અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૬
રેકોર્ડીંગ - ૬
હ. યુસુફ (અ.સ.) અને ઝુલેખાં
(પેજ-૧૦૨) ઝુલેખા હ. યુસુફ (અ.)ને જોતા વેંતજ હેરત પામી ગઈ અને તેમની સૌંદર્યશાળી મુખમુદ્રા ઉપર ફીદા થઈ ગઈ. પોતાના સ્વાધીનમાં હઝરત આવ્યા પછી તે એક ઘડી પણ તેમને પોતાથી દુર નહીં કરતા, તેમને તખત ઉપર બેસાડી રાખતી અને પ્રતીદીત પોતાની જાન તેમના ઉપર નીસાર કરતી. ઉપરાંત દુનીયાની ઉત્તમોત્તમ ન્યામતો મંગાવી તેણી હઝરતને ખવરાવતી, નીત નવા સુંદર પોષાક તેમને પહેરાવી પોતાની આંખો ઠંડી કરતી.
ઝુલેખાના અતુલ પ્રેમને હઝરત માતૃવાત્સલ્ય વહાલ સમજી આરામથી રહેવા લાગ્યા અને પોતા પાસેની અસાએ મુસા લાકડી લઈ, પોતાનો મોટા ભાગનો સમય બકરીના બચ્ચાંઓ સાથે રમત કરવામા વ્યતીત કરતા. આવી રીતે બઝીઝે મીસરના ઘરમાં હઝરતને સાત વર્ષ પસાર થઈ ગયા.
(૧૦૩) હવે ઝુલેખાની સબર ખુટી ચુકી હતી, તેના પ્યારની સીમા હદ ઓળંગી ગઈ હતી, મહોબ્બતનું પુર જોશમાં ઉછાળા મારી રહયું હતું, તેની યાકુળ વ્યાકુળતા પ્રતિદીન વધી રહી હતી; છ્તાં તેની જાણ કોઈને થાય નહીં તેની તેણી પુરેપુરી કાળજી રાખતી હતી. આમ હઝરત ઉપર ઝુલેખાની નીરાળી દ્રષ્ટી હતી, જ્યારે ઝુલેખાને હઝરત માતાની નજરે જોતા હતા.
ઘણી તકેદારી છતાં ઝુલેખાની હુઝુરમાં રહેતી બુઢીએ તેની ગમગીની તથા કરમાયેલો ચહેરો જોઈ એક વખત કહ્યું, હું તમને ઘણા સમયમાં ઉદાસ અને દુ:ખી જોઈ રહી છું, હરકત ન હોય તો તમે જે બલામાં ગીરફતાર હો તે મને કહો, કદાચ હું તમને મદદરૂપ થાઉ. ઝુલેખાએ પોતાની હકીકત દર્શાવતાં કહ્યું, આ ગુલામની મોહબ્બતે મને પરેશાન કરી મુકી છે, મને દુઃખના દરીયામાં ડુબાડી દીધી છે. મારાં અનેક પ્રયત્નો છતાં એ પાષાણ હૃદય માનવી મારી સામે આંખ ઉઠાવી જોતો નથી, તેથી હું લાચાર બની ગઈ છું. અય બુઢીયા હું શું કરૂં?
ડોસીએ હકીકત જાણી કહ્યું, અલબત, તેનો ઈલાજ જરૂર છે. પણ તે ઘણો ખર્ચાળ છે. તમારે ચિત્રકાર પાસેથી બન્નેની જોડીયા તસ્વીરો ચીતરાવવી પડશે, અને તેને તમારા શયનગૃહમાં ઉપર અને ચારેબાજુએ ગોઠવી તેને લલચાવવો પડશે. મને વિશ્વાસ છે કે તેમ કરવાથી તમારો મકસદ ફલીત થશે.
એ પરથી પુષ્કળ જોડીયા તસ્વીરો બનાવવા ખાતર ઝુલેખાએ મોટી રકમ બુઢીયાને આપી, તસ્વીરો તૈયાર કરાવી પોતાના શુશોભિત ખાનગી ઓરડામાં લગાડી દીધી. તસ્વીરો એટલા બધા પ્રમાણમા હતી કે જ્યાં નજર નાખવામાં આવે ત્યાં તસ્વીરો સીવાય બીજું કંઈ દેખાય નહીં.
શયનગૃહની તમામ રચના પુર્ણ થતા ઝુલેખાએ હ. યુસુફને ઓરડામાં બોલાવી બારણા બંધ કરી તાળા લગાડી દીધા અને હઝરતને પોતાની જોડે બેસાડ્યા. હઝરતને ઝુલેખાના ફરેબની ગંધ આવી. સાથે જ્યાં જ્યાં પણ પોતે નજર નાખતા ત્યાં ત્યાં ઉપર આજુબાજુ જોડીયા તસ્વીરો તેમની દ્રષ્ટીયે પડી. તેથી પોતે દ્રઢ નિશ્ચય કર્યો કે, હું મારી પાક દાનત અને પાકીઝગી ઉપર કાયમ રહીશ. આવો ફરેબ છતાં હઝરતે નજર સુધ્ધાં ઝુલેખા પ્રત્યે કરી નહીં. પોતાની આરઝુ-ઉમ્મીદો ઉપર પાણી ફરતું જોઈ ઝુલેખાએ કહ્યું, અય યુસુફ તમે મારા પ્રત્યે એક દ્રષ્ટી તો કરો. મને દુઃખના દાવાનળમાંથી બચાવી લેવા કૃપા તો કરો.
