કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી
રેકોર્ડીંગ - ૭
રેકોર્ડીંગ - ૭
ફરમાન નં - ૮૭ થી ૧૨૬.
(પેજ ૨૨૧) માસ્તર હોશિયાર હોવો જોઇએ, તેમ રૂહાની ઈલમથી પણ વાકેફગાર હોવો જોઇએ.
જે માણસનું ઈમાન સલામત છે તેજ ખરો શાહુકાર છે. તમારી પાસે દૌલત નહિ હોય તો શું થયું ? જો ધરમના કામ માટે તમારામાં હિંમત હશે તો તમારા પાસે અખુટ દૌલત છે. સરકારની ખિદમત બજાવવી એજ મોમનનો પૈસો છે અને એજ મોમનનું લક્ષણ છે.
(૨૨૨) ઈન્સાન તેનું જ નામ છે જે દીન ઉપર મજબુત ઈમાન રાખતો હોય અને બીલકુલ મગરૂર થાય નહિ. ઈબાદતમાં મશગુલ રહેજો.
(૨૨૩) ધર્મના કામમાં મુરીદે પીર ઉપર મહોબત રાખવી એ જરૂરનું છે તેમ પીરના દિદાર કરવા એ પણ જરૂરનું છે. બાતુની ઈશ્ક છે એજ પીર મુરીદ વચ્ચેની ઓળખાણની નીશાની છે. તમારી તથા અમારી વચ્ચે જે મહોબતની દોરી છે તે મહોબતની દોરીની ગાંઠ વધારે મજબુત કરવાની કોશીષ કરતા રહેજો.
(૨૨૩) તમે પોતાની ઈબાદત બરાબર કરો.
તમે મુસાફરીમાં હો, તો પણ ઈબાદત કરતા રહેજો.
તમારે તમારી ઈબાદત છોડી દેવી જોઇએ નહિ.
જો કદાચ તમે બીમારીના બીછાના પર પડ્યા હો, તો પણ ઈબાદત છોડતા નહિ.
જયાં સુધી તમારા તનમાં પ્રાણ છે ત્યાં સુધી તમારી ઈબાદત છોડતા નહિ.
(૨૨૪) પહેલી વખત આપેલી બંદગીનું કામ બરાબર નહિ બજાવાય અને એક કામ પુરૂં ન થાય તેની અગાઉ, વધારે મોટા કામની ઇચ્છા કરવાથી કાંઇ ફાયદો થતો નથી.
(૨૨૫) હાલ તમારા કબજામાં એક ઝવેરાત છે. અમે જ્યારે ફરીથી આવીશું ત્યારે, એ ઝવેરાત તપાસીને તેનાથી વધારે કિમતી ઝવેરાત આપીશું.
એક ઝાડને મેવો ન આવે તો, તે ઝાડથી શું ફાયદો મળે ?
(૨૨૫) એક જનાવરને પાણીના તળાવ પાસે લઇ જવામાં આવે પછી તે પાણી પીએ કે ન પીએ, તે તેની મરજીની વાત છે, તેમ અમે તમને રસ્તો દેખાડીએ છીએ. તમે તેના ઉપર ચાલો, અગર ન ચાલો તે તમારી ખુશીની વાત છે.
(૨૨૬) અમે જેટલા દિવસ અહિંયાં છીએ, તેટલા દિવસ હમેશાં આવશું અને હરરોજ તમને ફરમાન કરશું. જેટલા દિવસ અમે અહિંયાં છીએ તેટલા દિવસ હમેશાં નુરનું પાણી તમારા દિલમાં રેડશું અને તમારા દિલ નુરાની કરશું. તમે પણ હંમેશાં સાંભળવા આવજો, તો તમને ઘણો ફાયદો થશે.
મોમનનું દિલ છે તે ખુદાવંદતઆલાનું ઘર છે.
(૨૨૭) તમે હમેશાં ફિરસ્તા જેવા થાઓ. જે મોમન છે, તેઓએ દિલની આંખો સાફ અને પાક રાખવી જોઇએ. દિદાર કરીને જે બદનજર કરે છે, તેને આગનો બદલો મળે છે.
અમે જાહેરીમાં અહિંયાં આવ્યા છીએ અને તમે અમારા દિદાર કરો છો. જાહેરીમાં અમે તમારી પાસે નહિ પણ હોઇએ, એટલે અહિંયાંથી ગેર હાજર હોઇએ તો પણ તમારા દિલ એવા પાક અને સાફ રાખો કે જેથી તમારા દિલમાં અમને પ્રત્યક્ષ જુઓ.
(૨૨૭) તમે જે જમાતખાનુ બનાવીને અમને અર્પણ કરશો તેના અવેજમાં અમે તમોને નુરનું ઘર જન્નતમાં આપશું. ઝવાહીરના ઘર કરતાં નુરનું ઘર ઘણું જ ઉત્તમ છે.
