અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૪
રેકોર્ડીંગ - ૪
હઝરત ઈસમાઈલ (અ.)ની કુરબાની
(પેજ-૬૭) હદીસમાં જણાવ્યું છે કે, એક રાતે હ. ઈબ્રાહીમ (અ.)ને સ્વપ્નામાં કોઈ કહી રહ્યું છે કે, ઊઠ, કુરબાની કર. તે મુજબ હઝરતે સવારે ઊઠી બસો ઊંટની કુરબાની કરી. આમ હઝરતે લાગલગાટ ત્રણ દીવસ સુધી સ્વપ્ના જોયા, અને બસો-બસો ઊંટની કુરબાની કરતા રહ્યા. ચોથી રાતે સ્વપ્નામાં તેમને કહેવામાં આવ્યું કે, “અય ઈબ્રાહીમ, તમારા ફરઝંદ ઈસમાઈલની કુરબાની કર. સુબહાનઅલ્લાહ !”
(૬૮) પયગમ્બરોને આવતા સ્વપ્ના સાચા હોય છે અને તે મીસાલ 'વહી”ની હુરમત ધરાવે છે. બસ સવાર થતા હઝરતે મજકુર હકીકત બીબી સારાહને કહી કે રાતના મને સ્વપ્નામાં ફરજંદ ઈસમાઈલની કુરબાની કરવાનો આદેશ મળ્યો છે. અલબત તેના સિવાય મને બીજો ફરજંદ નથી, જો તમે કહો તો હું તેને અલ્લાહની રાહમાં કુરબાન કરી ઈલાહી ફરમાન બજાવી લાવું. બીબી સારાહે કહ્યું, બહુ જ સારૂં. તેને અલ્લાહની રાહમાં ફિદા કરો. એ પછી તરત જ હ. ઈબ્રાહીમ (અ.) ઊંટ ઉપર સ્વાર થઈ હાજરાખાતુન પાસે જઈ પહોંચ્યા અને ફરમાવ્યું કે, ઈસમાઈલના માથાના વાળ મુશ્કો-અંબરથી ખુશ્બોદાર કરો અને તેને કંગઈથી ઓળી આપો. તેમજ આંખમાં સુરમો આંજી, સ્વચ્છ વસ્ત્રો પહેરાવી તૈયાર કરો મારે તેને દાવતમાં લઈ જવો છે.
તેજ વખતે બીબી હાજરાએ હ. ઈસમાઈલને નવરાવી તૈયાર કરી પોતાના ફરજંદને કહ્યું કે, તમારા પિતા સાથે દાવતમાં જાઓ. આ વખતે હ. ઈસમાઈલની ઉંમર નવ વર્ષની હતી. બાપ-દીકરો બન્ને રવાના થયા. હ. ઈબ્રાહીમ આગળ અને હ. ઈસમાઈલ તેમની પાછળ જઈ રહ્યા હતા.
આ વખતે શયતાને હાજરાખાતુન પાસે આવી કહ્યું, અફસોસ તો એ છે કે, ઈસમાઈલના પિતા તેને ઝબેહ કરવા લઈ ગયા છે. બીબીએ જવાબમાં કહ્યું કે, મને તારી વાત ઉપર આશ્ચર્ય થાય છે, તેં કદી એવું સાંભળ્યું છે કે, કેાઈ૫ણ બાપ ગુનાહ રહીત દીકરાને કતલ કરે. જેથી શયતાને કહ્યું કે, તેમ કરવા તેને ખુદાએ હુકમ કર્યો છે.
મજકુર હકીકત સાંભળી હાજરાએ કહ્યું, જો ખુદાનું જ ફરમાન છે, તો હું પણ તેની રઝા મંદી ઉપર ખુશ છું. શયતાન અહીં ફરેબમાં નહીં ફાવતા વિચાયું કે, ઈસમાઈલ હજી બાળક છે તેની પાસે જઈ તેને રાહથી ભટકાવીશ તો જરૂર તે મારી જાળમાં આવી જશે.
(૬૮/૬૯) ત્યારબાદ શયતાને હ. ઈસમાઈલ (અ.) પાસે આવી કહ્યું કે, ઈસમાઈલ તું ક્યાં જાય છે ? ઈસમાઈલ (અ)એ કહ્યું, હું મારા પિતાની સાથે દાવતમાં જાઉં છું. શયતાને કહ્યું, એ ખરૂં નથી, પણ તારો પિતા તને કતલ કરવા લઈ જાય છે. એ સાંભળી હઝરતે ફરમાવ્યું, 'કદી પિતા બે-ગુનાહ દીકરાને મારી નાખે એવું તેં ક્યારે સાંભળ્યું છે ?' જવાબમાં ઈબ્લીશે કહ્યું, 'તેને ખુદાએ એવો હુકમ કર્યો છે.” હ. ઈસમાઈલે કહ્યું, 'અગર મારા ખુદાનો હુકમ છે તો મારી હજાર જાન તેની રાહમાં કુરબાન છે.'
(૬૯) આમ બાપ-દીકરો બન્ને ઘણે દુર નીકળી ગયા. હ. ઈસમાઈલે પોતાના પિતાને પુછયું કે, પિતાજી તમે મને ક્યાં લઈ જાઓ છો ? હઝરતે ફરમાવ્યું કે, મને સ્વપ્નામાં ખુદાતઆલાએ તને ઝબેહ કરવાનો હુકમ ફરમાવ્યો છે. કહે, આ ફરમાન માટે તું કંઈ કહેવા માંગે છે ? હ. ઈસમાઈલે કહ્યું, અય પિતાજી તેમજ કરો કે જે મુજબ તમને ઈલાહી ફરમાન થયું છે. અલબત, તમે મને આ રાહમાં સબર કરવાવાળાઓમાંથી જ નિહાળશો, હવે પિતાજી જલ્દી કરો, અને જે પ્રમાણે ખુદાનો હુકમ છે તે મુજબ અમલ કરો. નહીં તો શયતાન મને વસવસામાં નાખશે, તે મરદુદ ચાહે છે કે, મને શંકામાં નાખી ખુદાના માર્ગથી ભટકાવી દીયે. ત્યારે હ. ઈબ્રાહીમ (અ.)એ ફરમાવ્યું કે, તે મલઉન ઉપર પત્થર માર અને બાપ-દીકરા બન્નેએ તે મરદુદ ઉપર પત્થર ફેંક્યા. આજે પણ હાજી લોકો ઉપર આ શરીઅત રવા છે તે અનુસાર જ્યારે હાજીઓ હજ કરવા જાય છે ત્યારે સાત-સાત વખત તે તરફ પત્થર ફેંકે છે.
