Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી

રેકોર્ડીંગ - ૪

રેકોર્ડીંગ - ૪

0:000:00

ફરમાન નં - ૪૩ થી ૫૬.

(પેજ ૧૦૯) તમે દીનની ઘણી દોસ્તી કરજો અને તમારા દીનની ઘણી સંભાળ રાખજો.

(૧૧૦) જે શખ્સનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે તે, અમારા ફરમાન મુજબ અમલ કરે છે.

દુનિયાના કામ કરતા દીનથી વાકેફ થશો તો તમારૂં ઈમાન તમને લાભ આપશે.

તમારો દીન દરવેશી છે. તમે પણ દરવેશ તથા મોમન છો. તમે પોતે ખ્યાલ કરો અને પાકા હકીકતી બનો.

(૧૧૧) પૈસા સાથે દિલ બાંધવું નહિ. ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહિ થશો. મહેનતથી કમાવેલા પૈસા જતાં રહે તો દિલગીર થવું નહિ, તેનો અફસોસ ન કરવો. જ્યારે તમારી પાસે નાણું એકઠું થાય ત્યારે ઘણા ખુશી નહિ થતા. ખુદા ન કરે ને કોઇનો છોકરો ગુજરી જાય, તો તેણે અફસોસ ન કરવો.

તમારો દીન હૈયાત છે.

તમે દુઆ પડો છો ત્યારે અમારૂં નામ લ્યો છો. તે વખતે અમે તમારી પાસે હાઝર છીએ. અમને જરાયે દુર કરીને નહિ લેખજો. તમારી મહોબ્બત અમારી સાથે છે તો, અમે તમારી પાસે જ છીએ. તમે અમારી મહોબ્બત સાથે દુઆ પડો છો ત્યારે, અમે તમારી પાસે જ છીએ. અમને દુર નહિ સમજતા. જેટલી વખત અમારૂં નામ લેવામાં આવે છે, ત્યારે અમે તમારા દિલમાં છીએ, તમારાથી અમે જરાય છેટા નથી.

(૧૧૨) તમે અમને એક કતરો ચાહો છો તો અમે તમને સો કતરા ચાહીએ છીએ. અમે, તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. દુનિયા તથા આખરતમાં તમારૂં ભલું થાય એવી અમારા દિલની ઘણી ચાહના છે.

તમે મોમન છો તો ખુદાવંદતઆલા ઉપર આશક થાઓ.

હકીકતીઓનો ઈશ્ક ઔલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી, પરંતુ ખુદાવંદતઆલા ઉપર છે.

તમારામાં કેટલાક એવા છે કે, ગીનાન પડે છે પણ તેનો મકસદ સમજતાં નથી. ગીનાનની માયના સમજતા નથી. જે ઈન્સાનને સમજણ નથી તે જનાવર મિસાલ છે.

ઈન્સાન એક રીતે હેવાન માફક છે. જેમ ઈન્સાન ખાય છે, પાણી પીએ છે, બુમો મારે છે તેમ હેવાન પણ કરી શકે છે.

(૧૧૩) જે ઈન્સાનને ખુદાનો કે દીનનો વિચાર નથી તે જનાવર માફક છે; પણ હકીકતી મોમન દિલમાં વિચાર કરે છે.

ઈસમાઇલી દીનભાઇ સિવાય બીજા કોઇ પાસેથી દીનની તાલીમ નહિ લેવી જોઇએ.

જેમ કે, યહુદી, નસારા, સુન્ની, શીયા, હિન્દુ વિગેરે પોતાના ધર્મની તાલીમ પોતાનાજ માણસો પાસેથી લીએ છે.

(૧૧૪) પીર સદરદીન બુધ્ધિવાન, દાના, સાચો અને બાતુનમાં પણ સાફ હતો.

કોઇ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દીનબંધુ હતો. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ.

તમે એમ કરો કે જેમ પીર સદરદીને મહેનત કરી, તેના જેવી મહેનત કરો તો તમે પણ પીર સદરદીન જેવા થઇ જશો. મહેનત એ ન ગણાય કે તમે જમાતખાનામાં દુઆ પડવા આવો; એ કામ તો ઘણું જ આસાન છે.

હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તુરત મારફતને પામે છે. પીર સદરદીન ખુદાની નજીક હતો, તે ખુદાને નજીક સમજતો હતો. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તેણે કદી પણ બુરૂ કામ કર્યું નથી.

પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. જે કોઇ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમજ છે.

(૧૧૫) જે ઈન્સાન મોમન છે તેના સર્વે કામો પાક હોવા જોઇએ, મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઇએ.

તમે, તમારા દીનની વાતો બરાબર સમજો, જેઓ જાણે છે, તેઓ હજી પણ વધારે શીખે, જેઓ શીખ્યા નથી તેઓ શીખે, વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહિ વાંચો, નહિ સાંભળો તો શું ખબર પડશે કે ઈસમાઇલી દીન શું છે ?

મૌલાના રૂમે પ્રથમ પોતા વિષે વિચાર કર્યો કે પહેલા હું પત્થર હતો, પછી ઝાડ થયો અને તેમાંથી ઈન્સાન થયો છું. ઈન્સાનમાંથી હવે શું થઇશ તેનો ખ્યાલ તે કરતો હતો. તમે પણ એવા ખ્યાલ કરો કે તમે ઈન્સાનમાંથી શું થશો ? ઈન્સાન કરતાં વધારે મર્તબે પહોંચો એવા કામ અને એવા ખ્યાલ કરો.

(૧૧૬) તમે ઈલમ પડો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવો જોઇએ કે શું કહેવામાં આવેલ છે; તે પ્રમાણે ચાલવું જોઇએ.

ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. એ દીવો હમેશાં તમારા સર્વેમાં છે. તે તમે જુઓ. તમે એને પુછો, તમે એને નહિ પુછશો તો તમને ક્યાંથી ખબર પડશે ?

(૧૧૭) મોમનનો વેપાર છે, તે પણ મોમનની ઈબાદત છે.

મોમન રાતની વેળા સુવે છે, ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સુવે છે ત્યારે તેનું સુવું પણ ઈબાદતમાં લેખાય છે. જે નાદાન ગાફલ હશે તેનું સુવું પણ ગુન્હામાં લેખાશે. એવો ગાફલ સુતી વખતે વિચાર કરશે કે રૂપિયા એકઠા કરૂં, ઓરત બુઢી છે તેને કાઢી મુકી બીજી જુવાન પરણું, મોટી હવેલીઓ બંધાવું, ગામમાં ઇજ્જત વધારૂં, ગામમાં મોટો માણસ ગણાઉં અને સર્વે લોકો મારી સલાહ લેવા આવે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે. આવી રીતે ખ્યાલ કરીને સુવે છે, તેનું સુવું પણ ગુન્હામાં લેખાય છે.

હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે ?

તમે એવી રીતે સુવો કે તમારૂં સુવું પણ બંદગીના હિસાબમાં લેખાય !

(૧૧૯) ખોટું ન બોલવું. અમારા દીનમાં ખોટું બોલવાની મનાઇ છે.

તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુવે છે. તે ખુદા તેહકીક હસ્તી ધરાવે છે. જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપે છે. જ્યારે ઈન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઈન્સાન સમજ્યાં છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલાં ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ન હોય તો કોણ ચેતવણી આપે ?

(૧૨૦) અમારા ફરમાન સાંભળી એક જણ પણ તે પ્રમાણે અમલ કરે તો બસ છે.

તમે એવા કામ કરો કે, ફિરશ્તા કરતાં વધારે ઉંચા ચડો.

તમારૂં માથું પછાડવાથી ખુદા તમને નજીક નહિ થાય. સારા આમાલ કરશો તો ખુદા તમને નજીક થશે.

ઈન્શાઅલ્લાહ ! અમારા ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે.

(૧૨૧) તમારો દીન ઘણો ઉચ્ચો, યાને ઉત્તમ અને સાચો છે. તે આજથીજ નહિ, પણ આદ ઉણાદથી જ ઉત્તમ છે. આ દીન તમને પીર સદરદીને ગોતીને, હાથ કરીને આપ્યો છે; તેને સંભાળવો એ તમારા માટે વાજબ છે.

