કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
ફરમાન નં - ૭ થી ૧૬.
(પેજ ૨૩) અમે તમને ઈબાદતનું ફરમાન કરીએ છીએ. હમેશાં ખુદાની ઈબાદત કરજો. હરપળ, હર સાયત ખુદાને યાદ કરવા જોઇએ. અગર તમે ભુલી ગયા હો, અને ગાફલ થઇ ગયા હો, તો અમે તમને યાદ આપીએ છીએ કે કેવી રીતે ઈબાદત કરવી ?
(૨૪) ઈબાદત બંદગી કરશો તો બહેશ્તમાં જશો.
ઈબાદત બંદગીના ઘરમાં ઈબાદતની વાતો કરવી; યા પયગમ્બરની તારિફ કરવી, તે સિવાય બીજી વાતો હોય તો ઘરે કરવી.
(૨૫) ખુદાતઆલાએ કુરઆનમાં ફરમાવ્યું છે કે, “અતિ ઉલ્લાહ વ અતી ઉર્ર રસુલ વ ઉલીલ અમ્ર મીન કુમ” યાને ખુદાવંદતઆલા ફરમાવે છે કે:
"એતાયત કરો મારી,
એતાયત કરો પયગમ્બરની
અને પયગમ્બરના જાંનશીનની."
(૨૬) હઝરત મુસાની કોમમાં એક ઈમાનદાર બાઇ હતી. તેના માટે ત્રણ જણાએ માંગા મોકલ્યા. તેમાંથી એક જણ ઈમાનદાર હતો. અને બે જણા ઈમાન વગરના હતા. તે બાઇએ ઈમાનવાળાનું માંગુ કબુલ કર્યું અને બે જણાની માંગણી પાછી ફેરવી. જેથી, એ બન્ને જણાએ પોતાના દિલમાં હસદ રાખી તે ઈમાનદારને મારી નાખ્યો.
હઝરત મુસાએ ફરમાવ્યું કે, તમે એક ગાય લઇ આવી, તેનું લોહી મરનાર ઉપર છાંટશો તો, તે જીવતો થશે.
ત્યારે તેઓએ અરજ કરી કે ગાય બુઢી લઇ આવીએ કે જવાન ? હઝરત મુસાએ ફરમાવ્યું કે, ન બુઢી, ન જવાન! ત્યારે તેઓએ અરજ કરી કે, તેનો રંગ કેવો ? સફેદ કે રાતો ? હઝરત મુસાએ ફરમાવ્યું કે, ન સફેદ ન રાતો ! ત્યારે તેઓએ ફરીથી પુછ્યું કે, તેના શરીર ઉપર ટિક્કો જોઇએ ? ત્યારે હ. મુસાએ ફરમાવ્યું કે, હા ! તેની પેશાની ઉપર એક ટીક્કો જોઇએ.
તે શહેરમાં એક ઈમાનદાર રહેતો હતો. તેની પાસે ટિક્કાવાળી એક ગાય હતી.
(૨૭) એ બન્ને જણાએ ગાયની કિંમત આપી અને ગાયને લઇ ગયા. તેઓએ એ ગાયને કાપી અને તેનું લોહી મરનાર ઉપર છાંટયું; જેથી, મરનાર જીવતો થઈ કહેવા લાગ્યો કે, આ બન્ને જણાએ મને મારી નાખ્યો હતો. આ ઉપરથી તે બન્ને જણાને મારી નાખવામાં આવ્યા.
જ્યારે પણ ફરમાન થાય ત્યારે, તેના માટે ફરીથી પૂછવું તે વાજબ નથી. અગર અમે તમને ફરમાવીએ કે, દુઆ નહિ પડો તો, તમારે દુઆ નહિ પડવી. અમે ફરમાવીએ કે, આ કામ સવાબનું છે, તો તેના માટે ફરીથી પૂછવું નહિ કે, કેવો સવાબ થશે. કોઇ પણ ફરમાન થાય તો તે પ્રમાણે કરવું.