ત્યારબાદ બાપ-દીકરો 'મિના બજાર' નામની જગ્યાએ આવી પહોંચ્યા, (જ્યાં હમણા હાજી લોકો કુરબાની કરે છે) આ વખતે હઝરત ઈબ્રાહીમ (અ.)એ હ. ઈસમાઈલને પુછયું કે, તારી કુરબાની થાય તે પહેલા તારે કોઈ વસીયત કરવી છે ? ત્યારે હ. ઈસમાઈલે કહ્યું કે, 'પિતાજી મારી ત્રણ વસીયતો છે.
પહેલી મારા હાથ-પગ મજબુત બાંધજો, કારણ મારી જાન નાજુક છે તેથી છુરીની ઈજાથી ક્યાંક હું જોશમાં ન આવી જાઉં, ખુદા ન ખાસ્ત કદાચ લોહીનું એક પણ બિંદુ તમારા કપડા ઉપર લાગે તો ક્યામતના દીને હું ગુનેહગારમાં ગણાઉં.
બીજી વસીયત એ છે કે, મારૂં મોઢું જમીન તરફ રાખજો, જેથી મારો ચહેરો તમારી તરફ કે, તમારી નજર મારી સામે ન હોય; કે જેથી તમને હું અને તમે મને જોઈ ન શકો અને અરસપરસની મહોબત જોશ કરે નહીં'.
(૬૯/૭૦) ત્રીજી વસીયત એ છે કે, જ્યારે તમે પાછા ઘરે તશરીફ લઈ જાઓ ત્યારે, મારી દીલ બળેલી માતાની ખીઝમતમાં મારા આખરી સલામ કહેજો, અને મારા લોહીથી ખરડાયેલા વસ્ત્રો તેને અર્પણ કરજો, કારણ તેમના માટે એ તસલ્લી રૂપ થશે. આ નિશાની એટલા માટે છે કે, મારા સીવાય તેને બીજો ફરઝંદ નથી.
તે પછી હ. ઈબ્રાહીમ (અ.)એ હ. ઈસમાઈલના હાથ-પગ રસીથી મજબુત બાંધી તેમનુ મોઢું જમીન તરફ કર્યું અને હઝરતે પોતાની આંખો ઉપર પાટો બાંધી પોતાના એકના એક પુત્રના ગળા ઉપર છરી ચલાવી. પણ તેની અસર ગરદન ઉપર થઈ નહીં, ત્યારબાદ હઝરતે છુરીને ઘણીજ જોર સાથે ગરદન ઉપર ચલાવી તો પણ ઝબેહ થયા નહીં, જેથી હ. ઈસમાઈલ જબિઉલ્લાહે અરજ કરતા કહ્યું, અય પિતાજી ! છુરીની અણી ગળા ઉપર દબાવી જોર કરો. તે પ્રમાણે હઝરતે તાકાત લગાડી છતાં ઝબેહ થયા નહીં, ત્યારબાદ હ. ઈબ્રાહીમ (અ.)એ છુરીને તકબીર સાથે પુરી તાકાત લગાડી ચલાવી. તેજ વખતે ખુદાના હુકમથી હ. જીબ્રાઈલ અમીને હ. ઈસમાઈલને તે જગ્યાએથી ખસેડી તેમની જગ્યાએ બેહશ્તથી લાવેલ દુંબો મુકી દીધો. આ વખતે હ. ઈબ્રાહીમ (અ.)એ આંખોથી પાટો દુર કર્યો તો હ. ઈસમાઈલની જગ્યાએ દુંબાને ઝબેહ થયેલો જોયો.
(૭૦) અને હ. ઈબ્રાહીમ (અ)એ હ. જીબ્રાઈલને પુકાર કરતા આવતા સાંભળ્યા. 'કાલહૂતઆલા' એય ઈબ્રાહીમ સાચે જ તમે સ્વપ્નાને સાબીત કરી બતાવ્યો છે. હુકમને અમલમાં લાવી સાબીત કરનારનેજ મુશ્કીલ ફરમાનો કરી અમે તેને અજમાવીએ છીએ, બેશક એજ સત્ય અજમાવ્યું છે, અને અમે તેને છોડાવી લીધો. ખલ્કત ઉપરની બીજી મહાન કુરબાની માટે સલામ હોજો, ઈબ્રાહીમ ઉપર. અમે નેકી કરવાવાળાઓને આવી રીતે બદલો દઈએ છીએ, કે જે અમારા ઈમાનદાર બંદાઓમાંથી છે, અને અમે ખુશ ખબરી આપી ઈબ્રાહીમને ઈસહાક માટે, જે પયગમ્બર થશે નેક નામોમાંથી.
