Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી

રેકોર્ડીંગ - ૬

રેકોર્ડીંગ - ૬

0:000:00

ફરમાન નં - ૭૧ થી ૮૬.

(પેજ ૧૮૦) તમારા દીન ઈસમાઇલીને દુરસ્ત કરો એટલે બરાબર ઓળખો. જે હકીકતી મોમનને સતપંથ દીનની સમજ છે, તે કદીપણ શેતાનની બાજી ખાશેજ નહિ.

જે કોઇએ મોટું કામ, એટલે અમારી બૈયત કરી હોય અને બે ત્રણ પગથીયા ઉપર ચડયો હોય, તે અગર ચીન જેવા મુલ્કમાં એકલો જાય, તો પણ કોઇની બાજી ખાશે નહિ. તેના દિલમાં ઈમાનના નુરનો પ્રકાશ હોય છે.

(૧૮૧) તમને કોઇ બાબતમાં શક પડે તો, ઈમાની ભગતને પુછીને દિલમાં શકનો જલદીથી ખુલાસો કરો. તમારૂં દિલ હમેશાં આરસી જેવું સાફ રાખો. તમારા દિલમાં હસદનુ એક ટીપું પણ રાખતા નહિ. અમારા ફરમાનને દિલમાં સાચવી રાખીને તાળું બંધ કરો.

તમારા બધા નેક કામમાં બરકત હોજો ! ખુદાવંદ તમને ઘણીજ બરકત આપે ! ઇન્શાઅલ્લાહ હાલ જેમ તમે અમને વીંટાઇને ઉભા છો, તેમ ઓલી દુનિયામાં પણ તમે અમારી નજીક હો એવી અમે તમો જમાતને દુઆ આશિષ ફરમાવીએ છીએ. તમારા દિલમાં મહોબત વધારતા રહો અને તમારૂં ઈમાન મજબુત રાખો.

(૧૮૨) ઈન્સાન છે તે આદમ અલેહીસલામની ઔલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તાથી પણ વધારે ઉંચો હતો, તે હીસાબ પ્રમાણે તમારો પણ અસલ રૂતબો ફિરસ્તાની ઉપર છે; પણ તમે દુનિયામાં ગુન્હા કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શેતાનની બાજી ખાઓ છો, તેથી તમારો આદમપણાનો રૂહ સંગીન એટલે ભારી થઇ જાય છે.

અલહમ્દોલિલ્લાહ, હાલ તમે સતપંથ દીન ઉપર છો. બીજા બોતેર દીન છે, તે સર્વે બોતેર દીન સાચા નથી, પણ તે સરવે દીનની ઉપર એક દીન છે, તે સાચો છે. તમે તે સાચા દીન ઉપર છો અને સતપંથ ઉપર છો. હવે તમે હિંમત રાખો; એવી હિંમત કરો કે ફિરસ્તા થઇ જાઓ.

તમારા ખ્યાલ એવા રાખો કે, મરવા પછી તમારો રૂહ અવતાર લઇને પાછો ત્યાંથી નહિ વળે અને પાછો દુનિયામાં અવતાર નહિ લીયે; તમે એવી હિંમત કરો કે જ્યારે તમે આ દુનિયા છોડી જાઓ ત્યારે ફિરસ્તા થાઓ.

ઈન્સાન જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે છે, ત્યારે તેના ઉપર ઘણી મુસીબતો હોય છે. તેને માતાના ઉદરમાંથી બહાર નીકળવાને એટલી જબરી મુશ્કેલી પડે છે કે, બહાર નીકળવા તેનું દિલ ચહાતું નથી, મોમનનું પણ એમજ છે.

જે મોમન આ દુનિયા છોડી જાય છે, તેને માટે આ દુનિયા તંગ જગ્યા છે. મોમન આ તંગ જગ્યા છોડીને મોટી કુશાદે જગામાં જવા ઇચ્છે છે. આ બદ જગામાંથી નીકળીને, તેને સારી જગામાં જવાનું છે. એવી જગા પર પહોંચવાની તજવીજ કરો કે, મોટી કુશાદે જગામાં પહોંચો.

(૧૮૩) તમે અરશે અઝીમ પર પહોંચો. અરશે અઝીમ પર તેનાથી પહોંચાય, કે જે પાક હોય છે; માટે તમારૂં દિલ પણ પાક કરો. જો તમારૂં દિલ પાક થાય તો, આ દુનિયામાં તમે અર્શે અઝીમ જોઇ શકશો. કાંઇ પણ દૂર નથી.

જ્યારે અમે તમને હિંમતવાન જોઇએ છીએ ત્યારે અમે બહુ ખુશી થઇએ છીએ. ઈન્શાઅલ્લાહ પેલી દુનિયામાં પણ તમે અમારી સાથે હશો. અમે જ્યારે તમને જોઇએ છીએ ત્યારે, ફુલ જોઇએ છીએ. બાગમાં એક નહિ પણ અનેક ફુલ થાય છે, તેમ અમે તમને ઘણી જાતના ફુલ જોઇએ છીએ. તમે દિલ સાથે ચોકસી કરો કે, કાંટા વગરના ફુલ થાઓ.

વગર કાંટાવાળા ફુલ હિંમતથી થવાય છે.

(૧૮૪) તમે ઈન્સાન થયા અને તમને ઈલ્મ ગીનાનની ખબર ન હોય તો, તમે જાનવર જેવા થયા. આમાં શું ફાયદો હાંસલ થયો ?