તમે અમારા જેવા થાઓ.

તમને હીરા, માણેક, ઝવેરાત આપેલ છે. તેને તમે ઓળખતા નથી અને ફેંકી દીયો છો. તેમાં તમને ઘણું નુકશાન છે, માટે બરાબર સંભાળો. અમે તમારા પાસે ઝવેરાતની કોથળી છોડી તમને બતાવી છે, તેને તમે બરાબર સંભાળો.

તમારો મઝહબ ઘણોજ ઉંચો છે. ખાનાવાદાન.

(૧૨૬) ફિરસ્તા જેવી નેકી કરો, જેથી લોકો કહે કે, આગાખાનના મુરીદો કેવા ફિરસ્તા જેવા છે ?

તમે હીરા જેવા થાઓ કે અંધારામાં રાખવામાં આવે તો પણ પ્રકાશ આપે.

(૧૩૦) “ઈન્સાનમાં બે ટોળાં છે."

પહેલું હેવાનની સૂરતનું છે.

બીજું મલાયકની સૂરતનું છે.

હેવાન થવું કે મલાયક થવું એ ઈન્સાનના પોતાના હાથમાં છે.

અક્કલવાળા ઈન્સાનને લાઝમ છે કે, સારે રસ્તે ચાલે અને મલાયકના ઠેકાણે પહોંચે.

ઈન્સાન જીવતો છે; તેને પૈસા આપીએ અને તે વેપાર કરે. વેપારમાં નફો થાય તો ઠીક; અગર નુક્શાન થાય તો ખોટું કામ થાય. અમારો મકસુદ વેપાર માટે નથી પણ, આખરતના ફાયદા માટે છે.

અમે મરદે દરવેશ છીએ તેથી અમે તમને હક્ક ફરમાન કરીએ છીએ.

(૧૩૧) અમારા ફરમાનની ખબર તમને આખરતમાં પડશે. દુનિયામાં તમને ખબર નહિ પડે. ત્યાં સઘળું જણાશે.

ત્યાં કાળા મોઢાવાળા તથા સફેદ મોઢાવાળા જણાઇ રહેશે. કાળા મોઢાવાળા કહેશે કે, અમે સારા આમાલ કર્યા હોત તો સારૂં થાત.

મોમનને વાસ્તે પહેલું કામ એ છે કે હેવાનની હાલત છોડી આપે. હેવાનની હાલત છે તે બદ છે.

ફિરશ્તા થવું હોય તો બદનઝર છોડી આપો.

ખરાબ નઝર ન કરે તોજ દિલ સાબુત રહે.

દિલ સાબુત હશે તો ઈમાન સાબુત રહેશે.

તમે બધાં રાતને દિવસ વિચાર કરો કે, ઈમાની ટોળું પાક છે અને “ઈમાન નૂર" છે.

મેલ હશે તો ઈમાન પેદા નહિ થાય. શક હશે તો દિલમાં પાપ પેદા થશે, અને મેલા દિલમાં શક પેદા થશે.

(૧૩૨) ઈમાન સાથે હાજર જોમાનું ફરમાન માનવું. જેમ મુર્તઝાઅલીનું ફરમાન માનતા હતા તેમ, અમારા ફરમાન માનો.

હાલ જેમ તમારી મુલાકાત કરીએ છીએ તેમ આખરતમાં પણ મુલાકાત કરશું.

તમે એવા કામ નહિ કરો કે આખરતમાં પસ્તાવું પડે.

દીનની વાતો એકબીજાને સંભળાવો; નહિ સંભળાવશો તો ગુન્હા થશે. તમે હકની વાત જાણતા હશો, છતાં બીજાને નહિ કહો તો તમને ગુન્હા થશે.

(૧૩૩) તમામ જમાતને વાજબ છે કે, દીન ઉપર ખ્યાલ કરીને ચાલે. ખ્યાલ કરો કે, ખુદાવંદતઆલાએ તમને શા માટે પેદા કર્યા છે ? મરી જશો ત્યારે આખરતમાં શું જવાબ આપશો ? પછી ભાગીને ક્યાં જશો ? ત્યાં કાંઇ જંગલ નથી કે તેમાંથી બચીને નિકળી જશો.

