Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૫

રેકોર્ડીંગ - ૫

0:000:00

હઝરત ઈસહાક (અ.) તથા હઝરત યાકુબ (અ.) અને હ. યુસુફ (અ).

(પેજ-૮૮) હ. ઈબ્રાહીમ (અ.)ના બીજા ફરઝંદ હ. ઈસહાકનો જન્મ હ. ઈસમાઈલ (અ)ના જન્મ પછી ૧૩મા વર્ષે, એટલે હ. ઈબ્રાહીમ (અ.) જ્યારે લગભગ ૧૦૦ વર્ષના થયા ત્યારે થયો હતો. હ. ઈસહાકની માતાની મોટી ઉંમર છતાં કોઈ સંતાન થયું ન હતું, તેને ખુદાતઆલાએ બાળકની ખુશખબરી આપી હતી અને ૯૦ વર્ષની વયે હ. ઈસહાક (અ.)ને તેણીએ જન્મ આપ્યો હતો.

ખ્રીસ્તી ધર્મગુરૂઓના હીસાબે હ. ઈસહાકનો જન્મ ઈ.સ. પુર્વે ૧૮૯૭માં થયો હતો; હ. ઈસહાક તથા સારાહખાતુન, હ. ઈબ્રાહીમ (અ.)ની સાથેજ રહેતા હતા. હ. ઈસહાક (અ)ની વય ૪૦ વર્ષની થતા તેમની શાદી “રેબેકા" નામની સ્ત્રી સાથે થઈ હતી, જેના પેટથી “એસ” અથવા ઈસ (Esau) અને હ. યાકુબ જનમ્યા હતા. આ બંને જોડીયા ભાઈઓ હતા.

હ. ઈસહાક (અ.)ને ખુદાવંદતાલાએ “કીનઆન”ના લોકો ઉપર પયગમ્બર તરીકે મોકલ્યા હતા.

(૮૮/૮૯) હ. ઈસહાક (અ)ના પુત્રો ઈશ તથા હ. યાકુબ જ્યારે ઉમર લાયક થયા ત્યારે હ. ઈસહાક (અ.)એ હ. ઈશની શાદી હ. ઈસમાઈલની પુત્રી “મલહત” સાથે કરી આપી. હ. ઈસહાક (અ.) હ. ઈશને ઘણું જ ચાહતા હતા. હ. ઈશને શિકારનો ઘણો જ શોખ હોવાથી તેઓ પોતાનો વધું સમય શિકાર પાછળ ગુજારતા હતા.

(૮૯) એક દિવસ હ. ઈસહાક (અ) પોતાની વયોવૃધ્ધ અવસ્થા દરમ્યાન હ. ઈશને ફરમાવ્યું કે, એક જંગલી બકરી અથવા હરણનો શીકાર કરી મને તેના કવાબ બનાવી ખવરાવ તો, હું તારા હકમાં ખુદા તને પયગમ્બરી બક્ષે એવી દુઃઆ કરીશ. પિતાની ઈચ્છાને તૃપ્ત કરવા હ. ઈશ તીર-કમાન લઈ શિકાર કરવા ગયા, પાછળથી તેમની માતા કે જેઓ હ. યાકુબ ઉપર ઘણું જ વહાલ અને મહોબ્બત રાખતા હતા. તેમણે હ. યાકુબને કહ્યું કે, એક સારી રૂષ્ટપુષ્ટ બકરી લાવી તેને ઝબેહ કરી, તેના કવાબ ઘણી જલદીથી તારા પિતાને ખવરાવ, જેથી તેઓ તારા માટે દુઆ કરે. તે મુજબ હ. યાકુબ (અ) એ જલદીથી કબાબ બનાવી પોતાના પિતા પાસે હાજર કર્યા. અગાઉના પ્રકરણમાં આપણે જાણી ગયા છીએ કે, હ. ઈસહાક (અ) આંખોથી દેખતા ન હતા, તેથી કવાબની ખુશ્બું આવતા આપે ફરમાવ્યું, કબાબ કોણ બનાવી લાવ્યું છે ? જે સાંભળી હ. યાકુબ (અ.)ની માતાએ કહ્યું કે, ઈશ લાવેલ છે. હઝરત કબાબ ખાઈ રાજી થયા, તે પછી તેમની ઘરવાળીએ કહ્યું કે, યા હઝરત તમને જેણે ગોશ્ત ખવડાવ્યો છે તેના હકમાં દુઆ કરો. હ. ઈસહાક (અ)એ ખુદાના દરબારમાં દુઆ કરી કે, યા રબ જે દીકરાએ મને ગોશ્ત ખવડાવ્યો છે તેને તથા તેની ઔલાદને તું પયગમ્બરીની બક્ષીક્ષ કરજે.

ત્યારબાદ હ. ઈશે શીકાર લાવી તેના કબાબ બનાવી પિતાની ખીજમતમાં પેશ કર્યા. જેથી હ. ઈસહાક (અ.)ને થયું કે, મારી ઘરવાળી જેણી યાકુબને ઘણું જ ચાહે છે તેણીએ તરકટ કરીને યાકુબના હાથના કબાબ ખવડાવી તેના હકમાં દુઆ મંગાવી છે. આ વાતની હ. ઈશને જ્યારે જાણ થઈ ત્યારે તેઓએ આવેશમાં આવી કહ્યું, હું યાકુબને મારી નાખીશ. જે સાંભળી હ. ઈસહાક (અ.)એ ફરમાવ્યું, હું તારા માટે પણ દુઆ કરૂં છું. તારી નસલ દુનીયામાં ઘણી જ વધશે. આ દુઃઆ ખુદાઈ દરબારમાં કબુલ થઈ, જેની બરકતથી હ. ઈશની ઔલાદ ઘણી જ વધી.

હ. ઈસહાક (અ.) ત્યારબાદ વફાત પામ્યા. તે વખતે હઝરતની વય ૧૬૦ વર્ષની હતી.

(૮૯/૯૦) પોતાના પિતાની વફાત પછી હ. યાકુબ (અ.) પોતાના ભાઈ ઈશની બીકથી હંમેશા સંતાઈને રહેતા હતા. એક દિવસ તેમની માતાએ હ. યાકુબને કહ્યું કે, તું તારા મામા 'લાબન'ને ગામ જા, ત્યાં તું કોઈ પણ જાતની બીક વગર રહી શકીશ અને તારી જાત પણ સલામત રહેશે. વળી તારો મામો ઘણો માલદાર છે તેથી તને કંઈ પણ હરકત આવશે નહી. માતાની સુચના અનુસાર હ. યાકુબ (અ.) 'કીનઆન'થી રાતોરાત છુપી રીતે 'શામ' પ્રદેશના 'હારાન” તરફ પોતાના મામાને ગામે રવાના થયા.

