Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૨ તારવણી

રેકોર્ડીંગ - ૨

રેકોર્ડીંગ - ૨

0:000:00

હક મૌલાના ધણી સલામત સરકાર સુલતાન મોહમ્મદશાહ હાઝર ઈમામે ફરમાવ્યું:

(પેજ - ૧૨૫) ફરમાનો મિસાલ "અસા" યાને લાકડી માફક છે. જે લાકડી તમને ટેકા અને મદદરૂપ છે.

(૧૨૬) કરાંચીના મર્હુમ વારસની મહેમાનીમા ફરમાવ્યું, વારસ બસરીયા, વારસ રહીમ અને વારસ રહીમની માતાએ અમારી ઘણી ખિદમત કરી છે. વારસ રહીમે અમારી ખિદમત, ઈશ્ક, મહોબ્બત અને દિલોજાનથી કરેલ છે. તે માટે ઘણી દુઆ-આશિષ ફરમાવીએ છીએ.

હંમેશા એ ત્રણેય અમારા ખ્યાલમાં જીવતા છે. અને હંમેશા યાદ કરીએ છીએ, જો કે એ ત્રણેય આ ફાની દુનિયા મૂકી ગયા છે. પણ તે અમારા દિલમાં હૈયાત છે. ખાનાવાદાન.

(૧૪૮) ઊંચા ખ્યાલ રાખો, ઈન્સાન છે તેનાથી ભૂલ થશે. જ્યારે ઈન્સાન નાની ભૂલ કરે છે. ત્યારે અમે મોઢું ફેરવી લઈએ છીએ, પણ લીફ્ટ જેવડી મોટી ભૂલ સજાને પાત્ર છે.

(૧૫૩) મિજલસમાં હાજરી ઓછામાં ઓછી પચાસ ટકા હોવીજ જોઈએ , તમે સવારમાં વહેલા ઉઠીને અમારૂં નામ લ્યો છો, ઈબાદત કરો છો. તેથી તમારો આખો દિવસ નુરાનીમાં જાય છે.

(૧૫૫) ખ્વાહેશ દેખાડે તેને આપણો મઝહબ દેખાડવો, મઝહબ અનાદિનો છે. તેમાં સુધારો થઈ શકતો નથી.

(૧૫૬) દરેક મોમને પોતાને મીશનરી સમજવાની ફરજ છે.

(૧૬૦) દરેક પંજેભાઈ પોતે મિશનરી છે.

(૧૬૫) અમે રંગુન જમાતને હંમેશા દુઆ કરીએ છીએ માટે સંતોષ પકડો. જુઓ કે બાજ પક્ષી પક્ષીઓનો રાજા કહેવાય છે. તે પક્ષી પોતાની જરૂરત જેટલું જ ખાય છે, અને વધુ ખાવા જતા તેને મરણને શરણ થવું પડે છે.

કુદરતે તમારા માટે જેટલું નિર્માણ કર્યુ હોય, તેમાંજ સંતોષ માનો; વધુ લેવા જતા નુક્શાનીમા ઉતરી જશો. ખાનાવાદાન.

(૧૬૮) રીક્રીએશન મીશન ખાતામા અભ્યાસ કરતા આફ્રિકાના વતની એક ભાઈને ફરમાવ્યું: સર્વે પોતાના ખ્યાલથી ફરમાનની માયના કરે છે; તમે હકીકી માયના કાઢો. ખાનાવાદાન.

તમે અમારા રૂહાની બચ્ચાંઓ છો, અઝીજ છો. કામ એવા કરો કે મિસાલ જેમ એક બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય, તમે એવા કામ કરો.

અમે હંમેશા કચ્છ જમાતની યાદમાં છીએ. કચ્છમાંથી એક હકીકી સાચો મોમન નીકળે તો દુનિયામાં તેના જેવો કોઈ મોમન નીકળી શકતો નથી.

(૧૮૪) તમે ઘણા નસીબવાળા છો કે સવારે જમાતખાને આવો છો અને અમારા દિદાર કરો છો.

અમારા આ ફરમાનો તમારા હાલના સંજોગો માટે દવા છે. તે બરાબર ખાશો તો ફાયદો થશે. નહિતર ઝેર થશે.

