અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૯
રેકોર્ડીંગ - ૯
સિકંદર ઝુલકરનૈન
(પેજ-૧૩૩) સિકંદર ઝુલકરનૈન માટે ભીન્નભીન્ન મતો મળી આવે છે. કેટલાક લોકો તેવણ પયગમ્બર હોવાનું અને કેટલાક નહીં હોવાનું માને છે. અમુક ગ્રંથકારો જણાવે છે કે, પ્રથમ તેઓ બાદશાહ હતા અને તે પછી પયગમ્બર થયા હતા, આથી જુદો મત ધરાવનારા એવું માને છે કે, એવણ પહેલા પયગમ્બર થયા હતા જે બાદ તેમને બાદશાહી મળી હતી.
સીકંદરને–ઈસકંદર એટલા માટે સંબોધવામાં આવે છે કે, તેમનો જન્મ ઈસકંદરીયા શહેરમાં થયો હતો.
કેટલાકે કર-નૈનનો મતલબ એે કરે છે કે, એક ઝમાના સુધી તેમણે પૂર્વથી પશ્ચિમ સુધી બાદશાહી કરી હતી. બીજા ઉલ્લેખ પ્રમાણે તેઓએ પૃથ્વીના બન્ને છેડાઓની આખરી દીશાઓ સુધી સવારીઓ કરી હતી. અથવા તેમના મુગટ ઉપર બે શીંગડા હતા, અથવા તેમના લમણા ઉપર શીંગડા જેવા વાળના બે ગુચ્છા હતા તે સીવાય કેટલાકો ૩૦ વર્ષ અથવા ૮૦ કીંવા ૧૦૦ કે ૧૨૦ વર્ષના ઝમાના તરીકે ઓળખાવે છે.
અન્ય કેટલાક મતો પ્રમાણે ઝુલકરનૈનનો અર્થ બે શીંગડાવાળો ૫ણ કર્યો છે. ઘણા તફસીર લખનારાઓનો એેવો મત છે કે, ઈસકંદર કે જે ઈરાન અને યુનાનના રાજા થઈ ગયા છે તેજ ઈસંકદર રૂમી પોતે જ હતા.
હ. મુહમ્મદ મુસ્તફ (૨. સ. અ.)ને અબુજહલે જુના કિસ્સામાંથી પુછેલો આ એક સવાલ છે. અને એજ કારણસર કુરઆને શરીફ સુરતુલ કહફ આયાત ૮૩-૮૪ માં ખુદાતઆલાએ ફરમાવ્યું છે કેઃ “અને તેઓ તને ઝુલકરનૈન વિષે પુછે છે. કહે કે હું તમારી પાસે તેને વિષે કંઈ વર્ણન જલદી વાંચીશ ખરેખર અમે તેને પૃથ્વીમાં સત્તા આપી અને અમે તેને દરેક ચીજનું સબબ (સાધન) આપ્યું.”
(૧૩૪) “સબબ”નો અર્થ અહીં સાધનો થાય છે કે જેના વડે મનુષ્ય પોતાની ધારેલી ધારણાઓ પુરી કરી શકે. એમ ૫ણ કહેવામાં આવ્યું છે કે સીંકદરને વાદળા ઉપર સત્તા ચલાવવાની શક્તિ બક્ષવામાં આવી હતી, જેને લીધે તેઓ જ્યાં ઈચ્છતા ત્યાં જઈ શક્તા હતા. પ્રથમ તેમણે રૂમથી નીકળી મીસર પહોંચી ત્યાં યુધ્ધ કર્યું, ત્યારપછી હબશ જીતી લીધું; અને ત્યારબાદ પશ્ચિમ દીશા તરફ રવાના થયા હતા.
