કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી
રેકોર્ડીંગ - ૯
રેકોર્ડીંગ - ૯
ફરમાન નં - ૧૫૧ થી ૧૫૯.
(પેજ ૩૧૯) તમારી પાસે અમારી એક માંગણી છે, તે એ છે કે, જેમ અમે તમને વીસારતા નથી, તેમ તમે પણ અમને નહિ વીસારતા.
નુરને વખતે અમારા બધા મુરીદોને અમે દુઆ ફરમાવીએ છીએ. અમારા સઘળા મુરીદોને માટે બે કલાક નુરાની વેળાએ દુઆ ફરમાવીએ છીએ. નાના, મોટા, પરણેલા, કુંવારા, બાઇઓ, છોકરીઓ, પરણેલીઓ, કુંવારીઓ, ગરીબ તથા શ્રીમંત સઘળાને માટે દુઆ કરીએ છીએ કે ખુદાવંદતઆલા તમારૂં ઈમાન બરાબર રાખે. તમારા કામ બરાબર હોય. અમે તમને દુઆ કરીએ છીએ કે, તમારો દીન બરાબર સમજો. તમારા સર્વે આમાલ સારા થાય. દુનિયામાં ખરાબ કામ નહિ કરો, ખોટું નહિ બોલો, સચ્ચાઇથી ચાલો. અમે રાત દીવસ તમારા માટે એ જ દુઆ ફરમાવીએ છીએ.
ઈન્શાઅલ્લાહ, તમારા માલ તથા ઔલાદમાં બરકત થાય. પહેલાં તમારા દીનના માટે દુઆ કરીએ છીએ કે, તમારા દીનમાં મુસ્તકીમ રહો. પછી તમારા આમાલ માટે દુઆ ફરમાવીએ છીએ કે, તમારા આમાલ સારા થાય. ત્યાર બાદ દુનિયાને માટે દુઆ ફરમાવીએ છીએ કે, દુનિયામાં નેક થઇને ચાલો અને બધી રીતે તમારૂં સારૂં થાય.
અમારા ફરમાન તમારા દિલ તથા કાનમાં રાખજો. તમારા ભલાના માટે ફરમાન કરીએ છીએ.
તમારું નામ દરવેશ છે અને અમારૂં નામ પણ દરવેશ છે. અગર અમને કોઇ પુછે કે તમારો મઝહબ કેવો છે ? પહેલાં તો અમે કહેશું કે, અમારો મઝહબ દરવેશીનો છે. દરવેશી મઝહબ સઘળા કરતાં ઉત્તમ છે. તમારો મઝહબ પણ દરવેશીનો છે. તે ઘણો જ સારો છે.
તમારામાંથી કોઇ ગરીબ મરી જાય તો, તેના મૈયતમાં સર્વે જણાએ જવું. દીનભાઇના મૈયતમાં એક કદમ ચાલશો તો ઘણો સવાબ છે. કોઇ ગરીબ વિવાહ કરે તો, જેમ પૈસાદારને ઘેર જાઓ છો, તેમ ગરીબને ઘેર પણ જાઓ; પણ તેમને ચા, શરબત, પાન વિગેરેનો ખરચ કરાવવો નહિ.
અમે તમને રસ્તો દેખાડીએ છીએ. રસ્તામાં પથ્થર પડેલા હોય તે ખેસવીને રસ્તો સાફ કરી આપીએ છીએ. હવે તે ઉપર ચાલવું કે ન ચાલવું તે તમારી ખુશી ઉપર આધાર રાખે છે.
તમને મઝહબ વિષે ફરમાન કરેલા છે, તે ભુલી નહિ જશો. તે મુજબ અમલ કરજો. તમે ખુદાના આશક થાઓ અને ખુદાના ઈશ્કમાં મસ્ત બનો.
તમે વિચાર કરો કે, રૂહ ક્યાંથી આવ્યો અને પાછો ક્યાં જશે ? અમારા ફરમાન બરાબર દિલમાં રાખજો, ભુલી નહિ જતા. જરાપણ ગફલત નહિ કરતા.
તમે દિવસમાં બે કલાક વિચાર કરો કે, રૂહ ક્યાંથી આવ્યો અને પાછો ક્યાં જશે ? તમે નેક કામ કરો. નેક કામ તે શુભ અને ખુબી ભરેલા છે.
તમારા દિલમાં એ ખ્યાલ જોઇએ કે, રૂહ ક્યાંથી આવ્યો અને પાછો કયાં જશે ? એ ખ્યાલ દિલમાંથી અળગો નહિ કરજો. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મહોબત વાસ્તે છે. અમે તમારા માટે ઈશ્ક ઇચ્છીએ છીએ, તેથી સારો રસ્તો તમને દેખાડીએ છીએ.
