Ilm Majalis Logo

ILM MAJALIS

અલ્લાહના રસુલો

રેકોર્ડીંગ - ૩

રેકોર્ડીંગ - ૩

0:000:00

હઝરત ઈબ્રાહીમ (અ.સ.) અને નમરૂદ.

(પેજ-૪૮) ફુરાત અને દજલા નદીની આસપાસનો દેશ ‘શીનાહ' કહેવાતો, તેમજ એ બે નદી વચ્ચેનો પ્રદેશ બેબીલોનીઆ અથવા ચાલદીયા કહેવાતો, અહીં નમરુદનું રાજ્ય હતું. એટલે હાલના બગદાદ શહેરની પશ્ચિમે ઉતરનો ભાગ નમરૂદની રાજધાનીમાં આવતો હતો. નમરૂદનું પાયતખ્ત બેબીલોન હતું જે "બાબલ”ના નામથી જાણીતું હતું.

નમરૂદની વંશાવળી હ. નુહ (અ.)ના ફરઝંદ હામની સાથે મળે છે. નમરૂદનું ખરૂં નામ 'હાશીમ બીન કનઆન' હતું. નમરૂદ તેનું ઉપનામ છે.

નમરૂદ ઘણો હીંમતવાન અને બળવાન હોવાથી તેણે ઘણા રાજ્ય સર કર્યા હતા. તેણે અજમમાંથી નીકળી શામ-તુર્કસ્તાન, રૂમ વીગેરે રાજ્યને પોતાના તાબામાં લીધા હતા. તે સીવાય અન્ય રાજ્યો પાસેથી તે ખંડણી પણ ઉઘરાવતો હતો હાલમાં ઈરાકમાં આવેલા કુફા કે જેને બાબલના નામે ઓળખવામાં આવતું ત્યાં તેણે પોતાની રાજધાની કાયમ કરી હતી.

તેણે ૧૭૦૦ વર્ષ સુધી બાદશાહી કરી હતી. નમરૂદની ગાદી ઉપર આવનાર બધા નમરૂદ તરીકે ઓળખાતા હોઈ, નમરૂદે તે અમાનાની પ્રજા ઉપર લાંબી જીંદગી ભોગવી હોવી જોઈએ.

નમરૂદ પ્રથમ તારાઓ અને સૂર્યની પુજા કરતો હતો. તે ઝમાનાના સાબેઈન તારાને પુજનારા ખગોળનું જ્ઞાન ઘણું ઉંચુ ધરાવતા હતા, અને તેમાંથી તેઓએ જ્યોતીષ વિદ્યા શરૂ કરી અને જ્યોતીષ વિદ્યામાં તેઓ ઘણો ઉંડો રસ ધરાવતા થયા હતા. નમરૂદ ખુદાને માનતો નહી હતો, પોતે મહાન વીજેતા થવાથી તે ઘણો અભિમાની બન્યો હતો, અને તેથી તે પોતાને ખુદા કહેવરાવતો હતો. અને કહેતો હતો કે, આકાશમાં રહેતો ખુદા એ કંઈ નથી, અગર હોય તો હું તેને મારી નાખવા તૈયાર છું.

નમરૂદનું વધુ વૃતાંત હ. ઈબ્રાહીમ (અ.)ના અહેવાલમાં આપવામાં આવ્યું છે.

હઝરત ઈબ્રાહીમ (અ.સ.)

(૪૯) ઈબ્રાહીમ (અ.)નો જન્મ ઈ.સ. પુર્વે ૧૯૯૬ના વર્ષમાં થયો હતો. મલેક અબુલ ફીદા હ. ઈબ્રાહીમ (અ.)ના જન્મનો ઝમાનો નીચે મુજબ નકકી કરે છે. હ. આદમ (અ.)ના વજુદથી ૩૩૨૩, તુફાન પછી ૧૦૮૧ અને મસીહાના જન્મથી ૨૨૬૧ વર્ષ અગાઉ હ. ઈબ્રાહીમ (અ.)નો જન્મ થયો હતો પણ કયા શહેરમાં થયો હતો તે ચોકકસ જણાયું નથી. પણ ઈતિહાસની કેટલીક નોંધો તરફ દ્રષ્ટી કરતાં એવું જણાય છે કે, તેમનો જન્મ ઈરાકમાં એટલે કે તે ઝમાનામાં “શીનાહ”ના નામથી ઓળખાતા દેશમાં થએલો હોવો જોઈએ. જે જગ્યાએ ફુરાત નદી સમુદ્રને આવી મળે છે તે દેશ (Havilah) હવીલા કહેવાતો હતો.

હ. નુહ (અ.)ના દોર દરમ્યાન માણસોની સમજ શક્તિમાં ઘણો વધારો થયો હતો, તેઓ વિદ્યા હુન્નરમાં આગળ વધ્યા હતા, જે તે ઝમાનાની મીસર તથા ચાલદીઆના રાજ્યોની તવારીખનો અભ્યાસ કરવાથી જણાઈ આવશે. પણ તેઓનું જ્ઞાન તથા સુધારો જડ પદાર્થોને જ લગતો હતો. ધાર્મિક વિચારોમાં તેઓ ખોટે રસ્તે આગળ વધવા લાગ્યા હતા. આપણી આસપાસ નજર ફેરવતાં આપણે જોઇએ છીએ કે દરેક ચીજ પેદા થાય છે અને નાશ પામે છે, ઉગે છે અને આથમે છે, પણ જે શકિત આ નિયમને જાળવી રાખે છે તે શકિત કોણ છે ? કેવી છે ? કયાં છે ? તે સમજવું હાલના આગળ વધેલા ઝમાનામાં પણ મુશ્કેલ છે, ત્યારે આજથી ચાર હજાર વર્ષના અગાઉ લોકો માટે એ કહેવું મુશ્કેલ હોવું જોઈએ. આ મુશ્કેલીના પરીણામે તેમજ ખગોળશાસ્ત્રનું જ્ઞાન આગળ વધવાને લીધે ઘણી કોમે મુર્તિપુજા મુકી ગ્રહોની પુજા કરવા લાગી ગઈ હતી. પેદા થયેલી કોઈ પણ વસ્તું ગ્રહ કે માનવીને અપાર શકિત માની લેવી એ વિદ્યાના વધારાને અટકાવનારૂં છે, અને તેથી લોકોને આવી જાતની પુજાથી અટકાવવા અને વિદ્યા જ્ઞાનમાં આગળ વધારવા હ. ઈબ્રાહીમ (અ.)નો જન્મ થયો હતો.

પૃથ્વીના આ દોરના હ. ઈબ્રાહીમ નબી ત્રીજા પિતા કહેવાય છે. એટલે કે ત્રીજા મહાન નબી, ગુરૂ, શિક્ષક, તોહિદનો બોધ આપનાર અને તોહિદની શરીઅતને ફરીથી અર્થાત નવેસરથી તે જમાનાની હાલતને અનુસરી બાંધનાર હતા.