થએલ ફરમાન માટે, ફરીથી પૂછવાનો સબબ એ છે કે, પૂછનાર સમજે છે કે હું કેવો હુશિયાર છું, એવી મગરૂરી કરે છે.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
જો તેઓએ ગાયના માટે, પહેલા ફરમાન પ્રમાણે લઇ આવ્યા હતે તો કાંઇ થતે નહિ; પરંતુ, ફરીથી પૂછીને દુઃખી થયા.
(૨૮) બધા ગુન્હા કરતા આ ગુન્હો મોટો છે. કદાચ જોવામાં નાનો આવે, પણ બધા ગુન્હા કરતાં આ ગુન્હો મોટો છે, તેમ ખરાબ છે.
આજે તમને ફરમાન કરીએ છીએ તેના ત્રણ મકસદ છે.
પહેલું એ કે, અમે તમારા પીર મુર્શિદ છીએ, જેથી અમને વાજબ છે કે, અમે તમને કહીએ અને નસિયત કરીએ, તમે અમારા મુરિદ છો જેથી, તમારા ઉપર વાજબ છે કે, જે જે ફરમાન અમે કરીએ તે ફરમાન ઉપર તમે ચાલો.
બીજો મકસદ એ છે કે, દોસ્તના હિસાબે કહીએ છીએ.
ત્રીજો મકસદ એ છે કે, જે કોઇ માણસ ફરમાન સાંભળે છે અને તેના ઉપર અમલ નથી કરતા; યાને કાનથી સાંભળે છે પણ કબુલ નથી કરતા, તેના વાસ્તે કહીએ છીએ.
અમે તમને ફરમાવીએ છીએ કે, ખરાબમાં ખરાબ ગુન્હો એ શરાબ પીવો છે, તેથી તમે દૂર રહેજો.
(૨૯) જેને બિમારીની બહુ પીડા હોય અને હકીમ અથવા ડોક્ટર ઘણો હુશિયાર હોય અને સારામાં સારો હોય અને તે એમ કહે કે, ફક્ત આ પાણી (શરાબ) પીવાથીજ બિમારી મટશે ત્યારે પીવું, તો તેમાં ગુન્હો નથી અને હરામ નથી. થોડી બિમારી હોય અને પીવું તે વાજબ નથી.
(૩૦) દુનિયામાં કોઇ રાજા હોય અથવા મોટો અંગ્રેજ કે હિંદુ હોય. તેની પાસે જ્યારે કોઇ જાય છે તો ઘણી ચોકસાઇની સાથે, સારા વિચારો કરીને જાય છે. તે વખતે પોતાને ઘણો નાનો સમજીને ચાલે છે અને નમીને વાત કરે છે. એ પ્રમાણે કે, તેને અને પોતાને સારૂં લાગે; તેવી રીતે ચાલે છે અને વાત કરે છે.
(૩૧) જ્યારે તે મોટા પાસે જવા માટે ઘરેથી નિકળે છે, ત્યારે તેનામાંજ પોતાનું ધ્યાન રાખે છે અને દિલમાં એવા વિચાર સાથે ચોક્સાઈ કરીને જાય છે કે અમે એક દિલ થઇને જઇએ અને નજર પણ તેની વાતોમાં તેની સામે હોય, યાને તેને એવો ખ્યાલ ન થાય કે આ અમારી વાતોમાં ધ્યાન નથી રાખતો. તેના માટે નજ૨ પણ તેની સામે રાખે છે. એવી રીતે ચોક્સાઇ કરીને જાય છે અને તે જે પણ વાત કરે, તેમાંજ ધ્યાન હોય છે કે, રખેને મારૂં ધ્યાન તેની વાતો સાંભળવામાંથી હટી જાય અને તેને ખરાબ લાગે.
હવે રાજાની વાત મુકો. પણ જ્યારે રાજા પાસે આવી રીતથી જાઓ તો, રાણી પાસે કેવી રીતથી જવું તેનો તમે પોતે ખ્યાલ કરો!
ત્યારે તમે ખ્યાલ કરો કે જ્યારે દુનિયાના માણસો પાસે આવી રીતથી જાઓ છો, ત્યારે ખુદા સહુથી મોટો છે, તેની પાસે કેવી રીતથી જવું જોઇએ ?
જે કોઇ ઈબાદત બંદગીના વખતે આવે છે, એટલે તે ખુદા પાસે જાય છે એમ થયું.