આજ ક્યાં છો ? પછી ક્યાં હશો ? અગાઉ ક્યાં હતાં ?

તમે ગાય કે બેલ જેવા ઢોર નથી; માણસ છો ! !

વિચાર કરો કે, માતાના ઉદરમાં કેમ હતા ? તમારો રૂહ કેવો હતો ? ત્યારે શું કરતા હતા ? તમે હમેશાં ગફલતમાં છો !

દિવસના ચોવીસ કલાકમાં બે, ત્રણ, ચાર કલાક દીનનું કામ કરવું તમારા ઉપર વાજબ છે. બે કલાક બેસીને દીનના ખ્યાલ કરવા તે પણ તમારા ઉપર વાજબ છે. તમારા માટે તમારે શું કરવું તેનો વિચાર કરો. વિચાર કરીને તેનો અર્થ કરો.

બચ્ચાંના માટે રંગ લેશો, તો તે લાલ અને લીલો રંગ પસંદ કરશે, ખરાબ રંગ હશે તો ફેંકી દેશે. તેમ તમારો દીન અલમાસ જેવો છે.

અલમાસ શું છે અને શીશો શું છે, તે સઘળું અમને રોશન છે. તમે બચ્ચાંની માફક દીનને દૂર કરીને દુનિયા સાથે રમો છો; અમને સર્વે રોશન છે.

ખુદાનું નૂર છે તે અજવાળું છે.

(૧૩૪) ખુદા સાથે ખ્યાલ બાંધે તો ઈન્સાન ફિરશ્તો થાય.

ઈન્સાન પહેલા તો પત્થર હતો, પછી ઝાડ થયો, હેવાન થયો, વાંદરો થયો, ત્યાર બાદ માણસ થયો. માણસ ફિરશ્તો થાય, તેથી પણ વધારે ઉંચો થાય. પાછો હેવાન પણ થાય, પત્થર પણ થાય. આ સઘળું પોતાના હાથમાં છે. આ બાબત નસીબ ઉપર આધાર નથી રાખતી.

તકબ્બુરી અને દુનિયાની મહોબ્બત છોડી આપો તો દિલ સાફ થશે.

ફરમાન માનવામાં તમોને પોતાને લાભ છે.

ગામના સર્વે જણ હમેશાં જમાતખાનામાં જાઓ, ગીનાન બોલો, વિચાર કરો, મિજલસ કરો અને ગીનાનની માએના કાઢી વાકેફગાર બનો.

અકકલાળા વિચાર કરે અને અમારા ફરમાન ઉપર અમલ કરી માએના કરે. નાદાન છે તે અમારા સુખનને છોડી આપે છે અને ખરાબ થાય છે.

(૧૩૫) ઈન્સાનની મકસદ એ છે કે, અસલ મકાને પહોંચે. દીનના કામમાં ગાફલ થશો તો નહિ પહોંચો, હેવાન થઇ જશો; અને હેવાનની જગ્યાએ પહોંચશો.

તમે કેટલા વર્ષ ગાફલ રહેશો ? પોતાનો દીન મજબુત રાખો તો તમે અસલ મકાને પહોંચો.

તમે એક ગામથી બીજે ગામ જવાનું ઇચ્છતા હશો, તો ઉઠીને ચાલશો ત્યારે પહોંચી શકશો. હમેશાં ખુદાતઆલાની ઈબાદત કરશો તો તે મકાને પહોંચશો.

(૧૩૫) હઝરત ઈસા એક દિવસ જંગલમાંથી જતા હતા. તેના અસહાબો તેની સાથે હતા. રસ્તામાં તેઓને વાઘ સામે મળ્યો, છતાં તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક જનાવરને મરેલું જોઇ, હ. ઈસાએ દુઆ ફરમાવી તેને જીવતું કર્યું.

કેટલાક દિવસો બાદ એક માણસ તેને સામો મળ્યો, તેને જોઇ હ. ઈસા સવાર થઇને નાઠા અને બીજે રસ્તેથી ઘરે ગયા. અસહાબોએ પુછયું કે, સાહેબ ! તમે વાઘથી ન ડર્યા અને ઈન્સાનથી કેમ ડરીને નાસી ગયા ?