(૧૮૫) તમે ખ્યાલ કરો કે, બીજા જેટલા દીન છે, તે બધા જાહેરીના દીન છે. તમારો દીન બાતુનીનો છે. બાતુનીનો દીનજ માણસોને ફાયદો પહોંચાડે છે.

જાહેરી દીન તો હેવાન પણ કરી શકે છે. હેવાનનું મોઢું બાંધીને તેને ખાવાનું નહિ આપીએ, પાણી નહિ પીવડાવે, તો તેનો પણ રોજો થાય છે. ઈન્સાન પણ તેમ કરે તેમાં શું ફાયદો છે ?

જે કોઇ વગર સમજે ઈલ્મ, ગીનાન અને દુઆ પડે છે, પણ તેની માએના નથી સમજતો તે ગધેડા જેવો છે.

તમે એવો હુન્નર કરો કે, જેથી તમારો રૂહ ફિરસ્તા જેવો થાય. તમે આદમ જાત ઈન્સાન છો તેથી તમારા દીનની મતલબ સમજો, જો તમે એટલું સમજો કે, તમારો રૂહ શું ચીજ છે ? તો તમે કોઇની પણ બાજી ખાશો નહિ.

તમારા રૂહનો અવતાર પહેલાં પત્થરથી શરૂ થાય છે. અવ્વલમાં ઈન્સાન માટી તથા પત્થર રૂપે હતો. હાલ તમે ઈન્સાનના દરજ્જે પહોંચ્યા છો. હવે પછી તમે ક્યાં જશો, તેનો ખ્યાલ કરો.

(૧૮૬) જે ઈન્સાન મોમન છે, તેનો રસ્તો સાફ છે. મોમનની ઇચ્છા આગળ વધવાની છે. મોમનની ઉમેદ ફિરસ્તા બનવાની હોવી જોઇએ, ફિરસ્તાની હાલત પછી જે ચીજ છે, ત્યાં જવાનો ખ્યાલ રાખો. તેનાથી વધારે મોટી ચીજ બીજી કોઇ નથી. ઈન્સાન એવી ઉમેદ રાખે કે, તે જગ્યાએ પહોંચે. તે જગ્યા ફિરસ્તા કરતાં વધારે ઉંચે છે.

આવી જગ્યા યાને અસલ મકાન ઉપર પહોંચવાને માટે નામર્દીને જડ મુળમાંથી ઉખેડી નાખવી જોઇએ. હિચકારાપણું છોડી દઇને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે.

તમે એવી નિયત કરો કે, તમારા દીનમાં તથા તમારા ઈમાનમાં રોજ બરોજ વધારો થાય અને તમે સચ્ચાઇ ઉપર તથા હકીકત ઉપર મજબુત થાઓ.

એ તો ખરૂં છે કે, સર્વે જણ ફિરસ્તા થઇ શકતા નથી. બધાજ હ. મુસા તથા હ. ઈસા જેવા તો નહિજ થાય; પણ એક, બે, દશ, સો જેટલા કદમ તમારાથી આગળ વધાય તેટલા વધો તો તમારા હકમાં ઘણોજ ફાયદો છે.

(૧૮૭) હકીકતી મોમનની દોસ્તી કરશો તો ફાયદો થશે.

આ દુનિયામાં અમારા ફરમાન પર બરાબર ધ્યાન રાખશો તો, આ દુનિયા તથા પેલી દુનિયામાં, તમે સારી રીતે રહેશો અને અમે તમારી પાસે રહીશું અને તમારો રૂહ પાક તથા સાફ રહેશે.

(૧૮૮) અગર કોઇ કહે કે, સાહેબ ખ્વાબમાં આવે છે તો તે બધું જુઠું છે. અમે કોઇના ખ્વાબમાં આવતા નથી. તે બધા ઢોંગ છે,

અગર કોઇના ખ્વાબમાં આવે તો પણ તે માણસ બોલતો નથી. કોઇને અમારો લેબાસ, પહેરાવી કહેવું કે 'સાહેબ આવ્યા’ તે બધા ઢોંગ છે. અમે આવતા નથી. એવું જુઠું બોલવું નહિ જોઇએ.

(૧૯૦) તમે ઈન્સાન છો, તો હવે તમારા દિલ સાથે મુકરર કરો કે, આ જમાતખાનું ઘણું મોટું છે, તે હંમેશાં તમો જમાતથી ભરેલું હોય. જમાતખાનું કદી પણ ખાલી હોય જ નહિ. ખાલી રહે તેના કરતાં એને છોડી દઇને નાની કોટડી બનાવો. તમે સઘળા એવી ટેવ પાડો કે જમાતખાનું હમેશાં ભરેલુંજ રહે.

(૧૯૧) તમે ખરૂં સમજજો કે, આ દુનિયામાં, ઈન્સાન માટે બે રસ્તા છે. એક ફકીરીનો રસ્તો તથા બીજો વડાઇનો રસ્તો છે. ફકીરીનો રસ્તો એટલે ફિરસ્તા થવાનો રસ્તો.

તમે ફકીર થઇને ચાલો. જે માણસ પાસે પૈસો નહિ હોય તે ફકીર છે એમ નથી. તેમ જેની પાસે પૈસો હોય, તેની પાસે ફકીરી ન હોય એમ પણ નથી. ફકીરીને પૈસા સાથે કાંઇ પણ સંબંધ નથી, એટલું જ છે કે, જેનું દિલ ફકીર જેવું હોય, તેજ ખરી અને સાચી ફકીરી છે.