તેમની વંશાવળી આ પ્રમણે છે. ઈબ્રાહીમ, તારેખ, નહુર, સારૂગ, અરઉ, એબર, સાલેહ, અરફખશદ, શામ, નુહ (અ).

એક વખત નમરૂદ બાદશાહ પોતાનો દરબાર ભરી બેઠો હતો અને તેના તખ્તની આજુબાજુ તમામ લશ્કરી અફસરો તથા નજુમીઓ હાજર હતા, આ વખતે નજુમીઓ ગમગીન હાલતમાં પોતાના માથા નીચા નમાવી બેઠા હતા, તેમને આવી હાલતમાં જોઈ નમરૂદે પુછયું કે, આજે તમોને શું થઈ ગયું છે કે રંજ અને ગમમાં બેઠા છો ? નજુમીઓએ કહ્યું કે અય બાદશાહ ખુદા તમારી ખએર કરે, કારણ કે આસમાન ઉપર એક અજાયબી ભરેલો તારો અમને નજરે પડ્યો છે, કે જે સીતારો અમોને ક્યારે પણ જોવામાં આવ્યો નથી. આ સાંભળી નમરુદે કહ્યું કે એ સીતારો શું મતલબ ધરાવે છે ? તેનો ખુલાસો સમજાવો. તેના જવાબમાં નજુમીઓએ જણાવ્યું કે આજથી ત્રણ રાત-દિ' દરમ્યાન એક આશ્ચર્યકારક છોકરો ગર્ભમાં રહેશે જે તમારા અને તમારા રાજ્યનો નાશ કરશે. આ ઉપરથી નમરૂદે એવો હુકમ કર્યો કે આજથી રાજ્યના સઘળા પુરૂષોએ સ્ત્રીઓથી અલગ રહેવું. જે દિવસે આ હુકમ કર્યો તેજ રાત્રે હ. ઈબ્રાહીમ (અ.)ના પિતા કે જેવણ નમરૂદના ખાસ અંગરક્ષક હતા અને રાતના નમરૂદ જ્યારે નિંદ્રાવશ થતો ત્યારે ત્યાં ચોકીદારપણું પણ કરતા હતા, ત્યાં હ. ઈબ્રાહીમ (અ.)ના માતા અડધી રાત્રે આવી પહોંચ્યા. તે વખતે અન્ય ચોકીદાર નિંદ્રામાં મશગુલ હતા ઈલાહી કુદરતથી તેજ રાત્રે હ. ઈબ્રાહીમ પોતાના બાપની પીઠમાંથી માના પેટમાં રહ્યા હતા.

(૫૧) બીજી સવારે નમરૂદે દરબાર ભરી નજુમીઓને સવાલ કર્યો કે “તપાસ કરો કે તે છોકરો માતાના પેટમાં રહ્યો કે નહિ ?” નજુમીઓએ અરજ કરી કે, ગઈ રાત્રે તે છોકરો પોતાના બાપની પીઠમાંથી માતાના શરીરમાં ગર્ભધારણ કરી ચુક્યો છે. આ કારણથી સ્ત્રીઓની તપાસ રાખવા માટે સુયાણીઓ મુકરર કરવામાં આવી. એવું કહેવામાં આવે છે કે હ. ઈબ્રાહીમની માને શરીર પર ગર્ભની કોઈ પણ નિશાની દેખાતી નહોતી, તેથી સુયાણી તેને પારખી શકી નહિં. તે સિવાય એ વર્ષોમાં જેટલા પણ છોકરાઓ જન્મે તેને મારી નાખવાનો પણ નમરૂદે હૂકમ કર્યો હતો.

હ. ઈબ્રાહીમની માતાનો પ્રશવકાળ જ્યારે નજીક આવ્યો અને તેમની માતાને જ્યારે તેની તકલીફ જણાવા લાગી ત્યારે તેણે નમરૂદની બીક તથા બચ્ચાંની મહોબ્બતને લીધે તે શહેર બહાર જંગલમાં જઈ પર્વતની એક ગુફામાં હઝરતને જન્મ આપ્યો, જેમના નુરના પ્રકાશથી ગુફાનું અંધારૂં દુર થઈ રોશની ફેલાઈ ગઈ. આ જોઈ હઝરતની માતાને બ્હીક લાગી કે કદાચ કોઈ અહીં આવી મારા બચ્ચાંને મારી નાખે, પણ કુદરતના ભરોસે પોતાના બાળકને કપડામાં વિટાળી ગુફામાં મુકી બાળકની જુદાઈમાં રડતાં રડતાં તે પોતાને ઘેર આવ્યા. આ બાળકનું નામ ખુદાતઆલાની ઈચ્છા પ્રમાણે ઈબ્રાહીમ રાખવામાં આવ્યું.

તેજ વખતે હ. જીબ્રાઈલ નાઝીલ થઈ તે બાળકના બન્ને હાથોની બે આંગળીયો તેમના મોઢામાં મુકી દીધી. ખુદાના ફજલો કરમથી એક આંગળીમાંથી મધ, અને બીજી આંગળીમાંથી દુધ નીકળવા લાગ્યું, કે જેના ઉપર હઝરતનો ગુજર થતો હતો.

(૫૨) હઝરત ઈબ્રાહીમની માતા ઘેર આવી. પોતાના પતિ હ. તારેખને સઘળી હકીકત વિસ્તારથી કહી, જેના જવાબમાં આશ્વાસન આપતા તેમણે કહ્યું કે, ખુદા, ઉપર ભરોસો રાખો, તે માલિક સધળું સારૂં કરશે અને બાળક તેનીજ કુદરતથી મોટું થશે.

હઝરતની માતા દર અઠવાડીયે પોતાના બાળકને જોવા જતા હતા અને તેની કુદરતી થતી પરવરીશથી ઘણા તાજુબી પામતા હતા. આવી રીતે સાત વર્ષ વીતી ચુક્યા. જ્યાં તેમની માતા હઝરતને ભાષાજ્ઞાન તેમજ વસ્તુંજ્ઞાન પણ આપતા હતા.

એક દિવસ હ. ઈબ્રાહીમ (અ.)એ પોતાની માતાને પુછ્યું કે, “મારો અને તમારો ખુદા કોણ છે ?” માતાએ કહ્યું કે, “તારા પિતા, કારણ કે તે મારી પરવરીશ કરે છે.” હ. ઈબ્રાહીમ (અ.)એ પુછયું કે તેમનો ખુદા કોણ છે ?” ત્યારે કહ્યું કે, ‘સીતારા' ત્યારે ફરીને પુછ્યું કે, “સીતારાનો ખુદા કોણ ?' આ સાંભળી હઝરતની માતા લાજવાબ બની ગઈ. સબબ તે ઝમાનામાં લોકો સીતારાની પુજા કરતા હતા, અને સીતારાને બનાવનાર કોણ છે એનું જ્ઞાન તે વખતે નહોતું.

