કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી
રેકોર્ડીંગ - ૧૦
રેકોર્ડીંગ - ૧૦
ફરમાન નં - ૧૬૦.
દારેસલામ, તા. ૨૯-૯-૧૮૯૯.
હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાઝર ઈમામે ફરમાવ્યું:-
"તમારા દીનના ઉસુલ વિષે ફરમાવીએ છીએ. તમારો “ઉસુલે દીન” શું છે? જેમ ઝાડનું મગજ હોય તે પ્રમાણે છે. બધા ઈન્સાનનો ખ્યાલ ઉસુલ તથા મગજ ઉપર હોય છે.
તમારામાં કેટલાક એવા છે કે જેમને પોતાના દીનની કાંઇ ખબર નથી.
જ્યારે તમે નવરા બેઠા હો ત્યારે, તમારે ખ્યાલ કરવો જોઇએ કે ખાલક કોણ છે ? મખલુક કોણ છે ? તમે એવા ખ્યાલ ક્યારે પણ કીધા છે ? કોઇ તમને પુછે કે તમે કોણ છો ? ત્યારે તમે કહેશો કે મારા બાપનો દિકરો; બલકે તમારી થોડીક પેઢી સુધી જવાબ આપી શકશો. જરા વધારે અક્કલવાળો હશે તે આદમ સુધી પહોંચશે, પછી ખલાસ.
તમે વિચાર કરો કે આદમ ક્યાંથી આવ્યો ? આદમને કોણે મોકલ્યો ? જે ઈન્સાન સુફી હશે તે આ ખ્યાલને પકડી લેશે.
તમોએ જોયું છે કે, વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જમીન પર પડીને સુકાઇ જાય છે. જે ટીપું ટીપું થઇને નદીમાં મળે છે અને નદી દરિયામાં મળે છે. સઘળું પાણી અંતે પાછું દરિયામાં જાય છે. તેજ પ્રમાણે તમારો રૂહ અસલ છે, તેનું મકાન ઘણુંજ મોટું છે.
જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન ઉપર પડીને સુકાઇ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મહોબ્બત પણ વધારે કરે છે.
કેદખાનામાં ઈબાદત કરે અને સમજે કે મરી જશું ત્યારે કેદખાનામાંથી છુટા થઇ બહેશ્તમાં જશું. પરંતુ બહેશ્ત પણ કેદખાનુંજ છે.
તમારામાંના જેઓ તમારા કરતાં વધારે અક્કલવાળા હતા, તેઓ અમારે રસ્તે ચાલ્યા છે; મિસાલ મનસુર ચાલ્યો; તેને વાસ્તે બહેશ્ત મૌજુદ હતી; પણ તે કહેતો કે, ખાલી બહેશ્તમાં જઇને શું કરૂં; જ્યાં સુધી મગજને ચાખીશ નહિ ત્યાં સુધી પાછો નહિ વળું, આગળ વધીશ.
જ્યારે અસલની ખબર ન પડે, ત્યારે શું વળ્યું ? મુર્તઝા-અલીએ ફરમાવ્યું છે કે, “જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો.” જ્યાં જોઇએ છીએ ત્યાં રૂહ-દોસ્તને જોઇએ છીએ.
જ્યારે તમે માણસને જુઓ છો, ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે. હાથ, પગ, મોઢું, આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો.
તમને અત્યારે રૂહનો ખ્યાલ છે કે, બંદગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે ?
ઈન્સાનનો દરજ્જો ઉંચો છે, પણ તે પોતાને પોતાના હાથે નીચે પાડી નાંખે છે, તમારામાંથી કોઇ કોશીષ કરે કે અમે પીર સદરદીન, પીર શમ્સ તથા મનસુર જેવા થઇએ તો તમે તેવા થઇ શકો છો. તમે તેનાથી પણ ઉપર થઇ શકો છો.
અમે કહેતા નથી કે તમે કેવા થશો; પણ અમને બધી ખબર છે. જો તમે આપણા દીનના રસ્તા ઉપર મુસ્તકીમ થઇને ચાલશો તો તમે ઉંચે પહોંચી શકશો. તેની અમને ખબર છે.
તમારું દિલ તથા મકસુદ સુફીમાં હોય તો તમે પહોંચો. આ બાબતમાં કેટલીક ચીજોની જરૂર છે, તેમાં બુલંદ હિંમત જોઇએ. તે હિંમત તમારામાં નથી.