બાર મહિનામાં બે ઈદો આવે છે અને અમે જ્યારે પધારીએ છીએ ત્યારે હમેશાં ઈદ થાય છે, પણ તમે જે જમાતખાનું બનાવીને અમને અર્પણ કરશો તેમાં બારે માસ હમેશાં ઈદ થશે.
(૨૨૮) કરબલામાં લોકો જાય છે, ત્યાં જાહેરીમાં પથ્થરના, માટીના અને સોનેરી ઘર જુએ છે તેથી શું ? બાતુની ઘર બનાવવા જોઇએ, જે ખરેખર ઉપયોગી છે.
(૨૨૮) ઈન્સાન તે છે, જે ઉપર જવાની ઉમેદ રાખે છે. તે સિવાય આ દુનિયામાં ઈન્સાન માત્ર જનાવર મિસાલ છે.
પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તો સારૂં. એવું ન બને કે રૂહ અહિંયાં જ રહી જાય અને ઢોર માફક ખાય તથા સુએ.
ઈન્સાન તથા હેવાનમાં એ ફરક છે કે, ઈન્સાનમાંથી ફિરસ્તો થઇ શકાય છે, પરંતુ ઈન્સાનમાંથી ફિરસ્તા થવું તેમાં ઘણી મહેનત છે. મહેનત કરો તો પહોંચો. તમે હિંમત કરો. પહેલાં તો તમારૂં ઈમાન ઘણું જ મજબુત જોઇએ.
(૨૨૯) અમારા ફરમાન ઉપર ચાલો; અમારા ફરમાન માનો. અમારા સિવાય બીજો ગમે તે હોય, તેનો બોલ નહિ માનવો. અમારી ઔલાદ હોય તો પણ જ્યાં સુધી અમારો હુકમ ન હોય, ત્યાં સુધી તેઓનું ફરમાન નહિ માનશો. જ્યાં સુધી અમે તેઓને વડાઇ ન આપીએ ત્યાં સુધી તેઓનું ફરમાન નહિ માનતા.
તમે એમ નહિ સમજતા કે, ફલાણો ભગત કે ફલાણો માણસ, તમને અસલ મકાન ઉપર લઇ જશે. અમેજ તમને ઉપર લઇ જનાર છીએ. અમારા સિવાય આ ભગત કે પેલો ભગત તમને અસલ મકાને નહિ પહોંચાડે.
(૨૩૦) દીનનો પાયો ઈશ્ક છે. ઈશ્કનો પાયો કેવો મજબુત છે ? પથ્થરના પાયા જેવો છે. પથ્થરનો પાકો પાયો હોય તેના ઉપર જેટલી ઈમારતો તથા મજલા બાંધશો તેટલા બંધાશે. જે શખ્સના દિલમાં કિન્નો હશે, તેને ઈશ્ક પેદા નહિ થાય.
જેઓ બે રંગ વાળા છે, એટલે ખોટા દેખાવ વાળા છે, જેઓ દિલમાં બીજી જાતના છે અને દેખાવમાં બીજી જાતના છે, તેમના દિલમાં ઈશ્ક પેદા થતો નથી.
ફિરસ્તા પાક છે.
આ દુનિયામાં માણસો મોટાઇને માટે દોડધામ કરે છે. તમે મોટાઇ વાસ્તે નહિ દોડો, કારણ કે જેઓ મોટા થાય છે તેઓ ઉપર વધારે બોજો પડે છે. જમાતને સારી રીતે સંભાળવી તેમજ જમાતની ખિદમત કરવી વગેરે બહું જ મોટો બોજો છે.
તમે ઈસમાઈલી દીન ઉપર મજબુત રહેજો. ઈસમાઈલી દીન છે તે બાતુની દીન છે. તમે તમારો બાતુની જુસ્સો પાક કરો. પોતાના દીન મઝહબ ઉપર શક નહિ લાવવો, શક લાવવાથી ઈમાન જતું રહે છે. શક બદ આમાલ કરવાથી પેદા થાય છે. શક આવે ત્યારે ઈમાન કયાંથી સાબિત રહે ?
તમે દુનિયાની મોટાઇ ઈચ્છો છો. દુનિયાની મોટાઇ મેલી છે. ગવર્નર હોય તે મેલી જગામાં બેસતો નથી. તમે કહો છો કે, ગવર્નર પણ થઇએ અને મેલી જગામાં પણ બેસીએ, એમ ન બને. તમે કહો છો કે, ફિરસ્તા થઇએ પણ તમારા આમાલ બદ હોય તો ફિરસ્તા કેમ થાઓ ?
(૨૩૨) ઈબાદત કરો તે એવી કરો કે ફિરસ્તા થાઓ.
