Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી

રેકોર્ડીંગ - ૮

રેકોર્ડીંગ - ૮

0:000:00

ફરમાન નં - ૧૨૭ થી ૧૫૦.

(પેજ ૨૮૮) જેમ અમે તમને ચાહીએ છીએ તેમ તમારા ઉપર ફરજ છે કે, તમારે ઈબાદતમાં મશગુલ રહેવું જોઇએ. દિવસના ચોવીસ કલાકમાં, બેચાર કલાક ઈબાદત કરવી જોઇએ.

(૨૮૯) તમે ખ્યાલ કરો કે દુનિયામાં કોઇ એવો માણસ નથી કે, હંમેશાં આરામથી રહી શકે. ઈન્સાન ઉપર બિમારી, મહેનત, ઘડપણ તથા મોત છે. ઈન્સાન ઉપર આવી આવી અનેક સખ્તીઓ છે.

ઈન્સાન ઉપર જે દુ:ખ પડે છે, તે મોમનને સુખરૂપ લાગે છે. ઈન્સાન ઉપર બિમારી, કોઢીયાપણું, રગતપીત વિગેરે દરદ આવે છે, પણ મોમન તેનો અંદેશો રાખતો નથી અને નાખુશ બનતો નથી.

મોમનને અગર રગતપીતનું દરદ હોય, તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે. તેના ઉપર ગમે તેટલા દુ:ખ આવી પડે, તો પણ તેમને તે દિલ ઉપર લાવતો નથી.

દિલ પાક રાખવાથી મુકિત મળે છે.

ઈન્સાન ઉપર કેટલીક બાબતો વાજબ છે. પહેલે તો ફરમાન ઉપર ધ્યાન રાખવું. માણસ ઈમાન વડે પાક થાય છે. ઈમાનની મિસાલ પાણી જેવી છે. જો પાણી સાફ હોય તો સુરજનું પ્રતિબિંબ ત્યાં પડે છે, ત્યારે સાફ દીઠામાં આવે છે. એવીજ રીતે નુરને જોવા માટે ઈમાન સાફ હોવું જાઇએ.

તમારૂં ઈમાન પહાડ માફક હોવું જોઇએ. પહાડને ગમે તેટલો પવન લાગે, સુરંગ લાગે, તોપો લાગે, વિજળીના આંચકા લાગે, તો પણ પોતાની જગ્યા છોડીને તે ખસી જતો નથી. ઈમાન ઝાડ જેવું નહિ હોવું જોઇએ કે જેવો પવન લાગે તે પ્રમાણે ફરતું જાય. તમારૂં ઈમાન પહાડ મિસાલ મજબુત હોવું જોઇએ.

(૨૯૦) તમારી આંખો પાક હોવી જોઇએ. જો તમે પાક આંખોથી જોશો તો, દરેકમાં ખુદાવંદતઆલાનું નુર જોશો. ફરમાન છોડીને બદ નજરથી જોશો, તો તમારા દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઇ જશે. દિલમાં અંધારૂં થઇ જશે અને તમે નુરને નહિ જોઇ શકો.

ઈન્સાનની બે સડક છે. એક સડક ફિરસ્તા બનવાની છે તથા બીજી જાનવર થવાની છે. એ બે સડકમાંથી જેની પાછળ તમે લાગશો તે રસ્તા ઉપર પહોંચશો. ફિરસ્તાનો રસ્તો લેશો તો ફિરસ્તાને પહોંચશો.

તમે સવારમાં ઉઠીને પોતાના દિલથી યકીન કરો કે ફિરસ્તાના રસ્તા ઉપર ચાલીશ.

(૨૯૨) રોજા રાખવા માટે પયગમ્બર સાહેબે હુકમ ફરમાવ્યો છે. રોજા બદનને મહેનત આપવા માટે છે. તકીઓ રાખવો વાજબ છે. જેથી બીજાઓ ગીબત ન કરે. આખી સાલના ત્રણસોને સાઠ રોજા તમો હકીકતીઓ ઉપર લાજમ છે. એ રોજા એ છે કે,

(૧) જુઠું ન બોલવું.

