કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી
રેકોર્ડીંગ - ૩
રેકોર્ડીંગ - ૩
ફરમાન નં - ૧૭ થી ૪૨.
(પેજ ૫૨) ઈન્સાન, ખુદાની બંદગી સારી રીતે કરે તો, ખુદા તેને દુનિયામાં સારો બદલો આપે અને તેની ઝબાન અને કરામત સારી ચાલે.
સારી દુનિયાની લિજ્જતથી દુર રહે એવો રોજો રાખે, તો બાતુની આંખ અને કાન છે, તે ખુલે.
ઈન્સાન પાસે એટલી કુદરત નથી કે માણસને પેદા કરી શકે, પણ એવી રીતે જુએ કે જેથી, ખુદાના ભેદ અને કરામતની ખબર પડે.
હ. અમીરૂલ મોમનીન અને પયગમ્બરે ફરમાવ્યું છે કે, સલમાન ફારસ અહલેબેતને દરજ્જે છે. પહેલા સલમાન કાફર હતો, પછી દુનિયામાં પરહેઝગારી કરી અને દુનિયાના સ્વાદથી દૂર રહ્યો ત્યારે જ, ખુદાતઆલાએ તેને અબુશહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી.
(૫૩) સલમાન ફારસ જ્યારે ફરમાનથી હકુમતે ગયો, ત્યારે તેની પાસે કાંઈ નહિ હતું. ફક્ત તલવાર અને કુરઆન હતું, સલમાન કહેતો હતો કે, મારી પાસે તલવાર છે તે, ખુદાના રસ્તે જંગ માટે છે, અને કુરઆન દુનિયાથી છુટવા માટે છે; તેમજ દુનિયાના કામથી નવરો થાઉં ત્યારે વાંચવા માટે છે.
હ. ઈસાએ ફરમાવ્યું છે કે, ખલ્કતમાં સારામાં સારા છે તે પણ, એક દિવસમાં સાત વખત ગુન્હા કરે છે.
(૫૪) કયામતના દિવસે નબી રસુલ ઉમ્મતનો હાથ ઝાલશે; જે નહિ ઓળખે તેનો હાથ નહિ ઝાલે. તમે એમ નહિ સમજો કે, બધી ઉમ્મત, ઉમ્મત છે; જેણે ઓળખેલ હશે તે જ ઉમ્મત છે.
જેણે બંદગી કરી હશે તેને મકાન મળશે તે તમે જાણો છો; પણ શનાખત વાળાને મોટા મકાન મળશે.
એવો વિચાર નહિ કરો કે, રૂહ બહેશ્તમાં જશે; તેમ નથી, અસલ હાલતમાં બહેશ્તમાં જશે. જેણે સારી બંદગી કરી હશે તે મુર્તઝાઅલીની હુઝુરમાં બેસશે.
તમારૂં બદન અને એજ સિકલથી ખુદા પાસે હશો, અને તમે જુવાન થશો અને તમારા મોઢા ઉપર નુર થશે તેમ નથી અને એંસી વર્ષના બુઢા જુવાન થશે તેમ પણ નથી, પણ નુરાની કાયાથી બહેશ્તમાં જશો.
એવું કહ્યું કે, ‘અક્કલ સાપ જેવી જોઇએ અને દુઃખ હોય ત્યારે કબુતર જેવા થવું જોઇએ.’ સાપ જેવા થઇ કોઇને દુઃખ ન આપે, એવા થઇ શકો તો સારૂં છે.
(૫૫) ત્રણસો ને તેર હકીકતી એક દિલ થાય અને સાપ જેવી અક્કલ રાખી કબુતર જેવા ગરીબ થાય ત્યારે, ઝહુરાત થશે.
તમને ખબર નથી કે, એક ગાળ દેવામાં કેટલા ગુન્હા છે ? જો ખબર હોય તો ગાળ ન દીઓ.
દોઝકના દુઃખ અને બહેશ્તના મેવાની દુનિયાને અગાઉથી ખબર પડે અને જુવે તો, દુનિયાની દરકાર ન રાખે.
ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
"મહાદનકા રોયા કુચ્છ કામ નહિ આવે."
મુર્તઝાઅલીની હુઝુરમાં જવાવાળા છે તે બાતુની આંખથી જીવે છે. મુર્તઝાઅલીને તેઓ આંખોથી જુવે છે પણ, બાતુનથી મૌલાઅલીનું નુર જુવે છે.