અન્ય અનેક રીવાયત પ્રમાણે, સીકંદર હબશથી રવાના થઈ પશ્ચિમ તરફના દેશમાં આવી પહેંચ્યા અને ખુદાતઆલાના હુકમ પ્રમાણે તેમણે ત્યાંના લોકોને સત્ય માર્ગની હીદાયત કરી, જેને મોટા ભાગના લોકો માન્ય રાખી ઈમાનદાર બન્યા. જેઓ ઈમાનદાર બન્યા તેમને સિકંદરે નવાજ્યા અને જેએાએ નસીહત નહી માની તેમનો તેમણે નાશ કર્યો. ત્યારબાદ તેજ દિશા તરફ સિકંદર પોતાના લશ્કર સાથે આગળ વધ્યા અને જે હદ સૂર્યાસ્ત થવાની ગણાતી હતી, ત્યાં પહોંચતા તેમની નજરે એક શહેર પડ્યું. જે ચારે બાજુ દીવાલોની વચ્ચોવચ્ચ હતું. તે શહેરમાં દાખલ થવા તેમણે શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા પણ તેમાં તેઓ ફાવ્યા નહીં, છેવટે શહેરની અંદર પેસવા માટે તેમણે દિવાલોની ઉપર માણસો ચઢાવ્યા છતાં તેમાં પણ તેઓ ફાવ્યા નહી. દીવાલ પાછળ જે કોઈ જતું તેમાંથી કેાઈ ૫ણ પાછું ફરતું નહીં. આથી તેમણે પોતાની હદ ત્યાં સુધીની નક્કી કરી અને પાછા પૂર્વ તરફ જવા બીજા સાધનોની ગોઠવણ કરી અને તુઝની કોમને આગળ રવાના કરી, નાસેકની કેામને પોતાની સાથે લઈ દક્ષિણ દીશા તરફ જઈ પહોંચ્યા અને ત્યાં હાવીલની કોમને વશ કરી. જે બાદ પૂર્વ તરફ આવી પહોંચ્યા.
અહીં આવ્યા પછી એક મોટો ટાપુ તેમની દ્રષ્ટીએ ૫ડ્યો. કીશ્તી કે વહાણની સહાય વગર ત્યાં જવું મુશ્કીલ હતું. શહેરમાં મોટા પ્રમાણમાં બાહોશ હકીમો વસતા હતા. તેઓને ઝુલકરનૈનના આવવાની જાણ થતા સઘળા વહાણોને તે લોકોએ સંતાડી દીધા, કે જેથી તે ટાપુમાં આવી શકે નહીં.
સિકંદરને વહાણના સાધન વગર કેમ પહોંચવું તે વિચાર થઈ ૫ડ્યો, છતાં ૫ણ હિકમત કરી લશ્કર સાથે તે ટાપુમાં જઈ પહોંચ્યા.
(૧૩૪/૧૩૫) ટાપુના લોકો સિકંદરના લોભ લાલસાથી અજાણ નહોતા. તેઓ જાણતા હતા કે તેને ઝર-ઝવેરાતની અપાર ભુખ છે અને તેને લીધે તેણે કેટલાક મુલ્કો ઉપર ચઢાઈ કરી તેમને હરાવી અનેક મુલ્કો હસ્તગત કર્યા છે. ટાપુના લોકો સિકંદરની તાકાતથી ૫ણ પુર્ણ પરિચિત હતા, તેથી કળ સાથે કામ લેવાનું નક્કી કરી, તેમને દઆવત આપવાનું સહુએ સાથે મળી નક્કી કર્યું, કારણ કે આવેલા પરોણાનું સ્વાગત કરવું એ ગામ લોકોની ફરજ હોઈ, ગામ લોકોએ મળી સિકંદરને ખાણાની દઆવત આપી, જેને તેમણે કબુલ રાખી. પછી જ્યારે બપોરના ખણાનો સમય થયો ત્યારે એક માટીના થાળામાં ટાપુ નીવાસીઓએ ઝવેરાત ગોઠવી તેની ઉપર કપડું ઢાંકી તેની સમક્ષ મુક્યું.
(૧૩૫) સિકંદરે ખાણું લેવા માટે થાળ ઉપરનું કપડું ખસેડતાં જ તેમની દ્રષ્ટીએ ખોરાકને બદલે ઝવેરાત નજરે પડ્યું. આપે ફરમાવ્યું કે આ અમારો ખોરાક નથી.
ગામ લોકોએ અરજ કરતાં કહ્યું કે, આપ નામવર એટલા જ માટે તો અહીં સુધી તકલીફ ઉઠાવી આવ્યા છો, વળી તમારો મકસદ પણ એજ મેળવવાનો છે ? આ સિવાય અમારા પાસે તમે બીજી શી આશા રાખો છો ?
