Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી

રેકોર્ડીંગ - ૫

રેકોર્ડીંગ - ૫

0:000:00

ફરમાન નં - ૫૮ થી ૭૦.

(પેજ ૧૫૦) ફરમાન તથા ગીનાન વાંચવાનો અભ્યાસ તમે નહિ રાખો તો શેતાન ફરેબ આપશે અને દીનમાં મુસ્તકીમ નહિ રહી શકશો.

અમારા દરવેશી ધર્મને હકીકતી કહેવામાં આવે છે. હકીકતી દીન દિલની અંદર પાળવાનો છે.

(૧૫૧) જે લોકો અગાઉ ગીનાન તથા ઈલમ ઉપર ચાલ્યા છે, તેઓ તરી ગયા છે.

તમે પાક દિલ થશો તો ફિરસ્તા જેવા થશો.

(૧૫૨) પહેલા પોતે બરાબર સમજવું અને પછી બીજાને સમજાવવું, તો બહુજ ફાયદો થશે.

ઈલમ વડે પહાડ જેવી મુશ્કીલ બાબતો આસાન કરી દેવાય છે.

મહેનત કરીને ઈલમ શીખો અને હિંમત રાખો, જેનામાં હિંમત છે તે સાતમા આસમાન સુધી પહોંચી જાય છે.

ઈબાદત બંદગીમાં મશગુલ રહેશો તો ખુદાનું નુર તમારામાં રોશન થશે અને બદીના કામ તુટી જશે. જો તમારી ઈબાદતની આદત નહિ હશે તો તમારી દુનિયા તથા દીન સર્વે બરબાદ જશે.

દુઆ આવડતી ન હોય તો બાર તસ્બી “પીરશાહ”ના નામની કાઢે.

(૧૫૩) ઈન્સાન જ્યારે પહેલવાન થવા ઈચ્છે છે ત્યારે કસરત કરે છે, માટે ઈબાદત બંદગી કરી દીનના પહેલવાન થાઓ. દીનની પહેલવાનીની કસરત છે તે રૂહાની કસરત છે.

ઈમાનદાર માણસ અગર ગરીબ હોય પણ જો તેનામાં હિંમત હશે તો એક મોટા કુવામાં કુદી પડવાને ડરશે નહિ, તે તરત કુદકો મારશે. તમે ડરો નહિ અને હિંમતવાળા થાઓ.

ગીનાન, કુરાન, મશનવી વિગેરેની માએના સરખાવીને સમજાવવામાં આવે તો ઘણી સારી અસર થાય.

ગીનાનનો બોધ એવો છે કે, બરાબર સાંભળે તો તે બોધ દિલમાં ઉતરી જશે. બરાબર માએના કાઢનાર હોય તો આંધળાને પણ સમજાવી શકે.

(૧૫૪) કુરાને શરીફની માએના એવી રીતે કાઢવી જોઇએ કે, જેવી રીતે મશનવી કિતાબની માએના કાઢવામાં આવે છે. કુરાન, ગીનાન તથા મશનવી સર્વેની સરખી માએના ઉતારવી જોઇએ. જેવી રીતે પીર સદરદીનના બોધ છે, તેવીજ રીતના મશનવી અર્થ છે પણ તે ફારસીમાં છે; માટે માએના શીખવી જોઇએ.

જે માણસ પોતાના રૂહને સંભાળે છે, તેણે તો એકજ રૂહને સંભાળ્યો.

જમાતની ખિદમત કરવામાં ઈબાદતથી વધારે ફાયદો છે અને તે ઘણા રૂહને સંભાળવા બરાબર છે.

સામો ધણી જો ઇત્તેકાદ વગરનો હોય, તેને પણ જો પાક ઈમાનદાર માણસ નસિહત કરે તો તેની નસિહત અસર કરે.

(૧૫૬) મોમનના દિલની ખુબી એવી છે કે, અમે તેના દિલમાં રહીએ છીએ.

તમારૂં નામ મોમન છે. મર્હુમ આગાશાહ હસનઅલી અને આગા અલીશાહ દાતાર ફરમાવી ગયા છે કે, તમે અમારા કુટુંબના છો.

(૧૫૭) તમે ઈન્સાન રૂપમાં છો, ખુદાવંદતઆલાએ તમારી ઉપર ઘણીજ મહેરબાની કરી છે કે તમને મહોબ્બતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો છે. પણ હેફ છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે, અને ઈન્સાન પાછો ખાકમાં દાખલ થઇ જાય છે.

