અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૭
રેકોર્ડીંગ - ૭
હ. યુસુફ (અ.સ.)
(પેજ-૧૧૩) હ. યુસુફ (અ.)ની દાનેશમંદી, સચ્ચાઈ અને ઈમાનદારી ઉપર ખુશ થઈ બાદશાહે તેમને પોતાના વજીરનો હોદ્દો સ્વિકારવા માંગણી કરી. જેને અસ્વીકાર કરતા હ યુસુફ (અ.)એ ફરમાવ્યું, મારાથી દેશના લોકોની દેખરેખ થઈ શકશે નહીં. વળી વજીરાત ઉપર હક અઝીઝનો હતો, જો હું તેમની જગ્યા સંભાળી લઉં તો તે મારા માટે બદનામીજ ગણાય. છતાં તમારી માંગણીને પાછી ન ફેરવતા જો આપ મને અનાજ પુરવઠાનું કાર્ય સોંપશો તો હું તેને ઘણી સારી રીતે અંજામ આપી, લોકોને રાહત મળે અને પ્રજા દુઃખી ન થાય તે માટે મારાથી બનતું બધું કરીશ. જેથી બાદશાહે તેમને ખજાનચીનો મહાન અને જોખમદારી ભર્યો હોદ્દો બક્ષ્યો. આ સાંભળી રૈયત ઘણીજ ખુશ થઈ.
હ. યુસુફ (અ.) ખજાનચીના ઓદ્દા પર નિર્માણ થયા પછી, સુકાળ દરમ્યાન દેશ પરદેશોથી જેટલું અનાજ હાથ આવતું તેટલું ખરીદ કરી જમા કરવા લાગ્યા, તેમનું સુંદર અને બુધ્ધીભર્યું કાર્ય નિહાળી બાદશાહે તેમને શાહી પોષાક પહેરાવી, માથે તાજ મુકી, કમ્મર ઉપર તલવાર બાંધી પોતાને સર્વસ્વ કારભાર અને ખજાનો તેમને સ્વાધીન કરી પોતાના તખ્ત ઉપર બેસાડ્યા અને તે પછી હ. યુસુફ (અ.)ની મહોરવાળું ચલણ મુલ્કમાં શરૂ કરવામાં આવ્યું.
(૧૧૪) આવી રીતે સુકાળનાં સાત વર્ષો પુરા થયા, તે પછી દુષ્કાળનો ભય ઉપસ્થીત થાય તે પહેલા હ.જીબ્રાઈલે આવી હ. યુસફ (અ.)ને આગાહી કરી કે થોડાંક સમય પછી આવનારી અમુક રાતથી દુષ્કાળ શરૂ થવાનો છે અને તે મુજબ દુષ્કાળ શરૂ થયો. દુષ્કાળના ભયંકર ડોળા સર્વ શક્તિસહીત મુલ્ક ઉપર ફરી વળ્યા પરીણામે રઈયત પીડાવા લાગી. પોતાના દુ:ખની ફરીયાદ લોકોએ બાદશાહ પાસે જઈ કરી. તરત જ હ. યુસુફ (અ.)એ એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મુકી દેવામાં આવ્યું. જેને લઈ પ્રજા રાહત મેળવવા લાગી.
ઝુલેખા હજી પણ હ. યુસુફની યાદને મુદ્દલ ભુલી નહોતી. તે પોતાની હસ્તીને જુદાઇના ગમમાં વીતાવી રહી હતી અને દિવસ રાત તેમની યાદ અને સ્મરણમાં ઝુર્યા કરતી હતી. કોઈ પણ તેના દ્વારે જઈ હઝરતનું માત્ર નામ લેતું તો તેને ઈનામ ઈકરામથી નવાજી રૂખસદ આપતી, આવી રીતે તેણીએ પોતાની પુષ્કળ દૌલત હ. યુસુફ (અ.) પાછળ લુંટાવી દીધી હતી.
ઝુલેખાનો ઈશ્ક-ઈશ્કે મીઝાજી હતો, જાહેરી પ્રેમ હતો. ઈશ્કે મીઝાજી જો ઈશ્કે હકીકીમાં ફેરવાઈ જાય તો સાતે સ્વર્ગનાં દ્વાર ખુલી જાય, પણ એ માર્ગ સહેલો નથી, આસાન નથી. જ્યાં સુધી ઈન્સાન બુત-પરસ્તી ત્યાગી હક પરસ્તીને ન એાળખે, હાદી મારફત હીદાયત ન મેળવે ત્યાં સુધી તે મકસદ હાંસલ કરી શકતો નથી.
ઝુલેખા હ. યુસુફના પ્રેમમાં એટલી હદ સુધી ગીરફતાર થઈ ચુકી હતી કે, રડતાં રડતાં તેની આંખો ખલાસ થવા આવી હતી, તેનું યૌવન પણ હવે તેનાથી રૂખસદ લેવા લાગ્યું હતું. તેના મુખ અને માથાના વાળ ઉપરથી જોનારને તે બુઢી બની ગઈ હોય તેવો ચોખ્ખો આભાસ થયા વગર રહેતો નહીં; આટલું છતાં હઝરત પ્રત્યેની તેની મહોબતમાં તલ જેટલો પણ ફેર પડ્યો નહોતો.
એક દિવસ ઈલાહી મરજીને લઈ હ. યુસુફ (અ) અમીરી પોષાકમાં સજ્જ થઈ ઘોડા ઉપર સવાર થઈ અંગરક્ષકો સાથે શહેરનું નીરીક્ષણ કરવા નીકળ્યા. આની જાણ મીસરના લોકોને થતા માનવસમુહ તેમને જોવા ઉમટી પડ્યો. ઝુલેખાને પણ તેની ખબર પડતા તે માનવમેદની વચ્ચે આવી ઉભી રહી. ઝુલેખાની પાસેથી હઝરતની સ્વારી પસાર થતા, તરત જ તેણીએ મોટા અવાજે કહ્યું, અય કરીમ ઈબ્ને કરીમ કૃપા કરી જરાક ઉભા રહો, અને આ બુઢીની હાલતનું બ્યાન સાંભળો.
