Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે ઈમામે મુબીન ભાગ-૧ તારવણી

રેકોર્ડીંગ - ૧

રેકોર્ડીંગ - ૧

0:000:00

ફરમાન નં - ૧ થી ૬.

(પેજ ૧) “હે જમાતો ! તમે અમને નાના નહિ સમજજો. અમે આલે રસુલ છીએ અને અમારા દાદા હઝરત અમીરૂલ મોમનિન છે અને અમારા દાદી ખાતુને જન્નત હઝરત બીબી ફાતિમા છે. અમે અલી અને નબી બન્નેના નૂર છીએ. ઉંમરમાં જો કે નાના તો છીએ; પણ મોટા છીએ. હઝરત મૌલા મુર્તઝાઅલી નાના હતા, મગર પોતાની જવાન વયે ખયબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઇ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબરા નામના કાફરને મારી નાખ્યો હતો.”

(૨) જે કોઇ મૌલા મુર્તઝાઅલી પાસે તલબ કરતો તેની ઉમેદ પુરી કરી મુશ્કિલ આસાન કરતા હતા.

જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના ઝમાનાના ઈમામની કુદરત અને કરામતો જોવામાં આવશે.

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન પણ ઉમરમાં નાના હતા, મગર કુવ્વત અને ઈલ્મમાં મુર્તઝાઅલી જેવા હતા.

અમારા ઘરની તારીફો, અને કુદરત જેઓ ઈલ્મમાં વાકેફગાર છે તેઓ સમજશે.

(૪) અસલ અમે જમાતોને “દરવેશ”નો લકબ આપતા હતા, પરંતુ ઘણાઓને દરવેશનો લકબ પસંદ નહિ પડતાં, અમે ખાસ આ કારણે તે કાઢી નાખેલ છે.

(૫) તેઓ ઈમામને “સાહેબે ઝમાન” તરીકે તો સંબોધે છે; પણ તેઓ તેનો અર્થ નથી સમજતા, અને જ્યારે તે ઈમામ જગતમાં મૌજુદ નથી તો પછી તેને “સાહેબે ઝમાન”નો લકબ કેમ આપી શકાય ? ઈમામ દુનિયામાં મૌજુદ હોવોજ જોઇએ. દુનિયાનો આધાર ઈમામ છે.”

દરેકે પોતપોતાનું ઈમાન સંભાળવું. જે સોનું હશે તેની તેવી કિંમત થશે, ચાંદી હશે તો તેની તેવી કિંમત થશે, તાંબુ અને લોખંડ હશે તો તેની તે પ્રમાણે કિંમત ઉપજશે. પત્થરાની શું કિંમત ઉપજશે ? તમે સાચ અને જુઠને ઓળખો. ઈન્શાઅલ્લાહ અમને ઓળખવાવાળા ઝવેરાત છે, જેની એક રતીની કિંમત સો ઘણી છે, સચ્ચાઇ અને ઈમાનદારી સાથે ચાલજો... ખાનાવાદાન.

(૬) હાઝર ઈમામ માટેની નિયત અને હુબ વગર કોઇ પણ ચીજ કબુલ થતી નથી, એ કુરઆન અને હદીસોથી પણ સાબીત છે. નબી અને નબીની આલ, જે ગાદી વારસ છે, તેની મહોબ્બત અને હુબ વગર કોઇ ઈબાદત-બંદગી કબુલ થતી નથી.

મોમન જ્યારે આ પ્રમાણેની બાબતો પાળે ત્યારે જ તેની ઈબાદત વિગેરે કબુલ થાય છેઃ

  • (૧) હાઝર ઈમામની દોસ્તી.
  • (૨) રોજીંદી બંદગી.
  • (૩) નેક આમાલ.
  • (૪) દશોંદ - માલેવાજબાત.
  • (પ) માબાપ અને ભાઇઓનો હક.
  • (૬) પાડોશીના હક.
  • (૭) સ્ત્રીના વાજબી હક.
  • (૮) જ્ઞાન આપનાર ઉસ્તાદના હક.
  • (૯) મુરિશદના હક.
  • આ ઉપરાંત બીજા ઘણા કાયદાઓ છે તે બરાબર પાળવા જોઇએ.
  • (૭) જેઓ સાચા હકીકતી મોમનો છે તેઓને ફાયદો થાય છે; પોતાની મેળે થાય છે. દુનિયાને ઢોંગ કરીને દેખાડવાની ઈબાદત વિગેરેને પણ ગુનાહ ગણવામાં આવે છે.