જુઓ, ચાર ફિરસ્તા છે. તેઓનું પેટ ઈબાદતથી ભરેલું રહે છે. તમે પણ તેમ જ કરો.
ફિરસ્તા પોતાનું મોઢું બંધ રાખતા નથી. બંદગી એજ તેમનો ખોરાક છે, તમે પણ તેવીજ બંદગી કરો તો ફિરસ્તા થાઓ.
તમે સવારે ઉંઘમાંથી ઉઠો ત્યારે, ખુદા પાસે અરજ કરો કે, આજે હું હરામનું અને નાફરમાનીનું કામ કરીશ નહિ. તમે જ્યારે નિંદ્રામાંથી ઉઠો ત્યારે હમેશાં ખુદા પાસે એમજ માંગતા રહેજો.
જે પ્રમાણે તમે હાલ જાહેરીમાં અમને જુઓ છો, તેજ પ્રમાણે હાલતાં, ચાલતાં, બેસતાં ઉઠતાં અમને હાજર જાણજો. તમારો ઈશ્ક ને મહોબત અમારા દિલમાં છે.
તમારૂં ઘર આ દુનિયામાં એટલે મુંબઇ, વિલાયત, કચ્છ કે કાઠિયાવાડ વિગેરે કયાંય પણ નથી. તમારૂં ઘર અમારા દિલમાં છે અને અમારું ઘર હમેશાં તમારા દિલમાં છે.
"મોમન તથા મુરશીદ ક્યારે પણ જુદા નથી.”
(૨૩૩) સ્કુલ ચાલું રહેવામાં જે રાજી હશે, તેના ઘર ખુદાવંદે કરીમ આબાદ કરશે. તેનો માલ તથા ઔલાદ આબાદ રહેશે, પણ જેઓ સ્કુલને તોડી પાડશે, તેનું ઘર ખુદાવંદ તોડી પાડશે. સ્કુલ તોડનાર બરબાદ થઇ જશે.
(૨૩૪) ઘણી દિલગીરીની વાત છે કે, તમારામાંથી કોઇ પણ, ધર્મના કામ માટે આગળ પડતો નથી. પીર સદરદીન, પીર હસન કબીરદીન, પીર નસીરદીન, પીર સાહેબદીને કેવા કેવા અપશબ્દો તથા મુસીબતો ખમીને, જાન માલની પરવા કર્યા વગર, ઉપદેશ માટે હિંદુસ્તાનમાં આવીને, તમોને સતપંથ તથા નર શ્રી ઈસ્લામશાહનું ઘર બતાવ્યું !
હાલ તમને તો કાંઇ જ મહેનત નથી, પગાર અમે આપીએ છીએ, છતાં પણ ધર્મના કામો હિંમતથી બજાવી શકતા નથી.
તમે પીર સદરદીન જેવા થવાનું ધારો છો, તે કેમ બની શકે ? તમારામાં હિંમત તો છે નહિ, ત્યારે તમારાથી બીજું શું થાય તેમ છે ?
ખુદા ન કરે ને માસ્તર માંદો થાય, યા ગુજરી જાય અથવા બિમાર થઇ રજા લઇ જાય, તો તુરત બીજો માસ્તર ગોતીને તેની જગા ઉપર રાખજો. તેમાં બીલકુલ ઢીલ કરવી નહિ, અમારી સ્કુલ બંધ રાખશો નહિ.
(૨૩૫) તમને કાંઇ પણ મહેનત નથી. ફક્ત એક માસ્તર ગોતી કાઢવો, એટલીજ મહેનત તમને છે.
(૨૩૮) જે ડોશી જમાતખાનામાં ગુજરી ગઇ તે, ઘણી નસીબદાર હતી કે જે, ખુદાના ઘરમાં ગુજરી ગઇ તે બહેસ્તમાં આરામથી પહોંચી છે.
મોમનની જગા કંઇ કબ્રસ્તાનમાં નથી, મોમનની જગા બહેસ્તમાં છે.
(૨૩૯) તમે અમારા મહોબતના લશ્કર છો, ત્યારે તમે મહોબતના છાંયડા નીચે બેસો, તેથી તમારા દિલમાં મહોબત તથા ઈશ્કનું ઝાડ પેદા થશે. તે મહોબત તથા ઈશ્કના ઝાડને એવું પાણી પીવડાવો કે, તમારૂં ઈમાન સલામત રહે. તમે એવા કામ નહિ કરતા કે જેથી, અગ્ની ઉત્પન થઇને તે ઝાડ બળી જાય.
સાફ દિલ એ એક એવું ઝાડ છે, કે જો તેને સચ્ચાઇનું પાણી આપવામાં આવે તો, તેમાં મહોબત રૂપી મેવો પેદા થાય છે.
