અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૨
રેકોર્ડીંગ - ૨
હ. હુદ (અ).
(પેજ-૩૦) હઝરત હુદ (અ.) પયગમ્બરે, પ્રાચીન અરબસ્તાનની આદ તરીકે ઓળખાતી પ્રજાને હીદાયત કરી હતી. કુરઆને શરીફમાં જુદી જુદી જગ્યાએ એ કોમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઈતિહાસકારો હ. હુદ (અ.)ની વંશાવળી હેઠળ મુજબ આપે છે : હ. હુદ (અ.) બિન અબદુલ્લા, બિન રબાહ, બિન ખાલુદ, બિન આદ, બિન ઈરમ, બિન શામ, બિન નુહ (અ).
(૩૧) હ. હુદ (અ)નો 'લકબ નબીયુલ્લાહ' હતો. તેઓ ખુદાના રસુલ તરીકે જગતમાં આવ્યા હતા. તેમને આદની કોમને સત્યપંથે દોરવા અને હક તરફ દાવત કરવાનું કાર્ય ખુદાતઆલાએ સુપ્રત કર્યું હતું.
(૩૧/૩૨) બની આદે ખુદાની બંદગીનો ત્યાગ કર્યો હતો અને તેઓ મુર્તી પુજામાં રચ્યાપચ્યા રહેતા હતા એ લોકો ઊંચી ઊંચી મહેલાતો બાંધતા હતા. તેઓ જાતે કદાવર, બળવાન અને તાલેવંત હતા. એ સમયમાં જગતમાં એમની સમાનતામાં આવી શકે એવી અન્ય કોઈ જાતિ નહોતી. બની આદનું એક કુટુંબ એક ઊંટ સવારે અને એક ઊંટ સાંજે ખાઈ જતું હતું. એવો તેમનો ભારે ખોરાક હતો. એમના શરીર અતિ કસાયેલા હોઈ કાળમીંઢ પર્વતો કે તરી તેમાં કિલ્લાઓ, હવેલીઓ અને બાગબગીચાઓ બનાવતા હતા. તેઓ ઘણું લાંબું જીવન જીવતા હતા તેથી તેમને મૌતનો ખોફ નહી હતો.
(૩૩) હ. હુદ (અ) એવી રીતે હિદાયત કરતા હતા કે, હે લોકો ! તમો એકજ અલ્લાહની ઈબાદત કરો, તેના સિવાય તમારો બીજો કોઈ પયદા કરનાર નથી, તમે ઈલ્મ શીખો, આમાલ સારા રાખો અને ખુદાતઆલા ઉપર વિશ્વાસ રાખો, હું તમોને મારા પાલનહારનો પયગામ પહોંચાડવા આવ્યો છું, હું તમારો ખેરવાહ અને વિશ્વાસુ છું.
આવી રીતે હ. હુદ (અ.) લોકોના ટોળા વચ્ચે કે વ્યકિતગત મુલાકાત લઈને તેમને હીદાયત આપતા હતા, ત્યારે એ અધર્મીઓ તેઓની મશ્કરી કરતા હતા. અને કહેતા હતા કે “તમે મુર્ખ” છો, તેને અંગે જ તમે અમારી મૂર્તીઓને અમારાથી છોડાવી તમારા ખુદા તરફ અમને દાવત આપો છો: પરંતુ અમે એવા મુર્ખ નથી કે અમે અમારા વડીલોનો પંથ છોડી તમારા તાબેદાર થઈ રહીએ અને અમારી મહાન કોમ સાથેનો અમારો સારો સંબંધ તોડી પાડીને, તમારા કંગાળ ટોળામાં આવીને ભળવા રાજી થઈ જઈએ.”
હ. હુદ (અ.)એ આ સઘળું સાંભળ્યા છતાં પોતાનું હીદાયતી કાર્ય ચાલું જ રાખ્યું હતું; પરંતું, એમની કોશીષોની હદ આવી ગઈ ત્યારે છેલ્લે હ. હુદ (અ.)એ અધર્મીઓને કહ્યું: “અમોએ અમારૂં વચન પૂર્ણ કર્યું છે અને સતપંથ તરફ દોરવણી કરી છે; પરંતુ તમે અંધકારમાંથી પ્રકાશ ભણી નથી આવતા. હવે સ્મરણમાં રાખજો કે એક દીવસ તમારો ગર્વ તમને ગળી જશે. ઈલાહી કહેરના તમો ભોગ થઈ પડશો, અને ખુદાનો એ અઝાબ તમારાથી સહન થઈ શકશે નહીં. મેં તમને ઘણા સમય સુધી સમજાવ્યા છે, પરંતું તમોએ પોતાની ગુમરાહી મૂકી નથી; હવે તમારી ગુમરાહીના સબબે ખુદાના અઝાબની રાહ જુઓ અને હું પણ તેની રાહ જોઈ રહ્યો છું કે પાપીઓ માટેનું પરવરદિગારનું વચન ક્યારે પૂર્ણ થાય છે !”
તે પછી હ. હુદ (અ)એ ખુદાતઆલાની પાક હુઝુરમાં હાથ ઉંચા કરીને દુઆ ગુજારી કે “સકળ સૃષ્ટિના માલિક ! એ હઠાગ્રહી કોમથી હું હારી ગયો છું. એ કોમે મને મુર્ખ અને જુઠો કહ્યો છે પરંતું, તેની મેં કદી દરકાર કરી નથી અને મને સોંપાયેલા કાર્ય પર મારાથી બનતું સઘળું કરી છુટ્યો છું. હવે એ જાલીમ કોમને તુંજ સંભાળી લે અને તેઓએ કરેલા પાપનો બદલો લેવાનું તારી અખ્તીયારી ઉપર છોડું છું. એ કોમના માટે તું બહેતર જાણે છે કે તેઓ કેટલા અધર્મના માર્ગ ઉપર ચડી ચુક્યા છે ?”
(૩૪) હ. હુદ (અ.)ની દુઃઆ બારેતાલાની દરબારમાં કબુલ થઈ અને નીદા થઈ કે, "હુદ હવે તારા મોમીનોને તારી સાથે લઈને એ અધર્મીઓની વસતીમાંથી હટી જા, તે પછી તેઓના ઉપર અમો અઝાબ ઉતારીશું.”
આ સમય સુધી માત્ર સોળ જણા હ. હુદ (અ) ઉપર ઈમાન લાવ્યા હતા. તેઓને સાથે લઈ હ. હુદ (અ) શહેર બહાર જઈ એક પહાડ ઉપર જઈને બેઠા અને ત્યાંથી ખુદાના કહેરની કુદરત નીહાળવા લાગ્યા. હ. હુદ (અ.)એ જતી વખતે કોમને ચેતવણી આપી કે, "અય પાપી કોમ !યાદ રાખો કે તમારી વચ્ચે બલા રૂપે હવા આવી પુગશે અને તમારો નાશ કરી નાખશે. એ સમય હવે બહુ દુર નથી."