(૧૦૩/૧૦૪) હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું, હું ખુદાથી ડરૂં છું, ક્યાંક તે મને કયામતના દિવસે વ્યભીચારીઓમાં સામીલ ન કરે. તમે નથી જાણતા પણ હું પયગમ્બરઝાદો છું, મારાથી આવું ખરાબ કામ હરગીઝ થાય નહીં.
(૧૦૪) ઝુલેખાનો પ્યાર ઈશ્કેમિઝાજી હતો; તે દુન્યવી ઈશ્કમાં ચકચુર બની ગઈ હતી, તેથી હઝરતને ઘણી રીતે મનાવવા લાગી, પણ હઝરત એકના બે થયા નહીં, ત્યારે લાચાર થઈ ઝુલેખાએ કહ્યું, અય યુસુફ આ દાસીને શા માટે પરેશાન કરો છો ? હું હેરાન છું મને તેમાંથી ઉગારી લ્યો. હઝરતે ફરમાવ્યું, મને ખુદાનો ડર છે સાથોસાથ આવા બુરા કામનો ગમ પણ છે, સિવાય તમારા ઉપર તમારા પતિ અઝીઝે મીસરનો હક્ક છે. જેણે મને પોતાના પુત્ર સમ આરામથી રાખ્યો છે. આથી ઝુલેખાને લાગ્યું કે, યુસુફને અઝીઝનો ડર લાગતો હશે. જેને દુર કરવા તેણે કહ્યું, અય યુસુફ તમે અઝીઝથી ડરો નહીં. હું તેને કાતીલ ઝેર પીવરાવી મૌતના મોઢામાં ધકેલી દઈ, તમને તમામ દૌલતના માલીક બનાવી આપીશ. તમે કહો છો કે હું ખુદાથી ડરૂં છું પણ તે તો કરીમ - કરમ કરવાવાળો છે. તે ગુનેહગારો માટે રહીમ - રહેમત કરવાવાળો છે, હું તમારા માટે તૌબાના સદકા તરીકે મારો ખઝાનો તેની રાહમા લુંટાવી દઈશ. તમારો ખુદા ખુશ થઈ તમારા ગુનાહ બક્ષી આપશે.
મારો ખુદા આવી દૌલતનો ભુખ્યો કે રૂશવતખોર નથી, વળી તે એવું ધન ચાહતો નથી, અને લેતો પણ નથી. હ. યુસુફે જવાબ આપ્યો.
છતાં ઝુલેખાના વિચારોમાં ફેર ન પડ્યો, તે કામાંધ બની હ. યુસુફને શક્ય તેટલા બધા પ્રયત્નોથી સમજાવવા લાગી, છેવટે પોતાની ઈચ્છા તેમનાથી તૃપ્ત કરવા તેણે દ્રઢ સંકલ્પ કરી, ઘરમાં રાખેલા પોતાના સોનાના દેવ ઉપર તેણીએ જરીનું કપડું ઢાંક્યું, જે જોઈ હઝરતે પુછયું, આમ શા માટે કરો છો ? ઝુલેખાએ કહ્યું, તે મારા ખુદા છે, જેની હું પુજા કરૂં છું. તેના દેખતા મારાથી ખરાબ કામ કેમ થાય ? તેમ કરતા મને શરમ આવે છે. હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું, મારો ખુદા કે જે જાહેર-બાતુન સઘળું જાણે છે, તે મારા અને તમારામાં પણ વસી રહ્યો છે. તે એટલો બધો મહાન છે કે, તેના ઉપર પડદો નાખીજ ન શકાય, એટલે આવા મહાન ખુદાના દેખતા મારાથી બુરૂં કામ કેમ થઈ શકે ?
(૧૦૪/૧૦૫) પણ વિષય વાસનામાં અંધ બનેલા માટે આવી અનેક નસીહતો નકામી હોય છે ઝુલેખા માટે પણ આવી નસીહત કારગત નીવડી નહી. તેણી તો પોતાના હવસભર્યા વિચારોમાં મક્કમ રહી, પોતાની મનોકામના પોષવા પોતાના હાથ હ. યુસુફ પ્રત્યે લંબાવ્યા. આથી હઝરત ગભરાટમાં પડી, તેણીથી છુટકારો મેળવવા દ્વાર તરફ દોડ્યા, ઝુલેખા પણ પોતાના વાળ તથા વસ્ત્રો અસ્થવસ્થ કરી તેમને પકડી પાડવા પાછળ દોડી, તેમના પહેરણનો પાછળનો છેડો પકડી લીધો. જેને છોડાવવા જતા તે ફાટી ગયો. એ વખતે ખુદાના હુકમથી તાળા અને દ્વાર તરત ખુલી ગયા.
