અલ્લાહના રસુલો
રેકોર્ડીંગ - ૧
રેકોર્ડીંગ - ૧
યાને
સત્યના પયગામધારીઓ
ઈલાહી-નુર અને પૃથ્વીની ઉત્પત્તિ
(પેજ-૧) પયગમ્બરોના જીવન વૃતાંત જાણવા પહેલા પૃથ્વીની ઉત્પતિ વિષેની હકીકત તે સાથે સંકળાએલી હોઈ તેની ટૂંક વિગત જાણવી પણ જરૂરી છે.
(૨) જ્યારે જ્યારે પયગમ્બરોને સોંપાયેલા કાર્યો મુશ્કેલીભર્યા જણાયા છે ત્યારે ત્યારે પાત્ર રૂપી ઈમામોએ પયગમ્બરોને મદદ કરી તેમનું કાર્ય આસાન બનાવ્યું છે.
હ. આદમનું વજૂદ અસ્તિત્વમાં આવ્યું તે દરમિયાન પિસ્તાલીસ કરોડ, ત્રેત્રીસ લાખ, સાઈઠ હજાર અને સાતસો વર્ષ પસાર થઈ ગયા હતા. અને ત્યારબાદ હ. આદમ (અ.)નું સર્જન કર્યાનો મત છે.
(૨/૩) કુરાને શરીફની તફસીરોથી જણાય છે કે જ્યારે કંઈ નહોતું ત્યારે માત્ર પાણી હતું અને તેના ઉપર અલ્લાહપાકનું તખ્ત હતું. જ્યારે પરવરદિગારને દુનિયા સર્જવાની ઈચ્છા થઈ ત્યારે પાણીમાં મોજું પ્રગટ કર્યું", મોજામાંથી ફીણ પ્રગટયું, એ ફીણ ચોતરફ જામી ગયું. આ જામેલા ફીણમાંથી પૃથ્વી બંધાઈ છે. અને તે પછી પ્રાણધારી પ્રાણીઓ અને ઝાડ-વનસ્પતિ હસ્તીમાં આવ્યા છે.
(૩) અન્ય કેટલાક મત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિને ચાર-કરણમાં વહેંચી નાંખવામા આવી છે.
પહેલો કરણ ચોવીસ લાખ અઢાર હજાર વર્ષનો હતો અને એ સમયે ફિરસ્તાઓનું અસ્તિત્વ હતું. બીજો કરણ અઢાર લાખ, વીસ હજાર વર્ષનો હતો; જેમાં નસનાસ અર્થાત મનુષ્યને મળતા આવે તેવા જાનવરોની આબાદી હતી. ત્રીજો કરણ બાર લાખ, બાવીસ હજાર વર્ષનો હતો, જે સમયે દોઢસો માણસો કશી વંશવૃધ્ધિ વગરનું એકલવાયું જીવન પસાર કરી રહયા હતા. ચોથો કરણ (કલપ) આઠ લાખ પચ્ચીસ હજાર વર્ષનો હતો, જે સમયે દુનિયાની આબાદી ઘોડાઓની હતી. આ છેલ્લો કરણ પુરો થયા પછી હ. આદમ (અ.)નું આગમન થયું.
ગમે તેમ પરંતું આ આખી મખલુકાત ખુદાવંદતાલાએ પોતાના નુર વડે, પોતાની ઈચ્છા પ્રમાણે બનાવી છે. અને એ ખુદાઈ નુર એક હતું, એક છે અને એકજ રહેશે.
શયતાનનો પુર્વ ઈતિહાસ
(૩) સૃષ્ટિસર્જન પછી, તેની વૃધ્ધિ અને સતત સર્જન કાર્ય અર્થે, પ્રાણધારી તત્વ પૃથ્વી ઉપર હોવું જ જોઈએ એવી પ્રતીતિ થઈ.
વિશ્વાસપાત્ર ઈસ્લામી પુસ્તકોના આધારે જણાવેલું છે કે, હકતાલાએ ધરતી ઉપર પ્રથમ 'પ્રાણધારી' હસ્તી તરીકે જીન્નો સરજ્યા તેઓ દુનિયામાં વસવાટ કરી રહ્યા હતા. અને ખુદાના હુકમની તાબેદારી કરી, તેના ગુણગાનમાં મશગુલ રહી પવિત્ર જીવન ગાળતા હતા. દરમિયાન સોમા નામના જીને શરાબની શોધ કરીને તેનું પાન કર્યું સાથે પોતાના સાથીઓને પણ તેનું પાન કરાવ્યું. પવિત્ર જીવન ગાળનારા જીન્નોને તેનો સ્વાદ લાગતા તેઓની પવિત્રતા નાશ પામી, અને તેઓ દુરાચારી બની ગયા.