રોજ કયામતમાં બીજી જાતોને તો એક બહાનું પણ છે કે તેઓને સતપંથ દીનની ખબર નહિ હતી. તમે અરબ, બદકશાની, ખોજા, મુમના તથા બીજા જેટલા ઈસમાઈલી સતપંથી છો, તેઓ રોજ કયામતના દિવસે કાંઇપણ બહાનું કાઢી શકશો નહિ.

(૧૫૮) તમારા પગ નીચે માયાનો એક ગંજ છે, તેના ઉપર ધુળનો ઢગલો છે, તેને તમે આ તરફ કે પેલી તરફ કરી શક્તા નથી, કે જેથી ખજાનો તમારા હાથમાં આવે.

ખ્યાલ કરો ! આ જગ્યાએ એવું તેલ છે કે જેની રોશની ઘણીજ થાય છે.

તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દિવાસળીથી સળગાવો નહિ તો રોશની કેમ થાય ?

તમારી હવેની આટલી જીંદગી છે, તે બે ફાયદે અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો ? તમે બાતુની ઈલમથી વાકેફગાર બનો.

તમે ઈબાદત કરતા નથી. આ દીન ઈસમાઇલી, જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તમે સમજો કે તમારા હાથમાં જવાહીર છે.

(૧૫૯) તમારા આદમના અવતારને ઓળખો, ઈન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો.

ઈન્સાનની બે હાલતો છે. એક હાલત ફિરસ્તાની તથા બીજી હાલત શેતાનની છે. ફિરસ્તા થવું અથવા હેવાન થવું એ તમારા પોતાના હાથમાં છે.

ગધેડા જેવા માણસો આવીને અમને પુછે છે કે અમે શું કરીએ ? અમારા ખ્યાલ દુનિયા ઉપર છે અને ઈબાદત પણ જબાનની છે, આવા માણસને અમારે શું જવાબ દેવો ? તેથી અમારે કાન બંધ રાખીને ચુપ બેસવું પડે છે.

જેમ ફિરસ્તા ઉપર શાહ છે, તેમ તમારા ઉપર પણ છે. ફિરસ્તાની અંદર એક કુવો છે તેમ તમારી અંદર પણ કુવો છે. જ્યાં સુધી હાંડો નાખીને પાણી કાઢવામાં આવે નહિ, ત્યાં સુધી પાણી હાથ આવે નહિ.

તમે ક્યાં સુધી બાજી ખાશો ? તમે ક્યાં સુધી તમારા ખ્યાલ દુનિયા ઉપર રાખશો ?

રાત ખુદાવંદે શા માટે કીધી છે? રાતનો બધો વખત સુઇ રહેવા માટે નથી, ઈબાદત માટે પણ છે. અને ઈબાદતમાં ખુશી સમાએલી છે.

ઈન્સાનને છ કલાક નિંદ્રા માટે ઘણા છે, બાકીનો રાતનો વખત ઈબાદતમાં ગુજારો.

તમે કહો છો કે, અમે મોમન છીએ; ત્યારે અમે પુછીએ છીએ કે, જનાવરથી ક્યો હુન્નર તમારામાં વધારે છે ?

(૧૬૦) તમે ખ્યાલ કરો, તમે ક્યા દરજ્જા ઉપર પહોંચ્યા છો ?

તમારી ફઝીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે.

હાલ તમારી બન્ને બાજુએ બે રસ્તા છે. એક તરફ એક સડક ગઇ છે તથા બીજી તરફ બીજી સડક ગઇ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે એ સડક પકડશો તો સાતમે આસમાને જઇ પહોંચશો, અગર એ સડક છોડી આપશો તો, તમારો રૂહ જમીન ઉપરજ રહેશે.

સાતમા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો.

ઈન્સાન થઇને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો ? દુનિયા ઉપર ક્યાં સુધી મહોબ્બત રાખશો ? ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો ?

જો તમે હિંમત રાખીને આસમાનની સડક પકડશો, તો જે વસ્તું અમારા હાથમાં છે તે, નાનપણમાં જોઇ શકશો.

જો તમે એકદિલીથી તથા મહોબ્બતથી સાચા રસ્તા ઉપર ચાલશો તો આસમાન ઉપર ચડી શકશો, સઘળું તમારા હાથમાં છે.