(૨૪૧) દીનના કામમાં તમારી ઈજ્જત જાય, માલ જાય, ઔલાદ જાય, તે સર્વે જવા દેજો, પણ તમે તમારો દીન સંભાળજો.
(૨૪૩) ફળનું ઉપલું છીલટું દેખાવમાં સારૂં લાગે છે, પણ તે છીલટું ખાશો તો તમને કડવું લાગશે અને લીજ્જત આવશે નહિ. ફળનું ઉપલું છીલટું દેખાવમાં સારૂં લાગે છે, પણ ફળની અંદરનો ગરભ ખાશો ત્યારે લીજ્જત તથા મીઠાશ આવશે, તેમજ તમારો દીન મગજથી ભરપુર છે, એટલે કે તેમાં નુર ભરેલું છે.
અમારો દીન સીધી સડક જેવો છે. તમે સડક પર સીધા ચાલ્યા જશો તો, તમારે ગામ પહોંચી જશો, એટલે કે તમારા અસલ નુરાની મકાને પહોંચશો, જો તમે સડક ઉપર ચડીને ચાલશો નહિ અને ઉભા રહેશો તો કેમ પહોંચશો ?
ઘણા માણસો ચાલીચાલીને ક્યાંય ક્યાંય જાય છે. આખરે ઘણી મહેનત સહન કરીને ત્યાં પહોંચે છે અને જુએ છે તો કબરો જોવામાં આવે છે. તે કબરો તેઓની સાથે સવાલ જવાબ કરતી નથી. તેઓ કબરને જે સવાલો પુછશે તેના જવાબ કબર કદી પણ નહિ આપે. પાણીની લાલચે દોડી દોડીને જશો તો પણ આખરે ધુળ જોવામાં આવશે. તમે ઘણી જગ્યાએ જશો અને ત્યાં જઇ જોશો તો, કબર અને ખાક સિવાય કંઇ પણ બીજું જોવામાં નહિ આવે.
તમે તમારા ધર્મમાં મજબુત તથા મુસ્તકીમ રહેજો. કિતાબોમાં પણ લખેલું છે કે, જાહેર પરસ્ત એટલે, બહારની વસ્તુને માનનાર ખરાબ છે. બાતુન પરસ્ત એટલે બાતુન વસ્તુંને માનનાર બહેતર છે. તમે પણ બાતુન પરસ્ત થજો.
(૨૪૪) તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી? અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઇ મના કરે છે, તે દીનનો દુશ્મન છે.
જમાતખાનામાં ફરમાન તથા ગીનાનનો મુશાહેદો કરવા આપવો. કદીપણ મનાઇ કરવી નહિ.
જમાતખાનામાં માયના કરનારે, જે હકની વાત હોય તે વિષે નરમાશ તથા મીઠાસથી માયના કાઢવી. જબરજસ્તી વાપરવી નહિ.
ગીનાન ઈલમની માયના, મુશાહેદો કરતી વખતે, હાઝર ઈમામની શનાખત દેખાડવામાં આવે છે.
(૨૪૫) તમે જમાત ચાંદરાતના દિવસે મહોબત તથા ઈશ્ક સાથે જમાતખાનામાં એકઠા થાઓ છો, તેમ હમેશાં મગરબ વખતે એકઠા થતા રહો અને હમેશાં ગીનાન ઈલમનો મુશાહેદો તથા વાયજ કરજો. આ બાબતમાં જરા પણ સુસ્તી અથવા ગફલતી કરશો નહિ, તો તમારો રૂહ હમેશાં સફેદ થશે.
(૨૪૭) તમે એવા ખ્યાલ નહિ રાખો કે દીકરી ફક્ત પૈસાદારને જ આપવી. તમે પૈસાદાર જોઇને આપો, તો પણ પાછળથી તે ગરીબ થાય ત્યારે શું કરો?
માણસ તંદુરસ્ત, ઇમાનદાર, પેટનું ગુજરાન ચલાવવાને શકિતવાન, નેક ખસલતનો હોવો જોઇએ. આવા માણસને દીકરી આપશો તો તમારા હકમાં અઝીમ ફાયદો છે. ગરીબ હોય તો શું થયું ?
અમારા ફરમાન દિલમાં રાખીને હમેશાં ધ્યાનમાં લેજો.
(૨૫૨) જેઓ સારા કામ કરે છે, તેમના કામમાં ખુદાવંદ કરીમ બરકત આપશે. સર્વે બરકત એક દિવસમાં નહિ, પણ આસ્તે આસ્તે દિન પ્રતિ દિન બરકત વધતી જશે. એક દિવસ તેઓ ઉંચ ગતીએ પહોંચી જશે.
વખતસર દુઆ ન પડી શકાય તો એક તસ્બીહ વધારે કાઢજો.