(૪) એ દરમિયાન ઈબ્લીશ નામનો જીન્ન જેનું નામ હારિસ પણ હતું, અને જે આસિમ અને ફાઝિલ પણ હતો, તે પોતાની કોમની ગુમરાહી અને ખુદ પરસ્તી જોઈ દુરાચારીઓથી દુર જવા પોતાના એક હજાર સાથીઓને સાથે લઈને એકાંતમાં જીવન ગુજારવા ચાલ્યો ગયો. ત્યારબાદ ખુદાવંદતાલાએ કુમાર્ગે ચઢેલી કોમને તક આપી અને તેઓ પર કહેર નાઝિલ ન કરતા પોતાની હુજ્જત પુરી કરવા હારિસને તેના સાથીઓમાંથી એક મલ્કુસ ઈબ્ને મલાહિસને મોકલીને ગુમરાહોને હિદાયત કરવાનો હુકમ ફરમાવ્યો. પણ જીન્ન કોમના સરદારે તેની ધારણા જાણી લઈને તેને મારી નાખ્યો. હારિસે ખુદાના ફરમાન વડે ફરીથી બીજા જીન્નને મોકલ્યો, તેને પણ જીન્નોએ મારી નાખ્યો. એવી રીતે હારિસના નવસો નવ્વાણું સાથીઓ માર્યા ગયા. તે પછી હારિસે યુસુફ ઈબ્ને યાસફને મોકલ્યો, તેણે જઈને હક તરફ દાવત કરી, પરંતુ તેને પણ જીન્નાતોએ કેદ કરીને તેલની ધગધગતી કડાઈમાં નાખી બાળી ભસ્મ કરી નાખ્યો. આથી પૃથ્વી કકળી ઉઠી અને પાક પરવરદિગારે જીન્નોનો નાશ કરવા આસમાન પરથી ફિરસ્તાઓને પૃથ્વી ઉપર ઉતારીને ઈબ્લીસ (હારિસ)ની સરદારી હેઠળ મુક્યા.
ફિરસ્તાઓ અને જીનો વચ્ચે યુધ્ધ થયું, તેમાં જીન્નો પરાજીત થયા. જે થોડા બચ્ચા તેઓ કોહે-કાફ અને બહરે-મુહીતના ટાપુઓ ભણી નાસી ગયા અને તેજ સ્થળે ભરાઈ બેઠા; ત્યાંથી તેઓ કદી પાછા ફર્યા નહીં.
આ જીતથી હારિસનો સિતારો ચમકી ઉઠયો. ફિરસ્તાઓ તેને આકાશમાં લઈ ગયા. આ પછી તે ફિરસ્તાઓ વચ્ચે રહેવા લાગ્યો. ત્યાં ભારે ખંતથી તેણે ઈબાદત બંદગી ચાલું રાખી અને તેની રિયાઝ (તપોબળ) ફિરસ્તાઓથી પણ વધી ગઈ. ફિરસ્તાઓ પણ આ જોઈને દંગ થઈ ગયા.
હારિસે ફિરસ્તાઓને પોતાની તરફેણમાં લઈ જિન્નોના ઝઘડામાં પોતે કોઈ ભાગ ન લીધો હોવાની કેફિયત તેમના મારફત પરવરદિગાર પાસે રજુ કરી. પરીણામે તેને અમાન બક્ષવામાં આવી અને તે પછી તે ફિરસ્તાઓ સાથે રહેવા લાગ્યો. દુનીયાના સંચાલનની બાબતમાં ફિરસ્તાઓને જો કોઈ હુકમે ઈલાહી થતો તો ઈબ્લીસ તેઓની સાથે જઈ, આગળ રહીને બજાવી લાવતો. ઉપરાંત ઈબ્લીસ ફિરસ્તાઓ સાથે ઈબાદતમાં પણ મશગુલ અને વિષય વાસનાથી દુર રહેતો. સામાન્ય રીતે એવી વાત મશહુર છે કે, જમીનની સપાટી ઉપર ઈબ્લીસે સાત લાખ વર્ષ પર્યંત ઈબાદત કરી હતી. તેણે એવી એક પણ જગ્યા મુકી નહોતી જ્યાં તેણે સિજદો કર્યો ન હોય. આના પ્રતાપે તેની આબિદ તરીકે ખ્યાતી થઈ. દરેક આસમાન ઉપર તેની બંદગીને લઈ તેના જુદા જુદા નામો રાખવામા આવ્યા, અર્થાત પહેલા આકાશ ઉપર આબિદ, બીજા પર ઝાહિદ, ત્રીજા પર આદાબ, ચોથા પર સાલેહ, પાંચમા પર ખાશેઅ, છઠા પર શાકિર અને સાતમા પર મુતીઅ તરીકે ઈબ્લીશ મશહૂર થયો. તે પછી ઈબ્લીસે બહેશ્તમાં પ્રવેશ કર્યો અને પાક પરવરદિગારનો અઝીઝ થયો અને તેને અઝાઝિલ તરીકે સંબોધવામાં આવ્યો.