તમે અમને કોઇ ચીજ વસ્તું આપો, તેમાં અમે ખુશી થઇએ એમ નથી. અમારા ફરમાન ઉપર અમલ કરો, ત્યારે અમે રાજી થઇએ.
કોઇ વસ્તુ કે ચીજ લાવવા કરતાં તમે અમારા ફરમાનમાં રહેશો તો અમે વધારે રાજી થઇશું.
મોમન મોમન વચ્ચે હંમેશાં એકદિલી તથા સંપ રાખવો.
બની ફાતમાઈત ઈસમાઈલી ઈમામો, જેઓ મિસરમાં બાદશાહો થઇ ગયા છે, તેઓની તવારીખ વાંચો. અમારા દાદાઓએ બસોથી ત્રણસો વરસ મિસરમાં બાદશાહી કરેલી છે, એ તવારીખો વાંચો.
નાદાન શું સમજે ? તેઓ કદાચ એટલું પણ નહિ સમજશે કે શાહ ઈસમાઈલ તથા મુસા કાઝીમમાં શું ફરક હતો અને શું બન્યું. તમે અમારી તવારીખ વાંચો અને જુઓ કે કેટલા જુલમ થયા છે ?!
શાહ હસનઅલીના વખતમાં શાહ ખલીલુલ્લાહ ઉપર કેટલા જુલમ થયા છે ?! ચાલીસ, પચાસ વર્ષ અગાઉ, કેટલાક મુરીદોને મારી નાંખવામાં આવ્યા, તો પણ તેઓએ પોતાનો દીન મુક્યો નહિ. કેટલા જુલમો થયા છે ! સિત્તેર હજાર મુરીદો મરાઈ ગયા તો પણ તેઓએ પોતાના દીનને છોડયો નહિ. તમે પણ દીનના એવાજ આશક થાઓ.
અલહમ્દોલિલ્લાહ, હાલના જમાનામાં આરામ છે. તમે પણ એવા થાઓ કે, દીનને નહિ મુકો. જાન જાય તો ભલે, પણ દીનનો ત્યાગ નહિ કરો. માથું કુરબાન થઈ જાય તો પણ દીન નહિ છોડો.
તમારી આંખો, જબાન, હાથ, સર્વે પાક હોય. બધું સત્ય સત્ય અને સત્યજ હોય. આવા લક્ષણવાળો ઇન્સાન ગોયા ફિરસ્તો છે.
(૩૨૮) ઈમાન છે તે પોતાના હાથમાં છે. જો તમોને આખરત જોઇતી હોય તો પોતાના રૂહને ખુદાના ઈશ્ક તથા મહોબ્બતમાં રાખજો. હમેશાં ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહિ વિસારતા. અમે એમ નથી કહેતા કે, દુનિયાનો ધંધો છોડી આપો, પણ ધંધો સફાઇ તથા સચ્ચાઇથી કરજો.
હઝરત અમીરૂલ મોઅમનીને એક વખત ખુદાવંદતઆલા પાસે દુઆ માંગી કે, ‘યા ખુદા બહેશ્તની ઇચ્છાથી અથવા દોજખની બીકથી ડરીને હું ઈબાદત નથી કરતો. હું સમજુ છું કે ખુદાવંદ તું ઈબાદતને લાયક છે.
(૩૨૯) ઈન્સાનને લાજમ છે કે ખુદાવંદતઆલાનો ઈશ્ક દિલમાં રાખે. ઈન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી જહેમત અને બેકરારી કરે છે ? તે કરતાં પણ હજારો દરજ્જે વધારે ખુદાનો ઈશ્ક રાખવો જોઇએ.
ખુદાવંદ કરીમનું નુર તમારા દિલમાં વસી રહ્યું છે. તે નુરને મહોબત વડે દિન પ્રતિદિન વધારો. દિવસ તથા રાતના ચોવીસ કલાક છે, તેમાંથી દશ બાર કલાક દુનિયાના કામ કરો, છ કલાક સુઓ, એક કલાક આરામથી બેસો અને ત્રણથી ચાર કલાક હમેશાં ખુદાને યાદ કરો. જુઠું બોલવું, હરામખોરી કરવી, પરાયો માલ ખાઇ જવો વિગેરે ખરાબ કામ છોડી આપો.
ખુદાવંદતઆલા તમારા તરફથી એ ઈચ્છે છે કે, તમે બંદગી ઈબાદત કરો. ઉઠતાં, બેસતાં, ચાલતાં, ખુદાને યાદ કરો.
