરેક મખલુકાતની ફરજ છે કે તેને ઓળખે. તે હંમેશાં જાહેર હોય છે, કારણ કે જો તે એક પળવાર માટે પણ ગાયબ થઈ જાય તો મખલુકાત, ખુદાવંદતઆલાની હસ્તીની (સાબિતી) ખોઈ બેસે અને પોતાની અક્કલ મુજબ ચાલીને હલાક થઈ જાય અને જો એ મુજબ બને તો ખુદાવંદતઆલા તરફનો ખરો માર્ગ કોઈ મેળવી શકે નહિ અને ગુન્હા અને અધર્મિપણામાં ડુબી જાય.
હ. આદમ, હવા અને લઆનતી ઈબ્લીસની વાતમાં જણાવવામાં આવેલ છે કે (કુરાને શરીફ સુરા ૨. આ. ૩૧ -૩૨) “અને ખુદાએ આદમને સર્વ (ચીઝોના) નામ શીખવ્યા પછી તે (ચીઝો) તેણે ફિરસ્તાઓ પાસે જાહેર કરી દેખાડી. પછી કહ્યું કે તમે આ (ચીજોના) નામની મને ખબર આપો, જો તમે સાચું કહેતા હો.” ફિરસ્તાઓએ કહ્યુ કે “તું પાક છે, તેં અમને જે શીખવ્યું છે તે સિવાય અમને કાંઈ જ્ઞાન નથી.”
એવું વર્ણવામાં આવેલ છે કે આ નામો બાબતમાં હ. આદમે ફિરસ્તાઓને તઆલીમ આપી અને તેમણે તે નામો જાહેર કર્યા. તેમજ આ વાત કે જેમાં વર્ણવવામાં આવેલ છે કે “અને જ્યારે અમે (ખુદાતઆલાએ) ફિરસ્તાઓને કહ્યું કે “આદમને સિજદો કરો” અને તેમણે ફક્ત ઈબ્લીસ સીવાય બધાએ સિજદો કર્યો.” તેણે (ઈબ્લીસે) ખુદાવંદતઆલાના પાક નુરને સિજદો કર્યો નહિ. “તે જીન્નોમાંથી હતો અને તેણે પોતાના માલિકના ફરમાનનો સામનો કર્યો” (કુરાને શરીફ સુ. ૧૮ આ. ૫૦). તે અસલ જીન હોવાથી અને પોતાની અસલીયત માટે મગરૂર હોવાથી, તેણે ખુદાવંદતઆલાના “નુર”ને સિજદો કર્યો નહિ અને તેના ઉપર હંમેશના માટેની શિક્ષા ફરમાવામાં આવી.
પણ ઈલાહી ફરમાન મુજબ એ નુર દુનિયામાં હસ્તી ધરાવે છે. હ. આદમે એક પાપ કર્યું પણ તે ખુદાવંદતઆલા તરફ એમ કહેતો પાછો ફર્યો કે “હે અમારા પરવરદિગાર, અમે બન્નેએ અમારા પંડ ઉપરજ ઝુલમ કર્યો છે. (કુરાને શરીફ સુ. ૭ આ. ૨૩)” અને ખુદાવંદતઆલાએ તેમનો પશ્ચાતાપ કબુલ ફરમાવ્યો. હ.આદમે પાપ કર્મ કર્યા પછી ખુદાતઆલા તરફથી તેમને અમુક શિક્ષણ આપવામાં આવ્યું જેમાં ત્રણ પવિત્ર “કલમા” હતા, કે જે ઈલાહી તખ્ત અર્શની કમાનો ઉપર લખેલા હતા, કે “લાઈલાહા ઈલલ્લાહ મહમદન રસુલિલ્લાહ, અલી યુલ્લાહ વ ફાતમા બિન્તે રસુલિલ્લાહ”. ત્યાર બાદ (એ કલમો પડ્યા બાદ) હ. આદમની તોબાહ કબુલ ફરમાવવામાં આવી.