(૫) પાક પરવરદિગારે જમીન અને આસમાનના પ્રદેશો અને જન્નતનો ખજાનો હારિસને ઈનાયત કર્યો હતો. અંતે તેની બુધ્ધી અને વિચારશક્તિએ તેને ભરમાવ્યો. કર્રુબીઓથી પોતે ઉચ્ચતર છે અને ફિરસ્તાઓથી અફઝલ છે. એવો તેને ગર્વ થયો અને આ રીતે તે ગર્વ તેને અધમતા તરફ દોરવા લાગ્યો.
(૬) એક ફિરસ્તો હાંકી કઢાશે એવું જે લખાણ (લોહે મહેફુજમાં) લખેલું હતું, તે ઈબ્લીસ માટેજ સત્ય સિધ્ધ થયું.
શયતાન અઝાઝીલની વધુ હકીકત હ. આદમ (અ.)ના અહેવાલમાંથી જાણવા મળશે.
અબુલ બશર (માણસોના પિતા) હઝરત આદમ (અ.)
(૬) ૫રવરદિગારે હ. આદમનું સર્જન કરવાની ઈચ્છા કરી ત્યારે તેમનું શરીર બનાવવા પોતાની બારગાહના ખાસ ફિરશ્તા જીબ્રાઈલ, મિકાઈલ અને ઈસરાફીલને પૃથ્વીના જુદા જુદા સ્થળો પરથી જુદા જુદા રંગની સાત મુઠી માટી ભરી લાવવાનો હુકમ ફરમાવ્યો.
(૭) પરવરદિગારની આજ્ઞાનું પાલન કરી ઈઝરાઈલ માટી લાવી આપી. એ દિનથી પાક પરવરદિગારે મોતના ફિરસ્તા તરીકે ઈઝરાઈલની નિમણુંક કરી. સઘળા પ્રાણીઓના રૂહ કબ્ઝ કરવાનું કામ તેને સોંપ્યું. રૂહુલ અમીન તરીકે ઓળખાતા જીબ્રાઈલ નામના બીજા ફિરસ્તાને પયગમ્બરો ઉપર વહી અર્થાત સંદેશા લાવવાનું કામ સોંપ્યું, ત્રીજા ફિરસ્તા મિકાઈલની જીવોને રોજી વહેંચી આપવા માટે નિમણુંક થઈ અને ચોથા અસરાફીલ કિયામતના દહાડે સૂર ફુંકશે. આ સુર ફુંકવાથી સઘળા જાગૃત થશે. આ પ્રમાણે દુનિયાનું ચક્ર પોતાની મેળે ફર્યા કરે તેવી કુદરતે વ્યવસ્થા કરી.
(૮) પાક પરવરદિગારે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે જેને આકાર આપ્યો હતો એ માટીના પુતળામાં ખુદાએ રૂહ ફુક્યો અને પોતાનું પાક નુર હ. આદમ (અ)માં દાખલ કર્યું, તેથી તેમનામાં બુધ્ધી આવી અને દુનિયાની દરેક વસ્તુનું જ્ઞાન તેમને રોશન થયું.
હઝરત આદમ (અ.)માં જે ઈલ્મ હતું તે ફિરસ્તાઓમાં નહોતું. વળી તેમાં ખુદાઈ નુર હોવાથી ફિરસ્તાઓને સિજદો કરવા હુકમ થયો. સઘળા ફિરસ્તાઓએ પાક અલ્લાહના ફરમાનને તાબે થઈ સિજદો કર્યો. પરંતું ઈબ્લીસે ઈન્કાર કરીને પાક-પરવરદિગારના ફરમાનનું ઉલ્લંઘન કર્યું, પાક પરવરદિગારે તેને પુછયું: “અય ઇબ્લીસ ! તેં સિજદો કેમ ન કર્યો ? એ આકૃતિ અમે અમારા બન્ને હાથ વડે બનાવી છે.”
ઈબ્લીસે જવાબ આપ્યો: “બારેતાલા, હું આદમથી બહેતર છું; તેં એને માટીમાંથી બનાવ્યો છે જ્યારે મારી પેદાશ આતશી છે. વળી મેં તને સિજદો કર્યો છે તો પછી બીજાને સિજદો શા માટે કરૂં ?”
આવા ગર્વ ભર્યા જવાબથી ઈબ્લીસ ઉપર ઈલાહી ગજબ ઉતર્યો અને અલ્લાહે તેને ફિટકાર આપી ફરમાવ્યું : “તારા ઉપર ક્યામતના દિવસ સુધી લાઅનત છે.”