(૩૩૦) જમાતખાનામાં હમેશાં આવો, ગીનાનનો મુશાહેદો કરો અને દિન પ્રતિદિન આપણા ઈસમાઈલી દીન ઉપરના ઈમાનનો પાયો પાકો કરો.
આપણા દીનની સત્યતાનો વાવટો દુનિયામાં ઉડતો કરો, અર્થાત ઘણી સત્યતાથી ચાલો, જેથી બીજી કોમો આપણા દીનના વખાણ કરે અને કહે કે આગાખાનના મુરીદો કેવી સચ્ચાઇથી ચાલે છે? જ્યારે દુનિયામાં તમારા એવા વખાણ થાય ત્યારેજ અમારી મહેનત લેખે લાગેલી કહેવાય.
પોતાનો ભેદ હીરા માફક સંભાળવો. પોતાનું દિલ સાફ રાખવું.
મગરબ વખતે દુનિયાનો ધંધો મુકી દઇને જમાતખાનામાં જરૂર આવજો. એમ નહિ કરતા કે, દુનિયાના કામ માટે દીનનો વખત યાને ટાણું હાથમાંથી નીકળી જાય.
મગરબ વખતે જમાતખાનામાં આવો. એક કલાક ખુદાવંદતઆલા સાથે દિલ બાંધો ને બંદગી કરો.
(૩૩૧) અર્ધી રાતે અર્ધો કલાક ફરાગતથી બેસી દીનના ખ્યાલ બરાબર કરજો, જરૂર કરજો. હાઝર જોમાના ફરમાન દિલ ઉપરથી વિસારી નહિ મુક્તા.
તમારો દીન એ આઝાદ દીન છે. તમારો દીન હકીકતી છે. તે સાફ દીન છે.
અમે હંમેશાં જમાતખાનામાં તમારી પાસે હાજર છીએ, દુર નથી. તમારા હાથ કરતા પણ અમે તમને વધારે નજીક છીએ. તમે જમાતખાનામાં અમારૂ નામ લ્યો છો ત્યારે, અમે તમારી પાસે મૌજુદ છીએ. તમને ઈશ્ક હોય તો અમે દુર હોઇએ તો પણ તમારી પાસે હાજર છીએ. અમે તમને વિસારતા નથી.
(૩૩૨) તમારો દીન સુલેમાન પેગમ્બરની વિંટી છે, તે વિંટી હાથમાંથી ગુમાવશો નહિ. એમ ન થાય કે, સુલેમાન પેગમ્બરની વિંટી તમારા હાથમાંથી નીકળી જાય.
બદકાર ક્યારે પણ આસુદા નહિ થશે.
તમે હંમેશા સવારના ઉઠતી વેળા પોતાનું દિલ ખુદા સાથે બાંધજો. તમે તમારા દિલમાં હંમેંશા વિચાર કરશો તો, પોતાની મેળે રોશની પેદા થશે.
(૩૩૩) જુઓ, અગાઉના જમાનામાં નુહ પેગમ્બરનો છોકરો હતો, તે નુહના દીનમાં ન રહ્યો, તેથી તે કાફર થયો.
(૩૩૪) તમારા ઉપર, દીન બાબત કંઇ બની આવે તો, માલ, ઔલાદ અને જાન પણ ફિદા કરજો, પણ દીન હાથમાંથી ગુમાવશો નહિ.
તમે વખતસર દુઆ બંદગી હેત પ્રિતથી કરજો.
આજ દિવસ સુધી જે ગુન્હા તમે કરેલા છે, તે સર્વે અમે માફ કરીએ છીએ. હવે પછી ગુન્હા નહિ કરતા.
આખી દુનિયામાં જે કોઇ અમારી ખિદમત કરે છે, તે જ્યાં પણ હોય ત્યાં તેને અમે ઓળખીયે છીએ. અમને સઘળી ખબર છે.
જેવી રીતે અમને જોઇને તમે ખુશી થાઓ છો, તેના કરતાં તમને જોઇને અમે વધારે ખુશી થઇએ છીએ. તમને જેવો ઈશ્ક અમારા ઉપર થાય છે, તેના કરતાં તમારા ઉપર અમને વધારે ઈશ્ક થાય છે. અમે હંમેશાં તમારા ઈશ્કના ખ્યાલમાં છીએ.