(૯૦) હીબ્રુ ભાષામાં રાત્રે નીકળનારને ઈસરાઈલ કહેવામાં આવે છે. એ હ. યાકુબ (અ.)નું નામ છે. બની ઈસરાઈલનો અર્થ ઈસરાઈલના છોકરા (વંશ) થાય છે. ઈસરાનો અર્થ અબ્દ-દાસ અથવા ગુલામ, અને ઈલનો અર્થ અલ્લાહ થાય છે, જેનો સામટો અર્થ અબ્દુલ્લાહ અથવા ખુદાનો બંદો એમ થાય છે. અન્ય મત પ્રમાણે ઈસરાઈલનો અર્થ હિબ્રુ ભાષા પ્રમાણે ‘ખુદા તરફના હાકમ” એમ કર્યો છે, તેથી હ. ઈસહાકના વંશને બની ઈસરાઈલ તરીકે ઓળખવામાં આવે છે.

હ. યાકુબ (અ.) પોતાના મામાના ગામે આવી પહોંચતા તેના મામાએ તેમને આવકાર સાથે પોતા પાસે રહેવા કહ્યું, જેને લઈ તેઓ ત્યાંજ રહેવા લાગ્યા.

હ. યાકુબ (અ)ના મામાને બે પુત્રીઓ હતી, મોટીનું નામ 'લીયા' અને નાનીનું નામ “રાહીલ' હતું. રાહીલ ઘણી જ સુંદર અને દેખાવડી હોવાથી હ યાકુબ (અ)એ પોતાના મામાને પોતાની શાદી રાહીલ સાથે કરાવી આપવા માંગણી કરી, પ્રત્યુતરમાં તેના મામાએ જણાવ્યું કે, તમારી પાસે "મહર" અર્થાત સ્ત્રીધન આપવા કાંઈ પણ નથી, તો “મહર” ક્યાંથી આપશો ? હઝરતે કહ્યું, અલબત, મારી પાસે કંઈ નથી. એટલે થોડાક વર્ષો તમારી બકરીઓ ચરાવી તેના મહેનતાણામાંથી હું તેને “મહર” આપીશ. તે અનુસાર અરસપરસ એમ નક્કી થયું કે, હ. યાકુબ (અ.)એ સાત વર્ષ સુધી બકરીઓ ચરાવવી તે પછી તેમની શાદી રાહીલ સાથે કરી આપવામાં આવે. કરાર મુજબ સાત વર્ષ પુરા થતા હઝરતના મામાએ પોતાની મોટી પુત્રી 'લીયા’ સાથે તેમની શાદી કરી. પોતાની દીકરીને એકાંત રાત્રે હ. યાકુબ (અ.)ને હવાલે કરી. હઝરત ‘રાહીલ’ના બદલે ‘લીયા' ને જોઈ અચંબો પામ્યા અને સવાર થતા જ તેમણે પોતાના મામાને કહ્યું, મારી માંગણી 'રાહીલ' માટે હતી. પછી આમ કરવાનું કારણ ? તેમના મામાએ કહ્યું કે, 'રાહીલ' ખુબસુરત છે. તેથી લોકો કહેશે કે, મોટી દીકરીને ઘરમાં રાખી, નાનીને પરણાવી આપી. આ કર્તવ્યને સમાજ એબ સમાન ગણે છે, પણ જો તમને 'રાહીલ'થી શાદી કરવી હોય તો બીજા સાત વર્ષ બકરીઓ ચરાવવી એટલે હું રાહીલને તમારી સાથે પરણાવી આપીશ.

(૯૧) હ. યાકુબ (અ.) ફરીને બીજા સાત વર્ષ પોતાના મામાની બકરીઓ ચરાવી, એટલે તેમના મામાએ પોતાની બીજી-દીકરી 'રાહીલ' સાથે હઝરતના લગ્ન કરી આપ્યા. અને પોતાની પુત્રીઓને ઘણો માલ-અસબાબ આપી પોતાની જ પાસે રાખ્યા. લગ્ન પછી ‘લિયા'ને હ. યાકુબ (અ.)થી છ ફરજંદો પેદા થયા, જેના નામે રૂબીન, સમઉન, લાવી, યહુદા, અસખાર, ઝબુલુન રાખવામાં આવ્યા હતા.

૫ણ બીબી 'રહીલ”ને કેટલી મુદત વીત્યા છતાં કંઈ પણ સંતાન થયું નહી. એટલે રાહીલે પોતાની ઝુલફા નામની દાસીને હઝરતની ખીજમતમાં અર્પણ કરી, જેનાથી બે ફરજંદો પેદા થયા. હ. યાકુબ (અ.)એ તેમના નામે દાન, તથા તફતાન રાખ્યા.

“લીયા” એ પોતાની બહેનનું અનુકરણ કરી, પોતાની ‘બલહા” નામની દાસીને પોતાના પતિની ખીઝમતમાં અર્પણ કરી, જેથી તેને કાવા અને બશરા નામે બે ફરંજદો થયા.

ત્યારબાદ કેટલીક મુદ્દત વીત્યા પછી બીબી રાહીલે હ. યુસુફ (અ.)ને જન્મ આપ્યો, જેઓ ઘણાજ ખુબસુરત હતા, જેનું વર્ણન ખુદાતઆલાએ કુરઆને શરીફમાં કર્યું છે. હ. યાકુબ (અ.)ને આ સમય દરમ્યાન પોતાની બીબીઓથી અગિયાર ફરજંદો થયા હતા. જેમાં હ. યુસુફ (અ.)ને હઝરત ઘણુંજ ચાહતા હતા.

કેટલોક સમય વીત્યા પછી હ. યાકુબ (અ)ને માતાની મમતાભરી યાદ આવતા તેમણે 'કીનઆન' તરફ જવા વિચાર્યું, અને પોતાના મામાને તેની જાણ કરી, તેથી તેના મામાએ પોતાની પુત્રીઓને ઘણો માલ-અસબાબ આપી હઝરતની સાથે રવાના કર્યા.

'હારાન'થી હ. યાકુબ (અ.) પોતાની બીબીઓ તથા અગીયાર ફરજંદો તેમજ માલમત્તા સહીત કીનઆન તરફ જવા રવાના થયા, માર્ગમાં તેમને પોતાના ભાઈ હ. ઈશનો ખ્યાલ આવ્યો કે, જો તેમના દીલમાંથી મારા પ્રત્યેની અદાવત દુર થઈ નહી હોય તો કદાચ તેઓ મને મારી નાંખશે. આ તરફ તેમની સફર ચાલું હતી, બીજી તરફ હ. ઈશ શિકાર માટે જંગલમાં નીકળ્યા હતા, જેમને હ. યાકુબ (અ.) એ દુરથી ઓળખી લઈ પોતાના કાફલાના માણસોને ફરમાવ્યું કે, સામેથી કોઈ શિકારી આવી રહયો છે, જો તે અહીં આવી આપણા કાફલા વિષે પુછે તો કહેજો હ. ઈશનો એક ગુલામ યાકુબ હતો તેને આ કાફલો છે. આટલી સૂચના આપી હઝરત કાફલામાં સંતાઈ ગયા.