તમારા પાસે જે “અજંપીઆ જાંપ” છે, તે દુનિયામાં બીજા કોઇ પાસે નથી.
(૨૫૩) એક એક મોમન અમને યાદ છે.
તમે પણ અમને યાદ કરવા સિવાય રહેતા નહિ. એક દિવસ પણ એવું ન થાય કે અમને યાદ કર્યા વગર રહી જાઓ.
મોમનનું દિલ ટેલીગ્રાફ અને ટેલીફોન માફક છે. જેને એક છેડે મુરશીદ છે તથા બીજે છેડે મોમન છે. જ્યારે તમે અમને યાદ કરો છો ત્યારે, તેજ વખતે તમે અમને પણ યાદ આવો છો. અમે તમને યાદ કરીએ છીએ તે વિષે તમે જાહેરીમાં કંઇ જાણતા નથી, તો પણ બાતુનમાં હમેશાં અમારી દુઆ તમને પહોંચે છે અને હમેશાં પહોંચ્યા કરશે.
(૨૫૫) તમો અમારા મુરીદ અમારી હકીકતી ઔલાદ માફક છો. મુરીદ તથા મુરશિદની દરમિયાન કાંઇ પણ જુદાઇ નથી; તેઓ હમેશાં એકજ છે. એવી રીતે દિલ હમેશાં મજબુત કરી એક દિલ રાખવું જોઇએ.
(૨૫૬) તમારા રૂહની ચોકસી રાખજો કે તમે ફિરસ્તા થઇ જાઓ. બલકે ફિરસ્તાથી પણ ઉંચી હાલતે પહોંચો. જેઓના કામ સારા અને પાક છે, જેઓનું ઈમાન, દિલ, જબાન, કાન, હાથ, પગ સદા ગુન્હાથી પાક છે, તેઓ જીબ્રાઈલ કરતાં પણ વધારે ઉંચે દરજજે પહોંચશે; માટે તમે ચોકસી રાખશો તો વહી જીબ્રાઇલ, મિકાઇલ તથા અસરાફીલથી પણ ઉંચે દરજજે પહોંચશો.
તમારી આંખો હમેશાં ઉંચે રાખો. જમીન ઉપર નિગાહ નહિ રાખો. તમારી નજર હમેશાં આસમાન પર જવાની હોય. બંદગી ઈબાદત હમેશાં પાક દિલની હોવી જોઇએ.
(૨૫૭) અગાઉના જમાનામાં ઈરાનમાં નાસર ખુશરૂ, હસન બિન સબ્બાહ, પીર સદરદીન વિગેરે દીનના મોટા સિંહ થઇ ગયા છે.
(૨૫૮) બાતુનમાં અમે સર્વે જાણીએ છીએ, તો પણ, મોમનને વાજબ છે કે, અમને જાહેરીમાં પણ ખબર આપે.
અમે અમારા અંત:કરણથી દુઆ ફરમાવીએ છીએ કે, તમે સચ્ચાઇને રસ્તે ચાલો.
(૨૬૪) તમે તમારૂં ઈમાન મનસુર જેવું રાખો. જુઓ મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો તો પણ તેણે પોતાનું ઈમાન મુક્યું નહિ. જ્યારે મનસુરને શુળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળ્યું, એ લોહીમાંથી પણ “અનલહક” નો અવાજ નીકળતો હતો. આખરે તેને સળગાવી દેવામાં આવ્યો. આ ઈમાનની નિશાની છે. તમે પણ ઈમાન મજબુત તથા મુસ્તકિમ રાખશો તો મનસુર અને ફિરસ્તા જેવા થશો.
(૨૬૫) મોમન છે તે ફિરસ્તાથી પણ ઉંચી જગ્યાએ જઇ શકે છે. તમે પણ તેજ રસ્તા ઉપર છો. એખલાસના બારામાં કચાસ છે. તમારામાં એકદિલી નથી. દિલમાં જરાપણ ખરાબી હશે તો, જે રસ્તે તમે ચડયા છો તે રસ્તામાં આગળ નહિ વધી શકો.
તમે જ્યારે સવારના નિદ્રામાંથી ઉઠો ત્યારે, દુઆ માંગો કે અમારૂં ઈમાન સલામત રહે અને નાફરમાનીના કામથી દુર રહીએ અને અમારાથી ફરમાન બરદારીના ભલા કામ થાય. એવી રીતની દુઆ ગુજારીને તમારા દિલ સાથે પંજો લ્યો. તમારા દિલમાં એખલાસનો વિચાર રહે.
(૨૬૬) સારી આદત બાંધવાથી ગુન્હાના કામ નહિ થાય. ગુન્હાના કામ પહાડ જેવા મુશ્કેલ લાગશે. જ્યારે આમ થશે ત્યારે ઈબાદત ઘણી આસાન લાગશે.