એ ઝમાનામાં પણ જ્યારે કોઈ પ્રકારની આફત કે બલા આવતી હતી તો તેને ટાળવા માટે શહેર બહાર ઉંચી ટેકરી ઉપર જઈ આકાશ તરફ હાથ ઉંચા કરી પોતાની હાજત માંગવાનો એ યુગની પ્રજાનો રીવાજ હતો. એ પ્રમાણે બની આદના અગ્રેસરોમાંથી કબ્બલ ઈબ્ને ઉરવાહ, મરસદ ઈબ્ને સાદ, લુકમાન બન આદ, યકીમ બીન ફીઝાલ તથા કલાહ ઈબ્નલ ખબીરી સાથે અન્ય પાંચસો માણસો મજકુર ડુંગર ઉપર જઈ ત્રણ વર્ષ વરસાદ નહીં પડવાથી જે દુષ્કાળ ચાલું હતો તે દુર થવાની અને હ. હુદ (અ.)એ કોમ ઉપર હવા રૂપે બલા ઉતરવાની જે આગાહી કરી છે, તે ભયનું પણ નીવારણ કરવા માટે દુઆ માંગે, એવો બની આદની પ્રજાએ નિર્ણય કર્યો અને તેઓ શહેર બહાર નીકળ્યા. તેઓની સાથે કોમના નામે અધર્મીઓના ટોળા ભેગા તણાતા, લુકમાન અને મરસદ પણ ભેગા હતા. તેઓ કુરબાનીના ઘેટા લઈ દુઆ માંગવાના સ્થળે આવ્યા. એ સ્થળ અમાલીકાના રાજ્યનું પાટનગર હતું અને મુઆવીયા ઈબ્ને બકર ત્યાંનો અમીર હતો. તેની માતા ગુલચહેર આદ કોમની નબીરી હતી. આ સગાઈના સંબંધના કારણે પહેલા એ ટોળું તેઓને ઘેર ગયું અને ‘ત્રણ વર્ષના દુષ્કાળ અને હ. હુદ (અ)ની બદ દુઆની ઘટના' તેને કહી સંભળાવી, આ વાતચીત દરમ્યાન મરસદનું લોહી ઉકળી આવ્યું અને તે બોલી ઉઠયો : 'આ સ્થળે દુઃખ માંગવાથી તમને કશો પણ લાભ થનાર નથી કારણ કે, તમે ખુદાતઆલા તરફથી આવેલા રસુલની વિરુધ્ધ ગયા છો, જેથી તમારી સઘળી મહેનત વ્યર્થ જશે, માટે હજુયે તમારી ભુલ બદલ જગતના પાલનકર્તાના દરબારમાં પશ્ચાતાપ કરો અને તેના મોકલેલા હાદીના ફરમાનો સીરે ધરો, તેમાં જ તમારી સફળતા છે.
આ સાંભળીને અમાલીકાના અમીરે પણ કહ્યું : 'રીવાજ પ્રમાણે દુઃઆ માંગવાથી આફતો ટળે એવી એ હલકી મુશીબતો નથી, જેથી મને તો મરસદની વાત વધારે વાસ્તવિક હોય એમ લાગે છે.'
(૩૫) એ સાંભળીને બની આદના આગેવાનોએ કહ્યું કે, 'અમે મુરાદ મેળવવા વગર જો પાછા ફરીએ તો કોમમાં અમારી હલકાઈ થાય.'
પોતાના વિચારો દર્શાવ્યા પછી બની આદના આગેવાનો પયગમ્બરને નમતું આપવાનું કહેનારા લુકમાન અને મરસદને છોડી કબ્બલ સાથે ટેકરી ઉપર ગયા અને પોતાના માથા ઉઘાડા રાખી પગમાંથી પગરખા ઉતારી હારબંધ ઉભા રહી પોતાના હાથ ઉંચા કરી કહેવા લાગ્યા:-"આકાશના ખુદા ! હ. હુદ (અ.) સાચા ન હોય તો અમારા તરફ વરસાદ વરસાવ, અને હવાની આફતમાંથી બચાવ, અમે એ યાચના કરવા ભેગા મળીને તારી પાસે આવ્યા છીએ.”
તેના પ્રત્યુતરમાં ખુદાતઆલાએ સફેદ, લાલ અને કાળું એમ ત્રણ રંગના વાદળા પેદા કર્યા અને “એ ત્રણેમાંથી તમને જે પ્રિય હોય એ કહો” એવી આકાશવાણી કરી. આદના અધર્મી આગેવાનોએ આ ઉપરથી અરસપરસ મસલત કરીને કાળું વાદળું પસંદ કર્યું. તેમની એવી માન્યતા હતી કે કાળા વાદળામાં પુષ્કળ પાણી હોય છે. તે પછી પ્રસન્નચીત્તે તેઓ ગીત ગાતા ગાતા પોતાના શહેરમાં ગયા. તેમની સાથે વાદળું પણ ચાલ્યું જેથી તેઓ ગામની પાદર પાસે આવતા 'અમે વરસાદ લઈ આવ્યા છીએ.' એવી વધાઈ આપવા થોડા માણસોને પ્રથમ ગામમાં દોડાવ્યા, જેઓ બજારમાં જઈને ‘અમો જળભર્યું જંગી વાદળ લઈ આવ્યા છીએ. ખાડા, તળાવ, ખાબોચીયા, વાવ-કુવા, હોજ સ્વચ્છ કરી નાંખો તેમજ હળ, કુહાડી, સાંતીડા વગેરે તૈયાર કરી ખેડ કરવા તૈયાર થઈ જાઓ ! કારણ કે અમારી સાથે લાવેલ વાદળું આપણી ઈચ્છા અનુસાર જેટલું જોઈએ તેટલું ભરપુર જળ વરસાવશે.” એ પ્રમાણે મોટે સાદે લોકોને કામે લાગી જવાનું કહેવા લાગ્યા, એ સાંભળતા લોકોમાં ખુશાલી પ્રગટી નીકળી અને સર્વત્ર આનંદ વર્તાઈ રહયો. સઘળા લોકો ટોળાબંધ ભેગા થઈ ગામ પ્રત્યે ધસ્યા આવતા વાદળને આકાશમાં નીહાળી એક બીજાને ધન્યવાદ આપવા લાગ્યા.
હ. હુદ (અ.) અને તેમના સાથીઓ જે પહાડ ઉપર બેઠા હતા, ત્યાં કેટલાક જણા દોડી જઈને તેમની સાથે અસભ્ય વર્તન ચલાવીને કહેવા લાગ્યાઃ- “જુઓ વરસાદનું વાદળ આવી રહ્યું છે. હવે અમારી વાત ખરી પડી અને તમે જુઠા પુરવાર થયા છો. તમારી કહેવાતી બદ દુઆવાળી બલા ક્યાં ગઈ ?”
(૩૬) હ. હુદ (અ.)એ ફરમાવ્યું કે “હું સાચો છું કે નહીં તે તમે જોઈ લેજો, તમે માનો છો તેમ આ જળભર્યું વરસાદનું વાદળ તમારા માટે આશીર્વાદરૂપ નથી, બલ્કે કુદરતી કોપનું સૂચક છે. એજ તમારા માટે બલા છે. હજુ વખત ગયો નથી, પશ્ચાતાપ કરવો હોય તો કરી લ્યો.” પરંતુ બની આદની આંખો પર ગુમરાહીના પડદા પડી ચુક્યા હતા, તેમના અંતરના દ્વાર પર તાળા દેવાઈ ગયા હતા, તેમના કાનો ગર્વના ડુચાથી ભરપુર હેાવાના સબબે બહેર મારી ગયા હતા.