દુનિયાના માણસો પણ મુર્તઝાઅલીને જુવે છે, પણ હકીકતી બીજી રીતથી જુવે છે અને મુર્તઝાઅલીને બહેશ્તમાં કેવી હાલતથી જુવે છે તે તમે જાણો છો, પેલા જે ઉપર ખુદાની હુઝુરમાં છે અને મોટે દરજ્જે છે, તે, પાંચ સાત જણા છે.
ખુદાની બીક રાખો અને છેલ્લા દમ સુધી બીજો હરફ ન નિકળે તેની બીક રાખો.
ઈન્શાઅલ્લાહ ! હમેશાં મુર્તઝાઅલીને યાદ કરશો અને છેલ્લા દમ સુધી જીકર કરશો, તો તે હાથ ઝાલશે અને મદદ કરશે.
(૫૬) એક વખત હ. અમીરૂલ મોમનીન મૌલા મુર્તઝાઅલી "ફુરાત" નદીના કીનારે ગયા; અને ઘોડા ઉપર સવાર થઇ “અલી અલ્લાહ" માનનારી કોમ પાસે પહોંચ્યા. તે “અલી અલ્લાહ" માનનારી કોમ એવી છે, જે મુર્તઝાઅલીને ખુદા સમજે છે. તે કોમના એક માણસને પોતા પાસે બોલાવીને ફરમાવ્યું કે, શું તું અલી અલ્લાહ કહે છે ? તેણે કહ્યું કે, "મને ભરોસો છે આપ ખુદા છો !"
પછી મૌલા મુર્તઝાઅલીએ તેનું માથું કાપી નાખી, મારીને પાછો જીવતો કરીને ફરમાવ્યું કે તું મને "અલી અલ્લાહ" શા માટે કહે છે ? ત્યારે તે માણસે જવાબમાં અરજ કરી કે, આપે મને મારી નાખી, ફરી જીવતો કર્યો, જેથી હવે મને જે કંઇ શક હતો તે નીકળી ગયો છે, આપ સહી “અલી અલ્લાહ” છો.
મુર્તઝાઅલીએ હુકમ કર્યો કે, આ શખ્સને ડુંગર ઉપર લઇ જઇ કટકા થાય એવી રીતે ફેંકી દીઓ, ત્યારે તેને તેવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને ફરી સજીવન કરી, મૌલા મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, તું "અલી અલ્લાહ" હજી બોલે છે ? ત્યારે તેણે આધિનતાથી જવાબ આપ્યો કે, જે કટકા કરી, મારીને સજીવન કરે, તેના ઉપર મારૂં ઈમાન વધ્યું છે.
આવી રીતે, અનેક રીતે અને અનેક વખતે તેને મારીને જીવતો કરવામાં આવ્યો અને હરવખતે પુછવામાં આવ્યું કે, હજી પણ અલી અલ્લાહ કહે છે ? જવાબમાં તે હર વખત એમજ કહેતો હતો કે,આપ સહી અલ્લાહ છો, જે મારીને જીવતો કરે તેને અલ્લાહ કહેવો.
ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
(૫૭) મુરશિદનું ગમે તેવું ફરમાન માનવું જોઇએ. તે વિષે બેત ફરમાવી, ફરમાવ્યું કે, મુરશિદ અગર એમ ફરમાવે કે, શરાબથી વઝુ કરી નમાઝ પડો, તો તેવું ફરમાન પણ માનવું જોઇએ.
શરાબ કેવી ખરાબ વસ્તુ છે તે, તે જાણે છે; છતાં હુકમ હોય તો, તે પ્રમાણે ચાલવું જોઇએ. બહેશ્તમાં જવાનો રસ્તો કયો છે તે પીર મુરશિદને ખબર છે.
તમે બીજા મુલ્કમાં જાઓ અને તમને રસ્તાની ખબર ન હોય અને ભોમિયો કહે કે, આ રસ્તે ચાલો, તો તે રસ્તે ચાલવું જોઇએ. તેનો હુકમ ન માનીએ તો ઘરે અગર પંથે પહોંચી ન શકીયે. તમને ખબર ન હોય અને તે કહે, તે રસ્તે પાઘડી ઉતારી ચાલવું; તો તે પ્રમાણે કરવું જોઈએ.
