કલામે ઈમામે મુબીન ભાગ-૨ તારવણી
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
હક મૌલાના ધણી સલામત સરકાર સુલતાન મોહમ્મદશાહ હાઝર ઈમામે ફરમાવ્યું:
(પેજ - ૧) "જે હકીકતી દીદાર છે. તે તમારા દિલમાં છે. અલહમ્દોલિલ્લાહ જાહેરી દીદાર તમે આજે કરો છો.
અમે તમારાથી ઘણા રાજી છીએ. તમે મિજલસમાં ભેગા થાઓ છો તેથી ઘણા રાજી થઈએ છીએ.
જે મોમન છે, તે અમારી આંખોની બરાબર છે. જે મોમન હકીકતી છે . તેના દિલમાં અમારૂ રહેઠાણ છે. હંમેશા અમારૂ દિલ તમારા દિલમાં છે.
તમે એમ નહિ સમજો કે સાહેબ ખુરશી પર બેઠા છે. તેમ નથી સારા અમલ કરનાર અને હકીકતીના દિલમાં અમે છીએ, પણ તેમાં બે શરતો છે.
(૧) ઈમાન સાફ હોય.
(૨) અમલ સારા હોય, તેના દિલમાં અમે છીએ.
ખાનાવાદાન.
(૨) તમે ઘણા સારા છો. જેમ એક ડોક્ટર નાડ તપાસી ને કાંઈ દરદ ન હોય તો દવા લખી ન આપે. તે પ્રમાણે તમારામાં ખરાબી ન હોવાથી અમે તમને દવા નથી આપતા.
હકીકતી મોમન છે તે કોઈથી ડરતો નથી, ફક્ત ખુદાથી ડરે છે. ખુદા સિવાય કોઈથી ડરવું ન જોઈએ.
અલહમદોલિલ્લલાહ, અમે જોઈએ છીએ કે તમે બધી ચીજમાં પાક છો, એ કારણથી અમે તમને વધારે ફરમાન કરતા નથી. ખાનાવાદાન.
(૩) જે કોઈ મોમન છે તે ગમે ત્યાં હોય તેનો રૂહ અમારી હકીકી ઔલાદ છે. બધી જમાતોમાં જે મોમન છે, તેના વાસ્તે પણ એમજ છે. ખાનાવદાન.
(૪) કોઈપણ જમાતમાં બિમારી યાને ખરાબીના કામ અમે નહિ જોયા, તેથી અમે ફરમાન કર્યા નથી અને ફકત ખાનાવાદાન ફરમાવ્યા છે. જે કોઈ ખરાબ નથી તેઓને શું ફરમાન કરીએ ? તેઓને ફકત ખાનાવાદાન ફરમાવીએ છીએ.
અમે ખાનાવાદાન ફરમાવીએ છીએ તેનું કારણ એ છે કે તેઓમાં કંઈપણ ખરાબી નથી અને બધા સારા છે.
(૫) આજે અમે એક વાતનો ખુલાસો કરીએ છીએ. તે એ છે કે, કેટલાક માણસો કહે છે કે ઈમામના રૂહમાં અને મોમનના રૂહમાં ફરક નથી અને કેટલાક કહે છે કે ઈમામનો રૂહ અને મોમનનો રૂહ જુદો છે. તેનો ખુલાસો એ છે કે...
જે હકીકતી સાચા મોમન છે. જો તે હૈયાતી સુધી મોમન રહીને ગુજરી જાય તો તેનો રૂહ ઈમામના રૂહમા દાખલ થાય છે, તે પણ મરણ બાદ થાય છે. પણ જ્યાં સુધી મોમનના બદનમાં રૂહ છે. ત્યાં સુધી તે એક થઈ શકતો નથી.
જેમ મીઠા પાણીની નદી દરિયામાં મળી જાય છે. તેજ પ્રમાણે મરણ બાદ મોમનનો રૂહ ઈમામના રૂહમા દાખલ થાય છે, પણ હૈયાતીમા જમીન અને આસમાન જેટલું દૂર છે. મરણબાદ હવાની માફક બીજી હવામાં મળી જાય છે. જેમ વજીર સાલેહ થઈ ગયો તેમ અલબત્તા એક રૂપ થઈ શકાય છે. પણ મોઢેથી નકામું વધારે બોલવામાં કાંઈ ફાયદો નથી.