(૧૬૧) અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહીર છે. જેઓ ઈન્સાન છે તેઓ જવાહીર ઉંચકી લેશે. જેઓ હેવાન છે તેઓની નજર ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આપશે.

તમે જેટલા ઈમાન સાથે અમારી પાસે આવ્યા તેટલાજ ઈમાનથી પાછા જાઓ તેમાં શું ફાયદો ? ઈસમાઇલી દીન સતપંથનો મરમ સમજો. તમારૂં દિલ એટલે જીવ કેમ પાક થાય તે સમજો.

તમારામાંથી કેટલાક જણ હિંમત કરીને જમાતખાને જાય છે અને ઈબાદત બંદગી કરે છે. જે જમાતખાને જઇ ઈબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે તેનું દિલ ઈલમ ઉપર વધારે હોય છે.

એક વખત હ. ઈસા પોતાના અસહાબો સાથે ચાલ્યા જતા હતા, તે વખતે તેઓને એક માણસ સામે મળ્યો. આ માણસને જોઇને હ. ઈસા પયગમ્બર દોડીને એક બાજુની ગલીમાં નાસી ગયા. તેઓ ઘણા દૂર ગયા બાદ, બીજા અસહાબો તેમની પાસે પહોંચ્યા.

(૧૬૨) અસહાબોએ પયગમ્બરને અરજ કરી કે સાહેબ, તમે વાઘ તથા સિંહથી ડરતા નથી. તેમજ જંગલમાં બીજા ફાડી ખાનારા જનાવરોથી પણ બ્હીતા નથી, ત્યારે એક ફકીર જેવા માણસને જોઇને કેમ નાસી ગયા ? હ. ઈસા પયગમ્બરે ફરમાવ્યું કે, જે માણસ સામે મળ્યો તે, નાદાન બેદીન હતો. નાદાન બેદીન ગધેડાથી નાસી જવું વધારે સારૂં છે. એવા બેદીન લોકોથી દૂર રહેવામાં ફાયદો છે.

તમારામાં જુવાન બચ્ચાં છે તેમને દીનનો ઈલ્મ તથા ગીનાન શીખવો તો તમારા બચ્ચાં ઘણા સારા થશે. જો તમે તેમને ઈલ્મ નહિ શીખવશો તો તેઓ ગધેડા જેવા થઇ જશે અને બે બોલ બોલશે, મોઢાથી બકબક કરશે અને કહેશે કે અમે ઈબાદત બંદગી કરી.

હમણા તમારો વખત છે, તેમાં તમારી અક્કલ ખોલો, સાંભળો, યાદ કરો અને તમે ખ્યાલ કરો.

પીર સદરદીને જે રૂહાની ગીનાન ફરમાવ્યા છે તથા હાજર જોમાના જે ફરમાનો છે તેને તમે યાદ કરો.

જેવી રીતે છાપા, ન્યૂઝ પેપર વાંચી જાઓ છો તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો ? એક-એક લીટી દિલમાં ગ્રહણ કરો. ગીનાનની તથા અમારા ફરમાનની એક એક લીટી હઝાર હઝાર લીટી જેવી છે.

જ્યારે તમે ઈલ્મ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો.

(૧૬૩) તમે હિંમત રાખો, સુસ્તી છોડી આપો, દુનિયાના ખ્યાલ તરક કરો. તમે ઈન્સાન છો અને બે દિવસમાં મરી જવાનું છે; ઈબાદત બંદગી કરી લ્યો. જો ઈબાદત નહિ કરો તો જહન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો તેમાં શું ફાયદો ?

તમારૂં ઈમાન તમારા દિલમાં છે તેને હિંમત આપો. હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવંદને દિલમાં જગ્યા આપો. એવો કરાર કરો કે આજ પછી હિંમત ઘણીજ રાખો, એવી હિંમત રાખો અને એવો કરાર કરો કે આજ પછી દીન ઉપર વધારે ખ્યાલ રાખો.

તમારા દિલના રૂહને અહેવાલ પૂછો કે અંદર જીવ કેવી રીતે ચાલે છે ? રાત દિવસમાં બે ત્રણ કલાક જીવ સાથે ખ્યાલમાં રહી તેની સાથે વાતચીતમાં રહો. કેટલા દિવસ તમારા દિલને ઈબાદત વગર રાખશો ?