(૧૩૬) હ. ઈશાએ જવાબ આપ્યો કે, તે માણસ મુર્ખ નાદાન હતો. તેનું દિલ સીયાહ હતું. મારા ફરમાનથી મુવેલાં જીવતાં થાય છે, પણ નાદાન માણસને મારા ફરમાન અસર કરતા નથી. સર્વે કોઇ મારા ફરમાન માને છે, પરંતુ નાદાન મુર્ખ મારા ફરમાન માનતો નથી. તેથી હું નાસી ગયો.

નાદાન દીનનો દુશ્મન છે. ફરમાન નહિ ધ્યાનમાં લીયે તે મુર્ખ નાદાન છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે.

ઈમાન એક અનુપમ દાગીનો છે.

તમે હમણાં નથી સમજતા પણ જ્યારે મરશો ત્યારે, ફાયદાની ખરી કિંમત માલમ પડશે. ઝવેરાતને ન ઓળખે ત્યાં સુધી ખબર પડે નહિ. મરશો ત્યારે સમજ પડશે.

ફરમાન થયા તે ઉપર બરાબર ખબર તથા ખ્યાલ રાખો.

(૧૩૭) તમે જમાત પણ અમારા અસહાબો છો. પયગમ્બરના સર્વે અસહાબોએ ઘરબાર છોડી આપ્યા હતાં. પયગમ્બરની સાથે જવા માટે, મક્કામાંથી ઘરબારનો ત્યાગ કર્યો, પોતાના બચ્ચાંબાલને છોડી આપ્યાં અને તમામ ચીજો મુકી દઇને મદીનામાં હઝરત અલી પાસે આવ્યા અને પયગમ્બર પાસે હાજર થયા. તમે પણ એવી જ રીતે ફરમાન ઉપર ચાલો.

ઈન્સાન દુનિયામાં મુસાફર છે. તમારૂં અસલનું ઘર આખરતમાં છે.

દુનિયા એક નઠારી સ્ત્રી જેવી છે, તેને જલ્દી કાઢી મુકવી જોઇએ. ઈન્સાન એવી સ્ત્રીમાં મન લગાડે તેમાં શું ફાયદો થાય ?

ઈબાદત બંદગી કરો અને ઈમાન નહિ હશે તો શું ફાયદો ?

અમે તમારા વાસ્તે કહીએ છીએ, અમારા વાસ્તે કાંઇ નથી. તમે કબુલ કરશો તો ફાયદો થશે. નહિ તો નુકશાન થશે. સર્વે વાતો તમારા હાથમાં છે.

જમીનને ખેડવામાં આવે તો અનાજ પાકે અને ત્યારેજ ફાયદો થાય, ન ખેડે તો શું ફાયદો થાય ?

ઈબાદત ન કરે તો શું ફાયદો ? એવા માણસો હોય તોયે શું અને ન હોય તોયે શું ?

(૧૩૮) ચાવી તમારા હાથમાં છે; હવે ખોલો અગર ન ખોલો તે તમારી મરજી ! અમે તો મહેનત કરી તમને દેખાડીએ છીએ.

તમે ઉંઘમાં પડેલા છો તેથી, તોપના અવાજ સંભળાતા નથી. સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ, અમે તમને જગાડીએ છીએ કે, ઉઠો ! ઈબાદતમાં મશગુલ થાઓ, ભુલો નહિ ! ત્રણ વાગાની ઈબાદતમાં ઘણો ફાયદો છે.

અમારી વાતો સાંભળીને અમલ કરશો તો ઈમાન સલામત રહેશે, દુનિયામાં રોશની થશે.

ખ્યાલ કરો ! ઈન્સાને શેતાની કરી ન હોત તો અસલ મકાનથી બહાર નિકળ્યો ન હોત. ખુદાવંદે તેને અસલ મકાનથી બહાર કાઢયો.

તમારું અસલ મકાન ઘણું મોટું છે, પણ હવે ઘણું દુર છે.

અસલ અક્કલવાળો હશે તે ઘણો ઘણો વિચાર કરશે કે, હું કેદખાનામાં ક્યાંથી આવ્યો ?