કેટલાક હજાર વર્ષો થઇ ગયા, તેમાં કેટલા માણસો તે મકસુદને પહોંચ્યા ? હ. ઈસા, હ. રસુલ (સ.), મનસુર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તે સર્વેના કામ તથા રસ્તો એક સરખોજ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના આશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા.
દુનિયામાં ઘણા મઝહબ છે, જેઓ સુફી નથી. શરીયતી, નસારા, યહુદી, હિંદુ વિગેરે સર્વે મઝહબવાળાઓ સુફી નથી. તેઓના ખ્યાલ તથા બંદગી નીચે જવાની હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે, તે ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે બહેશ્તમાં જઇ ત્યાં સારૂં સારૂં ખાવું, સારા લુગડા, ઝાઝી સ્ત્રીઓ અને બહેશ્તના સુખ પોતાને મળે. તેઓની આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો શરીયતીની છે.
બહેશ્ત પણ દુનિયા માફક છે.
રૂહની જે અસલ ઉમેદ છે તે જુદી વસ્તું છે.
મૌલાના રૂમી કહી ગયો છે કે હું, પથ્થર હતો, તેમાંથી ઝાડમાં પેદા થયો. તેમાંથી બદલીને કીડીમાં પેદા થયો, ત્યાર બાદ જાનવરમાં પહોંચ્યો, જાનવરમાંથી મટીને વાંદરામાં પહોંચ્યો; તેમાંથી ઈન્સાન થયો છું.
ઈન્સાનમાંથી શું થઇશ ? મલાએક બનીશ.
ત્યાંથી ક્યાં જઇશ ? તે કરતાં ઉંચે જઈશ.
તમે વિચાર કરો કે, ફના થઇએ. જે કોઇ ચાહે અને કોશીષ કરે તે ત્યાં પહોંચી શકશે. પણ તમારા ગુન્હા તમને પહોંચવા આપતા નથી. તે ગુન્હાઓએ તમને કેદખાનામાં બંધ કીધા છે.
દુનિયાના ગુન્હાઓએ તમને કેદખાનામાં નાખેલા છે. તેમજ ખોટું બોલવાની આદતે તમને કેદમાં નાંખ્યા છે અને તમારી ઉમેદો જેવી કે બહેશ્ત, હુરાઓ, સારા મેવા, એ સર્વે આશાઓએ તમને કેદ કરેલા છે.
પણ રૂહ કેદખાનામાં કોઇ વખત ખુશી નથી.
જુઓ વિચાર કરો, કોઇ બુલબુલ અથવા બીજા પક્ષીને પકડીને પાંજરામાં નાખવામાં આવે, તેને પાણી અને જે સારી સારી ચીજો જાનવરો ખાય છે તે આપવામાં આવે, તો પણ પક્ષી પાંજરામાં ખુશી નથી. તે ઉડીને હવામાં જવાને વધારે રાજી હોય છે. તેને પાંજરામાંથી ઉડી જવાનું મન થાય છે.
પક્ષીની પાંખો કાપીને પાંજરામાં રાખવામાં આવે અને પછી આસ્તે આસ્તે તેને પાંજરાની આદત આપવામાં આવે. પહેલાં તો તેનું મન થશે કે પાંજરામાંથી બહાર નીકળી જાઉં. પણ તેની પાંખો કાપ્યા બાદ બે ત્રણ વર્ષ તેને પાંજરાની આદત આપવામાં આવે તો પછી પાંજરામાંથી બહાર નીકળવાનું તેને મન નહિ થાય.
તમે પણ પક્ષીની મિસાલ છો.
જ્યારે તમે પહેલાં પાંજરામાં આવ્યા ત્યારે તમારો ખ્યાલ હતો કે ભાગી જઇએ પણ પછી પાંજરાની આદત પડી, તેની અંદરના ખોરાકથી ખુશી થયા. હવામાં ફરવા તમે ખુશી નથી.
પુત્ર, કુટુંબ તેના કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ફસાયા છો, એવા લોભાયા છો કે કાપેલી પાંખવાળા પક્ષીની પેઠે પાંખ કાપેલા થયા. હવે તમે ક્યાં જાઓ ? !
