અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૮
રેકોર્ડીંગ - ૮
હઝરત અય્યુબ અલેહિસ્સલામ
(પેજ-૧૨૬) હ. અય્યુબ પયગમ્બર હ. ઈબ્રાહીમ (અ.)ના ફરઝંદ ઈશના વંશમાંથી પાંચમી પેઢીએ ઉતરી આવ્યા હતા. તેમણે પેલેસ્ટાઈનમાં 'ગલીલી' સરોવરના પૂર્વ કીનારે આવેલા 'ઉઝા' શહેરમાં પોતાનું રહેઠાણ રાખ્યું હતું. ખ્રિસ્તી માન્યતા મુજબ હ. અય્યુબ નબી ઈ. સ. પુર્વે ૧૫૨૦ વર્ષ અગાઉ થઈ ગયા છે. કુરાને શરીફમાં પણ હ. અયુબ નબી વિષે સુરત અન્નીસા, સુરત અલ અનામ, સુરત અલ અંબિયા અને સુરતશ સ્વાદમાં વર્ણન જોવામાં આવે છે. હઝરત ઉપર અનેક કષ્ટો પડવા ઉપરાંત અનેક ખરાબ બિમારી આવી હતી કે જેને તેમણે કુદરતી બક્ષીશ માની સબુરી સાથે સહન કરી હતી, અને દિનપ્રતીદિન અલ્લાહની યાદ અને ઈબાદતમાં ઘણુંજ મશગુલ રહ્યા હતા, એથી આપને “સાબિર” (યાને સબર કરવાવાળા) પયગમ્બર તરીકે પણ સંબોધવામાં આવે છે.
“કસસુલ અંબિયા”ના જણાવ્યા પ્રમાણે હ. અય્યુબ પયગમ્બરને ચાર ઓરતો હતી, જેમાં "બીબી રહીમા” ઘણાજ વફાદાર અને નેક સ્ત્રી હતા. બીજી કેટલીક તવારીખમાં હ. યુસુફ (અ.)ના ફરજંદ “એફરેમ”ની દીકરી “લૈયા” સાથે પણ આપે શાદી કરી હોવાનો ઉલ્લેખ મળી આવે છે. આ સગપણે હ. યુસુફ (અ)ના ફરજંદ “એફરેમ”ના તેઓ જમાઈ થતા હતા.
હ. અય્યુબ (અ.) જ્યાં સુધી બીમારીની વેદનામાં હતા, ત્યાં સુધી નબી હતા અને બીમારીથી મુકત થયા પછી મુરસલીન બન્યા હતા.
હ. અય્યુબ (અ.)ને ખુદાતાલાએ પુષ્કળ માલ-અસબાબ અને અસંખ્ય જાનવરો આપ્યા હતા. બાયબલમાં હ. અય્યુબ (અ.)નું એક પ્રકરણ છે તે ઉપરથી જણાય છે કે, તેમને ચાર પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતી, એ ઝમાનામાં પૂર્વના લોકોમાં તેઓ સૌથી મહાન પુરૂષ હતા.
(૧૨૬/૧૨૭) હ. અય્યુબ (અ.) અઢળક સંપત્તિના માલીક હોવા છતાં, તેઓ હંમેશા અલ્લાહની બંદગીમાં મશગુલ રહેતા હતા. તેમની ઈબાદત તથા ઈલાહી જીકર જોઈને ફીરસ્તાઓ પણ તાજુબ થતા હતા. એક દીવસ ફિરસ્તાઓએ ખુદાવંદ બારીતઆલાની હજુરમાં અરજ કરી કે, ખુદા યા ! અય્યુબને માલ, ધનદૌલત અને ફરજંદો તેમજ ખુબ સુખચેન આપ્યું હોવાથી જ તે તારી બંદગી કરે છે. ખુદાવંદતઆલાએ ફરમાવ્યું કે તેમ નથી, તેની બંદગી એ માટે નથી પણ તેની ઈબાદત મારા ખાતરજ છે; બલકે ફકીરી હાલતમાં પણ તે આનાથીયે વિશેષ બંદગી કરશે.