ખુદાવંદતઆલાના હુકમ પ્રમાણે હ. ઈબ્રાહીમ (અ.)એ પોતાના એકના એક વહાલા પુત્રની કુરબાની કરી જેથી તેમના ઉપર ખુદાવંદઆલમીન ઘણાજ ખુશ થયા અને તેમનો દરજજો વધાર્યો, તેમજ તેમના વંશજોમાંથી ઈમામો બનાવવા માટે વચન આપ્યું. જે વિષે કુરઆને શરીફ સુરે-બકર, આયાત-૧૨૪માં ફરમાવ્યું છે કે,
“અને જ્યારે ઈબ્રાહીમની તેના પરવરદિગારે શબ્દો વડે અજમાએશ કરી, પછી તેણે તે શબ્દો પુરા પાડ્યા, ત્યારે ખુદાએ કહ્યું કે, ખરેખર હું તને માણસો માટે ઈમામ બનાવનાર છું. ઈબ્રાહીમે કહ્યું અને મારા વંશજોમાંથી પણ (બનાવ), ખુદાએ કહ્યું કે, મારૂં “અહદ” (વચન) ઝુલ્મગારોને મળશે નહિં:”
હ. ઈબ્રાહીમ (અ.) હ. ઈસમાઈલની કુરબાનીથી નિવૃત થઈ ખુદાનો શુક્ર અદા કરી, પોતાના પુત્રને સાથે લઈ હાજરાખાતુન પાસે આવી તેમને હવાલે કર્યા. અને બીબીને હ. ઈસમાઈલને બદલે દુંબાની બનેલી કુરબાનીની ઘટના કહી સંભળાવી. જેથી હાજરાખાતુને અલ્લાહના શુક્રાના અદા કર્યા. તે પછી હ. ઈબ્રાહીમ (અ.) બીબી સારાહ કે જેઓ “શામ”માં હતા, ત્યાં જવા વિદાય થયા.
હીજર કઅલા તે જમાનામાં ઉજજડ હતું, ત્યાં વસ્તી મુદ્દલ નહોતી ત્યારે જુરહત કબીલાના માણસો, 'ઝમઝમ' નામના નવા પાણીના ઝરાથી લોભાઈ ત્યાં આવી વસ્યા ; અહિં હાજરા તથા હ. ઈસમાઈલ (અ.) તે કબીલા વચ્ચે સહીસલામત રહેવા લાગ્યા. હ. ઈબ્રાહીમ (અ.) ત્યાં અવારનવાર તેમની મુલાકાત લેવા આવતા હતા. બીબી હાજરા ત્યાં વફાત થયા, અને તે ખાતુનને ‘હીજર’માં દફન કરવામાં આવ્યા.
હઝરત ઈબ્રાહીમ (અ.)ના અન્ય કેટલાક પ્રસંગો
હ. ઈબ્રાહીમ (અ.) પાસે એક દિવસ હ. જીબ્રાઈલ અમીને આવી ફરમાવ્યું કે, “ખુદાતઆલાએ તમને સલામ સાથે ફરમાવ્યું કે, તમે જમીન ઉપર તેના માટે 'ખાને-કાબા' બનાવો.” હઝરતે ફરમાવ્યું, ક્યાં બનાવું ? જીબ્રાઈલે કહ્યું, “ઉંટ ઉપર સવાર થાઓ અને તમારી સાથે એક વાદળું આવશે, તેની સાથે સાથે તમે જાઓ અને જ્યાં તે અટકે અને છાંયો કરે તે જમીન ઉપર ખાનેકાબા બનાવવા પાયો નાંખો.”
આજ્ઞા મુજબ હઝરત શામથી નીકળી હમણા જ્યાં ખાનેકાબા છે ત્યાં આવી પહોંચ્યા.
બીજી રિવાયત પ્રમાણે હ. જીબ્રાઈલે આવી હદ બાંધી આપી, તે જગ્યા ઉપર તેમને ખાને-કાબા ચણવાનું કહેવામાં આવ્યું હતું.
અહીં આવી હ. ઈબ્રાહીમ (અ.)એ ખુદાની હુઝુરમાં અરજ ગુજારી કે, યા રબ ! પત્થર ક્યાંથી લાવું ? હુકમ થયો કે, પાંચ પહાડો ‘કોહે લુબનાન, હીરા, બુકબીસ, શફા, અને મરવાનથી લાવો. જ્યાંથી હ. જીબ્રાઈલ પત્થર લઈ આવતા અને હઝરત તેને ચણતા, જેમાં હ. ઈસમાઈલ પણ મદદમાં સાથે હતા, તે મુજબ હઝરતના હાથે ખાને-કાબા તૈયાર થઈ રહેતા, તેમણે અલ્લાહના શુક્રાના અદા કર્યા.
(૭૨) ખાને-કાબા તૈયાર થતાજ હઝરતે અલ્લાહના દરબારમાં દુઆ ગુજારી કે, યા ઈલાહી આ શહેરને તું રક્ષણ આપ, તેને આરામનું સ્થળ બનાવ, અને એવાઓને ફળફળાદી-સાથે રોજી બક્ષ કે જેઓ ઈમાન લાવે, તારી ઉપર અને તારી ક્યામત ઉપર. ખુદાતઆલાએ ફરમાવ્યું, તેમજ જે મુનકીર યાને બેઈમાન છે તેને પણ ફાયદો પહોંચાડીશ થોડા દિવસો માટે, પછી તેને બોલાવીશ દોઝખ તરફ કે જે જગ્યા તેમના માટે નિર્માણ થએલી છે.
તે પછી ખુદાતઆલાએ ફરમાવ્યું, અય ઈબ્રાહીમ હવે ખાને-કાબા તરફ લોકોને 'હજ' માટે બોલાવો. આપે અરજ કરી યા અલ્લાહ મારી પુકાર ક્યાં સુધી પહોંચશે એને કોણ સાંભળશે ? હુકમ થયો કે, તમે પુકારો, હું તમારા આવાઝને બુલંદ બનાવીશ અને તે એટલે સુધી કે જે બચ્ચાંઓ માતાના ગર્ભમાં હશે ત્યાં સુધી હું તેને પહોંચાડીશ.
હુકમ અનુસાર હઝરતે એક પહાડ ઉપર ચઢી લોકોને એલાન કરતા ફરમાવ્યું કે, અય લોકો, અલ્લાહે તમારા ઉપર હજ ફરજ કરી છે માટે તમે હજ કરવા આવો. ચારે તરફથી 'લબ્બેક'ના અવાજો આવ્યા, અને લોકો એકઠા થવા લાગ્યા. અહીંથી 'હજ'ની ક્રિયા શરૂ થઈ છે.