એ સધળા અધર્મીઓ મેદાનમાં એકઠા મળીને વાદળ હેઠળ ઊભા રહ્યા અને પોતાના મનને સમજાવવા લાગ્યા કે “આ એક વિશાળ વાદળું છે, જે આપણા ઉપર પાણી વરસાવનારૂં છે. પરંતુ તે પાપી કામ, દરેક જણના સારા કે નરસા ફળો આપનાર સર્વ શક્તિમાનની લીલા ન સમજી શક્યા કે 'બલકે તે તેજ છે, જેના માટે તમો ઉતાવળ કરતા હતા; તે એક હવા છે, જેમાં દુ:ખદાયક અઝાબ છે, જે સર્વ વસ્તુંનો નાશ કરશે.”
છતાં તકબ્બુરી સાથે બની આદ કહેતા હતા કે “અમોએ હ. હુદ (અ.)ને કબુલ ન રાખ્યો એ સબબે અમને અઝાબથી ડરાવવામાં આવે છે, પણ અમો બીકણ નથી કે “હવાથી ગભરાઈ જઈએ” અમારા બળ અને શક્તિથી તે માહીતગાર નથી. અમે એવી હવાને તો ક્ષણભરમાં એકદમ થંભાવી દઈશું. એ અભિમાની શબ્દો પુરા થતાજ વાદળામાંથી એવી હવા ફૂંકાઈ કે તરતજ ભય પામીને પાપીઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા અને પોતાના જાનવરોને લોખંડી સાંકળોથી ઝકડી દીધા, નાના બાળકોને ઘરોમાંના સ્થંભો સાથે બાંધ્યા. પોતાની સ્ત્રીઓને ઊંડા ભોંયરામાં ઉતારી દીધી અને તે પછી તેઓ પહેલવાનો પ્રમાણે “ખમ” ઠોકીને પવનનો મુકાબલો કરવા સામા ઊભા રહી કહેવા લાગ્યા કે "શું એજ બલા છે ? અમે તેને ઘડી એકમાં દબાવી દેશુ.” પરંતુ તેઓ ઈલાહિ શકિતનો મર્મ સમજ્યા નહી કે “તમે આટલા બધા ઉતાવળા ન થાવ, પરિણામ શું આવે છે તેની રાહ જુઓ.”
થોડા સમય પછી એક મોટો વંટોળિયો આવ્યો, જેના જોરથી મોટા મોટા મહેલો જમીનમાંથી ઉખડી ગયા. ઊંડી ગુફામાં છુપાયેલી સ્ત્રીઓને બહાર કાઢીને ફેંકી દીધી, બાળકોના થાંભલાના ટુકડે ટુકડા થઈ ગયા, જાનવરોની સાંકળો ટુટી ગઈ અને તેઓ હવામાં ઊડવા લાગ્યા. આમ ક્યામતની શરૂઆત થઈ ગઈ.
(૩૬/૩૭) ઈતિહાસકારોનું કથન છે કે આ હવાનો રંગ કાળો મેશ જેવો હતો અને તે આગની ચિનગારીઓથી ભરેલી હોવાના અંગે એવી ભયંકર દેખાતી હતી કે પાપી પ્રજાના હોશકોશ ઊડી ગયા હતા. એ હવા જેને લાગતી હતી, તેનો નાશ કરી નાખતી હતી, ચાર દિવસ એમ વીતી ગયા પછી મોટી સંખ્યામાં અધર્મિઓ મરણ પામેલા જણાયા. પાંચમે દિવસે હ. હુદ (અ.)એ શોકાતુર થઈને બાકી જીવતા રહેલાઓને દાવત કરી, પરંતુ, તેમની વાત કોઈએ માની નહિં. ફરી સાતમા દીવસે ૫ણ આવીને હીદાયત કરી પોતાનું કર્તવ્ય બજાવ્યું, પણ એ ક્યાં સાંભળવાના હતા ? ! તેઓ પોતાના રક્ષણનો માર્ગ શોધવા અહિં તહીં છુપાતા ફરતા હતા, ત્યાં પણ હવા દાખલ થઈને તેમને નાશ કરતી હતી, એ હવા અરબાના દિને સવારની બંદગીના સમયે શરૂ થઈ હતી અને બીજા અરબા-બુધવારના મગરીબ સુધી ચાલી બંધ થઈ હતી. તેના પરિણામે બની આદની કોમનો નાશ થવા પામ્યો હતો.
(૩૭) હ. હુદ (અ.)નો રંગ ઘઉંવર્ણો હતો. શરીર પર પુષ્કળ વાળ હતા. તેઓ અતિ સ્વરૂપવાન હતા. હ. આદમ (અ.) સાથે તેમનો ચહેરો મળતો હતો. તેઓ કોમના 'અશરાફો’માંથી હતા. ઘણા પરહેઝગાર અને માયાળું હતા. તેઓ વેપાર પણ કરતા હતા. ખુદાતઆલાએ હ. નુહ (અ.)ના કાનુન પ્રમાણેના નબી તરીકે હ. હુદ (અ.)ને આદની કોમ માટે મુકરર કરી એ કોમની હીદાયત અર્થે મોકલ્યા હતા.
બની આદનો નાશ થયા પછી હ. હુદ (અ.) મક્કા ભણી આવ્યા હતા, અને ત્યાં થોડા દિવસ રહ્યા પછી એમની વફાત થઈ હતી. એમની વય એ વખતે એકસો-પચાસ વર્ષની હતી.
(૩૮) હ. હુદ (અ.) પછી ખુદાતઆલાએ હ. સાલેહ (અ.)ને પોતાના પયગમ્બર બનાવી મોકલાવ્યા.
“શદાદનો અહેવાલ"
‘શદાદ'નો ઈતિહાસ બની આદ સાથે સંકળાયેલો હોઈ તેનો ઉલ્લેખ અહીં આપવામાં આવે છે.
એક સમયે ખુદાતઆલાએ મલેકુલ મૌતને સવાલ કર્યો કે, “દુનિયામાં રૂહ કબ્ઝ કરતી વેળા દયા ઉત્પન્ન થઈ હોય એવો કોઈ પ્રસંગ તને યાદ છે ?”
મલેકુલ-મૌતે અરજ કરી, "યા બારેતાલા એવા બે પ્રસંગ મારી પાસે આવ્યા છે. એકવાર દરિયામાં તુફાન થયું અને વહાણ તુટી ગયું. આ વખતે વહાણના એક પાટીયા ઉપર એક માતા અને તેનું તરતનું જન્મેલું બાળક દરિયાના મોજામાં આમતેમ અફળાઈ રહ્યા હતા. એ વખતે મને બાળકની માતાનો રૂહ કબ્ઝ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો, આ ફરજ બજાવતી વખતે મારૂં અંત:કરણ હલી ગયું હતું, અને મને લાગ્યું કે, માતા વગરના આ તરતના જન્મેલા બાળકનું શું થશે ?