(૯૨) એટલામા હ. ઈશ કાફલા પાસે આવી પુછપરછ કરવા લાગ્યા. હ. યાકુબ (અ.)ના નોકરોએ તેમને જણાવ્યું કે, આ કાફલો હ. ઈશના ગુલામ યાકુબનો છે, જે શામના મુલ્ક તરફ ગયો છે. એ સાંભળી હ. ઈશે કહ્યું, યાકુબ મારો ગુલામ નહીં પણ ભાઈ છે જેને હું મારી જાનથી પણ વધારે ચાહું છું. આવા લાગણીભર્યા ઈશના હૃદય ઉદ્ગાર સાંભળી હ . યાકુબ કાફલામાંથી બહાર આવી પોતાના ભાઈને ભેટી પડ્યા. બંન્ને ભાઈઓ હેતથી અરસપરસ બગલગીર કરી ભેટ્યા, વર્ષો પછીના મેળાપને લઈ હર્ષના આંસુથી તેઓએ અન્યોઅન્યને ભીજવી દીધા. તે દીવસે કાફલો ત્યાંજ રોકાયો અને બીજા દિવસે કિનઆન તરફ જવા કુચ શરૂ કરી, ઘેર આવી પહોંચ્યા.

ત્યારબાદ એજ વર્ષે' બીબી રાહીલે બીજા ફરઝંદને જન્મ આપ્યો; તેનું નામ બિનયામીન રાખવામાં આવ્યું. બીબી રાહીલે બીજા ફરજંદના પ્રસવકાળ દરમ્યાન આ ફાની જગતનો ત્યાગ કર્યો, તેથી લીયાએ એ બાળક ઉછેરવાનો ભાર પોતાના ઉપર લઈ લીધો.

એ પ્રમાણે હ. યાકુબ (અ.)ને સઘળા મળી બાર ફરઝંદો હતા. ત્યારબાદ ખુદાતઆલાએ હઝરતને પયગમ્બરી બક્ષી, આથી કીનઆનના ઘણા લોકો તેમની હીદાયતથી ઈમાન લાવ્યા હતા.

હ. ઈશનો એક ફરજંદ 'રૂમ' નામે હતો, તેને પોતાની સાથે લઈ હઝરત જે દેશમાં ગયા તેને હમણા 'રૂમ' અથવા 'રોમ'ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એ શહેર 'રૂમ' એ નામ ઉપરથી મશહુર થયું છે. હ. ઈશ (અ.)એ ત્યાં વસવાટ કર્યા પછી રોમમાંજ વફાત પામ્યા હતા. તેમના ફરઝંદો ત્યાં જ રહ્યા હતા, જ્યાં તેમની ઔલાદ ઘણી વધવા પામી હતી.

હ. યાકુબ (અ.) હેબરન ગયા, અને પોતાના પિતા હ. ઈસહાક (અ.) સાથે રહેવા લાગ્યા. ઈ.સ. પુર્વે ૧૭૧૬ ના વર્ષમાં હ. ઈસહાક (અ.) વફાત પામ્યા. તેમની દફનક્રિયા વખતે હ. યાકુબ (અ.) તથા હ. ઈશ હાજર હતા.

હ. યાકુબ (અ.)નું વધુ વૃતાંત હ. યુસુફ (અ.)ના પ્રકરણમાં આપવામાં આવ્યું છે.

હઝરત યુસુફ (અ.)

(૯૩) હ. યાકુબ (અ.) શામથી કેટલીક મુદત બાદ પાછા કીનઆન આવી વસ્યાનો ઉલ્લેખ મળી આવે છે.

હ. યુસુફ (અ) માટે કુરઆને શરીફમાં સૂરે યુસફ નામની સુરા આવેલી છે, જેમાં સંક્ષિપ્તમાં ઘણું જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. હ. યુસુફ (અ.)ના કિસ્સાને 'હસનુલ કસસ' તરીકે ઓળખાવવામાં આવ્યો છે. દરેક પયગમ્બરોના કીસ્સામાં મજકુર બ્યાન 'અહસન' એટલે ભલાઈવાળો હોવાનું જણાવ્યું છે, કારણ કે, હ. યુસુફ (અ.) પ્રત્યે તેમના ભાઈઓએ હસદને લઈ ઘણો જ ખરાબ વર્તાવ કર્યો હતેા, છતાં પોતે ભલાઈ અને નેકીભર્યો સારો સંબંધ પોતાના ભાઈઓથી જાળવી રાખ્યો હોઈ 'અહસન' તરીકે તેને સંબોધવામાં આવે છે.

હ. યુસુફ (અ.)ના પિતાનું નામ યાકુબ બીન ઈસહાક, બીન ઈબ્રાહીમ ખલીલુલ્લાહ અને માતાનું નામ 'રાહીલ' હતું. અગાઉ જણાવ્યા મુજબ હ. યુસુફ (અ.)ની માતા તેમને બાળ અવસ્થામાં મુકી બીજા નાના પુત્ર બીન યામીનને જન્મ આપી પ્રસવ હાલતમાં વફાત પામ્યા હતા, જેને લઈ તેમની પરવરીશ તેમની ફુઈએ કરી હતી. જ્યારે બીનયામીનનો ઉછેર તેમની માતા જે બીજા સગપણે તેમના માસી કે જેઓ, હ. યાકુબ (અ.)ના પ્રથમ પત્ની હતા તેમણે કર્યો હતો.

હ. યાકુબ (અ)ને બધા મળી બાર ફરઝંદો હતા, પણ પિતાનો સૌથી વધુ પ્યાર હ. યુસુફ (અ.) પ્રત્યે હતો; તેને લઈ હ. યાકુબ (અ.) વહાલા ફરઝંદ યુસુફની જુદાઈ મુદ્દલ સહન કરી શકતા નહિં. તે સીવાય સૌથી નાના પુત્ર બીન યામીનને પણ તેઓ હમેશાં પોતાની પાસેજ રાખતા હતા, જ્યારે બાકીના દસ પુત્રોને પોતાની મીલ્કત તેમજ જાનવરોની દેખરેખ માટે મુકરર કર્યા હતા.