જેઓને બાતુની હજ કરવી હોય તો તેઓને જરૂરી છે કે ધર્મમાં કાયમ રહે. ઈમામે ઝમાનનો દામન મજબુત પકડે, પોતાના જાત ભાઇઓથી મહોબ્બત કરે, તેઓની સાથે મિઠાશથી વર્તે, દશોંદ - માલેવાજબાત આપે, બાતુની બંદગી કરે.

ઈમાન અમુલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હ. મૌલા મુર્તઝાઅલીને મોમન નુસેરી “અલ્લાહ” કહેતો હતો તેને ૭૦ વખત કતલ કરવામાં આવ્યો પણ તેણે “અલી અલ્લાહ” કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે, અને એની ઔલાદ પણ એવી સચ્ચાઇવાળી થશે. આ મોમન અને એની ઔલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.

જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં ખલલ કદી નહિ નાખશો. આખરના ઝમાનામાં શેતાની ફરેબ ઘણો થાય છે અને અગાઉ પણ થયો છે, તેથી શેતાનની બાજીથી પરહેજ કરો.

દશોંદની તમે કબુલાત આપી છે. જે અમારો હક આપશે તે આઝાદ થશે.

(૮) અમે તમને પુરેપુરા ફરમાન કરીએ છીએ.

"તમે શા માટે રડો છો ? તમને રડવાનું કારણ શું છે?

ત્યારે તેઓએ અરજ કરી કે યા સાહેબ! આગા અલીશાહ દાતારની યાદી અમને આવે છે, જેથી દિલગીરી થાય છે."

ત્યારે હાઝર ઈમામે ફરમાવ્યું:

જમાત પાસે અમે મુર્તઝાઅલીનું નુર હાઝર નાઝર બેઠા છીએ, તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ પણ, અમારૂં નુર અનાદી કાળથી, "એકજ નુર" ઉતરતું આવે છે તેથી, તમારે એકજ નુરને જોવું જોઈએ.

આગા અલીશાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એકજ "અલીનું નુર" હતું અને અમારામાં પણ તેજ નુર ઉતરી આવેલું છે. અમે તેમના ગાદી વારસ છીએ.

નુર હમેશાં હાઝર નાઝર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝાઅલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. તમો જમાતને કોઈ પણ રીતે દિલગીર થવાનું કારણ નથી. અમે તમારી પાસે મૌજુદ છીએ. તેઓ અને અમારામાં કાંઈ ફરક નથી; જીસમ બદલાવવું પડે છે. માટે આ ઉપરની વાત સાચા ઈમાનદાર મુરીદોએ સમજવી જોઈએ.

(૯) ઈમાનદાર મોમન જો લાખો ગાઉ અમારાથી દૂર હોય તો પણ અમે તેની નઝદીક છીએ અને બેઈમાન જો અમારી હુઝુરમાં હશે. અને તે બેઈમાન અમને પોતાના જેવો સમજશે તો અમે તેને તેવા પ્રકારની દોસ્તી બતાવીએ છીએ.

અમે સાચા ઈમાનદારોના છીએ અને ઈમાનદારો અમારા છે, તેથી સાચા ઈમાનવાળા અમારા છે અને અમે તેઓના છીએ.

(૧૦) ઈમામ સાફ અરીસા મિસાલ છે.

અત્રે દુનિયામાં આંબા વાવશો તો તેમાં આંબા પેદા થશે. જો લિંબડો વાવશો તો લિંબડો પેદા થશે. જેવું વાવશો તેવું લણશો તેમાં કાંઈ પણ શંકા નહિ લાવશો.

(૧૧) ઉમર ઇબ્ને અબ્દે વદ કાફર હતો ! તે મૌલા મુર્તઝાઅલી સામે ઘોડા ઉપર સવાર થઇ લડવા માટે આવ્યો હતો. મૌલા મુર્તઝાઅલી, તે કાફરથી કદમાં ઘણા નાના હોવાથી, તેને શરમ લાગી અને તે ઘોડા ઉપરથી નીચે ઉતરી, મૌલા મુર્તઝાઅલી પાસે આવ્યો, છતાં પણ તે કાફર મૌલા મુર્તઝાઅલીથી ઉંચો દેખાતો હતો.

(હ) ઉંમરે, પયગમ્બર પાસે અરજ કરી કે, યા રસુલિલ્લાહ ! તેની સાથે આપણને લડાઇ કરવી વાજબ નથી, કારણ કે તે કાફર ઘણો જોરાવર છે. એક વખત મેં તેની લડાઇ જોઇ હતી, ત્યારે તેની પાસે ઢાલ પણ નહિ હતી. આ વખતે ઢાલને બદલે, એક ઊંટ ઊભો હતો તેને પકડી, તે ઊંટની ઢાલ બનાવી લડયો હતો.

બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:

તે કેટલો જોરાવર અને બહાદુર હશે ? તે કેટલો જોરાવર અને બહાદુર હશે કે જેણે ઊંટના ચાર પગ પકડી તેની ઢાલ બનાવી. ઊંટને પકડવો મુશ્કેલ છે. જ્યારે તેણે ઊંટને પકડયો ત્યારે તેનામાં કેટલી કુવ્વત હશે ? એવો જોરાવર હોવા છતાં, મૌલા મુર્તઝાઅલીએ તે કાફરના એકજ ઝટકે બે ટુકડા કરી નાખ્યા.

અસલ દીન ઈસ્લામની હમેશાં ચડતી છે.

તે કાફર એમ સમજતો હતો કે, મારી બરોબર કોઇ નથી, જેથી તે મૌલા મુર્તઝાઅલી સામે લડવા આવ્યો પરંતુ, મૌલા મુર્તઝાઅલીએ તેને એકજ ઘામાં ખતમ કરી નાખ્યો.

(૧૨) તે કાફર સાથે બીજા કાફરો પણ હતા અને તેઓ પણ મુર્તઝાઅલીને જીતી શકતા નહિ હતા. આથી તેઓએ વિચાર કર્યો કે એવો કોઈ જબરો છે જે, મુર્તઝાઅલીને જીતી શકે ? છેવટે, તે કાફરને મુર્તઝાઅલી સામે લડવા મોકલ્યો હતો.

બાદ, જેટલા જેટલા લડવૈયા મોકલ્યા હતા, તે દરેકના, મુર્તઝાઅલી એકજ જટકે બે ટુકડા કરી નાખતા હતા. જુઓ, મુર્તઝાઅલીની બહાદુરી અને મોટાઇ કેવી છે ! જેટલા કાફરો આવ્યા તે દરેકને મૌલા મુર્તઝાઅલીએ કતલ કરી નાખ્યા. આખી જહાન મુર્તઝાઅલી સામે લડવા આવે તો પણ જીતી ન શકે.

ઈસ્લામ દીન હમેશાં કાયમ છે અને કાયમ રહેશે, મુર્તઝાઅલીને કોઇ જીતી નહિ શકે. મૌલા મુર્તઝાઅલીને તમે નાના નહિ સમજજો. નાની ઉંમરના જોઇને ભુલશો નહિ. તેમનો મર્તબો જુઓ !

મુર્તઝાઅલીના દિદાર કોઇ કરી શકતું નથી, છતાં ઘન ભાગ્ય તમો જમાતના કે દરરોજ મુર્તઝાઅલીના દિદાર કરો છો.

એક વખત, મુસા પયગમ્બર “કોહે તુર” ઉપર ખુદાના દિદાર કરવા ગયા અને અરજ કરી કે, ખુદા યા ! તમારા દિદાર કરાવો ?

ત્યારે હુકમ થયો કે, તું પહેલાં મુર્તઝાઅલીના નુરના દિદાર કર, પછી મારા દિદાર કરી શકીશ, તે વખતે મુર્તઝાઅલી બાતુનમાં હતા.

ધન ભાગ્ય તમો જમાતના કે, દરરોજ મુર્તઝાઅલીના દિદાર કરો છો. ખાનાવાદાન.

(૧૨) મૌલા મુર્તઝાઅલીની મોટાઇ જુઓ. એક શખ્સે નબી સાહેબ પાસે જઇને અરજ કરી કે, યા રસુલિલ્લાહ ! મને “હક” દેખાડો ! ?

(૧૩) ત્યારે નબી સાહેબે ફરમાવ્યું કે આ પડદાની પાછળ જઇને જો, જ્યારે તે શખ્સે પડદાની પાછળ જોયું તો મુર્તઝાઅલી નમાઝ પડીને દુઆ માંગતા હતા કે, યા ખુદાવંદ ! નબી સાહેબની જે ઉમ્મત છે, તેઓને નજાત આપ.

ત્યાંથી તે શખ્સ આ બિના જોઈને નબી સાહેબ પાસે આવ્યો તો નબી સાહેબ પણ ઉંચા હાથ કરી દુઆ માંગતા હતા કે, યા ખુદાવંદ ! જે કોઇ મૌલા મુર્તઝાઅલીની મહોબ્બત રાખે છે તેના ગુનાહ માફ કરો અને તેને દિદાર આપો !

ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:

નબી મોહમ્મદની અગાઉ, મૌલા મુર્તઝાઅલી કુલ્લ નબીયોની સાથે બાતુનમાં હતા અને હ. નબી મોહમ્મદ મુસ્તફાના વખતમાં જાહેરમાં ભેગા હતા. અસલ કાંઇ નહિ હતું ત્યારે મુર્તઝાઅલીએ નાનું રૂપ ધારણ કર્યું હતું.

આના સમર્થનમાં મૌલાના હાઝર ઈમામે નીચેનો દાખલો આપતા ફરમાવ્યું:

એક વખત એક કદાવર અને જોરાવર દેવ (રાક્ષસ) હતો તે જેને જોતો તેને મારી નાખતો અને લોકોને બહુ સતાવતો હતો.

એક દિવસ, નવ વર્ષની બાળવયમાં મૌલા મુર્તઝાઅલી ચાલ્યા આવતા હતા. રસ્તામાં આ દેવને જોઇને પૂછ્યું, ક્યાં જાય છે ? ત્યારે દેવે કહ્યું કે પહેલવાનો સાથે કુસ્તી લડવા જાઉં છું.

ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, આવ, મારી સાથે કુસ્તી લડ. ત્યારે દેવે મુર્તઝાઅલીની નાની ઉંમર જોઇ જવાબ આપ્યો કે તારા સાથે શું કુસ્તી લડું ? તું બચ્ચું છો ! હું તો મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી લડું છું,

ત્યારે મુર્તઝાઅલીએ ફરમાવ્યું કે, જોઉં તારા હાથમાં કેટલી તાકાત છે ! પછી તેનો એક હાથ પકડી તેના ઉપર એટલું બધું જોર આપ્યું કે તે દેવની સઘળી તાકાત ખલાસ થઇ ગઇ અને બીજો હાથ પાછળથી પકડી, ખજુરીના ઝાડના રેસાથી બન્ને હાથ બાંધી દીધા,

અને ફરમાવ્યું કે, તું તો કહેતો હતો કે મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી લડું છું, પણ તારામાં આટલું પણ જોર નથી. આમ ફરમાવી મુર્તઝાઅલી તેની નજર આગળથી અદ્રશ્ય થઇ ગયા.

આ જોઇ તે દેવ અહિંથી તહિં હાથ છોડાવવા માટે દોડા દોડ કરવા લાગ્યો પણ કોઇ તેના હાથ છોડી શક્યું નહિ.

(૧૪) દુનિયામાં જેટલા પયગમ્બરો જાહેર થતા હતા, તેઓની પાસે આ દેવ, પોતાના હાથ છોડાવવા જતો હતો, ત્યારે જવાબમાં તેને એજ કહેવામાં આવતું કે જેણે તારા હાથ બાંધ્યા છે તેજ છોડી શકશે.

જ્યારે આખર જમાનામાં, પયગમ્બર નબી મોહમ્મદ મુસ્તફા દુનિયામાં જાહેર થયા ત્યારે તે દેવે તેમની પાસે આવીને અરજ કરી કે યા નબી સાહેબ ! મારા હાથ છોડી આપો ? ત્યારે પયગમ્બર સાહેબે ફરમાવ્યું: કે તારા હાથ કોણે બાંધ્યા છે ?

ત્યારે દેવે બનેલી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે દરેક જમાનાના પયગમ્બર પાસે ગયો પણ તેઓએ આપની પાસે જવા કહ્યું અને કહ્યું કે જેણે આ હાથ બાંધ્યા છે તેજ તેને છોડી શકશે. આ બનાવને હઝારો વર્ષ વીતી ગયા છે અને હવે હું આપની પાસે આવ્યો છું.

આ સાંભળી નબી સાહેબે ફરમાવ્યું કે જેણે તારા હાથ બાંધ્યા છે તેને જોવાથી તું ઓળખીશ ? ત્યારે તે દેવે જવાબમાં ‘હા’ કહી અને તેના હાથ બાંધનારની સૂરતનું વર્ણન કહી સંભળાવ્યું.

ત્યારે પયગમ્બર સાહેબે મૌલા મુર્તઝાઅલીને બોલાવી લાવવા ફરમાવ્યું.

મૌલા મુર્તઝાઅલી તે સમયે નવ વર્ષની ઉંમરના હતા. તેઓ ગુલામના ખંભા ઉપર બેસીને પધાર્યા. મૌલા મુર્તઝાઅલીને જોઈ તે દેવ ધ્રુજવા લાગ્યો અને કહ્યું કે આ તેજ બાળક છે કે જેણે મારા હાથ બાંધ્યા હતા. પછી પયગમ્બર સાહેબે મૌલા મુર્તઝાઅલીને ફરમાવ્યું કે આ દેવના હાથ છોડી નાખો અને મુર્તઝાઅલીએ તે દેવના હાથ છોડી નાંખ્યાં.