(૧૯૩) આખરતની વાત દુનિયાના માબાપ કરતા દીનના માબાપ વધારે જાણે છે. જ્યારે તમારો ઈશ્ક એવો થશે ત્યારે બધું સાથે સારૂ થઈ રહેશે; કારણ કે આપણા ધર્મનો પાયો ઈશ્ક ઉપર રચાયેલો છે.

(૧૯૪) અમારો મઝહબ રૂહાની છે. અહીયાં લાકડી કે પથ્થરનો મઝહબ નથી, પણ રૂહાની મઝહબ છે. ઘણી દુઆ આશિષ ફરમાવીએ છીએ.

અમારા એક ફરમાનના ઘણા અર્થ નીકળે છે. માલેવાજબાત એ દારૂગોળો છે. તેનો અર્થ કરીને સમજાવવું એ તમારૂ કામ છે.

દરેક ફરમાનની તમારી અક્કલથી માયના કરો, એક માણસ એક અર્થ કરે, ત્યારે બીજો, બીજો અર્થ કરે વધુ માણસો વધુ અર્થ કરશે.

(૧૯૫) કુરઆને શરીફના પણ એવી રીતે ઘણા અર્થ થયા છે. ઈમામના ફરમાનની પણ તેવીજ રીતે માયના કરવામા આવતી હતી.

(૧૯૭) તમે હંમેશા ખુશીમાં રહેજો, અને તમારો ચહેરો હંમેશા હસતો રાખજો. એવા ગુણો કોમનુ નુર છે. અને એ અમારો ફ્લેગ છે.

(૨૦૦) અમારા ફરમાનની જીસ્માની માયના કાઢો તેમજ રૂહાની માયના પણ કાઢો. જેવી રીતે સફરચંદ જાહેરમાં બંધ છે, અંદર ખાવાની વસ્તુ જુદી છે. બહાર જુદું છે. બહારનો સ્વાદ જુદો છે. અંદરનો સ્વાદ જુદો છે.

(૨૦૮) મઝહબની ખુબી પહેલા સમજાવો, ઈસ્લામ મઝહબ સારો છે. તેમાં ઈસમાઈલી મઝહબ તારીફ લાયક છે. બીજા મઝહબો આમતેમ થયા. પણ ઈસમાઈલી મઝહબની રસી બરાબર છે, હઝરત નબી સાહેબથી સીધે સીધી ચાલી આવે છે. આ ખુબી જવાનીયાઓના મગજમાં બરાબર બેસાડો.

(૨૧૨) અક્કલ કરતા હિંમત વધુ કરવી તે સારૂ નથી. અમારા ફરમાન વાચજો, અને હજમ કરજો, જ્યારે અમારા ફરમાન ઉપર વિચાર કરશો, હજમ કરશો ત્યારે રૂહાની, જીસ્માની અને દુન્યવી ફાયદો જોવામાં આવશે.

(૨૧૮) દીની બહેતરી માટે અમે તમને એક વાત કહીએ છીએ તેમાં બધુ સમાઈ જાય છે.

બધાથી મહત્વની વાત એ છે કે મા, બાપ, માલ અને જાન કરતા પણ મહંમદ અને અલીના ગાદીવારસ ઉપર તમારૂં ઈમાન મજબૂત રાખજો, મહમ્મદ અને અલીના વંશ જેઓ બિરાજે છે. તેના ઉપર પ્યાર રાખશો તો તમને દુનિયામાં કોઈ ડર રહેશે નહિ, આ એક ફરમાનમાં ઈબાદત બંદગી અને મઝહબની બધી ખુબીઓ આવી જાય છે.

દુનિયા એવી છે કે જ્યાં હાજર ઈમામની હસ્તી જરૂર હોવી જોઈએ. ખાનાવાદાન.

યકીન કરજો કે જ્યારે તમે જમાતખાનામાં આવો છો ત્યારે વાયરલેસની માફક તમારો પ્યાર અમને પહોંચે છે. તમારો રૂહાની ઈશ્ક અમારાથી દૂર નથી. અમારો રૂહાની ઈશ્ક તમારા પર એથી વિશેષ છે. હમણા છો તેના કરતા પણ બીજી દુનિયામા તમે અમારી વિશેષ નજીક હશો.

(૨૨૦) વાએઝની બદલીમા અમારા ફરમાનો વાંચી, તેની માયના કરશો અને તે પ્રમાણે ચાલશો, તો ઘણો ફાયદો થશે.