મક્કા શહેર હ. ઈબ્રાહીમ (અ.)ની દુઆ તથા ઝમઝમ કુવાના પાણીની બરકતથી એટલું બધું આબાદ બન્યું કે, પાસે આવેલા 'તાએક' અને તેની આજુ બાજુ બોંતેર માઈલના ઘેરાવાવાળા વિસ્તારમાં ઉત્તમ ફળફળાદી તથા ખેતી ઉત્પન્ન થવા લાગી, જેને લઈ ત્યાં લોકોની વસ્તીનો વધારો થયો અને તેઓ આરામથી રોજી મેળવવા લાગ્યા.
(૭૨/૭૩) ત્યારબાદ હ. ઈબ્રાહીમ (અ.) શામ તરફ રવાના થયા, અને પોતે જે મહેમાનસરા બંધાવી હતી. ત્યાં પરોણાઓને જમાડવામાં અને ખુદાની બંદગીમાં મશગુલ બન્યા, તે સાથે એવી પ્રતિજ્ઞા લીધી કે, મહેમાન વગર જમવું નહિ. એક દિવસ ઈઝરાઈલ ફરિશ્તા માણસના રૂપમાં હઝરત પાસે આવી સલામ બજાવી કહ્યું કે, હું ઈઝરાઈલ છું, હઝરતે સલામનો જવાબ આપી ફરમાવ્યું કે, શું તમે મારી મુલાકાતે આવ્યા છો ? ફિરસ્તે કહ્યું, હું આપને ખુશખબરી આપવા આવ્યો છું કે, ખુદાએ પોતાના એક બંદાને દોસ્ત કહ્યો છે. આ ઈશારો હઝરત ઇબ્રાહીમ માટે હતો, કે જેમને ખુદાતઆલાએ પોતાના દોસ્ત યાને ખલીલુલ્લાહ કહ્યા હતા કે જે ઈલ્કાબથી હઝરતને ઓળખવામાં આવે છે.
મજકુર પયગામ સાંભળી હઝરતે ફરમાવ્યું, તે કોણ છે, અને તેની નિશાની શું છે ?
મલેકુલ મૌતે કહ્યું, તેની નીશાની એ છે કે ખુદાતઆલા તેની દુઆથી મુરદાને જીવતા કરે છે, એટલું કહી તે ગાયબ થઈ ગયા.
હ. ઈબ્રાહીમ ખલીલને એક દિવસ એવી ઈચ્છા થઈ કે, ખુદાતઆલા મુરદાને કેવી રીતે જીવતા કરે છે તે પોતે જુએ તો કેવું સારૂં ! એટલે તેમણે અલ્લાહના દરબારમાં દુઃઆ ગુજારી કે, યા રબ ! તું મુરદા કેવી રીતે જીવતા કરે છે તે મને દેખાડ. અલ્લાહે ફરમાવ્યું શું તને યકીન નથી ? હઝરતે અરજ કરી, તારી કુદરત બરહક છે, મારી અરજ એટલા માટે છે કે, મારા દીલને તસલ્લી થાય.
ત્યારે ખુદાતઆલાએ હ. ઈબ્રાહીમ ખલીલને ચાર પક્ષીઓ, એક મોર, એક કુકડો, એક કાગડો અને એક ગીધ (બતક) પકડી તેને ઝબેહ કરવાનું ફરમાવ્યું, તે મુજબ હઝરતે ચાર પક્ષીઓને લાવી તેને કતલ કરી તેમના માથા પોતા પાસે રાખ્યા અને તેમના માંસને ખાંડણીમાં ખાંડી લુદ્દી બનાવી તેની ગોળીઓ તૈયાર કરી, અને તેને ચાર પહાડો ઉપર મુકી. બાદ હઝરતે ફરમાવ્યું,. અય પક્ષીઓ ખુદાના હુકમથી આવો. ત્યારે પહાડ ઉપર પડેલી માંસની ગોળીઓ રેજાની માફક જુદી જુદી પડી, શરીરનો આકાર બની, હ. ઈબ્રાહીમ ખલિલુલ્લાહની પાસે આવ્યા - પછી, કુકડાના ધડ ઉપર કુકડાનું માથું અને મોરના ધડ ઉપર મોરનું માથું અને કાગડા તથા ગીધના ધડ ઉપર તેમના માથા કે જે હઝરતના હાથમાં હતા તે લાગી ગયા. અને પક્ષીઓ સજીવન થઈ ઉડી ગયા. આથી હઝરતને તસલ્લી થઈ, તે સાથે એ પણ સિધ્ધ થયું કે ક્યામતના દીને ખુદાતઆલા પ્રાણી માત્રને આ પ્રમાણે સજીવન કરશે.
(૭૩/૭૪) અહલે મારિફતનું માનવું છે કે, ચાર જાનવરોના વધ કરવાનો ઈશારો મનુષ્યના લાક્ષણિક ગુણદોષ તરફ છે. મોર શોભિતો હોવાથી મગરૂરી, કુકડો વિષય ભોગી, કાગડો હીર્સ અને ગીધ દુનીયાની માયાનો નમુનો છે. આ પ્રમાણે ચાર પ્રાણીઓ દ્વારા મનુષ્યોના ચાર લક્ષણો પ્રત્યે સંકેત કરવામાં આવ્યો છે. મનુષ્ય ગર્વ, વિષયભોગ, હિર્સ (અને લાંબી જિંદગી અને ઈચ્છાઓ)' અને માયાની કુરબાની (બતક ખાઉધરું, કંજૂસાઈની) કુરબાની આપે છે, ત્યારે ઈન્સાન રૂહાનીયતની હકીકત ઉપર પહોંચે છે.
(૭૬) ઈલાહી વચન અનુસાર હ. ઈબ્રાહીમ ખલિલુલ્લાહથી સારાહ ખાતુને એક ફરજંદને જન્મ આપ્યો. તેનું નામ ઈસહાક રાખવામાં આવ્યું.