(૧૫) આ બનાવથી દેવને ઈમાન આવ્યું અને તે મુસલમાન થઇ મુર્તઝાઅલીનો મુરીદ થયો.

તમે જુઓ કે આવો કાફર જેવો દેવ મુર્તઝાઅલીની કમાલીયત જોઇ તેના ઉપર ઈમાન લાવી મુસલમાન થયો.

કરબલામાં બધી જાતના માણસો હતા, તેમાં કેટલાકો ઈમામ હુસેનને ઈમામ કહેતા હતા.

તેના વિષે મૌલાના હાઝર ઈમામે એક બેત કહી સંભળાવી, જેની મતલબ એ હતી કે : “ઈમામ ! ઈમામ કહેતા હતા પણ પોતાના ઈમામને શહીદ કર્યા.”

શીમર પણ ખુદાને યાદ કરતો હતો અને કહેતો હતો કે, હું તમારો બંદો છું, છતાં તેણે પોતાના મૌલાને શહીદ કર્યા.

તે શીમર ન ઓળખ્યો કે ઈમામ હુસેન એજ મુર્તઝાઅલી છે. દુનિયાની લાલચ અને મતલબ ખાતર ભુલી ગયો. આજ પણ, જે હકીકતીએ દુનિયાથી દિલ નથી બાંધ્યું તે ઓળખશે અને તેનું દિલ રોશન થશે. જેને દુનિયાની તલબ છે તે ઓળખશે નહિ.

નમરૂદ, જેમ પોતાને ખુદા કહેવડાવતો હતો. એવો કાંઇ શીમર નહિ હતો. એતો કહેતો હતો કે, હું તો ખુદાનો બંદો છું, અને ખુદાની ઈબાદત બંદગી પણ કરતો હતો છતાં, હ. ઈમામ હુશેનને શહીદ કર્યા,

(૧૬) નમરૂદ આખી રાત ઈબાદત કરતો હતો છતાં, દિવસના પોતાને ખુદા કહેવડાવતો હતો અને પયગમ્બર સામે લડતો હતો. તેથી તેની ઈબાદત અને નમાઝ શું કામ આવી ? કારણ કે તે પયગમ્બરને ઓળખતો નહિ હતો.

જેને ઈમામની શનાખત છે; હાઝર ઈમામને ઓળખે છે, તેની ઈબાદત કબુલ થશે.

પયગમ્બર અને હાઝર ઈમામને નહિ ઓળખે તેની નમાઝ કામ નહિ આવે.

આજે પણ જેઓ નમાઝ પડે છે અને પયગમ્બર અને હાઝર ઈમામને નથી ઓળખતા, તેઓની નમાઝ કબુલ થાતી નથી.

હાઝર ઈમામને ઓળખીને ઈબાદત કરે તેનીજ ઈબાદત કબુલ થાય અને કામ આવે અને સઘળું સારું થાય. ખાનાવાદાન.

(૧૭) હ. મુસા હતા તે મીમ્બર ઉપર બેસતા હતા અને વાયેઝ કરતા હતા. ઉમ્મત સિવાય બીજા પણ ઘણા લોકો ભેળા થતા હતા. સિત્તેર હજાર તો ફક્ત પયગમ્બરઝાદા, યાને અસલ જે પયગમ્બર થઇ ગયા તેના ફરજંદો ત્યાં સાંભળવા તથા તાલીમ લેવા માટે ભેળા થતા હતા. તેઓ સાંભળતા હતા અને તાલીમ પણ લેતા હતા, યાને શીખતા હતા.

હ. મુસા પોતાના મનમાં ઘણી મગરૂરી કરતા હતા અને ખુશી થતા હતા, જે કેટલા બધા માણસો મારા પાસે સાંભળવા માટે આવે છે ? તેઓ મનમાં મગરૂર થતા હતા.

હ. મુસા જે કિતાબો પડતા હતા અને તેમની પાસે જે કિતાબો હતી, તેના ચાલીશ ઊંટો ભરાતા હતા. હ. મુસા પોતે મગરૂર થતા હતા અને પયગમ્બરઝાદાઓને ફરમાવતા હતા કે જુઓ ! ખુદાવંદતઆલાએ મને કેટલી મોટાઇ આપી છે ! ખુદા મારા સાથે વાતો કરે છે ! હ. મુસા એમ નહિ કહેતા હતા કે જીબ્રાઈલ મને આવીને કહે છે. હ. મુસા એમ કહેતા હતા કે ખુદાવંદતઆલા પોતે, મારા સાથે મોઢાથી વાતો કરે છે. આવી રીતે મુસા પયગમ્બર ગર્વ લેતા હતા.