અમોએ તમોને ઈબાદત આપી છે તે ઘણી જ આસાન છે.
(૨૬૬) જાહેરીની જુદાઇ ઘણી સખત છે, પણ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હમેશાં તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હમેશાં અમે અને તમે જુદા નથી.
(૨૬૭) જાહેરીમાં અમે તમારી પાસેથી સીધાવી જઇએ, તો પણ, બાતુનમાં અમે દમો દમ તમારી પાસે જ છીએ. જો તમારૂં ઈમાન સત્ય હશે, તો અમે તમારી નજદીક છીએ.
તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઇ જુદાઇ નથી.
તમારો અને અમારો સબંધ પીર મુરશીદનો છે. તમે અમારા ફરઝંદ કરતાં પણ અમને વધારે નજદીક છો. તમે અમારી જાન કરતાં પણ નજદીક છો. તમે અમારા હકીકી મોમન છો. ખાનાવાદાન.
(૨૬૯) હસદ રાખનાર માણસને તેના દિલમાં તેના રૂહને તે બિમારી લાગું પડે છે.
(૨૭૦) જાહેરીમાં માણસનું બદન નાપાક થાય છે, પણ રૂહ નાપાક થતો નથી. રૂહતો હમેશાં પાકજ છે, માટે વખતસર દુઆ ઈબાદત બંદગી કરવા ચુકવું નહિ.
(૨૭૧) મુરશીદના ફરમાનને જેઓ માન આપે છે, તેઓ મોટા છે અને દીનનો ખરેખર અર્થ પણ એજ છે.
(૨૭૩) મોમનને વાજબ નથી કે, તે પોતાની નિગાહમાં આવે તેમ કરે.
અમે ચાહીએ છીએ કે તમારો સિજદો કબુલ થાય.
તમો બધી જમાતોને દરરોજ યાદ કરીએ છીએ અને તમારા હકમાં દુઆ કરીએ છીએ કે, તમારૂં ઈમાન સલામત રહે. તમારી બંદગી કબુલ થાય.
(૨૭૪) એક વખત એક શખ્સ પયગમ્બર સાહેબ પાસે પોતાનો ઈન્સાફ મેળવવા ગયો હતો. પયગમ્બર સાહેબે ફરમાવ્યું કે જો તું એક કામ કરે તો તારાથી ક્યારે પણ ગુન્હા થઇ શકશે નહિ. તે શખ્સ અરજ કરી કે, એવું કયું કામ છે જે ન કરવાથી કોઇ ગુન્હા થઇ શકે નહિ.
ત્યારે પયગમ્બર સાહેબે જવાબ આપ્યો કે તારે કદી પણ જુઠું બોલવું નહિ. તે શખ્સ ઘેર ગયો અને પોતાના દિલ સાથે ચોકસી કરી કે, હવેથી મારે જુઠું બોલવું જ નહિ. પછી તે માણસે વિચાર કર્યો કે, મારે હવેથી જુઠું તો બોલવું નથી. હવે જો હું ગુન્હા કરીશ તો મારે સાચું બોલવું જ જોઇશે. જેથી મને મોટી શરમ લાગશે. આવો વિચાર કરીને તેણે સર્વે જાતના ગુન્હાના કામ છોડી આપ્યા અને સારાં કામ કરવા લાગ્યો.
તમે પણ જુઠું બોલવાની આદત છોડી આપશો તો તમારાથી એક પણ ગુન્હાનું કામ નહિ થાય.
(૨૭૫) ઈન્સાન જયાં સુધી આ દુનિયામાં છે, ત્યાં સુધી તે સ્કુલમાં શિખનાર વિદ્યાર્થી માફ્ક છે.
ઈન્સાન આ દુનિયામાં જીવે ત્યાં સુધી શિખતાં શિખતાં હોંશિયાર, અક્કલવાન, ઈલમી તથા હિંમતવાન થાય છે.
(૨૭૬) મરી ગયા બાદ આખરતની પરિક્ષા પાસ કરવા માટે ચાર પાઠ કરવાની જરૂર છે. આ ચાર પાઠ આ પ્રમાણેના છે.
(૧) તમારૂં ઈમાન પાક જોઇએ.
(૨) તમારા આમાલ પાક જોઇએ.
(૩) તમારી આંખ પાક જોઇએ.
(૪) તમારા હાથ પાક જોઇએ.
(૧) હવે ઈમાન એવી રીતે પાક હોવું જોઇએ કે, તમારો રૂહ અક્કલ અને ઈશ્ક વડે પાક હોય, ત્યારે તમારૂં ઈમાન પાક થયું કહેવાય. જો ઈમાન પાક થાય તો, પહેલા પાઠમાં તમે પાસ થયા, એમ કહેવાય. ઈમાનનો પાયો ઈશ્ક ઉપર રહેલો છે. જો ઈશ્ક બરાબર હોય તો, ઈમાન રૂહ સાથે એકજ થઇ જાય છે.