ઈસહાકની ઔલાદમાંથી (પયગમ્બરો) જેવા કે હ. મુસા (અ.) તથા હ. ઈસા (અ.) પેદા થયા; જ્યારે હ. ઈસમાઈલ (અ.)ના વંશમાથી હ. મહમદ મુસ્તફા રસુલ (સ.અ.)નો જન્મ થયો છે. (ઈમામો થઈ રહ્યા છે).
(૭૯) એક વખત હ. ઈસમાઈલ (અ.)એ પોતાના પિતાને અરજ કરી કે, યા ખલિલુલ્લાહ, ખુદાવંદ આલમીને ક્યા સબબને લઈ આપને નબુવત બક્ષી ? હઝરતે ફરમાવ્યું, દુનિયામાં ત્રણ કારણોને લઈ મને તે બક્ષીસ થઈ છે.
પહેલું કારણ, મેં કદી પણ રોજીની ફીકર કરી નથી કે કાલે હું શું ખાઈશ.
બીજું કારણ, કદી પણ મહેનત કે કામ કર્યા વગર મેં ખાધું નથી. (હલાલ રોજી).
ત્રીજું કારણ, જ્યારે દુનીયા કે આખરતનું કોઈ પણ કામ આવતું ત્યારે સૌથી પ્રથમ આખરતનું કામ કરતો અને તે પછી દુનિયાનું કામ કરતો.
એ ત્રણ કારણોના સબબથી જ ખુદાતઆલાએ મને નબુવત અને કરામત બક્ષી છે.
હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહની વફાત ૧૭૫ વર્ષની વયે થઈ હતી. તેઓ આ ફાની દુનીયાનો ત્યાગ કર્યો હતો.
હ. લુત (અ.)
(૭૯) હ. લુત (અ.) હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહના ઝમાનામાં હયાત હતા. હ. લુત (અ.) હ. ઈબ્રાહીમના પિતા તારેખના ભાઈ હારાનના ફરજંદ હતા; આ સગપણે હ. ઈબ્રાહીમ (અ), હ. લુત (અ)ના કાકાના દીકરા ભાઈ થતા હતા.
(૮૦) હ. ઈબ્રાહીમ (અ.) નમરૂદના ઝુલ્મથી બેબીલોનથી શામ તરફ રવાના થયા, તે વખતે હ. લુત (અ) પણ તેમની સાથે હતા. ઈસ્લામી તવારીખ પ્રમાણે હ. લુત (અ.) હ. ઈબ્રાહીમ (અ.)ના તાબાના રસુલ તરીકે લોકોને ધર્મની હીદાયત આપતા હતા. અને મીસર, ઈજીપ્તની સફરમાં પણ હ. લુત (અ.) તેમની સાથેજ હતા.
જે વખતે હ. ઈબ્રાહીમ ખલીલ પોતાની સ્ત્રી તથા હ. લુત (અ)ને સાથે લઈ ઈજીપ્તથી રવાના થયા, તે વખતે તેમની પાસે ચાંદી-સોનું અને ઘણા ઢોર હતા જે તેઓ સાથે જ હતા. તેઓ “બેથલ” નામના ગામ વચ્ચેની જમીન ઉપર વસવાટ કરવા લાગ્યા. જ્યાં તેઓના જાનવરોમાં ઘણો વધારો થયો. એકંદરે ત્યાંની જાગીર નાની પડવાને કારણે હ. લુત (અ.) છુટા પડ્યા અને યારડનની સપાટ જમીન, જે સોદોમ વિગેરે શહેરની નજીક હતી ત્યાં આવી વસ્યા.
હ. લુત (અ.) યારડનમાં આવી રહ્યા હતા, જેનેશીશના આધારે તે યારડન નામની નદીના કીનારાનો દેશ નહીં, પણ ખારા સમુદ્રની દક્ષિણનો પ્રદેશ સમજવો. એ ખારા સમુદ્રની દક્ષિણે અમુરહ, સદુમ, વિગેરે શહેરી રાજ્યો આવેલા હતા. આ રાજ્યો સાથે હળીમળીને હ. લુત (અ.) રહેતા હોવા જોઈએ, કેમકે એ રાજ્ય ઉપર પુર્વ તરફના રાજ્યોએ ચઢાઈ કરી, અને તેઓને હરાવી ઘણા કેદીઓ પકડ્યા જેમાં હ. લુત (અ.) પણ કેદ પકડાયા હતા, જેમને હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહે છોડાવ્યા હતા, અને સદુખના રાજા બેરા તથા સાલમના રાજા મલકાઝેદેક સાથે હ. ઈબ્રાહીમ ખલીલનો સંબંધ વધારે મીત્રતા ભરેલો થયો હતો, કેમકે તેઓને લુંટાએલો માલ તથા કેદીઓને પણ હ. ઈબ્રાહીમ ખલીલે છોડાવ્યા હતા, આ બનાવ પછી હ. લુત (અ.) સોદોમ-મ્રુદુમ શહેરની નજીક જાગીર મેળવી ત્યાં રહેવા લાગ્યા અને આસપાસના ગામડાઓમાં ધર્મબોધ આપવા લાગ્યા હ. લુત (અ.)ના બેટાઓ અમુત અને મોઆબી હતા.