મોમન વાસ્તે દુનિયા કેદખાનું છે ! તમારા પોતાના વાસ્તે દુનિયા કેદખાનું છે! અમારા વાસ્તે પણ જીંદગી કેદખાનું છે!!

અમે દુનિયાથી બેઝાર છીએ. ફરીથી કહીએ છીએ કે બેઝાર છીએ. અમને અસલ મકાન જોઈએ છે. તમને પણ અસલ મકાન જોઇએ છે.

(૧૩૯) ઈમાનની સલામતી સાથે ઈબાદત કરશો ત્યારે સારા મકાને પહોંચશો.

અસલ મકાન કરતાં બીજું ક્યું મકાન મોટું છે ? મહેનત કરશો તો તે મકાને પહોંચશો. બે ઘોડાની ગાડીમાં ચડી નહિ પહોંચો, પણ પગથી ચાલી, પસીનો કાઢશો ત્યારે પહોંચશો.

એક મોટો મિનારો છે તે ઉપર ચડશો ત્યારે તે અસલ મકાને પહોંચશો. મહેનત કરશો ત્યારે, મોટા મકાન ઉપર પહોંચશો. તમારી અસલ જગ્યા એ છે.

દિલમાં દુશ્મની હશે, દુનિયાની મહોબ્બત હશે તો, તે મકાને નહિ પહોંચો.

તાંબા અને સોનાને શોધવાથી ખબર પડે છે. માણસનું પણ એમજ છે. દિલ મેલું હશે તો, તે મકાને નહિ પહોંચો.

તમારૂં મકાન કેવું મોટું છે, તેથી તમે અજ્ઞાન છો.

સલમાન ફારસ અહેલેબેત, તમારા જેવો હતો. પયગમ્બર ફરમાવતા હતા કે, સલમાન ફારસ અહેલેબેતના જેવો સારો હતો; તે પોતાના અસલ મકાને પહોંચ્યો. સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો. તમે પણ ઈબાદત કરી સલમાન ફારસ જેવા થાઓ. તમે ઈબાદત કરો તો પીર સદરદીન જેવા થાઓ.

ઝવેરાત છે પણ તે તિજોરીમાં છે, તેને તાળું છે, તે તમે નથી જાણતા; બીજા પણ નથી જાણતા.

તમે પોતાની સંભાળ બરાબર રાખો અને ઈમાન સાબીત કરો.

પૈસા ન હોય તો નહિ આપો પણ ઈબાદત કરો. ઈબાદતનો બોજો ગરીબ તથા પૈસાદાર સર્વેના ઉપર સરખો છે.

ઈમાનમાં મશગુલ રહે તેને ઘણો ફાયદો છે.

એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ “ઈબાદત” એવું ઈબાદતનું જબરૂં વજન છે.

તમે મોમન છો. રોજ વધારે ને વધારે સારા થાઓ. દીનના રસ્તામાં હજાર પાયરીઓ છે, તેમાં સો પાયરી ચડયા તો શું ફાયદો?

રાત ને દિવસ રમતમાં રહેશો તો શું ફાયદો ?

(૧૪૧) જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી.

તમારો દીન, સોના અને હીરા ઝવાહિર કરતાં ઉત્તમ છે.

અમારા ફરમાન ઝવેરાત પ્રમાણે સમજો.

(૧૪૨) મોમનને દુનિયામાં કાંઇ પણ નુકશાની થાય છે તેનું તેને દુ:ખ થતું નથી.

પોતાનો ફરજંદ ગુજરી જાય તો પણ શોક ન કરવો.

દુનિયામાં મોમનને નુકશાની થાય તો પણ ગમ ન કરે. દીનનો ઇત્તેકાદ અને ઈમાનની નિશાની એજ છે.

જાહેર તથા બાતુનના શેતાનથી દુર રહે.

તમારો દીન એવો છે કે, તેના ઉપર અમલ કરો તો ફિરશ્તા અને મલાયક જેવા થાઓ અને તમારો રૂહ પાક થઈ જાય.