(૧૦૫) અઝીઝે મીસરનો ઘરે આવવાનો સમય થઈ ચુક્યો હતો, તેઓ બંધ બારણા પાસે આવી ઉભા હતા, જેવા દરવાજા ખુલ્યા કે, અઝીઝે મીસરે હ. યુસુફ તથા ઝુલેખાને ગભરાટભરી દશામાં જોઈ લીધા. પતિને દેખતા જ સ્વબચાવ અર્થે સ્ત્રીચરિત્રનો આરંભ કરતા ઝુલેખાએ કહ્યું, તમે એવા ગુલામને ઘરમા લાવી રાખ્યો છે જે મારાથી બદફેલી કરવા માગતો હતો.
ઝુલેખાની ફરીયાદ સાંભળી અઝીઝે હ. યુસુફ (અ.)ને કહ્યું, મેં તને મારા ઘરનો એક વિશ્વાસું અને સાચો માણસ સમજી રાખ્યો હતો, જેનો બદલો તું મારી સ્ત્રી ઉપર બદનજર કરી વાળ્યો ?
આપ વિશ્વાસ રાખો, હું તદ્દન નિર્દોષ છું, બલ્કે તમારી સ્ત્રી મારી ઈમાનદારી ઉપર જુઠું તહોમત ચઢાવે છે. હ. યુસુફ (અ.)એ ખુલાસો કર્યો.
અઝીઝે કહ્યું, તેની સાબીતી કોઈ આપી શકે છે ?
હા, આ એરડાના પારણામાં સુતેલો બાળક મારી ગવાહી આપશે. તમે તેને પુછી ખાત્રી કરી શકો છે, હઝરતે શંકા સમાધાન માટે ચોખવટ કરી. (એ બાળક અઝીઝે મીસરનો છ માસનો ભત્રીજો હતો.)
હઝરતની વાત સાંભળી, કટાક્ષભર્યું હાસ્ય કરતાં અઝીઝે કહ્યું, ગુનો તમે કર્યો છે, આ નાનકડો બાળક જેને હજી ઝબાન સુધ્ધાં આવી નથી, ભલા તે શું સવાલ-જવાબ કરી શકે, કે તમારી શાક્ષી આપી શકે ?
તેજ વખતે કુદરતે ઈલાહીની બક્ષીશથી પારણામાનો બાળક બોલી ઉઠ્યોઃ બુઝુર્ગવાર જેને પહેરણ સામેથી ફાટ્યું હોય તો યુસુફ ગુનેહગાર અને ઝુલેખા નીર્દોષ ગણાય, અગર પહેરણ પાછળથી ફાટેલું હોય તો ઝુલેખા ગુનેહગાર અને યુસુફ બેગુનાહ છે. અઝીઝે જ્યારે પહેરણ તપાસ્યું તો તે પાછળથી ફાટેલું મળી આવતા ઝુલેખાને ઉદે્શીને કહ્યું, તમો સ્ત્રીઓનું આ મોટામાં મોટું ષડયંત્ર અને ફરેબ છે, અને તેને પામવું મુશ્કેલ છે. આ ઘટનાથી અઝીઝને પોતાની સ્ત્રી પ્રત્યે સખત અણગમા સાથે ક્રોધ ઉત્પન્ન થયો, તેથી તેણે વિચાર્યું કે, તેણીને જાનથી મારી નાખવી અને લોક નીંદાથી બચવા યુસુફને કેદ કરવો.
(૧૦૬) પારણામાંનો બાળક આ હકીકત જાણી અઝીઝને કહેવા લાગ્યો, મારા બુઝુર્ગ તમારા ખ્યાલ કોઈપણ રીતે વ્યાજબી નથી, બલ્કે અક્કલમંદ ઈન્સાનોમાં જોઈએ તેનાથી વેગળો છે. આવા પગલા ભરવાથી તમે જનસમાજમાં નીંદનીય બનશો અને મેળવેલી આબરૂ ખોઈ બેસશો.
અઝીઝનો પુરેપુરો શક ઝુલેખા માટે બંધાઈ ગયો હતો, તેના ગુસ્સાએ પણ તેટલી જ ઉગ્રતા ધારણ કરી હતી, છતાં તેના ઉપર બાળવાણીની અસર થતાં અઝીઝે પોતાની પત્નીને ક્ષમા બક્ષી, સાથે હ. યુસુફને જેલમાં મોકલવાનું નક્કી કર્યું.
ધીરે ધીરે યુસુફ ઝુલેખાના બનેલા કિસ્સાની જાણ ઝુલેખાની નજદીક રહેતી તેની પાંચ સહેલીઓને થઈ, તેથી તેણીઓ ઝુલેખાની રૂબરૂ આવી, કટાક્ષભર્યા મહેણા મારવા લાગી ઝુલેખાથી એ સહન ન થતા તેણે કહ્યું, યુસુફનો હુશ્નજમાલ ચહેરો એકવાર તમે જુઓ તો મારી જેવી જ તમારી દશા થશે અને ખાત્રી પણ થશે. તેની ખાત્રી કરાવી આપવા ઝુલેખાએ એક મીજલસ ગોઠવી, અને પોતાની પાંચે સહેલીઓના હાથમા છરી સાથે એક એક લીંબુ આપ્યું. ત્યારબાદ અંદરનાં ઓરડામાંથી હઝરતને આવવા હુકમ કરતા કહ્યું, તમે તેઓની સામે અહીં આવે.