(૨) દગાબાજી ન કરવી.

(૩) કોઇની ગીબત ન કરવી.

આવી રીતના (૩૬૦) ત્રણસોને સાઠ હકીકી રોજાની ઈસમાઈલીઓ માથે ફરજ છે.

(૨૯૩) ધર્મ કરવાનો છે, તે દિલની અંદરનું કામ છે. મોમન અને મુરશીદની વચમાં એક રસ્તો છે. અલહમ્દોલિલ્લાહ અગર તમારા દિલમાં મહોબત હશે તો ઘણું છે. મહોબતથી સર્વે ચીજો છે.

(૨૯૪) મુરીદની ફરજ એ છે કે, મુરશીદના હુકમ પ્રમાણે વર્તે. જો એક વખત એવું ફરમાન થાય કે, ચિરાગની બત્તી બનાવો, તો તે કામ કરવું જોઇએ; અગર ફરમાન થાય કે, બબરચી થઇને જમવાનું પકાવો તો તેમ કરવું. મુરીદોથી એમ ન કહેવાય કે આ કામ હું નહિ કરૂં, મોટું કામ હોય તેજ કરીશ. મુરશીદ જે કાંઇ હુકમ ફરમાવે તે મુરીદે બજાવવો જોઇએ.

(૨૯૬) અમે કોઇ સાથે ખુશીથી વરત્યા છીએ, કોઇને ધમકાવ્યા છે, પણ એ સર્વે બોલ મહોબતનાજ છે.

(૨૯૮) અલહમ્દોલિલ્લાહ ! તમારામાંથી ઘણા જણ મોટા કામમાં દાખલ થયા છે. એ ઈમાનની એક નિશાની છે.

(૨૯૯) બાતુનમાં અમે તમારી પાસે જ છીએ. તમે અમારી રૂહાની ઔલાદ છો અને રૂહ એકજ છે.

(૩૦૦) હકીકતી મોમનને જો ફરમાન થાય કે, છ માસ અથવા એક વર્ષ દસ્ત નહિ ચુમવા, તો ફરમાન કબુલ કરીને દસ્ત ચુમવાનો ખ્યાલ પણ ન રાખે. જ્યારે ફરીથી હુકમ થાય ત્યારે તેણે હાજર રહેવું જોઇએ.

એક લશ્કર પોતાની અખત્યારીથી કાંઇ પણ કરી શકતું નથી. પોતાના સરદારના હુકમ સિવાય એક કદમ પણ આગળ પાછળ રાખી શકે નહિ. તેવીજ રીતે હકીકતી મોમનોએ અમારા ફરમાનો મુજબ ચાલવું જોઇએ.

માલેવાજબાત આપવાનો સવાબ તમે સમજો છો, તેમાં પણ જો એક વખત અમારા તરફથી એવો હુકમ કરવામાં આવે કે, તે આપે તે ગુન્હેગાર છે, તો તમારે તે આપવું નહિ. અમારા ફરમાન મુજબ અમલ કરવો જોઇએ. અમારો હુકમ ન હોય છતાં આપે તે ગુન્હેગાર ગણાય.

કોઇ વખત અમારા તરફથી એવો હુકમ આવે કે, છ અથવા આઠ માસ લગી દુઆ નહિ પડવી, તો તેટલો વખત તેમજ કરવું. એવી રીતે જેઓ અમારા ફરમાન ઉપર અમલ કરે છે, તેઓજ હકીકતી મોમન છે.

તમારે લશ્કરની પેઠે પોતાના સરદારના હુકમ મુજબ વર્તવું જોઇએ. જેવી રીતે એક હેલકરી પોતાની મરજી પ્રમાણે જરાવાર સડક પર ચાલે છે અને જરાવાર નીચે ચાલે છે, એ પ્રમાણે મરજી મુજબ ચાલવું એ હકીકતી મોમનનો રસ્તો નથી.