આ વાતચીત ઉપરથી સિકંદર ગામ લોકોની દાનાઈ સમજી જઈ ત્યાંથી હિન્દ તરફ આવ્યા, અને હિન્દથી પૂર્વ દીશા ભણી કે જ્યાં સુર્યોદય થાય છે તે મુલ્કો તરફ જઈ પહોંચ્યા.
અહીં આવ્યા પછી તેમણે લોકોને ખુલ્લા મેદાનમાં વસવાટ કરતાં જોયા. કારણકે એ મુલ્કની જમીન ઘણી જ પોચી અને પોકળ હોવાથી ઘર બાંધી શકતા નહોતા. ખેતી ૫ણ થતી નહોતી. જ્યાં જમીનની આવી દશા હોય ત્યાં રૂ જેવા પાકની આશા કેમ રખાય ? એટલે એ મુલ્કના સ્ત્રી-પુરૂષો જનાવર જેવી નગ્ન હાલતમાં રહેતા હતા. રાત્રે જ્યારે સખ્ત ટાઢ અને ઠંડો પવન સુસવાટા મારતો ત્યારે તેઓ ઠંડીથી હેરાન થતા અને દિવસે જ્યારે સૂર્ય નીકળતો ત્યારે તાપથી શાંતિ મેળવતા. સિકંદરે તેમની આવી દશા જોઈ ત્યાંથી તેજ દીશામાં આગળ વધી દીવાલની આડ સમા બે મોટા પર્વત પાસે જઈ પહોંચ્યા. અહીં હકીમો અને જાહેદ તરીકે ઓળખાતા ઘણા લોકો તેમની નજરે પડ્યા. તે લોકોને સિકંદરે નસીહત કરી અને ખુદાતઆલા તરફની હીદાયત આપી ઈમાનદાર બનાવ્યા.
(૧૩૫/૧૩૬) “કસસુલ-અંબિયા”ના જણાવ્યા મુજબ એ પહાડોની પાછળ પુષ્કળ લોકો વસી રહ્યા હતા. જેઓ યાજુજ માજુજની કોમ તરીકે ઓળખાતા હતા. લખે છે કે યાજુજ માજુજ એ બન્ને ભાઈઓ યાસીફ બીન નુહ (અ.)ની ઔલાદમાંથી હતા, કે જેઓ હ. નુહ (અ)ના સમયમા થયેલા મહાન તુફાન પછી જ ત્યાં રહી ગયા હતા. અને ત્યાંજ એમની ઔલાદ વધવા પામી હતી. તેમની ભાષા બીજું કોઈ સમજી શકતું નહોતું. તે કોમ ઘણીજ બળવાન તેમજ પ્રચંડ દેહધારી હતી. ઘણી વખત તે લોકો પહાડોમાંથી બહાર નીકળી હકીમો અને જાહેદો ઉપર જુલ્મ ગુજારવા ચુક્તા નહી. તેઓ જેને જોતા તેને મારી નાખતા. ખેતીની પેદાશ લુંટી લેતાં, તેમજ જાનવરોને મારીને ખાઈ જતા. તેમનો સામનો કે મુકાબલો કોઈ કરી શકતું નહીં.
(૧૩૬) આથી હકીમો અને જાહેદોએ પોતા ઉપર ગુજરતી મુશીબતો સિકંદર સમક્ષ વર્ણવતા જણાવ્યું કે અમે યાજુજ માજુજની કોમના જુલમથી પરેશાન બની ગયા છીએ અને અહીં વસવાટ કરવાનું અમારા માટે અસહ્ય થઈ પડ્યું છે. તે લોકો આ જમીન ઉપર માત્ર ફસાદ સિવાય બીજું કંઈ જાણતા નથી; માટે આપ અમારી અને તેઓ વચ્ચે એક એવી ઉંચી અને મજબુત દીવાલ બનાવી આપો કે જેને તેઓ એાળંગી કે તોડી શકે નહીં. અમારા ઉપર આ૫ આટલી કૃપા કરશો તે અમે આપના સદાના ઋણુ બની રહેશું.