તમને સવાલ પુછું છું કે, તમને રસ્તાની ખબર ન હોય તો, તે ભોમિયો કહે તેજ પ્રમાણે ચાલવું જોઇએ કે નહિ ?
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
ભોમિયો તમારી સાથે હોય અને તે કોઇના ઘરે તેડી જાય; ત્યાં તેનો ધણી ન હોય અને તે કહે કે, "હું છું તો ફીકર નહિ," અને કહે કે અહિં બેસો તો, તમારે ત્યાં બેસવું જોઇએ, કેમ કે તેને ખબર છે.
મુરશિદને તો સઘળી ખબર છે. તે કહે કે "મહોરના બદલામાં શરાબને સિજદો કરો તો કરવો" કારણ કે મુરશિદનું ફરમાન માનવું જોઇએ.
મુર્તઝાઅલી મહાન છે, તેમના ફરમાન માનવા જોઈએ, કારણ કે, તેઓ પોતાની કુદરતથી ગુન્હા બક્ષી બહેશ્તમાં મોકલી શકે છે.
જે વખતે, જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઇએ અને ફરમાન કરે તે પ્રમાણે ચાલવું જોઈએ. કેટલીક વાતો તમારી અક્કલમાં ન ઉતરે તો પણ, પીર મુરશિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ, કારણ કે, તેમને સઘળું રોશન છે.
(૫૮) જેમ ભોમિયો ચલાવે તે પ્રમાણે ચાલે તો મંઝીલે પહોંચે. તમે પણ તે પ્રમાણે ચાલશો તોજ ઠેકાણે પહોંચશો, નહિ ચાલો તો નહિ પહોંચો.
(૬૦) "તમે તમારા માટે પરખ નહિ માંગો, કારણ કે પરખ ઘણી મુશ્કેલ છે."
એક શખ્સ શાહે નઝફમાં રહેતો હતો તે, ઘણી ઈબાદત બંદગી કરતો હતો અને રડતો હતો, અને રોજ કહેતો હતો કે યા અલી ! મને એવો વખત આપો કે હું જંગે જેહાદ કરું. એટલે લડાઇ કરી દીનના દુશ્મનને મારૂં અને મારૂં સર આપું. એટલે લડાઇ કરી જંગમાં મારૂં માથું આપું. આ પ્રમાણે ચાલીસ વર્ષ સુધી હમેશાં બંદગી વખતે રડતાં રડતાં અરજ કરતો હતો.
મૌલા મુર્તઝાઅલીએ તેના માટે હથિયાર અને ઘોડો પોતાના માણસ સાથે મોકલ્યા, તે હથિયાર અને ઘોડો તે શખ્સ પાસે લઇ જઇ કહ્યું કે, ઊઠ ! આ હથિયાર અને ઘોડો, મૌલા અલીએ તારા માટે મોકલ્યા છે, માટે જંગ કરવા તૈયાર થા.
તે શખ્સે જવાબ આપ્યો કે, મૌલા અલીને કહેજો કે, આજનો દિવસ તમે જંગ કરો હું કાલે જંગ કરીશ.
આ શખ્સને દુનિયા મીઠી લાગી હતી, કારણ કે, તેને નવી બાયડી, રહેવાને ઘર અને ખાવાને થાળ મળ્યો હતો. તેથી, તે લાલચમાં ફસાઇ ગયો હતો.
અમે તમારા ઉપર પરખ શા માટે નથી નાખતા ? તમારા ઉપર જે પરખ નાખી છે, તે પુરી કરી શકતા નથી, જે, દશ રૂપીએ એક રૂપિયો આપો.
ખુદાને કાંઇ નાણાની પરવા નથી, પણ એક પરખ નાખી છે, તે તમે દઇ શકતા નથી, ત્યારે બીજી કઇ પરખ નાખીએ ?
તમે જમાત પોતાના ઉપર પરખ નહિ માંગો.
બંદગી ઈબાદત કરો અને ખુદાને ઓળખો.
મૌલા અલી એ ફરમાવ્યું કે, હું ખુદાને જોઉં નહિ તો, ઈબાદત પણ કરું નહિ.
ખુદાને જે પોતાની આંખોથી જુએ નહિ તો, તેની આંખો આંધળી છે.