ખુદા તો પોતાના બંદાને અને કુલ ખલ્કતને જુએ છે પણ ઇન્સાન તેને જોઇ શકતો નથી; કારણ કે, તેની આડે પડદો છે. જ્યારે આડો પડદો હોય ત્યારે કેવી રીતે પોતે જોઇ શકે ? જ્યારે ખુદાને તે નથી જોઇ શકતો ત્યારે તેના ખ્યાલ ખુદા તરફ રહી શકતા નથી; કારણ કે, ખુદાને તે જોતો નથી. તેના લીધે તેનું ધ્યાન ખુદા તરફ રહી શકતું નથી.
પણ ખ્યાલ રાખો કે, તમે જ્યારે ખુદાની બંદગી કરો છો ત્યારે તે બંદગી વખતે ખુદા સાથે વાતો કરો છો.
જાહેરીમાં તમે તમારી આંખોથી ખુદાને જોઇ શકતા નથી, પણ તમે વાતો તો ખુદા સાથે કરો છો. જેથી જાણી શકાય છે કે, જ્યારે ખુદાની હુઝુરમાં જે જાય ત્યારે ઘણી ખુશાલીથી અને ખુશી થઇને જાય. એવી રીતથી કે, પોતા ઉપર ખુદા રાજી થાય; તેવી રીતથી ખુશી થઇને જાય.
(૩૪) મુર્તઝાઅલીની પાસે સફાન ઇબ્ને અક્લ નામના એક માણસે આવી અરજ કરી કે, યા મૌલા ! હું તમારા દોસ્તમાંથી એક છું; પરંતુ, મારાથી ઘણા મોટા ગુન્હા થયા છે. તેની મને સજા કરો તો, હું આખરતના અઝાબથી છુટું.
જ્યારે તે શખ્સે, પોતાના કરેલા ગુન્હા જાહેર કર્યા ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, તારા ગુન્હા એવા છે કે, કાંતો તને ભીંતમાં ચણાવીને મારી નાખું, યા તો તને ઝુલ્ફિકારથી મારું અથવા તને આગમાં બાળીને મારું ત્યારે તું છુટે. માટે હવે તુંજ કહે કે; તારું દિલ કેવી સજા ભોગવવા રાજી છે ? તો તે પ્રમાણે તને સજા કરૂં. ત્યારે તે શખ્સે અરજ કરી કે, મને આગમાં બાળો !
(૩૫) જ્યારે સફાનને લાકડામાં ઊભો રાખી આગ સળગાવવામાં આવી ત્યારે, આગે તેને કંઇ પણ અસર કરી નહિ.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
અલહમ્દોલિલ્લાહ ! તમે પણ અમીરૂલ મોમનીન મુર્તઝાઅલીના દોસ્ત છો, જેથી, તમને પણ આગ અસર નહિ કરે.
પરંતુ તે દોસ્ત હતો તે દિલથી હતો. ફક્ત નામનો તે દોસ્ત નહિ હતો; માટે તમે...પણ દિલથી દોસ્ત થાઓ. જો દિલથી દોસ્ત થશો તો, તમને પણ આગ અસર નહિ કરે. જ્યારે તમે ચોકસાઇ કરી, દિલથી દોસ્ત થશો ત્યારે તે મર્તબો તમને મળશે.
જુઓ સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો; સલમાન માટે પયગમ્બર ફરમાવતા હતા કે, ‘હમશાયે સલમાન’ સલમાન અમારા અહેલે બેતમાંથી છે.
(૩૬) ત્યારે સલમાને કેટલી ઈબાદત કરી હશે ? અને કેવી રીતે મૌલા મુર્તઝાઅલીને ઓળખ્યા હશે ?
બીજા પણ એવા ઘણા થઇ ગયા છે, તે પણ તમારા જેવા માણસો હતા. તેઓએ કેવી રીતે મૌલાને ઓળખ્યા હશે કે જેથી આવા મર્તબાને પહોંચ્યા છે.
ઈન્શાઅલ્લાહ ! તમે પણ મુર્તઝાઅલીના દોસ્ત છો, માટે બરાબર ચોકસાઈ કરી તેઓના જેવા થાઓ; તો પછી તમને પણ તેઓના જેવો મર્તબો મળે અને તેઓના જેવા તમારા વખાણ થાય.