(૧૬૪) જેમ મરઘી જમીન ઉપર માથું પટકે છે તેમ કેટલા દિવસ તમે જમીન ઉપર માથું પટકતા રહેશો ? તમે ઉપર જવાના ખ્યાલ રાખો; એટલે કે, પોતાના રૂહનો ખ્યાલ આસમાન ઉપર જાવાનો રાખો.

જુઓ ! મુર્તઝાઅલીના અસહાબ સલમાન જેવા હતા, તે સલમાન એક ફારસી એટલે ઈરાની હતો, છતાં પણ ઈબાદત બંદગીના પ્રતાપે અહલેબતનો રૂત્બો મેળવવા પામ્યો.

જેઓ માએના સમજતા નથી તેનો રૂહ તેમાં હોતો નથી. તે ફ્કત મોઢાની બકબકાટ કરે છે.

અલહમ્દોલિલ્લાહ ! તમે શુક્રાના અદા કરો કે આ સતપંથ દીનમાં તમારો જન્મ થયો છે, તમે તે ઉપર ખ્યાલ રાખો. જો તે ઉપર ખ્યાલ હશે અને તમારા બદનમાંથી રૂહ નીકળી જશે તો પરબારા બહેશ્તમાં જશો.

(૧૬૫) બહેશ્તથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઇએ.

રૂહ છે તે તમારો આગળનો જીવ છે, તેને તમે દિલમાં એક કરો. તમે ક્યાં સુધી બેદિલ રહેશો ? તમારો રૂહ ક્યાં સુધી ખાકમાં રહેશે ? પાક છે તે ચીજ બીજી છે અને ખાક છે તે પણ બીજી ચીજ છે.

તમે ચોક્સાઈ કરો. હાલ તમે ખાક છો, એ ખાકમાંથી તમે પાક થાઓ. જો તમે પાક થઇ જાઓ તો પછી તમારા ખોળિયાને બાળી નાખવામાં આવે અથવા કુતરા ખાઇ જાય તેમાં કાંઇ પણ એબ નથી. ખાક ચીજ હતી તે તો અંતે ખાક છે પણ, બદનમાં જે રૂહ છે તે પાક ચીજ છે.

જેનો રૂહ પાક હશે તે જીબ્રાઈલ ફિરસ્તાથી પણ ઉંચે દરજ્જે જશે એટલે કે, પયગમ્બર જેવો થશે.

રૂહને પાક કરવાની રીત શું છે ? પહેલું એ છે કે, ઈમાન પાક હોવું જોઇએ; ત્યાર પછી ઈબાદત કરવી અને તે પછી હંમેશની તાલીમ લેવી જોઇએ.

માણસ કસરત કરવાથી પહેલવાન થઇ શકે છે. પહેલવાન થવાને જેવી કસરત કરો છો, તેવી કસરત રૂહ સાથે કરો ત્યારે આગળ વધી શકો; ત્યારે તમે રૂહના પહેલવાન થઇ શકશો.

તમે અમારા કાંગવા ભરો છો તેની માએના એ છે કે તમે અમારી બૈયત કરો છો. અમારા કાંગવા ભરનાર અમારી સાથે એવો કોલ કરે છે કે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તમારા ફરમાનથી કદી પણ બહાર જઇશું નહિ. અમે પણ તેઓને એવી જામીનગીરી આપીએ છીએ કે પેલી દુનિયામાં પણ તમે અમારી પાસેજ હશો અને અમે તમારી પાસે હોઇશું.

(૧૬૬) તમે ઈન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે. ઈન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય ?

ઈબાદત એ હમેશાંની કસરત તથા તાલીમ છે. અગર તમે એકાદ માસ ઈબાદત નહિ કરો તો આસ્તે આસ્તે કસરત ભુલી જશો. કસરત નહિ કરો તો પહેલવાન નહિ થાઓ, શરીર શૂન્ય મારી જશે એટલે કે, સુસ્ત થઇ જશે.

તમારા બદનમાં રૂહ છે તેની કસરત ઈબાદત છે.

જો તમે જમાતખાનામાં નહિ જાઓ તો ઈબાદતની કસરત કેમ થશે ?

જમાતખાનાની માએના એ નથી કે, એક મોટો બંગલો કરીને બેઠાં. એ કાંઇ કુદરતી રચના નથી.