હઝરતની માતા ઘેર આવી. સઘળી હકીકત વિસ્તારપુર્વક પોતાના પતિને કહી સંભળાવી.

તે પછી એક અંધારી રાત્રે હ. ઈબ્રાહીમ (અ.) એ ગુફામાંથી બહાર આવી આકાશ તરફ પોતાની નજર કરી ત્યારે તેણે એક તારો જોયો. તેણે કહ્યું, આ મારો પરવરદીગાર છે, પણ જ્યારે તે અસ્ત પામ્યો, ત્યારે તેમણે કહ્યું કે, હું અસ્ત પામનારાઓને ચાહતો નથી. પછી જ્યારે તેણે ચંદ્રને ચઢતો ચળકતો જોયો ત્યારે, તેણે કહ્યું, કે આ મારો પરવરદીગાર છે, પછી જ્યારે તે પણ અસ્ત પામ્યો, ત્યારે તેણે કહ્યું, જો મારો પરવરદીગાર મને સીધો માર્ગ બતાવે નહીં તો હું ખચીત આડે માર્ગે ગયેલી કોમમાંનો થઈશ. પછી જ્યારે તેણે સૂર્યને પ્રકાશતો ચઢતો જોયો ત્યારે, તેણે કહ્યું:- આ મારો પરવરદીગાર છે, આ વધારે મોટો છે. આખરે તે પણ અસ્ત પામ્યો, ત્યારે તેમણે કહ્યું આ મારો ખુદા હોઈ શકે નહિ.

(૫૨/૫૩) જ્યારે હ. ઈબ્રાહીમ (અ.)એ જોયું કે લોકો પોતાની મુરાદો પુરી કરવાને માટે કોઈ મુર્તિની, કોઈ સીતારાની, કોઈ ચંદ્ર અને કોઈ સુરજને ખુદા માની તેની પુજા કરે છે, એટલે પોતે પણ ધાર્યું કે હું પણ મારો એક રબ નક્કી કરૂં. પણ જ્યારે સિતારા, ચંદ્ર, એ સહુ ગાયબ થઈ જાય છે એમ જાણ્યું ત્યારે, વિચાર્યું કે તેના ઉપર પણ કોઈ શક્તિ હોવી જોઈએ. ત્યારે તેમણે કહ્યું કે, હે મારા લોકો ખરેખર જેને તમે (ખુદાનો) શરીક ગણો છો તેનાથી હું દુર છું. ખરેખર મેં મ્હોં તેના તરફ ફેરવ્યું છે કે જેણે આકાશો અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. હું હનીફ ધર્મ (સત્ય ધર્મ) પાળનાર છું. અને હું મુશરકોમાનો નથી. અને તેની કોમે તેની સાથે તકરાર કરી. તેણે કહ્યું :- શું તમે મારી સાથે ખુદા વિષે દલીલ કરો છો, જેને કે તેણે મને સીધ્ધો રસ્તો બતાવ્યો છે ? અને મારે પરવરદિગાર જે કોઈ ઈચ્છે છે તે સિવાય જેને તમે તેની સાથે શરીક કરો છો, તેનાથી હું બ્હીતો નથી. મારા પરવરદિગારના જ્ઞાનમાં સર્વે વસ્તું સમાયેલી છે. શું તમે શિખામણ લેતા નથી ?” આ ઉપરથી લોકોએ કહ્યું કે, તમે અમારી સમક્ષ સાચી હકીકત લાવ્યા છો, જણાય છે કે, યા તો તમે જાદુગર છો અથવા તો કોઈથી સાંભળેલી વિગત કહી રહ્યા છો. હઝરતે કહ્યું એમ નથી, બલકે ખુદા સાચો છે કે જે જમીન અને આસમાનનો માલિક છે કે જેણે આ વસ્તુંઓને બનાવી છે. જે હકીકતને હું પણ કબુલ કરૂં છું. પણ કસમ છે મને તે મારા માબુદના કે હું તમારા બુતોની ફીકર કરીશ, કે જ્યારે તમે પીઠ ફેરવીને પાછા જશો.

નમરૂદની પુજા કરનારી કોમ હ. ઈબ્રાહીમ (અ.)થી હુજ્જત અને તકરાર કરવા લાગી કે, અમારો ખુદા નમરૂદ છે, તેને તાબે થાઓ. ત્યારે હઝરતે જવાબ આપ્યો કે, “મારી સચ્ચાઈ અને મારા ખુદાના ખરાપણા સાથે વિરૂધ્ધતા કરો નહિ. હું તમારા ખુદાની પરવાહ કરતો નથી.”

એ સાંભળી વિરોધીઓ હ. ઈબ્રાહીમ (અ.)ની સાથે શહેરમાં આવીને નમરૂદ જ્યાં દરબાર ભરી બેઠો હતો ત્યાં તેમને તેડી આવ્યા.

નમરૂદને જોતાં તેઓને અતિ સંતાપ થયો, કારણ એ ઘણો બેડોળ, બદસિકલ અને અળખામણો હતો અને તે એક તખ્ત ઉપર બેઠો હતો. હાજર રહેલાઓ તેને સિજદો કરતા હતા. તેના તખ્ત પાસે સૌંદર્યશાળી સ્ત્રીઓ અને ખુબસુરત ગુલામો સફ બાંધી નીચી નજર કરીને ઉભેલા હતા. હ. ઈબ્રાહીમ (અ.)એ તેમને જોયા. આ જોઈને હઝરત બોલી ઉઠયા: “જો ઉભી રહેલી સ્ત્રીઓ અને ગુલામોનો નમરૂદ પેદા કરનાર હોય તો તેની પોતાની આવી બદસુરત સિકલ શા માટે છે ?”

(૫૩/૫૪) આ સાંભળી નમરૂદના દરબારમાં હાજર રહેલા લોકોના ટોળેટોળાં હઝરત પર ધસી આવ્યા અને પોતાના વંદનિય નમરૂદ અને સફસમારી ઉભેલા, દેવ દેવીઓનો ભય દેખાડવા લાગ્યા.

(૫૪) આ જોઈને હ. ઈબ્રાહીમ (અ.)એ ફરમાવ્યું કે, “એ મને કાંઈ પણ હાની પહોંચાડનાર નથી, બલકે તમે હાનીમાંથી ઉગરવા માટે મારા સર્વ શક્તિમાન ખુદાનો ભય રાખો અને તમે જે આડો માર્ગ ઝાલી બેઠા છો, તેનો ત્યાગ કરો.”