(૬૨) આ રીતે શરિયત અને તરીકતથી તમને ફરમાન કરી સમજાવ્યા છે, તેની મકસદ એ છે કે જે ખુદાને ન જુએ તેની બંદગી કબુલ થતી નથી.
ખુદા અને હાઝર ઈમામને ઓળખ્યા વિના જે બંદગી કરે છે. તેની આંખો આંધળી છે; કારણ કે, હાઝર ઈમામ બેઠાં છે તેને ઓળખતા નથી.
આ દીન તમારો સાચો છે. મધરાતે એક મલાએક અર્શથી ઉતરે છે અને પુકાર નાખે છે કે, છે કોઇ એવો બંદો ખુદાનો જે, ગુન્હાની તોબા કરે ? જેથી તેની દુઆ ખુદા પાસે લઇ જઇને કબુલ કરાવું. છે કોઇ એવો શખ્સ કે ખુદા પાસે જે માગે તે અપાવું. એમ રોજ મધરાતે મલાએક પોકાર કરે છે.
ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યુંઃ
આગા અલીશાહ દાતારે ફરમાન કર્યું હતું કે, મધરાતે યા અલીની બંદગી કરો તેમાં જે સવાબ થશે તે તમારો છે અને પાપ યાને ગુન્હા થાય તે અમારા ઉપર છે.
(૬૫) ખુદાવંદ આલમીનને ઈન્સાનનો જીવ ઘણો પ્યારો છે, જે જીવ ખુદાવંદતઆલાને આટલો બધો પ્યારો છે, તેને દોઝખમાં નહિ પડવા દેવો જોઇએ.
(૬૬) ઈન્સાનની અક્કલ જ્યારે ઠેકાણે હોય ત્યારે તૌબા કરે તો કબુલ થાય, પણ પછી તૌબા કરે તો કબુલ થતી નથી.
"આ ફરમાન સર્વે જમાત હકીકતીના છુટકારા માટે ફરમાવું છું."
તમે સઘળા પંજેભાઇઓ એક દિલ થઇને જમાતખાનામાં આવી બંદગી કરો. ખુદા તમારા ગુન્હા માફ કરે અને તમે દુનિયામાંથી પાક થઇને બહેશ્તમાં જાઓ અને દિદાર નસીબ થાય.
(૬૭) અમે તોજ ખુશી થાશું કે અમારો કોઇપણ મુરીદ દુનિયામાંથી ગુન્હેગાર થઇ ગુજરી ન જાય.
(૬૮) ઈન્સાનને વાજબ છે કે, ઈન્સાનના મગજમાં જે ચીજ રાખી છે તેનો વિચાર કરે.
(૬૯) ઈમામ હુસેન સઘળે ઠેકાણે ભરપુર છે.
ઈન્સાનને વાજબ છે કે, ઈમામને પોતાના સીનામાં જગ્યા આપે. તમે પોતાને કાંઇ નહિ લેખો, મોટાઇ છોડી આપો તો ઈમામ તમારા સીનામાં રહે; પણ તે ક્રિયાઓ તમે પાળતા નથી.
(૭૦) ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
દુનિયામાં ચાર તરીકાના માણસો છે.
પહેલા તરીકાના માણસો છે તે અમને ચાહે છે અને દુનિયાને નથી ચાહતા, તેઓનું દિલ અમારા તરફ છે, ત્યારે અમે પણ તેઓને હંમેશા યાદ કરીએ છીએ, તેઓ અહિં પણ અમારી સાથે છે અને ત્યાં પણ સાથે હશે.
બીજા તરીકાના માણસો છે તે અમને ચાહે છે અને દુનિયાને પણ ચાહે છે. તેઓને અમે દુઆ કરીએ છીએ કે તેઓની મહોબ્બત દુનિયા ઉપરથી ઓછી થાય અને અમારાથી મોહબ્બત વધે.
ત્રીજા તરીકાના માણસો છે તે અમને નથી ચાહતા અને દુનિયાને જ ચાહે છે, તેઓ અમને દુ:ખ આપતા નથી. જ્યારે તેઓને અમારી ચિંતા નથી, ત્યારે અમને પણ તેઓની ચિંતા નથી. તેઓ પોતે જાણે ? અમે તેઓને મુકી દીધા છે.
ચોથા તરીકાના માણસો છે તે દુનિયાને ચાહે છે અને અમને નથી ચાહતા અને અમને દુઃખ આપે છે. ત્યારે અમે પણ તેઓના હકમાં એવી દુઆ કરીએ છીએ કે ખુદા, અમને તેઓથી દુર રાખે.