હકીકતી મોમનોએ હમેશાં ફરમાન ઉપર નિગાહ રાખવી.

(૩૦૧) જ્યાં જ્યાં મિજલસોના મેળાવડા થાય છે, ત્યાં લાભ લેવા જવું એ ઈમાનદારીની નિશાની છે. ઘેર બેઠે ફાયદા હાંસલ થતા નથી.

અમે તમોને દુઆ ફરમાવીએ છીએ કે, આપણા સતપંથ દીનમાં જે ઉમદા મેવા છે તે તમે ખાઓ, નહિ તો ખાલી અમારા હાથ ચુમવાથી શું ફાયદો છે ?

(૩૦૨) ટેલીગ્રાફ એક ગામથી બીજે ગામ પહોંચે છે. તમારૂં દિલ પણ ટેલીગ્રાફ છે. તમે એવી રીતે બંદગી કરો કે, જેનો ફાયદો ટેલીગ્રાફ મિસાલ તમને પહોંચે.

જે ઈન્સાન હકીકતી મોમન છે, તે સારા આમાલ કરે છે. બહેસ્ત હમેશાં તેના હાથમાં છે. તે પોતાનું ઈમાન ઘણું મજબુત રાખીને સાચે રસ્તે ચાલે છે. તેને દુનિયામાં જ બહેસ્ત છે. તમારૂં દિલ બહેશ્તમાં હોય તેમ તમારે ચાલવું જોઇએ.

શેતાનની બાજી ખાઇ ન ગયો હોય એવો કોઇ પણ માણસ દુનિયામાં પેદા થયો નથી. જ્યારે શેતાન તમારા દિલમાં શક પેદા કરે ત્યારે તેને દુર કરવા માટે ઈબાદતમાં મશગુલ થજો.

દુનિયાને અક્કલ સાથે દિલથી દુર કરવી જોઇએ, જો બે અક્કલીથી દુનિયાને દુર કરશો તો તમારૂં ઈમાન થોડું થોડું કરીને ખલાસ થઇ જશે.

ઈમાન એક ઝવેરાત છે. જો તમે તેને દિલની તીજોરીમાં નહિ સંભાળતા સડક પર ફેંકી આપશો તો, તે ઝવેરાત તમારા દિલમાંથી નીકળી જશે. હકીકતી ઝવેરાત દિલમાંથી નીકળી ન જાય, તે વિષે દિલમાં ઘણી ચોકસી સાથે સંભાળજો. જો તમે જુઠું નહિ બોલો, એક શબ્દ પણ જુઠો નહિ વાપરશો તો, ઈન્શાઅલ્લાહ, ઈમાન રૂપી ઝવેરાત તમારા હાથમાંથી કોઇ પણ છીનવી શકવાનું નથી.

(૩૦૩) તમે અમોને જાહેરમાં મહેમાનીઓ કરો છો, તેમ અમારા મોમનો અમોને બાતુનમાં રાત દિવસ મહેમાનીઓ કરે છે.

(૩૦૪) ઈબાદતની કસરત ઈમાનને ટકાવી રાખે છે. ઈબાદત ચાલું રાખવી એ ઈમાનની નિશાની છે.

અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે.

પોતાની ઈબાદતનો વખત સંભાળવો, તે દરેક કામ કરતાં બહેતર છે.

મોમનની નિશાની એ છે કે, તે કદી પણ મતલબ વગરની અથવા ગેરવાજબી વાત કરતો નથી. દીન અને દુનિયા બન્નેમાંથી કોઇ પણ ફાયદો હોય તોજ તે વાત કરે છે, પણ અર્થ વગરની નકામી બકબક કરતો નથી.

(૩૦૫) તમે અમારી પાસેથી દુઆ માંગો છો, પણ અમારી દુઆથીજ તમોને શું ફાયદો થાય ? અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓનેજ કામ આવે છે.