એક દીવસ એવું બન્યું કે, હ. યાકુબ (અ.)ના બહેન પોતાના ભાઈના ઘરે આવ્યા, તે વખતે હઝરતના સઘળા ફરઝદો ત્યાં હાજર હતા. એ બધા ફરઝંદોમાંથી હઝરતની બહેનને હ. યુસુફ (અ.) ઘણાજ ગમી ગયા, તેથી તેણીએ પોતાના ભાઈ હ. યાકુબ (અ.)ને કહ્યું કે, આપને ઘણા ફરઝંદો તથા એક બીબી હોવાથી તે એકલી સઘળાઓનો બોજ ઉપાડી શકે નહીં. માટે યુસુફને મને આપો તો હું તેની પરવરીશ કરીશ. બહેનની માંગણીને પાછી ન વાળતા હ. યાકુબ (અ)એ હ. યુસુફને તેમને સુપ્રત કર્યા, તેથી તેની બહેને હ. યુસુફને પોતાને ઘેર લઈ જઈ ઘણા વહાલ અને મહેબ્બતથી રાખ્યા, અને ઘણી સારી રીતે દિલ લગાડી તેમનો ઉછેર કરવા લાગ્યા.

(૯૪) પણ હ. યુસુફ (અ.)ની જુદાઈએ હ. યાકુબ (અ)ને ચેન લેવા દીધું નહીં. તેઓ હંમેશાં ગમગીન રહેતા અને ફરજંદની યાદ નીત્ય કર્યા કરતા હતા, અને પોતાની આવી હાલતને દુર કરવા વારંવાર બહેનના ઘરે જઈ પોતાના પ્યારા ફરજંદને જોઈ આવતા હતા, છતાં કોઈ રીતે તેમને રાહત મળતી નહીં. બલકે પ્રતિદીન ફરજંદ પ્રત્યે તેમની મહોબ્બત વધુ ને વધુ ઉછાળા મારતી હતી. આમ હ. યુસુફ (અ.) સાત વર્ષની ઉંમરના થયા ત્યારે ન છુટકે હ. યાકુબ (અ.)એ પોતાની બહેનને કહ્યું, એક ઘડી ૫ણ યુસુફ વગર હું રહી શકતો નથી, માટે હવે તેની પરવરીશ હું જ કરીશ. હવે તમે તેને મારે ત્યાં મોકલી આપો. એ સાંભળી તેમની બહેને કહ્યું, તમારી જેમ હું ૫ણ તેના વગર રહી શકું તેમ નથી. હઝરતે ફરમાવ્યું, એમ છે તો ભલે યુસુફ એક વધુ હપ્તો તમારે ત્યાં રહે. જ્યારે મુદ્દત પુરી થઈ ત્યારે સાતમે દિવસે હ. યાકુબ (અ)એ પોતાના ફરજંદની માંગણી કરી. કોઈ પણ ભોગે હ. યુસુફ પોતા પાસે રહે એવી ઈચ્છાને લઈ હઝરતની બહેને એક તરકટ ઉપજાવી કાઢયું, કે જેથી તેમના પિતા તેને લઈ જઈ શકે નહીં. તેણીએ હ. યુસુફે પહેરેલા કપડાની નીચે ન દેખાય તેમ એક કમરબંધ બાંધી દીધો. આવી યુક્તીથી તેણી હ. યુસુફને ચોર બનાવી પોતે તેને મેળવી લેવા ઈચ્છતી હતી. (તે ઝમાનામાં એ કાયદો હતો કે, ચોરી કરનાર શખ્સને સજા તરીકે જેની વસ્તું તેણે ચોરી હોય તેના ઘરે ગુલામ તરીકે રહેવું પડતું હતું).

છેવટે હ. યાકુબ (અ.)એ પોતાની બહેનને ત્યાંથી ફરઝંદને બોલાવી લીધા. હઝરત યુસુફના જવા બાદ તેમની ફોઈએ પોતાના ભાઈ પાસે આવી એવી ફરીયાદ કરી કે મારા પિતાનું કમર-બંધ શોધવા છતાં મળતો નથી, ન જાણે તે ક્યાં ખોવાઈ કે ચોરાઈ ગયો છે; પણ મને એવો શક છે કે, યુસુફને તેડી જવા આવેલા માણસોએ તે ઉચાપત કર્યો હોય, તેથી તેઓને તપાસ અર્થે રજુ કરવામાં આવે. તેણીએ તરકટ મુજબ હાજર થયેલાઓની ખોટી ખોટી તપાસ કર્યા પછી હ. યુસુફની કમર ઉપરથી પટો શોધી કાઢી કહ્યું, યુસુફેજ આ પટો ઉચાપત કર્યો છે, તેથી તે ગુનેગાર ગણાય, એટલે તેની સજા તરીકે તે દશ વર્ષ સુધી મારી પાસે કેદી તરીકે રહે અને મારી ખીઝમત કરે. એ દ્રશ્ય નીહાળી હ. યાકુબ (અ.) નાશીપાશ બન્યા અને પોતાના નુરેનજર ફરઝંદને પોતાની બહેનના હવાલે કરી દીધો. આમ બે વર્ષ વીતી ગયા બાદ હ. યાકુબ (અ.)ની બહેન વફાત પામ્યા જેથી હઝરતે પોતાના ફરઝંદને ઘેર તેડી લાવી પોતા પાસે રાખ્યો.

(૯૫) પોતાના ભાઈ યુસુફ પ્રત્યે પિતાનો પ્યાર અનહદ હોવાથી તેના ભાઈઓ તે સહન કરી શકતા નહીં તેથી તેઓ હમેશાં હ. યુસફની અદેખાઈ અને હસદ કરતા હતા, હસદ કરવાનું બીજું કારણ એ પણ હતુ કે તે જમાનામાં એવો કાયદો હસ્તીમાં હતો કે, જેથી સૌથી મોટા દીકરાને પિતાની મિલ્કત અને દૌલતમાંથી મોટો ભાગ મળતો હતો, જ્યારે બાકીની ઔલાદને પિતા પોતાની હઈયાતીમાં જે કંઈ બક્ષીસ કરે તેટલુંજ મળતું હતું. કદાચ પીતા હ. યુસુફને વારસદાર બનાવી વધુ હીસ્સો આપી દે, એમ આવા બે કારણોને લીધે તેમના ભાઇઓ હ. યુસુફની અદેખાઈ અને દુશ્મનાવટ કરતા હતા.

એક દિવસ હ. યુસુફ (અ)એ પોતાના પિતાને કહ્યું કે, ગઈ રાત્રે મેં સ્વપ્નામાં જોયું કે, “અગીયાર સીતારા, સૂર્ય અને ચંદ્રમાં આકાશથી નીચે ઉતરી મને સીજદો કરી રહ્યા છે."