આ પ્રમાણે ચાર તરીકાના માણસો છે.
હવે જે કોઇ જેવું ઈમાન રાખશે, તેને તેવો ફાયદો થશે.
(૭૪) શેતાન ઘણા રૂપે આવે છે, માણસ રૂપે આવે છે. હજારો રૂપે આવે છે, આલીમ અને આકિલ રૂપે પણ આવે છે, તે તમને છેતરી જાય નહિ. શેતાન માણસ રૂપે માણસ પાસે આવે છે અને ઈમાન લુંટી જાય છે.
જે મોમન દુઆ ગીનાન પડે છે તેનાથી શેતાન ભાગી જાય છે. જેના દિલમાં દુઆ ગીનાન છે તેનું દિલ સારૂં છે.
જે શખ્સ ઈબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લુંટી લ્યે છે.
ગીનાનના રસ્તા ઉપર ચાલો તો અમે અહિં પણ રાજી છીએ અને ત્યાં પણ રાજી થઇશું.
(૭૬) જે, ગીનાનો જાણે છે અને માએના કાઢે છે, તેઓને કહેવું કે, અમને સંભળાવો ને ગીનાન પડો. તેની માએના બરોબર સમજો. બીજા લોકો કિતાબ પડે છે પણ તેની માએના નથી સમજતા, તેમ તમે નહિ કરો. ગીનાન પડો ને સમજો તો ફાયદો છે, નહિ તો શું ફાયદો થાય ?
ગીનાનની માએના નિકળે તે પ્રમાણે ચાલવું.
દુનિયાનું કામ છે કે, એકને એક રૂપિયો મળે છે, અને એકને હજાર રૂપિયા મળે છે પણ, જેને રોજી હલાલ મળે, અને તે, તે ખાય તો ઘણું સારૂં. જેને હકનો એક રૂપિયો મળે તે હરામના હજાર રૂપિયા કરતા વધારે સારો છે. રૂપિયા એક હજાર હલાલ મળતા હોય અને હરામના એક લાખ મળતા હોય તો, હલાલના એક હજાર ખાવા વધુ સારા છે.
કોઇ પોતાના હાથથી ઈનામના પાંચ રૂપિયા આપે તે હલાલ છે.
(૭૭) રોજ જમાતખાને જાવ અને દુઆ પડો. આ નસિહત તમે ભુલી નહી જશો અને તેના ઉપર અમલ કરશો તો ઈન્શાઅલ્લાહ, તમને અહિં ફાયદો મળશે અને આખરતમાં પણ ફાયદો મળશે. ખાનાવાદાન.
"ઈન્સાન ઝાલીમ થાય તેના કરતાં મઝલુમ થવું સારૂં છે."
(૭૮) તમારી પાસેથી અમે ન તો જાન માગીએ છીએ, ન તો માલ માગીએ છીએ; ફક્ત તમારૂં દિલ માગીએ છીએ. તમારૂં દિલ દીન ઉપર હોય એવી રીતે બરાબર ચાલો તે માગીએ છીએ.
અમારો એક પણ ફરઝંદ હશે તો પણ અમારો દીન રોશન રહેશે.
અમારા આશકોમાંથી એક જણ એવો થઇ ગયો છે કે, તે મુખી કામડીયા જેવો હતો અને બધી જમાતોમાં ફરતો હતો. આ આશકની શામના મુલ્કમાં ચામડી ઉતારી, સળગતી મીણબત્તીઓ તેના બદનમાં લગાવવામાં આવી. તે કહેતો હતો કે, "ખુદા યા ! મને આવો નાઝ જોઇતો હતો કે, સળગતી મીણબત્તીઓ મારા બદનમાં નાખીને મને શામના મુલ્કમાં ફેરવવામાં આવે."
(૭૯) જમાતને લાઝમ છે કે, સબર કરે.
જેનું જેવું દિલ હોય તેવી રીતે તે ચાલે છે.
(૮૦) તમારો દીન સત્ય છે. તમારો દીન પુસ્તકો ઉપરથી શરૂ થયો નથી, પરંતુ તે મહોબ્બતમાંથી ઉત્પન્ન થએલ છે.
(૮૧) તમારા વાસ્તે ઈલમ છે તે “ગીનાન” છે.