એક દિવસ હ. મુસા વાયેઝ કરતા હતા ત્યારે, એક શખ્સે હ. મુસાને પૂછ્યું કે, એવો કોઇ શખ્સ છે જે તમારાથી વધુ હોય ? યાને ઈલ્મ વધારે જાણતો હોય ?

હ. મુસાએ ફરમાવ્યું કે મને ખબર નથી. હું નથી જાણતો કે મારાથી કોઇ વધું હોય, તેજ વખતે જીબ્રાઈલ નાઝીલ થયા અને કહ્યું કે અય મુસા ! તમે જાઓ અને તે શખ્સ પાસે ઈલ્મ શીખો, એવો તમારા માટે ખુદાનો હુકમ છે,

હ. મુસાએ કહ્યું કે ક્યો શખ્સ ? તેને હું ઓળખતો નથી, ત્યારે જીબ્રાઈલે કહ્યું કે, જેટલું ઈલ્મ દુનિયામાં છે તે તમે તે શખ્સ પાસે શીખવા માટે જાઓ. આંગળીથી નિશાની બતાવીને કહ્યું કે, તમે ત્યાં જાઓ. તેની પાસેથી ઈલ્મ શીખો, એવો તમારા માટે ખુદાનો હુકમ છે.

હ . મુસાએ કહ્યું કે તે શખ્સને હું ઓળખતો નથી. હું ગોતવા ક્યાં જાઉં ? જીબ્રાઈલે કહ્યું કે તમે ત્યાં જઇને જોશો તો તે ત્યાં છે, અગર તમે ગોતશો તો તમને મળશે.

(૧૮) હ. મુસા પોતાના જાનશીન યુશાને લઇને ચાલ્યા અને હ. હારૂનને તખ્ત ઉપર બેસાડયા. તે વખતે જીબ્રાઈલે આવીને કહ્યું કે, અય મુસા ! તમને ખુદાનો હુકમ છે કે સાથે એક સુક્કી માછલી લઇ જાઓ. તમને તેનાથી હ. ખિઝર મળશે, હ. ખિઝરને તમે યાદ કરશો તો તમને મળશે અને તમને શીખવશે.

આ માછલી જ્યાં જીવતી થાય, ત્યાં તે શખ્સને ગોતજો અને જોજો.

હ. મુસાએ પોતાની ઉમ્મતને કહ્યું કે, મને ખુદાનો હુકમ છે કે, ‘તું ઇલ્મ શીખવાને માટે જા.’ જેથી હું ઈલ્મ શીખવાને માટે જાઉં છું અને હ. હારૂનને તખ્ત ઉપર બેસાડું છું.

હ. મુસા, યુશાને સાથે લઇ એક નદી પાસે આવ્યા, તે ઠેકાણે હ. મુસાને કુદરતી હાજત થવાથી માછલીને ત્યાં મુકી અને હ. યુશાને ત્યાં જ બેસાડી હાજત માટે ચાલ્યા. હ. મુસા કુદરતી હાજત માટે હમેશાં ઘણા છેટે જતા હતા, કારણ કે તેમને કોઇ જુએ નહિ.

પાછળથી, પાણીની વાસથી માછલી જીવતી થઇ અને પાણીમાં ચાલી ગઇ. હ. મુસા જ્યારે આવ્યા ત્યારે માછલીને ત્યાં ન જોતાં, હ. યુશાને પૂછ્યું કે માછલી ક્યાં છે ? ત્યારે હ. યુશાએ માછલીનો જે બનાવ બન્યો હતો તે કહી સંભળાવ્યો અને કહ્યું કે, તે પાણીમાં ચાલી ગઇ.

હ. મુસાએ કહ્યું કે એમ કેમ બને ? એમ કહીને માછલીને જોવા માટે પાણીમાં ચાલ્યા અને માછલીને પાણીમાં ચાલી જતી જોઇ. હ. મુસા તેને પકડવા માટે તેની પાછળ ચાલ્યા ત્યારે પાણી તેમને ખેંચીને નીચે લઇ ગયું. જ્યારે પાણીની નીચે જમીનઉપર પહોંચ્યા ત્યારે હ. મુસાએ નજર કરી તો હ. ખિઝરને બંદગીમાં મશગુલ થઇ બેઠેલા જોયા. હ. મુસા ત્યાં જઇને ઊભા રહ્યાં.