તમારા દિલમાં ખુદાતઆલાનું નુર છે, પણ, જો દીન ઉપર બરાબર ચાલો તો તમારા દિલમાં ખુદાતઆલાનું નુર જાહેર થઇ જાય.

(૧૪૩) ગીનાન તથા ફરમાનમાં ફરમાવ્યું છે તે પ્રમાણે ચાલો. તેની કિતાબો બરાબર પડો. તેની માએના કાઢો, તે ઉપર અમલ કરો.

અલહમ્દોલિલ્લાહ ! જે કોઇ સારા કામ કરશે તેના મોઢાં સફેદ હશે !

તમે અમારા મુરીદ છો, ઉમેદ છે કે તમારી સુરત આખરતમાં હમેશાં સફેદ હશે.

(૧૪૫) મુસા પયગમ્બર એક વખત કોહેતુર ઉપર ગયા હતા, બની ઇસરાયલ લોકો મુસા પયગમ્બરના મુરીદ હતા. મુસા પયગમ્બર કોહેતુર ઉપર ગયા ત્યારે, તેમની ગેરહાજરીમાં બની ઈસરાયલ લોકોએ ગાયના બચ્ચાંને મુસા પયગમ્બરના ઠેકાણે ઠરાવ્યો અને ગાયને ખુદાને ઠેકાણે સ્થાપી; તથા ગાયના બચ્ચાંના પગ ચુમવા લાગ્યા. તે ગાય હતી, ઈન્સાનની સુરત નહિ હતી.

તમારી પણ આવી હાલત અમે જોઇએ છીએ. તમને બની ઈસરાયલ માફક જોઇએ છીએ.

તમારે પયગમ્બર તથા સલમાન ફારસ જેવા થવું જોઇએ.

પયગમ્બરના કેટલાક અસહાબોની હાલત તમારા જેવી હતી.

તમારામાં અમરૂઆસ જેવા કેટલાક માણસો છે, તેઓ ઈમામના ફરમાન માનતા નથી.

અગાઉ મઆવીયો થઇ ગયો, તેના જેવા પણ છે.

અલહમ્દોલિલ્લાહ ! તમારામાં ઘણા મોમન છે. તેઓનો ઈત્તેકાદ સાફ છે.

(૧૪૬) જે ઈમામનો વારો હોય તે ઈમામના ફરમાન માનવા જોઇએ.

અગાઉ ઈમામો થઇ ગયા તેઓના ફરમાન માનો અને અમે ઈમામ હાઝર બેઠા છીએ તેના ફરમાન ન માનો તો કાંઇ ફાયદો નથી.

(૧૪૭) દીનના રસ્તામાં માણસની હિંમત જોઇએ.

ઘણા પહેલવાનો હતા કે જેમનું મુર્તઝાઅલી પાસે ઘણું માન હતું. તેઓ તેમને અરજ કરતા હતા કે, અમોને દુઆ ફરમાવો તો અમારી ફતેહ થાય. ત્યારે મુર્તઝાઅલી ફરમાવતા હતા કે, એમ ફતેહ નથી મળતી. ફતેહ મેળવવા માટે ત્રણ ચીજો જોઇએઃ

પહેલી : બુલંદ હિંમત

બીજી : આબદાર તલવાર

ત્રીજી : ખુદાની રહેમત

જો નાહિંમત હોય અને તલવાર સારી ન હોય અને તે ખુદાની રહેમત માગે તો રહેમત ક્યાંથી ઉતરે ? નાહિંમત ઉપર ખુદાની રહેમત કેમ ઉતરે ? આ ઈન્સાનના હાથમાં છે.

અલહમ્દોલિલ્લાહ ! તમે સઘળા મોમન છો. તમે ચીવટ રાખો. રોજ બરોજ વધારે ને વધારે સારા થતા જાઓ, મિસાલ, સલમાન જેવા થાઓ.

દીનને વાસ્તે ઔલાદ, જાન, માલ કુરબાન કરો. આવી રીતે વર્તશો ત્યારે અલમાસ જેવા થશો. આવી રીતે નહિ વર્તશો તો કાચ જેવા થશો.

કાચને ગમે તેટલો સાફ કરો તો પણ, તે અલમાસ જેવો નહિ થાય.

યા અલી મદદ