(૧૬૭) ઈબાદત કરવામાં તમને ફાયદો થશે યાને તમારો શોખ અને દિલની ખુબી વધતી જશે.

ઈન્સાનને દિલમાં એમ ન હોવું જોઇએ કે, અમુક દરજ્જા સુધી પહોંચીને અટકી જાય.

મોમનની નિશાની એ છે કે, એક વખતમાં રાજી થઇ જતો નથી. મોમનની નિગાહ હમેશાં ઉંચે જવાની હોય છે.

મોમનનો ખ્યાલ એવો હોય છે કે, હું ફિરસ્તો થઇ જાઉં અને જીબ્રાઈલને દરજ્જે પહોંચું. દુનિયાની કુવ્વત એવી નથી કે, તે દરજ્જા સુધી પહોંચી શકે પણ દિલ ત્યાં પહોંચી શકે છે.

તમે દિલથી ચોકસાઇ કરો અને પાક થાઓ. ઈન્સાન કેવી રીતે પાક થાય છે ? આંખ, કાન, નાક, મોઢું સર્વે પાક થાય ત્યારે રૂહ ઉપર ચડી શકે.

ઈન્સાનનું મોઢું પણ ફરમાનથી બંધ કરવામાં આવે તો બંધ થાય છે. હકીકતી ઈન્સાન તથા હેવાનનો ફરક એ છે કે ઈન્સાનનું મોઢું નહિ બાંધો તો પણ તે કરડતો નથી. હકીકતીનું દિલ કોઇને કરડવાને ચાહતું નથી કારણ કે તે કરડવાને ખુશી નથી પણ એવા આખી દુનિયામાં થોડાજ મળી આવશે. તમારૂં મોઢું ખુલ્લું હોય તો પણ તમારે કરડવું નહિ. તમે કોઇને કરડવાના ખ્યાલ પણ રાખો નહિ.

અમે જે ફરમાન કરીએ છીએ તે જવાહીર જેવા છે.

અમારા ફરમાન ઉપર બે કલાક ખ્યાલ કરો.

જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉઘાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ પણ, પરીક્ષા કરનાર મોમન હોય તેજ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે.

પણ તમે નાદાન છો, ઈસા પયગમ્બર નાદાન પાસેથી નાસી ગયા હતા તેમ, તમે નાદાન જેવા થાઓ, તો મોતીના ઢગલામાંથી શું ફાયદો હાંસલ કરી શકશો ?

(૧૬૮) ઈબાદત કરીને પાક બનવાનો ખ્યાલ રાખો.

હકીકતી મોમન ફક્ત રમજાન મહિનામાંજ રોજા રાખતા નથી, તેઓને તો ૩૬૦ દિવસ હમેશાં રોઝા હોય છે. ત્રણસો સાઠ દિવસમાં એક પણ બદકામ ન થાય એ રોઝા છે.

એ રોઝા નથી કે, મોઢું બંધ કરીને નહિ ખાવું અને બીજા ગુન્હાના બદકામ કરવા. આ ખ્યાલના રોજા છે.

જે કોઇ પોતાના પાક અને સાફ દિલથી ઈબાદત કરશે તે હ. ઈસા તથા મુસા પયગમ્બર જેવા થશે. એટલું જ નહિ પણ એથી પણ ઉંચે દરજ્જે પહોંચશે. ઈસા તથા મુસા નબીને દરજ્જે તે થઇ શકે છે કે, જે શખ્સની જીંદગી પુરી થયા લગી, તેના દરેક ખ્યાલ પાક હોય, જેનું દિલ પાક હોય અને જેનો રૂહ રાત દિવસ ખુદાવંદતઆલા સાથે મેળાપ કરતું હોય, તેવા લોકો પોતાની હિંમતથી ઉચે દરજ્જે પહોંચી શકે છે.

અમે જાણીએ છીએ કે તમે બધા એવા નથી કે, ઈસા અથવા મુસા જેવા થઇ શકો પણ જો તમે દિન પ્રતિદિન થોડા થોડા વધારે સારા થાઓ, એક એક કદમ, એક એક ઇંચ, કાંઇક પણ આગળ વધશો તો પણ અમે ફાયદો સમજશું.

કેટલાક માણસો રસ્તામાં આગળ ચાલે છે અને વળી બે કદમ પાછા હઠી જાય છે; જો આમ થાય તો વિચાર કરો કે જ્યાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચી શકાય ?