જ્યારે બંદગીમાંથી હ. ખિઝર ફારેગ થયા ત્યારે હ. મુસાએ સલામ કરી અને હ. ખિઝરે સલામનો જવાબ આપી પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો ? ત્યારે હ. મુસાએ કહ્યું કે, હું ઈલ્મ શીખવા માટે આવ્યો છું.

હ. ખિઝરે કહ્યું કે મારૂં ઈલ્મ શીખવાની તમારામાં તાકાત નથી, કે તે તમે શીખી શકો; કારણ કે તમારામાં એટલી સબુરી નથી અને તમે સબુરી કરી શકશો નહિ.

હ. મુસાએ કહ્યું કે મને તમારી પાસે ઈલ્મ શીખવા માટે ખુદાએ મોકલ્યો છે અને હું ખુદાના હુકમથી આવ્યો છું, તો ખુદા મને સબુરી આપશે.

(૧૯) હ. ખિઝર અને હ. મુસા બન્ને જણાં ચાલતાં ચાલતાં દરિયા કિનારે પહોંચ્યા. ત્યાં એક કિશ્તી યાને વહાણ હતું તેમાં બેઠા. જ્યારે કિનારા નજીક આવ્યા ત્યારે હ. ખિઝર શું કરે છે તે હ. મુસા જોવા લાગ્યા. આ વખતે હ. ખિઝર એક વહાણનું પાટીયું કાઢતા હતા અને આખરે પાટીયું કાઢી નાખ્યું. આથી વહાણમાં પાણી ભરાવા લાગ્યું,

ત્યારે હ. મુસાએ હ. ખિઝરને કહ્યું કે આ શું કર્યું ? હમણાં પાણી ભરાઇ જશે અને આપણે ડૂબી જશું. હ. ખિઝરે કહ્યું કે અય મુસા ! તમે મને કહ્યું હતું કે હું સબુરી કરીશ, તે તમે ભુલી ગયા? હ. મુસાએ કહ્યું કે, હવે પછી હું નહિ બોલું હવે હું સબુરી કરીશ.

હ. ખિઝર અને હ. મુસા બન્ને જણાં કિનારે ઉતરી આગળ ચાલ્યા, ત્યાં એક છોકરો ઊભો હતો. હ. ખિઝરે તલવાર કાઢીને તે છોકરાને મારી નાખ્યો.

ત્યારે હ. મુસાએ કહ્યું અય ખિઝર ! આ બેગુનાહ છોકરાને શા માટે મારી નાખ્યો ? ત્યારે હ. ખિઝરે કહ્યું કે ફરી તમે ભુલી ગયા ?

ત્યારે હ. મુસાએ આજીજી કરી કહ્યું કે હવે નહિ પુછીશ. જો હવે પછી હું પુછું તો તમે મને ઈલ્મ નહિ શીખવજો.

(૨૦) ત્યાંથી બન્ને જણાં ચાલ્યા અને એક શહેરમાં પહોંચ્યા, અને ભુખ લાગી હોવાથી જમવા માટે ગયા, પણ શહેરમાં કોઇએ તેઓને ખાવાનું આપ્યું નહિ એટલું જ નહિ પણ બન્નેને શહેરમાંથી બહાર કાઢી મુકયા.

ત્યાર બાદ મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:

આ વાત સાચી છે કારણ કે આ વાત કુરઆનની છે. રસુલિલ્લાહે ફરમાવ્યું છે કે એ શહેર ઘણું ખરાબ છે કારણ કે કોઇ પણ મહેમાન આવે તો તેને ખાવાનું ન આપતાં શહેરની બહાર કાઢી મુકે છે, જેમ હ. મુસા અને હ. ખિઝરને કાઢી મુકયા.

પછી હ. ખિઝરે, હ. મુસાને કહ્યું કે અહિં આપણને કોઇ ખાવાનું આપશે નહિ, માટે ચાલો આપણે મજુરી કરી, પૈસા કમાવી ખાવાનું લઇએ. ત્યાંથી તેઓ એક શહેરની પાસે પહોંચ્યા, ત્યાં એક ઘરની ભીંત પડી ગઇ હતી. તે ભીંત હ. ખિઝર ઊભી કરવા લાગ્યા અને ભીંત સરખી કરી.

હ. મુસાએ કહ્યું આ ભીંત કોની છે ? આપણે તેની મજુરી પણ ઠેરાવી નથી, તો તેની મજુરી આપણને કોણ આપશે ? પહેલાં, તેના માલિક પાસે મજુરી ઠરાવી ત્યાર બાદ મજુરી કરી હતે તો ઠીક થતે.