(૩૯) બીજી ઘટના એ છે કે આદ કોમનો એક બાદશાહ શદાદ હતો, જેણે ભારે જહેમત વડે એક સ્વર્ગ બનાવ્યું. આ સ્વર્ગ એટલું તો સુંદર હતું કે જગતના પટ પર તેની કોઈ જોડી ન હતી. તેની પાછળ પાણીના મુલે દ્રવ્ય ખર્ચવામાં આવ્યું હતું અને એક સહુથી બળવાન રાજ્ય કાયમ કરવા જેટલી સામગ્રી તેણે એ સ્વર્ગ બનાવવા પાછળ વાપરી હતી. એ તૈયાર થતા તે ભારે ધામધુમથી તેને જોવા ચાલ્યો. તેણે હજી આ સ્વર્ગ જોયું પણ નહોતું, તેનો એક પગ દરવાજામાં હતો કે તેનો રૂહ કબ્ઝ કરવાની મને આજ્ઞા થઈ. વર્ષોના શ્રમ અને પૂષ્કળ સામગ્રીના ખર્ચ પછી બનાવેલું બહિશ્ત એક પળ માટે પણ એ જોવા નહિ પામ્યો અને તે ઘણા દુઃખ સાથે મરણ પામ્યો. એ જોઈને પણ મને દયા ઉત્પન્ન થઈ હતી.”
ખુદાતઆલાએ ફરમાવ્યું કે જે બાદશાહનું વર્ણન તેં કર્યું છે, એ બાદશાહ તેજ શદાદ છે કે જેની માતા દરિયાના પાટીયા પર મરણ પામી હતી. તેનું લાલનપાલન મારી કુદરત વડે થયું હતું અને તે પછી તેને જગતનો ચક્રવર્તી બાદશાહ બનાવ્યો. પરિણામે તે અભિમાની બનીને મારી ઈબાદત ભુલી ગયો અને પોતાને ખુદા કહેવરાવવા લાગ્યો. મારી બહિશ્તની નકલ કરીને તે મારી કુદરતની સામે થયો છતાં તે મારો બંદો હોવાથી પશ્ચાતાપ કરી તે પાછો આજ્ઞાંકિત બંદો બને તે માટે હ. હુદ (અ.)ને નબી બનાવીને મેં મોકલ્યો. તેણે શદાદને દાવત આપીને ઘણો સમજાવ્યો પરંતુ, એ અધર્મિ સમજ્યો નહિ, અને તે પોતાના પાપોના પ્રતાપે જગતમાં નામુરાદ થઈને મુઓ અને પરલોકમાં દોઝખનો વાસી થયો.
ઈતિહાસકારો લખે છે કે વહાણના પાટિયા ઉપર જે તરતનું જન્મેલું બાળક રહી ગયું હતું, તે પવનની ગતિ વડે સમુદ્રના કાંઠે આવી પહોંચ્યું; જ્યાં ધોબીઓ કપડા ધોઈ રહ્યા હતા; તેમની દ્રષ્ટિ એ બાળક પર પડી. બાળકની માતા પાટિયા પર મરણ પામેલી પડી હતી અને બાળક પોતાના પગ અફાળી રહ્યું હતું. ધોબીઓ તરત ત્યાં દોડી ગયા અને પાટિયાને પાણી બહાર ખેંચી કાઢયું. બાળકની માતાને ભુમિદાહ આપવામાં આવ્યો. બાળક ઘણું સ્વરૂપવાન હોઈ શહેરના મુખીએ તેનું લાલનપાલન કર્યું અને તેને પોતાના પુત્ર તરીકે પાળ્યો. એ બાળક સાત વર્ષનું થતાં એ ઘણું ચકોર ને ચબરાક જણાયું. મોટી ઉમરના માણસો તેની હુશિયારી જોઈ દિગમુઢ બની જતા હતા.
(૪૦) એક વખત આ બાળક પોતાના સાથીદારો સાથે રમત કરતાં કરતાં શહેર બહાર નીકળી ગયું જ્યાં તેણે દુરની એક ધુળનો વંટોળિયો જોયો. લોકો માર્ગ પરથી હટીને પોતાના ઘરમાં ભરાવા લાગ્યા. એ જોઈ તે બાળકે પોતાના ગોઠીયાઓને પુછયું. “આ શું બિના છે ?" એક જણે કહ્યું :- “બાદશાહની સવારી આવે છે !” તે તરફ લક્ષ દેતા જણાયું કે લશ્કરી ટુકડીઓ આગળ કુચ કરતી આવતી હતી. બાદશાહની સવારી જેમ જેમ પાસે આવતી ગઈ, તેમ તેમ ભય પામીને પાસે ઉભેલા બધા નાસી ગયા. જ્યારે એ ધોબીનો પાલકપુત્ર હિંમત રાખી એકલો ઉભો રહ્યો. એટલામા બાદશાહની સવારી નજીક આવી. દરમ્યાન એક પાયદળ સિપાહીને માર્ગે ચાલતા એક પડીકું મળ્યું. જેમાં સુરમો માલમ પડ્યો. તેણે માર્ગે પડેલી વસ્તું પોતાના ઉપર અજમાવે એ કરતાં બીજા કોઈ ઉપર અજમાવે તો સારૂં એમ સમજી પેલા સીપાઈએ ધોબીના પાલક પુત્રની આંખમાં સુરમો આંજ્યો. આ સુરમામાં એવો ચમત્કારીક ગુણ હતો કે જેની આંખમાં એ સૂરમો આંજવામાં આવે તે જમીન નીચે દટાયેલી સઘળી વસ્તું જોઈ શકે, આ પ્રમાણે શદાદની આંખમાં સુરમો આંજતા તેને જમીન નીચે દટાયેલી સઘળી વસ્તુંઓ દેખાવા લાગી પરંતુ, તે ચબરાક હોઈ પેલા સિપાહી પાસેથી ચમત્કારિક સુરમાનું પડીકું પડાવી લેવા ઢોંગ કરીને શોરબકોર મચાવી દીધો કે, મારી આંખો ફુટી ગઈ, હું આંધળો બની ગયો !” આવો શોરબકોર સાંભળીને સિપાઈ ગભરાઈ ગયો. અને સુરમાનું પડીકું ફેંકી દઈ સવારની હારમાં ભરાઈ ગયો. સવારી છેટે નીકળી ગયા પછી એ છોકરો પડીકું લઈને પોતાને ઘેર દોડી ગયો અને આ સુરમાની પડીકીની સઘળી હકીકત પોતાના પાલક પિતાને કહી સંભળાવી, જે સાંભળી તે ઘણો ખુશી થયો અને પોતાના ઘોડા, ખચ્ચર, ગધેડા, બળદ અને ઊંટો તૈયાર કરી શદાદને સોંપ્યા. પછી શદાદ પોતાની સાથે ખાતરીભર્યા મજુરો લઈને રોજ રાતે જંગલોમાં જતો હતો, જમીન નીચે દટાયેલા ખજાનાને શોધી હાથ કરીને ખજાનો ભરી લાવતો હતો, અને ભોંયરામાં ભરી દેતો હતો. પાછળથી શદાદ તેનો છુટથી ખર્ચ કરવા લાગ્યો. આ જોઈને ગામના લોકો તેની સાથે ભળવા લાગ્યા. આ તકનો લાભ લઈ તેણે ગામના જમીનદારોને મરાવીને પોતે જમીનદાર બની બેઠો. તે પછી શદાદે પોતાના પૈસાના બળે લશ્કર ઊભું કર્યું કારણ કે જમીનદારને મારી નાખવાનો બદલો બાદશાહ તરફથી લેવામાં આવશે, એ તે જાણતો હતો. થોડા દીવસ પછી સાંભળવામાં આવ્યું કે બાદશાહ શદાદના શહેર ભણી તપાસ અર્થે આવે છે, જે સાંભળી શદાદ પોતાના શહેર બહાર લશ્કર સહીત સામનો કરવા તૈયાર થયો. બાદશાહ નજદીક આવી પહોંચતા શદાદનું લશ્કર તેના ઉપર તુટી પડ્યું. આ લડાઈમાં બાદશાહ માર્યો ગયો અને શદાદ પોતે બાદશાહ બની બેઠો.