(૧૬૯) તમે બૈયત કરો છો કે, અમે તમારા તાબામાં થયા. એ વાત તોડી નાખો ત્યારે એ તો મશ્કરી થઇ. તમે મશ્કરી કરવા તો નથી આવતા ?

અમારા અહિંયા પધારવા છતાં તમે એવાને એવા રહી જાઓ ત્યારે, અમે અત્રે પધાર્યા અને તમે પણ અત્રે આવ્યા તેનો શું ફાયદો ?

અમે જે મેવો આપીએ છીએ તે ખાધા વગર જેવાને તેવા ઘરે પાછા જાઓ ત્યારે મહેનત કરીને અહિં આવવાનું શું ફળ ? તમે અક્કલથી વિચાર કરો.

તમારે ગામ જઇને ઈબાદત વધારે કરજો, હિંમત વધારે રાખજો. વધારે એકદિલીથી ચાલજો. સરકાર સાહેબની ખિદમત વધારે કરજો. તમારા બચ્ચાંમાં ઈલમ દીનનો ફેલાવો કરજો.

(૧૭૦) જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસિહતના બોલ સમજાવવા જોઇએ. તેઓ એમ ન કહે કે દીનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં ન્હોતા આવ્યા. દીન અને નસિહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઇએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે.

તમારા દીનમાં તથા બીજાના દીનમાં કેટલો બધો ફરક છે ? તમે ખ્યાલ કરો.

તમારો દીન “રૂહાની” છે અને બીજાઓનો દીન “જીસ્માની” છે.

રૂહાની તથા જીસ્માની દીનમાં કેટલો બધો ફરક છે ? તે મુખી કામડિયા બચ્ચાંઓને નહિ સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસિહતના બોલ નહિ લાગે તો જીસ્માની દીન બચ્ચાંઓના ધ્યાનમાં બેસી જશે.

જે માણસે આંબા જેવો સારો મેવો ખાધો નથી, તે માણસ લસણ, કાંદા, બટાટા, ટમાટા એવી એવી ચીજો ખાશે અને બહુ પસંદ કરશે, તેને કાંઇ પણ ફરક લાગશે નહિ. જે માણસના મોઢામાં આંબા જેવી વસ્તુ ગઇ નથી તે માણસ કાંદા, બટાટા કેમ નહિ ખાય ? માટે બચ્ચાંઓને ખાસ દીન, ઈલ્મ, ગીનાનની કેળવણી આપવી જોઇએ.

તમોને હસવું કેમ આવે છે ? તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઇએ. આજે અમે આવા ફરમાન કર્યાં છે, તે તમારા દિલમાં બેસાડવા જેવા છે, તે બેસાડયા છે ? અમારા દીનમાં હમેશાં આંબો છે અને બીજા મેવા તે હલકા છે. તમે તમારા દિલ સાથે ચોકસાઇ કરો અને સારા મેવા ખાઓ.

તમે આખરતના મેવા ખાઓ. દિલ આ મેવાને સમજી શકે છે.

(૧૭૧) તમે દુરથી ચાલીને અને ઘણી મહેનત લઇને આવ્યા છો, તેના કદમ કદમનો બદલો તમને રોજ ક્યામતમાં મળશે. અમે તમને દુઆ આશિષ ફરમાવીએ છીએ કે, તમને બહેસ્ત નજીક થશે.

ત્યાર બાદ એક ગામની જમાતે અરજ કરી કે, એક દહાડો મહેરબાની કરીને અમારા ગામમાં પધારો. જે ઉપરથી મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું :

તમે અમને એક દહાડો નહિ તેડાવો પણ ત્રણસોને સાઠ દિવસ તમારી પાસે રાખો. તમારા દિલમાં અમને જોશો તો અમે તમારી પાસે હમેશાં યાને ત્રણસોને સાઠ દિવસ બેઠાં છીએ.

(૧૭૨) અમારા ફરમાન ઉપર ચાલે છે તેજ અમારા ખરા મોમન છે.