(૧૨૭) એક રીવાયત છે કે, હ. અય્યુબ (અ.)ને ખુદાતઆલાએ ફરમાવ્યું કે તું મારાથી શું ચાહે છે ? તંદુરસ્તી સાથે સુખભર્યું જીવન કે દુ:ખથી ભરપુર બલામય જીવન ?
હ. અય્યુબ(અ.)એ અરજ કરી કે યા મારા માલીક ! હું તારાથી આરામ અને તંદુરસ્તીના બદલે દુ:ખભરી યાતનાઓ ચાહું છું કે જેથી હું વધુ ને વધુ તારી ઈબાદત કરી શકું.
બસ હઝરતની ઈચ્છા મુજબ તેમના ઉપર બિમારીએ ગલબો કર્યો, અને તે પછી ક્રમશ: તેમના ઉપર આફતો અને બલાઓ આવવાની શરૂઆત થઈ.
સૌથી પ્રથમ તેમના માલ અસબાબ ઉપર મુસીબતો ટુટી પડી. જેથી બકરા, હાથી, ઘોડા, ઉંટો, ગાય, બેલ વિગેરે જાનવરો રોગમાં સપડાઈ મરણ પામ્યા. રખેવાળોએ તેમની પાસે આવી જણાવ્યું કે હઝરત આપના તમામ જાનવરો બિમારીથી મરણ પામ્યા છે અને એક પણ જાનવર બચ્યું નથી. હઝરતે ફરમાવ્યું કે, જેવી ખુદાતઆલાની મરજી ! તેમાં હું શું કરી શકું ? તેનો માલ હતો એટલે તેણે લઈ લીધો. એટલું કહી હઝરત ખુદાના શુક્રાના અદા કરી ઈબાદત કરવામાં મશગુલ થઈ ગયા.
ત્યારબાદ તેમના માલ અસબાબમાં ભયંકર આગ લાગી જેથી સઘળું બળીને ખાક થઈ ગયું. એ સમયે પણ હ. અય્યુબ અલ્લાહની બંદગીમાં તલ્લીન હતા. લોકોએ દોડતા આવી આપને કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો ? તમારી તમામ માલ-મીલકત બળીને રાખ થઈ ગઈ છે, કંઈ પણ બચ્યું નથી. હઝરતે જવાબ આપ્યો કે સુખર છે, તે અલ્લાહના ! કે હજી મારી જાન તો બાકી છે જે ફક્ત મારા માટે બહેતર માલ છે.
(૧૨૭/૧૨૮) હજી કેમ જાણે દુ:ખની યાતનાઓ અપુરતી હોય તેમ, બીજા દીવસે એવો એક વધુ હૃદય દ્રાવક બનાવ બન્યો કે, હ. અય્યુબ (અ.)ના સાત પુત્ર પુત્રીઓ ભણવા માટે મકતબમાં ગયા હતા, મૌલવી સાહેબ ગેરહાજર હતા. મૌલવી સાહેબ પોતાનું બહારનું કામ પતાવીને આવીને જુએ છે તો મકતબના છતની હેઠળ સઘળા બાળકો દબાઈને મરી ગયા હતા. આની જાણ કરવા મૌલવી હઝરત પાસે દોડતા આવી બનેલી હકીકત કહી સંભળાવી. હકીકત સાંભળી આપે ફરમાવ્યું કે એ બધા શહીદના દરજ્જે પહોંચ્યા. એ બાદ હઝરતે એની જાણ પોતાની બીબીઓને કરી. બીબીઓ રડવા લાગી, હઝરતે તેમને આશ્વાસન આપ્યું અને ફરમાવ્યું કે: સબર એ શાંતિની કુંચી છે.