(૨૨૫) તમે તમારા હાજર ઈમામ પ્રત્યે ઈશ્ક રાખો તેથી ઉત્તમ બીજું કંઈ નથી. તમે મૌલાના ઈશ્કમાં હંમેશા મદહોશ રહો, ઈમામે ઝમાનના ફરમાન હંમેશા નવા આવે છે. તમે છેલ્લા ફરમાન ઉપર અમલ કરો, આ આખરતનું ફરમાન છે.

(૨૩૮) વજીર ડાહ્યાભાઈ સબંધી ફરમાવ્યું: મર્હુમ વારસે ઈસ્લામનું ઘણું સારૂ કામ કર્યું. ઘણાને દીનમાં લાવ્યા. એવણની કબર પાસે ગુલાબનું ઝાડ રોપજો, ગુલાબ છે તે ગુલે મુહમ્મદ છે. ખાનાવાદાન.

(૨૩૯) માલેવાજબાત બરાબર હશે તો કદીપણ નુકશાન નહી થાય. ખાનાવાદાન.

(૨૪૦) અમે હમેશાં તમારી મિજલસમાં હાજર છીએ. જેમ તમારી પાસે હમણા બેઠા છીએ, તેજ માફક અમે મિજલસમાં હાજર હોઈએ છીએ.

(૨૪૮) ઈત્માદી સબ્જાઅલીએ પોતાની રૂહાનીનું બળ હજારો માણસોને તેમજ બહારની કોમને દેખાડેલ છે. આપણા મઝહબની રૂહાની માયના બીજી કોમને તેણે દેખાડેલ છે.

ઈત્માદી સબ્જાઅલી હકીકતી મોમનનો અમલદાર હતો. દુનિયામાંથી રહેલત કરી ગયો છે. તેથી દુનિયાને ઘણું નુકશાન થયું છે. પણ તેની પોતાની રૂહાનીને ઘણો ફાયદો થયો છે. એ હકીકતી ખુશહાલીમાં ગયો છે.

(૨૫૪) એક બાઈની રૂહાનીની મહેમાનીમા ફરમાવ્યું: એ બાઈ અમારી હજુરમાં છે. અને તમે ખાત્રીથી માનજો કે તે ખુદ પોતે જ અમને મહેમાની કરે છે . અને એ પોતે અહીં હાજર છે. ખાનાવાદાન.

(૨૫૬) અમે તમને સચ્ચાઈના બીજ આપેલા છે. તેનો ફાયદો ઉઠાવવો એ તમારા હાથમાં છે. તમે તેના ફળ ચાખો. અમારા ફરમાનની સ્પીરીટ યાને તાત્પર્ય સમજો. અમે તમને બી આપ્યા છે. અને રસ્તો બતાવ્યો છે તે તમે ભૂલી જતા નહિ.

જ્યારે તમે મિજલસમાં આવો ત્યારે સુંદર બાગમાં બેસી ઘણા ઉંચા ખ્યાલ રાખજો. તમે તે વખતે આસમાની બાગનો ખ્યાલ રાખજો. ખાનાવાદાન.

(૨૫૭) અમે દુઆ કરીએ છીએ અને રસ્તો પણ બતાવીએ છીએ. અમે જે રસ્તો બતાવ્યો હોય, તે રસ્તા પર ચાલવાથી દુઆ કામ આવે છે. ખાલી દુઆ કામ આવતી નથી.

ગોંદિયાના એક ભાઈ ગુજરી જવાથી તેના માટે ફરમાવ્યું, મર્હુમ અમારી હુઝુરમાં છે. અમે એને ઓળખીએ છીએ. એણે એક વખત પોતાની બિમારી માટે અરજ પણ કરી હતી. જે અમને બરાબર યાદ છે. તે અમારી હુઝુરમાં છે. જન્નત કરતાં પણ વધારે દરજજે છે. અને ઘણીજ ખુશીમાં છે. તમે પણ ખુશીમાં રહો. ખાનાવાદાન.

(૨૫૯) દરખાનાના સુબુહના પંજેભાઈઓને ફરમાવ્યું; તમે સવારના જમાતખાનામાં આવો છો. તે અમારી હુઝુરમાં આવો છો, જમાતખાનામાં અમારા દિદાર કરો છો, સવારના અમારા નુરાની દિદાર કરો છો.