(૪૧) તે પછી બળ અને જુલ્મથી ચોતરફ શદાદની હાક પડવા લાગી અને નિર્બળ રાજ્ય ટપોટપ તેને તાબે થવા લાગ્યા. પરિણામે તેને ગર્વ વધી ગયો અને તે કહેવા લાગ્યો કે જમીનમાંની સઘળી ધનસંપતિનો હું એકલો માલીક છું. જગતના તમામ રાજ્યકર્તાઓ પર મારો કાબુ છે. મારો સામનો કરી શકે એવું જગતમાં કોઈ નથી. હું ચાહુ તેને પળમાં બાદશાહ બનાવી શકું છું અને ચાહુ તો બાદશાહને ફકીર બનાવી દઉં. એ સઘળું મારી ઈચ્છા વડે થાય છે, એટલે જગતમાં મારી ખુદાઈ છે. મારી પ્રજાએ મને ખુદા તરીકે માનવો જ જોઈએ.
આ વાત યોગ્ય નહીં હોવાથી તેને સાચા માર્ગે વાળવા ખુદાતઆલાએ હ. હુદ (અ)ને તેની હીદાયત અર્થે મોકલાવ્યા.
શદાદ બની આદનો વંશધર હતો અને હ. હુદ (અ.)નો સમકાલીન હતો, આ સમયમાં યમનમાં કાંસાની એક ભવ્ય મૂર્તિ હતી તેની તે પુજા કરતો હતો. જ્યારે હ. હુદ (અ.)નું આવવું થયું ત્યારે એમણે શદાદને હક તરફની દાવત કરતા કહ્યું: 'જો તું ખુદાતઆલાને છોડી મુર્તીપુજા કરશે તો દોઝખમાં પડશે અને તેમાં તને અઝાબ સહન કરવો પડશે. તું મારી નસીહત પ્રમાણે ચાલીશ અને નીર્જીવ મુર્તીને છોડી ખુદાને સીજદો કરી માફી માંગીશ, તો તું સ્વર્ગમાં દાખલ થઈશ, જેમાં અનંત સુખ રહેલા છે. એના સુખ સામે તારૂં રાજવીપદ તુચ્છ છે કારણ કે તારા રાજપાટનો એક દીવસ અંત આવશે. પરંતું, શદાદે હ. હુદ(અ.)ની વાત માની નહીં અને હ. હુદ (અ.)ને પુછયું કે, બહિશ્ત કેવું છે ? જેના જવાબમાં હઝરતે તેનું વર્ણન કરી બતાવ્યું. ત્યારે શદાદે કહ્યું કે એવું બહીશ્ત તો હું આ પૃથ્વી ઉપર બનાવી શકું છું. તે પછી તેણે પોતાને ખુદા તરીકે માન્ય રાખનારાઓ માટે પોતાની રાજધાનીમાં એક બહિશ્ત બનાવવાનો નિર્ણય કર્યો.
(૪૧/૪૨) આ સ્વર્ગનું મંડાણ કરવા અર્થે પ્રથમ તેણે પોતાની ખાતરીના એકસો માણસો તૈયાર કર્યા અને તેમને કહેવામાં આવ્યું કે મારે પસંદ કરેલો દરેક જણ પોતાની સાથે એકેક હજાર મજુરો લઈ જાય અને સોના ચાંદીની ખાણોમાંથી સોનું-ચાંદી કાઢી તેની ઈંટ બનાવીને મારા પાટનગરમાં લઈ આવે. એ પ્રમાણે આ ધરતી ઉપર સ્વર્ગ બાંધવાની શદાદે શરૂઆત કરી, જે માટે 'અદન'ના પર્વત પાસે દશ ગાઉ લાંબી અને દશ ગાઉ પહોળી ચોરસ જગ્યા પસંદ કરી અને એ જગ્યાએ પાયો ખોદી તેમાં ‘નમકે સુલેમાની' ભર્યું અને તેના ઉપર સોના ચાંદીની ઈંટોની ચોમેર ભીંત ચણી લીધી, જેની ઉંચાઈ ચારસો ગજની રાખી હતી. એના વિશાળ ચોગાન વચ્ચે સેંકડો રત્નજડીત થાંભલાવાળા સુશોભીત મહેલ બનાવ્યા અને સ્થળે સ્થળે ઝવેરાતથી જડેલા બારીબારણા મુક્યા. તેની ફરતી એક મનોહર અટારી બાંધીને ખુલ્લા મેદાનમાં એક પુષ્પોદ્યાન ગોઠવ્યું. જેની સુવાસ ચોમરે પ્રસરતા વાતાવરણ મહેક મહેક થઈ જતું હતું. મુખ્ય મહેલ વચ્ચે એક નહેર બાંધી, જેનું પાણી અડચણ વિના બીજા બધા મહેલમાં એકસરખી રીતે ફરી વળતું હતું. એ સીવાય બીજી પણ નહેરો બનાવવામાં આવી હતી જેમાંની કોઈમાં મીઠું સરબત, કોઈમાં લાલ શરાબ, કોઈમાં દુધ અને કોઈમાં મધ ભરેલું હતું. એની ઉપર રત્નજડીત પ્યાલા મુકવામાં આવ્યા હતા. માર્ગમાં માણેક, મોતી ને જવાહેરાતની કાંકરીયો પાથરી દેવામાં આવી હતી. નહેરોના કાંઠા ઉપર ઝાડો રોપવામાં આવ્યા હતા, જેના થડ સોનાના, ડાળખીયો જમરૂદની, ફળફુલ યાકુતના હતા. તેની ડાળખીયો પર સુરીલા, સૌંદર્યશાળી તરેહવાર પ્રકારના જવાહેરાતના પંખીઓ ઉત્તમ કારીગીરીથી બનાવીને બેસાડવામાં આવ્યા હતા. સઘળા મકાનોની ભીંતો કસ્તુરી, કેસર અને અંબરની બનાવવામાં આવી હતી, જેમાં ગુલાબનું પાણી ભરવામાં આવ્યું હતું. બહિશ્તની ચોમેર સોનાના સંખ્યાબંધ મિનારાઓ ઉભા કરવામાં આવ્યા હતા.