તે કામમાં દર વર્ષે બે ઉત્સવો થતા હતા, જેમાં મુર્તિપુજા ઉપરાંત પ્રાણીઓની કુરબાની પણ કરવામાં આવતી હતી. એક સમયે હ. ઈબ્રાહીમ (અ.)ના કાકા અઝારે તેમને કહ્યું કે, અય મારા બેટા ચાલ આપણે ઉત્સવ જોવા જઈએ. હ. ઈબ્રાહીમ (અ.) બીમારીનું બહાનું કરી ઉત્સવમાં ગયા નહી તેથી તેમને મુકી સૌ ચાલ્યા ગયા.

તે પછી હ. ઈબ્રાહીમ (અ)એ એક કુહાડો લઈ બુતખાનામાં જઈ સધળા બુતોના હાથ પગ તોડી ટુકડે ટુકડા કરી નાખ્યા, અને તે કુહાડાને મોટી મુર્તિના ખભા ઉપર મુકી ત્યાંથી ચાલ્યા ગયા. આ હકીકતની ખબર શયતાને ઉત્સવના મયદાનમાં જઈ લોકોને આપી, જે સાંભળી તરતજ લોકો બુતખાના તરફ દોડતા આવ્યા અને પોતાના બુતોને ટુટેલા જોઈ ક્રોધે ભરાણા અને તે વિષેની ફરિયાદ તેઓએ નમરૂદ બાદશાહ પાસે જઈ કરી. અને અરજ કરી કે, જેણે અમારા બુતોની આવી દુર્દશા કરી છે તેની પાસેથી તેનો બદલો લીધા વિના અમે રહેશું નહીં. લોકોએ કહ્યું કે, એક વખત એક જવાને મુર્તિઓની ખબર લેવા માટે કહ્યું હતું, કે જેનું નામ ઈબ્રાહીમ છે. આ સાંભળી નમરૂદે હ. ઈબ્રાહીમ (અ)ને બીક બતાવી ક્રોધ સાથે પુછયું કે, અમારા બુતોને તમે તોડ્યા છે ? હઝરતે કહ્યું કે, તે મેં નથી તોડ્યા. આ સાંભળી જનસમુહમાંથી એક જણે હઝરતને સંબોધીને કહ્યું કે અય ઈબ્રાહીમ એક દિવસ શું તમે નહોતું કહ્યું કે હું તમારા બુતોની ફીકર કરીશ ! આ ઉપરથી સાબીત થાય છે કે તે તમેજ તોડયા છે. જેથી ફરીને હ. ઈબ્રાહીમે કહ્યું કે, હું હજી પણ કહું છું કે તેમને મેં તોડ્યા નથી, પરંતું જે બુતોનો મોટો સરદાર છે કદાચ તેણે તોડ્યા હશે. તેનેજ પુછી જુઓ, અગર જો તે જવાબ આપે તો ?

(૫૪/૫૫) આ સાંભળી તે લોકોમાંથી અમુક જણાઓએ કહ્યું કે, અય ઈબ્રાહીમ, મુર્તીઓ કદી વાત કરે ખરી ? જેના જવાબમાં હ. ઈબ્રાહીમ (અ.)એ કહયું કે, અય કૌમ જ્યારે મુર્તીઓ વાત નથી કરતી, તેમ તે જોઈ કે સાંભળી પણ નથી શકતી તો પછી શા માટે તેને ખુદા કહો છો અને તેની પરસ્તી કરો છો. આ સાંભળી લોકો પોતાના માથા નીચે કરી લાજવાબ થઈ ગયા. તે પછી હ. ઈબ્રાહીમ (અ.)એ હિદાયત કરી. લોકોને સમજાવતા કહ્યું કે, તમે એવા ખુદાની પુજા કરો છો કે, જે તમારૂં કંઈ પણ ભલું કરી શક્તો નથી. હું હેરાન છું કે તમે અલ્લાહ સીવાય બીજાની શા માટે પુજા કરો છો ? શું તમોને એટલી પણ બુધ્ધી નથી કે, જે પોતેજ પોતાનું રક્ષણ ન કરી શકે તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે ?

(૫૫) હ. ઈબ્રાહીમ (અ)ની દલીલ સામે લોકો ખામોશ રહ્યા ને કંઈ પણ ઉત્તર આપી ન શકવાથી ઉશ્કેરાઈ ગયા અને નમરૂદને તેઓએ અરજ કરી કે, ઈબ્રાહીમને બાળી નાખો. આ ઉપરથી નમરૂદે હુકમ કર્યો કે, ફરતી ચાર દીવાલ તૈયાર કરો, અને દેશ આખામાં એલાન કરો કે ઈબ્રાહીમને બાળવા માટે લાકડા ભેગા કરવામાં આવે. તે મુજબ ચાર દીવાલો ઉભી કરી તેમાં લાકડા ખડકી આગ સળગાવામાં આવી કે જેની આંચ માત્રથી ત્રણ ગાઉ દુર ઉડતા પક્ષીઓ પણ બળીને ખાક થઈ જતા હતા. ધીરે ધીરે આગે વધુ પ્રચંડ રૂપ ધારણ કર્યું' ત્યારે હ. ઈબ્રાહીમને આગમાં નાખવું લોકો માટે મુશ્કીલ બની ગયું. કારણ કે આગ નજીક કોઈ જઈ શકતું નહિ હતું, તેથી સૌ વિચારમાં પડી ગયા. એટલામાં ઈબ્લીશ ગોફણ લઈને ત્યાં આવી કાફરોને હિકમત બતાવતાં કહ્યું કે, એક ઉંચી જગ્યા બનાવી, ઈબ્રાહીમને ગોફણમાં રાખી આગમાં ફેંકો. આવી ગોફણ કોઈએ બનાવી કે જોઈ પણ ન હતી, જ્યારે ઈબ્લીશે આવી ગોફણ દોઝખે હાવિયામાં જોઈ હતી.

શયતાન લઇનની તરકીબ પ્રમાણે, ગોફણ તૈયાર થતાં, હ. ઈબ્રાહીમ (અ)ના હાથ પગ બાંધી તેમને ગોફણમાં મુકવામાં આવ્યા. તે પછી નમરૂદના માણસોએ જ્યારે હઝરતને આગમાં નાખવાની સઘળી તૈયારીઓ પુરી કરી ત્યારે ખુદાવંદતઆલાએ ફરમાવ્યું, અય જીબ્રાઈલ આસમાનના દરવાજા ખુલ્લા મુક કે જેથી સઘળા ફીરસ્તાઓ મારા ખલીલને જોઈ શકે. હુકમે ઈલાહી અનુસાર દરવાજાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા, જેથી તમામ ફિરસ્તાઓ આ હાલ જોઇ સિઝદામાં જઈ અરજ કરી કે, યા બારીતઆલા તેં ઈબ્રાહીમને દુશ્મનોના હાથમાં આપ્યો છે. ખુદાતઆલાએ ફરમાવ્યું, અગર તમારી મરજી હોય તો તેને મદદ કરો.