(૧૨૮) દુ:ખ આવે છે ત્યારે ચારે બાજુથી તુટી પડે છે, તે મુજબ હ. અય્યુબ (અ.) એક વખત નમાઝ અદા કરી રહ્યા હતા, એવામા તેમના આખા શરીરમાં માથાથી તે પગના તળીયા સુધી ફફોલા ઉપસી આવ્યા. કેટલીક મુદ્દત પછી શરીરનું માંસ સડવા લાગ્યું, જેને લીધે શરીરમાં કીડા પડ્યા, જેની અસહ્ય વેદના હોવા છતાં પણ ઈબાદતમાં સહેજ પણ સુસ્તી કર્યા વગર આપ અલ્લાહના નામનું રટણ પ્રતિદીન વધુને વધુ કરવા લાગ્યા; જે કે બમારીની વેદનાને લીધે ઉઠવું બેસવું બહુજ મુશ્કીલ બની ગયું હતું, છતાં પણ તકલીફની સહેજ પણ પરવા કર્યા વીના અહોનીશ ખુદાતઆલાની ઈબાદતમાં આપ મશગુલ રહેવા લાગ્યા.
કીડાઓ પડવાને લીધે હઝરતનું માંસ સડી જવાથી તેમનું શરીર દુર્ગંધ મારવા લાગ્યું, એથી મહોલ્લાવાળા, આડોશી પાડોશી ઉપરાંત સગાસંબંધીઓ પણ તેમનાથી મોઢુ ફેરવવા લાગ્યા. પરીણામ એ આવ્યું કે, સઘળાઓએ તેમનાથી પોતાનો સંબંધ તોડી નાખ્યો. એટલેથી જ હદ ન આવી પણ હઝરતની ચાર બીબીઓમાંથી બીબી રહીમા સીવાયની ત્રણ બીબીઓ પણ હઝરતને એવી દુ:ખી હાલતમાંજ મુકી પોતાના પીયરીયે ચાલી ગઈ. માત્ર વફાદાર બીબી રહીમા જ તેમના સાચા સંગાથી તરીકે તેમની સાથે રહી પતિની સેવા અંત:કરણપૂર્વક કરવા લાગી.
હઝરતે જોયું કે પાડોશીઓ ઉપરાંત સગાસંબંધીઓ અને ત્રણ બીબીઓ પણ પોતાને તજી ગઈ છે, ત્યારે આપે બીબી રહીમાને ફરમાવ્યું કે તું મારા સાથે રહી દુ:ખી શા માટે થાય છે ? બહેતર છે કે તું પણ તારા પીયરીયે ચાલી જા, હું તને ખુશીથી રજા આપું છું.
આ સાંભળી રહીમા બીબીએ કહ્યું કે એ કેમ બને ? સુખમાં હું તમારી સાથે રહી, ખાધું પીધું અને મોજ માણી અને હવે જ્યારે આપની ઉપર તકલીફ આવી પડી છે, ત્યારે તમારા દુઃખમાં હું ભાગ ન લઉં તો બીજું કોણ લે ? હું તમારીજ સાથે દુ:ખે-દુ:ખી રહી સેવા અને ખીઝમત કરીશ અને તેમાંજ હું મારૂં અહોભાગ્ય માનીશ.
(૧૨૯) હદીસમાં જણાવ્યું છે કે, હ. અય્યુબ (અ.)ને ૧૮ વર્ષ સુધી બિમારી રહી હતી બિમારી દરમ્યાન આખા શરીરમાં અસંખ્ય કીડા પડી માંસનું ભક્ષણ કરવા લાગ્યા હતા, જેને લીધે શરીરમાંથી સહન ન થઈ શકે તેવી દુર્ગંધ ફેલાવા લાગી હતી અને તેથી પાડોશી અને મહોલ્લાવાળાઓ બેચેન બની અરસપરસ કહેતા હતા કે, જે એમની બિમારીનો ચેપ આ૫ણને લાગશે તો આપણે પણ તેમાં સપડાઈ વગર મોતે મરી જશું. આ પ્રમાણે ગામ લોકોએ પોતામાં સલાહ કરી બીબી રહીમાને તેની જાણ કરી અને હઝરતને ક્યાંક દુરની જગ્યાએ લઈ જવા સૂચના કરી.