આ હકીકત સાંભળી તેમના પિતા હ. યાકુબ (અ)એ ખ્વાબની તાબીર (મતલબ) કરતાં ફરમાવ્યું કે, સીતારા એ તારા ભાઈઓ છે, અને સૂર્ય-ચંદ્ર અમે તારા મા-બાપ છીએ. એક વખત તારો મર્તબો અમારા સઘળાથી બુલંદ હશે, તેમજ તું એક મોટો બાદશાહ બનીશ ઉપરાંત સ્વપ્નાની તાવિલનો અર્થ જાણવાનું જ્ઞાન પણ તને પ્રાપ્ત થશે, જેને અંગે તારો મર્તબો લોકોમાં ઘણોજ વધશે. હવે મારી તને એ ભલામણ છે કે, આ સ્વપ્નાની હકીકત તું તારા ભાઈઓ પાસે કરીશ નહીં, રખે તેઓ તારા માટે કાવતરું રચે, કારણ કે, ઈન્સાન માટે શયતાન એક ખુલ્લા દુશ્મન મીશાલ છે.

હ. યુસુફ (અ.)એ પોતાના પિતાની તાકીદભરી સૂચના છતાં એક દીવસ સ્વપ્ના અને તાબીરની વિગત તેમણે પોતાના ભાઈઓને ભોળા ભાવે કહી દીધી. જેથી ક્રોધે ભરાઈ તેમના ભાઈઓએ કહ્યું કે, શું અમે તારા તાબામા રહીશું ? ત્યારથી ભાઈઓના હૃદયમાં હસદનો જવાળા ભડકી ઉઠ્યો અને સઘળા ભાઈઓએ એકઠા મળી યુસુફને મારી નાખવાનો તાગડો રચ્યો. આ કાવત્રાનો આગેવાન 'સમઉન' નામનો તેનો ભાઈ હતો.

(૯૫/૯૬) કાવત્રા મુજબ સઘળા ભાઇઓએ સલાહ કરી એવું નક્કી કર્યું કે, ગમે તે ભોગે યુસુફને પિતાથી છુટો કરી દુર મયદાનમાં લઈ જવો. એ યુક્તિને પાર પાડવા તેઓ સઘળાએ હ. યુસુફ (અ.) પાસે આવી કહ્યું કે, અમારા વહાલા ભાઈ આજે ગમત જોવા અમારી સાથે મેદાનમાં ચાલે, જ્યાં તમને ખુબ તમાશો દેખાડશું અને બકરીનું દુધ પણ પીવરાવશું. હઝરતે કહ્યું, હું આવવા ઈચ્છું છું પણ પિતાનો હુકમ નથી તેનું કેમ ? તેમના ભાઈઓએ સલાહ આપી કે તમે પિતા પાસેથી હુકમ મેળવો. જરૂર તેઓ તમને રજા આપશે. તે પછી તેમના ભાઈઓએ તેમના માથાના વાળ ઓળી આપી હ. યુસુફ (અ.)ને પિતા પાસે મોકલ્યા.

(૯૬) હ. યુસુફ (અ.) પિતા પાસે આવી તેમના હાથ પગને ચુંબન કરી અરજ કરી કે, અય બાબા જો તમારી પરવાનગી હોય તો હું મારા ભાઈઓ સાથે મેદાનમાં ફરવા જવા ઈચ્છું છું. તેમના પિતાએ ફરમાવ્યું, તને મોકલવામાં મને ભય લાગે છે કદાચ તેઓ તને મારી નાખે તો ? પિતા પુત્ર વચ્ચે થયેલી વાતચીત ભાઈઓએ સાંભળી યહુદાને કહયું કે, તમો પિતા પાસે યુસુફ માટે રજા માંગો. યહુદાએ પિતા પાસે જવા પહેલા પોતાના ભાઈઓને કહ્યું કે, તમે સઘળા મારી સાથે એવો કરાર કરો કે, યુસુફને મારી નાખવો નહી તે મુજબ સહુ ભાઈઓએ કોલથી બંધાઈ પિતા પાસે આવી કહ્યું, અય પિતા શા માટે તમે અમારો વિશ્વાસ કરતા નથી ? અમે તો યુસુફના ખેરખવાહ અને ભલાઈ ચાહવાવાળા છીએ; માટે અમારી સાથે તેને મોકલો કે, ત્યાં જઈ તે ખેલકુદ કરે અને કંઈક ખાય પીયે. અલબત ખુદાની રહેમત તેની સાથે જ છે.

હ. યાકુબ (અ.)એ ફરમાવ્યું, મને ભય લાગે છે, ક્યાંક તમારી બેપરવાહીથી ભેડીયો (વરૂ) તેને ખાઈ જાય તો ? (હઝરતના પુત્રો વરૂનું બહાનું કરવાને નીરધાર કરી ચુક્યા હતા, જેની પ્રેરણા હ. યાકુબના દીલમાં થઈ આવવાથી તેમણે વરૂનું ઉચ્ચારણ કર્યું હતું).

હઝરતના ફરઝંદોએ કહ્યું, શું અમારામા તાકાત કે શકિત નથી ? વરૂ તેને ખાવા આવશે તો અમે શું યુસુફને બચાવી નહી શકીએ ?

ત્યારબાદ હ. યુસુફને સહીસલામત પાછા લઈ આવવાનું વચન પોતાના ફરજંદોથી લઈ તેમણે હ. યુસુફને તેમની સાથે જવા રજા આપતા ફરઝંદોને ઉદે્શીને કહ્યું, જુઓ યુસુફને હું તમારે હવાલે કરૂં છું તેનો ખ્યાલ રાખજો.

(૯૬/૯૭) સઘળા ભાઈઓ 'કીનઆન'થી બાર માઈલ દુર જ્યાં જાનવરોને ચરવાની ચારાગાહ હતી ત્યાં હ. યુસુફ સાથે જઈ પહોંચ્યા. પછી તેઓ હ. યુસુફ ઉપર જુલ્મ કરવા તથા તમાચા મારવા લાગ્યા. અચાનક જુલ્મ ગુજરતો અનુભવી હ. યુસુફ (અ.)એ ભાઈઓને કહ્યું, મેં તમારો ક્યો એવો ગુનો કે અપરાધ કર્યો છે જેને લઈ તમે મારા ઉપર આટલો જુલ્મ કરે છો ? શું આપણા પિતાએ તમો ભાઈઓને મને સોંપ્યો નથી ? તમે મારા ભાઈઓ નથી ? તમે આપણા પિતાએ કરેલી વસીયત ભુલી જાઓ નહિ. આમ ઘણી કાલાવાલા સાથે પોતે પોતાના ભાઈઓને સમજાવ્યા છતાં તેની મુદ્દલે દરકાર ન કરતાં તેએાએ કહ્યું, તે પિતાને બનાવટભરી એવી જુઠી વાત કરી છે કે, મેં સ્વપ્નામાં સૂર્ય-ચંદ્ર તથા અગીયાર સિતારાઓ આવી મને સિજદો કરતાં જોયા, આમાં તારી ખુલ્લી ભાવના એ છે કે, અમે સૌ તારા તાબેદાર રહીએ એમ ને ? લે હવે તારૂં મૌત આવી પહોંચ્યું છે, તેનો સ્વાદ ચાખી લે.