આ સાંભળી ઝુલકરનૈને તેમને કહ્યું કે અલબત મુશીબતમાં મદદ કરવાવાળો તે માલીક મહાન છે કે જેણે મને શક્તિશાળી બનાવ્યો છે. છતાં તમે સઘળા મળી હીંમતથી મદદ કરો તો હું તે માલિકની સહાય વડે તમારી અને તેઓની વચ્ચોવચ્ય દીવાલ ઉભી કરાવી આપું.
આ પ્રમાણેના વિચારને અમલમાં લાવવા, બન્ને કોમોના વસવાટ વચ્ચેની જગ્યા લોખંડના મોટા ભારે તખ્તાઓ ૭૨ માઈલની લંબાઈની હદ સુધી ઉભા કરી દેવામાં આવ્યા. તેની ૫હોળાઈ ૬ માઈલ જેટલી બનાવવામાં આવી, અને ઉંચાઈ ૭૦ ગજ ઉંચી કરી દેવામાં આવી, વળી તેના ઉપર કોઈથી ચડી શકાય નહીં તે માટે તાંબાને પીગળાવી તેના રસથી તેને અખંડ મજબુત અને લપસણી કરી દેવામાં આવી. આ દિવાલને “સદદે–સિકંદરી” અથવા અન્ય કેટલાક મત પ્રમાણે “હદે-સિકંદરી” ૫ણ કહેવામાં આવે છે.
(૧૩૬/૧૩૭) હ. અલી (અ.)થી એક રીવાયત છે કે, યાજુજ માજુજ “સદદે સિકંદરી” તોડવા હંમેશાં પ્રયત્ન કરે છે ૫ણ તેઓ ખુદાના હુકમ વગર તેને તોડી શકશે નહીં. તે કોમ સવારથી સાંજ સુધી દીવાલને ચાટે છે અને ચાટી ચાટીને તેને ઈંડા ઉપરના પડ જેવી પાતળી બનાવી દે છે. પણ દીવાલ થોડીક બાકી રહી જાય છે ત્યારે તેઓ 'એમ કહે છે કે આવતી કાલે તેને તોડી બહાર નીકળી જઈશું. તેઓ “ઈન્શાઅલ્લાહ' એ શબ્દ ઝબાનથી બોલતા નહીં હોવાથી, દિવાલને તોડી શકતા નથી. પણ જ્યારે ક્યામતનો દિવસ નજીક આવશે ત્યારે તે કોમમાં એક છોકરો પેદા થશે જે ઈમાનદાર અને સતપંથી હશે અને જ્યારે તે મોટો થશે ત્યારે તેઓ સઘળા તેની સાથે શામીલ થઈ “બીસ્મીલ્લાહ” બોલી દીવાલને ચાટવાની શરૂઆત કરશે, અને કહેશે કે, “ઈન્શાઅલ્લાહ” આવતી કાલે બાકીની દીવાલ તોડી નાખશું. તે વખતે ખુદાના હુકમથી “સદદે સીકંદરી" ટુટી જશે અને તે કેામ બહાર આવી આખા જગત ઉપર પથરાઈ જશે, અને જ્યારે “અસરાફિલ” સુર ફુંકશે ત્યારે તેના પ્રચંડ અવાજથી આખું જગત મરણને શરણ થઈ જશે.
(૧૩૭) બાદ દીવાલનું કાર્ય પૂર્ણ કરી સીકંદરે પૂર્વ તરફ આગળ પ્રયાણ કરતા પહેલા સાથે લીધેલા ઉલમા તથા હકીમોને પુછ્યું કે શું ઈન્સાન લા-મૌત યાને અમર ૫ણ બની શકે છે ?
એના જવાબમાં એક હકીમે કહ્યું કે જહાંપનાહ ! ખુદાતઆલાએ કોહે કાફની અંદર એક અંધારી ઘોર ગુફામાં “આબે હયાત”નો ચશ્મો પેદા કર્યો છે જેનું પાણી દૂધથી વધારે સફેદ, મધથી અતીશય મીઠું અને અંબર કસ્તુંરીથી વધારે સુગંધી છે. તે પાણી જે પીશે તે ક્યામત સુધી અમર જીવન જીવી શકશે.