(૧૧૫) હ. યુસુફ (અ.)એ અવાજ સાંભળી, પોતાનો ઘોડો થંભાવી ઝુલેખા તરફ જોઈ ફરમાવ્યું, અય ઝુલેખા, તારી આવી દશા કેમ થઈ ગઈ ? કહે ક્યાં ગઈ તારી યુવાની અને ક્યાં ગયો તારો હુશ્નજમાલ ચહેરો ?
દર્દભર્યા અવાજે ઝુલેખાએ કહ્યું, તમારા ઈશ્ક અને મહોબ્બતે મને બરબાદ કરી મુકી છે.
હઝરતે ફરમાવ્યું: શું હજી પણ તારો ઈશ્ક કાયમ છે ?
ઝુલેખાએ અરજ કરી: હું મારી દશાનું ક્યા શબ્દોમાં બ્યાન કરૂં ? તમારા હાથનો ચાબુક મારા ચહેરા ઉપર મુકો તો તમે મારી હાલત સમજી શકશો.
હઝરત ઝુલેખાની ઈચ્છા અનુસાર પોતાનો ચાબુક તેના ચહેરા સુધી લઈ ગયા કે તરત જ એક મહાન દર્દભરી ગરમ આહ તેણીના હૃદયમાંથી નીકળી, જે આહને લીધે હઝરતનો ચાબુક ગરમ થઈ જતાં હઝરતના હાથમાંથી સરી નીચે પડ્યો.
ઝુલેખા ચાબુકને નીચે પડી ગયેલી જોઈ હઝરતને વિનવતા કહ્યું: અય યુસૂફ ! વર્ષો થયા હું આવી રીતે તમારા માટે તડપી રહી છું; તમારી જુદાઈના ગમના શોલાઓ મારા હૃદયમાં આગ પ્રગટાવી રહ્યા છે; તમારી જુદાઈમાં હું નીસ્તોનાબુદ બની ગઈ છું.
હ. યુસુફ (અ.)એ ઝુલેખાની આવી દુર્દશા જોતા ઘોડા ઉપરથી ઉતરી તેની પાસે જઈ ફરમાવ્યું: તું મારા ખુદા ઉપર ઈમાન લાવ. આ સાંભળતા જ તેણી ત્યાંજ ઈમાન લાવી. તે પછી હઝરતે ફરમાવ્યું: બોલ ઝુલેખા તું મારાથી શું ઈચ્છે છે ?
ઝુલેખાએ અરજ કરી કે અય યુસુફ, મારા માટે તમે ખુદા પાસે દુઆ કરો કે તે માલિક મારૂં હતું તેવું હુશ્નજમાલ રૂપ, મારી હતી તેવી યુવાની અને પહેલા જેવીજ આંખની રોશની મને ઈનાયત કરે કે જેને લઈ હું મારી તમામ જિંદગી તમારી સેવામાં તેમજ તે માલીકની ઈબાદત અને બંદગીમાં પૂર્ણ કરૂં.
આ સાંભળી હ. યુસુફ (અ.) માથુ નમાવી થોડીકવાર વિચારમાં ખામોશ રહ્યા. તરત જ દરબારે ઈલાહીથી વહી નાઝિલ થઈ કે, યુસુફ તું જે ઈચ્છે તે માંગ, તારી ઈચ્છા પૂર્ણ થશે.
(૧૧૬) એ ઈલાહી વાણી સાંભળી હઝરત સીજદામાં જઈ ઝુલેખા માટે દુઃઆ માંગી. તેઓએ હજી માથું સીજદાથી ઉંચક્યું પણ નહોતું, તેટલામાં ઝુલેખાએ કહ્યું: અય યુસુફ ! માથું ઉંચકો અને મારી તરફ જુઓ ! હઝરતે સીજદામાંથી માથું ઉંચકી ઝુલેખા તરફ દ્રષ્ટી નાખી તો, પુર્વે હતી તેથી પણ વધુ ખુબસુરતી ખુદાતઆલાએ તેણીને બક્ષીશ કરી હતી; ખુદાતઆલાની નવાજેશ માટે હ. યુસુફ તથા ઝુલેખા બન્નેએ ખુદાના દરબારમાં શુક્રાનાનો સીજદો કરી, તે બારીતાલાનો અહેશાન માન્યો.
ત્યારબાદ ખુદાતઆલા તરફથી હુકમ આવ્યો કે, અય યુસુફ ! ઝુલેખાનો પ્રેમ સાચો છે તેથી તું તેની સાથે શાદી કરી લે. હ. યુસુફ (અ.) ઈલાહી હુકમને આધીન થઈ ઝુલેખા સાથે પવિત્ર લગ્નગાંઠથી જોડાયા; અને ઝુલેખા પોતાની તમામ જીંદગી હઝરતની ખીઝમત અને અલ્લાહની ઈબાદતમાં વિતાવવા લાગી.
હ. યુસુફ (અ.)ના ભાંખેલા ભવીષ્ય પ્રમાણે મીસર ઉપરાંત બાજુબાજુના અન્ય કેટલાક મુલ્કોમાં પણ દુષ્કાળની શરૂઆત થઈ ચુકી હતી. જ્યારે પણ 'શામ-કીનઆન’ દેશામાં દુષ્કાળ પડતો, ત્યારે ત્યાંના વતનીઓ મીસર આવી અનાજ લઈ જતા હતા.
હ. યાકુબ (અ.)ના ફરજંદો મીસર આવી પહોંચતા તેમને અનાજનો પરવાનો મેળવવા માટે અઝીઝે મીસર હ. યુસુફ પાસે જવું પડ્યું. પણ તેઓ હ. યુસુફ (અ.)ને ઓળખી શક્યા નહી કે તે પોતાનો ભાઈ છે. જ્યારે હઝરતે પોતાના ભાઈઓને ઓળખી લીધા હતા.