(૨) આમાલ પાક તે શું? અને તે કેવી રીતે પાક રહે? આમાલ પાક રહેવા માટે હંમેશાં યાદગીરી રાખવી જોઇએ. આ યાદગીરી રાખવાનું કામ ઘણું કઠણ છે; કારણ કે શેતાન ઈન્સાનને હમેશાં ફરેબ આપે છે. ફકત હકીકતી મોમનજ તેના ફરેબથી બચે છે.
(૩) પરાયા માલ અથવા પરાઇ ઔરત માટે તમારા દિલમાં જો જરા પણ બદખ્યાલ આવશે તો પણ તમારા હકમાં ઘણું નુકશાન છે. જેઓની આંખો પાક છે, તેઓને માટે આસાન છે. તેઓથી કંઇ પણ ગુન્હા નહિ થઇ શકે.
(૨૭૭) જે માણસની જબાન, હાથ તથા પગ પાક નથી, તેને માટે ઘણું મુશ્કિલ છે.
(૨૭૮) ઈન્સાનના બદનમાં રૂહ છે. તેને જેવી આદત આપશો તેવી પડશે. જેમ માણસ બદનની કસરત કરે છે, ત્યારે કસરતબાજ કહેવાય છે. તે કસરતબાજ થવા સારૂ નાનપણથી પોતાના શરીરને ઘણી ઘણી રીતે દુ:ખ આપે છે અને એવી રીતે આસ્તે આસ્તે કસરત કરવાની આદત પાડે છે. પોતાના શરીરને જુદી જુદી રીતે વાળવાની ટેવ પાડવા સારૂં તે દુ:ખ સહન કરે છે; જ્યારે તેને બરાબર આદત પડી જાય છે. ત્યારે ઘણી સહેલાઇથી કસરત કરી શકે છે. આખરે તેનામાં એટલી બધી કુવ્વત આવે છે કે રૂપિયાના સિક્કાને હાથથી ટુકડે ટુકડા કરી શકે છે.
તમારા રૂહ વિષે પણ એમજ છે. તમારા રૂહને પણ એવી આદત આપો કે તે હંમેશા ખુબીના સારા કામો કરે. જ્યારે રૂહને સવાબના કામો કરવાની આદત થશે ત્યારે તમારો રૂહ પહેલવાન મિસાલ થઇ જશે અને ફિરસ્તા જેવો બની જશે બલકે ફિરસ્તાથી પણ ઉંચી હાલતે પહોંચશે અને તે પછી તમે પોતે મોજીજા કરી શકશો.
અમો તમોને દુઆ કરીએ છીએ. તમે તમારા રૂહને એવી કસરત આપો કે તે મોજીજા કરી શકે અને તમે પોતાની અસલ જાતને ઓળખી શકો.
તમારા રૂહને પાક કામ કરવાની આદત આપશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનગતી યાને જાનવરપણું નિકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફિરસ્તા જેવો થઇ જશે.
(૨૭૯) જે રસ્તેથી ઈન્સાન ફિરસ્તો થઇ શકે છે, તે રસ્તા ઉપર તમે છો, પણ તે રસ્તામાં ઘણી મુશ્કેલી છે, પણ આદત પાડવાથી તે રસ્તો ઘણો આસાન થઇ જાય છે.
ઈન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે, ત્યાં સુધી નૂરનું પાણી તેના હાથમાં આવી શક્તું નથી; કારણ કે ખુદા ન ખાસ્ત વીસ, ત્રીસ અથવા ચાળીસ વર્ષ બાદ તે પાછો મગરૂર બની જાય અને ગુન્હાના નાપાક આમાલ કરે, તો તે શેતાન મિસાલ બની જાય છે.
(૨૮૦) દાખલા તરીકે જુઓ, અઝાજીલ પોતાની બંદગીથી સાતમાં આસમાન સુધી પહોંચી ગયો પણ ધર્મના મગજને તે સમજ્યો નહિ. તેણે ખુદાનું ફરમાન નહિ માન્યું, તેથી શેતાન થઇને જમીન પર પડયો. તમે પણ જ્યાં સુધી દુનિયામાં છો, ત્યાં સુધી ક્યારે પણ મગરૂર થશો નહિ. જરાપણ નાપાકીના કામ કરશો નહિ.
જેમ કોઇ એક તરી જાણનાર નદીમાં તરતો જાય છે અને નદીના મોજા તેને ઘસડીને બીજી તરફ લઇ જાય છે, તેને જે બાજુએ જવાનું છે, તેનાથી ઉલટી દિશામાં પાણીના મોજા તેને લઇ જતા હોય, તો તે થોડે છેટે સુધી પાણીથી ઘસડાઇ જશે, પણ જો તારૂ હોશિયાર હોય છે, તો આખરે પાર ઉતરી જાય છે.