હ. આદમ (અ.)ને તે પછી જન્નતમાં જઈને રહેવાનો હુકમ થયો. પરંતુ તેઓ એકલા હોવાથી તેમને એકલતા સાલતી હતી આથી એક સમયે હ. આદમ (અ.) જ્યારે સુતા હતા ત્યારે હ. જીબ્રાઈલે આવીને તેમની ડાબી બાજુની પાંસળી કાઢી તેમાંથી બીબી હવા બનાવ્યા. તેઓ અતિ સ્વરૂપવાન તરીકે સર્જાયા હતા. તેમને ઝરિયાન પોશાક પહેરાવાયો, તેમના માથે તાજ મુકવામાં આવ્યો અને તે પછી હ. આદમ (અ)ને ઉંઘમાંથી જાગૃત કર્યા. તેમની નજર હ. બીબી હવા ઉપર પડી અને તેમને મહોબ્બત થઈ અને એ ખુબસુરત સ્ત્રીને પ્યાર કરવાની ઈચ્છા જાગી.
(૯) હ. આદમ (અ.)ને શયતાન પોતાનો હરીફ સમજતો હતો તેમાંય તેમને જન્નત મળવાથી શયતાનને ખુબ ઈર્ષા થઈ હતી.
(૧૦) ફળનો સ્વાદ અને શયતાને આપેલી લાલચ વિગેરેની હકીકત બીબી હવાએ રજુ કરીને ખાવા માટે આગ્રહ કર્યો. પોતાની સ્ત્રીના આગ્રહથી હ. આદમ (અ.) ભોળવાઈ ગયા અને એ ઝાડનો દાણો ખાધો. આ પ્રમાણેની શયતાનની ઠગાઈથી બન્નેની અવદશા થઈ. તેઓ નગ્ન અવસ્થામાં આવી પડ્યા. એ હાલતમાં તેઓએ જન્નતના અંજીરના ઝાડના પાંદડાથી પોતાનું શરીર ઢાંક્યું.
શયતાનના પ્રપંચથી હ. આદમ (અ.) અને બીબી હવા બન્ને ભુલમાં પડ્યા. શયતાનનો આશ્રય લેવા તેમજ પાક-પરવરદિગારની બેફરમાની કરવા માટે તેઓ બન્નેને અને સાપ, મોર તેમજ શયતાનને જન્નતમાંથી બહાર કાઢવામાં આવ્યા.
તે પછી હ. આદમ (અ) સિંહલદ્વીપમાં (લંકામાં) અને બીબી હવા અરબસ્તાનમાં જીદ્દા ખાતે આવી વસવાટ કરવા લાગ્યા. આમ બન્નેને વિયોગ થયો.
હ. આદમ (અ.) અને હ. બીબી હવા ઘણા વર્ષો સુધી વિખુટ રહ્યા અને પોતાથી થયેલી ભુલના ૫શ્ચાતાપ તરફ વર્ષો સુધી ઘણી જ ગીરીયાઝારી સાથે રડ્યા. હઝરતની આંખમાંથી આંસુ સુકાઈ ગયા અને છેવટે લોહીના આંસુ સાથે તૌબા કરી. છેલ્લે ખુદાએ નવાજેશ કરેલા ખાસ પાક “શબ્દ”નું (ઈસ્મે આઝમ)નું ઝિકર કરવાથી તેમની તૌબા કબુલ થઈ. હ. આદમ (અ)ને મકકા પાસેના એક પહાડ ઉપર જીબ્રાઈલ લઈ ગયા જ્યાં તેમને તેમના પત્ની હ. હવા મળ્યા. તેએાએ એક બીજાને અહિં ઓળખ્યા.