હ. યુસુફ (અ.)એ તેમને મીસર આવવાનું કારણ પુછયું. તેઓએ જવાબમાં જણાવ્યું કે, અમારા મુલ્કમાં દુકાળને લીધે અનાજની સખ્ત તંગી પ્રવર્તી રહી છે, તેથી અનાજ ખરીદવા કિનઆનથી આવ્યા છીએ ઉપરાંત પોતાના પિતા હ. યાકુબ (અ.) પયગમ્બર છે એવી પણ જાણ કરી.
તેમની હકીકત સાંભળી હ. યુસુફ (અ.)એ પુછયું, તમે કેટલા ભાઈઓ છો ? જવાબ આપતા તેઓએ કહ્યું : બધા મળીને બાર ભાઈઓ હતા. એક દીવસે એવું બન્યું કે અમે સઘળા ભાઈઓ મળી ચરાગાહના મેદાનના કિનારે બકરીઓ ચરાવતા હતા, તે વખતે યુસુફ નામનો અમારો એક ભાઈ અમારાથી છુટો પડી જતા તેને વરૂ ખાઈ ગયો,બીજો બીનયામીન નામનો યુસુફનો એક સગો ભાઈ છે, તેને અમારા પિતાએ પોતા પાસે રાખેલ છે.
(૧૧૭) હ. યુસુફ (અ.)એ પોતાના ભાઈ બીન યામીનને પોતાની પાસે બોલાવી લેવાની ઈચ્છા હોવાથી યુકિતપુર્વક તેમને કહ્યું : તમે મને જાસુસ લાગો છો એટલે તમારામાંથી એક ભાઈને અહીં રાખી જાઓ, અને ફરી પાછા જ્યારે આવો ત્યારે જે ભાઈને તમે લાવ્યા નથી તેને સાથે લાવજો એટલે મને ખાત્રી થશે કે તમે જે કહી રહ્યા છો તે હકીકત સત્ય છે અને તમે જાસુસ નથી. એ ઉપરથી સઘળા ભાઈઓએ મસલત કરી, 'સમઉન' નામના ભાઈને ત્યાં રાખવાનું નક્કી કર્યું. એ પછી હઝરતે તેમને અનાજ આપવાનો હુકમ કર્યો.
તે પછી હ. યુસુફ (અ)એ પોતાના ખીઝમતગારને ભાઈઓ જે નાણા લાવ્યા હતા તે રકમ આપતા કહ્યું કે આ રકમ ખરીદદારોને જાણ ન થાય તેવી રીતે અનાજથી ભરેલા એક કોથળાની વચ્ચે મુકી દેજો. આમ કરવા પાછળ હઝરતનો હેતું એ હતો કે તેમના પિતા તથા ભાઈઓને પોતે મીસરમાં છે તેની જાણ થાય અને તેઓ અનાજ ખરીદ કરવા પાછા આવે, અને બીન યામીનને પણ સાથે લેતા આવે.
‘સમઉન'ને મીસરમાં છોડી, બાકીના ભાઈઓ અનાજથી લાદેલા ઉંટો સહીત કીનઆન આવી પહોંચ્યા. હ. યાકુબ (અ.) ફરજંદોને આવી ગયા જાણી ઘણા ખુશ થયા અને ફરમાવ્યું : મને મીસર અને તમારી સફરની હકીકત કહી સંભળાવો. તેમના ફરજંદોએ તે મુજબ સઘળી હકીકત કહી સંભળાવી ઉપરાંત અઝીઝે મીસરે પોતા ઉપર કરેલી મહેરબાનીઓની હકીકત કહી સંભળાવી. હકીકત સાંભળ્યા પછી હ. યાકુબ (અ.)એ ફરમાવ્યું : યુસુફની કંઈ ખબર અંતર છે ? તેઓએ કહ્યું : એના વિષે ખાસ કોઈ માહીતી અમને મળી નથી; પણ એક વિચારવા જેવી ઘટના એ બની છે કે અઝીઝે મીસરે અમો અગીયાર ભાઈઓ છીએ તેની ખાત્રી કરવા સમઉનને પોતા પાસે રોકી રાખી બિનયામીનને પુરાવા માટે હાજર કરવા ફરમાવ્યું છે.
ત્યારબાદ અનાજના કોથળા ખાલી કરતા સૌની અજાયબી વચ્ચે એક કોથળામાંથી અનાજ ખરીદવા લઈ ગયેલી અને અઝીઝે મીસરને ભરી આપેલ બધી રકમ પાછી નીકળી. આ સાંભળી હ. યાકુબ (અ)એ દ્રઢતાપુર્વક ફરમાવ્યું કે મારો યુસુફ મીસરમાં જ છે.
(૧૧૭/૧૧૮) બીજા વર્ષ દરમ્યાન પણ દુષ્કાળનું જોર સમ્યું નહોતું. હ. યાકુબ (અ.)એ અનાજ માટે પોતાના ફરજંદોને ફરી મોકલવાની જરૂર જણાતા તેમણે તેઓને મીસર જવા હુકમ કર્યો, જેથી તેમના ફરજંદોએ પોતાની સાથે બીનયામીનને મોકલવા માંગણી કરી.