(૪૨) બહિશ્તના ચાર દ્વારો સામે મોટા ખુલ્લા મેદાન મુક્વામાં આવ્યા હતા. અને ત્યાં છાંયડા માટે મેવાના ઉત્તમ ઝાડો રોપ્યા હતા; શદાદની આવી સાધન સામગ્રી સજ્જીત બહિશ્ત બાર વર્ષે પુરી થઈ હતી. સઘળું બાંધકામ પુરૂં થયા પછી આખા સ્વર્ગમાં રેશમી તથા ઝરીના ગાલીચા બિછાવી દેવામાં આવ્યા હતા અને દરેક બારી બારણામાં ઝરીના તારના પડદા લટકાવી દેવામાં આવ્યા અને જગતમાંથી વીણી વીણીને ખુબસુરત બાળ-બાળાઓને બહિશ્તમાં વસાવીને આ રીતે “હુર” અને “ગીલમાન”ની જગ્યા પુરવામાં આવી અને આવી રીતે શદાદે પૃથ્વી ઉપર બહિશ્ત બનાવી.
(૪૨/૪૩) સ્વર્ગ તૈયાર થઈ રહેતા શદાદ ઘોડા ઉપર સ્વાર થઈ ભારે ધામધુમ સાથે પોતાના અમીર ઉમરાવોને લઈને પોતાનું સ્વર્ગ જોવા નીકળ્યો. માર્ગમાં અહંકારથી પોતાની પ્રજાને પુકારીને કહેવા લાગ્યો કે, “બહિશ્તની પ્રશંસા સાંભળી સાંભળી મારા કાન બહેરા થઈ ગયા છે. હવે તમે ચાલો અને પોતાની આંખો વડે જોઈ લ્યો કે જેનું વર્ણન હ. હુદ (અ.) તરફથી આપણી સમક્ષ કરવામાં આવ્યું હતું તેમાં અને મારા બનાવેલા બહિશ્તમાં શું તફાવત છે ? હવે તેમાં તમારે વસવાટ કરીને આનંદ માણવો જોઈએ અને મારા બંદા બનવામાં તમારે માન સમજવું જોઈએ. આગળની વાયદાની વાત મુકીને મારી સાથે નગદ સોદો કરી મારી કુદરતનો તમાસો જુઓ. મારી સમૃધ્ધી અને મારા પ્રત્યે બેપરવાહીનો વિચાર કરીને તમે બીજા ખુદાની શોધમાં પડીને નાહક ખુવાર થતા નહિ.”
શદાદની એ પ્રમાણેની વાકચાતુરી પર મોહ પામીને લોકો તેના ઉપર સોના ચાંદીના ફુલ વરસાવવા લાગ્યા અને તેને ચરણે પડવા લાગ્યા. આ સઘળી ધામધુમ વચ્ચે શદાદે પોતાની બનાવેલી બહિશ્ત નજીક મુખ્ય દરવાજા પાસે એક શખ્સને ઊભેલો જોયો. શદાદે તેને કહ્યું, તું અહીં શા માટે આવ્યો છે ? તેણે કહ્યું હું તારી જાન કબ્ઝ કરવા આવ્યો છું. શદાદે કહ્યું તું મને થોડી મહોલત આપ કે જેથી હું બહિશ્ત જોઈ લઉં. મલેકુલ-મૌતે કહ્યું કે ખુદાતઆલાનો હુકમ નથી કે તું બહિશ્તમાં જાય. બીજી વાર શદાદે કહયું, મને મુક તો હું ઘોડા ઉપરથી હેઠળ ઉતરૂં. મલેકુલ-મૌતે કહ્યું, નહિ ! અને એજ હાલતમાં શદાદને એક પગ ઘોડાની રકાબમાં અને બીજો પગ બહિશ્તના દરવાજા ઉપર હતો કે તેની જાન લઈ લેવામા આવી.
ત્યારબાદ આકાશ ઉપરથી એક ફિરસ્તાએ જોરથી ભયંકર અવાજ કર્યો જેથી શદાદનું સ્વર્ગ કંપી ઉઠ્યું અને શદાદના સઘળા સાથીઓ તમ્મર ખાઈ જમીન ઉપર ઢળી પડ્યા. બહિશ્તના કેટલાક મિનારાઓ ટુટી પડયા, તે પછી ન માલ રહ્યો કે મુલ્ક, તેના તમામ કાફર સાથીઓ ગારત થઈ ગયા, અને તેની બહિશ્તને જમીન નીચે દબાવી દેવામા આવી કે જેથી તેના કંઈ પણ ચિન્હો બાકી રહ્યા નહિ.
તે પછી ખુદાતઆલાએ હ. સાલેહ (અ.)ને સમુદની કોમને હિદાયત કરવા માટે મોકલ્યા.
હઝરત સાલેહ (અ.)
(૪૩) સમુદની કોમ અરબ પ્રજામાંની એક પ્રાચીન પ્રજા હતી. તે હ. નુહ (અ.)ના વંશમાંથી ઉતરી આવી હતી અને હિજાઝ તથા શામ વચ્ચેના પહાડી પ્રદેશમાં નિવાસ કરતી હતી.
(૪૪) સમુદની પ્રજા જે કસ્બાઓ અને ગામડાઓમાં વસતી હતી, તે ગામની સંખ્યા ૭૦૦ જેટલી હતી. એ પ્રજામાં એકસો સરદારો હતા. તેઓ સઘળી પ્રજા પર હકુમત કરતા હતા. તેમણે દરેક કસ્બા ફરતા મોટા મોટા મજબુત કિલ્લાઓ બંધાવ્યા હતા. એ સ્થળોમાં નદીઓ નહિ હોવાથી કુવાઓ ખોદવામાં આવ્યા હતા. કુવાના પાણીથી તેઓ સઘળા ખેતીવાડી કરતા હતા.
સમુદની પ્રજા બળવાન, કદાવર અને ધનવાન હતી. તેઓનું આયુષ્ય લાંબુ હોઈ તેમને ચુના, રેતી કે માટીના મકાનો તેમની ઉમરની ગણત્રીએ પુગાં નહિ હોવાથી તેઓ પર્વતોને કોતરી ભોંયરામાં ઉતમ કામગરીવાળા મકાનો તૈયાર કરાવતા હતા. આ કળાના 'ચસ્કા'ને પરિણામે જગે જગે મુર્તિઓ કોતરીને ઘરના ગોખલામાં, અટારીઓની પાળ પર અને દરવાજાના ઉંબરા પર ગોઠવતા હતા. એ પ્રકારે એમનામાં મુર્તિપુજાનો પ્રચાર થતા તેમણે મોટા મોટા દેવાલયો બંધાવ્યા અને તેમાં ભવ્ય મુર્તિઓ સ્થાપિત કરી. આ પ્રથાથી સમુદની કોમ અલ્લાહને તજી મુર્તિપુજક બની ગઈ. એ જોઈને પોતાના બંદાઓને હીદાયત આપવા પાક પરવરદિગારે હ. સાલેહ (અ)ને મોકલ્યા હતા.