આ ઉપરથી સમજાય છે કે, આ "કલમા” ખુદાવંદતઆલા તરફથી જાહેર કરવામાં આવ્યા હતા; અને ઈબ્લીસ (તેના ઉપર લઆનત હોજોની) વાત ઉપરથી, કે જેમાં તેણે એમ કહીને વાંધો ઉઠાવ્યો હતો કે, “તે મને આગમાંથી પેદા કરેલ છે અને તેને તેં માટીમાંથી પેદા કરેલ છે”. (કુરાને શરીફ સુ. ૭ આ. ૧૨) એ દેખાઈ આવે છે કે અક્કલ ચલાવનારાની અટકળો ખરાબી નિપજાવે છે.
જ્યારે ખુદાવંદતઆલાએ આદમને સિજદો કરવા તેને હુકમ ફરમાવ્યો ત્યારે તેણે ના પાડી અને કહ્યું કે “હું અગ્નિની પેદાશ છું અને આદમ માટીની પેદાશ છે અને આગનો પદાર્થ માટીના પદાર્થ કરતાં ચઢિયાતો છે અને ઉંચે નીચને નમવું જોઈએ નહિ.”
(આ મુજબ) જેણે પહેલ વહેલી અક્કલ ચલાવી તે ઈબ્લીસ હતો. તેના ઉપર લઆનત હોજો ! તેણે કહ્યું કે ફક્ત ખુદાતઆલાનેજ સિજદો કરી શકાય”, અને તેજ કારણે તે હંમેશના માટે તે લઆનતી ઠર્યો. ખુદાએ કહ્યું "ત્યારે તું ત્યાંથી બહાર નીકળ. ખરેખર તું હાકી કઢાયેલો છે અને ખરેખર તારા ઉપર મારી લઆનત, બદલો આપવાના દિવસ સુધી છે.” (કુરાને શરીફ સુ. ૩૮ આ. ૭૭-૭૮).
હવે આપણે મુળ વર્ણન ઉપર આવીએ. આ મુજબ મને ખાત્રી થઈ કે, “ખરેખર, મેં કાંઈ પણ જ્ઞાન મેળવ્યું નથી.” હું બીલકુલ લાચાર અને ફિકરમંદ બની ગયો અને કુરાને શરીફની આ આયાત વારંવાર બોલવા લાગ્યો કે (કુરાને શરીફ સુ. ૨૭ આ. ૬૨) “બ્લકે (તે ખુદા વધારે સારો છે) કે જે નિરાધાર માણસને જવાબ આપે છે, જ્યારે કે તે તેને બોલાવે છે, અને દુઃખ દુર કરે છે”. અને તે પછી આપણા મૌલા કે જેના નામ ઉપર સલવાત પડી, સીજદો કરૂ છું તેની દૈવી કૃપાના આકાશમાંથી દયા અને મદદનો સુર્ય એકાએક ઝળહળી ઉઠયો, કે જેણે આ અણું જેટલા તણખલાને પોતાના ઈશ્કની હવામાં ઉંચે લઈ લીધો.
એક વખત હું એક એવી મીજલસમાં જઈ ચડ્યો કે, જ્યાં ખુદાઈ મારિફતની વાતો થતી હતી, દરેક જણ કાંઈક ખરી હકીકત કહેતા હતા અને દરેક જણ પોતાની સમજ મુજબ એ બાબત વિષે પોતાના વિચારો દર્શાવતા હતા. મને ઘણો અફસોસ થયો અને ઉના ઉના આંસુ મારા ગાલો ઉપરથી નીચે વહેવા લાગ્યા. “લોકો શા માટે ફોકટની માથાઝીક કરતાં હશે ? તેઓ શું શોધતા હશે ? તેઓ ખરી વસ્તુંની શોધ શા માટે નહિ કરતા હોય ? તેઓ પોતાના તરંગો કે જેમાંથી ખુદાવંદતઆલાના ફરમાન (કુરાને શરીફ સુ. ૩૬ આ. ૧૨) "અમે દરેક ચીઝ જાહેર ઈમામમાં ગણી છે.” મુજબ તેઓ જે ઈચ્છે છે તે કદી પણ મળનાર નથી, એની પાછળ ક્યાં સુધી દોડ્યા કરશે ?” મારૂં દિલ આવા ગમગીનભર્યા વિચારોમાં મશગુલ હતું મારો મીજાજ હાથથી જવાની અણી ઉપર હતો અને હું ભારે મુઝવણમાં પડ્યો હતો, એવામાં અચાનક એક શખ્શ ત્યાં દાખલ થયો અને હાજરીનોમાં સામેલ થયો. હું તેને ઓળખી શક્યો નહિ, પણ તેના બાહ્ય દેખાવ ઉપરથી તે કોઈ મોટો પરહેઝગાર શખ્શ હોય એમ મને જણાયું.