હ. ખિઝરે કહ્યું કે, તમે તમારા મકાને જાઓ કારણ કે આપણો વાયદો હવે ખલાસ થયો છે.

તમે કહ્યું હતું કે હું હવે સબુરી ન કરું તો તમે મને નહિ શીખવજો. તે શરત પ્રમાણે તમારાથી સબુરી ન થઇ અને આપણો વાયદો ખલાસ થયો.

હ. ખિઝરે, હ. મુસાને કહ્યું કે તમોએ જે ત્રણ બાબતો જોઇ તેની મતલબ અને ભેદ હું તમને સમજાવું છું અને હ. મુસા સાંભળવા બેઠા.

હ. ખિઝર કહેવા લાગ્યા કે મેં જે કિશ્તી ભાંગી નાખી, તેનો સબબ એ હતો કે તે કિશ્તી એક ગરીબ માણસની હતી અને અહિંનો બાદશાહ ઝાલીમ હોવાથી, જેની કિશ્તી સારી જોવામાં આવતી તેને વેઠમાં લઇ જતો હતો. અગર હું તેની કિશ્તી ન ભાંગતે તો, તે કિશ્તી બાદશાહ લઇ જતે અને તે ગરીબ માણસ ભુખે મરી જતે.

(૨૧) બીજી બાબતનો ખુલાસો કરતાં હ. ખિઝરે કહ્યું કે જે છોકરાને મેં મારી નાખ્યો, તેનો સબબ એ હતો કે તે છોકરાના મા બાપ સારા છે અને આ છોકરો કાફર હતો. જો તે મોટો થયો હોત, તો પોતાના માબાપનું નામ ડુબાવ્યું હોત અને પોતાના માબાપને ઘણું જ દુ:ખ આપ્યું હોત, જેથી તેના માબાપને ઘણું જ દુઃખ ભોગવવું પડતે, બલ્કે આખા શહેરને દુ:ખ આપતે. તેના માટે તેને મેં મારી નાખ્યો, કે જેથી બધાને દુ:ખ ન થાય.

ત્રીજી બાબતનો ખુલાસો કરતાં હ. ખિઝરે કહ્યું કે જે ભીંત મેં ઊભી કરી તે યતિમની હતી. તે યતિમ પાસે એટલો પૈસો નથી કે ભીંતની મરામત કરી ઊભી કરી શકે....વળી તે યતિમ હોવાથી તેની ભીંત મેં ઊભી કરી હતી.

(૨૨) હ. ખિઝરે, હ.મુસાને કહ્યું કે, અય મુસા ! તમે મારા કરતાં મોટા છો, પણ તમે મગરૂરી કરી; તેથી ખુદાવંદ આલમીને તમને મારી પાસે મોકલ્યા. બાકી તમે મોટા છો અને તમારૂં ઈલ્મ પણ વધારે છે અને તમે મુરસલ છો,

પણ તમે તકબ્બુરી કરી કે મારી પાસે ઈલ્મ ઘણું છે, એમ સમજી તમે ખુશી થતા હતા. ખુદાવંદતઆલાના કેટલાક બંદા છે, પણ તેઓની પાસે ઈલ્મ નથી અને મારી પાસે ઈલ્મ ઘણું છે એમ સમજી તમે તમારા મનમાં ખુશી રહેતા હતા અને તે માટે તમને અહિં આવવું પડયું.

(૨૩) મૌલાના હાઝર ઈમામે ફરમાવ્યું:

જે વખતે હ. ખિઝર, હ. મુસા સાથે વાતો કરતા હતા તે વખતે એક પક્ષી આવ્યું અને દરિયામાંથી ચાંચ ભરી ચાલ્યું ગયું. તે સમયે હ. મુસાને હ. ખિઝરે કહ્યું કે, તમોએ તે પક્ષીને દરિયામાંથી ચાંચ ભરી ચાલ્યા જતાં જોયું ? હવે જુઓ, આ દરિયામાંથી કાંઇ ઓછું થયું ?

આ દરિયો છે તે મુર્તઝાઅલી છે; તેમાંથી પક્ષી ચાંચ ભરી ગયું તેથી શું આ દરિયો ઓછો થઇ ગયો ? જુઓ, આમાંથી કંઇ ઘટયું પણ નથી અને કાંઇ ખલાસ પણ થયું નથી.

તેવી રીતે મૌલા મુર્તઝાઅલી છે તે ઈલ્મનો દરિયા છે, તેમાંથી જે કોઇ ઈલ્મ મેળવે છે તો તેમાંથી કાંઇ પણ ખલાસ થતું નથી.

યા અલી મદદ