(૧૧) હ. આદમ (અ) અને બીબી હવા પૃથ્વી ઉપર આવ્યા પછી સંસાર માંડી ભેગા રહેવા લાગ્યા હતા. હ. આદમ ખેતીનો ધંધો કરતા હતા. સંસાર માંડ્યા પછી બીબી હવા ગર્ભવતી થતા હતા. તેમણે ઘણા સંતાનને જન્મ આપ્યો. તેઓ હંમેશા એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકોને જન્મ આપતા હતા. પ્રથમ પુત્ર કાબિલ સાથે પુત્રી અકલીમા જન્મી. તે પછી હાબિલ સાથે પુત્રી ગાઝા પેદા થઈ. અત્રે એવો હુકમ થયો કે હાબિલ સાથે જન્મેલી પુત્રીના કાબિલ સાથે અને કાબિલ જોડે જન્મેલી પુત્રીના હાબિલ સાથે લગ્ન કરે. તે પ્રમાણે ગાઝાને કાબીલ સાથે અને એકલીમાને હાબીલ સાથે પરણાવવાનો છે. આદમે (અ) નીર્ધાર કર્યો. પણ અકલીમા ઘણી ખુબસુરત હોવાથી કાબીલે પોતાના પિતાની વાત માની નહીં અને કહ્યું: “મારી બહેન સાહેબે જમાલ હોવાથી હું તેને હાબીલને આપીશ નહીં.” હ. આદમ (અ.) એ અલ્લાહતઆલાનો હુકમ કહ્યો પણ કાબીલે કહ્યું: “તમે હાબીલને ચાહો છો તેથી તેની તરફેણ કરો છો.” પરંતું ખુદાના હુકમથી હ. આદમ (અ)એ હાબીલના લગ્ન કાબીલની બહેન અકલીમા સાથે કરી આપ્યા. હવે કાબીલે હાબીલને કહ્યું: "તું મારી બહેન અકલીમાને તલ્લાક આપ તો હું તને મારી ખીજમતમાં રાખું.” હાબીલે કહ્યું: “મારા બાપે તેના સાથે મારા લગ્ન કરી આપ્યા છે તેથી હું તેના હુકમની વિરૂધ્ધ જઈશ નહીં.” જ્યારે હ. આદમ (અ.)એ બન્ને ભાઈઓની તકરાર જાણી ત્યારે ઈન્સાફ કરતાં ફરમાવ્યું કે, “તમે બન્ને ભાઈઓ “કોહે મના” પર જઈ બે કુરબાનીઓ કરો. જેની કુરબાની ખુદાના દરબારમાં કબુલ થશે તેની સ્ત્રી અકલીમા થશે.” બન્ને ભાઈઓએ બકરીઓ લાવી તેને ઝબેહ કરી “કોહે મના” પર રાખી. આકાશમાંથી આતિશ આવી હાબીલની મુકેલી કુરબાનીને બાળી નાખી. એ મુજબ હાબીલની કુરબાની કબુલ થઈ, અને કાબીલની કુરબાની રદ થઈ. કાબીલ ક્રોધે ભરાયો અને પોતાના ભાઈને કેવી રીતે મારી નાખવો તેની યોજના કરવા લાગ્યો. તે જમાનામાં ખુન કેમ કરવું એ કોઈ જાણતું નહોતું. આ વખતે શયતાન ઈન્સાનના સ્વરૂપમાં એક હાથમાં એક સાપ લઈ આવ્યો અને કાબીલના દેખતા સાપને જમીન ઉપર મુકી, એક પત્થર ઉપાડી સાપ ઉપર ફેંકી મારી નાખ્યો અને પછી ગૈબ થઈ ગયો. આ રીતે શયતાને ખુન કરવાની પધ્ધતિ બતાવી, પછી હાબીલ જ્યારે બકરી ખાનામાં સુતેલો હતો ત્યારે કાબીલે શયતાનની શીખવણી અનુસાર એક પત્થર ઉપાડી હાબીલના માથા ઉપર માર્યો જેથી હાબીલ મરી ગયો.
એ સમયે હ. આદમ (અ) મક્કા ભણી ગયા હતા. તેમની ગેરહાજરીમાં કાબિલે એ કરપીણ ખુન કર્યું", તેને હાબિલની લાશની વ્યવસ્થા કરવાનું જ્ઞાન નહિ હોવાથી ઘણા દિવસ સુધી લાશ ઉઘાડી પડી રહી. એક દિવસ એક મરી ગયેલા કાગડાને જમીનમાં ખાડો ખોદી કાગડાઓને દાટતા જોઈને કાબિલે પણ પોતાના ભાઈની લાશ જમીનમાં દફન કરી. હ. આદમ (અ) મક્કાથી પાછા કર્યા અને હાબિલની ઘણી તપાસ કરી પણ કાંઈ પતો લાગ્યો નહિ'. આ વખતે જીબ્રાઈલે નાઝિલ થઈ હાબિલને કાબિલે મારી દફન કરેલ હોવાની હકીકત જણાવી, આથી હ. આદમ તથા બીબી હવા ઘણાજ દુઃખી થયા, ખુનીને તેનો બદલો મળવો જોઈએ એવું ઠરાવ્યા પછી કાબિલને કત્લ કરવાનો હુકમ કર્યો. કાબિલને તેની ખબર પડતા તે યમન તરફ નાસી ગયો અને આતિશ પરસ્ત બની ગયો. હ. આદમ (અ.) અને બીબી હવાને પુત્રની વફાતથી ઘણુંજ દુ:ખ થયું હતું." તેથી તેઓ ઘણા ગમગીન રહેતા હતા, હ. આદમ (અ)એ હવે પોતાના જીવનમાં હ. શીશને પોતાનું સ્થાન અર્પણ કર્યું” અને તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા.
ઈસ્લામી મત મુજબ હ. આદમ (અ.)નો જન્મ ઈસ્વીસનની પૂર્વે પાંચ હજાર બેસો બયાસી વર્ષ પર થયો હતો. હ. આદમ (અ.)ની વફાત ૯૬૦ વર્ષની વયે થઈ હતી. તેમને મક્કા પાસેના જબલ અબી કુબેશમાં ભૂમિદાહ આપવામાં આવ્યો હતો.