કુરઆને શરીફને તેરસો વર્ષ થયા છે, તે મુલ્કે અરબની વસ્તી માટે છે. “ગીનાન”ને સાતસો વર્ષ થયાં છે. તમારા માટે ગીનાન છે તે ઉપર તમે ચાલજો.
(૮૨) જેમ માણસો પોતાની દોલત સંભાળે છે, તે પ્રમાણે મોમન પોતાના ઈમાનની સંભાળ રાખે છે. મિસાલ, જેમ કે, સવાર ઘોડા ઉપર બેસીને લગામને કબ્જામાંથી છોડી આપે તો નીચે પડી જાય છે. તેમ ઈમાન વિષે પણ તેજ પ્રમાણે છે.
સવાર ઘોડા ઉપર ચડીને લગામને ઝાલી રાખે, બાદ રસ્તામાં તેને કોઇ માણસનો ભેટો થતાં, તેની સાથે વાતચીત કરવામાં રોકાઇ જાય અને લગામ ઉપર ધ્યાન નહિ રાખે તો, તેના દિલનું રોકાણ બે ઠેકાણે થાય છે. બે ઠેકાણે ધ્યાન રોકનાર સવાર ગબડીને નીચે પડી જાય છે. તેના પડી જવામાં ઘોડાની અથવા રસ્તે મળેલા માણસની કાંઇ તકસીર નથી. તેણે પોતાની સંભાળ નહિ રાખી માટે પોતે જ તકસીરવાર છે.
ઘોડા રૂપી નફસ શેતાન છે. તેના ઉપર સવાર તે મોમન શખ્સ છે, અને લગામ તે ઈમાન છે.
કેટલાક માણસો ચાલી ચાલીને વીસ અથવા ત્રીસ વર્ષ સુધી ઈમાન સંભાળી રાખે છે અને ત્યાર બાદ ઈમાન ખોઇ નાખે છે અને પડી જાય છે.
ઘોડેસવાર અર્ધા રસ્તા સુધી સંભાળ રાખીને પછી, લગામને છોડી આપે તેથી તે નીચે ગબડી પડે, તેમાં તેની પોતાનીજ તકસીર છે. ઘોડાની કાંઇ તકસીર નથી. ઈમાનને સંભાળવું એ તમારા પોતાના હાથમાં છે.
(૮૩) જેમ વેપાર કરતાં તમે વિચાર કરો છો કે, આ વેપારમાં નફો છે. આ વેપારમાં ખોટ છે, તેજ પ્રમાણે તમારા ઈમાન વિષે પણ પાંચ દશ મીનીટ વિચાર કરો કે, મારૂં ઈમાન સલામત છે કે કેમ ? આમ કરવાથી તેનો તોલ તમને માલમ પડી આવશે.
ઘોડેસવાર જો લગામ છોડી આપે તો તે નિચે ગબડી પડે, પણ જો, લગામને ધ્યાનથી બરાબર પકડી રાખે તો, જ્યાં જવાનું હોય ત્યાં સલામતીથી પહોંચી જાય છે.
અમે ફક્ત દ્રષ્ટાંત તમને કહેલ છે, પણ ગીનાનમાં જે ખુલાસા ફરમાવેલ છે તે પ્રમાણે ચાલો.
ગીનાનમાં તમારા દીનના સર્વે ખુલાસા આપેલા છે.
જેમ તમારા બાપ દાદા આ દીનના રસ્તા ઉપર ચાલી ગયા છે, તેમ તમે પણ ચાલો.
(૮૭) બયતુલખ્યાલ-વાળાઓની બંદગી, મખ્ફી એટલે બાતુની છે અને એકાંતની છે.
(૯૧) તમારામાંથી પાંચ કે દશ જણા એવા જોઇએ, કે જેમને દુનિયાની કાંઇ જંજાળ ન હોય, તેમજ કમાઇ ધંધાની ફીકર ન હોય અને તેઓ આપણા દીનની કવાયત કરે, તો તેઓની વાયેઝ સફાઇદાર થાય અને માણસોને અસર કરે.
તેઓ ગીનાન પડે, તેમજ તવારીખ પડે, જેથી અસલ માણસો કેવી રીતે ચાલતા હતા તે તેઓને ખબર પડે.