તમે તો ફક્ત ઈબાદત બંદગી વખતે, ત્રણ ચાર કલાક અમારામાં ધ્યાન રાખતા હશો, પણ અમે તો ચોવીસે કલાક મોમનના ખ્યાલમાં રહીએ છીએ.

(૩૦૬) મિજલસોના કામમાં હિંમતની જરૂર છે, વગર હિંમતે તેનો ટકાવ થઇ શકતો નથી.

અગાઉ મિસરમાં અમારા બાપ દાદાના રાજમાં દારૂલ હિકમત નામનું એક મોટું મકાન હતું. તેમાં દીન તથા દુનિયાની કેટલીક બાબતોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. છેવટે મુરીદો એવા નાહિંમત થયા કે, એક વખત પોતાના ઈમામને પણ છોડીને એક બાજુ બેસી રહ્યા. આ કારણથી તે કામ ટકી શક્યું નહિ.

એવીજ રીતે જો તમે પણ નાહિંમત થશો તો નુકસાની થશે.

જો મિજલસના કામની પુરતી ગોઠવણ કરવામાં નહિ આવશે તો, કાલે શું થવાનું છે તે તમે શું જાણી શકો ? પાછળથી શું થવાનું છે તેનો બંદોબસ્ત હમેશાં અગાઉથી કરવો.

જો કે મિશનરીઓની ઘણી જરૂર છે અને ગામોગામ જઇ બોધ કરવો જોઇએ, પણ તેવા ભગતો હોવા તો જોઇએ ? !

દીનના કામમાં આંખમીંચ કરવી તેમાં ઘણું નુકસાન છે.

(૩૦૭) દરેક જમાતની ફરજ છે કે, નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. સ્કુલો તથા લાઇબ્રેરીઓમાં પણ અમારા ફરમાનની કેળવણી આપવી જોઇએ; જેથી અમારૂં ફરમાન શું છે ? તે સર્વેને યાદ રહે.

આપણા ઈલમમાં સુધારો કરવાની મદદ આપતા રહો. પરાઇ ભાષાની કિતાબોમાંથી ગુજરાતીમાં તરજુમા કરીને પોતાના દીનને મજબુત કરવામાં તત્પર રહો.

જો તમોને દીનની લાગણી હોય તો એવા વિચાર કરો કે, કેવી રીતે જમાતને બેસવાની સારી જગ્યાની ગોઠવણ થાય ? જમાતમાં ઈબાદત કેમ ઠીક થાય ? અને બચ્ચાંઓ કેમ ઈલમનો અભ્યાસ કરી શકે ?

(૩૦૭) તમારો દીન આસ્તે આસ્તે સુરજ મિસાલ ખુલ્લો થશે. તમારામાંથી સમજુ અને અક્કલવાળા જે ઈલમ ધરાવતા હશે તેઓ તે જોઇને ખુશી થશે.

(૩૦૮) તમે રૂહ પરસ્ત છો માટે તમારે રૂહ પરસ્ત જ રહેવું જોઇએ. જાહેરમાં હાથ પગ ધોઇને દોસ્તી રાખવાનો, દીન પાળનાર, મૌલાના દીનમાં કાંઇ ફાયદો મેળવી શકતા નથી, માટે તમારે રૂહ પરસ્ત રહેવું જોઇએ.

(૩૦૮) સુરજ ઉગે છે અને જેમ રોશની જાહેર થાય છે, તેમ આપણા દીનની રોશની જાહેર થશે.

તમે પોતાના દિલમાં પોતાના રૂહને એટલે અમારા નુરને જુઓ.

સુરત એટલે બદન તો દરેકનું ખાક છે. બદનને બિમારી પણ લાગુ પડે છે, રૂહને કાંઇ થતું નથી.

જે કોઇ રૂહાની ઈશ્ક રાખે છે તેજ ખુદા પરસ્ત છે. બદનને જોનાર બુત પરસ્ત છે.

દરેક ઈન્સાનના રૂહ સાથે ઈમામનું નુર જોડાયેલું છે.