પછી હ. જીબ્રાઈલ બીજા ફીરસ્તાઓ સાથે હ. ઈબ્રાહીમ (અ.)ની મદદે આવ્યા અને કહ્યું, અય પયગમ્બર અગર તમારી મરજી હોય તો આગને દરીયામાં ફેંકી દઈએ.

હ. ઈબ્રાહીમ (અ)એ ફરમાવ્યું, શું આ ખુદાતઆલાએ ફરમાવ્યું છે ?

(૫૬) જવાબ મળ્યો “નહિ”, પુનઃ ફિરશ્તે કહ્યું, આપની મરજી છે ? હઝરતે ફરમાવ્યું, મને તમારી મદદની જરૂર નથી, મારા માટે મારો અલ્લાહ બસ છે.

તે પછી નમરૂદના અસંખ્ય માણસો ગોફણને ખેંચી હઝરતને આગમાં નાખવા તૈયાર થયા ત્યારે હ. ઈબ્રાહીમ (અ.) આ વજીફો પડ્યા.

"હસબુનિલ્લાહુ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅનન્નસી૨.” મતલબ કે, “મારા માટે ખુદા સંપુર્ણ છે, તે સારો વકીલ, સારો ધણી અને સારો મદદગાર છે.”

પછી હ. ઈબ્રાહીમ (અ.)ને આગમાં નાખી દેવામા આવ્યા; પણ અલ્લાહના ફઝલો કરમથી તેમને કંઇ પણ ઈજા પહોંચી નહીં. ખુદાતઆલાએ ફરમાવ્યું, 'અમે કહ્યું આગ ઠંડી થઈ જા, અને સલામતી ઈબ્રાહીમ ઉપર, અમે ઈચ્છ્યું, જેમણે તેમનું બુરૂં કર્યું છે તેને અમે નાખ્યા નુકશાનમાં.'

તે પછી જ્યાં આગ સળગાવવામાં આવી હતી, ત્યાં બાગ બની ગયા; તે ઉપરાંત તે જગ્યાએ એક પાણીનો ઝરો ફુટી નીકળ્યો; ત્યાર બાદ ત્યાં હ. જીબ્રાઈલે બહિશ્તમાંથી એક નુરાની તખ્ત લાવીને મુક્યું અને પોતા સાથે લાવેલો પોશાક હ. ઈબ્રાહીમ (અ.)ને પહેરાવી કહ્યું કે, મને અલ્લાહની કુદરત ઉપર અજાયબી લાગી, અને તેની સાથે તમારી સબર ઉપર પણ મને તાજુબી ઉપજી.

(૫૬/૫૭) કહે છે કે, આગથી જે ઝાડો બળી ગયા હતા તેની તમામ જડો જમીનમાં પાછી લાગી અને તેની ડાળીઓમાં મેવા આવવા લાગ્યા. આ વખતે નમરૂદે મિનારા પર ચડીને જોયું તો હ. ઈબ્રાહીમ (અ) ખુશ્બોદાર ફુલો અને ઝાડોની શીતળ છાંયા હેઠળ તખ્ત ઉપર બેઠા છે. આ જોઈ તેને ઘણો જ અફસોસ થયો અને તે મલઉન હઝરત ઉપર પત્થરો ફેંકવા લાગ્યો, પણ ખુદાના હુકમથી તે પત્થરો હવા ઉપર અધર રહી વાદળાની જેમ છાંયો કરવા લાગ્યા. આવું પરિવર્તન જોઈ તે શરમીંદો બની ગયો અને ચાહ્યું કે હું મુસલમાન બની જાઉં. પરંતુ તેને તેજ વખતે ખોફ થયો કે, કદાચ તેથી મારી બાદશાહી જતી રહેશે. તે દરમ્યાન વઝીર હારાને નમરૂદને કહ્યું કે, ઈબ્રાહીમને જે બુઝુર્ગી મળી છે તે માત્ર આતશ પરસ્તીથી જ પ્રાપ્ત થઈ છે અને તે સિવાય તેણે બીજી કેટલીક વાતો નમરૂદનું મન ડગમગાવી નાખવા કહી, કે જેથી તે પાછો પોતાના અસલ બુતપરસ્તીના ખ્યાલો ઉપર કાયમ રહ્યો. આવી વાતો હારાન જ્યારે નમરૂદને સમજાવી રહ્યો હતો કે, તેની આંખમાં આગની એક ચિનગારી આવીને પડી. જેની અસહ્ય વેદનાથી તે જમીન ઉપર પટકાઈ તરફડવા લાગ્યો. બીજી તરફ નમરૂદની દીકરીએ મહેલના એક ઝરૂખામાંથી જોયું તો તેને હ. ઈબ્રાહીમ (અ) આરામ અને રૌનકની સાથે તખ્ત ઉપર બેઠેલા નજરે પડ્યા. તે ઉપરાંત તેમની નજીક કિનારા ઉપર પાણીના ચશ્મા વહેતા અને તેમની ચારે બાજુએ ફુલોની હારમાળામાં હઝરત અલ્લાહના ઝીકરમાં મશગુલ બની બેઠેલા તેણીએ નિહાળ્યા. જ્યારે તેણીએ નમરૂદ જ્યાં હતો ત્યાં આવી બીજી તરફ દ્રષ્ટી કરી તો વઝીર હારાનને જમીન ઉપર આળોટતો અને આંખની વેદનાથી ચીંચીયારીઓ મારતો જોઈ પોતાના પિતા નમરૂદને કહ્યું કે, 'હવે શા માટે કબુલ કરતા નથી કે, હ. ઈબ્રાહીમનો અલ્લાહ બરહક અને સાચો છે.' જે સાંભળી નમરૂદે પોતાની દીકરીને ધુતકારી કાઢી તે હારાનની નજીક ગયો. તે બાદ તેની દીકરી હ. ઈબ્રાહીમ (અ.)ની હુઝુરમાં જઈ 'લાઈલ્લાહ ઈલલ્લાહ ઈબ્રાહીમ રસુલુલ્લાહ' નો કલમો પડી સત્ય પંથ ઉપર આવી, અને પોતાના પિતા પાસે જઈ તેણીએ કહ્યું કે, 'હું તો સત્યપંથ ઉપર આવી ગઈ, અને તમે શા માટે હ. ઈબ્રાહીમના ખુદા ઉપર ઈમાન નથી લાવતા ? નમરૂદે આ શબ્દો સાંભળી ગુસ્સામાં આવી જઈ પોતાની દીકરીને મારી નાખવા તૈયાર થયો. એટલામાં કુદરતે ઈલાહીથી એક વાદળ આવી બીબીને ‘કોહે કાફ’માં લઈ જઈ રાખી, જ્યાં તેણી અલ્લાહની યાદમાં તેનું ઝીકર અને રટણ કરવામાં મશગુલ થઈ.