(૧૭૨) અમે ઈસા પયગમ્બરનો દાખલો આપ્યો છે, તે કદી પણ નહિ ભૂલતા. હ. ઈસા પયગમ્બર હતા. તેઓ સિંહ, રીંછ, વાઘ વિગેરે જાનવરની સામે ચાલ્યા જતા હતા, પણ એક વખતે, તેઓ બૈતુલ મુકદસની સડક પરથી પસાર થતા હતા ત્યારે, બાર અસહાબો તેમની સાથે હતા તે વખતે, સામેથી એક ફકીર જેવો માણસ આવતો હતો, તે માણસને દૂરથી જોઇને ઈસા પયગમ્બર એવા તો નાઠા, જેમ કોઇ વાઘને જોઇને માણસ નાસી જાય છે.

ઈસા પયગમ્બર પણ સડક છોડીને ગલીમાં નાસી ગયા. તેઓ દોડીને માઇલ, બે માઇલ દૂર નીકળી ગયા અને ત્યાં ઉભા રહ્યા. બાર અસહાબો ત્યાં જઇ પહોંચ્યા અને પૂછ્યું કે, તમે વાઘ અને સિંહથી ડરતા નથી. તેમ બીજા કોઇ પણ ફાડી ખાનાર જનાવરની ધાસ્તી રાખતા નથી ત્યારે, આ ફકીર જેવા માણસને જોઇને કેમ નાસી ગયા ?

હ. ઈસાએ તેઓને સમજાવ્યું કે, તે ફકીર જેવો માણસ, ઘણો નાદાન હતો, એ માણસના કાનમાં કોઇ ઈલ્મની વાત જઇ શકે તેમ ન્હોતું.

(૧૭૩) ઈસા પયગમ્બર જેવા પણ નાદાન જાહેલની પાસે નહિ જતા ભાગી છુટયા.

નાદાન બેઇલમ માણસથી દુર રહેવું ઘણું જ સારૂં છે.

જેઓએ અમારા કાંગવા ભર્યા છે, તેઓએ અમારી બૈયત તાબેદારીનો કોલ આપ્યો છે અને અમે પણ જામીનગીરી આપી છે કે, જેઓ આવું મોટું કામ કરે છે, તેઓને અમારો દસ્ત બક્ષીએ છીએ. ખાનાવાદાન.

(૧૭૪) હીરજી વારસના વખતમાં ગોંડલમાં બહુજ રોશની હતી, તેવી હાલ દેખાતી નથી. તેથી તમો જમાતને કહીએ છીએ કે, તમે તેવી રોશની ફરીથી લાવો. તમારામાં એવી રોશની ફરીથી લાવો તો વધુ સારૂં થાય, કે જેવી રોશની હીરજી વારસના વખતમાં હતી.

વઝીર હીરજીના વખતમાં ઘણા સારા ઈમાની મોમન હતા.

અગાઉ અમલદારો અને જમાતમાં એકદિલ બલકે એક રૂહ હતું, તેવું હાલ નથી.

(૧૭૪) અમે જે મેવો તમારા માટે લાવ્યા છીએ, તે ખાઈને તમે જજો. જ્યારે તમે અહિંયા આવી મોટી મીજલસમાં આવ્યાં અને એમને એમ પાછા ચાલ્યા જાઓ તો મફતમાં મહેનત લીધી એમ કહેવાય. તમારા ઈમાનને કુવ્વત આપીને જાઓ.

શેતાન તમારા ધારવા પ્રમાણે કોઇ જીન જેવો નથી. જે માણસ દુષ્ટ છે, તે પોતે જ શેતાન છે. બદ માણસના છાયાથી પણ દૂર રહેજો. તમારો રસ્તો તેઓથી જુદોજ રાખજો.

(૧૭૫) તમે કાંગવા ભરો છો, પણ પહેલાં તો કાંગવાની માયના સમજવી જોઇએ અને ત્યાર પછી કાંગવો ભરવો જોઇએ. તમે કાંગવો ભરો છો, એટલે અમારી બૈયત કરો છો; એટલે કે તમે કોલ આપીને તમારો હાથ અમારા હાથમાં આપો છો.

કોલ એ છે કે, તમારી હૈયાતી સુધી અમારૂં ફરમાન તમારી ગરદન ઉપર હોય અને તમે અમારી ફરમાનબરદારી કરો. જેમ ગરદનમાં રસી હોય તેમ અમારૂં ફરમાન અક્કલથી ગરદન ઉપર રાખવું. આટલું જ ફક્ત સમજીને રાજી થવાનું નથી;

પણ આ કામ તથા ફરમાનની મતલબ પણ સમજવી જોઇએ. તમે આ કામ કીધું તેનો તથા ફરમાનનો સબબ તમે ભૂલી જાઓ તો આ કામ કરવાથી શું ફાયદો હાંસલ થાય ?