હ. યુસુફ (અ)એ જરીયન વસ્ત્રો તથા કમરબંધ ધારણ કરી જેવા મીજલસમાં પધાર્યા તેવોજ તેમનો સોંદર્યશાળી નૂર ચમકતો ચહેરો નિહાળી પાંચે સહેલીઓએ હાથમાંના લીંબુ કાપવાના બદલે બેભાન હાલતમાં પોતાના હાથ કાપી નાખ્યા. પોતાની આવી હાલત જોઈ સહેલીઓ ઝુલેખાને કહેવા લાગી. માશાહઅલ્લાહ આ કોઈ મનુષ્ય નહીં, પણ ફિરસ્તો છે. ત્યારે પેતાની હાલત રજુ કરતા ઝુલેખાએ કહ્યું, જેના માટે તમે મને તાનાબાજી અને મહેણુ સંભળાવતી હતી તે એજ શખ્સ છે. જેનાં રૂપ-સૌદર્યો મને બેકરાર બનાવી દીધી છે.
ઝુલેખાની પરેશાનીનો ખ્યાલ લાવી તેની સહેલીઓએ કહ્યું, આવો ખુબસુરત દીલદાર મેળવ્યા અને ઘરમાં રાખ્યા છતાં તું તેને ફોસલાવી કે ફરેબ આપી ન શકી ?
ઝુલેખાએ કહ્યું, કહેવું ઘણું સહેલું છે, સલાહ આપવી બહુજ આસાન છે, પણ મેં ઓછા પ્રયત્નો કર્યા નથી, મારી સર્વ શક્તિઓ તેને સમજાવવા પાછળ હું ખર્ચ ચૂકી છુ, છતાં એ પાષાણ હૃદયના માનવીએ મારી એકે વાત માન્ય રાખી નથી કે મારા દુ:ખ સુધ્ધાની પરવાહ કરી નથી. જે હજી પણ તે મારી વાતને માન્ય નહીં રાખશે તો પરીણામ એ આવશે કે તેને કેદના સળીયા પાછળ ધકેલાઈ જવું પડશે, અને સાથે સાથે બેઈજજત પણ થવું પડશે.
(૧૦૭) ઝુલેખાના ઉચ્ચ અને કઠોર શબ્દો તેની સહેલીઓ સાંભળી તેણીને આશ્વાસન આપતા કહ્યું, તમે કોઈ પણ આગળ પડતું કડક પગલું ભરો તે પહેલા અમારી ઈચ્છા યુસુફને સમજાવવાની છે. ઝુલેખાની સહેલીઓનો આશય માત્ર ફરીને યુસુફનાં દર્શન કરવા સીવાય બીજો ન હતો.
તેથી ફરીને બીજીવાર હ. યુસુફ (અ.)ને બોલાવવામાં આવ્યા. જ્યારે તેઓએ આવી બેઠક લીધી, ત્યારે તેઓના આરઝુમંદ હ્રદયો હ. યુસુફના દિદારથી તૃપ્ત કરી, હઝરતને સમજાવતા સાહેલીઓએ કહ્યું, તમે ઝુલેખાની દરખાસ્તને શા માટે માન્ય રાખતાં નથી ? કદાચ તેમ નહીં કરશો તો તમને જેલનો અઝાબ ભોગવવો પડશે. જેનો જવાબ આપતા હ. યુસુફ (અ.)એ કહ્યું, હું ખુદા પાસે વિનંતી સાથે માંગુ છું કે તે મને કેદમાં મોકલે, જેને અંગે હું આવા ફરેબો મક્કારથી બચવા પામું.
આ સઘળી બીનાની અઝીઝે મીસરને જાણ થઈ, ત્યારે તેણે નક્કી કર્યું કે, બહેતર તો એજ છે કે ઝુલેખા થકી થયેલી બદનામી અને લોક નિંદાથી બચવા યુસુફને કેદમાં મોકલવો. અઝીઝને હઝરત પ્રત્યે અત્યંત પ્રેમ તેમજ તેઓ બેગુનાહ હોવાની પુરી જાણ છતાં તેમને કેદમાં મોકલી આપ્યા. સાથે હુકમ ફરમાવ્યો કે, કશી તકલીફ આપ્યા વીના આસાની સાથે તેમને જેલમાં રાખવામાં આવે.
જેલના નોકરોએ સુંદર વસ્ત્રોમાં અપરાધીને નિહાળી અઝીઝે મીસરને વીનંતી કરી કે આપનો હુકમ હોય તો તેમને જેલના વસ્ત્રો પહેરાવવામાં આવે, જે ઉપરથી અઝીઝે હુકમ ફરમાવ્યો કે, તે કેદી નહીં પણ નજરબંધ છે.
એ વખતે મિસરની ગાદી ઉપર “મલીકે-રહયાન” નામનો બાદશાહ રાજ કરતો હતો, જેને ફીરઓનના નામથી પણ સંબોધતા હતા. તે ઝમાનામાં મીસરની ગાદીએ આવનાર દરેક રાજવીને ફીરઓન તરીકે ઓળખવામા આવતો હતો.