(૧૧૮) પણ હ. યુસુફ (ખ.)ના બનાવને હ. યાકુબ (અ.) હજી ભુલ્યા નહી હોવાથી બિન યામીનને મોકલવા પોતાની ઈચ્છા નથી એમ જણાવ્યું. જેથી તેમના ફરઝંદોએ અરજ કરી કે અય પિતા ! બીન યામીન માટે તમે અમારા ઉપર વિશ્વાસ રાખો, તેને નહી મોકલશો તો અનાજ મળી શકશે નહીં. વળી બીન યામીનને અમે હાજર કરશું એવો કરાર અઝીઝે મિસરથી કરેલો છે તેમાં અમે જુઠા પડશું અને અમે ઠગ છીએ એવી તેને આવેલી શંકા દ્રઢ થશે, અને તેથી જ સમઉનનો પણ છુટકારો થશે નહી. આ સાંભળી હઝરતે પોતાના ફરજંદો પાસેથી વચન લઈ અલ્લાહના આસરે બીન યામીનને સાથે લઈ જવા રજા આપી. તેમજ પાછી ફરેલી રકમ ૫ણ અઝીઝને સુપ્રત કરવા ભલામણ કરતા ફરમાવ્યું : કદાચ ભુલમાં આ રકમ આવી ગઈ હશે, જે તેમને પાછી આપજો, ઉપરાંત મારા તરફથી નજરાણા તરીકે આ પાઘડી તેમને ભેટ કરજો.
કીનઆનથી રવાના થઈ હ. યાકુબ (અ.)ના ફરઝંદો થોડા દીવસ બાદ મીસર આવી પહોંચ્યા. અને અઝીઝે મીસરની હુઝુરમાં હાજર થઈ, પોતાના પિતા તરફનું નજરાણું પેશ કરવા ઉપરાંત કોથળામાંથી નીકળેલી રકમ રજુ કરી. નઝરાણાની પાઘડી માટે એવો ઉલ્લેખ છે કે: હ. યાકુબ (અ.)ને તે તેમના દાદા હ. ઈબ્રાહીમ (અ.) તરફથી વારસામાં મળી હતી, જેને હ. યાકુબ (અ.)ના પીતાએ હ. યુસુફ (અ.) માટે ભેટ તરીકે સોંપી હતી, એથી હ. યાકુબ (અ.)એ પિતાની વસીયત મુજબ હ. યુસુફ (અ.)ને તે ભેટ તરીકે મોકલી હતી. આથી હ. યુસુફ (અ.) ઘણા જ ખુશ થયા કારણ કે જેને એ પાઘડી મળતી તેના માટે તે પયગમ્બર બનવાની નીશાનીરૂપ હતી.
(૧૧૮) આવેલા ભાઈઓ માટે હ. યુસુફ (અ) એ ખાણું તૈયાર કરાવી સૌને ફરમાવ્યું કે બબ્બે ભાઈઓ જેઓ એક જ માબાપથીજ જનમ્યા હોય તેઓ એક જ થાળમાં બેસે. આથી બિનયામીન એકલો રહી ગયો, અને આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યો કે : જો મારો ભાઈ યુસુફ અહીં હોત તો તે મારી સાથે બેસત. આ ઉપરથી હ. યુસુફ (અ.)એ તેને પોતાની સાથે બેસાડવા હુકમ કર્યો. એ ઉપરથી બીજા ભાઈઓએ કહ્યું : અગર આપની એવી ઈચ્છા છે તે અમે પણ એમાં ખુશી છીએ. આથી તેમનો થાળ પડદા પાછળ એક જુદા ઓરડામાં લઈ જવામાં આવ્યો. જમણ વખતે જ્યારે હ. યુસુફ (અ.)એ પોતાનો હાથ ખાણા તરફ લંબાવ્યો, ત્યારે બીનયામીન રડવા લાગ્યો; એ જોઈ હ. યુસુફ (અ.)એ તેનું કારણ પુછ્યું. તેણે જવાબ આપ્યો કે તમારો હાથ મારા ભાઈ યુસુફને મળતો આવે છે. આ સાંભળી હ. યુસુફ (અ.) તેનાથી પોતાની જાતને વધુવાર છાની રાખવાની ધીરજ રાખી શક્યા નહી. અને પોતે જ યુસુફ છે એવો ખુલાસો કરતા ફરમાવ્યું કે મારા અલ્લાહે અનેક સંકટો પછી મને આ દરજ્જે પહોંચાડ્યો છે ખેર આપણી વચ્ચેની હકીકત તમે ગુપ્ત રાખજો. આ વાત કોઈને પણ કરશો નહી. એ ખરૂં છે કે કંઈ પણ કારણ વગર હું તમને અહીં રાખી શકીશ નહીં. કારણ કે તેમ કરવાથી ભાઈઓને શક ઉત્પન્ન થવાનો સંભવ છે, માટે હું તમારા ઉપર ચોરીનો આરોપ મુકીશ પણ તેથી તમારે ડરવાનું નથી કારણ કે આવી રીતે હું તમને મારી પાસે રાખી શકીશ. એ બાદ જમણથી પરવારી બિનયામીન પોતાના ભાઈઓ પાસે ચાલ્યા ગયા.
(૧૧૯) હ. યુસુફ (અ.)એ પોતાના ભાઈઓને ત્રણ દિવસ સુધી પોતા પાસે રાખી તેમની મહેમાનગીરી કરી ખુશ કર્યા, અને દરેક ભાઈને એક એક ઊંટ જેટલું અનાજ આપવા ફરમાવ્યું.
બીજી તરફ પોતાના હુજુરીયાને ફરમાવ્યું કે, બીનયામીનના સામાનમાં બાદશાહનું ચાંદીનું પ્યાલું સંતાડી દેવું અને જ્યારે તેઓ રવાના થઈ થોડેક દુર જાય ત્યારે પ્યાલો ચોરાયાની ફરીયાદ કરવી. હુકમ મુજબ હજુરીયાએ પ્યાલો કોથળામાં છુપાવી દીધો અને અગીયારે ભાઈઓ અનાજ ઉંટ ઉપર નાખી પોતાના વતન તરફ જવા મીસરથી રવાના થયા.