કોઇ બુલબુલ ઘણા વેગથી ઉડનારી હોય, તેને સોનાના પાંજરામાં રાખી, સારા સારા મેવા, પાણી વિગેરે આપવામાં આવે, તો પણ તેનું એવું દિલ થશે કે ઉડી જાઉં; પણ આસ્તે આસ્તે તેની પાંખો કાપી નાંખવામાં આવે, તેના બચ્ચાં એકઠા થતાં જાય, તો પચાસ વર્ષ બાદ તેમને બહાર કાઢતાં, તેઓ ઉડી નહિ શકે, કારણ કે કેદખાનામાં તેઓનો જન્મ થયો છે. હવામાં ફરવાની અથવા ઉડવાની ખુબીઓથી તેઓ અજાણ છે.
તમે પણ બેખુદ છો. તમારા દીનની અસલ ખુબી તમે જાણતા નથી, તેની માયના સમજતા નથી. દીનની કેવી ઉમેદ છે તે વિષે તમને ખબર નથી.
તમારામાં ઘણા એક એવા છે કે જેઓએ પોતાના નામો ઈસમાઈલી મઝહબમાં રાખેલા છે અને કહે છે કે અમે ઈસમાઈલી છીએ; પણ ઈસમાઈલી મઝહબ શું છે અને તેની ખુબી શું છે તે વિષે તેઓને કાંઇ ખબર નથી. તેઓ નાદાન છે.
તમે પણ આસ્તે આસ્તે સુફીમાં દિલ લગાડો. એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો. સુફી મઝહબ એ તરીકત છે, પછી હકીકતમાં પહોંચશો. તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો.
ઈલ્મવાળો રૂહ પગથિયું પગથિયું ઉંચે ચડશે. તે એક દાદર પુરો કરી બીજા દાદર પર ચડી શકશે.
પણ જેને ઈલ્મ નથી તે કહે છે કે હું તો જતો નથી, અહીંયાજ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ઘડ બેસતા નથી. જે સમજી શકતો નથી, તેના ઘટમાં કેમ ઘડ બેશે ? અને તે કેમ ઈતબાર લાવે ?
અમારા ફરમાન જેઓ સમજી શકશે તેમને મીઠાશ લાગશે.
અમારા ફરમાન પ્રમાણે નહિ ચાલશો તો, તમે પરેશાન થશો. ત્યાં લોખંડ તથા આતશના ગુરજ તમારા માથામાં મારવામાં આવશે, ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને કહેશો કે ‘તૌબા તૌબા’ રાત દિવસ ગુરજ માથામાં લાગશે.
બેખબરીનો ગુરજ ઘણો ઇજા પહોંચાડનાર છે. આતશના ગુરજથી ડરીને ધાસ્તીના લીધે ઈબાદત બંદગી કરે, તે મોમન નથી; પણ ખરું ડરવું એ છે કે, ખુદાના દિદારથી દૂર ન થવાય; તેનાથી ડરવું જોઇએ.
જેમ હઝરત મુર્તઝાઅલીએ એક દિવસ, નમાઝની વખતે ફરમાવ્યું કે, "ખુદાયા મને બહેશ્તની તમા નથી, તેમ હું દોઝખથી ડરતો નથી, જે દુ:ખ દેવું હોય તે મને દે, મારાથી સારાઇ કર. હું તારો આશક છું." હકીકત એ છે.
મુર્તઝાઅલી મોજીઝા કરતા હતા, પરંતુ મોજીઝા માણસ પણ શીખે છે. અને જાદુગરો બનાવી શકે છે. મુર્તઝાઅલીનો મોજીઝો એ હતો કે પોતાની જગ્યા પર પહોંચાડે. હકીકતના અસલ મકાને પહોંચો.
જે તમારે પુછવું હોય તે પુછો કે ફલાણી બાબત અમે સમજી શકતા નથી. તમે બેખબર છો. જેઓ બેખબર છે તે કેવા કેવા ખ્યાલ કરે છે કે, જે બિમાર હોય તેને તેની બિમારીમાંથી સાહેબ સારા કરે છે. એ અમારૂં કામ નથી. અમારૂં કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ જેથી, તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તમે ફનાફિલ્લાહ થાઓ.
ફના - કાંઇ નહિ.
ફિ - અંદર.
અલ્લાહ - ખુદા.