ઈતિહાસકારો હ. સાલેહ (અ.)ની વંશાવળી ઓબેદ બીન યાસફ બીન યાસખ બીન હાઝીક, બીન સમુદ, બીન આબીર, બીન ઈમ, બીન શામ, બીન નુહ દર્શાવે છે. એ રીતે હ. સાલેહ (અ.) અને સમુદની પ્રજાની એકજ વંશમાં ગણના કરવામાં આવેલી છે. સમુદની પ્રજાના આદી પુરૂષ સમુદ હ. સાલેહ (અ)ના વડવા હતા. ઈતિહાસકારો તેમના વચ્ચેનું અંતર એકસો વર્ષનું દેખાડે છે. કેટલાકો બસો વર્ષનું પણ કહે છે, મતલબ કે હ. સાલેહ (અ.) બની સમુદમાંના જ હતા અને એ પ્રજાને અલ્લાહ તરફથી હિદાયત કરવા આવ્યા હતા.
હ. સાલેહ (અ.) નાનપણથી જ એકલા ખુદાને માનનારા હતા. નબી તરીકે જાહેર થયા પછી પોતાની પ્રજાને તેઓ સ્પષ્ટ ચેતવણી આપતા હતા કે એક જ ખુદાની બંદગી કરો. તમારા માટે તેના સીવાય બીજો 'માબુદ' (પુજનિય) નથી. તેણે તમને ઉત્પન્ન કર્યા છે. ધરતી પર તમોને લાંબું આયુષ્ય આપ્યું છે, માટે તમારા ગુનાહની માફી માંગો અને સત્યપંથે પાછા ફરો. આ સાંભળીને બેદીનો કહેતા કે હ. સાલેહ (અ.) તમારામાં તો અમને મોટી ઉમ્મીદ હતી કે તમે અમને સાથ આપશો, પરંતું તમે તો અમારા બાપદાદા જેની પુજા કરતા હતા, તેથી અમને અટકાવો છો, એ અમને અસહ્ય લાગે છે.
(૪૫) હ. સાલેહ (અ.)એ ફરમાવ્યું કે, મારી પાસે મારા પરવરદીગાર તરફથી જાહેર હુજ્જત છે, માટે અલ્લાહથી ડરો અને મારૂં કહ્યું કરો. આ બાગ બગીચા, ફળફુલ, ઝાડપાન, ખેતીવાડી, મહેલ, મહેલાતો, બળ, અભીમાન સઘળું નાશવંત છે. એના પર મોહ રાખવો વ્યર્થ છે.
આ સાંભળીને સમુદના બેદીનો કહેવા લાગ્યા કે, 'સાલેહ ! તમારા ઉપર કોઈએ જાદુ કર્યું છે, અગર જો તમે સાચા નબી હો તો અમોને કોઈ ચમત્કાર દેખાડો.'
સમુદની કોમનો ઉત્સવનો દિવસ આવી લાગતા તેઓ પોતાના દેવ-દેવીઓને લઈને શહેર બહાર જવા લાગ્યા. હ. સાલેહ (અ.) પણ તેમની સાથે ગયા પછી બની સમુદના એક સરદાર જન્દા ઈબ્ને ઉમરૂએ પોતાની કોમને કહ્યું, 'હ. સાલેહ (અ.) પાસેથી તમે એવો ચમત્કાર માંગો, જે તેમનાથી બની શકે જ નહી, એટલે આપણા 'માબુદો’ની ઈજ્જત બચી જશે અને આપણે પણ જુઠા ઠરીશું નહિ.” તેથી સઘળાઓએ એકમત થઈ હ. સાલેહ (અ)ને કહ્યું કે, “સામેના પહાડની પીઠમાંથી એક જીવતી સાંઢણી બોલાવો, જે સગર્ભા હોય અને પહાડમાંથી બહાર નીકળતા વેતજ તે બચ્ચાંનો જન્મ આપે અને તે બચ્ચું પણ સાંઢણીના કદ જેવડું હોય. તો અમે તમને ખુદાના સાચા રસુલ માનીએ.”
તે પછી હ. જીબ્રાઈલે આવીને કહ્યું કે, અય સાલેહ (અ) તમે એ લોકોથી એવું વચન લ્યો કે તેઓ વગર હુકમે સાંઢણીને નહિં મારે અને તેના દુધ સીવાય કંઈ ખાય નહિં. આ હુકમ ઉપરાંત હ. સાલેહ (અ.)એ મુર્તિ પુજા છોડવાની શરતે તેઓને કુદરતનો એ ચમત્કાર દેખાડવાનું કબુલ કર્યું. જવાબમાં તેઓએ કહ્યું, “આ પ્રમાણે બનશે તો અમે અવશ્ય તમારા ખુદા ઉપર ઈમાન લાવીશું.”
બની સમુદે કબુલાત આપ્યા પછી હ. સાલેહ (અ.) પોતાના થોડા સાથીઓ સાથે પહાડની નજદીક ગયા અને ખુદાતઆલાની હુઝુરમાં અદબ સાથે દુઃઆ ગુજારી અને તેમના સાથીઓએ આમીન કહ્યા બાદ દુઃઆ પુરી થતા પહાડમાંથી એક સાંઢણી બહાર આવી. એક કલાક પછી તેણે એક બચ્ચાને જન્મ આપ્યો. તેનું કદ પણ એની માતા જેવડું જ હતું. તેઓ બંને મેદાનમાં જ્યાં લીલું ઘાસ હતું ત્યાં ચરવા લાગ્યા અને ત્યાં એક પાણીનો કુદરતી ઝરો ફુટી નીકળ્યો, તેનું પાણી પીવા લાગ્યા, કુદરતની આ શકિત જોઈને મુર્તી પુજકો સ્તબ્ધ થઈ ગયા અને હ. સાલેહ (અ.)એ પરવરદીગારની હુઝુરમાં શુક્ર ગુજાર્યો.
(૪૬) આ ચમત્કારથી બની સમુદ ઉપર ઘણી સારી અસર થઈ. કેટલાકોએ તો પશ્ચાતાપ કરી માફી ચાહી. આ સ્થિતી જોઈને શયતાનના જે સાથીઓ હતા. તેમને ભય લાગ્યો કે હવે અમારા દેવ મંદિરોને તાળા પડશે અને અમારી કમાઈ પણ જતી રહેશે, જેથી તેઓએ લોકોમાં ચમત્કારની અસર જામતી અટકાવવા એક તરકટ રચી કાઢયું અને કહેવા લાગ્યા કે આ તો હ. સાલેહ (અ.)નો સંપુર્ણ જાદુ છે.