હ. ઈબ્રાહીમ (અ.)નું અગ્ની પરિક્ષામાંથી મુકત થઈ પરદેશગમન કરવું.

આ ઝમાનામાં દુનિયાના વિશાળ વિસ્તાર ઉપર રાજ્ય ચલાવનારા ચાર મહાન રાજ્યકર્તાઓ થયા છે, જેમાંના બે મોમિન હતા અને બે કાફિર હતા. મોમિનોમાંના એક હ. સુલેમાન બિન દાઉદ (અ.) અને બીજા સિકંદર ઝુલકરનૈન. કાફિરોમાં એક નમરૂદ અને બીજો બખ્તનસર હતો.

કનઆનનો પુત્ર નમરૂદ એક મોટો બાદશાહ હતો, તે લોકો પાસેથી ફરજીયાત પોતાને સિજદો કરાવતો હતો. હ. ઈબ્રાહીમ (અ.)એ તેને સિજદો કર્યો નહિ. તેણે પુછ્યું કે, “તમે મને સિજદો કરતા નથી તેનું શું કારણ છે ?”

તેમણે કહ્યું, “હું ફકત મારા રબને સિજદો કરૂં છું.”

નમરૂદ :- 'રબ' તો હું છું.

(૬૩) મજકુર જવાબ સાંભળી નમરુદે કહ્યું, હવે હું મારૂં લશ્કર એકઠું કરૂં છું અને તું પણ તારા ખુદાનું લશ્કર ભેગું કર કે, જે મારી સામે મુકાબલો કરે તે પછી મલઉન પોતાનું લશ્કર જમા કરવા લાગ્યો. જેની છાવણીઓની લંબાઈ માઈલો સુધી પથરાયેલી હતી.

નમરૂદના ખ્યાલ તો કુદરત વિરૂધ્ધ ખુબજ જઈ રહેલા જાણી હ. ઈબ્રાહીમ (અ)એ ફરીને તેને હિદાયત કરતા ફરમાવ્યું કે, અય પલીદ ! ખુદાથી શરમીંદો બન, કે જે આખી મખલુકાતનો પેદા કરનાર અને પરવરીશ કરનાર છે, તેનાથી જરા ડર, અને તેણે તને આ દુનિયામાં જે બાદશાહી બક્ષી છે તેનો ખ્યાલ કર. ઉત્તરમાં મલઉને કહયું, મને તારા ખુદાથી કંઈ પણ લેવાદેવા નથી, તારા ખુદામાં જે તાકાત હોય તો, તેને કહી દે કે તે મારી ફૌઝથી લડી મારી બાદશાહીને છીનવી લ્યે.

નમરૂદના આવા અતિ અભિમાનભર્યા શબ્દો સાંભળી હ. ઈબ્રાહીમ (અ.)એ ખુદાની હુઝુરમાં અરજ સાથે દુઆ માંગી કે, યા ઈલાહિ ! આ બેફરમાની નમરૂદ તારી સામે મુકાબલો કરવા માંગે છે, તેથી તું તેને દુનિયામાં લાચાર બનાવી તેનો નાશ કર. હઝરતની એ દુઆ કબુલ થઈ અને ઈલાહિ હુકમ અનુસાર ફિરસ્તાઓએ નમરૂદની ફોજ ઉપર મચ્છરના દળને છુટા મુકી આપ્યા, કે જે આસમાનમાં કાળા વાદળોની જેમ પથરાઈ નમરૂદના લશ્કર તરફ આવી રહ્યા હતા. તેને જોઈ હ. ઈબ્રાહીમ (અ)એ નમરૂદને ફરમાવ્યું, જો આ મારા ખુદાની ફૌજ આવી રહી છે. નમરુદે જ્યારે જોયું કે, કાળા વાદળોની માફક કંઇક છવાયેલું આવી રહ્યું છે ત્યારે તેણે પોતાના સિપાહીઓને હુશિયાર રહેવા અને નગારા વગાડવાનો હુકમ કર્યો. બસ ખુદાઈ ફોજ આવી પહોંચી અને પ્રત્યેક સિપાહીના માથા ઉપર એક એક મચ્છર બેસી જઈ તેમના નાકના માર્ગે મગજમાં જઈ તેમનું લોહી અને માંસ ખાવા લાગ્યા. મચ્છરોની ફોજનો તેનું લશ્કર જરા પણ સામનો કરી શક્યું નહિ બલ્કે, મગજની પારાવાર વેદનાથી નમરૂદનો એક પણ સિપાહી જીવતો રહ્યો નહિ. પોતાના લશ્કરની આવી હાલત જોઈ મરદુદ મહેલ તરફ ભાગી છુટ્યો.

(૬૩/૬૪) મહેલમાં આવી તે વિચારવા લાગ્યો કે, મારૂં લશ્કર મચ્છરોનો જરા પણ મુકાબલો ન કરતા મરણને શરણ થયું. ત્યાં મચ્છરનો સરદાર જે લંગડો અને કાણો હતો તે ખુદાના હુકમથી મલઉનના ખોળા ઉપર આવી બેઠો. તેને જોઈ નમરુદે પોતાની બીબીને કહ્યું કે, આવી જાતના જંતુઓ હતા કે જે મારી ફોજને ખાઈ ગયા. તે પછી તેણે ચાહ્યું કે, મચ્છરના સરદારને પકડી પાડે, એટલામાં તો મચ્છર તેના નાક દ્વારા મગજમાં ચઢી તેનું મગજ ખાવા લાગ્યો. જેની વેદનામાં તે મરદુદ ગીરફ્તાર થયો; તેનાથી કંઈ પણ બની શકયું નહિ. આમ એકધારા ચાલીસ દિવસ વિત્યા. જ્યારે કોઈ તેના માથા ઉપર લાકડી કે જોડાનો માર મારતો ત્યારે સહેજ આરામ મળતો, અને ફરી વેદના ચાલું થતી.