મીસરના બાદશાહ “મલીક રહયાને” પોતાના બે નોકર એક બબરચી અને બીજા સાકીને અમુક અપરાધના કારણે જેલમાં ધકેલ્યા હતા. હ. યુસુફ (અ.) પણ ત્યાંજ તેમની સાથે હતા. તેઓ સઘળા સાથે મળી એકબીજાના અપરાધો અન્યોઅન્યને કહેતા હતા.
(૧૦૭/૧૦૮) આમ ત્રણ દિવસો વીત્યા બાદ 'શકા' જે ફિરઓનને શરાબ પીવડાવનાર ‘શાકી’ હતો, તેણે અને બીજા બબરચીએ રાતના સ્વપ્નું જોયું, તેની હકીકત બીજા દીવસે તેઓ એકબીજાને આપસમાં કહેવા લાગ્યા. પણ તેઓ તેનો ઉકેલ કાઢી શક્યા નહી. એ જાણવાની તેમને તીવ્ર ઈચ્છા હતી, તેથી તેઓ હ. યુસુફ (અ.)ને તેની તાબીર સમજાવવા વિનંતી કરી.
(૧૦૮) હ. યુસુફ (અ)એ તેમને સ્વપ્નાની વિગત કહેવા ફરમાવ્યું, જેથી શાકીએ કહ્યું કે, હું શરાબનો શીશો ખોલી રહ્યો હોઉ એમ જોયું. જ્યારે બબરચીએ કહ્યું, મેં જોયું કે, રોટલીનો ટોપલો મારા માથા ઉપર છે. જેને પક્ષીઓ ખાઈ રહ્યા છે. તો કૃપા કરી આપ તેની તાબીર સમજાવો.
તેથી હઝરતે મનોમન વિચાયું કે, સૌ પ્રથમ હું એ લોકોને દીન-મઝહબની હીદાયત કરૂં ને ત્યારબાદ સ્વપ્નાની તાબીર કહુ. જેને લઈ હઝરતે બન્નેને દીલાસો આપતા કહ્યું, જે ખાવાનું આવે છે તે આવ્યા પછી હું તમને તેની મતલબ સમજાવીશ; કારણ કે ખુદાતઆલાએ તે સમજવાની મને શક્તિ બક્ષી છે. એ સાંભળી બન્નેએ કહ્યું તમારો ખુદા કોણ છે ? તમારો મઝહબ ક્યો છે ? અને તમારા બાપ-દાદા કોણ છે ?
હઝરતે ફરમાવ્યું, મેં મારા બાપ-દાદા હ. ઈબ્રાહીમ, યાકુબ અને ઈસહાકનો દીન અખત્યાર કર્યો છે. વળી અમે ખુદા સાથે અન્ય કોઈને શામીલ કરતા નથી, એટલા માટે કે તે વાહેદ-લાશરીક છે. જેથી અલ્લાહની આવી ન્યામતો અને રહેમતો અમારા અને સઘળા ઈમાનદારો ઉપર છે, જેને કેટલાક ગુમરાહ લોકો સત્ય માનતા કે કબુલ કરતા નથી.
તેથી બન્નેએ કહ્યું, જેની અમે ઈબાદત કરીએ છીએ, શું તે હક યાને સાચા ખુદા નથી ?
જવાબમાં હઝરતે ફરમાવ્યું, જેને તમે ખુદા માનો છો, અલબત તે સાચો ખુદા નથી; કારણ કે તેઓ પોતા ઉપર બેઠેલી માંખીને પણ ઉડાડવા જેટલી શકિત ધરાવતો નથી.
તે પછી બન્ને કેદીઓએ મનનું સમાધાન કરવા અર્થે પુછયું, તમે પોતાને પયગમ્બરઝાદા કહેવરાવો છો, પછી ગુલામ કેમ બન્યા ?
હઝરતે ફરમાવ્યું, મારા ભાઈઓએ હસદને લીધે મને વેચી નાખ્યો અને પછી પોતા ઉપર ગુજારેલી સઘળી હકીકત તેઓને કહી સંભળાવી.
(૧૦૯) બન્ને કેદીઓએ કહ્યું, હવે તમે અમને શું માર્ગદર્શન આપો છો ? અમે જેની પુજા કરીએ છીએ તેની તાબેદારી કરીએ કે નહી ?
હઝરતે ફરમાવ્યું, તમે પોતાના દીલને પુછી જુઓ કે, બુતખાનામાં તમારા બેસાડેલા અનેક બુતો જેને તમે ખુદા કરીને માનો છો તે ઘણા ખુદા વાજબી છે કે મહાન ગણાતો એક ખુદા ઈબાદતને લાયક અને બરહક છે, કે જે સૌને રોઝી રીઝક પહોંચાડવા ઉપરાંત જીવાડે અને મારે પણ છે ?
બન્ને કેદીઓને આ નસિહતની અસર થતા, એક ખુદા ઉપર ઈમાન લાવ્યા. પછી હઝરતને સ્વપ્નાની મતલબ સમજાવવા વિનંતી કરી.