તેમના રવાના થયા પછી શીખવ્યા મુજબ હજુરીયો પ્યાલો ચોરાયાની ફરીયાદ અઝીઝે મીસર પાસે લઈ આવ્યો, જેથી કીનઆન તરફ જતા પોતાના ભાઈઓની પુઠે અઝીઝે ઘોડેસ્વારો તપાસ અર્થે રવાના કર્યા.
સુચના અનુસાર સ્વારોએ જે તરફ કાફલો કુચ કરી ગયો હતો તે બાજુ પોતાના ઘોડા પુર ઝડપે દોડાવી મુક્યા; થોડેક દૂર જતાંજ કાફલો તેની દ્રષ્ટીએ પડ્યો. સ્વારોએ અવાજ આપ્યો કે ખબરદાર ! તમે લોકો ચોર છો, માટે આગળ વધશો નહીં. આ સાંભળી હ. યુસુફ (અ)ના ભાઈઓનો કાફલો ત્યાંજ અટકી ગયો.
સ્વારો જ્યારે તેમની પાસે આવી પહોંચ્યા ત્યારે હઝરતના ભાઈઓએ કહ્યું કે અમોને ચોર તરીકે શા માટે સંબોધો છો ? શું અમે એવી નાલાયકી કે ચોરી કરવા આવ્યા હતા ? વળી અમે તમારૂં શું ચોર્યું છે ?
(૧૨૦) જવાબમાં સ્વારોએ કહ્યું : તમે અમારા બાદશાહનો ચાંદીનો પ્યાલો ચોર્યો છે માટે પાછા મીસર ચાલો. તે મુજબ સ્વારોએ કાફલાને પાછા મીસરમાં લાવી અઝીઝે મીસરની હુજુરમાં હાજર કર્યો.
હાજર થઈ સઘળા ભાઈઓએ અઝીઝે મિસરની હુજુરમાં અરજ કરી કે અમારા ઉપર તમારા સ્વારોએ ચોરીનો આરોપ મુક્યો છે, જ્યારે અમે તો રાજ્યનું કંઈ પણ ચોર્યું નથી.
એ ઉપરથી હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું: કદાચ તમે ચોર નહિં પણ હો ! પણ જો ગુમ થયેલો ચાંદીનો પ્યાલો તમારી પાસેથી મળી આવે તો તેની સજા શું ?
અલબત ચોરાએલી વસ્તું જેના પાસેથી મળી આવે, તેના અવેજમાં ઉચાપત કરનાર કેદી તરીકે તમારી પાસે અટકમાં રહે. હઝરતના ભાઈઓએ ખુલાસો કર્યો.
ત્યારબાદ હ. યુસુફ (અ.)એ તેમના અનાજ ભરેલા કોથળાની તપાસ લેવરાવતા બીનયામીનના સામાનમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો, જેથી હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું, જુઓ આ તમારો ભાઈ ચોર છે માટે એને કેદ કરવો ૫ડશે.
આ સાંભળી સઘળા ભાઈઓ સ્તબ્ધ બની શું કરવું તેની મસલેહત કરવા લાગ્યા અને જો અઝીઝે મિસર પોતાની દરખાસ્તને માન્ય રાખે તો બીનયામીનના બદલે પોતામાંથી એક જણે રહેવું, અને નાના ભાઈને પિતા પાસે લઈ જવો; પણ જો તેમ કબુલ નહીં કરે તો પિતાને શું જવાબ આપવો એનો તેમને વિચાર થઈ પડ્યો.
પોતાનામાં કરેલ સલાહ અનુસાર સઘળા ભાઈઓ હ. યુસુફ સમક્ષ દરખાસ્ત સાથે અરજ કરતાં કહ્યું કે, બેશક તમે અમારા ઉપર હદથી વિશેષ મહેરબાની કરી છે, હજી પણ અમોને આપના વધુ અહેસાનમંદ બનાવશો એવી આશા છે. અમારી અરજ છે કે, તમે બીન યામીનને ક્ષમા કરો કે જેથી અમે તેને અમારા પિતા પાસે લઈ જઈ શકીએ.
હ. યુસુફ (અ)એ જવાબ આપતા ફરમાવ્યું, તમે બાદશાહનો હુકમ જાણો છો. તેમ તમે પણ કબુલ કર્યું છે. શું એ યોગ્ય ગણાય કે તમારો ભાઈ રાજની હદમાં રહી રાજનીજ ચીજ ચોરે ?
(૧૨૦/૧૨૧) તેમણે વિનયપુર્વક અરજ કરી કે ઓ અઝીઝે મીસર, આપનું કહેવું વાજબી છે, પણ તેનો બાપ બુઝુર્ગ છે જે બીન યામીનની ગેરહાજરીથી ઘણોજ દુ:ખી થશે. માટે આપ તેના બદલામાં અમારામાંથી એકને રાખી લો અને તેને મુક્ત કરો. જો એમ કરશો તો આપની મોટી મહેરબાની થશે.
(૧૨૧) એ સાંભળી હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું કે, ખુદા મને બચાવે એવા અન્યાય ભર્યા કૃત્યથી ! માલ મુજરીમથી મળે અને સજા બીજો ભોગવે, ચોરી કોઈક કરે ને કેદ બીજાને મળે ! એ તે કેમ બને ? શું એ ઈન્સાફ કહેવાય ખરો ?
ભાઈઓની અનેક આજીજી તેમજ પુષ્કળ પ્રયત્નો છતાં તેઓ બીન યામીનને છોડાવી શક્યા નહી, અંતે નિરાશ થઈ તેઓ મિસરથી રવાના થઈ કીનઆન આવી પોતાના પિતાની હુજુરમાં મીસરમાં બનેલી સઘળી વિગત કહી સંભળાવી અને બીન યામીન ચોરીના આરોપસર કેદ થયો હોવાનું પણ કહ્યું અને પોતે આ બાબત સત્ય કહી રહ્યા છે અને પોતાના કથન ઉપર વિશ્વાસ રાખવા અરજ કરી.