(૧૯૨) તમે બધા અમારા મોમન છો. તમે દિલમાં ચોકસી કરો કે અમે હમેશાં તમારી પાસે છીએ.

હઝરત અમીરૂલ મોઅમનીનના વખતમાં એક યવન એટલે બીજા મુલકનો રહેવાશી મુસલમાન હતો, તેણે એક દિવસ, હ. અમીરૂલ મોઅમનીનની હુઝુરમાં આવીને અરજ કરી કે, યા ખુદાવંદ ! હું ઈમાની છું અને તમારા ઉપર મને પુરેપુરો ઇત્તેકાદ છે. બીજા મુસલમાનો જેમ તમને સમજે છે, તેમ હું તમને સમજતો નથી. હું તમને ખુદાવંદે આલમીન ગણું છું અને મારા ખુદાવંદ તરીકે તમે દુરસ્ત છો. આ ઉપરથી હ. અમીરૂલ મોઅમનીને જવાબ દીધો કે, તું યવન પરદેશી છો, છતાં પણ મારા ઉપર તારો આવો સંપૂર્ણ ઇત્તેકાદ છે, તેથી તું મારી હુઝુરમાં છો; પણ જો મારા ઉપર તારો વિશ્વાસ ન હોય અને રાત દિવસ તું મારી પાસે રહેતો હોય, તો પણ તું મારાથી દુર છો. તમે પણ સર્વે જમાત તમારા દિલ સાથે એવી રીતે ચોકસી કરો કે, તમે અમારી પાસેજ હો. અમે તો તમારી પાસેજ છીએ.

(૧૯૩) તમે તમારૂં ઈમાન અમારા ઉપર મજબુત અને પાકું રાખો. તમારો ઇત્તેકાદ, ઈમાન થોડો હોય તે કારણથી બરાબર બંદગી કરો નહિ, તો થોડા વિશ્વાસથી તમને કાંઇ પણ ફાયદો થશે નહિ.

તમે તમારા દિલ સાથે ચોકસી કરો. તમારૂં ઈમાન પહાડ જેવું વજનદાર હોવું જોઇએ. વજનદાર ડુંગરને ગમે તેટલી હવા લાગે છે, તો પણ તે પોતાની જગ્યાએથી ખસતો નથી, તમે પણ તેવાજ મજબુત થાઓ.

હમેશાં ઈન્સાનનો એકજ રંગ હોવો જોઇએ. ઘડીમાં એક રંગ અને ઘડીકમાં બીજો રંગ, એ પ્રમાણે રંગ બદલવા ઈન્સાનને લાજમ નથી. ઈન્સાનને વાજબ છે કે, એકજ સાચા તથા સીધા રસ્તા પર ચાલ્યા જવું. એકજ રસ્તો તમારા દિલ સાથે મુકરર કરો, તોજ આખરે તેનું ફળ મળશે.

તમે ઈબાદત બંદગીની આદત કરો. જો એકવાર તમને ઈબાદતની આદત પડી ગઇ અને તે પ્રમાણે તમે ચાલ્યાજ કરશો તો, તમને જરા પણ શક રહેશે નહિ; પણ જો ઈબાદતની આદત નહિ પાડશો અને સુસ્તી કરશો તો અમારા ઉપર તમારૂં ગમે તેટલું ઈમાન મજબુત હશે તો પણ તમારૂં ઈમાન આસ્તે આસ્તે ખસી જશે એટલે કે તમારૂં ઈમાન જતું રહેશે.

(૧૯૪) દુનિયામાં એક પહેલવાન પોતાના દીનની તાલીમ લીએ છે, તેજ પ્રમાણે ધર્મિ ઈમાની માણસો. પોતાના રૂહની તાલીમ લીએ છે, પહેલવાન ગમે તેટલો જબરો હોય અને ગમે તેટલી કુવ્વત ધરાવતો હોય તો, પણ હંમેશાની તાલીમ છોડી આપશે, તો થોડા દિવસમાં સુસ્ત થઈ જશે એવી રીતે એકાદ વર્ષ સુધી, કસરત છોડી આપશે, તો અગાઉ જેટલી, કુવ્વત હતી તેટલી પાણી થઇ જશે, તેની સુસ્તીને લીધે તેને ઘણોજ ગેર ફાયદો થશે. તે પહેલવાન જોરાવર હતો તેના બદલે, પોકળ અને નાકુવ્વત થઇ જશે,

કસરતની આદત છોડી દેવાથી તે એટલો નબળો થઇ જશે કે, પછી તેને કોઇ માણસ પગ મારશે તો તે પડી જશે; પણ જો તે થોડી થોડી કસરત કરવી ચાલુ રાખશે તો બે ત્રણ વર્ષમાં તે ઘણોજ મજબુત બની જશે. દીનનાં કામમાં પણ એજ પ્રમાણે છે.

ઈન્સાનને પણ વાજબ છે કે, તેણે હમેશાં થોડી થોડી બંદગી ઈબાદત ચાલુ રાખવી; પહેલાં એક માણસને આ ધર્મમાં થોડું ઈમાન હોય. તેવા વખતમાં તે ઈબાદતની તાલીમ લીએ નહિ, અગર થોડી ઘણી બંદગી કરતો હોય તે પણ છોડી આપે તો, થોડા દિવસમાં પેલા પહેલવાનની માફક સુસ્ત થઇ જશે અને શરૂઆતનું તેનું થોડું ઈમાન પણ જલદીથી જતું રહેશે.