(૬૪) તે પછી ચાલીસમે દીવસે હઝરત ઉપર વહી નાઝીલ થઈ કે, 'અય ઈબ્રાહીમ તમે નમરૂદ પાસે જઈ તેને મારા તરફ વળવાની દાવત આપો.' હ. ઈબ્રાહીમે ખુદાતઆલાના હુકમથી નમરૂદ પાસે જઈ ફરમાવ્યું કે, 'અય નમરૂદ કહે, લાઈલાહા ઈલલ્લાહ ઈબ્રાહીમ રસૂલિલ્લાહ.” નમરૂદ મરદુદે કહ્યું ‘તે અને તું કોણ છે કે તેની વહેદાનીયત અને તારી રસાલત ઉપર હું સાક્ષી આપું.' હઝરતે ફરમાવ્યું કે, જો તારા ઘરની સઘળી વસ્તુંઓ ગવાહી આપે કે ખુદા એક છે અને હું તેનો રસૂલ છું, તો તું ઈમાન લાવીશ ? તરતજ તેના ઘરની સઘળી ચીજોએ બુલંદ અવાજે લાઈલાહા ઈલલ્લાહ ઈબ્રાહીમ રસુલુલ્લાહ કહયું. જેથી તેણે દરેક ચીજોને બાળી દરીયામાં ફેંકી દેવાનો હુકમ કર્યો, નોકરોએ તેજ પ્રમાણે કર્યું. તે બાદ પલીદે કહ્યું કે, હવે કોણ સાક્ષી આપશે ? હઝરતે ફરમાવ્યું કે, તમામ દીવાલ અને દરવાજા તથા થાંભલા અને તારો મહેલ ઉપરાંત તેમાંની વસ્તુંઓ સાક્ષી આપશે. હઝરતના આ મુબારક કલામો સાંભળી સઘળી ચીજોએ બુલંદ અવાજે ફરીથી ગવાહી આપી, જેથી તે મલઉને દરેક ચીજોને બાળી ખાક કરાવી મુકી. તે બાદ તેણે કહ્યું, હવે કોણ સાક્ષી આપશે ? હઝરતે ફરમાવ્યું કે, તારો પહેરેલો પોષાક પણ તેની ગવાહી આપશે. જ્યારે તેના પોષાકે પણ સાક્ષી આપી તે તેને પણ નમરૂદે ઉતારી સળગાવી મુક્યો.

તરતજ હ. જીબ્રાઈલ અમીને નાઝીલ થઈ પયગમ્બરને કહ્યું કે, આ મરદુદ કાફીર હરગીજ ઈમાન લાવશે નહી અને તેના ઉપર ખુદાઈ કહેર નાઝીલ થશે. કારણ કે તેનું મૌત નજીક આવ્યું છે.

(૬૪/૬૫) બીજી એક રીવાયત છે કે, નમરૂદે પોતાની અસહ્ય વેદનાથી આરામ મેળવવા એક હજુરીયો રાખ્યો હતો, જે તેના માથા ઉપર રાત-દીવસ સોટાનો માર મારતો તેથી તેને સ્હેજ આરામ મળતો. એક દીવસ તે નોકરે ગુસ્સામાં આવી જઈ સોટાનો એક ફટકો એવો તો જોરથી તેને માર્યો કે, તેથી પલીદનું માથું ફાટી ગયું ને તે મરણ પામ્યો ને જહન્નમ વાસલ થયો. જ્યારે પેલો મચ્છર કે જે અંદર તેનું મગજ ખાઈ ખુબ તાજો બન્યો હતો, તે ઉડીને ચાલ્યો ગયો.

(૬૫) કસસુલ અંબિયાના ઉલ્લેખ પ્રમાણે, નમરૂદના મરણ બાદ હ. ઈબ્રાહીમ (અ.) એ ત્યાંથી રવાના થઈ શામ તરફ પ્રયાણ કર્યું. ને શામ નજીક 'રહીયા' નામની જગ્યાએ આવી તે મુલ્કને આબાદ કર્યો, ને ત્યાંથી 'ફારાન' આવી ત્યાં 'ફકીયા' નામે એક શહેરને રૌનક બક્ષી આબાદ કર્યું, ને ત્યાંથી રવાના થઈ ‘બૈતુલ-મુકદ્દશ' પધાર્યા. તેમની આમદથી ત્યાંના લોકો ઘણા ખુશી થયા. એમની બીબીઓ સારાહ અને હાજરાએ તેની ખુશીમાં ગરીબોને દાન કર્યું.

ખુદાની કુદરતથી તેજ રાત્રે બીબી હાજરાને હ. ઈબ્રાહીમ (અ.)થી હમલ (ગર્ભ) રહ્યો, ને તેમની પેશાની ઉપર હઝરતનું નુર ચમક્યું, જે બીબી સારાહને ગમ્યું નહીં. બાયબલના Genesis ના ૧૬-૧૭ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે ખુદાતઆલા ફરમાવે છે કે, “તમે ગર્ભવતી છો, તમે છોકરાને જન્મ આપશો, તે છોકરાનું નામ ઈસમાઈલ રાખજે અને ઈસમાઈલ માટે મેં તમારી ફરીયાદ સાંભળી છે, મારો તેમના ઉપર આશીર્વાદ છે, હું તેમને ભાગ્યશાળી કરીશ અને તેમની નસલને લંબાવીશ. તેમનાથી બાર શાહજાદાઓ પેદા થશે, અને તેમના વંશજો રાજ કરતી મહાન કોમ બનશે.”

મજકુર હકીકતની જાણ જ્યારે બીબી સારાહને થઈ ત્યારે તેમને અદેખાઈ આવી, જેથી તેમણે હ. ઈબ્રાહીમ (અ.)ને કહ્યું કે, “આ વાત હું સહન કરી શક્તી નથી. કારણ કે હાજરાને ઔલાદ થાય ને હું ઔલાદ વિહોણી હોઉં” તે પછી નવ માસે હાજરાખાતુને એક ફરજંદને જન્મ આપ્યો, જેનું નામ ઈસમાઈલ રાખવામાં આવ્યું, તેથી સારાહખાતુને હઝરતને કહ્યું કે, “જો હાજરા અહીં રહેશે તો હું રહીશ નહી. પણ ક્યાંક ચાલી જઈશ, જોઈએ તો તેને રાખો યા મને રાખો. જો મનેજ રાખવી હોય તો તેને કોઈક એવા સ્થળે લઈ જાવ કે જ્યાં ફળ, ફુલ કે આબાદી ન હોય, જેથી તે આરામથી રહી ન શકે. તેમજ હું પણ તેને જોઈ ન શકું.” આ હકીકત સાંભળી હઝરત ઘણા ગમગીન થયા અને શું કરવું તેની ચિંતા કરવા લાગ્યા. એટલામાં હ. જીબ્રાઈલ અમીને ત્યાં આવી હઝરતને ખુદાનો સંદેશો આપતાં કહ્યું કે, 'અય ઈબ્રાહીમ (અ.) જેમ સારાહ કહે છે તેમ કરો.'

(૬૬) હુકમે ઈલાહિ અનુસાર હઝરતે ઊંટ તૈયાર કરાવી એક ઊંટ ઉપર હાજરા તથા ઈસમાઈલને બેસડ્યા અને બીજા ઊંટ ઉપર પોતે સ્વાર થઈ બેતુલ-મુકદસથી નીકળી હમણા જ્યાં ખાને-કાબા છે કે જે સ્થળ અગાઉના ઝમાનામાં ઘણું વેરાન હતું, ત્યાં આવી પહોંચ્યા.