ઈત્માદી સબ્જાઅલીએ અમારી એવી ખિદમત કરી છે કે તેને મરણ બાદ પીરનો દરજ્જો અમે આપ્યો છે. બીજા પણ જો એ મુજબની ખિદમત કરશે તો તેને પણ એવો દરજજો મળશે.

અમારી ૫૪ વર્ષની ઈમામતના વખત દરમ્યાન એકજ જણને અમે આવો દરજ્જો અર્પણ કર્યો છે. ખાનાવાદાન.

જેમ એક દિકરી પોતાના માવિતરનું ઘર યાદ કરે છે. તેમ જમાતખાનું એ તમારા પિતાનું ઘર છે. મા બાપનું ઘર છે. તે અમારૂં ઘર છે.

(૨૬૪) અમે સેંકડો વખત ફરમાવ્યું છે; કે ગેરહાજર રહેતા પંજેભાઈઓને ક્રિશ્ચિયન મિશનરીઓની માફક ઘરેઘર જઈ સમજાવો અને મિજલસમાં આવવા ભલામણ કરો.

(૨૬૫) ઈબાદત બાતુની કરો, કદી દેખાવથી કરતા નહિ, કોઈને દુ:ખ આપતા નહિ. જે હકીકતી છે. તેણે બાતુની ઈબાદત કરવી જોઈએ.

(૨૬૬) ભાવનગર જમાત મોમન છે. વેલસી, ધનજી, ઈસા વારસ, દાઉદ ખાનમામદ જેવા લોકો મોમન થઈ ગયા છે.

પચાસ સાઠ વર્ષ ઉપર ગડબડ હતી, ત્યારે તેઓએજ વાવટો પકડી રાખ્યો હતો. જો તે વખતે હિંમત નહિ કરતે તો અર્ધી જમાત પણ નહિ હોતે.

તમે પણ એવા કામ કરો કે પાછળથી ઈમામ તમારા નામ યાદ કરે. ૫૦ વર્ષ પછી તમારા નામ પણ લેવાય એવા કામ કરો. શાબાશ. ખાનાવાદાન.

(૨૬૮) તમે લોકો કહો છો કે "દુઃખ છે. દુ:ખ છે. તો તેની અમે તમને દવા આપીએ છીએ. તે દવા તમે લ્યો અને તે દવા માલેવાજબાત છે. ફરમાન પ્રમાણે વર્તતા શીખો.

(૨૭૬) અમે ધોરાજીના મર્હુમ આલીજાહ કાસમ બુધવાણી માટે ફરમાવીએ છીએ, "આલીજાહ કાસમ માટે જે બન્યું છે. તેથી તે શહીદને દરજ્જે ગયો છે. જેવી રીતે હ. ઈમામ હુસેન (અ.)ના વખતમાં જે શહીદ થયા તે પ્રમાણે મર્હુમ ઈમામના માટે જાન આપેલ છે. તેથી તેના કુટુંબીઓએ હવે તેના માટે ગમ કરવો જોઈએ નહિ. મર્હુમ ઘણો નસીબદાર હતો કે, તેણે જાન આપી અને શહીદોમાં મળી ગયો.

જે શખ્શે આ કામ કર્યું છે. તેને દિલોજાનથી માફ કરવું. તેને માફ કરવાથી ડબલ સવાબ થશે અને એમ કરવાથી એના કુંટુંબીઓને પણ ડબલ ફાયદો થશે.

મર્હુમને મોકો મળી ગયો કે પોતાના મઝહબના માટે તેણે જાન આપી.

(૨૭૭) રૂહાની ઈબાદત છોડશો નહીં, તમે હંમેશા બાતુની ઈબાદત ચાલું રાખજો.

(૨૮૦) જ્યારે તમે અમારો ખ્યાલ કરશો, ત્યારે તમારામા રૂહાની પાવર આવશે અને તમને નુરાની, જાહેર, બાતુન દિદાર થશે. ખાનાવાદાન.

(૨૮૯) જે કામ અમે સોંપીએ તે હોંશીયારીથી પોતાની યથાશકિત પ્રમાણે જોખમદારી સમજી સેવા કરે. જોખમદારી ભરી વધુ સેવા કરનાર અમારી વધુ નજદીક છે.