હઝરત ઈદરીશ (અ.)
(૧૭) ઈદરીશ, ઈબ્ને બયારદ, ઈબ્ને મહલાઈલ, ઈબ્ને કેનાન, ઈબ્ને અનુસ, ઈબ્ને શીશ, ઈબ્ને આદમ (અ)એ મુજબ હ. ઈદરીસની વંશાવળી છે.
હ. ઉખનુખ, હરમીસ, બત્રસીમીન, હુરમઝદ, વિગેરે જુદા જુદા લકબોથી ઓળખાય છે.
ગ્રીક વિદ્વાનો હ. ઈદરીસ (અ.)ને આસીરિયન નબીઓ મોંહેના એક ગણે છે.
હ. ઈદરીસના નામમાં પણ રહસ્ય સમાયેલું છે. એનો ભાવાર્થ “સતત ભણતર” એવો થાય છે. હ. ઈદરીશ (અ.)નો અલ્લાહે કલામે પાકમાં સાચા નબી તરીકે ઉલ્લેખ કર્યો છે.
તે ઝમાનામાં કલમથી લખવાની પહેલ સૌ પ્રથમ હ. ઈદરીશ (અ)એ કરી હતી.
(૨૦) અઝરાઈલે કહ્યું, "મારી ઈચ્છા છે કે હું તમારી સાથે ભાઈબંધીનો રીસ્તો જોડું.”
હ. ઈદરીશ (અ)એ કહ્યું: “હું તોજ તમારી સાથે ભાઈબંધી કરૂં. જો તમે મને મૌતનો સ્વાદ ચખાડો.
પછી અઝરાઈલે ખુદાવંદતાલાની દરગાહમાં અરજ કરી; જે માન્ય થતાં મલેકુલ મૌતે હઝરતનો રૂહ કબ્ઝ કર્યો, પછી તેઓ ફરી સજીવન થયા. મૌતનો સ્વાદ ચાખ્યા પછી તેમની ઈચ્છા અનુસાર મલેકુલ મૌત તેમને જન્નતમાં લઈ ગયા. તેના સઘળા વિભાગો હઝરતને એટલા બધા પસંદ પડ્યા કે, તેમણે ત્યાંથી બહાર નીકળવા આનાકાની કરી ને મલેકુલ મોતને કહ્યું, "એક વખત હું મોતનો સ્વાદ ચાખી ચુક્યો છું. હવે જન્નતમાં રહેવાનો અધીકારી છું.”
ખુદાતાલાએ મલેકુલ મોતને કહ્યું “હ. ઈદરીશ (અ.) સાથે વાદવિવાદ છોડી દે તેઓ મારી પરવાનગીથી આવ્યા અને મારી પરવાનગીથી જ બહાર નીકળશે.”
ઈતિહાસ પરથી જણાય છે કે, હ. ઈદરીશ (અ) ૬૫ વર્ષની વયના થયા ત્યારે તેમણે 'બરૂખામ' નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા તેમના પેટે તેમને 'મતુશલખ' નામનો પુત્ર થયો જેનો અરબીમાં અર્થ 'નશરહ' થાય છે. 'મતુશલખ' એકસો સીતેર વર્ષના થયા ત્યારે તેમણે પોતાના ઉત્તરાધીકારી મુકરર કર્યા.
(૨૧) હ. ઈદરીશ (અ) દોઢસો વર્ષ પર્યંત નબુવત ભોગવ્યા પછી આકાશગમન કર્યું. એમણે પોતાનો ઘણો સમય ફીરસ્તાઓ સાથે ગાળ્યો હતો. હ. ઈદરીશ (અ)ની વય ૩૬૫ વર્ષની થઈ હતી.
નવી દુનિયાના આદમ હઝરત નુહ (અ.)
(૨૧) હ. નુહ (અ.)નો જન્મ એશિયા માઈનરના આરમીનીયા ખાતે સને હબુત ૧૬૩૨માં થયો હતો. હ. આદમ (અ.) પૃથ્વી પર આવ્યા, એ ઘટનાને અરબી ભાષામાં “હબુત" કહે છે અને એ ગણતરીએ આ સન ગણાય છે. હ. નુહ (અ.)નો જન્મ તોરાત પ્રમાણે હ. ઈશા (અ.) ના જન્મથી ૨૯૪૮ વર્ષ અગાઉ થયો હતો.
હ. નુહ (અ.)ને ફારસી ઈતિહાસકારો “અફરીદુન” કહે છે. તેઓ ઈરાનના આદિ પુરૂષ મનાય છે. “ગયોમરસ'' હ. નુહ (અ.)નો નબીરો થતો હતો. એ ગયોમરસના વંશમાંથી ઉતરી આવેલ બાદશાહ જમશીદ પર ઝોહાક ચડી આવ્યો હતો. અરબ-ઈરાન વચ્ચેના જોડાણનો આ પહેલ વહેલોજ પ્રસંગ છે.