એક દિવસ હઝરત નબી મોહમ્મદ મુસ્તફા મસજીદમાં બેઠા હતા તે વખતે, જીબ્રાઈલ એક આયાત લઇને આવ્યા અને કહ્યું કે, યા રસુલિલ્લાહ ! ખુદાવંદ આલમીને ફરમાવ્યું છે કે, આ આયાતને જ્યાં નરસામાં નરસા માણસો રહેતા હોય ત્યાં સંભળાવો.
તે અસહાબ એ આયાત લઇને જ્યારે અડધે રસ્તે પહોંચ્યો ત્યારે, નબી મહમ્મદે એક માણસને કહ્યું કે, તે અસહાબને મારી પાસે પાછો તેડી લાવો.
નબી સાહેબે તેની પાસેથી તે આયાત લઇને મુર્તઝાઅલીને આપીને કહ્યું કે, તમે આ આયાત લઇને જ્યાં નરસામાં નરસા માણસો રહેતા હોય તેઓને સંભળાવો.
(૩૭) આ વખતે કેટલાક અસહાબો ત્યાં બેઠા હતા, તેઓએ પયગમ્બરને પૂછ્યું કે, યા રસુલિલ્લાહ ! તમોએ પહેલા એક અસહાબને આયાત આપી, પરંતુ, તેને પાછો બોલાવી તેની પાસેથી આયાત લઇને મુર્તઝાઅલીને આપી તેનું શું કારણ ?
પયગમ્બરે ફરમાવ્યું કે, મને ખુદાનો એવો હુકમ થયો કે તે અસહાબને હું ઓળખું છું પણ તે મને ઓળખતો નથી.
(૩૮) મૌલા મુર્તઝાઅલીને આયાત આપવાનું કારણ એ કે, મુર્તઝાઅલી ખુદાને ઓળખે છે. તેમ, ખુદા પણ મુર્તઝાઅલીને ઓળખે છે. મુર્તઝાઅલી અમારી આલના છે, તેમજ મુર્તઝાઅલી અમારામાંથી છે અને અમે મુર્તઝાઅલીમાંથી છીએ. ખુદા પણ મુર્તઝાઅલી ઉપર રાજી છે અને મુર્તઝાઅલી પણ ખુદા ઉપર રાજી છે. તે માટે અમોએ તે આયાત મુર્તઝાઅલીને આપી.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
ઈન્શાઅલ્લાહ ! તમે મુર્તઝાઅલીને ઓળખો છો અને મુર્તઝાઅલી તમને ઓળખે છે, જેથી ઈન્શા-અલ્લાહ ! મુર્તઝાઅલીની સાથે તમે હોજે કૌસર ઉપર હશો અને મુર્તઝાઅલી હોજે કૌસરનું પાણી તમને પીવડાવશે.
જ્યારે નબી મોહમ્મદ મુસ્તફા, આખરી હજ યાને છેલ્લી હજ કરવા ગયા, અને હજ કરીને જ્યારે પાછા વળ્યા, ત્યારે અડધે રસ્તે ‘ગદીરે ખુમ’ નામની જગ્યાએ આવ્યા. એ વખતે આગળ ગયેલા તેમજ પાછળ રહેલા કાફલાના માણસો પણ ત્યાં ભેળા થયાં.
હઝરત નબી મોહમ્મદ મુસ્તફાએ તેઓને ફરમાવ્યું કે, હવે અમારો આખરી વખત નજીક છે, યાને હવે અમે થોડા દિવસ આ દુનિયામાં છીએ, માટે તમોને ફરમાવીએ છીએ કે, આજ દિવસ સુધીમાં, ખુદાના જેટલા ફરમાનો થયા હતા તે બધા અમોએ સાચા કહી સંભળાવ્યા છે. આ વાત સાચી છે કે નહિ તે તમે અમને કહો ?