ગામ લોકોની એ મુજબની ફરીયાદ અને ઈચ્છા જાણી બીબી રહીમા તથા તેમના બે ચેલાઓ જેઓ હઝરતને હમણા સુધી સાથ આપી રહ્યા હતા, તેઓએ હ. અય્યુબને એક ગુણપાટમાં વીંટાળી બીજે ગામ લઈ ગયા. એ ગામના લોકોએ ૫ણ એવી અસહ્ય દુર્ગંધને લીધે તેમને બીજે ક્યાંક લઈ જવાનું તેમને સૂચન કર્યું. આવી રીતે હઝરતને સાત ગામમાં ફેરવવામા આવ્યા, પણ કેાઈએ તેમને આશ્રય આપ્યો નહી. હવે શું કરવું અને ક્યાં જવું, આ પ્રશ્ન બીબી તથા ચેલાઓને મુંઝવી રહ્યો હતો. કારણકે હવે કોઈ પણ ગામમાં આસરો મળવાની તેમને કોઈ ઉમ્મીદ રહી નહોતી. છેવટે હઝરતને ગામથી દુર લઈ જઈ એક ઝાડના છાયામાં લાવી મુક્યા, છેવટે સાથ આપનાર ચેલાઓની રહીસહી ધીરજ પણ ખુટી ગઈ અને બંને ચેલા કંટાળીને હઝરતને છોડી ચાલ્યા ગયા હવે રહ્યા માત્ર બીબી રહીમા કે જેવણ પતિવ્રતા ધર્મને બરાબર સમજતા હતા. તેવણ વફાદારીપુર્વક હઝરતની ખીઝમત કરવા લાગ્યા. આવી અસહ્ય હાલતમાં પણ હ. અય્યુબ (અ.) ખુદાના શુક્રાના બજાવી લાવી દીનપ્રતીદીન વધુ ને વધુ ઈબાદત કરતા હતા અને બારીતાલાની હુજુરમાં અરજ સાથે કહેતા હતા કે, ખુદા યા ! તારા સિવાય મારૂં કોઈ નથી, ખરો મદદગાર તુંજ એક અલ્લાહ છે.
જીવીત ઈન્સાનને શરીર ટકાવી રાખવા ભરણ પોષણની આવશ્યકતા રહે છે અને તે મેળવવું એ તેના અનેક કર્તવ્યોમાંનું એક મુખ્ય કર્તવ્ય હોય છે, તે મુજબ બીબી રહીમા હઝરતને માનવવિહોણા મેદાનમાં એકલા મુકી રોજ સવારના પાસેના ગામમાં મજુરી માટે જતા અને તેમાંથી જે કાંઈ ખોરાક મેળવતા તે સાંજે લાવી હઝરતને ખવડાવતા અને તેમની ખીઝમતમાં મશગુલ રહેતા.