અહીં આવી હઝરતે હાજરાને ફરમાવ્યું કે, “તમે અહીં રહો. હું આવું છું.” અને પોતે ગમગીન ચહેરે આંખમાંથી આંસુ ટપકાવતા ત્યાંથી શામ તરફ જવા વિદાય થયા.

કેટલોક સમય વિત્યા બાદ હાજરાખાતુને જોયું કે, હ. ઈબ્રાહીમ (અ.) હજી સુધી પાછા આવ્યા નહી. બીજી તરફ સૂર્યનો તાપ તીવ્ર બની રહ્યો હતો, જેની સખ્ત ગરમી તેમનાથી સહન થઈ શકી નહી, અને તેમનો ચહેરો ઘણોજ લાલ થઈ ગયો, તેથી તેમને પાણીની તરસ પણ ખુબજ લાગી, જે મેળવવા તેમણે હ. ઈસમાઈલને જમીન ઉપર સુવડાવી (જ્યાં હમણાં ઝમઝમ નામનો કુવો છે.) પોતે પાણીની શોધમાં નીકળ્યા. છેવટે કોહે સફા અને મરવા પહાડ ઉપર પાણી માટે સાત વખત દોડતા ગયા, અને સાત વખત દોડતા પાછા ફર્યાં. (કે જ્યાં હમણા પણ હાજી લોકો સાત વખત સફા અને મરવા પહાડ વચ્ચે દોડે છે અને બની ગએલા પ્રસંગને યાદ કરે છે.) પણ પાણી ક્યાંય મળ્યું નહીં. તેથી હતાશ બની, જ્યાં પોતાના ફરજંદને સુવડાવ્યો હતો ત્યાં આવી જુએ છે તો હ. ઈસમાઈલના પગ પાસે પાણીનો એક ઝરો ફુટી નીકળ્યો છે. એ ઝરો છે. ઈસમાઈલના બન્ને પગોની એડીઓ ઘસાવાથી પેદા થયો હતો.

આ દ્રષ્યથી બીબી હાજરા ઘણા ખુશી થયા, અને અલ્લાહના શુક્રાના અદા કરતા કહ્યું, અલહમ્દોલિલ્લાહ, ખુદાતઆલાએ ભલે મને આવો મુબારક ફરજંદ બક્ષ્યો. પછી પોતે પાણી પીધું અને પોતાના પુત્રને પણ પીવડાવી તૃષ્ણા તૃપ્ત કરી.

(૬૬/૬૭) એક વખત સોદાગરનો એક કાફલો પાણીની શોધમાં જાનવરો સહીત ત્યાં આવી પહોંચ્યો તેમણે જોયું કે, એક બાનું પોતાના બાળક સાથે પાણીના ઝરા નજીક બેઠી છે. એ કાફલાએ આ પુર્વે અહીં ક્યારે પણ પાણી જોયું નહોતું, તેથી તાજુબી સાથે તેમણે બાનુને પુછયું કે, “તમે કોણ છો ? અને અહીં શા માટે બેઠા છો ?” હાજરાખાતુને પોતાના તેમજ હ. ઈસમાઈલ ઉપર વીતેલી પાણીની ઘટના તેમને કહી સંભળાવી, જે સાંભળી કાફલાવાળાએ કહ્યું કે, મહેરબાની કરી અમારાથી બદલો લઈ આપ અમને અને અમારા જાનવરોને પાણી પીવા આપો કે જેથી તે પાણી અમને હલાલ થાય. બીબી હાજરાએ તે બદલ પોતાની ખુશી વ્યકત કરી; અને કાફલાવાળાએ તે જગ્યાએ પોતાના જાનવર સહીત તંબુ ખોડી મુકામ કર્યો, અને પાણી પીધું. એવો પણ ઉલ્લેખ મળી આવે છે કે બીબી હાજરા પશમ (ઉન)ની રસીઓ બનાવી પોતાનું ગુજરાન કરતા હતા,

એક દિવસ હ. ઈબ્રાહીમ (અ.)ને ખ્યાલ થયો કે, “ખુદા જાણે હાજરા તથા ઈસમાઈલ કેવી હાલતમાં હશે ?” જેથી તેમની મુલાકાત કરવાનો ઈરાદો તેમણે સારાહખાતુન સમક્ષ જાહેર કર્યો. સારાહે કહ્યું કે એવા કરારથી રજા આપું કે ત્યાં જઈ તમે ઊંટ ઉપરથી નીચે પગ ન મુકતા, માત્ર તેમને જોઈ તરત જ પાછા ચાલ્યા આવો. હઝરતે એ શરત કબુલ કરી. બૈતુલ મુકદ્દસથી રવાના થઈ તેઓશ્રી મક્કે પહોંચ્યા, જ્યાં તેમને અરબ લોકો બકરી ચરાવતા નજરે પડ્યા. તેઓમાંથી કોઈએ પણ હઝરતને ઓળખ્યા નહીં, પણ તેમને હાજરાખાતુને દૂરથી જોઈ એાળખી લીધા ને તેમની પાસે જઈ હઝરતનું બહુમાન કરી પોતાને સ્થાને લઈ આવ્યા. આ વખતે હઝરતને સારાહને આપેલો કોલ યાદ આવ્યો, એથી તેમણે જમીન ઉપર પગ મુક્યો નહીં'.

હાજરાખાતુને હ. ઈસમાઈલને કહ્યું કે જો તારા પિતાજી પધાર્યા છે. એમને જોઈ હ. ઈસમાઈલ ઘણા જ ખુશી થયા. હાજરાએ હઝરતને અરજ કરી કે આપ સ્વારી ઉપરથી નીચે આવો તો હું આપના હાથ-પગ ધોવરાવી આપું. હઝરતે ફરમાવ્યું, જમીન ઉપર પગ નહીં મુકવાનું મેં સારાહને વચન આપ્યું છે. તેમને કરાર કાયમ રહે તે માટે હાજરાએ બે પત્થર લાવી તે ઉપર હઝરતને બન્ને પગ રાખવા વીનંતિ કરી, અને તેમના હાથ-પગ ધોવરાવ્યા. આ વીધી પુરી થતાં જ હઝરત બન્ને મા-દીકરાને પ્યાર ભરી નજરે જોઈ ત્યાંથી બૈતુલ-મુકદસ તરફ વિદાય થયા. અહી હ. ઈબ્રાહીમ (અ) સારાહખાતુન પાસે રહી, એક મુસાફરખાનું બનાવી મહેમાનોની મહેમાનદારી કરવા અને લોકોને રાહે-રાસ્તની હીદાયત આપવા લાગ્યા.

યા અલી મદદ