(૩૯) ત્યારે, સઘળા માણસો કહેવા લાગ્યા કે, હા ! અમો ખુદા પાસે ગવાહી આપશું કે, તમોએ બધા ફરમાનો અમને સંભળાવ્યા છે.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
આ હદીસને સુન્નીઓ પણ કબુલ રાખે છે. આ હદીસ સુન્નીની લખેલી છે. ઝહોરા નામનો એક સુન્ની જે મોટો કાબેલ હતો, તેના હાથથી આ હદીસ લખાએલી છે; તે અમે તમને સંભળાવીએ છીએ.
પયગમ્બરે ફરમાવ્યું કે, અમે તમારા પયગમ્બર હતા એવી ગવાહી તમે આપશો ? ત્યારે તેઓએ કહ્યું કે, બરહક, તમે અમારા પયગમ્બર હતા, તેની ગવાહી આપશું.
પયગમ્બરે ફરમાવ્યું કે, અમે પણ ગવાહી આપીએ છીએ કે, અમે તમારા પયગમ્બર છીએ અને ખુદાવંદ આલમીને, અમને તમારા ઉપર પયગમ્બર કરીને મોકલ્યા છે.
ત્યાર બાદ પયગમ્બરે ફરમાવ્યું કે, અમારી પાછળ બે ચીજો અમે મુકી જઇએ છીએ; તે બન્ને ચીજો કયામત સુધી ચાલુ રહેશે અને હોજે કૌસર સુધી સાથે રહેશે.
(૪૦) પયગમ્બરે ફરમાવ્યું કે, તે બન્ને ચીજો કઇ છે ? એક તો અમારી આલ-જાંનશીન છે, અને બીજી ચીજ કુરઆન છે. આ બન્ને ચીજો કયામત સુધી હંમેશા ચાલુ રહેશે અને હોજે કૌસર સુધી સાથે રહેશે.
નબી મોહમ્મદ મુસ્તફાએ તે વખતે હઝરત અલીનો હાથ પકડીને સઘળા માણસોને ફરમાવ્યું કે, અમારા પછી અમારો જાનશીન મુર્તઝાઅલી છે. જે કોઇ મુર્તઝાઅલીથી મહોબ્બત રાખશે, તે મુર્તઝાઅલી સાથે હોજે કૌસર સુધી હમેશાં ત્યાં સાથે રહેશે.
મૌલાના હાઝર ઈમામે તે વખતે બે પર્વતોના નામો લઇને ફરમાવ્યું:
"જેટલું એ બે પર્વતો વચ્ચે છેટું છે તેટલી મોટી હોજે કૌસર છે.”
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
"હોજે કૌસરના એક કિનારાથી બીજા કિનારા સુધી એવી ચીજો છે અને એવી ચમ્કે છે અને તેની રોશની એવી થાય છે કે જેવા, આસમાનના સિતારા ચમ્કે છે. જેવા આસમાનની ચારે બાજુ સિતારા ચમ્કે છે તેવા, હોજે કૌસરની ચારે બાજુ સિતારા છે અને તે ચમકે છે ને રોશની થાય છે.”
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
ત્યાર બાદ પયગમ્બરે તેઓને ફરમાવ્યું કે અમારા જાનશીન અને વસી, મુર્તઝાઅલીને તમારા ઉપર નીમી જાઉં છું. તેની તમે ખુદા પાસે ગવાહી આપજો કે, અમે મુર્તઝાઅલીને અમારો વસી નીમી ગયા હતા અને તમારા ઉપર મુકી ગયા હતા.
તેઓએ કહ્યું કે, અલબત્ત, અમે ગવાહી આપશું અને કબુલ કરશું કે, તમે અમારા ઉપર મુર્તઝાઅલીને તમારા વસી તરીકે નીમી ગયા હતા.
(૪૧) એ વખતે મુર્તઝાઅલીના બન્ને હાથ પકડી ઊભા કરીને પયગમ્બરે ફરમાવ્યું કે, અમે ખુદાના રસુલ છીએ અને અમારો વસી તે મૌલા અલી છે. જેના અમે મૌલા છીએ, તેના અલી મૌલા છે.
પયગમ્બરે ફરમાવ્યું કે, તમે કબુલ કરો અને ખુદા પાસે ગવાહી પુરજો ! તે વખતે સઘળા લોકો કબુલ થયા.