(૮૦/૮૧) અહેવાલે અંબિયાના ઉલ્લેખ પ્રમાણે હ. ઈબ્રાહીમ ખલીલ, તેમજ હ. લુત (અ.)એ મહેમાનદારીની રસમ શરૂ કરી હતી, જે રસમ ધર્મનો પ્રચાર કરવામાં ઘણી ઉપયોગી નીવડી હતી, એટલે કે મહેમાનદારી કરવાથી હીદાયત આપવાના કામને ઘણી ફતેહ મળી હતી. હ. લુત (અ.)ની કોમ અધમ અને કંજુસ હતી. મીસર અને શામ અથવા સીરીયા વચ્ચે આવજા કરનારા મુસાફરોનો મોટો ભાગ હ. લુત (અ.)ને ત્યાં મહેમાન થઈ રહેતો, અને ધર્મબોધ પણ પામતો. અલબતા હ. લુત (અ)ની આવી પરોણાગતથી અને ધર્મના ઉપદેશને પરીણામે ઘણા લોકો તોહીદના ધર્મનો સ્વીકાર કરવા લાગ્યા, તેથી સદુમના ધર્મગુરૂઓએ આ ધર્મ બોધનો અટકાવ કરવા હઝરતને ત્યાં મહેમાનોને આશરો નહી આપવા ચેતવણી આપી હતી.
(૮૧) એવું જણાય છે કે, સુદુમ અને અમુરહના તવંગર અને આગેવાન લોકો ત્યાંના ગરીબ ઉપર ઘણો જુલ્મ કરવા લાગ્યા, જેથી રાજ્યમાં ગેરવ્યવસ્થા થઈ પડી; તેમજ ત્યાંના મુર્તિપુજક ધર્મગુરૂઓ ૫ણ લુત (અ.)ના ધર્મબોધની વિરૂધ્ધ થયા, કેમકે હ. લુત (અ.) જે તોહીદનો બોધ આપતા હતા, તે ધર્મગુરૂઓની દોલતની લુંટની આડે આવતો હતો. લોકો ઉપર જુલ્મ વધતા ખુદાતઆલાએ તેઓની ફરીયાદ સાંભળવાની હ. લુત (અ.)ને ચેતવણી આપી, અને સૂદુમ તેમજ અમુરહનો નાશ થશે એવી ખબર આપી. જુલ્મીઓને રાહેરાસ્ત ઉપર લાવવા હ. લુત (અ.) ઘણી કોશિષ કરવા લાગ્યા, પણ તેઓએ જુલ્મ ઓછો કરવાને બદલે હ. લુત (અ)ના ધર્મબોધનો અટકાવ કરવા એક વિચિત્ર હુકમ બહાર પાડ્યો. તેઓ મહેમાનો સાથે નીતિભ્રષ્ટ જુલ્મ કરવા લાગ્યા, એવા ખ્યાલથી કે એથી હ. લુત (અ.) ધર્મબોધ આપવાનું બંધ કરશે. આ જુલ્મ ધીરે ધીરે વધતા એક જંગલી રીવાજરૂપે પ્રગટી નીકળ્યો, અને માણસો માત્ર જાનવરો જેવા થઈ ગયા. સુરત-અલ-આરાફની ૮૦ મી આયાતમાં ફરમાવવામાં આવ્યું છે. “અને હ. લુત (અ.)એ લોકોને નસીહત કીધી કે, ખચ્ચિત દુનીયાના કોઈપણ લોકોએ નહીં કીધેલું એવું નીતિભ્રષ્ટ કામ તમે કરો છો. ખચ્ચીત શહેવતના આવેશમાં પોતાની સ્ત્રીઓ પાસે જવાને બદલે પુરૂષોની નજદીક જાઓ છો. ખુદાતઆલા તમોને મોટા આઝાબમા નાખશે.'
(૮૧/૮૨) ઈબ્રાહીમ ખલીલને ત્યાં જે ફીરસ્તાઓ મહેમાન બનીને આવ્યા હતા. તેમણે હ. લુત (અ.)ને ત્યાં જવાની તૈયારી કરી. હઝરતે ફરમાવ્યું કે, હું પણ તમારી સાથે આવું છું. ફિરસ્તાએાએ જણાવ્યું અમે અલ્લાહના હુકમથી તે શહેરના લોકોનો નાશ કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત તે આઝાબ તમે જોઈ શકશો નહી, કારણ કે તેટલી તમારામાં શકિત નથી. હઝરતે ફરમાવ્યું, ખુદા મારો મદદગાર છે તેથી હું તમારી સાથે જોવા માટે આવીશ એમ કહી હ. ઈબ્રાહીમ ખલીલ ઊંટ ઉપર સ્વાર થઈ તેમની સાથે રવાના થયા. જ્યારે ત્રણેક માઈલના અંતરે તેઓ આવી પહોંચ્યા ત્યારે હઝરતને ફીરસ્તાઓએ કહ્યું કે, આપ અહીં જ રહો કારણ કે આથી આગળ વધવાનો તમારા માટે હુકમ નથી. બસ, હઝરત ત્યાંજ ઉંટ ઉપરથી ઉતરી ઈબાદતમાં મશગુલ થયા અને ફિરશ્તાઓ હ. લુત (અ.)ના શહેર તરફ રવાના થઈ તેમના ઘર પાસે આવી પહોંચ્યા.
(૮૨) માણસ રૂપમાં ફિરસ્તાઓ હ. લુત (અ)ના ઘર પાસે આવી તેમની દીકરીઓને સલામ કરી. જેનો જવાબ મળતા હ. જીબ્રાઈલે કહ્યું કે, આ શહેરમાં કોઈ એવો શખ્સ છે કે જે આજની રાત મુસાફરોને પોતાને ત્યાં મહેમાન રાખે અને જમાડે, હઝરતની દીકરીઓએ કહ્યું કે, જરા સબર કરો. અમારા પિતા ઈબાદતથી ફરાગત થયા પછી જરૂર આપની ખીઝમત બજાવી લાવશે. તે પછી. હ. લુત (અ.)એ ઈબાદતથી પરવારી દરવાજા પાસે આવી જોયું તો, ખુબસુરત બાર જવાનો માથું ઓળેલા સુંદર વસ્ત્રોમાં સજ્જ બનેલા ઉભા છે. આથી હઝરત ચિંતામગ્ન બની મનોમન કહેવા લાગ્યા કે, મારા મહેમાનો ઘણાજ ખુબસુરત છે. ખુદા ન ખાસ્ત કદાચ ગામના લોકો તેમની સાથે બદી કરવા ઈચ્છે તો આજનો દીવસ ઘણો મુશીબતભર્યો થઈ પડશે અને તેને અંગે કદાચ લોકા સાથે તકરાર પણ કરવી પડે. કારણ કે, હઝરત તે કોમના બદફેલીથી માહિતગાર હતા. છતાં કુદરત ઉપર ભરોસો રાખી હઝરતે મહેમાનોને ઘરમાં આવકાર્યા અને તેમને ઘરમાં આશરો આપ્યો.