(૬) વઝીર સાલેહ જેવા ઘણા થોડા માણસો છે. તે ગુજરી ગયો છે. હવે તેને તમે જોઈ શકશો નહિ. કારણ કે તે નુરમાં મળી નુર થઈ ગયો છે. જેવી રીતે નદી દરિયામાં મળી જાય છે. મરણ પછી આ થઈ શકે છે. હૈયાતીમાં નથી બની શકતું. પણ હૈયાતીમાં મહેનત કરવાથી, મરણ બાદ ઈમામ સાથે એક થવાય છે. આ બાબતની એ માયના છે.
અમે જે વજીર સાલેહના વખાણ કર્યા તે ઉંમરમાં ઘણો નાનો હતો પણ તેનામાં તકબ્બુરી નહિ હતી અને જમાતની સલાહ પ્રમાણે વર્તતો હતો તેણે મોટાઈ દેખાડી નથી.
જે ઈબાદત કરે છે અને તક્કબુરી પણ કરે છે. તેના ઉપર લાનતનો તોક પડે છે.
(૬) તમે આ લાઇબ્રરીનું બીજ રોપ્યું છે તો ઈન્શાઅલ્લાહ તેનું ફળ ઘણું સારું નિપજશે. અમે પણ દુઆ કરીએ છીએ કે તમારી લાઇબ્રરીની હંમેશા ચડતી થાય.
(૭) અમે તમને દુઃઆ કરીએ છીએ જે તમારો રૂહ અમારા રૂહ સાથે એક થાય. ખાનાવાદાન.
(૮) તમે જમાત તમારા ફરઝંદ ઉપર જેટલી મોહબત રાખો છો તે કરતા હજાર દરજ્જે અમે તમારા ઉપર વધારે મોહબત રાખીએ છીએ.
જે મોમન છે તે અમારા રૂહાની ફરઝંદ છે. તે અમારા નૂરે ચસ્મ છે.
(૯) જેઓ મોમન છે તે અમારાથી જુદા નથી. તેઓ અમારી સાથે છે. તેઓ અમારી હુઝુરમાં છે. તેઓ અમારાથી જરા પણ દૂર નથી. જેઓ ઈમાનવાળા છે તેઓ હંમેશા અમારી પાસે છીએ.
જેઓ ઈમાનવાળા છે. તે અમારી પાસે છે અને અમારી નજીક છે, જેઓ અમારી નજીક હોય અને તેઓને ઈમાન ન હોય તો તેઓ અમારાથી ઘણા દૂર છે. માટે તમે જીસમને નહિ જુઓ. પણ અમારા નુરને જુઓ.
(૧૦) અમારા આ ફરમાનો કાનેથી સાંભળીને મગજમાં ખુબ યાદ રાખજો.
જે મોમન છે તે હંમેશા આબેશફા પીએ છે, યાને નૂરની પ્યાલી હંમેશા પીએ છે.
ફકત એક મોમન હિંમતવાળો હોય તેને અમે એક લાખ માણસ જેવો સમજીએ છીએ.
(૧૧) તમે અમારા રૂહાની ફરઝંદો છો. તમે અમારા નૂરે ચશ્મ છો. જેમ આરસીમાં મોઢું જોઈએ તેમ અમે તમને મહોબતથી જોઈએ છીએ.
(૧૨) તમે અમારા વ્હાલા ફરજંદો છો. તમને જોઈને અમારી આંખો ટાઢિ થાય છે. તમને ઘણી દુઆ-આશિષ ફરમાવીએ છીએ. ખાનાવદાન.
હમણાં અમે તમને ફરમાન નથી કરતા તેનું કારણ એ છે, જે અમે જોઈએ છીએ કે તમે ઘણા સારા છો, તમારા સર્વે કામથી અમે રાજી છીએ, તમારા સર્વે કામ સારા છે, તેથી અમે તમારા ઉપર ઘણા રાજી છીએ.
(૧૪) અમે તમારા ઉપર ઘણા રાજી છીએ અને દુઆશિષ ફરમાવીએ છીએ જે તમારા માલમાં, ઔલાદમાં, જમીનમા, ઈમાનમા અને તમારી દરેક ચીજમા ઘણીજ બરકત થાય. ખાનાવદાન.
સઘળા નાના, મોટા, જે કોઈ અહીંયા આવ્યા છીએ તે સર્વને ઘણી દુઆશિષ ફરમાવીએ છીએ. તમને જોઈને અમારી આંખો ઠંડી થઈ છે કારણ કે તમે મોમન છો.