ફનાફિલ્લાહ - ખુદાવંદતઆલાની જાતમાં નાબુદ થઇ જવું.
તમે એવા ખ્યાલ કરો કે ભલા ! ખુદા કોણ છે ? અને ખુદામાં કેમ ન સમાઉં ? ! એવી ઉમેદ રાખો.
તમે એવા ખ્યાલ નહિ રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો સાંભળો અને વિચાર કરો. જેમકે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા.
હઝરત ઈસા કોણ હતા ? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા.
હઝરત રસુલ કરીમની મેઅરાજ વિષે તમોએ સાંભળ્યું છે. એ બાબતમાં તમોએ શું ખ્યાલ કર્યો ? માણસો કહે છે કે, હઝરત રસુલ ઘોડા ઉપર બેસી મેઅરાજ સીધાવ્યા, એ બધી લોકોની વાતો છે.
ખુદા માત્ર આસમાનમાંજ છે, એમ નથી, ખુદા બધે ઠેકાણે છે; પણ તેઓ અસલ મકાને પહોંચી પાછા વળ્યા તે રાત મેઅરાજની હતી. આ મેઅરાજ છે.
તમે એની માયના સમજતા નથી. પયગમ્બરે જે મિસાલો ફરમાવેલી છે તેની માયના અક્કલવાળા દાના હોય તે સમજે. પણ જે બેઅક્કલ હોય, તે કહેશે કે કિસ્સા કહાણીઓ ખરી છે.
અક્કલવાળો માણસ કહેશે કે, ઈન્સાન એ એક મોટી ચીજ છે.
સારા નરસાને બરાબર ઓળખે તે ઈન્સાન છે. અક્કલવાળો જવાબ આપશે કે એ એક મિસાલ છે. એની તુલના કરીને સમજો, એ તમારા હાથમાં છે. એવો વિચાર નહિ કરતાં કે કામ ઘણું મુશ્કિલ છે.
એવું નથી કે માત્ર મુર્તઝાઅલીની ઔલાદ ત્યાં પહોંચે. જે કોઇ પક્ષીની માફક ઉડે, નિશ્ચય કરે તે પહોંચે. પહેલા ઝાઝુ ન ઉડાય તો થોડું ઉડે. એમ કરતાં કરતાં અસલ બાઝ જેવો થશે અને બરાબર ઉડશે.
આ સર્વે બાબતોનો ખ્યાલ કરો. આમાં પક્ષીની કાંઇ પણ મકસદ નથી. જો પક્ષીની મકસદ હોત તો, અમે તમને કહેતે નહિ.
દીન એ છે કે ખોટા ખ્યાલ નહિ કરવા. ખુદાએ તમને પેદા કીધા છે. તમે ખુદાને સિજદો કરો તેમાં ખુદાને શું ફાયદો ?
ખુદા ફકત એકમાં નથી. ખુદા સર્વે ઠેકાણે છે. તેને ખુશી કરવો એ બહેતર છે. જ્યારે તમારું દિલ રાજી રહે, ત્યારે ખુદા રાજી રહે.
તમે દુનિયામાં કેદમાં છો ત્યાં સુધી રાજી નહિ થશો.
પોતાના પ્રાણનો ઘાત કરીને કેદમાંથી નીકળી જવું એમ નથી; મુઆ તો વળી મોટું કેદખાનું આગળ છે; એકમાંથી બીજું, ત્રીજું વિગેરે. પોતાના પ્રાણનો ઘાત કરીને છુટવું એમાં શું ફાયદો છે ?
તમને ખબર નથી કે તમારા વડવા કેવા હતા ?
અગાઉના જમાનામાં ઉમર ખૈયામ એક સુન્ની માણસ શરીયતી કાઝી હતો. તેના હાથમાં કિતાબ હતી. હાથ પગ ધોવાની નકામી વાતો કરતો હતો. એવી રીતે હાથ પગ ધોવા એ પોતાને હજામ બનાવવા બરાબર છે અને એ હજામનું કામ છે એમ તેને લાગ્યું.
ત્યાર બાદ તેણે આસ્તે આસ્તે ખુદાના ઈલ્મ વિષે ખ્યાલ કીધો.