(૧૨૯/૧૩૦) બનવાકાળ બન્યા જ કરે છે, ધુપ છાંયના ચક્રો ફર્યા જ કરે છે. એક દીવસ એવું બન્યું કે બીબી રહીમાને સવારથી સાંજ સુધી ગામના મહોલ્લાઓમાં ફર્યા છતાં ક્યાંય પણ મજુરીનું કામ મળ્યું નહી. છેવટે સૂર્ય અસ્ત થવાની અણી ઉપર હતો ત્યારે નિરાશા સહીત બીબી મનોમન કહેવા લાગ્યા કે, આજે મારા પતિને હું શું ખવડાવીશ ? ખુદા યા ! મને તું ક્યાંયથી પણ કંઈક આપ. ખુદા પાસે આવી રીતે વિનંતી કરતા કરતા એક સ્ત્રીના દ્વારે તેઓ જઈ ચડ્યા. એ એક દુષ્ટ સ્ત્રી હતી, બીબીએ તેને કહ્યું કે આજે અમને ખાવા માટે કાંઈપણ નથી, કામ પણ મળ્યું નથી, માટે ઉછીનું કંઈક મને આપો તો હું આવતી કાલે મજુરી મેળવી તમને પાછું આપી દઈશ. બીબીની હકીકત સાંભળી પેલી સ્ત્રીએ કહ્યું કે કાલની વાત તે વળી કેવી ? મને તારા માથાના વાળ બહુ પસંદ છે માટે જો તું તે મને કાપી આપે તો તેના બદલામાં હું તને ખોરાક આપું. આ સાંભળી બીબી રડી પડ્યા અને રડતા રડતા કહ્યું કે, તમે તે માટે મને ક્ષમા કરો, કારણ કે મારા પતિ બીમાર છે, ઘણા અશક્ત છે અને તેઓ નમાઝ માટે લાકડીના ટેકાના બદલે મારા વાળની લટો પકડી તેની સહાય વડે જ ઉઠી બેસી શકે છે અને ઉભા ઉભા અલ્લાહની બંદગી અદા કરે છે. બીબીની આવી ઘણી ઘણી વિનવણીઓ છતાં તે દુષ્ટ સ્ત્રી ટસનીમસ ન થઈ અને તેના દિલમાં દયાનો છાંટો પણ આવ્યો નહી. અંતે બીબી રહીમા હતાશ અને લાચાર બની ગયા અને પતિ માટે ખોરાક મેળવવા પોતાના માથાના વાળ કાપી આપી ખોરાક લઈ પોતાને સ્થાને જવા રવાના થયા.
(૧૩૦) બીબી હજી માર્ગમાં જ હતા, તે દરમ્યાન શયતાન મલઉને હ. અય્યુબ (અ) પાસે જઈને કહ્યું કે તમારી સ્ત્રીને ચોરીના ગુનાસર એક સ્ત્રીએ પકડી તેના માથા ઉપરના વાળ કાપી લીધા છે. આ સાંભળી હઝરત ઘણા જ ખીન્ન થયા અને ગુસ્સામાં સોગંદ લઈ મનોમન કહ્યું કે, હું આ બિમારીથી મુક્ત થયા પછી શીક્ષા તરીકે તેને એકસો લાકડીઓ મારીશ.
એક બીજી રીવાયતમાં વળી એમ જણાવેલું છે કે, બીબી રહીમા હઝરત માટે ખાણું લઈ આવતા હતા, ત્યારે રસ્તામાં તેમને માણસ રૂપમાં શયતાનનો ભેટો થયો. તેણે બીબીને કહ્યું કે તમારા પતિની બીમારી માટે હું તમને એક દવા બતાવું છું. જો તેઓ ડુક્કરનું માંસ અને દારૂનો ઉપયોગ કરે તો તેમને ફરી સંપુર્ણ તંદુરસ્તી હાંસલ થાય અને સઘળી બિમારી જતી રહે. ત્યારબાદ બીબી પોતાને મુકામે આવ્યા અને હઝરતને ખાણું ખવરાવી પોતે રસ્તામાં સાંભળેલી હકીકત કહી સંભળાવી. એ સાંભળી હઝરત આવેશમાં આવી ગયા અને સૌગંદ સાથે ફરમાવ્યું કે, હું જ્યારે સાજો થઈશ ત્યારે તમને આની શીક્ષા તરીકે સો લાકડીઓ મારીશ.