(૨૮૧) એજ પ્રમાણે આ દુનિયા દરિયા સમાન છે. જો ઈન્સાનનું ઈમાન તથા ઈશ્ક ખરા હશે, તો પણ જેમ હોશિયાર તરી જાણનારને દરિયાના મોજાની મુશ્કેલી નડે છે, તેમ તેને મુશ્કેલીઓ તો આવશેજ, પરંતુ તે ઉપાયો કરીને સુકી જમીન ઉપર નીકળી જશે.
તમે તમારો સુકો રસ્તો શોધો.
તમારે સુકે રસ્તે જવું હોય તો, તમારા રૂહને પાક કરો અને તમારા રૂહને દરરોજ સાચે રસ્તે ચલાવો. આવી રીતે તમને સુકો રસ્તો હાથ લાગશે.
તમારો સુકો રસ્તો સાતમા આસમાન ઉપર છે. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સુકી જમીન તમને મળશે અને તમારૂં દિલ પણ તમને ખાત્રી આપશે.
આ દુનિયા રૂપી દરિયામાંથી સાતમા આસમાનની સુકી જમીનને પહોચવા માટે, રસ્તામાં જે સડક છે, તે પર શેતાન ઘણી જાતનાં વરસાદ વરસાવે છે. ફિતના, દુશ્મની, જૂઠું બોલવું વિગેરે હજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર વરસાવે છે અને મોમનને સુકી જમીન ઉપર ચડવા નથી આપતો.
(૨૮૨) જે કોઇ મોમનની એવી ઇચ્છા હોય કે રાત દિવસ ખુદાને રાજી કરૂં અને શેતાનને તાબે ન થાઉં તો, તેની પહેલી ફરજ એ છે કે જે મોમન હોય તેના દિલને રાજી કરે.
(૨૮૩) શેતાન આતશનો વરસાદ વરસાવે તો તેના ઉપર પાણીની જરૂર પડે છે. પાણી ખુદાવંદ પોતે છે.
તમે જાણો છો કે આફ્રિકામાં ડુડુ કરીને એક જાતનો બારીક જીવડો થાય છે, તે પગમાં દાખલ થઇ જાય છે. પહેલા તો તેને કાંઇ દરદ થતુ નથી પણ તે લોહી પીને જ્યારે મોટો થાય છે ત્યારે તેને બહાર કાઢવો ઘણું મુશ્કેલ થઇ પડે છે અને તેને ઘણું દુ:ખ થાય છે અને આખરે તે માણસનો પગ સડી જાય છે અને પગ કાપવા સિવાય બીજો કોઇ ઇલાજ રહેતો નથી. જ્યારે પગ કાપી નાખવામાં આવે છે ત્યારે, દરદીને આરામ થાય છે.
પણ આ ડુડુ જેવો પગમાં દાખલ થાય અને ખુજલી થવા માંડે કે સુઇથી અથવા બીજી કોઇ વસ્તુથી તેને કાઢી નાખવામાં આવે તો, તે વખતે સહેલાઇથી બહાર નિકળી જાય છે અને માણસને કાંઇ નુકશાન થતું નથી. તમારા દિલમાં હસદ બિલકુલ નહિ રાખતા. હસદથી બહુ ડરવું જોઇએ.
(૨૮૫) એવી જાતની મહોબત તમે અમારા માટે તમારા દિલમાં રાખો. તમારૂં શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય.
(૨૮૬) જેમ તમે દુનિયાનો ફાયદો મેળવવા માટે આગળ વધવાની કોશીષ કરો છો, તેવી જ રીતે દીનને માટે પણ આગળ વધવાની કોશીષ કરો. દુનિયાના કામ કરતાં આખરતના કામ તમને આગળ જતાં કામ આવશે.
જો તમારૂં ઈમાન ઓછું હશે અને દિલ પાક હશે તથા આમાલ સારા હશે તો આસ્તે આસ્તે તમારૂં ઈમાન વધતું જશે, એટલી હદ સુધી કે સારા ઈમાનવાળા છે, તે કરતાં પણ વધારે ઈમાનદાર થશો.
તમે જ્યારે ઘરમાંથી બહાર નીકળો છો ત્યારે, હવા તથા વરસાદથી બચવા માટે કોટ તથા છત્રી લીઓ છો, ત્યારે રૂહના બચાવ માટે કોટ તથા છત્રી કેમ લેતા નથી ?
તમે ખુદાવંદની નજીક થાઓ, તમે ફિરસ્તા થાઓ.
યા અલી મદદ