બાઈઓ છે તે અમારી દીકરીઓ છે અને મર્દ છે તે અમારા દીકરા છે. જે મોમન શખ્સ ઈમાનદાર છે અને અમારા ઉપર ઈમાન બરાબર છે, તે અમારા ફરઝંદ છે, તે અમારા રૂહાની ફરઝંદ છે.
(૧૫/૧૬) અમારી પાસે જે મેમ્બરો આવ્યા હતા તેઓને અમે એટલા ફરમાન કર્યા છે કે અગર ઈન્સાન હશે તો તે સમજી શકશે, ને એટલામાંજ નહિ સમજ્યા તો તેઓ કદી પણ નહિ સમજશે.
(૧૮) ખુદાવંદતઆલા તરફથી જ્યારે રહેમત ઉતરે છે. ત્યારે અકકલ અને જ્ઞાન આવે છે. અને ત્યારેજ વાએજ કરી શકે છે. ખાનાવાદાન.
(૨૧) તમે બચ્ચાઓ અમારા ફરઝંદો છો. અમારું ઘર છે તે જમાતખાનું છે, તો બચ્ચાઓની ફરજ છે કે પોતાના બાપના ઘરમા આવવામા આળસ ન કરે. હંમેશા આવવું જોઈએ.
ચાંદરાતના પંજેભાઈઓ અમે બનાવ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા અમે પોતે બનાવ્યા છે માટે ચાંદરાતના પંજે ભાઈઓમાં જેઓએ નામ લખાવ્યા છે, તેઓને અમે ફરમાવીએ છીએ: જે હંમેશા ચાંદરાતની મિજલસમા આવતા રહેજો. ચાંદરાતના પંજે ભાઈઓને અમે ઘણીજ દુઆઆશિષ ફરમાવીએ છીએ. ખાનાવદાન.
(૨૪) મોમનની આદત એવી હોવી જોઈએ કે જે રાતના જલ્દી સૂઈ જાય જેથી નુરના વખતે હાજર થઈ શકાય. ફઝીલતનો વખત નુરનો છે તે સચવાય અને દિવસના ધંધાનું કામ પણ સચવાય તેમજ મિજાજ અને તબિયત સારી રહે. ખાનાવાદાન.
(૨૫) હંમેશા સાંજે અને સવારે બંદગી કરજો. દિવસના દુનિયાના ધંધામાં મશગુલ રહેજો તથા રાતના માટે મએરાજની બંદગીમાં મશગુલ થાઓ.
જ્યાં સુધી અમે અતરે છીએ ત્યાં સુધી તમે અમને ઈશ્ક દેખાડશો પણ પાછળથી ઈશ્ક દેખાડજો. અને અમને જમાતખાનાથી જુદા નહિ ગણતા, જેનો બદલો આ દુનિયામાં બરકત અને પેલી દુનિયામાં દિદાર છે.
(૩૨) અગર જો તમે એકદિલ નહિ રહેશો તો અમે ગમે તેટલી દુઆ કરીએ તો ૫ણ તમને ફાયદો થશે નહિ. કારણકે અમારી દુઆ પણ અર્ધા દિલની થશે.
(૩૩) અમારા બદનને નહિ જોતા, અમારા ફરમાન ઉપર ધ્યાન રાખજો.
માનતાઓની બક્ષામણ માટે અરજ કરવામાં આવતાં ફરમાવ્યું : “હમણાં તમને બક્ષિયે છીએ. ભવિષ્યમાં તેમજ કોઈ૫ણ વખતે કોઈની ૫ણ માનતા કરતા નહિ. આ ફરમાન અમે સર્વેને માટે કરીયે છીએ. જમાતખાના સિવાયની કોઈપણ માનતા રાખવી નહિ.”
(૩૬) હાલ તમે જાહેરીમાં અમારી હુજુરમાં બેઠા છો. તેવીજ રીતે પેલી દુનિયામાં એટલે આખરતમાં તમે અમારી હુજુરમાં હશો. તે તમે ખાત્રીથી સમજજો.
જાહેરી દિદાર જે માણસ યકીન વગર એટલે કે ઈત્તેકાદ વગર કરે છે. તેઓને કંઈ પણ ફાયદો નથી, પણ જો ઈમાન હશે અને મહોબ્બત તેમજ ઈશ્ક હશે તો જાહેર દિદાર તેમજ બાતુન દિદાર તેઓને રાત અને દિવસ છે.