પયગમ્બર અને મૌલા મુર્તઝાઅલી ત્યાંથી પોતાને મકાને આવ્યા. ત્યાં એક અરબ, ઈબ્રાહીમ ઈબ્ને હારસ નામનો રહેતો હતો; જે મોટો માણસ હતો, તેને ‘ગદીરે ખુમ’માં બનેલી બીનાની ખબર પડતાં, તે પોતાને મકાનેથી ઊંટ ઉપર બેસીને પયગમ્બર પાસે આવ્યો અને કહ્યું કે, તમોએ અમને ખુદાના જે ફરમાનો સંભળાવ્યા અને તેની ગવાહી પુરવા અમને કહ્યું; જેથી અમોએ કબુલ કર્યું કે તમે સાચા છો.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
પછી તે અરબે રસુલિલ્લાહને કહ્યું કે, તમોએ અમને ફરમાવ્યું કે, ખુદાવંદતઆલાએ તમને નમાઝ પડવા માટે ફરમાવ્યું છે, તે ફરમાન અમોએ કબુલ કર્યું અને તમોએ તે સાચેસાચું કહ્યું હતું.
ત્યાર બાદ તમોએ અમને રોજા માટે ફરમાવ્યું અને તે પણ, તમોએ કહ્યું કે આ સાચા ફરમાન છે; તે પણ અમોએ કબુલ કર્યા.
ત્યાર પછી તમોએ ફરમાવ્યું કે, જકાત આપવી યાને ખુમસ આપવી. તે પણ તમોએ સાચું કહ્યું અને અમે કબુલ થયા.
ફરીથી તમોએ હજના માટે ફરમાન કર્યા તે પણ તમોએ સાચા કહ્યા જેથી અમે કબુલ થયા.
આટ આટલું કરવા છતાં, તમને સંતોષ ન થયો અને અમારા ઉપર ભાર નાખી જાઓ છો; અને તમારા કાકાના ફરઝંદને અમારા ઉપર મૌલા કરીને નીમી જાઓ છો.
(૪૨) તે અરબે કહ્યું કે, આ તમારા કાકાના ફરઝંદ અલીનો ભાર અમને સોંપી જાઓ છો, તે શું તમને ખુદાનો હુકમ છે ? કે તમારા પોતાના ખ્યાલથી તમારા કાકાના ફરઝંદને સોંપી જાઓ છો ?
ત્યારે પયગમ્બર મોહમ્મદ મુસ્તફાએ ફરમાવ્યું કે, ખુદાના હુકમ વગર અમે એક પણ કામ કરતાં નથી અને ખુદાના હુકમ વગર અમે જરા જેટલું પણ બોલતા નથી.
ત્યારે તે અરબ ઊંટ ઉપર સવાર થઇને ચાલ્યો ગયો. તે વખતે તે, ઘણા ગુસ્સામાં હતો, રસ્તામાં ચાલતાં ચાલતાં, ગુસ્સામાં ખુદાને કહ્યું કે, યા ખુદા ! અગર તેં અમારા ઉપર મુર્તઝાઅલીને નીમી જવાનું ફરમાન પયગમ્બરને કર્યું હોય, તો તે કરતાં, અમારા ઉપર પત્થરનો વરસાદ વર્ષાવ; તો તે સહન કરવા માટે અમે ખુશી છીએ.
મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
"તે જ વખતે આસમાનમાંથી એક પત્થર તે અરબ ઉપર પડયો, જેથી તે જહન્નમમાં દાખલ થયો."
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
કયામતમાં મુર્તઝાઅલી તમારા સફાયત કરનાર થશે અને તમારો હાથ પકડીને, પોતાની સાથે બહેશ્તમાં લઇ જશે; અને જે કોઇ મોમન હશે તેને હોજે કૌસરનું પાણી પીવડાવશે. ઈન્શાઅલ્લાહ !
(૪૬) એક બાદશાહ શિકાર કરવા જંગલમાં ગયો. રસ્તામાં એક હકીમને જોયો. હકીમ એટલે ડાકટર નહિ પણ તે એક દરવેશ હતો. તે દરવેશ એક ઠેકાણે બેઠો હતો. તે દરવેશ પોતાના ઘરબાર છોડી, જંગલમાં ખુદાની મહોબ્બતમાં બેઠો હતો. દરવેશ સાથે બાદશાહની મુલાકાત થઇ અને દરવેશ તથા બાદશાહ દુનિયા સંબંધી વાતો કરવા લાગ્યા.