પોતાના ફરજંદોથી મીસરની ઘટના ઉપરાંત બીન યામીન અટકમાં રહ્યાનું સાંભળી હ. યાકુબ (અ.)ને પારાવાર દુ:ખ થયું, તેઓ ઘણાજ નીરાશ બની ગયા. હઝરત હજી તો હ. યુસુફ (અ.)ની જુદાઈનો ગમ સહન કરી રહ્યા હતા, તેમાં જાણે તે દુ:ખ ઓછું હોય તેમ બીન યામીનના વિયોગનું દુઃખ સહન કરવાનું બીજું કારણ બન્યું; આથી તેમના અંતરમાંથી જુદાઈની આહ નીકળી પડી, અને હ. યાકુબ (અ.) ખુબજ રડ્યા. એ ઉપરથી હ. જીબ્રાઈલ અમીને આવી સંદેશો સંભળાવ્યો કે, “અય યાકુબ, જો તમે ખુદાને યાદ કરશો અને રડશો નહી તો તમારી ઉમ્મીદ પુરી થશે.” આવા આશ્વાસનથી હઝરતના દીલને રાહત મળતા તેમને હ. યુસુફ મીસરમાં મળશે તેમ પણ લાગ્યું અને એ ઉપરથી તેમણે પોતાના ફરજંદોને ફરમાવ્યું કે, જાઓ યુસુફ અને તેના ભાઈની તપાસ કરો, અને ખુદાની મહેરબાનીથી નાઉમ્મીદ થાઓ નહી, ખચ્ચીત, ખુદાને નહી માનનારા સિવાય બીજો કોઈ તેની કૃપાથી નાઉમ્મીદ થતો નથી.
હજી પણ દુષ્કાળનું જોર શમ્યું નહોતું. અનાજની તંગી દિનપ્રતિદીન વીકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. જનસમુદાય અનાજ વગર વ્યાકુળ બન્યો હતો. આવા સંજોગોમાં અનાજ માટે ત્રીજી વાર મીસર જવા હ. યાકુબ (અ.)એ પોતાના ફરજંદોને આજ્ઞા ફરમાવી.
(૧૨૧/૧૨૨) આજ્ઞા અનુસાર મીસર જવા તેમના ફરઝંદોએ તૈયારી કરી. ત્યારે હ. યાકુબ (અ.)એ ફરમાવ્યું, અઝીઝે મીસરને બીન યામીનની મુક્તિ માટે વીનંતી કરજો. સાથે ઘઉં આપવા માટે પણ ભલામણ કરજો. કદાચ તે આપણા ઉપર મહેરબાન થાય.
(૧૨૨) કીનઆનથી રવાના થઈ હ. યાકુબ (અ.)ના ફરઝંદો મીસર આવી પિતાની સુચના અનુસાર બીન યામીનને મુકત કરવા વિનંતી કરવા તેમજ અનાજ મેળવવા અઝીઝના દરબારમાં હાજર થયા.
તેમણે દરબારમાં આવતાજ જોયું કે બીન યામીન હ. યુસુફ (અ.)ની જોડાજોડ તખ્ત ઉપર બેઠેલો છે. આ જોઈ અચંબો પામી ભાઈઓ એક બીજાને કહેવા લાગ્યા કે અઝીઝે મીસર યુસુફ પોતેજ કેમ નહીં હોય ? તેના વગર બીજું કોણ બીન યામીનને શાહી પોષાક સાથે તખ્ત ઉપર બેસાડે.
હ. યુસુફ (અ.)એ તેમનો વસવસો અને અચંબાભરી દશા સમજી જઈ પુછ્યું કે તમે કઈ ફીકરમાં અટવાઈ પડ્યા છો ? શું તમે તમારા ભાઈ યુસુફ સાથે અણસમજ હતા ત્યારે કોઈ ખરાબ વર્તન કર્યું હતું ?
આ સાંભળી તેઓની શંકાને સમર્થન મળતા, વધુ ખાત્રી કરવા તેઓએ અરજ કરી કે, શું તમે પોતેજ યુસુફ છો ?
હઝરતે ફરમાવ્યું, હા, હું જ યુસુફ છું અને બિન યામીન મારો ભાઈ છે. સાચેજ ખુદાએ અમારા ઉપર મહાન અહેશાન કર્યો છે. જેઓ પરહેઝગાર અને સબર કરનાર છે તેને અલ્લાહ પોતાની રહેમથી વંચીત રાખતો નથી.
આ સાંભળી હઝરતના ભાઈઓ રડી પડ્યા, અને કહ્યું કે ખરેખર ખુદાએ આપને અમારા નિગેહબાન તરીકે પસંદ કર્યા છે, સાચેજ અમે તમારા ગુનેગાર છીએ અને સજાને પાત્ર છીએ.
હ. યુસુફ (અ)એ ફરમાવ્યું કે, હું તમારા ઉપર દોષ નથી મુક્તો, તમે આઝાદ છો, અલ્લાહ મહાન અને બક્ષવાવાળો છે, તે તમોને બક્ષે, કારણ કે તે રહીમો કરીમ છે.
એ બાદ હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું કે એ તો કહો કે પિતાની આંખો કેમ કરતા જતી રહી ?
(૧૨૨/૧૨૩) જવાબ આપતા તેમના ભાઈઓએ કહ્યું કે તમારી જુદાઈની યાદ અને ગમમાં, તમારા પહેરણને હંમેશાં આંખો સામે રાખી તેઓ ઝાર ઝાર રડ્યા કરતા હતા, જેથી તેમની આંખોની રોશની જતી રહી છે. એ ઉપરથી હ. યુસુફ (અ.)એ પોતાનું પહેરણ પોતાના ભાઈ યહૂદાને સુપ્રત કરતાં ફરમાવ્યું કે, મારૂં આ પહેરણ લેતા જાઓ અને તેને પિતાની આંખો ઉપર લગાડજો, અલ્લાહ કરશે તો તેમની ગયેલી આંખની રોશની પાછી પ્રાપ્ત થતા તેઓ દેખતા થઈ જશે. (એ પહેરણ હ. યુસુફ (અ.)ને ગમના કુવામાં ખુદાના હુકમથી હ. જીબ્રાઈલ અમીને પહેરાવ્યું હતું.) એ બાદ તેમને અનાજ આપવા હુકમ કર્યો, અને ઝીયાફત કરી રવાના કરતા ફરમાવ્યું કે હવે તમે સઘળા પિતા સહીત મીસર આવી જજો.