જેની તાબીર કરતા હઝરતે શાકીને ફરમાવ્યું, તું ટૂંક સમયમાં કેદથી મુક્ત થઈ બાદશાહનો હુજુરીયો બની ફરીથી તેને શરાબ પીવડાવીશ.
પછી બબરચીને ફરમાવ્યું, તું અપરાધી ઠરી ફાંસીના લાકડે ચડીશ અને તારા મસ્તકનું માંસ પક્ષીઓ ફોલીને ખાશે; આવી મતલબ તમારા બન્નેના સ્વપ્નાની થાય છે.
એ બન્ને કેદીઓ ઉપર બાદશાહને ઝહેર આપવાની કોશિશનું તહોમત મુકાયું હતું. જેમાંથી શાકી નિર્દોષ ઠરી મુકત બની બાદશાહને શરાબ પીવડાવવાના કામ ઉપર તેની પાછી નીમણુંક થઈ; જ્યારે બબરચી ગુનેહગાર સાબીત થઈ શુળીએ ચઢતા તેનું માંસ પક્ષીઓએ ફોલી ખાધું.
જે વખતે બન્ને કેદીઓને બાદશાહની હુજુરમાં ઈન્સાફ માટે કેદખાનામાંથી લઈ જવામાં આવ્યા, તે સમયે શાકીને હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું હતું કે, તું બાદશાહની હુઝુરમાં જઈ મારી સિફારસ કરતા કહેજે કે એક નિર્દોષ કેદી જેલની યાતનાઓ સહન કરી રહ્યો છે.
“કસસુન્ન-અંબિયા”ના ઉલ્લેખ પ્રમાણે ખરી રીતે હઝરતને પોતાની નજાત અર્થાત છુટકારો ખુદાતઆલાથી માંગવો જોઈતો હતો, પણ શયતાને તેમને ભુલાવામાં નાખી અલ્લાહને બદલે બાદશાહથી છુટકારો મેળવવા પ્રેર્યા આ વાત ખુદાવંદતઆલાને મુદલ ગમી નહી.
(૧૦૯/૧૧૦) ત્યારબાદ હ. જીબ્રાઈલ અમીને કેદખાનામાં આવી હ. યુસુફ (અ.)ને ઈબાદત કરતા તથા દુઆ માંગતા જોઈ કહ્યું, યુસુફ તમે ખુદાથી નજાત ન ચાહતા, દુનિયાના એક માનવીથી મુક્તિની તલબ કરી અને બાદશાહને ભલામણ કરવા શાકીને કહ્યું જુઓ આ અપરાધને લઈ હજી તમને બીજા સાત વર્ષ કેદખાનાની યાતનાઓ સહન કરવી પડશે.
(૧૧૦) પોતાની થયેલી ભુલનો પશ્ચાતાપ કરતા હઝરતે ફરમાવ્યું, જેમાં મારો ખુદા રાજી છે, તેમાં હું ખુશ છું.
તે પછી હઝરતે હ. જીબ્રાઈલને પુછ્યું, મને ક્યા કારણને લઈ ખુદાતઆલાએ કેદમાં નાખ્યો છે ? જીબ્રાઈલે કહ્યું, તમે ખુદા ઉપર ભરોસો ન રાખતા, પોતા માટે રાજીખુશીથી કેદ માંગી હતી, તેથી તે દુઆ દરબારે ઈલાહિમાં કબુલ થઈને તમને જેલખાનું મળ્યું.
ઈન્સાન માત્ર ઉપર એ ફરજ છે કે ક્યારે પણ તેણે ખોટી દુઆ માંગવી નહી, પણ હંમેશા ભલાઈની યાચના કરવી.
બાદ હઝરત યુસુફ (અ.)એ હ. જીબ્રાઈલને ફરમાવ્યું, મારા પિતા વિષે તમે કંઈ જાણો છો ? ઉત્તરમાં તેમણે કહ્યું, હા. તેઓ તમારી જુદાઈના ગમ, કષ્ટ સહીત ઘરમાં બેસી અનુભવી રહ્યા છે, વિયોગને લઈ રડી રડીને આંખો ખોઈ નાખી છે, અને દિન-રાત ખુદાની ઈબાદત કર્યા કરે છે.
હ. યુસુફ (અ.)એ કેદીઓને પહેલી સ્વપ્નાની હકીકત, બન્ને ઉપર વિતી ચુકી હતી. જેને લઈ શાકી મુક્ત થયો હતો. બબરચી ફાંસીને લાકડે ચઢ્યો હતો, પણ શાકી હઝરતની ભલામણ ભુલી ગયો હોવાથી તેણે બાદશાહને વાત કરી નહીં હતી.
બીજી તરફ હઝરત કેદમાં હોવા છતાં પણ ઝુલેખાની મહોબ્બત કે ગમમાં સહેજ પણ ફેર પડ્યો નહોતો, તેણી પ્રતિદિન હઝરતની વસમી જુદાઈ અને યાદમાં ઝુર્યા કરતી હતી અને તેમના માટે સારામાં સારૂં ખાણું મોટા પ્રમાણમાં પોતાની પાંચ સહેલીઓ મારફત મોકલતી હતી, જેમાંથી થોડુંક પોતે ખાઈ બાકીનું કેદીઓને ખવરાવી આપતા હતા.