જ્યારે યહુદાએ હ. યુસુફને મારી નાખવાની વાત સાંભળી ત્યારે તેણે પોતાના ભાઈઓને કહ્યું, તમે આપેલા કોલ ઉપર કાયમ રહો અને મારી નાખવાની વાત કરો નહિં. પણ તેને જીવતો ગમના કુવામાં નાખી દીયો.

તે પછી “ગમ” નામના કુવા પાસે તેઓ હ. યુસૂફને લઈ આવ્યા. કહે છે તે કુવો ૭૦ વાર ઉંડો અને સર્પ-વીંછીથી ભરપુર હતો. જ્યાં હ. યુસુફનું' તેએાએ પહેરણ ઉતારી કુવાની અંદર ઉતારવા ડોલમાં બેસાડયા. ૫ણ હ. યુસુફ (અ.)એ કુવાના કીનારાને પોતાની સર્વશકિતથી મજબુત પકડી રાખેલ હોવાથી તેમના ભાઈઓએ બીજી યુકિત અજમાવી. હ. યુસુફને દોરડાથી મજબુત બાંધી સૌએ સાથે મળી તેમને કુવામાં ઉતાર્યા. જ્યારે અંદર અધવચ્ચે હું યુસુફ ગયા ત્યારે ઉપરથી તેના ભાઈએાએ દોરડું કાપી નાખ્યું. હઝરત કુવાના પાણીમાં પછડાય તે પહેલા ખુદાના હુકમથી હ. જીબ્રાઈલે ત્યાં આવી હ. યુસુફને અધ્ધર ઝીલી લઈ કુવાની અંદરની એક ભેખડ ઉપર બેસાડ્યા. તે પછી બહેશ્તમાંથી તેમના માટે જમણનો થાળ લાવ્યા અને હ. ઈબ્રાહીમ (અ)ને આગમાં ફેંક્યા ત્યારે જે પહેરણ તેમને માટે લાવ્યા હતા, કે જે પહેરણ છે. ઈબ્રાહીમ પછી ઉત્તરોત્તર છે. યાકુબ પાસે લાવવામાં આવ્યું હતું અને હ. યાકુબ (અ.)એ તે પહેરણને સંકેલી તાવીઝ તરીકે હ. યુસુફ (અ)ના ગળામાં નાખ્યું હતું. હ. જીબ્રાઈલ અમીને તેને ગળામાંથી કાઢી તે હ. યુસુફને પહેરાવ્યું.

(૯૭/૯૮) દોરડું કાપ્યા પછી હ. યુસુફના ભાઈઓને ખાત્રી થઈ કે, તે કુવામાં મરી ગયો હશે, તેથી પિતાને જઈ શું જવાબ આપવો તેની વેતરણ તેઓએ આપસમાં એવી રીતે કરી કે, ઘરે જઈ પિતાને કહીશું કે, હ. યુસુફને વરૂ ખાઈ ગયો. તે પછી તેઓએ એક બકરીના બચ્ચાંને કત્લ કર્યું અને તેનાં લોહીમાં હ. યુસફનું ઉતારી લીધેલું પહેરણ ડુબાડી તેને લોહીવાળું કરી પિતાને દેખાડવા તેઓએ સાથે લીધું.

(૯૮) સાંજના સૂર્યાસ્ત થતાં, ધરતી ઉપર અંધારૂં પથરાતા, સઘળા ભાઈઓએ રડતા રડતા પિતા પાસે આવી કહ્યું કે, અમે યુસુફને માલ-અસબાબ પાસે બેસાડી સહેજ દુર ગયા ન ગયા તેટલામાં એક વરુએ આવી યુસુફને ફાડી ખાધો. અલબત, તમે અમારી વાત ઉપર વિશ્વાસ કરશો નહીં, પણ જે સત્ય હકીકત છે તે અમે આપને કહી રહ્યા છીએ. તે પછી તેઓએ સાથે લાવેલું લોહીવાળું પહેરણ તેની સાબીતીરૂપે પિતા સમક્ષ રજું કર્યું. હ. યાકુબ (અ.)એ લોહીથી ખરડાયેલું પહેરણ હાથમાં લઈ જોયું તો તે ક્યાંય પણ ફાટેલ નહોતું. તેથી આપે ફરમાવ્યું, મને આમાં યુસૂફના લોહીની ગંધ નથી આવતી. તમારા કહેવા મુજબ વરૂએ યુસુફને ખાધો છતાં તે એટલો બધો તેના ઉપર મહેરબાન થઈ ગયો કે તેનું પહેરણ સુધ્ધા તેણે ન ફાડતા સલામત રાખ્યું. હવે જે તમે સાચા હો તો વરૂને મારી પાસે લાવી હાજર કરો.

પિતાના હુકમને આધીન થઈ સઘળા ભાઈઓ ચારાગાહના જંગલમાં જઈ એક વરૂને પકડ્યું, અને તેના મોઢામાં બકરીનું લોહી લગાડી તેને પિતા સમક્ષ લાવી હાજર કર્યું.

વરૂને સંબોધતા હ. યાકુબ (અ.)એ ફરમાવ્યું, અય વરૂ તે મારા જીગરના ટુકડા જેવા પ્યારા ફરઝંદને ફાડી ખાધો ? તે તેના નાજુક તન ઉપર જરા પણ રહેમ ન કરી ? તને મારી બુઝુર્ગી ઉપર સહેજ પણ વિચાર ન આવ્યો ? હઝરતનું સંબોધન પુરૂં થતા, ખુદાના હુકમથી વરૂં બોલ્યું, હઝરત ખુદાના સૌગંદ ખાઈ કહુ છું કે, મેં તમારા યુસુફને ખાધો નથી, હું ગઈ રાત્રે જ ચારાગાહમાં આવ્યો છું. પરોઢીયું થતાં જ તમારા ફરઝંદોએ મને પકડી પાડી, બકરીનું લોહી મારા મોઢામાં લગાડી, નાચીજને આપની હુઝુરમાં હાજર કર્યો છે. હ. યાકુબ (અ.)એ તેની વાતને સાચી માની તેને ખાણું ખવરાવી રવાના કર્યો.

ત્યારબાદ પોતાના ફરઝંદોને ફરમાવ્યું, જાણી લીયો કે, મેં મારા યુસુફને અલ્લાહને હવાલે કર્યો છે, અને હું તેની જુદાઈ માટે ખુદાથી સબર ચાહું છું. તે પછી હઝરત ઈબાદતમાં મશગુલ રહેતા હતા. રોજબરોજ જુદાઈના ગમને લઈ એટલું બધું રડતા કે, તેમની આંખો જતી રહી, અને તેવણ નાબિનાઈ બની ગયા.