ધર્મના કામમાં ટેવ પાડવાની ખાસ જરૂર છે. પહેલાં તો જમાતખાનામાં રોજ જવાની આદત પાડવી. પછી મજલસમાં આવીને તે ટેવમાં વધારો કરો. આ પ્રમાણે તમે ધીમે ધીમે આગળ વધશો. ટેવ પાડશો તો તમને ઘણો ફાયદો થશે પછી તમને કોઇ બાબતમાં શક અથવા વહેમ આવશે નહિ. તેમજ તમે કોઇના ફરેબમાં પણ આવશો નહિ,

ઈન્સાનને વાજબ છે કે, તેણે કોઇ પણ સારા કામની આદત પાડવી અને પોતાની ઈબાદતને મજબુત કરવી. ટેવ પડી ગયા પછી તે ટેવને હંમેશાં કાયમ રાખવી. જો તમે આદત છોડી આપશો તો તમે, પોતાનેજ નુક્શાન કરશો, અને દુઃખી થશો.

(૧૯૬) તમે તમારા ઈસમાઇલી દીન ઉપર મજબુત રહો. જો તમે દીનના ઈલમ, ગીનાનમાં હોશિયાર થયા હો, જો તમે ફિલસુફી બરાબર જાણતા હો, અને જો તમે પોતે પણ જાતે હિંમતવાળા હોશિયાર હો, તો આ સતપંથ એવો ઉત્તમ છે કે, તમે કોઇની પણ બાજી ખાશો નહિ,

જો તમે ફિલસુફી શીખો અને ફિલસુફ થાઓ તો સર્વ બાબતો બરાબર સમજો.

(૧૯૭) જે લોકો ખુદાવંદના મોમન હોય છે, તેમને બૈયત કરાવવાને ઈમામ પોતાના વારસ નીમી જાય છે. મોમનોને વાજબ છે કે, તેઓએ તે ગાદીવારસના ફરમાનો માનવા જોઇએ.

જો વગર ઈમામે આ દુનિયા ચાલે તેવું હોત તો, હ. મુર્તઝાઅલી પોતાને હાથે પોતાની ગાદીના વારસ મુકરર કરી જતેજ નહિ. ફકત કિતાબ કુરાન બસ હોત તો, ઈમામને બેસાડત નહિ અને જ્યારે જામો સફારવામાં આવ્યો ત્યારે, તે જામો મુર્તઝાઅલી પોતાની જ સાથે લઇ ગયા હોત; પણ જેમ તમે જુઓ છો તેમ, એ વાત બીલકુલ મનાતી નથી અને એકલું કુરાન બસ હતું, એ વાત પણ ગલત પુરવાર થાય છે, એ વાત પણ ન મનાય તેવી છે.

વખતો વખત જેમ જેમ કાળ બદલાતો જાય છે, તેમ તેમ કાંઇક પણ નવીન ચીજો બનતી જાય છે. નવી નવી બીનાઓ પ્રગટ થાય છે. જુદી જુદી વખતે જુદી જુદી મુશ્કેલીઓ પેદા થાય છે. દુનિયા પણ બદલતી રહે છે. હજાર વર્ષ ઉપર દુનિયા કેવી હતી ? આજે કેવી છે ? અને હજી બીજા કેટલાક વર્ષ પછી દુનિયા કેવી બદલાઇ જશે ? દુનિયામાં અવારનવાર મોટા મોટા ફેરફાર થતા રહે છે, તેથી દરેક જમાનામાં દરેક જમાનાના ઈમામ હાઝર હોય છે, તે બદલાયેલા વખતમાં તમારે શું કરવું તથા કેમ ચાલવું તે બાબતના ફરમાન કરે છે; વખત પ્રમાણે તમોને શું કરવું લાજમ છે. તે તમને ફરમાવે છે.

આ વખતે અમારા ફરમાન કઇ છે અને બીજા કેટલાક વર્ષ પછી અમારા ફરમાન કાંઇ જુદાજ હશે. આખી દુનિયા બદલાઇ જશે.

(૧૯૮) વગર વિચારવાળા ઈન્સાન, ઈન્સાન થવાને લાયકજ ન હતા.

ઈન્સાન ખ્યાલ કરતો નથી કે, જો મરણ પછી કયામતમાં તે એવો જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરેબ દીધો, તો તે બહાનું કાંઇપણ ચાલવાનું નથી,

તમે ઈન્સાન છો. ખુદાવંદતઆલાએ તમને વિચાર શક્તિ આપેલી છે અને અક્કલ પણ બક્ષિ છે, ત્યારે શા માટે તમે અક્કલ વાપરતા નથી ? અને ખ્યાલ કેમ કરતા નથી ? તમને ઈન્સાનનો દરજ્જો મળ્યો છે, ત્યારે ઈન્સાનના અવતારની કદર જાણો. તમારો ઈન્સાનનો દરજજો એવો છે કે, તમે ફિરસ્તા થઇ શકો છો.