હ. નુહ (અ.)ની વંશાવળી આ પ્રમાણે છે. નુહ બિન મલકાન, બિન મતુસલખ, બિન હતોક, બિન યારૂત, બિન મહલાઈલ, બિન કીનન, બિન અનૌસ, બિન શીશ અને શીશના પુજ્ય પિતા હ. આદમ (અ.) છે.
હ. નુહની માતા હ. અનેાસ (અ.)ના પૌત્રી થતા હતા. હ. નુહ (અ.)ના માતા જેમનું નામ “સમખા” હતું, તેઓ પવિત્ર બાનું હતા.
“નુહ” શબ્દનો અર્થ “શકિત” થાય છે. એ હિબ્રુ ભાષાના “નહુમ” શબ્દ પરથી ઉત્પન્ન થયેલો હોય એમ મનાય છે. જાણીતા ઈતિહાસકારોના કથન અનુસાર હ. નુહ (અ.) “ઉલુલ અઝમ'' પયગમ્બરોમાંના પહેલા છે અને તેમને આદમે સાની યાને બીજા આદમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(૨૨) હ. નુહ (અ.)ના ચાર પુત્રો અને બે સ્ત્રીઓ હતી. “ઉમદા" નામની પહેલી સ્ત્રી ભલી હતી. તેમના ઉદરે હામ, શામ અને યાફિસ જનમ્યા હતા. જ્યારે બીજી અધર્મી સ્ત્રી વાએલા હતી જેના ઉદરે કેનાનનો જન્મ થયો હતો, જે “યામ” તરીકે પણ ઓળખાય છે.
હ. નુહ (અ.)ના વડા પુત્ર યાફીસ હતા અને સહુથી નાના પુત્ર શામ હતા. હ. શામ (અ.)ની હ. નુહ (અ.)એ પોતાના ઉત્તરાધિકારી–ગાદી વારસ તરીકે નિમણુંક કરી હતી.
(૨૩) હ. નુહ (અ.)ના યુગમાં મુર્તિપુજા ઘણી પ્રબળ હતી. સત્ય ધર્મના બદલે અધર્મનું જ આચરણ લોકો કરતા.
(૨૪) હ. નુહ (અ.) બધી શાખામાં ફરી વળ્યા અને ખુદાવંદી નુરની જ્યોતિ પ્રગટાવી; પરંતું લોકોનો હૃદયમાં અંધકારનું આવરણ છવાઈ ગયેલું હોવાથી કોઈએ હિદાયત ગ્રહણ કરી નહિ; બલ્કે એ અધર્મીઓ હ. નુહ (અ.)ને દીવાના કહીને મશ્કરી કરવા લાગ્યા અને તેમને ઘણું કષ્ટ આપ્યું.
હ. નુહ (અ.)નો ઉપદેશ આ પ્રમાણે હતો: “આ દુનિયા તો નાશવંત છે. સદાકાળ રહેનાર અમર જગતને પામવા, દુનિયાની માયા મૂકી પવીત્ર જીવન ભણી વળવું જોઈએ. જગતનું ચક્ર તડકા-છાંયડા પ્રમાણે ફર્યા કરે છે. કોઈ પણ મનુષ્યની સ્થિતિ સદાકાળ એક સરખી રહેતી નથી, તેને એક દ્વારથી પ્રવેશ કરી અન્ય દ્વાર મારફત બહાર નીકળવાનું છે.”
(૨૫) ઘણી તકલીફો સહન કર્યા છતાં તેઓએ ઉપદેશ કરવાનું ચાલુંજ રાખ્યું હતું. અંતે હ. નુહે પોતાની પ્રજાને ચેતવણી આપતા કહ્યું કે, “તમે ખુદાઈ કહેરનો ભોગ બનો તે પહેલા તમારા ગુનાઓની માફી માંગી લ્યો. ખુદા દયાળુ અને બક્ષણહાર છે.
લોકો હ. નુહને કહી દેતા કે 'અમને તમારા ઉપદેશની જરા પણ જરૂરત નથી. અમે અમારી મુર્તિઓની પુજાઅર્ચનાને મક્કમતાથી વળગી રહેનાર છીએ.