કદાચ ઈશ્ક અને મહોબ્બત હશે ને ઈબાદત ઓછી હશે તો કંઈપણ ફિકર નથી પણ ઈશ્ક અને મહોબ્બત રાખવી તો તેમાં ઈબાદત કરતાં વધારે ફાયદો છે.
(૩૯) કોઈ હોશિયાર માણસ હોય તો તેને એક કલમ પણ બસ છે, પણ જે માણસ હોંશિયાર ન હોય તેને રાત દિવસ ફરમાન થાય તો પણ થોડા છે.
ફક્ત અમારૂં બદન જોવાથી શું ફાયદો ? બદન તે સર્વે કોઈ જોઈ શકે છે; માટે બદનને નહિ જોતા ફરમાન તેમ જ હુકમ પર વિચાર કરવો જોઈએ ને અમલ કરવો જોઈએ.
(૪૪) આપણા મઝહબમાં નિકાહ સિવાય બીજી કોઈ રસમ કે રિવાજ વાજબ નથી. નિકાહ સિવાય બીજી રસમો તરત બંધ કરો.
(૬૦) પીરની કબર હોય તો પણ ઈસમાઈલી મઝહબમાં બિલકુલ રિવાજ નથી. પણ અગર કબર પણ હોય તો એક વાત છે કે યાદદાસ્ત રાખે છે.
ઈસમાઈલી મઝહબમાં કબર હોય તો પણ બિલકુલ વાજબ નથી. તે બુતખાનું છે.
(૬૫) બચ્ચાંઓના નામ આપો તે અમારી પેઢીઓમાંથી આપો.
લાંબા લાંબા ભાષણો કરવાથી શું ફાયદો ? પચાસ વર્ષ નેશનાલીસ્ટોએ ભાષણ કર્યા તેમાં શું વળ્યું ? કામ કરો, કામ જોઈએ, વાતો નહિ જોઈએ. ખાનાવાદાન.
(૬૮) અહીં અમે તમારા મહેમાન છીએ, ઓલી દુનિયામાં તમે અમારા મહેમાન છો.
(૬૯) તમારૂં નામ મોમન છે. તેમ તમારા કામ અને આમાલ પણ મોમન જેવા હોવા જોઈએ.
ઈન્શાઅલ્લાહ, જેમ તમે અમારી પાસે બેઠા છો. તેમ પેલી દુનિયામાં અમારી પાસે બેઠા હશો. જેમ અમે તમો બધાને યાદ કરીએ છીએ તેમ તમે અમારી યાદમાંને ઈબાદતમા મશગુલ રહેજો જેથી દીન અને દુનિયામા તેનો બદલો મળશે. ખાનાવાદાન.
(૭૨) પરમાર્થ કરી બીજાને છોડાવવો, એ હજાર વર્ષની બંદગી કરો તે કરતાં વધુ છે. હજાર વર્ષ બંદગી કરો તે કરતા પણ એ કામ મોટું છે.
સો વર્ષ બંદગી કરો તે કરતા બીજા જીવને છોડાવવો એ વધારે છે.
(૭૩) રૂહાની પિતા બધાને રૂહાની બચ્ચાં સમજે છે, માટે શરીર સાથે કાંઈ સંબંધ નથી. રૂહાની પિતાના રૂહાની ફરજંદો છે. તેમ દીનભાઈઓ તે રૂહાની બિરાદરો છે. માટે બદન સામે જોવું નહિ.
આળસ કરીને બેસવું નહીં. કામ કરવું, શીખવું; ઈલ્મ વગર કોઈ કામ થઈ શકશે નહિ. દુનિયાના કામો માટે પણ ઈલ્મ શીખવું જરૂરનું છે. ખાનાવાદાન.
(૭૫) તમારા માટે બે લગ્ન છે. એક જીસ્માની, બીજા રૂહાની.
(૭૭) જે માણસ મોમન છે તેને ઈમાન છે. ઈમાન છે તે ઈશ્ક છે; જેને ઈશ્ક નથી તેણે મોઢું દેખાડવું પણ ફાયદાકારક નથી.
(૭૮) બદનને નહિ જોતા પણ નુરને જુઓ.
(૭૯) દુનિયામાં જેટલા ઈન્સાન છે, તેટલા બધા ભુલ તો કરશેજ ભુલ વગરનો ઈન્સાન નથી. જવાનીમાં તમે જે ભુલ કરી છે તે માફ કરીએ છીએ. હવેથી ખ્યાલ રાખો.