(૧૨૩) હ. યાકુબ (અ.)ના ફરજંદો અનાજના કોથળા ઉંટ ઉપર ભરી મીસરથી કીનઆન તરફ જવા રવાના થયા. હજી તેઓ દરવાજાની થોડેક દુર નીકળ્યા હશે, એવામાં હ. યાકુબ (અ)ને પહેરણની ખુશ્બુ આવતા જ પોતાના આત્મિક બળને લીધે ઘરમાં હાજર રહેલા સભ્યોને ઉદે્શીને ફરમાવ્યું કે, કદાચ તમે મને ગાંડો કહેશો પણ મને ચોક્કસ પણે યુસુફના પહેરણની ખુશ્બુ આવી રહી છે.
થોડાક દીવસોની સફર પછી હ. યાકુબ (અ.)ના ફરજંદો પોતાના વતને આવી, પિતા સમક્ષ હાજર થઈ, મીસરની સઘળી વિગતનું વર્ણન કરતા કહ્યું કે ભાઈ યુસુફ મીસરમાં હૈયાત છે. તેમણે બીન યામીનને પોતાની પાસે જ રાખ્યો છે. ઉપરાંત આપણા સઘળા કુટુંબને મીસર આવી જવા ફરમાવ્યું છે, અને આ ત્રીજીવારનું અનાજ પણ કીંમત લીધા વિના ભેટ તરીકે આપ્યું છે.
તે પછી યહુદાએ પિતાને હ. યુસુફ (અ.)એ આપેલું પહેરણ આપતાં કહ્યું, હ. યુસુફે આપની જુદાઈને દુર કરવા તથા આશ્વાસન મળે એ ખાતર પોતાનું આ પહેરણ મોકલ્યું છે, જે હ. યાકુબ (અ.)એ સહર્ષ લઈ તેને પોતાની આંખ ઉપર રાખતા જ દેખતા થઈ ગયા અને પોતાનો યુસુફ હૈયાત છે તે માટે ખુદાતઆલાના શુક્રાના અદા કર્યા.
હ. યાકુબ (અ.)થી હ. યુસુફ(અ.)ને જુદા પડ્યાને વર્ષો વીતી ગયા હતા, જેથી એકબીજાને મળવાની ઈચ્છા ખુબ જ તીવ્ર બની ગઈ હતી, ખાસ કરીને હ. યાકુબ (અ.)ની અધીરાઈ, વ્યાકુળતા અને દુ:ખ અસહ્ય હતા, જેના પરીણામે આંખોની રોશની ચાલી ગઈ હતી, જે અલ્લાહની કુદરત તથા પહેરણની ખુશ્બુથી પુનઃ પ્રાપ્ત થઈ હતી, પોતાનો ફરજંદ મીસરમાં છે એ જાણ્યા પછી અને એ પોતાને આમંત્રણ આપી પોતાની પાસે બોલાવે છે એ જાણી હઝરત ઘણા ખુશી થયા અને પોતાના પરીવાર સાથે મિસર જવા માટે કીનઆનથી રવાના થયા.
(૧૨૪) હ. યુસુફ (અ.)ને પોતાના પિતા, સહકુટુંબ મીસર તરફ આવી રહ્યાની જાણ થતાં જ તેવણ રસાલા અને મોટા લશ્કર સહીત તેમને આવકારવા મીસરથી થોડેક દૂર સામા ગયા. પિતા-પુત્ર એકબીજાને ખુબ ભેટ્યા, અને વર્ષોના વિયોગ પછી મુલાકાત થતા અરસપરસ બેઉએ હર્ષના આંસુ વહાવ્યા.
હ યુસુફ (અ.)એ તેમને માટે ખાસ તૈયાર રાખેલા મહેલમાં તેઓને સહુને તેડી લાવી, તખ્ત ઉપર માતા-પિતાને પોતાની પાસે બેસાડ્યા, જ્યારે તેમના ભાઈઓએ તખ્તની સામે બેઠક લીધી, ત્યાર બાદ હ. યુસુફ (અ.) એ પિતાને અરજ કરતાં કહ્યું કે મને જે સ્વપ્નું આવ્યું હતું તેને અલ્લાહે સાચું અને સાબિત કર્યું છે અને મને અનેક દુઃખોમાંથી બચાવી લેવા ઉપરાંત બારીતઆલાએ મને મહાનતા બક્ષી છે, જે માટે હું તે માલીકનો શુક્ર ગુજાર છું.
હ. યુસુફ (અ.)ને ભાઈઓએ ગુમ કર્યા પછી પિતા-પુત્રની મુલાકાત ઈ. સ. પુર્વે ૧૭૦૬ માં થઈ હતી. આ વખતે હ. યુસુફ (અ.)ની ઉંમર ૪૦ વર્ષની હોવાનો ઉલ્લેખ મળી આવે છે.
હ યાકુબ (અ.)એ પોતાના ફરજંદ યુસુફને પોતે મીસરમાં હોવાની તથા અન્ય હકીકતની જાણ નહીં કરવાનું કારણ પુછતા, હ. યુસુફ (અ.)એ કહ્યું કે હું જ્યારે જ્યારે મારી હકીકતનો પત્ર લખી મોકલવાની ઈચ્છા કરતો હતો, ત્યારે ત્યારે ખુદાતઆલાના હુકમથી હ. જીબ્રાઈલ આવી મને તેમ કરવા મના કરતા હતા.