મોમનનું દિલ એ ઈમામને રહેવાનો બંગલો છે અને તે ઈશ્ક ઉપર ટકેલો છે.

જો તે નુર જોવામાં આવે તોજ ઈમામની ખુબી છે. ઈમામની ખુબી છે તે નુર છે.

મુરશીદ જે ફરમાન કરે, તે વગર આનાકાનીએ તમારે મંજુર રાખવા જોઇએ. આવી રીતનું ફરમાન કેમ થયું ? તે તમારે બોલવાનું નથી. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઈમામની અક્કલ મુજબ તમારે ચાલવું જઇએ.

ઈન્સાનની અક્કલનું મુળ પણ ઈમામનીજ અક્કલ છે. ઈમામના હુકમ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કાંઇ પણ કામ નથી.

(૩૦૯) અમે કહીએ છીએ કે જે કાંઇ છે તે રૂહજ છે, માટે તેની તપાસ કરો કે તે શું છે? તે કયાંથી આવ્યો ? તે નુરની નિગાહ કરવી જોઇએ.

(૩૦૯) ખુદાની મહેરબાનીથી હાલમાં જુના જુના ગીનાનો અને જુદે જુદે ઠેકાણે કરેલા અમારા ફરમાનોનો લાભ તમોને મળે છે. આવો લાભ અગાઉના વખતમાં માણસોને નહિ મળતો હતો, જેથી કરીને દીનથી બે ખબર રહી શેતાની કામ કરતા હતા. આ ઈસમાઈલી દીનની અંદર શરીયત, તરીકત અને હકીકતને તેઓ સમજી શક્યા નહિ.

ખુદા મળવાનો રસ્તો શબ્દ ઉપર છે. તે શબ્દનો અર્થ સમજીને અમલ કરવો જોઇએ. તેમાં મુખ્ય બાબત ઈમાન છે. ઈમાન વગર શેતાન ગલબો કરે છે અને બાજી આપે છે.

ઈમાનનો પાયો ઈશ્ક ઉપર છે. જેમ ઈબાદતનો પાયો અમલ ઉપર છે, ને અમલનો પાયો ઈશ્ક ઉપર છે, તેમ ઈમાનનો પાયો ઈશ્ક ઉપર છે.

(૩૧૦) ઈશ્ક કેવો હોવો જાઇએ ? જેમ એક બિયાબાન જંગલમાં કોઇ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવીજ રીતે રૂહને પણ ઈમામનો ઈશ્ક હોવો જોઇએ.

ઈમામના બદન ઉપર નહિ પણ ઈમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઇએ.

(૩૧૧) લોકો વાએજ સાંભળે અથવા ન સાંભળે, તો પણ મિશનરી પોતાની ફરજ પ્રમાણે વાએજ કર્યા જાય આવી રીતે વર્તનાર ખરા મિશનરી છે.

દુનિયા જહન્નમ મિસાલ છે. જો હજાર બે હજાર કે કરોડ રૂપિયાની દૌલત હોય, ઉમર પણ સો બસોની હોય, તો પણ સઘળું ઝેર બરાબર છે.

અમારા મોમનની જે ખિદમત કરે છે, તે અમારી ખિદમત કરે છે. મોમનનો રૂહ તે અમારો રૂહ છે.

જે કોઇ મોમન દુર દેશાવરથી મહેનત લઇ, અમારી હુઝુરમાં આવે છે તેને અમે દુઆ આશીષ આપીએ છીએ. બીજી દુનિયામાં તેનો રસ્તો આસાન થાય છે.

ઈસમાઈલી દીન નુર મિસાલ છે. તમે નુર મિસાલ થાઓ.

ઈસમાઈલી દીનના રસ્તા ઉપર મજબુત થઇને ચાલજો. બચ્ચાંઓને દીન, ઈલમ, દુઆ, ગીનાન, ફરમાન, તવારીખ વિગેરે કેળવણી આપવી અને તેઓને દીન ઉપર મજબુત કરવા.