(૯૯) એક દિવસ હ. યાકુબ (અ.) પાસે હ. જીબ્રાઈલ અમીન હાજર થયા. હઝરતે આપને પુછયું, મને મારો યુસુફ ક્યાં મળશે ? હું ક્યાં જાઉં ? મારા યુસૂફને ખુદા પોતાની પનાહમાં રાખે, હું એટલુંજ ચાહું છું. તે પછી હઝરતને કુદરત તરફથી પ્રેરણા થઈ. અય યાકુબ તેં તારા યુસુફને મને સુપ્રત કરવાના બદલે તારા ફરઝંદોને સોંપ્યો નહોતો ? શું તેઓ તેની સંભાળ કે રખેવાળી કરવાવાળા હતા ?

મજકુર પ્રેરણાથી સજાગ બની હ. યાકુબ (અ)એ અરજ કરી, યા રબ મારી ભુલ થઈ, તું મને માફ કર.

બીજા મત પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે, હ. યાકુબ (અ.)ને પોતાના ફરઝંદ હ. યુસુફ (અ.)થી જુદાઈનો વિયોગ અને દુ:ખ ભોગવવાનું બીજું કારણ એ હતું કે, હ. યાકુબ (અ.)એ એક વખત પોતાને ત્યાં જમવાનું કર્યું હતું, તે દરમ્યાન તેમના દ્વારા એક મોહતાજ અને ભુખ્યા ફકીરે આવી જમણ આપવા સવાલ કર્યો. જેને હઝરતે બેસાડી જમણ આવે છે કહી કંઈક કામમાં રોકાઈ ગયા, જેથી તેમને પેલા ફકીરનો ખ્યાલ રહ્યો નહી. ઘણો સમય ફકીર ઈન્તેઝારીમાં બેસી ભુખના દુઃખથી કંટાળી હઝરતના ઘરથી જતો રહ્યો. તેણે જતા એવી દુઆ કરી, યા ઈલાહી તેને તેની ઉમ્મીદથી વંચિત રાખજે. જે દુઆ 'ઈલાહી દરબારમાં કબુલ થઈ હતી.

ત્યારબાદ હ. યાકુબને ફકીરની યાદ તાજી થતા, આપ તેને જોવા દ્વારે આવ્યા, ત્યાં તો ફકીર ચાલ્યો ગયો હતો. આપે મનોમન કહ્યું, ભુખ્યો બિચારો રાહ જોઈ ચાલ્યો ગયો. જેથી તેમને અત્યંત દુ:ખ થતા તેમણે પોતાની ભુલને પશ્ચાતાપ કરતા દરબારે ઈલાહીમાં આજીજીપૂર્વક વિનંતી કરી; યા મારા રબ, તું રહેમ કરવાવાળો અને કરમ ફરમાવવાવાળો ગેબનો જાણકાર મહાન છે. મેં ઈરાદાપુર્વક કે જાણી જોઈ નહીં પણ અજાણતાએ ભુલ કરી છે, તે બદલ તું મને માફ કર.

ખુદાવંદતાલાએ હ. જીબ્રાઈલ મારફત ફરમાવ્યું, તારી ઈરાદાપુર્વકની ભુલ નહી હોવાથી જ યુસુફ કુવામાંથી બચી ગયો છે.

એ વખતે હ. યુસુફ (અ.)ની વય અઢાર વર્ષની હતી. બીજા મત પ્રમાણે ૧૭ વર્ષની હતી અને અન્ય કેટલાક મતોએ ૧૨ વર્ષની જણાવી છે, જે સર્વમાન્ય ગણાય છે.

(૯૯/૧૦૦) હ. યુસુફ (અ.)ને કુવામાં નાખ્યાને ત્રણ રાત-દિવસ વીતી ચુક્યા હતા ચેાથા દીવસે કુદરતી મધ્યનથી મીસર તરફ જતો મુસાફરોનો એક કાફલો માર્ગ ભુલ્યો હોવાથી કુવા પાસે આવી લાગ્યો. એ કાફલો 'માલેક બેનઝાર' નામના શખ્સનો હતો. તે કાફલાના 'બશરા' નામના ગુલામે પાણી માટે કુવા પાસે આવી ડોલને કુવામાં નાખી. આ વખતે ખુદાના હુકમથી હ. જીબરાઈલે આવી હઝરતને ડોલમાં બેસી જવા કહ્યું. ફરમાને ઈલાહી મુજબ હઝરત ડોલમાં બેસી ગયા. ડોલ ઉપર આવી. ગુલામે પાણીના બદલે તેની અંદર એક નવજુવાન હૂસનજમાલ છોકરો બેઠેલો જોયો, તેવો જ ગુલામે કાફલાના સરદાર પાસે જઈ સઘળી હકીકત કહી સંભળાવી. સરદારે તેને પોતાની પાસે લાવવા ગુલામને કહ્યુ.

(૧૦૦) સરદાર સમક્ષ હ. યુસુફ (અ.) રજુ થતા જ તેમની ખુબસુરતી નિહાળી સરદારે પુછયું, તું આદમની ઔલાદમાંથી છે કે ફીરસ્તા યા પરી-જાતમાંથી છે ? હઝરતે ફરમાવ્યું, હું આદમની ઔલાદમાંથી છું. તે વખતે કંઈક કામસર હઝરતના ભાઈઓ પણ ત્યાં આવ્યા હતા, તેઓએ કાફલા પાસે હ. યુસુફને ઉભેલા જોઈ તેના સરદાર પાસે જઈ કહ્યું, આ અમારા ઘરનો ગુલામ છે તે બીકનો માર્યો ઘરેથી ભાગી કુવામાં છુપાઈ ગયો હતો. હવે અમે તેને વેચવા ઈચ્છીએ છીએ, સરદારે કહ્યું, હું તેને ખરીદવા તૈયાર છું, પણ મારી પાસે ફક્ત મીસરી અઢાર દીરહમ બચ્યા છે. (મીસરી અઢાર દીરહમ કિન આનના ૯ દીરહમની બરાબર ગણાતા હતા) જોઈએ તો તેની કિંમતના બદલામાં લઈ લીયો. અને માત્ર નવ દિરહમ જેટલી નજીવી કીંમત લઈ, હઝરતના ભાઈઓએ પોતાના ભાઈ યુસુફને વેચી નાખ્યો.

કસસૂલ અંબિયાનાં ઉલ્લેખ પ્રમાણે એક રિવાયત એવી છે કે, હ. યુસુફ (અ.)નું નજીવી કીંમતે ગુલામ તરીકે વેચાણ થવાનું કારણ એ હતું કે, એક દીવસ હઝરતે આરસીમાં પોતાની ખુબસુરતી નિહાળી અભિમાનપુર્વક કહ્યું હતું કે, અગર જો હું ગુલામ હોત તો મારી એટલી બધી કિંમત અંકાત કે મને કોઈ ખરીદ કરી શક્તું નહી.