તમે જ્યારે આ કામ કરો ત્યારે સમજો કે તમે મુરશીદને કોલ આપ્યો કે, જ્યાં સુધી તમે જીવતા છો, ત્યાં સુધી અમારા ફરમાનથી બહાર નહિ જાઓ.

આવી નિયત કરીને જે માણસો કાંગવો ભરે છે, તેને અમે આવતી દુનિયામાં છોડી આપવાના નથી. અમે પણ તે શખ્સને કોલ આપીએ છીએ. અમે અમારો આપેલો કોલ કદી પણ તોડતા નથી. તમે પણ કોઇ વખત અમારા ફરમાનથી બહાર નહિ જશો, તોજ અમારો કોલ અમે આપીએ છીએ. અમે પણ તેનો હાથ આખરતમાં પકડશું.

પહેલાં તમારૂં દિલ પાક કરો અને તમારી આંખો પાક કરો. ત્યાર પછી ઈબાદત કરો તો તમે ઈબાદતનો ફાયદો જોઈ શકશો.

(૧૭૬) એ ઈબાદત છે, તે ખાસ કરીને બાતુનની ઈબાદત છે, એ ઈબાદત શું છે ? અને તેમાં શું થાય છે? અને તે કેવી રીતે થાય છે ? એ એક રૂહાની વરજશ યાને તાલીમ છે, તેની કેટલાકને ખબર પડે છે. આવી તાલીમ પોતાના રૂહને હમેશા દેવી.

બદનને મહેનત તથા કુવ્વત આપવાથી પહેલવાન થવાય છે, તે તમે જાણો છો. તેવીજ રીતે બાતુનની ઈબાદત વડે રૂહને કસરત આપશો તો તમે ફિરસ્તા થશો. તમારી હિંમતને નીચે હઠવા આપતા નહિ.

હ. મુસા પયગમ્બર એક વખત શહેરમાં જતા હતા ત્યારે, દુરથી તેઓએ એક બત્તી જોઇ. તેઓ તે બત્તીની નજદીક જતા ગયા. જેમ જેમ પયગમ્બર બત્તીની નજદીક જતા હતા, તેમ તેમ તે બત્તી દુર થતી જતી હતી, તો પણ તેઓ ઘણી મહેનત લઇને બત્તી પાસે પહોંચી ગયા.

મુસા નબી એકદમ નુરને જોઇ શકયા ન હતા; તેઓએ સાત વર્ષ દિલોજાનથી ખિદમત બજાવી, ત્યારે નુર જોઇ શક્યા હતા. અમે એમ કહેતા નથી કે, તમે બધા મુસા પયગમ્બર જેવા થઇ જાઓ અથવા એમ પણ નથી કહેતા કે તમે બધા મુસા પયગમ્બર જેવા થઇ શકશો,

તમારા દિલમાં હિંમત રાખો અને મહેનત કરો. અગર મુસા પયગમ્બર જેવા નહિ થશો, તો પણ, આગળ તો વધશોજ અને કાંઇ પણ જોઇ શકશો.

અમે એટલું તો કહીએ છીએ કે જે માણસ દિલ પાક રાખીને આગળ વધવાની ઉમેદ રાખે છે, તેના હકમાં દુઆ ફરમાવીએ છીએ કે, તે ફિરસ્તો થઇ શકશે.

(૧૭૭) તમે આદત પાડો. જો આદત નહી પાડો તો, આ મેવો તમે ખાઇ શકશો નહિ. એક વખત બરાબર આદત પડી જશે તો, એવી સારી આદત તમારા હાથમાંથી જશે નહિ.

અમે જ્યાં હોઇએ છીએ ત્યાં આવનારને ઘણા લાભ થાય છે. પહેલાં તો દિદારનો લાભ, દુઆનો ફાયદો, ગીનાન ઈલમ પડવા સાંભળવાનો લાભ તથા બીજા દીનભાઇઓ માટે ઈલમનો બોલ લઇને જાઓ, એ કાંઇ નાની વાતો નથી.

(૧૭૮) અમારા ફરમાન કાનમાંથી કાઢી નાખતા નહિ.

યા અલી મદદ