(૧૧૦/૧૧૧) એક રાત્રે મિસરના બાદશાહ ‘મલિક-રહયાને' સ્વપ્નામાં જોયું કે સાત રૂષ્ટપુષ્ટ ગાયોને, સાત અશકત ગાયો આવીને ખાઈ ગઈ. સ્વપ્નાનો ઉકેલ સમજવા બાદશાહે દરબાર ભરી દરબારીઓ અને નજુમીઓને એકઠા કરી, સ્વપ્નાની હકીકત રજુ કરતા કહ્યું, જો તમે તાબિર કરતા જાણતા હો તો આવેલા ખ્વાબની મતલબ મને સમજાવો. જેથી નજુમીઓએ કહ્યું કે, બાદશાહ સલામત આ ઉડતો ખ્વાબ છે તેની તાબિર કે મતલબ હોઈ ન શકે, તેમ તેની મતલબ અમે કહી શકતા નથી. તે ઉપરથી બાદશાહે ફરમાવ્યું, એવો છે કેાઈ જે મને સ્વપ્નાની મતલબ સમજાવી શકે ?
(૧૧૧) આ વખતે હુજુરીમાં શાકી હાજર હતો, તેણે અરજ કરતાં કહ્યું, આ૫ણા કેદખાનામાં યુસુફ નામનો એક શખ્સ છે જે સ્વપ્નાની તાબિર જાણે છે. અમારા સ્વપ્નાની પણ તેણે તાબિર કરી હતી, જે અક્ષરેઅક્ષર સાચી પુરવાર થઈ હતી, આપનો હુકમ હોય તો તેને હાજર કરૂં.
બાદશાહના હુકમથી સાકી જેલખાનામાં ગયો, જ્યાં તેને હઝરતે કરેલી ભલામણનું સ્મરણ થયું ! તે હ. યુસુફ (અ.) સામે શરમીંદો બની પોતાની ભુલની ક્ષમા યાચના અરજ કરી, મેં આપની બુઝુર્ગીનું વર્ણન બાદશાહની હજુરમાં કર્યું જેને લઈ મને તેમણે પોતાને આવેલા સ્વપ્નાની તાબિર પુછી આવવા મોકલ્યો છે.
હઝરત યુસુફ (અ.) ખ્વાબની તાબિર સમજાવતા ફરમાવ્યું, દુનિયા ઉપર પ્રથમ સાત વર્ષ ખેતી ઘણી જ પાકશે તેમજ સસ્તાઈ પણ ઘણી જ રહેશે. તે પછીના સાત વર્ષ સખ્ત દુષ્કાળ પડશે, જેના થકી ખેતી નષ્ટ પામશે, મોંઘવારી હદ વટાવી જશે, લોકો દુઃખોની યાતનાઓમાં સપડાઈ જશે અને જગતે ના જોયેલું કે ના અનુભવેલું સંકટ ઉતરી પડશે.
શાકીએ બાદશાહની હુજુરમાં જઈ ખ્વાબની હકીકત કહી સંભળાવી; જે સાંભળતા આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. સૌ ફીકર અને ચીંતામાં ગરકાવ બની ગયા. તેથી તેનો ઉપાય જાણી આવવા બાદશાહે શાકીને ફરી હઝરત પાસે મોકલ્યો. શાકીએ હઝરત પાસે આવી તેનો ઉપાય બતાવવા અરજ કરી. હઝરતે ફરમાવ્યું, સુકાળના સાત વર્ષો દરમ્યાન બની શકે તેટલા મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવો અને જ્યારે દુષ્કાળ પડે ત્યારે બચેલું અનાજ રૈયતને આપી દુકાળના સંકટથી તેને બચાવી લેવી.
બાદશાહે તાબીર અને ઉપાય જાણ્યા પછી વિચાર્યું કે, એ શખ્સ કોઈ સાધારણ નહીં બલકે દાના અક્કલમંદ અને વજીર બનાવવાને લાયક છે જેથી બાદશાહે શાકીને ફરમાવ્યું, તે શખ્સ કેવો છે ? જવાબ આપતાં શાકીએ અરજ કરી, ઘણોજ હુશિયાર અને અક્કલમંદ છે તે સીવાય શાકીએ પોતે અનુભવેલી તેમની સઘળી હકીકત બાદશાહને વિસ્તારથી કહી સંભળાવી.
(૧૧૨) તે ઉપરથી બાદશાહે જેલના જેલરને બોલાવી ફરમાવ્યું, યુસૂફ કેવો શખ્સ છે ? જેલરે અર્જ કરી, તેના જેવો ખુબસુરત કોઈ પેદા થયો હોય એવો મેં એકે જોયો નથી. હંમેશા તે ઈબાદત, બંદગી અને જીકરમાં પોતાનો સમય વ્યતિત કરે છે. તમામ કેદીઓને સારી નસીહત કરે છે ઉપરાંત તેના માટે આવતા જમણમાંથી થોડુંક પોતે ખાઈ બાકીનો ખોરાક કેદીઓને ખવરાવી આપે છે.