'માલેક બેન ઝારે' માત્ર જુજ કીંમતમાં હ. યુસુફ (અ.)ને ખરીદી લઈ તેમને ઉંટ ઉપર બેસાડી મિસર તરફ રવાના થયા; કારણકે એ કાફલો મિસરનો હતો. કાફલાની સફર ચાલું હતી, દરમ્યાન માર્ગમાં જ્યાં હઝરતની માતાને દફન કરવામાં આવ્યા હતા. ત્યાં કાફલો આવતા હઝરતને પોતાની માતાની યાદ તાજી થઈ આવી.

(૧૦૦/૧૦૧) હઝરત ઉંટ ઉપરથી ઉતરી માતાની કબર પાસે જઈ ખુબ ઝાર-ઝાર રડવા લાગ્યા. બીજી તરફ કાફલો આગળ કુચ કરતો હતો. કેટલેક દૂર નીકળી ગયા પછી કાફલાના એક ગુલામનું ધ્યાન ખેંચાયું. તરત જ કાફલાને રોકી તે દોડતો હઝરત જ્યાં કબર પાસે રડતા હતા ત્યાં આવી હઝરતને કહ્યું, જણાય છે તું ભાગોડી-નાશભાગ કરવાવાળો છે. એટલું કહી તેણે જોરથી એક તમાચો તેમને ખેંચી કાઢયો, જેને લઈ હઝરતને આંખમાં અંધારા આવી જતા તેમણે પોતાના બન્ને હાથ આકાશ તરફ ઉંચા કરી અલ્લાહ પાસે અરજ કરી, ખુદાયા આ ઝાલીમોની બુરાઈથી તું મને બચાવ. હવે હું મારા ઉપર ગુજરતી મુશીબતો સહન કરી શકતો નથી. યા રબ તું પણ તેનાથી અજાણ નથી.

ગુલામે હઝરતને પકડી લાવી કાફલામાં હાજર કર્યા, એટલામાં આસમાન ઉપર એક વાદળું ચઢી આવ્યું, આંધી શરૂ થઈ, પવન જોર જોરથી ફુકાવા લાગ્યો, વીજળી પણ કડાકા સાથે ચમકવા લાગી અને ચારે બાજુ તુફાન બરપા થઈ ગયું. અચાનક આવેલી અણધારી આફતથી કાફલાવાળા મુશીબતમાં ગરકાવ થઈ ગયા અને અરસપરસ અંદરો અંદર કહેવા લાગ્યા કે, આપણા કોઈ અપરાધને લઈ આ બલા ઉતરી તો નહી હોય ? જે ગુલામ હઝરતને લાવી કાફલામાં હાજર કર્યો હતો તે કહેવા લાગ્યો કે, મેં આ ગુલામને પકડી જ્યારે તમાચો માર્યા ત્યારે, તેને રડતાં રડતાં આકાશ તરફ જોઈ કંઈ બોલતા મેં સાંભળ્યો હતો, ત્યારબાદ આ આફત આપણા ઉપર નાઝીલ થઈ છે.

તેથી કાફલાવાળાઓએ એે નિર્ણય કર્યો કે, આપણે સઘળાએ તેની માફી માંગવી અને સૌએ તેમનાથી માફી ચાહી. તરતજ ખુદાના હુકમથી તુફાન શાંત થયું અને કાફલો સફર કરતો આગળ વધ્યો.

કાફલો મિસર આવી પહોંચ્યો હ. યુસુફ (અ.)ના માલિકે તેને સુંદર વસ્ત્રોમાં સજજ કરી, શહેર આખામાં ઢંઢેરો પિટાવ્યો કે, ઘણાજ ખુબસુરત, દેખાવડા, ચાલાક, અક્કલમંદ અને ફરમાબરદાર એક ગુલામનું વેચાણ કરવા માગુ છું.

આ સાંભળી મિસરના તમામ લોકો અદનાથી આલા, અમીરથી ગરીબ, જ્યાં ગુલામ બજાર હતી ત્યાં એકઠા થયા, અને પોતાની શક્તિ અનુસાર જુદી જુદી કીંમતે ગુલામની માંગણી કરવા લાગ્યા.

(૧૦૧/૧૦૨) જ્યારે હ. યુસુફ (અ.)એ જોયું કે, પોતાની કીંમત જેને જેમ ઠીક લાગે તેમ કરી રહ્યો છે, ત્યારે ઘણા રંજ સાથે મનોમન ખુદાના દરબારમાં આજીજી પુર્વક અરજ કરી, યા રબ્બુલઆલમિન મેં એવો ક્યો અપરાધ કર્યો છે જેને લઈ મને બબ્બે વાર ગુલામ તરીકે વેંચવામાં આવે છે ? અને જેને જેમ ફાવે તેમ મારી કીંમત આંકે છે છતાં મારા માલીક શા માટે મને વેચી નાખવામાં આઘાપાછા થાય છે ? એ મુજબ પોતેજ પોતાના દીલથી પોતાની કીંમત ઘણી ઓછી આંકી.

હઝરતની આજીજીને લઈ ખુદા તરફથી પ્રેરણા થઈ કે અય યુસુફ તેં આરસીમાં જોઈ અભિમાનથી પોતાની કીંમત વધારી હતી, હવે તારી આજીજીથી હું તારી કદર અને કીંમત બન્ને વધારી મૂકું છું.

દલાલે ગુલામની કીંમતમાં ખેંચતાણ થતી જોઈ, એક ભારે કીંમત નક્કી કરી, અને તેટલીજ કીંમત આવે તોજ વેચવાનું ઠરાવી તેણે મોટા અવાજથી જાહેર કર્યું કે, આ ગુલામની કીંમત એક હજાર અશરફીની એક, એવી એક હજાર થેલીઓ, કેટલીક મીસરી દાસીઓ, કેટલાક તેજદાર ઘોડાઓ, અમુક બગદાદી ઊંટો તે સિવાય માલ-અસબાબ રાખવામાં આવી છે. ઈચ્છું છું કે, પોષાય તે કીંમત આપી ગુલામને ખરીદ કરી શકે છે.

ખરીદ કરવા આવેલા લોકો ઘણી ભારે કિંમત સાંભળી ચુપ થઈ ગયા. છેવટે આ હકીકતની જાણ અજીઝે મીસર યાને મીસરના વડા પ્રધાનને થતાં તે પોતે ગુલામ બજારમાં આવ્યો. તેણે હઝરતની ખુબસુરતી અને હુશ્નનૂર ચહેરો જોઈ, હઝરતની પુરેપુરી કીંમત ચુક્વી પોતાને ઘરે લઈ ગયો, અને પોતાની પત્ની ઝુલેખાંને સુપ્રત કરતા કહ્યું, આ બાળકને ઘણી સારી રીતે રાખજો, તેમ તેને પેટની ઔલાદની માફક ઉછેરજો.

યા અલી મદદ