ત્યાર બાદ હ. યાકુબ (અ.) એ હ. યુસુફને ફરમાવ્યું કે ખેર તમે પત્ર તો ન લખી શક્યા તે જાણ્યું પણ હવે મને જણાવો કે તમારા ભાઈઓ તમને મારી પાસેથી લઈ ગયા પછી તમને શું શું તકલીફો આપી હતી ?
પિતાના એ શબ્દો સાંભળી હ. યુસુફ (અ.) ખામોશ રહ્યા, કારણ કે, તેમણે વિચાર કર્યો કે કોઈના એબ ઢાંકવામાં ખુદા રાજી છે; ખુદ ખુદા પણ લોકોના એબો ઉપર પડદો નાખે છે. આવા ખ્યાલથી ભાઈઓના એબ ઉપર પડદો નાખવા ખાતર તેમણે ચુપકીદી ધારણ કરી.
(૧૨૪/૧૨૫) હ. યુસુફ (અ.)ના ભાઈઓ પોતાના ભાઈની આવી રહેમદીલી નિહાળી, અચરજ પામ્યા અને બધા ભાઈઓએ પોતાના પિતાની નજીક તખ્ત પાસે જઈ અરજ કરી કે, ઓ પિતા ! અમે ગુનેગાર છીએ, માટે અમારા ગુના ખુદાતઆલાની હુઝુરમાં બક્ષાવી આપો. આ સાંભળી હ. યાકુબ (અ)એ વિચાર્યું કે મારા ફરઝંદોએ યુસુફનો ગુનો કર્યો છે માટે તે બક્ષી આપવા રાજી છે કે નહી તે જાણવું જોઈએ; એથી હઝરતે પોતાના પુત્રોને કહ્યું કે હું ખુદા પાસે તમારા માટે પરોઢીયે નુરના સમયે દુઆ માંગીશ, કારણ કે એ વખતે ખુદાના દરબારમાં ખાસ કરીને દુઆઓ કબુલ થાય છે. ત્યાર બાદ એકાંતમાં આપે હ. યુસુફ (અ.)ને ફરમાવ્યું કે, તમે તમારા ભાઈઓ ઉપર ખુશ છો યા નહી ? હ. યુસુફ (અ.)એ કહ્યું કે હું તેમના ઉપર અંત:કરણપૂર્વક ખુશ છું. આ સાંભળ્યા પછી ખુદાના દરબારમાં હ. યાકુબ (અ.)એ પોતાના ફરજંદોના ગુનાની માફી બક્ષવા દુઆ ગુજારી.
(૧૨૫) બીજા દિવસે મીસરની પ્રજાનો મોટા ભાગનો સમુહ હ. યાકુબ (અ.)ની મુલાકાતનું માન મેળવવા નજરાણા સહિત આપના નિવાસસ્થાને ઉમટી પડ્યો. ખુદ મલીક રહયાન પણ આ પ્રસંગે પધાર્યા, તેમના ઉપર હઝરત માટે ઘણી સારી છાપ પડી હતી, એટલુંજ નહી પણ હઝરતની મહોબ્બત અને હીદાયતથી તેઓ ખુદાતઆલા ઉપર ઈમાન લાવ્યા હતા અને રઈયતનો મોટો ભાગ પણ એક જ ખુદાને માનવા લાગ્યો હતો.
જેનેસીસના ૪૧માં પ્રકરણ ઉપરથી જણાય છે કે, સુકાળના વરસો દરમ્યાન હ. યુસુફ (અ.)એ 'ઓન' નામના શહેરના વડા ધર્મગુરૂની બેટી 'એસનાથ’ સાથે શાદી કરી હતી, જેના પેટે 'મનશશા' તેમજ 'અફરાયમ' નામના બે પુત્રો જન્મ્યા હતા.
હ. યુસુફ (અ.)ના બે ફરઝદોમાં 'અફરાયમ' તેમના ભાઈ 'મનશશા’ કરતાં વયમાં નાના હોવા છતાં, હ યાકુબ (અ.)એ અફરાયમને મોટાઈ આપી હતી. હ. યાકુબ (અ.)એ મીસરમાં વસવાટ કર્યા પછી લગભગ ૧૭ વર્ષ પર્યંત હૈયાતી ભોગવી ઈ. સ. પૂર્વે ૧૬૯૦માં મીસર ખાતે વફાત પામ્યા હતા. જેમને તેમની વસીહત મુજબ બેતુલમુકદસમાં હ. ઈબ્રાહીમ (અ.) તથા હ. ઈસહાક (અ.)ની નજદીક દફન કરવામાં આવ્યા હતા. હ. યુસુફ (અ.) પિતાની દફન ક્રીયા વખતે બૈતુલમુકદસ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ તેઓ તથા તેમના ભાઈઓ મીસરમાં રહેવા લાગ્યા હતા.
“કસસુલ-અંબીયા'ના જણાવ્યા પ્રમાણે હ. યાકુબ (અ)ના દરેક ફરજંદોએ પયગમ્બર તરીકે કાર્ય કર્યું હતું, તેથી તેઓ હ. ઈસા (અ.)ના જમાના સુધી ૧૨ કૌમ અને બની ઈસરાઈલ તરીકે ઓળખાતા હતા. હ. યાકુબ (અ.)ની વફાત પછી હ. યુસુફ (અ.)ને પયગમ્બરી મળી હતી.
(૧૨૫) હ. યુસુફ (અ.)એ પોતાના પિતા હ. યાકુબ (અ)ની વફાત બાદ ૨૪ વર્ષ સુધી પયગમ્બરી ભોગવી, ૧૧૦ વર્ષની વયે વફાત પામ્યા હતા, અને ત્યાંજ તેમને દફન કરવામાં આવ્યા હતા.
યા અલી મદદ