હ. સાલેહ (અ.)એ લોકોને ફરમાવ્યું કે, “તમોએ મને આપેલા વચનનો ભંગ કરશો તો ખુદા મહાન છે. સમય આવતા તે તમારી ખબર લેશે. છતાં હું તમને ચેતવણી આપું છું કે આ સાંઢણી અને તેનું બચ્ચું બન્ને તમારી વચ્ચે છે ત્યાં સુધી જ તમારી સલામતી અને બચાવના કારણરૂપ રહેશે. તેઓ ચરે ત્યાં તેએાને ચરવા દીયો અને પાણી પીએ ત્યાં પીવા આપો. તેમને જરા પણ દુ:ખ પહોંચાડજો નહીં.”
આ બન્ને સાંઢણીઓનું કદ ભવ્ય હોઈ તેઓને જોઈને સામાન્ય પ્રાણીઓ નાસી જતા હતા, જે હવાડામાં તે પાણી પીતા તે ખાલી થઈ જતા હતા. તેને અંગે બીજા પ્રાણીઓ તરસ્યા રહી જતા હતા. લોકો આ ફરીયાદ હઝરત પાસે લઈ ગયા, જેથી ખુદાતઆલાએ હ. સાલેહ (અ.)ને ફરમાવ્યું કે, “એક દીવસ સાંઢણીઓ અને એક દીવસ તેમના ઢોરો પાણી પીએ અને ચારો પણ એમજ ચરે એ પ્રમાણે કરો.” તે પ્રમાણે હ. સાલેહ (અ.)એ ખુદાતઆલાનો હુકમ કહી સંભળાવ્યો અને તે સાથે તાકીદ કરી કે, "આ નિયમ જાળવી રાખજો, નહીતર આકેબતનો અઝાબ તમને પકડી પાડશે.”
લાંબી મુદત સુધી આ વ્યવસ્થા ચાલું રહી પરંતું અતીરા નામની એક સ્વરૂપવાન સ્ત્રી હતી, તે ઘણા ઢોરઢાંખરની ધણીયાણી હતી તેથી આ ખુદાઈ સાંઢણીઓને જોઈ તે બહુ બળતી હતી, તેને ત્યાં કુદાર બીન સાલીક નામનો એક યુવાન આવતો હતો. તેણે અતીરાને કહ્યું, “મારી સાથે તું લગ્ન કરી લે તો આપણે હંમેશ માટે સાથે રહીએ.”
અતીરાએ કહ્યું: હું એક શરતે તારી સાથે લગ્ન કરૂં. આપણી કોમને હ. સાલેહ (અ.)ની સાંઢણીનું બહુ દુ:ખ છે, તેને મારી નાખ તો હું લગ્ન કરૂ.”
(૪૭) કુદારે કબુલાત આપી અને સાઢણીનું કામ પતાવવા નાફેઝા નામની શેરીમાં પોતાના સાથીઓ સાથે તે સાંઢણીની રાહ જોતો બેઠો. સાંઢણી ચારો ચરી આ શેરીમાં પેઠી કે તરતજ કુદારના મિત્ર મસઅદે તેના કપાળમાં તીર માર્યું." સાંઢણી વેદનાથી નાસવા લાગી. કુદારે તેના ધુંટણમાં તલવારનો ઘા કરતા તે ભોય પર પડી ગઈ. તે પછી બધાએ એકઠા મળી તલવારના પ્રહારથી તેના કટકે કટકા કરી નાખ્યા. ગામના લોકોએ ખુશ થઈને તેનું માંસ પોતપોતામાં વહેચી લીધું. એ જોતાં સાંઢણીનું બચ્ચું ત્યાંથી નાસી જઈ પહાડ પાસે આવી લાગતા ત્રણ બરાડા પાડી તેમાં અલોપ થઇ ગયું. આ બરાડો સાંભળીને હ. સાલેહ (અ.) એ લોકોને ચેતવણી આપતા કહ્યું કે, (જો તમે સાંઢણીના બચ્ચાંને આંબી શકશો તો તમારે માટે તક છે પણ કોઈ તેને પકડી શક્યું નહિ, તે પર્વતમાં અદ્રશ્ય થયું તેથી સાલેહે કહ્યું અફસોસ) તમે ખુદાની શીક્ષા માટે તૈયાર થાવ જેની નીશાની એ છે કે આવતી કાલે તમારા ચહેરા પીળા, બીજે દીવસે રાતા, અને ત્રીજે દીવસે કાળા થઈ જશે, અને ચોથે દીવસે ખુદાની સજા તમારી ઉપર આવી પડશે. પેલી ત્રણ નીશાનીઓ જોવામાં આવવાથી તેઓએ હ. સાલેહને મારી નાંખવા માટે તેમની શોધ કરવા લાગ્યા.
હ. સાલેહ (અ.) ઈલાહી ફરમાન વડે ઈબાદતખાનેથી રૂખસત થઈને પોતાને ઘેર ગયા પછી કુદાર અને તેના પાપી સાથીઓ હઝરતને શોધતા શોધતા ઈબાદતખાનામાં આવ્યા, ત્યાં હઝરત નહિં મળતા તેમને ઘેર ગયા અને ઘરના બારણા ખખડાવ્યા. એવામાં એક ફિરશ્તો નાઝિલ થયો અને તેની પાંખના મારથી તેઓ આંધળા બની ગયા. આંધળો બનેલો કુદાર અથડાતો, ઠોકર ખાતો માર્ગ વચ્ચે આવી લાગતા એક કુવામાં પડી મુંવો અને તેના સાથીઓ કષ્ટ પામી માર્ગમાં મરણ પામ્યા. આ બધું જોઈને લોકો ઉશ્કેરાઈ ગયા અને બળવો કરી હ. સાલેહ (અ.)ના ઘર પર હુમલો લઈ ગયા. અત્રે જન્દા બીન ઉમરૂ હઝરતની સહાયતા કરવા આવી ચઢયો.
તેની સલાહથી હ. સાલેહ (અ.) અને તેમના ઈમાનદાર સાથીઓ શહેર છોડી જતા રહ્યા. ત્રીજે દીવસે હ. જીબ્રાઈલે વીરાટ સ્વરૂપ ધારણ કરી આકાશ ધરતીની અધવચ્ચેથી ત્રાડ પાડી. પરીણામે ઝાડો અને પહાડો ધ્રુજી ઉઠ્યા અને ભારે વંટોળીયો આવ્યો. લોકો પોતાનું રક્ષણ મેળવવા ગુફાઓમાં ભરાઈ ગયા. હ. જીબ્રાઈલે તે પછી બીજી ત્રાડ પાડી કે બધાના ચહેરા કાળા પડી ગયા અને તરતજ મરણ પામ્યા.
તફસીરકારોનું કથન છે કે હ. સાલેહ (અ.) સાથે બધા મળી ચાર હજાર ઈમાનદાર હતા. તે સઘળા શામ તરફ પ્રયાણ કરી ગયા અને 'ઓજ' નામના સ્થળે નીવાસ કર્યો. હ. સાલેહ (અ.)ની વફાત ૧૮૦ વર્ષની વયે થઈ હતી અને તેમને જામે મસ્જીદમાં ભુમીદાહ અપાયો હતો.
યા અલી મદદ