(૩૧૨) અલહમ્દોલિલ્લાહ, તમારામાંથી ઘણા માણસોએ રૂહાની કામ કર્યુ છે, તેમને લાજમ છે કે, પોતાના આમાલ સુધારે અને અમારા ફરમાન ઉપર ચાલે, આવી રીતે ચાલે તો રૂહાની કામ કર્યું તે પ્રમાણે છે.

ઈસમાઈલી દીનની માન્યતા સમજી, દિલમાં ચોકસી કરો, પાછા પગલા નહિ ભરતા; જો તમે આગળ વધશો તો, જમીન જેવામાંથી આસમાન જેવા થશો.

જેઓને ઈલમની ખબર નથી, તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો.

(૩૧૩) હમેશાં જમાતખાનામાં આવજો અને ગીનાનનો મુશાહેદો કરી, હકીકતી દીનની સઘળાઓને સમજ આપજો.

(૩૧૪) તમે સઘળા અમારી પાસે દુનિયાની વાતો લઇ આવો છો, દીનની વાતો પુછતા નથી તે કેવી દિલગીરીની વાત છે. ?

તમે નિયાઝ-આબેશફા પીયો છો, તેમાં માટી અને પાણીથી કાંઇ તમારું દિલ સાફ થતું નથી.

(૩૧૫) જે અમારા સ્વરૂપને ઓળખતો નથી તેને માટી અને પાણી પીવાથી કાંઇ પણ ફાયદો થતો નથી.

(૩૧૫) હકીકતી મોમન દુનિયાનો અને દીનનો ઈલમ બરાબર જાણે.

(૩૧૬) જેઓને કુરઆન શિખવાની ઇચ્છા હોય, તેઓ કુરઆનનો હકીકી અર્થ જાણનાર પાસેથી શિખે.

તમે ખોજાઓને દીનની કેટલીક કિતાબોની ખબર નથી. તમારામાંથી કેટલાકોએ દીનની એવી કિતાબો વાંચી નથી, એ કિતાબો વાંચશો ત્યારે તમને સમજ પડશે અને એ કિતાબો વાંચવાથી તમારી અક્કલ તમને સાક્ષી આપશે કે, તમારો દીન સાચો છે અને તેની તમને ખાત્રી થશે.

દીવાને શમ્સ તબરીઝ તથા મસનવી મૌલાના રૂમની કિતાબો પડશો ત્યારે તમને ખબર પડશે કે, બીજા મુલ્કોમાં કેમ ચાલે છે ? તમારો મઝહબ દરેક મુલ્કમાં છે.

પીર સદરદીને તમને તમારી ભાષામાં ઈલ્મ શિખવ્યું એ જ પ્રમાણે, અમારા તરફથી દીન બતાવવા ગયેલ માણસોએ જેમની જેવી જબાન હતી, તે જબાનમાં બોધ કીધો. નકામી વાતોમાં વખત બગાડવા કરતાં, આવી કિતાબો પડો. અમારા ફરમાન ભુલી નહિ જતા, દિલમાં યાદ રાખજો.

(૩૧૭) દીનનો અર્થ તમે બરાબર સમજો કે જેથી તમને ખબર પડશે કે, દીનના મોટાઓ કેવા હતા ? અને તેઓ ખુદાની નજદીક કેવી રીતે થયા ?

તમે ફિલસુફી પડો તો ખુદાવંદતઆલાની નજીક થઇ શકો.

પીર શમ્સ, પીર સદરદીન તથા મૌલાના રૂમ, ફિલસુફી ઘણી પડયા હતા, તેમજ કુરઆને શરીફ માયના સાથે પડયા હતા.

પીર શમ્સ, પીર સદરદીન, મૌલાના રૂમ, એઓ જ એવા થઇ શક્યા એમ નહિ સમજતા, તમે પણ મહેનત કરી પડો તો એવા થઇ શકશો.

કેટલાક જણ એવા વિચાર કરે છે કે ફક્ત માલ જ એકઠો કરીએ યાને ગધેડા જેવા થઇએ. આમાં શું ફાયદો છે ?