મોમનનો રૂહ સીધો દરિયામાં જ જાય છે. તે કંઈ અહીં તહીં નદીમાં જતો નથી. ખાનાવાદાન.
(૮૧) બયતુલખ્યાલમાં દાખલ થાઓ, અને નહિ જાઓ તો શું ફાયદો ? ડાક્ટર પાસે દવા લ્યો અને નહિ પીઓ તો શું ફાયદો ?
(૮૩) મઝહબી કિતાબો પડો, ફરમાન પડો, તો રોશની થશે.
(૮૫) મિશનરીઓ અને ધાર્મિક સ્કુલના માસ્તરો ઉપર ફરજ છે કે ફક્ત ગીનાન અને ફરમાન શિખવવા તે પુરતું નથી, પણ તેની રૂહાની મતલબ ૫ણ શીખવવી.
આપણો મઝહબ રૂહાનિયતનું તખ્ત છે.
અલહમ્દોલિલ્લાહ, આજે સંભાના દિવસે આસમાન, ઝાડ અને વરસાદની નીચે અમે તમારી મુલાકાત લીધી છે; તમે જીવો ત્યાં સુધી એવી જ રીતે રહેજો. ખુદા ન કરે ને તમને સો વર્ષ પુરા થાય ત્યારે એવી જ રહેમતનો વરસાદ, એવો જ બાગ એવા જ સ્થળે રહેશો.
(૮૭) અમે દુઆ આશિષના તાર મોકલીએ છીએ, તે તારની મતલબ એ છે કે અમે તમને યાદ કરીએ છીએ.
(૯૦) એક ભાઈએ હાજર ઈમામ પાસે અરજ કરી કે મને દુનિયામાં રહેવું ગમતું નથી. મને અસલમાં વાસલ કરો ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું: દુનિયામાં રહો. દુનિયામાં રહીને મોમનના કામ કરો. આ દુનિયામાં પણ મોમન અસલમાં વાસલ થઈ શકે છે. આપણા મઝહબમાં દુનિયામાં રહીને અસલમા વાસલ થવું આસાન બાબત છે, તમે બયતુલખ્યાલમાં દાખલ છો ? દાખલ થતી વખતના હુકમ પ્રમાણે અમલ કરો, તો ઈશ્ક પણ પેદા થશે અને સર્વે બની શકશે. ખાનાવાદાન.
(૯૩) જે ફરમાનો અમે કર્યો છે. તેને જીવતા જાગતા રાખવા એ તમારા હાથમાં છે. તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાનોને જીવતા રાખ્યા ગણાય. તેમ નહિ કરો તો તેને મારી નાખ્યા ગણાય.
(૯૪) રૂહાની ફરજંદો કોણ છે, તેની બે બાબતો છે. એક માલેવાજબાત આપે. બીજી બંદગી કરે યાને દુઃઆ પડે મજકુર બે બાબતો અમારા દીનમાં વાજબ છે. અગર એ બે બાબતો પાળતો નથી તે અમારો મુરીદ નથી.
જમાતખાને જવાથી એકબીજાને જોશો તો તમને પ્રેમ થશે. એક બીજાના રૂહને જોઈ ઘણા રાજી થશો. ખાનાવાદાન.
(૯૬) મઝહબનો સોદો મહોબ્બતનો છે.
આપણો ધર્મ જુની તવારીખથી પુરવાર છે. તે ઈમામ હાકિમ-બી- અમ્રીલ્લાહ તથા અલા ઝિક્રીયાસલામના વખતમાં હતો તેજ છે.
(૯૮)ધર્મ છે તે પ્યારની ચીઝ છે.
(૯૯) જ્યાં સુધી હૈચાતી છે. ત્યાં સુધી હાજર ઈમામ ઉપર દિલમાં ઈશ્ક રાખો. એવો ઈશ્ક રાખો કે તેવાજ ઈશ્કમાં તમારી જીંદગી ખલાસ થાય. એવી રીતે વર્તશો તો ઓલી દુનિયામાં પણ અમારી સાથે હશો.
(૧૧૫) અમારા ફરમાન મખફી છે. તે તમારા માટે રોશની છે. આ રોશનીમાં ચાલશો. તો કદીપણ નુકશાન નહિ થાય. ફરમાનને રાત દિવસ દરરોજ ખ્યાલમાં રાખજો.
યા અલી મદદ