આ હકીકત સાંભળી સીકંદરને “આબે હયાત” પીવાનો શોખ થઈ આવ્યો, એટલે તેમણે ઉલમા, હકીમો અને લાંબો પંથ કાપવા ચુનંદા અરબી ઘોડાઓ તેમજ ખાવા માટેની પુષ્કળ સામગ્રી સાથે લેવા હુકમ કર્યો તેમજ પોતા પાસેનો એક 'લાલ' હ. ખીઝર (અ.)ને આપ્યો. એ લાલમાં એવી ખુબી હતી કે તેના ચમકારાથી ચારે બાજું અજવાળું પથરાઈ જતું અને તારીકી ભર્યા કાળા અંધારામાં ૫ણ રોશનાઈ પ્રગટી નીકળતી. આવી ભરપુર સાધન સામગ્રી સહિત સીકંદર રસાલા સાથે “કોહે–કાફ” ભણી રવાના થયા.
(૧૩૭/૧૩૮) લાંબી મંજલ કાપી તેઓ સઘળા “કોહે-કાફ” આવી પહોંચ્યા. અને સૌએ સાથે મળી ગુફાની અંદર પ્રવેશ કર્યો; પણ માર્ગ ભુલી જવાથી એક વર્ષ પર્યંત તેઓ તેમાં ભટકતા રહ્યા. કાળ સંજોગે હ. ખીઝર (અ.) તેમનાથી છુટા પડી ગયા અને ઘોર અંધકારમાં જઈ ચઢયા. માર્ગની સુજ નહી પડવાથી તેમણે સિકંદરે આપેલા લાલનો ઉપયોગ કર્યો કે ત્યાં તેમની દ્રષ્ટીએ “આબે હયાત”નો ચશ્મો નજરે પડ્યો. હ. ખીઝર (અ.)એ તેમાંથી પાણી પીધું જેથી તેમણે અમર ૫દ પ્રાપ્ત કર્યું અને પછી ત્યાંથી નીકળી તેઓ રસાલા સાથે આવી ભળ્યા.
(૧૩૮) સીકંદર પણ “આબે હયાત”ની શોધ કરતા પોતાના રસાલાથી વિખુટા પડી દુર નીકળી ગયા હતા, તે દરમ્યાન તેમણે અનેક તિલસ્મી દેખાવો અને મુરઘ નામના પક્ષીઓને જોયા.
રિવાયત છે કે, તેમાંથી એક મુરઘાએ સીકંદરને કહ્યું : તમે સામેના “બાલાખાના” તરફ જાઓ અને જુઓ કે ત્યાં શું છે ? સીકંદર તે તરફ ગયા, તો તેમણે હ. અશરાફિલ ફિરશ્તાને મોઢામાં રણશીંગડું પકડી એક પગે ઉભેલા જોયા.
સિકંદરને પોતાની પાસે આવેલા જોઈ હ. અશરાફીલે આપને પુછ્યું કે ઝુલકરનૈન અહીં અંધકારમાં શા માટે આવ્યા છો ?
સીકંદરે જવાબ આપ્યો કે “આબે હયાત” પીવા માટે આવ્યો છું.
તે ઉપરથી હ. અશરાફિલે એક ગૌહર આપીને કહ્યું કે, આ ગૌહર લઈને ચાલ્યા જાઓ. અતિશય લોભ લાલચમાં પડો નહીં. ગૌહર લઈ સિકંદર “આબે હયાત” પીધા વીના રસાલા પાસે જઈ પહોંચ્યા.
ત્યારબાદ તેમનો રસાલો અન્ય એક અંધારી ગુફામાં જઈ ચડ્યો, જ્યાં તેમણે પાર વિનાના લાલ પત્થરો ચમકતા જોયા. લુકમાન કે જે સાથે હતો તેને સીકંદરે પુછ્યું કે આ શું ચીજ છે ? જવાબમાં લુકમાને કહ્યું કે, એ એક જાતના પત્થરો છે તેને જે શખ્સ લેશે તે પસ્તાશે અને નહીં લેશે તે પણ પસ્તાશે.