(૯૨) તમે બદામના છીલટાં ખાઓ છો પરંતુ, બદામના મગજની લીજ્જત તમે ચાખી નથી. તમે મગજ ખાઓ તો, દીનની વધારે ખબર પડે અને તમને વધારે ઇતબાર અને ખુશી હાંસલ થાય.
(૯૩) કેટલાક એવા છે કે જે, બીજાઓ ઉપર નઝર રાખે છે, પણ એમ નહિ કરવું જોઇએ. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઇએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઇએ.
તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઇએ; જેથી, તરત તમને દીન રોશન થઇ આવશે. અમારો દીન છે તે વિષે, અક્કલથી વિચાર કરશો તો, વધારે રોશની હાંસલ થશે.
અમારો દીન અક્કલ ઉપર રચાએલો છે. અક્કલ વગર દીનની તપાસ કરશો તો, વધારે સમજણ નહિ પડે, અને કાંઇ પણ હાંસલ થશે નહિ, પણ અકકલથી વિચાર કરશો તો, વધારે સમજણ પડશે.
જે દીનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહિ.
તમારો દીન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાટી ઉપર કરી મુક્યો છે, તેથીજ કચાસ થઇ જાય છે.
(૯૪) અલહમ્દોલિલ્લાહ ! તો પણ કરાંચી, મુંબઇ, કાઠીયાવાડ વિગેરેમાં ઘણા જણા એવા છે કે, જેઓએ મગજને ઓળખ્યો છે. તમે મગજ છોડીને છીલટાં ખાઓ છો, પણ ખરી ખુબી વિષે તમે તલાશ કરતા નથી.
તમે પાણીથી અંગ ધોશો તેથી શું ફાયદો ? કાંઇ નહિ. પરંતુ, અંદરથી ધોશો તો ફાયદો જોવામાં આવશે.
(૯૬) તમને સર્વે જાહેરી કામ જોઇએ છે, બાતુની કામમાં તમે કાંઇ ધ્યાન આપતા નથી. જાહેરી સઘળું દુનિયાને લગતું છે, તમે બાતુન ઉપર નિગાહ રાખો. જો તમે બાતુનને જોશો તોજ તમારા કામ થશે.
ગીનાનની ચાર તરેહની માયના થાય છે, તે બરાબર સમજીને વાંચજો.
(૯૭) તમે મગજનો ત્યાગ કરો છો અને છીલટાં ખાઓ છો. તમે છીલટાં મ ખાઓ, મગજ ખાઓ.
(૯૮) હજારો તરેહના કરજ તમારા ઉપર છે. માણસ જન્મે છે ત્યારથીજ કરજ લઈને આવે છે. તમારા માથે મોટું કરજ એ છે કે, તમે પોતે પાક થાઓ.
(૯૯) હમણા જે ફરમાન થાય, જેમાં, તમારા જીવનો છુટકો થાય, તે પડો.
(૧૦૦) અમારા ફરમાનો કિમતી સમજજો, મામુલી સમજશો તો નુકશાન થશે.
(૧૦૧) દુનિયામાં માણસ ઘણું ઘણું તો સો વર્ષ જીવશે. જુવાન અથવા બુઢા સર્વેને મરવાનું છે.
(૧૦૪) જે મોમન હશે તે મસ્તાના સિંહ જેવો હશે, તેને કાંઈ પણ ધાસ્તી નથી. તેનો રસ્તો સીધો અને આસાન છે. આવો મોમન ગુજરી જાય તેને કાંઈ પણ પરવા નથી. તે આ દુનિયામાંથી છુટયો કે આરામથી ચાલ્યો જશે. હકીકતી મોમનને દુનિયામાં ફાયદો નથી, દુનિયામાં ખુશી નથી. મોમન વાસ્તે મરવા બાદ જન્નત છે.
મોમન વાસ્તે દુનિયામાં કાંઈ નથી. સમજુ અને અક્કલવાળા મોમન હોય, તેના માટે દુનિયા જહન્નમ છે. પણ જે ગધેડો, હેવાન છે, તે સમજે છે કે, ખાઉં, ફરું, બેસું અને બચ્ચાંઓની શાદી કરું; તેને કાંઈ અક્કલ નથી. અગર મોમન અક્કલવાળો હશે અને વિચાર કરશે તો તેને દુનિયા જહન્નમ જેવી લાગશે.