તમે મઝહબી કામ કરો છો, મઝહબી કામમા કે ખિદમત કરવામા ફળની આશા નહિ રાખવી જોઈએ. અમારી ખિદમત દિલો જાનથી કરવી એ ઘણું સારું કામ છે. મઝહબી કામ સાથે લેક્ચર કરવા અને સલાહ દેવી એ સારી વાત છે.

(૨૯૯) જેઓ બંદગી કરે છે. તેઓની તો અમે નજીક છીએ, જેઓ ઈબાદત બંદગી કરે છે. તેઓને હંમેશા યાદ કરીએ છીએ. તેમજ જેઓ નથી કરતા, તેઓને પણ યાદ કરીએ છીએ, જાહેર અને બાતુનમાં હંમેશા તેઓના ખ્યાલમાં રહીએ છીએ.

(૩૦૧) દુનિયાની આબાદીની જરૂર છે. પણ આકબતની આબાદીની તેથી પણ ઘણી જ વધુ જરૂર છે. દુનિયાના કામકાજની જરૂર છે. પણ આકબતના કામકાજો તેથી પણ વધુ જરૂરના છે. તે ભુલવું જોઈએ નહિ.

દરેક મઝહબમાં આકબત માટે ચોક્કસ દવાઓ બતાવવામાં આવેલ છે, આપણો ઈસમાઈલી મઝહબ ઘણો જ જૂનો છે. અને તેની આકબતની દવા, બાતુની પાકાઈ અને સફાઈની જરૂર છે.

અંગ્રેજ, જર્મન, ફ્રેન્ચ ક્રિશ્ચિયનો અને ઈરાની વિગેરેની માતબર કિતાબોમાં તેમજ પ્રોફેસરોના પુસ્તકોમાં આપણા મઝહબની તવારીખ, સિધ્ધાંતો અને દરેકના વર્ણનો બરાબર કરવામા આવેલ છે, અને તેઓ બરાબર જાણે છે કે આપણો મઝહબ શું છે. તેઓ એ પણ જાણે છે કે ઈમામ શું છે, અને તેની તાબેદારી કેવી રીતે કરવી જોઈએ. તે તેઓ બરાબર જાણે છે.

તમે મૌલાના હાઝર ઈમામને ફકત જીભથી પિતા કહો તેથી કંઈ ફાયદો નથી. જેમ દુનિયાના માવિતરોનું લોહી અને ગોશ્ત ઈન્શાનના બદનમાં છે , તેવી જ રીતે રૂહાની પિતાનું તમારા રૂહમાં છે. જેથી તમારે સમજવું જોઈએ કે, તમે રૂહાની પિતાના રૂહાની બચ્ચાંઓ છો.

દુન્યવી ઈન્સાફ એક ચીજ છે. અને બાતુની ઈન્સાફ પણ જુદી ચીજ છે. દુન્યવી ઈન્સાફ તમને કોઈ મારશે અગર દુ:ખ દેશે તો તમે કહેશો કે આ માણસે મને આ પ્રમાણે દુઃખ દીધું, પરંતુ બાતુની ઈન્સાફમાં તો પોતે પોતાની જાતને જ એમ સમજે છે કે મેં જ મને દુઃખ દીધુ છે.

તમારી દુનિયાની બહેતરી માટે અમે હંમેશા વિચાર કરીએ છીએ અને તેની જ શોધમાં રહીએ છીએ.

(૩૦૩) આવતી કાલે શુક્રવારી બીજ છે, જે અમે સર્વ જમાતને બક્ષી આપીએ છીએ એટલે આવતી કાલે જમાતમાં કોઈએ બીજ રાખવી નહિ. કારણ કે અમે સર્વ જમાતને બક્ષી આપીએ છીએ. ખાનાવાદાન.

(૩૦૪) ભગત જુમ્માભાઈ ઈસ્માઈલે અમારા ઘરની ઘણી સારી સેવા બજાવી છે. આફ્રિકામાં 1905માં મિશન મંડળ સ્થાપવામાં એમણે ઘણી મેહનત કરેલ અને મિશનરીઓનો પાયો તેઓએ નાખ્યો હતો.

(૩૦૮) સાફ સુફ કરનાર બાઈઓને ફરમાવ્યું: તમે આ દુનિયામાં અમારું ઘર સાફ કરો છો, તો ઓલી દુનિયામાં અમે તમારું ઘર સાફ રાખીશું.