(૧૩૧) એક દીવસ હ. અય્યુબ રડવા લાગ્યા, કારણકે તેમના બે મિત્રો કદી કદી તેમની પુછપરછ કરવા આવતા હતા. તેમણે એક વખત હઝરતને કહ્યું કે તમે કાંઈક ગુના કર્યા હશે તેની શીક્ષા તરીકે તમે આ બીમારી ભોગવી રહ્યા છો. એ સાંભળી આપને ઘણું જ દુ:ખ લાગ્યું અને આંખમાં આસું લાવી આપે અલ્લાહના દરબારમાં અરજ ગુજારતા કહ્યું કે, યા...રબુલ આલમીન...તું મારા ગુના વિષે બહેતર જાણે છે.
બીજી એક રીવાયતમાં હઝરતના રડવાનું કારણ એવું જણાવ્યું છે કે, તેમના આખા શરીરમાં અનેક ઝખ્મો પડ્યા હતા અને તેમાં કીડાઓ પડી ગયા હતા, જેમાંથી બે કીડાઓને હઝરતે નીચે ૫ડી જતા જોયા. ખુદાતઆલાએ તેમને પોતાનું માંસ ખાવા માટેજ મોકલ્યા છે એમ સમજી આપે તેને ઉપાડી પોતાના શરીરના જખમ ઉપર પાછા મુક્યા. મુક્તાની સાથેજ કીડાઓએ તેમને એવા જોરથી ચટકા ભર્યા કે ૧૮ વર્ષની બિમારીમાં ક્યારે ૫ણ ન અનુભવેલી વેદના આપને થવા લાગી, તેથી રડી પડ્યા અને ઈલાહી દરબારમાં અરજ કરતાં આપે કહ્યું કે, ખુદા યા ! હું દર્દથી ખુબ પીડાઈ રહ્યો છું, મારા માટે તું જ મહેરબાન છે.
તે ઉપરથી ખુદાતઆલાએ હ. જીબ્રાઈલને મોકલી જણાવ્યું કે, અય અય્યુબ ! તમેજ સુખ, આરામના બદલે દર્દ અને બલા માંગી હતી. જે કોઈ જેવું ખુદાતઆલા પાસેથી માંગે છે તેવું જ તેને મળે છે. આ સાંભળી હ. અય્યુબ (અ.)એ અરજ ગુજારી કે ખુદા યા ! તુંજ કૃપાળુ અને દયાળુ છે.
ત્યારબાદ ખુદાતઆલા તરફથી હ. જીબ્રાઈલ અમીને આવી હ. અય્યુબ (અ.)ને કહ્યું કે, અય અય્યુબ ! તમારી સઘળી મુશીબતો અલ્લાહે દુર કરી છે માટે તમે તેના હુકમથી ઉભા થાઓ. હઝરતે ફરમાવ્યું કે હું દર્દમાં ગીરફતાર છું. મારી સર્વ શકિત જતી રહી છે હું કેમ કરી ઉભો થાઉં ? જવાબમાં જીબ્રાઈલે કહ્યું: તમારા પગને જમીન ઉપર મારો એટલે એ જગ્યાએ “આબે શિફા”નો ઝરો ફુટશે એનું પાણી આપના માટે ખાસ પીવા અને ન્હાવા માટે છે. એ સાંભળી હ. અય્યુબ (અ.)એ ઈલાહી ફરમાન અનુસાર જમીન ઉપર પગની ઠોકર મારતાંજ ત્યાં એક ઝરો ફુટી નીકળ્યો. આપે તેનું પાણી પીધું અને તેની અંદર સ્નાન પણ કર્યું. એમ કરવાથી તેમની સઘળી બીમારી જતી રહી અને હ. અય્યુબ પહેલા જેવીજ તંદુરસ્ત હાલતમા આવી ગયા. ત્યારબાદ હ. જીબ્રાઈલે બહેશ્તથી તેમના માટે એક ચાદર લાવી શરીર ઉપર ઓઢાડી દીધી, જે ઓઢી હઝરત પાસેના પુલ ઉપર જઈને બેઠા.