(૧૦૫) મોમનની નિશાની એ છે કે, તે સમજે છે કે ખુદાવંદતઆલાની નજીક જાઉં અને ખુદાવંદને નજીક બનાવું.
રૂહ બદનમાં છે, તે કેદખાનામાં છે, મોમનને વાજબ છે કે, કેદખાનામાંથી રૂહને કાઢીને સારી જગ્યામાં રાખે.
રૂહ જ્યાં સુધી બદનમાં છે, ત્યાં સુધી કેદમાં છે. તે જોવામાં આવશે નહિ. જ્યારે બદનમાંથી નિકળશે ત્યારે, સર્વે જગ્યાએ જોશે. જ્યાં સુધી બદનમાં છે ત્યાં સુધી આગળ, પાછળ, આજુબાજુ ક્યાંય પણ જોઇ શકશે નહિ. મોમનને એ ખ્યાલ જોઇએ કે, કેદખાનામાંથી નિકળી જાઉં તો બહેતર છે.
તમે સમજો કે રૂહ શું છે ? તો તમને ખબર પડે કે, તમારો રૂહ બદનમાં કેદ છે, અને ત્યાં સુધી તે ક્યાંય પણ જોઇ શકશે નહિ.
ઈન્સાનને સઝાવાર છે કે, તરસ્યાની પેઠે, મોતને માટે હાજર રહેવું જોઇએ.
તમારામાંથી એક જણ પણ, ફરમાન ઉપર અમલ કરે તો, અમે દશ કલાક ફરમાન કીધા એવી અમને ખુશી થાય અને તેને પણ ફાયદો પહોંચે.
(૧૦૭) હકીકતી મોમન ખુદાને ઓળખે તો, ખુદા તેને નજીક થાય છે. હકીકતી મોમન સર્વે ઠેકાણે ખુદાને જુએ છે. હકીકતી મોમનના દિલમાં ખુદાવંદતઆલા બિરાજે છે.
મોમન જેમ જેમ ખુદાવંદતઆલા સાથે વધારે ને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારેને વધારે નજીક થતો જાય છે; ત્યારે તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે.
(૧૦૮) ખુદાવંદતઆલાની ઈબાદત કરતી વખતે દુનિયાનો કોઇ પણ ખ્યાલ દિલમાં રાખશો નહિ.
જુઓ ! પતંગિયું છે તે, બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મહોબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલી મહોબ્બત અને ઈશ્ક છે કે, કંઇક પતંગિયા જીવ આપી દે છે.
તમારે પણ એવીજ મહોબ્બત ખુદાવંદતઆલા પ્રત્યે રાખવી જોઇએ. તમે એવા આશક થાઓ.
દાખલા તરીકે, તમને બે છોકરા હોય, તેમાંથી એક છોકરાની મહોબ્બત તમારા ઉપર થોડી હોય, વળી, તમારા મોત વખતે તે, તમારી પાસેથી હઝાર રૂપિયાની માંગણી કરે, અને બીજા છોકરાની મહોબ્બત તમારા ઉપર ઘણીજ વધારે હોય અને તમારા મોત વખતે તે, તમારી ચાકરી કરે તથા તમારી પાસેથી કાંઇ નહિ માગે. આ બે છોકરામાંથી ક્યો છોકરો તમને વ્હાલો લાગશે તેનો તમે વિચાર કરો.
(૧૦૯) તમે પણ એવાજ ખ્યાલ રાખો. ખુદાવંદતઆલા સાથે ઈશ્ક અને મોહબ્બત કરો. ઈબાદત અને બંદગી પણ ઈશ્ક અને મોહબ્બતથી જ કરો.
તમે અમારા જેવા થાઓ, જે પ્રમાણે અમે સાફ અને પાક છીએ. અમારા દિલમાં કિન્નો, કપટ કે હસદ નથી, તેમ તમે પણ દિલમાં કિન્નો, કપટ તથા હસદ નહિ રાખો. તમે અમારો દાખલો લીયો, જેમ અમે ચાલીએ છીએ તેમ તમે પણ ચાલો.
દુઆ તેમજ નિયાઝ પીતી વખતે, તમારા પોતાના હક્કમાં સારૂં માગો તેમાં ફાયદો છે. પરંતુ, પોતાના દીનભાઇઓના હક્કમાં પણ દુઆ માંગો તો તેમાં, તે કરતાં પણ વધારે ફાયદો છે.
યા અલી મદદ