લુકમાનની એવી હકીકત સાંભળી, કોઈએ તે ચમકતા પત્થરો લીધા અને કોઈએ ન લીધા. પછી જ્યારે રસાલો ગુફાની બહાર પ્રકાશમાં આવ્યો ત્યારે સૌને તે પત્થરો કીંમતી ઝવેરાત જેવા લાગવાથી નહીં લેનારાઓ ઘણાજ પસ્તાવામા પડ્યા અને લેનારાઓ વધુ પ્રમાણમાં ન લેવા માટે પસ્તાવો કરવા લાગ્યા.
તે ઉપરથી સિકંદરે કહ્યું : લુકમાન એ તો કહે કે હ. અશરાફીલે મને ગોહર શા માટે આપ્યો હશે ?
લુકમાને કહ્યું કે, તેનો ભેદ હમણાજ ઉકેલાઈ જશે. આ૫ પોતાના ગોહરને ત્રાજવાના એક પલ્લામાં રાખો, અને સાથીઓએ એકઠા કરેલા સઘળા પત્થરો બીજા પલ્લામાં મુકો અને જુઓ કે ક્યું પલ્લું ભારી થાય છે.
તે પ્રમાણે કરતાં ઝુલકરનૈન વાળા ગોહરનું પલ્લું નમી ગયું. એ ઉપરથી સિકંદરે ફરી પુછ્યું કે, આની મતલબ શું છે ?
(૧૩૯) લુકમાને જવાબમાં કહ્યું કે, હવે સાથીઓના બધા પત્થરો કાઢી તેની જગ્યાએ માત્ર એક મુઠી માટી મુકો. એ પ્રમાણે કરતાં ગૌહર તથા મુઠી માટીનું વજન સમતોલ થઈ ગયું.
આ જોઈ સીકંદરે ફરી લુકમાનને પુછ્યું કે, આનો ભેદ સમજાવો.
લુકમાને જવાબમાં કહ્યું કે, એનો ભેદ એ છે કે અલ્લાહતઆલાએ તમને અખુટ ધન, દૌલત, ઝર, ઝવેરાત અને બાદશાહી બક્ષેલ છે છતાં તેથી તમને સંતોષ નથી. ખરી રીતે આ૫ના માલ મિલ્કતની કીંમત એક મુઠી માટીથી સહેજ ૫ણ વધારે નથી કારણ કે મૃત્યુ સમયે આપનું પેટ ઝર-ઝવેરાતથી નહીં પણ માત્ર માટીથીજ ભરાશે, આપે આ બાબત ભુલવી જોઈએ નહીં.
લુકમાનની આ નસિહતે સીકંદરના મગજમાં સચ્ચોટ અસર કરી અને તેના મનમાં પરિવર્તન થઈ ગયું. જગત અને બાદશાહી તેમને તુચ્છ લાગવા લાગી. તરતજ પોતે રસાલા સહીત ત્યાંથી રવાના થઈ પોતાના મુલ્કમાં આવી પહેંચ્યા અને ત્યારબાદ હંમેશા અલ્લાહની ઈબાદતમાં મશગુલ રહેવા લાગ્યા.
સિકંદરે પોતાની માતાને વસીહત કરી કે મારા મૃત્યુ પછી આત્માની શાંતી અર્થે યતીમ–ગરીબ, મહોતાજ અને કેદીઓને ખવરાવવું, અને દૌલતમાંથી ખુદાના નામ ઉપર ખુબ ખયરાત કરવી.
ત્યારબાદ ટૂંક મુદત જીવી સિકંદર આ ફાની જગતમાંથી વફાત પામ્યા. આથી તેમની માતા કકળી ઉઠી, ગમના સાગરમાં ગરકાવ થઈ ગઈ, પુત્ર વિયોગમાં દિન-રાત રડવા લાગી, જે માતાની વય પરીપકવ હતી, જે અલ્લાહના દરબારમાં જવાના દિવસો ગણી રહી હતી, તે માતાની હયાતીમાંજ તેને લખ્તેજીગર ઝુંટવાઈ ગયેા હતો ૫ણ અલ્લાહના દરબાર સામે, તેની ખુશી અને ઈચ્છા સામે, સબર અને ખામોશ ધારણ કરવા સિવાય બીજું શું થઈ શકે ? છેવટે સબર અખત્યાર કરી સિકંદરની માતાએ પોતાના પુત્રની પાછળ અખુટ ધન, દોલત ખયરાત કરી દીધી.
યા અલી મદદ.