પછી નાસર ખુશરૂ સાથે તેની દોસ્તી થઇ. નાસર ખુશરૂની દોસ્તી થયા પછી, ઉમર ખૈયામ આસ્તે આસ્તે મહેનત લઇને પોતાને દરજ્જે પહોંચ્યો.
તે હંમેશા હૈયાત છે. તે પોતાની કિતાબમાં લખી ગયો છે કે હું હંમેશા જીવતો છું.
બંદગીનો શું અર્થ છે?
બંદ - ઈન્સાનના પગ બાંધ્યા હોય તે.
અબ્દ - ગુલામ.
અબ્દુલ્લાહ - ખુદાનો ગુલામ.
તમારો ગુલામ હોય તે ઘણાં વર્ષ તમારી ખિદમત બરાબર કરે, તો શું તમે તેને આઝાદ નહિ કરશો ?
તમારો કોઇ ગુલામ હોય અને તે સારો માણસ હોય અને હંમેશા તમારી ખિદમત કરતો હોય, તો તમે તેના માટે શું કરશો ? તેને પૈસા આપશો તો તે રાજી નહિ થશે. તેને આઝાદ કરશો, ત્યારેજ તે ખુશી થશે.
તમે બંદેખુદા છો. ખુદા રહેમુર રાહેમીન છે. ત્યારે શું તમને કોઇ વખત આઝાદ નહિ કરે ? અમે નથી કહેતા કે આ દુનિયા પછી પણ તે આઝાદીમાં તમે પહોંચી શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા તથા આલા હિંમત ઉપર આધાર રાખે છે. એ સઘળું તમારા હાથમાંજ છે.
તમે ખ્યાલ કરો કે તમારો દીન શું છે ? તમારા દીનનું ફરમાન છે કે તમે જોઇ વિચારીને ચાલો અને ખ્યાલ કરી જુઓ.
દાખલા તરીકે તમે જંગલમાં ચાલો છો, ત્યાં ત્રણ ચાર ઠેકાણે પાણીના ખાબોચિયા છે, તેમાં પાણી ભરેલું છે, મગરબ વખતે જ્યારે સુરજ અસ્ત થાય છે ત્યારે, સુરજના નૂરનો પ્રકાશ પાણી ઉપર પડે છે.
જો તે જંગલમાં જનાર ઈન્સાન બેઅક્કલ હશે તો કહેશે કે આ નૂરાની રંગ પાણીનો છે. પણ જો તે માણસ અક્કલવાળો હશે તો તે કહેશે કે આ પાણીનો રંગ નથી, એ સુરજનું નૂર છે.
મેં એ પાણી દીઠેલું છે. અગાઉનો તથા હમણાંનો પાણીનો રંગ સરખો નથી. આ તો સુરજનું નૂર પાણી ઉપર પડેલ છે. જ્યારે સુરજ અસ્ત થઇ જશે ત્યારે માલમ પડશે કે તે સુરજનું નૂર હતું.
જ્યારે ઝાડ અથવા પહાડ ઉપર વીજળી પડે છે. ત્યારે તમે કહેશો કે એ વીજળી ડુંગર છે. એ બેઈલ્મી તથા નાદાનની વાતો છે.
તમે પોતે ખુદાનો દરજ્જો સમજો અને હકીકતના રસ્તાથી વાકેફગાર થાઓ, ત્યારે તમે આઝાદ થશો. ખુદાનો દરજજો સમજયા અગાઉ પોતાનો દરજ્જો સમજો. ત્યાર બાદ ખુદાના દરજ્જાની ખબર પડશે.
ઈન્સાન રાત દિવસ પૈસા પેદા કરે, સારા કામ કરે પછી મરી જાય, ત્યારે શું ફાયદો ?
તેમજ હંમેશા બંદગી કરવા છતાં આઝાદીમાં ન પહોંચે તો શું વળ્યું ? અક્કલવાળો થોડાથી નારાજ થશે.
તમારી પાસે ગુલામ હોય, તેને વાંકી ટોપી પહેરાવો તથા પીળો લેબાસ બનાવી આપો, પણ જો તે ગુલામ અક્કલવાળો હશે તો તેને ગમ થશે અને કહેશે કે હું નારાજ છું. તેને શું થવું જોઇએ ?
તેને ઘટારત છે કે આઝાદ થાય અને શેઠ બને, ત્યારે જ અક્કલવાળો રાજી થાય.