(૩૧૦) મોમન હંમેશા જુવાન રહે છે. તે કોઈ દિવસ ઘરડા થતા નથી. મોમનનું દિલ હંમેશા જુવાન છે. તે કદી પણ ઘરડું થતું નથી.

(૩૧૧) અમે અમારા કોઈપણ ઈસમાઈલી મુરીદને ગરીબ જોવા ઈચ્છતા નથી.

(૩૧૨) અમે હંમેશાં રાત અને દિવસ તમને યાદ કરીએ છીએ અને હંમેશા દુઆ આશિષ ફરમાવીએ છીએ. તમારા દુન્યવી મા બાપો તમને ભૂલી જતા નથી. તો રૂહાની પિતા તમને કેમ ભૂલી જાય ? રૂહાની પિતાનો રૂહ બહુ જ જોરાવર છે. અને તેવીજ રીતે રૂહાની પિતાનો ઈશ્ક પણ ઘણોજ વધારે છે. ખાનાવાદાન.

(૩૧૬) જમાતખાનું સાફસુફ કરવાવાળી બાઈઓને ફરમાવ્યુ: જેવી રીતે તમે અમારૂં ઘર યાને જમાતખાનું સાફ કરો છો. તેવી રીતે તમારૂં દીલ હંમેશા સાફ રહેશે.

(૩૨૧) અમારા ફરમાનની તારવણી કરી જમાતને સમજણ પાડવી એ મિશનરીઓનું ખાસ કામ છે.

(૩૨૨) તમે વરસાદ અને તડકામા તકલીફ અને મહેનત લઈ અતરે આવ્યા છો, તેનો બદલો તમને બન્ને જહાનમા મળશે.

(૩૨૨) બરકતનો તાવીજ હોય ન શકે, પણ તમે કરકસર કરો, નવા કપડા લત્તા, બુટ વગેરેમા ઓછું ખર્ચ કરો તેમજ સિનેમા અને મૌજ શોખનો ખર્ચ બંદ કરો, તમારી આવક કરતા ખર્ચ ઓછું રાખો તો મૌલા તમને જરૂર બરકત આપશે.

(૩૩૦) આ ફરમાનો કાનથી સાંભળી પેટમાં હજમ કરવાના છે. એક કાનથી સાંભળી બીજે કાનથી કાઢી નહિ નાખજો.

(૩૩૫) તમે દરેક કામ કરતી વખતે હિંમત રાખો. તમારા અભ્યાસમાં બહુજ હિંમત રાખી આગળ વધો. તમે જ્યારે અભ્યાસ કરતા હો ત્યારે આજુ બાજુના બીજા કાંઈ પણ વિચારો કર્યા સિવાય જે પાઠો ચાલતા હોય તે ઉપર જ પૂરે પૂરું ધ્યાન આપો.

(૩૩૮) અલબત્ત ખુદાવંદતઆલાએ બીમારી મોકલી છે પણ સાથે સાથે મનુષ્યને અક્કલ પણ આપેલ છે. તેથી આવા વખતે બીમારી અટકાવવાના ઉપાયો લેવા અને તેનો સામનો કરવો જોઈએ.

(૩૪૭) અમારા ફરમાનોનો દરેક પોતાની અક્કલ પ્રમાણે અર્થ કરી વાએઝ કરે. અમારા ફરમાનોની પીરોના ગીનાનોની સાથે સરખામણી કરી વાએઝ કરશો તો અમને ઘણો આનંદ થશે.

અમે ઘોડાને પાણી પાસે લઈ જઈએ છીએ. પણ ઘોડો પાણી ન પીએ તો અમે શું કરીએ ? પાણી ન પીવાથી તેને જ નુકશાન છે. અમારા ફરમાનો સાંભળી ત્રીજા ભાગના માણસો તેનો અમલ કરી બહારગામ નીકળી ગયા એટલે કે ત્રીજા ભાગના માણસોએ પાણી પીધું અને બે ભાગના માણસો પાણી પીધા વગરના રહી ગયા.

(૩૪૯) આ અમારા છેવટના ફરમાન છે. હજી પણ જો અમારા ફરમાન નહિ માનો તો પછી પાણી સૂકાઈ જશે પછી અફસોસ કરવો નકામો છે.

યા અલી મદદ