અમે હંમેશાં તમને દુઆ કરીયે છીએ. અમારી દુઆથી તમારૂં દિલ સફેદ થશે. અમે દુઆ કરીયે છીએ કે, હંમેશાં તમારૂં દિલ સાફ હોય. તમારા રૂહ હમેશાં સફેદ હશે. બધી જમાતને માટે અમે એવી જ દુઆ કરીયે છીએ.
અમે તમને સાફ સીધો રસ્તો દેખાડેલ છે, હવે તમારૂં ઈમાન તમારા પોતાના હાથમાં છે.
અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે.
(૩૩૫) આખો દિવસ દુનિયાના વેપાર ધંધાનો વખત છે, પણ મગરબ ટાણે એક કલાક બંદગી કરવા ન આવવું એ જુલમ છે. એ તો પોતાના ઉપર જુલમ કરવાનું છે.
(૩૩૬) તમે ખોજા ઘણા સારા છો કે, અમને અરજ કરો છો જે ઈમાનની સલામતી રાખો. અમે તમે સર્વેને દુઆ કરીએ છીએ કે તમારૂં ઈમાન સલામત રહે. એ સઘળું તમારા હાથમાં છે.
(૩૩૭) અમારા ફરમાનો સાંભળી તમારૂં દિલ આરીસા માફક સાફ કરશો તો ખુદા તમને નજદીક થશે, ત્યારે તમે ફિરસ્તા જેવા થશો. તમારું દિલ આરીસા માફક સાફ કરો. આરસી ઉપર મેલ તથા કાટ ચડેલો હોય, ત્યારે તેમાં સુરજનુ નુર પ્રવેશ થતું નથી. જ્યારે આરસી સાફ હોય છે, ત્યારે તેમાં નુર પ્રવેશ થાય છે.
(૩૩૮) તમારી પાસે ઘણો કિંમતી સાચો હીરો છે અને તમે આગ ગાડીમાં બેઠા છો, તમારી સાથે ચોર હોય તો શું તમે સુઇ રહેશો ? નહિ સુઓ. તમે જાણો છો કે તમારો દીન ઝવેરાત કરતાં પણ વધારે ઉત્તમ છે. તમારા દીન કરતાં બીજો કોઇ દીન ઉત્તમ નથી.
હજારો હીરા તથા ઝવેરાત હોય અને તે અમુલ્ય કિંમતના હોય તો પણ તમારા દીનના એક વાળ બરાબર થઇ શકે નહિ. તમારો દીન આવો અમુલ્ય છે, માટે તમે પોતાના દીનથી ગાફેલ નહિ થાઓ.
તમે તમારી સાથે ચોરને બેસાડો છો તે ઠીક નથી. ઈન્સાનને વાજબ છે કે, ચોરથી ચેતીને રહે, એટલે કે જાગતો રહે. જે ગાડીમાં ચોર હોય, ત્યાંથી ઉતરી બીજી ગાડીમાં બેસે.
અમારા ફરમાનોનો ખ્યાલ કરજો. અમારા ફરમાનોની હજારો માયના છે. તેની સમજણ લઇને ચાલો તો, શેતાન તથા ચોરના ફરેબમાં નહિ આવો.
અમારા ફરમાનોની હજારો માયના છે, પણ અમને લાજમ નથી કે, અતરે સઘળું ખુલ્લે ખુલ્લું કરી સમજાવીએ; પણ જેમ તમે ગીનાનની માયના કાઢો છો, તેમ અમારા ફરમાનોની પણ માયના કાઢજો. તેમાં શું ભેદ અને ખુબીઓ સમાયેલી છે, તે સમજવી જોઇએ.
અમારા ફરમાનના એકે એક શબ્દની માયના કાઢો. તેમાં ઘણા ભેદ છે, તે સમજવા જોઇએ. અમે ફરમાન કરીએ છીએ તે તમે હંમેશાં વાંચજો. તેની માયના કાઢજો. ખ્યાલ રાખજો.
(૩૩૯) ગીનાન અને ફરમાનની માયના એક કલાક કાઢજો.
એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે ? આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા આવા વિચારો કરશો ત્યારેજ મોમનના લક્ષણ તથા દીનની ખબર તમને પડશે.
તમે ફુરસદ વખતે દુનિયાના ઈશ્કની વાતો તથા ચોપડીઓ નહિ વાંચો. ફુરસદ વેળા દીનની નસિહતોની કિતાબો વાંચો, ગીનાન ઈલમ પડો, જેમાં તમને ફાયદો હાંસલ થાય.
જ્યાં મલાએકો હોય ત્યાં ભુત આવતા નથી. આનો મકસદ સમજો. અમારા ફરમાન સાંભળીને ભુલી નહિ જતા. હમેશાં દિલમાં રાખજો. ખરાબ કામથી હમેશાં દુર રહેજો. આ વાતને નાની સરખી નહિ સમજતા ઘણી મોટી છે.