(૧૯૯) કોઇ માણસ પાસે આખી બાદશાહી હોય, એટલે કે તેને ઘેર આખી દુનિયાનું રાજ હોય, તેની પાસેથી બાદશાહી છીનવી લઇને, તેને ફકીર બનાવવામાં આવે તો, તેની કેવી ખરાબ હાલત થશે ? હવે તમે ઈન્સાન રૂપી ઉત્તમ દેહમાં આવ્યા પછી, ફિરસ્તા થવાને બદલે ઈન્સાન મટીને હેવાન જેવા બનશો તો, તમારી પણ એવીજ ખરાબ હાલત થશે.

તમે કાંગવો ભરો છો એટલે કે, તમે અમને કોલ આપો છો કે "સાહેબ અમે તમારો દીન અખત્યાર કીધો છે અને કોઇ પણ વખત તમારા ફરમાનથી બહાર જઇશું નહિ." જે લોકોએ અમને એવો કોલ આપ્યો છે તેના માટે કાંઇ પણ ધાસ્તી નથી.

અમે એવા કોઇ પણ ફરમાન કરતા નથી કે, અમારા કોઇ પણ મુરીદને દુનિયામાં અથવા આખરતમાં નુકશાન થાય.

(૨૦૦) આ દુનિયામાં બે જાતના મોમન છે, જેમાં એક બદનના મોમન છે, તથા બીજા રૂહના છે. જેઓ બદનના મોમન છે, તેઓ અહીંજ રાજી થાય છે, અને આ દુનિયામાંજ રહેવાને રાજી છે. તેઓ આખરે જમીનમાંજ જાય છે, આ વડાઈના મોમન છે, તેમની જગ્યા જમીનમાંજ હોય છે.

એવા પણ ઘણા માણસ છે, જેઓ આ દીનમાં થોડા દિવસ બરાબર ચાલે છે, આગળ કદમ ભરે છે, ઈબાદત પણ કરે છે, એવી રીતે એક કદમ આગળ ભર્યા પછી, પાછા ઉભા રહી જાય છે, તે, જગ્યાએથી બીલકુલ આગળ વધતા નથી. આવા માણસો પણ આખરે જમીનમાંજ જાય છે, અને તેને કાંઇ ફાયદો થતો નથી.

બીજા જે રૂહના મોમનો છે, તે એવા થાય છે કે, દીનના કામમાં તેઓ આગળ અને આગળ કદમ ભર્યા કરે છે. તેઓ ઉભા રહેતા નથી તે, મોમનો નિરંતર આગળ વધ્યાજ કરે છે. આવા માણસો બહેસ્તથી પણ ઉંચે જશે.

(૨૦૧) જ્યારે હ. મુર્તઝાઅલી પ્રથમ મક્કામાં હતા અને લોકોને બોધ આપતા હતા ત્યારે બધા મુરીદો ખેડુત હતા. દાદા આદમના વખતમાં પણ મુરીદો ખેડુતજ હતા. તે લોકોનું બદન ખેડુતનું હતું, પણ બાતુનમાં તેઓ ફિરસ્તા હતા. તમારે પણ તેમના જેવું થવું જોઇએ.

અમને જણાય છે કે, તમારી જમીનમાં બી વાવ્યા છે. તેમાંથી કાંટા નીકળ્યા છે; પણ હજી તેમના પર ઘઉં આવ્યા નથી. તમે એવી સારી રીતે ચાલો કે, તેમાં સારા ઘઉં ઉત્પન્ન થાય, તેની સારી રોટલી થાય અને તે રોટલી તમેજ ખાઓ.

તમને ઈલમ ગીનાન આવડતા હશે, માએના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશાં જમાતખાનામાં નહિ આવો તો કોઇ ચીજ તમને ફાયદો કરશે નહિ. આ મોટી નસિહત છે.

(૨૦૨) જેઓ ધર્મમાં આવજા કર્યા કરે છે, તેઓને ધર્મનો કાંઇ ફાયદો મળતો નથી.

(૨૦૩) ધર્મનો જે ફાયદો લેવાનો છે તે બાતુની છે. જાહેરનો ફાયદો કાંઇ કામનો નથી. અહિંયા તમે અમારી પાસે એક દિવસ બેઠા, તેવીજ રીતે એક મહિનો પણ બેસી રહો તો પણ તમને શું ફાયદો થાય ? તમે એવા નેકીના કામ કરો કે, તમે હમેશાં અમને જુઓ અને હમેશાં અમે તમારા પાસે હાજર હોઇએ.

તમે સારા કામ કરો કે, હમેશાં તમારા દિલમાં બાતુની રીતે અમને જોયાજ કરો. તમે અમને તમારા દિલનાં અંતરના ધર્મથી જુઓ. તમે અમને તમારા દિલમાં રાખો. તમારૂં દિલ ધર્મમાં તથા અમારામાં રાખજો. ઈલમ મજલસમાં હાઝર રહેજો તથા ઈબાદત બંદગીમાં મશગુલ થજો.

જે વખતે આદમ પયગમ્બર થયા, તે વખતે એકજ દીન હતો. શરૂઆતમાં એકજ દાદા આદમ હતો, ત્યારે બીજા કોઇ માણસ નહિ હતા અને તે વખતે દીન પણ બીજો નહિ હતો. પાછળથી જેમ જેમ માણસોનો વધારો થતો ગયો તેમ તેમ દીન વધતા ગયા. તેમાં જે જીવને જે દીન પસંદ પડયો તે દીન તેણે અખત્યાર કરી લીધો.