દરવેશે કહ્યું કે દુનિયાની મિસાલ એવી છે; જેમકે એક મસ્ત હાથી કોઇ એક માણસ ઉપર હલ્લો કરે છે. તે માણસ પોતાનો જાન બચાવવા ઝાડ ઉપર ચડી જાય છે. મસ્ત હાથી ઝાડના થડને હલાવી રહ્યો છે. ઝાડને હલાવવાથી તે માણસના પગ, ઝાડની ડાળી ઉપરથી છટકી જતાં તે, ઝાડની વડવાઇઓને વળગી રહ્યો છે.
ઝાડને હલાવવાથી, ડાળમાં રહેલા મધપુડામાંથી, મધના ટીપાં તે માણસના મોઢામાં પડી રહ્યાં છે. બીજી તરફ, ધોળો અને કાળો એવા બે ઉદરો, તે માણસે પકડેલી વડવાઇને કાપી રહ્યાં છે. નિચે મોટો કુવો છે જેમાં અઝદાહ છે, જેના મોઢામાં આગ સળગી રહી છે.
આમ, દરેક તરફનો ભય હોવા છતાં, મધપુડામાંથી ટપકી રહેલા મધના સ્વાદને, તે માણસ છોડી શકતો ન હોવાથી, પોતાનો બચાવ કરવાનું પણ ભુલી જાય છે.
આખરે કાળા અને ધોળા ઉંદરો તે વડવાઇ કાપી નાખે છે અને તે માણસ કુવામાં રહેલા અઝદાહના મુખમાં જઇ પડે છે.
જ્યારે આ વાત દરવેશે પુરી કરી, ત્યારે બાદશાહે તેની મતલબ પુછી, જવાબમાં દરવેશે કહ્યું કે મધ તે બાયડી છોકરા અને દુનિયાનો માલ, દૌલત વિગેરે છે. કુવો અને અઝદાહ તે દોઝખ છે. કાળો અને ધોળો ઉંદર તે રાત અને દિવસ છે.
(૪૭) બાદશાહને આ વાત ઘણી સારી લાગી."
ત્યારબાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
દુનિયામાં ત્રણ વર્ગના લોક છે. તેની મિસાલ આપી ફરમાવ્યું:
પહેલો ઘણા પૈસાવાળો;
બીજો થોડા પૈસાવાળો;
ત્રીજો ગરીબ યાને પૈસા વિનાનો.
જ્યારે પૈસાવાળો, પૈસાવાળાને ઘરે જાય છે. ત્યારે તેની ઘણી ખાતર બરદાસ કરે છે અને ઇજ્જત આબરૂ સાથે માન આવકાર આપે છે.
બીજો જે થોડા પૈસાવાળો છે તે, પેલા ઘણા પૈસાવાળાને ત્યાં જાય તો તે, પેલા જેવી ખાતર બરદાસ નહિ કરે; અલબત થોડી કરે.
જ્યારે ગરીબ પૈસાવાળાને ત્યાં જાય, ત્યારે તે ગરીબને ઘરમાં આવવા નહિ દીયે.
આ ત્રણે જણા દોસ્ત હતા. તેમાંથી જે ઘણો પૈસાવાળો હતો તે ગરીબ થઇ ગયો, ત્યારે અમુક ગુન્હાસર, બાદશાહે તેને લાકડીથી મારવાનો હુકમ કર્યો. ત્યારે તેણે માફી માગી અને અરજ કરી કે મને મારો નહિ.
હવે તે ગરીબ બનેલો માણસ, મદદ માગવા માટે પૈસાવાળા પાસે ગયો. પણ તે પૈસાવાળાએ સીધો જવાબ ન આપ્યો અને કહ્યું કે મારાથી બાદશાહ આગળ કાંઇ નહિ થાય.
આ ગરીબ, બીજા થોડા પૈસાવાળા પાસે ગયો, તો તેણે પણ કહ્યું કે, મારાથી મદદ નહિ થાય.