મેં જેવો તેને દીઠો કે તરતજ તે કોણ હતો તેની તપાસ કરવાની મને તમન્ના થઈ અને તે જે કાંઈ બોલતો હતો તે હું ધ્યાનથી સાંભળવા લાગ્યો. તેણે જે કાંઇક થોડું કહ્યું તે ઉપરથી કોઈપણ સમજી શકે કે તે જીવન અને અખંડ હૈયાતીના જળના ભેદથી વાકેફ છે. મારા દિલે મને કહ્યું કે “તારા હાથમાં ગુંચવાયેલા કોકડાના દોરાનો છેડો આવ્યો છે, તેને હાથમાંથી સરકી જવા દેતો નહિ. તપાસ કર, અને એ માણસનો પીછો પકડ્યા વગર તેને છટકી જવા દઈ, મોકો ગુમાવતો નહિ.”
(૨૦) જેઓ ઉંચે જતા હોય તેનો કમર પટો મજબુત પકડી રાખજે.
શાણાઓની એ શિખામણને ભુલી જતો નહિ.
જેવો તે શખ્સ મિજલસ છોડી ચાલ્યો, તેવોજ મેં મક્કમ વિચારથી તેનો પીછો પકડયો. મેં તેને પુછયું,
"ફિરસ્તાઈ ખ્વાસના ઓ મર્દ, ત્હારું નામ શું છે ?, તું ક્યા લોકમાંથી છે ? અને તું ક્યાં જાય છે ? હું બિમારી ગમગીનીથી સંપુર્ણ ભરેલો છું. મને મારૂં દર્દ દફે કરે એવી દવા જોઈએ છે. મારી બિમારી વિચિત્ર છે. તે નથી માથાનો દુઃખાવો કે નથી નબળાઈ કે નથી તાવ કે તરીયો ! જમીન ઉપરની કોઈપણ ચીઝ તેને નાબુદ કરી શકે એમ નથી, કારણ કે તે એક આકાશી બિમારી છે.”
જ્યારે તેણે મારો માંદલો ચહેરો જોયો ત્યારે તેણે મને તરતજ ઔષધ આપ્યું એમ કહીને કે: "એ તારા લાભની વાત છે કે અમે ખુદાવંદતઆલા તરફના હકીમો હોવાથી, કોઈ પણ પાસેથી કોઈ પણ જાતનું મહેનતાણું લેતા નથી. અમે ગંદો ખોરાક નહિ, પણ તાજુ પાણી છીએ, પણ તું મને કહે તો ખરો કે આ તારી માંદગી ક્યાંથી આવી ?”
મેં તેને જવાબ આપ્યો કે:
"મારી માંદગી આ પ્રમાણે આવી: મને ખ્યાલ થયો કે ખુદા એક છે અને પયગમ્બર એક છે અને તેથી બીજા બધા ધાર્મિક પેશવા (ઈમામો) ખોટાં અને નકામા હોવા જોઇએ.”
(૨૧) તેણે કહ્યું :
“હા, એમજ છે અને ખરા ધાર્મિક પેશવા ઈમામ, સાચો મઝહબ અને હક(તઆલા)ના ખરા હુજ્જત ફકત એક જ છે. અને ખુદાતઆલા તરફથી ઉતરેલી કિતાબ એક છે. મારૂં નામ બાબા સૈય્યદના છે. આ ઈલાકા જઝીરામાં મારી નિમણુંક એટલા માટે કરવામાં આવેલી છે કે, હું તેમને એક રસ્તો બતાવું કે જેનાથી તેઓ ઈમામે ઝમાન (તેમના નામ ઉપર સલવાત)ની શનાખત હાંસલ કરી શકે; અને મહાન હુજ્જત (હુજ્જતે આઝમ)ના દિદાર કરે અને તેમના ફરમાન સાંભળે અને એમ કરીને તેઓ પોતાની આવતી ઝીંદગીમાં અવિનાશી બહેસ્ત મેળવે.”