બાદશાહે ફરમાવ્યું, તેને ખાણું કોણ આપે છે ? જેલરે અરજ કરતા કહ્યું, ઝુલેખા તથા ક્યારેક મીસરની પાંચ અમુક સ્ત્રીઓ ખાનગી રીતે ખાણું મોકલે છે. તે સિવાય મારી જાણમાં એમ પણ આવ્યું છે કે, તે નીર્દોષ છે છતાં અઝીઝે મીસરે તેને જેલમાં કેદ કરાવ્યો છે. આથી બાદશાહે પોતાના વઝીર અઝીઝે મીસરને બોલાવી પુછ્યું, તમે આવા નેક શખ્સને શા માટે કેદમાં પુર્યો છે ? અઝીઝે અરજ કરી, હુઝુર જાણતા હશો કે મેં તેને 'માલીક ઈબ્ને બેનજાર’થી ખરીદ કરી, મારા ઘરનો મુખત્યાર બનાવી રાખ્યો હતો, મેં સ્વપ્ને પણ એવું ધાર્યું નહોતું કે તે મારી સ્ત્રી ઉપર બદદાનત કરશે.
ખરી હકીકત જાણવા બાદશાહે શાકીને ફરમાવ્યું, કેદમાંથી યુસુફને ઘોડા ઉપર બેસાડી મારી પાસે હાજર કરવામાં આવે; તે અનુસાર શાકીએ ત્યાં જઈ દરબારની વીતક ઘટના કહી સંભળાવી. હઝરતે તેને ફરમાવ્યું, બાદશાહ પાસે પાછો જા અને મારી વતી કહે કેદ, પેલી પાંચ સ્ત્રીઓ મને જોઈ બેહોશીમાં પોતાના હાથ કાપ્યા હતા, તેમને પુછી તપાસ કરી ખાત્રી કરો કે ગુનેગાર હું છું કે અન્ય કોઈ છે.
શાકીના આ ખુલાસાથી એ મામલો બાદશાહને ગુંચવણભર્યો લાગતા તેમણે પાંચ સ્ત્રીઓ સહીત ઝુલેખાને દરબારમાં હાજર કરવા હુકમ ફરમાવ્યો. તે મુજબ એ સઘળીએાને હાજર કરવામાં આવી.
તે પછી બનેલા મામલાની તપાસ હાથ ધરતાં બાદશાહે પ્રથમ પાંચ સ્ત્રીઓને પુછ્યું, જવાબમાં તેણીઓએ અરજ કરી કે હકીકત એવી છે કે, અમોએ યુસુફને નીહાળવા ઝુલેખા પાસે ઈચ્છા વ્યકત કરી હતી, તે મુજબ યુસુફ આવ્યા, તેમને જોતાં જ અમે શુધબુધ ખોઈ લીંબુના બદલે બેહોશીમાં પોતાના હાથ કાપી નાખ્યા, ખરી રીતે યુસુફ ગુનેગાર નથી.
(૧૧૨/૧૧૩) ઝુલેખાએ જ્યારે જોયું કે, ભેદ સઘળો જાહેર થતો જાય છે અને તે રોશન થઈનેજ રહેશે એટલે તેણીએ પોતેજ ઈકરાર કરતા બાદશાહને અરજ કરી કે મેં જ યુસુફના ઈશ્કમાં મોહીત બની તેને ભેળવવા અને ફસાવવાની કોશીષ કરી હતી, માટે ગુનેગાર હુંજ છું. યુસુફ નીર્દોષ છે, બેગુનાહ છે.
(૧૧૩) ઝુલેખાની સ્પષ્ટ અને ખુલ્લી જુબાની ઉપરથી તેનો પતી અઝીઝે મીસર ઘણો શરમીદો બની તેણીને પોતાના હકમાંથી છુટી કરી દીધી. ભર દરબારમાં પોતાની થયેલી બદનામી અને નાલેશીને લઈ તે હમેશા ગમમાં રહેવા લાગ્યો. પરીણામે તેને રોગ લાગુ પડયો અને તે ટુંક મુદત પછી મૃત્યુને આધીન થયો.
ઝુલેખાના ખુલાસાથી હ. યુસુફ (અ.) ની સત્યતા પુરવાર થતાં તેમને બાદશાહે પોતાની હુઝુરમાં તેડાવી ઘણાજ માનસહિત બેસાડી, અઝીઝે મીસર, ઝુલેખા તથા પાંચ સ્ત્રીઓને લગતી હકીકત કહી સંભળાવતાં ફરમાવ્યું', ઝુલેખાનાં નીર્લજ કૃત્યથી અઝીઝ ઘણો શરમીંદો બન્યો હતો. જે સાંભળી હ. યુસુફ (અ.)એ ફરમાવ્યું, મારી ઈચ્છા કે નેમ અઝીઝને શરમીંદો કરવાની મુદલ નહોતી, માત્ર હું બેગુનાહ છું સીવાય તેમની અનામતમાં મેં ખ્યાનત નથી કરી, એટલી જ જાણ અઝીઝે મીસરને થાય તેટલાજ માટે મેં તપાસ હાથ ધરવા આપને માંગણી કરી હતી. આ વખતે હ. યુસુફ (અ.)ની વય ૩૦ વર્ષની હતી.
Story of H. Yousuf and Zulekha Continue in…Story - 7.
યા અલી મદદ