(૪૮) બાદ તે, પેલા ગરીબ દોસ્ત પાસે ગયો અને કહ્યું કે, મારાથી તારી કોઈ ખાતર થઇ નથી, છતાં મહેરબાની કરી બાદશાહ પાસે જઇ, જામીન થઇ છોડાવો.
તે ગરીબ દોસ્ત બાદશાહ પાસે જઇ, સમજાવી તેનો જામીન થયો અને તેને છોડાવ્યો.
બાદશાહે હકીમને પૂછ્યું કે, આ દ્રષ્ટાંતની મતલબ શું છે ?
ત્યારે હકીમે જણાવ્યું કે, જેને ગુન્હેગાર થઇ બાદશાહ પાસે જવું પડયું તે “ઈન્સાન” છે.
જે પૈસાવાળાની તે ખાતર બરદાસ કરતો હતો તે “દુનિયાની દોલત” છે; કે જેની પાછળ તે ખુવાર થયો છે.
જે ગરીબ માણસે તેને છોડાવ્યો તે “ખુદાની ઈબાદત” છે.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
દુનિયામાં ઈબાદત કરવાવાળા ઘણાં ઓછા છે. ઈબાદત નહિ કરવા માટે પુછાણું લેવાશે.
માણસો પૈસામાં ગુલતાન થઇ જમાતખાને જતાં નથી. ઘણાં ખરા દૌલત ઝાઝી માંગે છે, પણ જમાતખાને ઓછાં જાય છે.
દુનિયામાં હમેશાં (૩૧૩) ત્રણસો ને તેર મોમન હોય છે. જો તે ત્રણસો તેર જણા ન હોય તો દુનિયા ન ચાલે.
ઈન્સાફથી જવાબ આપો કે, તમે ઔલાદ માંગો છો અને જમાતખાનાથી મોહબ્બત કેમ કરતા નથી ? તમે દૌલતને ઈબાદતથી પણ વધારે ચાહો છો !
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
જયારે નફસા નફસી થશે ત્યારે, ઔલાદ, દૌલત કાંઇ પણ કામ નહિ આવે. ઈબાદત કામ આવશે.
(૪૯) જ્યારે મોટો બાદશાહ-ખુદા હિસાબ પુછશે ત્યારે, કાંઇ પણ કામ નહિ આવે.
જે દરવેશ છે તે બંદગી કરે છે અને વેપાર પણ કરે છે.
બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:
હ. ઈમામ ઝૈનુલઆબેદીન બપોરના પોતાના એક બાગમાં ગયા અને બધાને ભલામણ કરી કે, અમુક કિંમતથી મેવો વેચવો; ઓછે ભાવે વેચવો નહિ. પણ ઈમામ પોતે પોતાની મરજી પ્રમાણે વેચતા હતા. ઓછે પણ વેચતા અને ક્યારેક વેચતા પણ નહિ હતા.
ખુદાવંદ આલમીને તમારા માટે ચોવીસ કલાક કર્યા છે; તેમાં દોઢ બે કલાક ઈબાદત કરો. અમને યકીન છે કે, હવે તમે જમાતખાનામાં ઈશ્ક અને મોહબ્બતથી જશો.
(૫૦) મિસાલ આપી ફરમાવ્યું:
તમારી ઔલાદમાંથી કોઇ બહાર ગયું હોય અને તે આવે, ત્યારે તમે કેવી રીતે મળવા જાઓ છો ? તેથી પણ વધારે મહોબ્બતથી જમાતખાને જાઓ.
ઈન્શાઅલ્લાહ, તમે પહેલાં આખરતનું કામ કરો; દુનિયાતો ઘણી મળશે.
અમારી પાસે આવી તમે કહો છો કે, અમને આખરતની મોટાઇ મળે; પણ તમે દુનિયા ન છોડો ત્યારે કેમ મળે પોતાનું દિલ દુનિયામાં બાંધવું નહિ; ઈબાદતમાં બાંધવું.
હકનો રોટલો એ છે કે, પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે, અને ભુલી જાય નહિ.
(૫૧) ઈબાદત કરી ખુદાને ઓળખો.
યા અલી મદદ