(૨૦૪) ઉત્તમ બાબતો આ સતપંથ ધર્મમાં છે. અમારા દીનમાં એવા એવા મેવા છે કે, તે મેવા ખાનાર કદી પણ બહાર જઇને ઘાસ ખાતો નથી; પણ એવા મેવા ખાવાને માટે તમારે પાક દિલના થવું જોઇએ.

બીજા બધા દીનમાં એમ લખેલું છે કે, આ દુનિયામાં તમે સારા થઇને ચાલશો તો, મરી ગયા પછી તમને બહેશ્ત મળશે; પણ આપણા દીનમાં તો એવું છે કે, જો તમે ગીનાન શાસ્ત્ર પ્રમાણે સાફ દિલથી ચાલો, ઈબાદત બંદગી કરો, પાક થાઓ, તો તમને જીવતાં તમારી હૈયાતીમાં બહેસ્ત મળે. આ દુનિયામાંજ બહેશ્ત ભોગવો તેજ મોટો ફાયદો છે.

(૨૦૫) તમારી પાસે એક સારો ઘોડો હોય અને તે જુવાનીને વખતે તમને ખુશ કરે, તમને સારી સવારી આપે, તેના ઉપર તમે રાજી થાઓ, તો પછી જ્યારે તે ઘોડો બુઢ્ઢો થઇ જાય ત્યારે, તેની પાસેથી કામ નહિ લેતાં, એક તબેલામાં તેને બાંધી રાખો અને બેઠા બેઠા તેને ખવડાવ્યા કરો, તેને લીલું ઘાસ તથા પાણી આપો, એવી રીતે કે, તે ઘોડો કામ નહિ કરતાં બેઠા બેઠા ખાયા પીયા કરે અને સુખ ભોગવે. આવી રીતે જો તમે બેઠા બેઠા સુખ ભોગવવાની ઉમેદ રાખશો તો, તમારા બહેસ્તના સુખ અને આ ઘોડાના તબેલાના સુખ બન્ને સરખાજ થયા; એટલે કે, બહેસ્ત પણ એક તબેલો જ થયો અને તમે બુઢ્ઢા ઘોડા થયા; માટે તમે ફિરસ્તા થવાની અને તેનાથી પણ ઉંચે ચડવાની ઉમેદ રાખો.

(૨૦૬) આ દુનિયામાં હરેક રીતે એવું સમજીને ચાલશો કે, “હું કાંઇજ નથી” તોજ એવી ઉંચી જગ્યાએ પહોંચશો. દરેક બાબતમાં એમ સમજીને ચાલવું એજ ઘણું મુશ્કેલ છે.

એક માણસ કેટલાક વર્ષ સુધી બંદગી કરે, પછી તેને થોડી મગરૂરી આવે તેથી તે બંદગી કરવી છોડી આપે છે;

વળી કેટલાક મહિના પછી, તે માણસ પાછો બંદગી કરવી શરૂ કરે અને થોડો વખત ચાલુ રાખે, એટલામાં વળી શેતાનના ફરેબથી તેને મોટાઇ આવે અને તે બંદગી કરવી છોડી આપે છે.

કેટલોક વખત ગયા પછી ત્રીજી વાર તે ઈબાદત શરૂ કરે અને તે સાથે પરાયો માલ તથા પારકી સ્ત્રી તરફ બદ ખ્યાલ કરે તે કારણને લીધે તેની ઈબાદત રદ બાતલ થઇ જાય છે;

વળી થોડાક મહિના પછી પાછો તે ઈબાદત શરૂ કરે, આ વખતે પણ શેતાન, તેને બાજી આપે છે તેથી કરીને જે સરકારી માલ તેના હાથમાં હોય તે ખાઇ જાય અગર બીજા ગુન્હા કરે તો તેથી પણ તેની ઈબાદત જમીનમાં મળી જાય છે.

આ પ્રમાણે ઈન્સાન ઈબાદત બંદગી કરી, મહેનત કરતો જાય, અને તે સાથે શેતાનથી ફસાતો પણ જાય, તો તેની મહેનત નકામી જશે;

વળી થોડા વર્ષ પછી તેને મન થાય કે, હું પાછી ઈબાદત શરૂ કરૂં અને વિચાર કરે કે, હવે પછી શેતાનના ફરેબમાં આવીશ નહિ. અને ઈબાદત બંદગી કરી એક મોટો બંગલો બાંધીશ, પણ ફક્ત વિચાર કરવાથી બંગલો બાંધી શકાતો નથી. જો તે લોભ, લાલચ વિગેરે છોડી શેતાનના ફરેબમાં ફસાસે નહિ અને શેતાનને બાજી દેવામાં ફાવવા દેશે નહિ તોજ તેની ઈબાદત કામ આવશે યાને તે બંગલો બાંધી શકશે.

(૨૦૭) તમે તમારા દિલ સાથે ચોકસી કરી, એવી રીતે ઈબાદત કરો કે, તમારી ઈબાદતથી એક મજબુત બંગલો બંધાય, કે જે પાછો જમીનમાં જાય નહિ. તમારા બંગલાનો પાયો ઘણોજ મજબુત કરો, તમારા દીનનો પાયો કુવાની માફક ઘણો ઊંડો હોવાથી, તેનો પાયો મજબુત કરવાને તમારે સખત મહેનત ચાલુ રાખવી જોઇએ અને ધીરજ રાખી તેનો પાયો હાલે નહિ તેવો મજબુત કરવો જોઇએ.