જો તે ગુલામ બે અક્કલ હશે, તો કહેશે કે હું ગુલામ છું, સારું ખાવાનું, સારા કપડાં તથા વાપરવાનું સર્વે સુખ છે. જો મારો ધણી મને આઝાદ કરી નાંખશે તો મારે મહેનત કરવી પડશે અને હું ભુખે મરી જઇશ. મને ગુલામી બહેતર છે. સઘળા ઈન્સાનનું આ પ્રમાણે છે.
અમારા ફરમાન તમારા દિલમાં ઘડ બેસે છે કે નહિ ? અમે મુશ્કિલ સમજીએ છીએ; સબબ એ છે કે અમે બીજા ખ્યાલમાં કહીએ છીએ અને તમે બીજા ખ્યાલમાં સમજો છો.
તમે ઈસમાઈલી દીનની માયના નથી સમજતા. તમે સહી ચોક્કસ કરીને સમજો કે તમારો દરજ્જો કેવો છે ?
જે ઈન્સાનનો પહેરવેશ ખરાબ અને મેલો હોય, તેના લેબાસ ઉપર રસ્તામાં થોડી માટી તથા ચીકલ પડે તો તેને અફસોસ નહિ થાય. તેના કપડાં પહેલાંથી જ મેલા હતા, તેના ઉપર થોડા વધુ ડાઘા થવાથી તેને અફસોસ થશે નહિ;
પણ જે ઈન્સાનનાં લુગડા ધોબી ધોએલા સ્વચ્છ હશે. તેને રસ્તે જતાં ગાડીનો થોડો ચીકલ લુગડા ઉપર લાગી જાય, તો તેને કચવાણ લાગશે. કારણ કે તેનો લેબાસ હંમેશા સાફ રહે છે.
તે કહેશે કે જલદી ઘરે જાઉં અને આ લેબાસ બદલી નાખું, જેથી મારા દોસ્તો મારી મશ્કરી ન કરે. તે ઘેર જઇ બીજા લુગડા પહેરી લેશે.
આની માયના સમજો છો ? ચીકલ છે તે ગુન્હા છે. એ ચીકલ આ છે કે: (૧) પરાયો માલ ખાઇ જવો. (૨) પરાઇ ઔરત પર બદ નજર કરવી. (૩) મરદોનો ખ્યાલ પારકી સ્ત્રી ઉપર હોય. (૪) ફલાણાના સો રૂપિયા મારા રૂપિયા સાથે છે, તે ખાઇ જાઉં. આ સઘળા ગુન્હા ચીકલ છે.
મોમીન ઈન્સાન લેબાસ સારો પહેરે છે. તે થોડા ગુન્હા કરે તો પણ તેની નજરમાં તે ગુન્હા મોટા જણાય છે. તે જલદી બીજો પહેરવેશ પહેરી લેશે.
દોસ્ત, માશુકને મળવાની ઉમેદ રાખતો હોય અને તેનો લેબાસ ખરાબ હોય, તો માશુક તેને કબુલ નહિ કરે, કહેશે કે જાઓ જાઓ.
તે માશુક કોણ છે ? તે માશુક ખુદાવંદતઆલા છે.
ખરાબ લેબાસ તે ગુન્હા છે, રાત દિવસ ચીકલમાં લેટે તે ગુલામ છે. તે કદી આઝાદીની તલબ રાખતો નથી.
આ જે સઘળા ફરમાન થાય છે, તે તમે સમજો. હકીકત અને શરીયત શું છે ?
આ બીજી સોબત છે. “આ” અને “તે” ક્યારે પણ એક થવાના નથી. ક્યારે પણ એક નહિ થશે. “આ” કિતાબ, રોઝા, નમાઝ તથા બંદગીને ચાહે છે. "તે” ઉમેદ આઝાદીની રાખે છે.
એ બે વાતો છે. બન્નેના વિચારો જુદા જુદા છે. અમારા વાસ્તે ઘણી મહેનત છે.
"એ” બેઇલ્મી કેમ રાજી થાય ? “એ” હકીકતને પકડતો નથી. એને હકીકત જોઇતી નથી. જેઓ બેઈલ્મ છે તેઓ હકીકતને છોડી આપે છે,
પણ જે હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ (૧) ઈસા (૨) પીર સદરદીન (૩) નાસર ખુશરૂ (૪) પીર શમ્સ (૫) મૌલાના રૂમી, એવી રીતના માણસો હકીકતના રસ્તા ઉપર ચાલ્યા. આ રસ્તો નાદાનને માટે બહુ મુશ્કિલ છે.