(૧૩૨) થોડીકવાર થઈ એટલામાં બીબી રહીમા મજુરીથી મેળવેલું અનાજ લઈ પોતાને મુકામે આવ્યા. આવીને જુએ છે તો હઝરત દેખાણા નહીં. બીબી ચીંતામાં પડી ગયા અને પોતાના પતિને મેળવવા પુકારી પુકારી આહોઝારી સાથે રડવા લાગ્યા હઝરતને શોધી કાઢવા તેમણે આખું મેદાન ખુંદી નાંખ્યું છતાં હઝરત તેમની નજરે પડ્યા નહીં.
પોતાની પત્નિની આવી કરૂણ હાલત જોઈ રહેલાં હ. અય્યુબ (અ.)એ અજાણ બની બીબીને ફરમાવ્યું કે તમે શા માટે રડો છો ? તમારૂં શું ખોવાઈ ગયું છે ? બીબીએ કહ્યું : અહીં એક બીમાર શખ્સ હતા, હું તેમને શોધી રહી છું. બીબીએ પોતાના પતિની કેટલીક નીશાનીઓ પણ કહી બતાવી.
એ ઉપરથી હઝરતે ફરમાવ્યું કે ગભરાઓ નહીં. મારૂં નામ અય્યુબ છે. થોડીવાર તો બીબી અચંબામાં ગરકાવ થઈ ગયા પણ પોતાના પતિને એાળખી લેતા ખુશ થઈને પુછયું કે તમે એકાએક કેવી રીતે તંદુરસ્ત થઈ ગયા ? હઝરતે બનેલી સર્વે ઘટના કહી સંભળાવી અને “આબેશિફા”નો ઝરો તેમને દેખાડ્યો. આવો ચમત્કાર જોઈ બીબીએ અલ્લાહતાલાહના શુક્રાના અદા કર્યા.
ત્યારબાદ હ. અય્યુબ તથા બીબી રહીમા પોતાને વતને આવી પહોંચ્યા. ખુદાતઆલાએ જે જે નીયામતો તેમના પાસેથી લઈ લીધી હતી તેથી બમણી તેમને ઈનાયત કરી, પ્રથમ હતું તેવું જ સુખ તેમને પાછું બક્ષ્યું.
હ. અય્યુબ (અ.) સુખ કે દુઃખ ગમે તે હાલતમાં અલ્લાહની યાદ કે ઈબાદતને ચુક્યા નહોતા, પણ બંદગીમાં વધુને વધુ મશગુલ રહેતા હતા, અને હંમેશાં તે માલીકના શુક્રાના અદા કરતા હતા. ઉપરાંત પોતાની કોમને તોહીદની હીદાયત અને શિક્ષણ પણ આપતા હતા.
(૧૩૨/૧૩૩) હ. અય્યુબ (અ.)એ પોતાની બીમારી દરમ્યાન બીબીને સો લાકડી મારવાના સૌગંદ ખાધા હતા. આપને એ વાતનું સ્મરણ થતા તેમણે ઈચ્છયું કે તે પોતાના અહદને પુરો કરે. તે દરમ્યાન ખુદાતઆલાના હુકમથી હ. જીબ્રાઈલે આવી, તેમ કરવા મનાઈ કરતા કહ્યું કે અય અય્યુબ ! બીબી રહીમા સજાને પાત્ર નથી. હઝરતે ફરમાવ્યું કે મેં સોગંદ લઈ કહ્યું છે તેનું કેમ ? ત્યારે જીબ્રાઈલે કહ્યું કે ઘઉંની સો ડાખળીઓ એકઠી કરી, એક જ વખત મારવાથી સો લાકડીઓ મારવા બરાબર ગણાશે, અને તમારો અહદ પુરો થશે. તે મુજબ હઝરતે બીબીને સજા કરી પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.
હ. અય્યુબ (અ) બીમારીથી મુક્ત થયા પછી ૪૮ વર્ષ સુધી પયગમ્બરી ભોગવી વફાત પામ્યા હતા.
યા અલી મદદ.