મેં તેની સોબતમાં કેટલોક વખત ગાળ્યો અને મને તેથી મોટી મદદ મળી અને આખરે જગત અને જગતજનોના સરજનહાર ખુદાવંદતઆલાના મહાન હુજ્જત, આલમના બાદશાહ અને માલિકનો ઉમરો ચુમવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. આ જે કહેવામાં આવ્યું છે તે એમના માટે જ છે, જેમ કે “ખુદાવંદતઆલાએ પ્રથમ જે ચીઝ ઉત્પન્ન કરી તે તેનું નુર યાને હ. રસુલનું નુર હતું” વળી બીજી જગ્યાએ કહેલું છે કે “ખુદાવંદતઆલાએ જે ચીઝ પહેલા ઉત્પન્ન કરી તે 'અક્લ’ (અક્લેકુલ) હતી.”
જે કોઈ પોતાના બંદાઓને રોજી પુરે છે, તે પોતાના બંદાઓના બધા હાલ ઉપર નજર રાખે છે.
(૨૨) એ મુજબ મહાન ધણી મૌલાના શાહ મુસ્તનસિરબિલ્લાહ (તેમના નામ ઉપર સલવાત અને સલામ)ની હજુરમાં પેશ થવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું.
મને ભારે માન અને અતિ મહેરબાની ભર્યો આવકાર મળ્યો. હું એક ધુળના રજકણ જેવો હતો કે જેના ઉપર આફતાબે પોતાના ગૌરવની ઉંચાઈએથી રોશની ફેંકી. મારા તરફ પ્રતિષ્ઠાભર્યું વર્તન રાખવામાં આવતું અને તેમાં રોજબરોજ વધારો થતો ગયો અને ખોરાસાનના મુખ્ય દાઈ તરીકેની મારી નિમણુંક કરીને મને સારા માન અને મહેરબાનીથી નવાજવામાં આવ્યો. એ બાદ હું કાફો નુનના માલિક (સર્જનહાર)ના દરબારમાં થોડો વખત રહ્યો.
એક પ્રસંગે ઈમામે હુજ્જત અને દાઈયોનો દરબાર ભર્યો ઈમામે પોતાના ફરમાન મુબારક દરમિયાન બાબા સૈય્યદનાને પુછ્યું કે “બદકશાન કોના હસ્તક સોંપીયે” ? મારા દાદા બાબા સૈય્યદનાએ આ અદના ગુલામનું નામ આપ્યું. જેવી મૌલાના ઈમામે મારા તરફ નજર કરી તેવું જ મારું દિલ નુરથી ભરાઈ ગયું અને હું બેહોશ જેવો બની ગયો તેઓશ્રીએ માયાભરી રીતે મને ફરમાવ્યું કે: "સૈય્યદના નાસિર, અમે તારી બદકશાનના હુજ્જત (પીર) તરીકે નિમણુંક કરીયે છીએ. ખુદા તને મદદ કરે !”
(૨૩) મેં પુર્ણ તાબેદારીભરી રીતે જમીનને ચુંબન કર્યું અને મારા માટેની સુચનાઓ લીધી અને બલ્ખ થઈને બદખશાન જવા રવાના થયો. મેં ઈશારો કર્યો અને ટેકરીઓ મને ભેટવા દોડી આવી. આ ઈમામનો મોજીઝો હતો.
એ મુજબ જે પ્રમાણે દરેક ઈન્સાનની બાબતમાં જે નિર્માણ અને નક્કી થયેલું હોય છે, તે બને છે તેમ બધું બન્યું, નહિ તો એક અદના ઈન્સાનથી શું બની શકે ? એટલે મારે સત્ય મજહબ ઈસમાઈલી દીનના પ્રચાર કાર્યનો વિકાસ કરવાનો હતો. જેમ ખુદા ચાહે છે તેમ બને છે અને જે માટે ખુદાની ઈચ્છા નથી થતી તે કદી પણ બનતું નથી.
હવે, મૌલા કે જે મહાન અને સર્વ શક્તિમાન છે તે મારા મગજમાં જે કાંઈ સુજાડશે તે બધું આ કિતાબમાં આ અદના ગુલામ લખશે. ખરેખર, તે બધા મદદગારો અને સહાયકારોમાં સર્વથી શ્રેષ્ઠ છે તેનેજ આપણે હિસાબ આપવાનો છે અને તે એકલોજ આપણા માટે સંપુર્ણ છે, યા મૌલાના !
યા અલી મદદ