એ જાણવું જરૂરી છે કે, હ. લુત (અ)ની ઘરવાળી કાફિર હતી, તેથી તરતજ તેણે મહેમાનોની જાણ ગામના બદફેલ લોકોને કરી. જેથી તે લોકો હ. લુત (અ.)ના ઘર ઉપર ધસી આવ્યા, ને કહ્યું કે, અય લુત જે બાર ખુબસૂરત શખ્સો તારે ત્યાં મહેમાન બની આવ્યા છે તેને અમારે હવાલે કર. હ. લુત (અ)એ ફરમાવ્યું કે અય કોમ મારી બેટીઓ પાક છે, અને તે તમારા માટે વધારે હલાલ છે. હું તમને તેનાથી નિકાહ કરાવી આપીશ, માટે તમો અલ્લાહથી ડરો અને મારા મહેમાનો વચ્ચે મારી બેઅદબી કરો નહિં, શું તમારામાંથી એક પણ શખ્સ નેક રસ્તા ઉપર નથી ?
(૮૨/૮૩) હ. લુત (અ)એ જે છોકરીઓ માટે ઈશારો કીધો તેના વર્ણનમાં કલામે શરીફ અને બાયબલ વચ્ચે ફરક જોવામાં આવે છે. કલામે શરીફની આયાતની તફસીર કરતા અઝહરી નામના આલીમ જણાવે છે, તેમજ જમીલુલ ખ્યાન નામની કીતાબમાં પણ જણાવ્યું છે કે, હ. લુત (અ.) જે બેટીઓ તરફ સંકેત કર્યો હતો, તે કોમની સમસ્ત છોકરીઓ માટે હતો, જેનો અર્થ એ થાય છે કે, હ. લુત (અ) લોકોને કહ્યું, તમે પુરૂષો તરફ જે શહેવત (ખરાબ ખ્યાલ)ની નજરથી દોડો છો તેના કરતા શું તમારે માટે સ્ત્રી જાતી બહેતર નથી ? તમે સ્ત્રી-જાતી સાથે શાદી કરો; પણ લોકોએ હઝરતની સમજાવટ કબુલ રાખી નહીં.
(૮૩) અને કહ્યું કે, અય લુત તને તો ખબર છે, તેમજ અમને તારી બેટીઓથી કંઈ પણ મતલબ નથી. તને એ પણ ખબર છે કે, અમે શું ઈચ્છીયે છીએ. હઝરતે ફરમાવ્યું, અય નાદાનો જો મારામાં શકતી હોત તો હું તમારાથી મુકાબલો કરત, પણ મેં સબર કરી છે, સાથે અલ્લાહથી પનાહ ચાહી છે, ખુદા તમારી બુરાઈથી મારા મહેમાનોને બચાવે.
ફિરસ્તાઓને ખુદાવંદતાલા તરફથી એવો હુકમ હતો કે, જ્યાં સુધી હ. લુત, તે કોમની ફરીયાદ ત્રણ વખત નહીં કરે ત્યાં સુધી તમે કોઈથી મુદ્દલ બુરાઈ કરશો નહિં. તેમજ હઝરતને તમે કોણ છો તેની જાણ સુધ્ધાં પણ કરશો નહીં, તે પછી બદકાર કોમે હઝરતને માર મારી ઝખ્મી કીધા. જેથી હઝરતે પરોણાઓને આવીને કહ્યું કે, હું તેમની બરોબરી કરી શકું તેટલી કુવ્વત ધરાવતો નથી કે, તમને તેમના જુલ્મથી બચાવું અને હું પણ બચું. ત્યારબાદ તે કોમે હઝરત ઉપર બીજો પણ હુમલો કર્યો, આથી તેમણે લાચાર અને વિવશ બની, પોતાના પરોણાઓ પાસે આવી તેની જાણ કરી.
આટલું છતાં બદકારોએ પીછો છોડ્યો નહીં અને હઝરત ઉપર ત્રીજીવાર પણ હુમલો કર્યો, તેની જાણ જ્યારે હઝરતે ફિરસ્તાઓને કરી, ત્યારે મહેમાન તરીકે માણસના રૂપમાં આવેલા ફિરસ્તાઓએ હ. લુત (અ.)ને કહ્યું કે, અય પયગમ્બર અમે અલ્લાહના મોકલાવેલા ફિરસ્તાઓ છીએ. તેઓ હરગીઝ અમારા સુધી આવી શકશે નહીં, તેમ અમોને તેઓ પહોંચી પણ શકશે નહીં, ઉપરાંત અમે ખુદા તરફથી તમને આજની રાતની આવનારી આફતમાંથી બચાવી લેવા આવ્યા છીએ. એ હકીકત હઝરતે સાંભળી પોતાના ઘરના બારણા બંધ કર્યા અને બદકાર લોકો વિખરાઈ ગયા.
હ. લુત (અ.)ને ફિરસ્તાઓએ કહ્યું કે, કહેર ઉતરવાનો સમય સવારનો છે માટે તમો જ્યારે થોડી રાત બાકી રહે એટલે ઘરની બહાર નીકળી ગામ બહાર ચાલ્યા જજો અને પીઠ ફેરવી પાછળ જોશો નહીં, પણ તમારી ઘરવાળી કે જે બેઈમાન છે તે આઝાબનો ભોગ થશે.