સમજદાર ઈન્સાનને મોટી ઉમેદ રાખવી જોઇએ; તે એ છે કે, રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે, તેનો ખ્યાલ કરે. મરી ગયા બાદ રૂહ ક્યાં જશે તેનો ખ્યાલ કરે. અને એવી હિંમત રાખે કે, અસલ મકાને પહોંચે.

જેમ મોટી નદીનું પાણી દરિયામાં પહોંચે છે તેમ ઈન્સાનનો રૂહ પણ મોટા દરિયામાં જઇ પહોંચે છે. રૂહનો પણ દરિયો છે. રૂહ પણ ત્યાં જશે. તે એવી ઉમેદ રાખે કે, અસલ મકાને પહોંચુ.

(૩૧૮) તમે સાંભળ્યું હશે કે, બુઢા ઘોડાઓના માટે બંદોબસ્ત કરવામાં આવે છે, જેમ કે, પાંજરાપોળમાં રાખવામાં આવે છે. ત્યાં સારૂં સારૂં ખાવાનું તથા આરામ કરવાનું હોય છે. આવી રીતે બહેશ્તમાં પણ સારૂં ખાવાનું તથા સારે ઠેકાણે સુવાનું હોય, એ બહેશ્ત નથી પણ તબેલો છે. ઘોડા પાંજરાપોળમાં ખાય છે અને સુએ છે; ત્યાં તેઓના માટે સગવડો છે. મોમનને એવી ઉમેદ ન રાખવી જોઇએ.

જે મોમન છે તે એવી ઉમેદ રાખે કે, અસલ મકાને પહોંચે.

તમે વિચાર કરો કે, તમારો રૂહ શું છે ? તમે નરસાં કામ કરો છો, ત્યારે તમને તે મના કરે છે અને તમે સારા કામ કરો છો ત્યારે તમને કહે છે કે, આ કામ સારૂં છે, તું કર.

તમારે ખ્યાલ કરવો જોઇએ કે, રૂહ ક્યાંથી આવ્યો ? પાછો રૂહ ક્યાં જશે ? જેઓ ફિલ્સુફીની કિતાબો પડ્યા છે, તેઓ સર્વે જાણે છે.

આવું ઈલ્મ તમારા ઉપર વાજબ છે.

ફિલ્સુફીની કિતાબો હોય, તે તમે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે.

તમે બિમારીની દવા લેવા અમારી પાસે આવો છો પણ અમે ડાક્ટર નથી, અમે તો રૂહના ડાક્ટર છીએ. માથું અથવા બદનની બિમારીના ડાક્ટર અમે નથી. અમે તમારા રૂહના ડાક્ટર છીએ. માટે અમારા ફરમાન સાંભળી, તે ઉપર અમલ કરો, તેનાથી તમને ફાયદો થશે.

કુરઆને શરીફ પણ હિકમત તથા દાનાઇ સાથે પડો તો વાજબી છે, પણ હિકમત અને દાનાઈ વગર જે પડે છે, તે ગધેડા મિસાલ છે. હિકમત સાથે પડશો તો ફાયદો થશે.

કુરઆને શરીફમાં આ એક આયાત છે કે, “ખુદામાંથી આવ્યા છીએ અને પાછા ત્યાં જશું.” જો તમે હિકમત સાથે પડશો તો આવા બોલ સમજાશે.

(૩૧૯) અમારા ફરમાન તમને સખત લાગે છે અને ઘણા મુશ્કીલ માલમ પડે છે, પણ અમારી ફરજ એ છે કે તમને ફરમાન કરીએ.

જેમ જમીનમાં બી વાવવામાં આવે છે, તેમ અમારા ફરમાન દિલમાં રોપજો, તો તેમાં સારા સારા ફળ ઉત્પન થશે.

ઈન્શાઅલ્લાહ તમે અમારી સાથે હશો.

યા અલી મદદ