તમારા ધર્મનો પાયો મજબુત કરવા માટે બીજી ફરજો ઉપરાંત પ્રથમ તો તમારે ત્રણ વખતની દુઆ કદી પણ ચુકવી નહિ.

તમને દુઆ પડતા આવડતી ન હોય તો બાર તસ્બી “પીરશાહ”ના નામની યાદ કરી કાઢવી, એટલે તમારી દુઆ કબુલ થશે અને તમે તમારો વખત સાચવ્યો એમ ગણાશે.

આ પ્રમાણે તમારા ધર્મનો પાયો મજબુત થાય, ત્યાર બાદ તેના ઉપર નેક આમાલ રૂપી, પથ્થરા ગોઠવીને બંગલો મજબુત બનાવો. એ બંગલાનો એક માળ બનાવી રહ્યા એટલેથીજ તમે રાજી થશો તો હજી તમે જમીન ઉપરજ છો, ઉંચે ચડયા નથી. તમારો દીન એવો છે કે, આસ્તે આસ્તે તમારા બંગલા ઉપર મજલા પર મજલા બાંધી, તે બંગલાને આસમાન સુધી લઇ જવો જોઇએ.

(૨૦૮) તમે એવા ભારી થાઓ કે ડુંગર માફક, જરા પણ હાલોજ નહિ.

(૨૦૯) દશોંદ આઠમો ભાગ બરાબર આપતા રહેજો. તમારા ખેતરમાં જે પાકે તેમાંથી, રાજા પોતાનો ભાગ લઇ જાય પછી, જે બાકી રહે તેમાંથી આઠમો ભાગ આપજો. ઉધડ આપતા નહિ.

(૨૧૦) જે લોકો કાંગવા ભરીને અમને કોલ આપી, અમારા મુરીદ થયા છે, તેઓએ પોતાનો કોલ કદી પણ તોડવો નહિ. અગાઉ હ. મૌલા મુર્તઝાઅલી તથા નબી સાહેબના વખતથી જ કાંગવા ભરવાનું, એટલે કોલ લેવાનું કામ ચાલતું આવે છે. તે વખતે પણ મુરીદો થતા હતા.

આ સતપંથ દીન ઈસમાઇલીનો એ કાયદો છે કે, દરેક મુરીદે દરેક નવા જામાનો એકવાર ખાસ કરીને જરૂર કાંગવો ભરવો વાજબ છે. દરેક નવે જામે એકવાર પોતાની જીંદગીમાં કાંગવો ભરવો જોઇએ. એકજ જામાના એકથી વધારે વાર કાંગવા ભરવા કે નહિ, તે તેમની ખુશીની વાત છે.

(૨૧૧) જેમ તમે વેપારમાં અથવા બીજા કામમાં સહી કરી કબુલ થાઓ છો, તેમ કાંગવા ભરાવીને અમે તમારા રૂહની સહી લઇએ છીએ.

(૨૧૩) બીજાઓને બેદીન કરનારા મુલ્લાઓ, પોતેજ આપણા દીનમાં આવે છે. આવા મહાન કામ ખુરાસાની મુરીદો કેવી રીતે કરી શકે છે ? ખુરાસાની મુરીદો "ખરા મોમન" છે. તેમનામાં "પુરેપુરૂં ઈમાન", "ખરી ઓળખાણ" અને "પુરેપુરી હિંમત" છે. આવા ગુણોને લીધે, તેઓ કદીપણ શેતાનની બાજી ખાતા નથી.

(૨૧૪) તમારામાં તે હિંમત અને ઈલમ નથી. તમે બેઇલમ તથા બે હિંમત છો, તેથી તમે શેતાનની બાજી ખાઇ જાઓ છો. જો તમારામાં જોઇતું ઈલમ તથા જોઇતી હિંમત હોય, તો તમે પણ સામા આવતા શેતાનને નસાડી શકો.

આ ધર્મ પાળવામાં હિંમત એ મુખ્ય ચીજ છે.

હિંમત રાખવાથી, તમે મહાન કામ કરી શકશો. બીજું એ કે, જો તમને પુરતું ઈલમ હોય, તો તમને ફેરવવા આવનાર બીજા દીનવાળાને બંધ કરવા એક જ શબ્દ પુરતો છે. તે શબ્દ એ છે કે, તમે તેમને પુછો કે, તમારો ઈમામ કોણ છે ? અને તે કયાં છે ? તમારા ઈમામનો રસ્તો બતાવો. તો તેઓ એમ કહેશે કે, અમારો ઈમામ તો જીવતો છે, પણ તે ગેબ થઇ ગયો છે. તો ફરીથી તેમને પુછો કે તમારો ઈમામ ગેબ થઇ ગયો છે, તો તે શું ઈન્સાન જાતથી ડરે છે ? શું તેને માણસોનો ડર છે કે માણસો તેને મારી નાખશે ? ક્યા કારણથી ઈમામ ગેબ છે ? તે સમજાવો.

ઈમામ તો ગેબ થતો જ નથી, ત્યારે તેઓ કારણ શું સમજાવી શકશે ? અને તમારા સવાલોનો શું જવાબ આપી શકશે ? તરત તેઓ આ સવાલથી બંધ થઇ જશે.

ત્યાર બાદ તમે તેને કહો કે, ઈમામ તો ઈન્સાનને આ દુનિયામાંથી તારનાર છે, તે જો તમને છોડીને ભાગી જાય, અથવા ગેબ થઇ જાય, તો તમને શી રીતે પાર ઉતારી શકશે ?