અમે આટલી આટલી મહેનત કરી છે, આટલા આટલા ફરમાન કીધા છે, છતાં પણ તમારા આમાલ સારા ન થાય તો અમે શું કરીએ ? અમારા કરેલા ફરમાન તથા મહેનત વ્યર્થ જાય, તેમ નહિ કરશો.
(૩૪૧) અમારા ફરમાન ફક્ત સાંભળી લીધા એટલું જ બસ નથી, તમારા ઉપર વાજબ છે કે, અમારા ફરમાન ઉપર ખ્યાલ કરો, તેની માયના કાઢો તથા માયના સમજો. એક કાનથી સાંભળી, બીજે કાનેથી કાઢી નાખો તો શું ફાયદો થાય ? પણ એકઠા મળીને વાંચો અને તેની માયના કાઢો.
કોઇ મકસુદ પુછે કે, આ ફરમાનની શું માયના થઇ ? બીજો જવાબ આપે કે, એની આ મકસુદ છે. આવી રીતે એકબીજા સાથે મશવેરો કરો.
બધા પેગમ્બરોના વખતમાં પણ ફરમાન થતા હતા, તેની પણ માયના કાઢવામાં આવતી હતી; તેજ પ્રમાણે તમે પણ અમારા ફરમાનોની માયના કાઢો.
અમે ફરમાન કરીયે તેની મકસુદ ઉપર તમારૂ ચિત્ત ન હોય તો ભુલી જશો.
તમે મૂળમાં ગુન્હા નહિ કરો.
(૩૪૨) તમે દીનની તારીફ કરો, દીનભાઇઓ તથા દીન બહેનો એકઠા મળી દીનની વાતો કરે તે વાજબી છે. પણ એકઠા મળીને ઠઠ્ઠા મશ્કરી કરવી તે ઘણું ખરાબ છે, અને તે ગુન્હા ભરેલું છે.
તમે મોમન એવા થઇને ચાલો કે એક બીજાને નુકશાન ન પહોંચે. કોઇ લાકડી લઇને મારે તો પણ તેને કાંઇ કહેવું નહિ. સબર અખત્યાર કરવી. તમે એવા થઇને ચાલો, તેમાં ઘણું સારૂં છે.
મોમનના મોઢામાંથી લાનત અથવા ખરાબ શબ્દો નીકળવા ન જોઇએ. મોમનનું મોઢું બગીચા મિસાલ છે, જેના ફુલોમાંથી ખુશબો નીકળે.
(૩૪૩) તમે હમેશાં તમારા દીનમાં મશગુલ રહો. હમેશાં તમને દીનના ખ્યાલ કરવા જોઇએ.
તમે ઈશ્કે હકીકી શોધો.
ઈશ્ક તથા મહોબતથી ચાલો. ઉમેદ મોટે ઠેકાણે ઉપર જવાની કરો. મોટે ઠેકાણે પહોંચવાની આશા ધરાવો. હમેશાં ખુદાના ખ્યાલમાં રહો. એવા કામ કરો.
જવાન માણસ થઇ ભીખ માંગે એ ગુન્હા છે અને તેને ભીખ દેવી તે પણ ગુન્હા છે. તેને કહો કે, પથ્થર ઉપાડ, હમાલી કર, પણ ભીખ નહિ માંગ. આ મરદના માટે છે,
બાઇમાણસ હોય, લાચાર હોય, પાસે પૈસા ન હોય, તેને તરત મદદ કરો.
મોમનને વાજબ છે કે ખુદાએ જે હાલતમાં પેદા કરેલ હોય તેથી નારાજ નહિ થવું જોઇએ.
(૩૪૩) અમારો મઝહબ ઈસમાઈલી છે અને તમારો મઝહબ પણ ઈસમાઈલી છે.
(૩૪૪) સુફી મઝહબ આપણા ઈસમાઈલી દીનને લગતો છે.
"અસલ એક હતા" એ કેવી માન્યતા ? અને કેવી સમજણ છે ?
(૩૪૫) તમે એવા થઇને ચાલો અને એવા કામ કરો કે, જે ઉત્તમ જગ્યાએથી તમે આવ્યા છો, તે અસલ મકાન ઉપર પાછા પહોંચી જાઓ.
અમારા ફરમાન ઉપર નહિ ચાલો તો કાળી શાહીના ટીકા પ્રમાણે તમારા ઉપર કાળા ડાઘ રહી જશે.
યા અલી મદદ