અમે જોઇએ છીએ કે અમારા દીનમાંથી ફરી જઇને કોઇ ઈશનાઅશરી અથવા સુન્ની તથા નસારા થઇ જાય છે, તેમાં અમે અજબ થતા નથી. કારણ કે તે પોતે બેઈલ્મ છે.
બેઅક્કલ આદમ માટે હકીકતી દીન ઘણોજ મુશ્કીલ છે. બેઅક્કલને માટે અમારો દીન ઘણોજ મુશ્કિલ છે. બેઅક્કલ ફરી જાય, તેમાં અમને તાજુબી લાગતી નથી, કેમ કે આ દીન ઘણો સખત છે.
જે ઈન્સાન અક્કલનો ઝઇફ છે તે ખરાબ છે. તે હરામની પછવાડે દોડે છે; પણ જે દાના અક્કલવાળો હશે તે કહેશે કે આ રસ્તો સારો છે. તે તેનો વિચાર કરીને ચાલશે.
અક્કલવાળો કહેશે કે મારી આરઝુ આઝાદીની છે. હું આઝાદી પછવાડે દોડું છું, હું દોડીશ, હું શોધીશ !
તમે જયારે સિજદો કરો ત્યારે, માંગો કે અમને અસલ મકાને પહોંચાડો.
જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઇ ગયું હોય છે, ત્યારે તે રડે છે કે ક્યારે મા પાસે જઇ પહોંચુ ! તમે પણ તેવા થાઓ.
અમોએ તમને ઘણા ફરમાન કર્યા, પણ ફાયદો ત્યારેજ થાય કે જ્યારે અમારા ફરમાન પ્રમાણે ચાલો. જો તમે અમારા ફરમાન પ્રમાણે અમલ કરો, તો જાણે અમે સવાર સુધી ફરમાન કીધાં એમ અમે સમજશું.
ઈન્શાઅલ્લાહ, તમારામાં કેટલાક હકીકતી છે. તેઓને અમારા ફરમાન ઘણોજ ફાયદો કરશે. તેઓના દિલમાં ઘડ બેસી જશે,
પણ જેઓના દિલ ઝઇફ છે અને હિંમત નથી તેમના દિલમાં થોડો અથવા વધારે શક ઉત્પન થશે, કારણ કે હકીકત ઉપર તેમને ઓછો ઈતબાર છે. તે અમે સઘળું સમજીએ છીએ. સઘળાંના દિલની અમને ખબર છે.
શરીયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે, તો તેમના દિલમાં અસર કરતા નથી. જેઓ હકીકતી નથી તેઓ બેઅક્કલ છે.
ઈન્સાનને જોશ ઉત્પન થાય છે તે ખોટો જોશ છે. તેને પણ ફરમાન અસર કરતા નથી. તેઓને એમ થશે કે જેમ પાણીને આતશ ઉપર રાખવાથી હવા થઇને ઉડી જાય છે, તે આતશ ઉપર જોશમાં ઉકળે છે અને અવાજ કરે છે. દિલનો જોશ પણ પાણી માફક છે.
અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે "ખુદા યા ! તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય અને ખરાબીથી દુર ભાગે. તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવળો પકડે."
"ખુદા યા ! તેઓને હકીકતી આંખો બક્ષ." આ દુઆ સઘળી દુઆ કરતા વધારે છે.
ઈન્શાઅલ્લાહ, અમારા ફરમાન હમેશાં દિલમાં રાખજો, ભુલી નહિ જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અતરે હાઝર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહિ થવું જોઇએ.
જેમ ગીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ ગીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એજ ગીનાન છે.
અમારા સિધાવ્યા બાદ એવું નહિ સમજતા કે સાહેબ સિધાવી ગયા.
જેમ તમે ઈમામને હાઝર સમજો છો, તેમ હાઝર સમજજો, હાઝર ઈમામ જાહેરીમાં હંમેશા હાઝર નથી બેસી રહેતા, પણ તેઓને હાઝર સમજવા જોઇએ, અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ.
યા અલી મદદ
-: સમાપ્ત ભાગ - ૧ :-