(૨૧૫) તમે તમારા ઈમામને શોધી કાઢો.

આ દુનિયામાં ઈમામનું કામ એજ છે કે, હાજર રહી વખતો વખત પોતાના મુરીદોના લાભ માટે બોધ આપવો. તેમને સારે રસ્તે ચલાવવા અને ઈમામત બરાબર સાચવવી.

હ. નબી મહમદ સરખા પયગમ્બર પહેલ વહેલા આ દુનિયામાં આવ્યા હતા, તે પણ કહેતા હતા કે, દુનિયાની નબુવત મારી પાસે છે. હું પયગમ્બર છું. એમ જાહેર રીતે કહેતા હતા. તેઓ ઈન્સાનથી ડરતા નહિ હતા. તેઓએ જાહેરમાં ઘણા મોજીઝા દુનિયાને દેખાડ્યા. તેઓ ઈન્સાન જાતથી કોઇપણ રીતે ડરતા નહિ હતા. તેઓ જો એવા જાહેર મોજીઝા નહિ દેખાડત તો તે વખતની દુનિયા તેમને નબી કરીને કેમ માનત અને નબી તરીકે તેમને કેમ કબુલ કરત ?

કરબલાના મેદાનમાં હ. ઈમામ હુસેન સામે મોટું જંગ કરવામાં આવ્યું, તે વખતે તેઓ હજારો માણસોની સામે એકલા લડ્યા હતા. દુશ્મનો તરફનો ઝુલ્મ તથા મહા દુ:ખ સહન કરવા છતાં પણ કહેતા હતા કે, “હું ઈમામ છું.” આવા સંકટો વખતે પણ તેઓ ગેબ થયા નહિ, પણ ફક્ત એક લાકડી લઇને, દુશ્મનોની સામે આગળ અને આગળ જંગમાં ધસી ગયા હતા. તે વખતે તેઓએ પોતાની ઈમામત છુપાવી નહિ. જો ઈમામનો જોમો હાજર ન હોય તો, સર્વે કાફર થઇ જાય.

હ. ઈમામ હુસેનની લાકડી (ગાદી) હાલ અમારી પાસે છે અને અમે પોતેજ ઈમામ હુસેન છીએ.

(૨૧૮) તમે એકજ જગ્યાએ બેસી રહો નહિ. પહેલાં એક પગથીયું ચડી પછી બીજું પગથીયું ચડો ત્યાર બાદ ત્રીજું ચડો. એમ પગથીયે પગથીયે ચડી સલમાન ફારસ જેવા થાઓ. તે એહેલેબેતને દરજજે પહોંચ્યો. જો તમે પણ તેના જેવા થઇને ચાલશો તો અહેલેબેતમાં દાખલ થઇ શકશો.

કેટલાક મુરીદો અહેલેબેત જેવાજ થયા છે. કેટલાક મુરીદો તો એવા હિંમતવાળા થાય છે કે તેઓ અહેલેબેતથી પણ ઉંચે જઇ શકે છે, માટે તમે હિંમત રાખો.

તમારામાં જે રૂહ છે તે શું છે ? અને ક્યાંથી આવ્યો ? એવા વિચાર તમે કેમ કરતા નથી ? તમે હમેશાં વિચાર કરો કે તમારો રૂહ શું ચીજ છે ? તમે તેને અસલ જગ્યાએ કેમ પહોંચાડતા નથી ? તેની અસલ જગ્યાએ પહોંચાડવા માટે તમે કેમ હિંમત કરતા નથી ?

તમે જાણો છો કે, આ દુનિયામાં સર્વે નદીઓ આખરે દરિયાને મળે છે. દરિયામાં મળી ગયા પછી કોઇ પણ તેને નદીનું નામ આપતું નથી. તેજ પ્રમાણે અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે અમારા પોતામાં છે. છેવટે તમે દરિયામાં જ મળી જશો.

પણ તમે ઘણા જ બેહિંમત છો, તેથી તમારો રૂહ જલ્દીથી ત્યાં પહોંચી શકતો નથી. જુઓ આ કચ્છના મુલ્કમાં જે નદીઓ છે, તે દરિયામાં મળી શકતી નથી. રસ્તામાંજ સુકાઇ જાય છે. એ પ્રમાણે જે લોકો બેહિંમત છે તેનો રૂહ પણ આ કચ્છની નદીઓની માફક રસ્તામાં જ સુકાઇ જાય છે.

તમારો રૂહ એક નદીની મિસાલ છે. તમે તેને રસ્તામાં સુકાઇ જવા નહિ આપો. હિંમતવાળા માણસનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે.

અટક નદી તે મોટી સિંધુ નદીમાં મળી જાય છે અને સિંધુ નદી કરાંચી આગળ દરિયા સાથે એક થઇ જાય છે, ત્યારે તેનો વેગ શાંત પામે છે. સિંધુ નદી ઘણી વેગવાળી એટલે હિંમતવાળી છે; તેવી રીતે જે લોકો હિંમતવાળા છે, તે લોકો સિંધુ નદીની માફક આખરે દરિયામાં એટલે અમારામાં આવીને મળી જાય છે.

(૨૧૯) પણ જે લોકો નાહિંમત છે, તેઓનો રૂહ કચ્છની નદીઓની માફક રસ્તામાંજ સુકાઇ જશે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહિ, પણ દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો.

યા અલી મદદ