(૮૩/૮૪) થોડોક સમય માંડ વીત્યો હશે ત્યાં પુન: બદફેલ લોકો હઝરતના ઘર ઉપર ચઢી આવી, બારણાઓ તોડી ફિરસ્તાઓ પ્રત્યે હાથ ઉગામ્યો એટલે ફિરસ્તાઓએ તેમના ઉપર ઈલાહિ શબ્દવાળો છુંકારો માર્યો. બસ બદકારોની સુરત-સીકલ બદ સુરત બની ગઈ, અર્થાત નાક, કાન બધા ચપટા બની ગયા, જેમ ખુદાતઆલાએ ફરમાવ્યું, તેઓએ ખરેખર ઈરાદો કર્યો તેમના મહેમાનો ઉપર અને અમે તેમની ગુમરાહી દૂર કરવા અને આંખ આડેથી ગુમરાહીના પડદા ખસેડવા તેમના ઉપર આઝાબ નાઝીલ કરી કહ્યું. “ચાખો હવે કર્તુકનો બદલો ” તે કોમની ન તો આંખ કે ન તો નાક રહ્યું, જેથી તેઓ રાડારાડ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે લુતે પોતાના ઘરમાં જાદુગરોને લાવી વસાવ્યા છે, વળી બદકારોએ કહ્યું, અય લુત તારા મહેમાનને કહે કે અમારો અંધાપો દુર કરે, તો અમો અમારા બુરા કર્તુકોની તૌબા કરીએ. બસ હ. જીબરાઈલે પોતાની પાંખ તેમના ચહેરા ઉપર ફેરવી તેવા જ તે અસલ સ્થિતિમાં આવી ગયા. તે પછી ફરીને બદકાર લોકોએ ફિરસ્તાઓ ઉપર હાથ ઉંચક્યો, તેવા ફરી તેઓ આઝાબમાં ગીરફતાર થયા, અને પુન: તૌબા કરી મુક્તી મેળવી; પણ સવાર થતા લુતના પરોણાઓથી બદલો લેવાનું કહી તેઓમાંથી વીખરાઈ શહેરના બધા દરવાજા બંધ કરી દીધા.
બદકારોની બદલાની હકીકતથી હ. લુત (અ.)એ અલ્લાહની મદદ માંગી. જે બાદ હ. જીબ્રાઈલ અમીને હઝરતને કહ્યું કે, “તમે તમારા કુટુંબ કબીલા તથા ઈમાનદાર લોકોને સાથે લઈ સૂર્યોદય થતા તરત જ શહેર બહાર નીકળી જાઓ. તે દરમ્યાન જે કોઈ બહાર નીકળ્યા નહી હોય તેમનો નાશ કરવામાં આવશે.” તેથી હ. લુત (અ.)એ મજકુર ખબર શહેરમાં ફેરવી, પણ જે લોકો હઝરતની ચેતવણીને માત્ર દંભ કે ખોટી સમજી શહેરમાં રહ્યા તેઓનો નાશ થયો. કલામે શરીફમાં સદૂમના લોકોને અઝાબ થવાનું વર્ણન છે તેનો સાર એ છે કે, સદુમના લોકોને સજા થવા માટે ત્યાંની પાસેનો જવાળામુખી પર્વત ફાટી નીકળ્યો; જેના પરિણામે ધરતીકંપ થયો, તેમજ માટી-પત્થર વિગેરે ઉડવાથી ‘સીબગટ’ સિવાયના ચાર ગામો અદમા, સબુયમ, બોલેએ, અમુરાનો નાશ થયો, અબુલફીદાના જણાવ્યા અનુસાર એ પાંચ ગામોની જુમલે વસ્તી ચાર લાખની હતી.
'સીબગહ'ના લોકોએ હ. લુત (અ.)નો ધર્મબોધ માન્ય રાખ્યો હોઈ, અને ઈમાન લાવ્યા હોવાથી તેઓ અઝાબથી બચી ગયા હતા.
સુરત અલ તહરીમના જણાવ્યા પ્રમાણે, હ. લુત (અ.)ની ઘરવાળીએ હુકમનો અનાદર કરવાથી તેને સજા થઈ. હુકમ એવો હતો કે, કોઈએ પાછળ રહેવું નહી. પણ તેણી પાછળ રહેવાથી તે ‘નીમકનો સ્થંભ” બની ગઈ; તે બેઈમાન હતી.
(૮૪/૮૫) હુકમ અનુસાર હ. લુત (અ)ને ગામ બહાર નીકળી જવાનું હતું. જ્યારે બદકારોએ શહેરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા, તેની જાણ હઝરતે ફિરસ્તાઓને કરી, ત્યારે હ. જીબ્રાઈલ અમીને તે સહુને હ. ઈબ્રાહીમ ખલીલુલ્લાહના ઘર સુધી પહોંચાડી દીધા; જેમને હ. ઈબ્રાહીમે ઘણા જ આવકાર સાથે પોતાના ત્યાં રાખ્યા.
(૮૫) તે પછી ધર્મ બોધની અવગણના કરી, બદફેલી તથા ગુમરાહી તરફ વળેલી કોમ ઉપર સૂર્યોદય થતાં જ ખુદાઈ કહેર ઉતર્યો અને હ. જીબ્રાઈલ અમીને આસમાનથી પોતાની જોરાવર પાંખો જમીનના તળીયે ઉતારી, 'સીબમહ' સીવાયના ચાર ગામોને એવી રીતે ઉખેડી ઉલટાવી દીધા કે, ઝાડનું એક સુકું પત્તું કે ઘરનું બારણું સુધ્ધાં ફરકવા પામ્યું નહી અને તે કોમ પોતાના શહેરો સહીત જમીનમાં ગારત થઈ ગઈ, જેનું નામોનીશાન પણ દુનીયાના તખ્તા ઉપર રહેવા પામ્યું નહીં.
એ રીતે એ શહેરો અને લોકોનો નાશ થયા પછી હ. લુત (અ)એ "ઝોર” નામના ગામમાં જઈ વસવાટ કર્યો.
યા અલી મદદ