(૨૬) આવી પરિસ્થિતિ જોઇ હ. નુહ (અ.)ને ઘણું લાગી આવ્યું. તેમણે ખુદાતઆલાના દરબારમાં રજુ થઈ પ્રાર્થના કરી: “અય માલિક હું હવે નિરૂપાય બન્યો છું. તું મારી મદદ કર.” હ. નુહ (અ.)ની પ્રાર્થના સ્વીકારાઈ હોય એવા ચિન્હ થોડા વખતમાં દેખાવા લાગ્યા. ચાલીસ વર્ષ સુધી વરસાદ બંધ થઈ ગયો. ખેતીવાડી અને ઢોરઢાંખર નાશ પામ્યા, સ્ત્રીઓ વાંઝણી થઈ ગઈ. ખોરાક નહીં મળવાથી પુરૂષો એટલા બધા અશક્ત થઈ પડ્યા કે સંતાનોત્પતિ થઈ નહીં, નદીઓ અને તળાવો સૂકાઈ ગયા. જ્યાં ત્યાં સર્વત્ર નાશ વ્યાપી રહ્યો. છતાં એ અધર્મિઓના દિલ એટલા બધા સખ્ત થઈ ગયા હતા કે એક શખ્સ પીડાઈને પથારીવશ થતો ત્યારે મરતાં મરતાં પણ પોતાના કુટુંબીઓને ભલામણ કરી જતો કે 'પેલા દિવાના (નુહ)ના પંજામાં સપડાઈ પોતાના પુર્વજોના પંથને તજી નહી દેતા. ખુદાઈ કોપનો તો માત્ર ડર જ બતાવવામાં આવે છે, પરંતું એ કાંઈ સત્ય નથી. માટે એવા જુઠાઓને જરા પણ મચક આપતા નહીં અને તમારો સાચો ધર્મ (મૂર્તિપૂજા) કોઈ પણ ભોગે સાચવી રાખજો.”
અધર્મિઓના સમુહોને એટલા બધા સખ્ત થતાં જોઈને હ. નુહ (અ.)ને અતીશય દુ:ખ થયું. તેઓ ઉદાસ થઈ ગયા. એક તરફ પોતાની હઠવાદી કોમ અને બીજી તરફ ખુદાના કોપનો નીત્ય વિચાર તેમને આવ્યા કરતો હતો. અંતે આ મુંઝવણમાંથી ઉગરવા તેમણે ખુદાની હુઝુરમાં દુઆ ગુજારી. બારેતાલાના દરબારમાં એમની દુઆ કબુલ થઈ અને હ. જીબ્રાઈલ વૃક્ષની કેટલીક કલમો લઈ આવ્યા અને તે હ. નુહ (અ.)ને આપી કહ્યું, “આ કલમોને જમીનમાં રોપી દયો.” કેટલાક વર્ષ પછી આ રોપેલી કલમોમાંથી મોટા ઝાડ થયા. એ ઝાડોને કાપી નાખવામાં આવ્યા અને તેના લાકડા સુકાઈ ગયા પછી તેમાંથી પાટીયા વહેરવામાં આવ્યા. તે પછી એક વહાણ બનાવવા હ. નુહ (અ.)ને હ. જીબ્રાઈલે પયગામ આપ્યો. હ. નુહ (અ.)એ વહાણ બાંધવાનું શરૂ કર્યું. એ કાર્યમાં કેટલાક ઈમાનદાર કારીગરો સાથે પોતાના પુત્રો શામ, હામ અને યાફિસને પણ મદદમાં લીધા. હ. નુહ (અ.)ની આ પ્રવૃતી જોઈને અધર્મીઓ તેમની મશ્કરી કરવા લાગ્યા કે, “હવે દાવતનો ધંધો મૂકી સુથારનો ધંધો શરૂ કર્યો છે, આવો મનુષ્ય શી રીતે પયગમ્બર બની શકે ?"
(૨૬/૨૭) હ. નુહ (અ.) જે વહાણ બનાવ્યું હતું, એ વહાણમાં ત્રણ માળ બનાવવામાં આવ્યા હતા. ત્રીજો માળ પક્ષીઓ અને પાંખવાળા જંગલી પ્રાણીઓ માટે હતો. તળેટીએ ચોપગા અને ઝીણા પ્રાણીઓ હતા અને વચ્ચે હ. નુહ (અ), તેમના કુટુંબીઓ અને મોમીનો હતા. વહાણનું મોઢું મોરની ડોક જેવું, વચલો ભાગ બતકના મધ્ય કદ જેવો હતો અને સુકાન કબુતરની પુંછડી જેવું હતું. વરસાદથી સુરક્ષીત રહેવા માટે વહાણ ઉપર છાપરૂં અને અજવાળા માટે બારીઓ મુકવામાં આવી હતી. એ મુજબ ઈલાહી હુકમ અનુસાર વહાણ તૈયાર થઈ ગયું.
તે પછી તુફાનની આગાહી કરતા હ. જીબ્રાઈલે કહયું કે, “યા નુહ નબી, તુફાનને શરૂ થવાની નીશાની એ છે કે તમારા ઘરના તન્દુરમાંથી ગરમ પાણીનો ધોધ નીકળશે.” એક દીવસ હ. નુહ (અ.)ના પત્ની રોટલી પકાવતા હતા કે તે તંદુરમાંથી ગરમ પાણીનો ધોધ શરૂ થયો. જેની ખબર હ. નુહ (અ.)ને આપવામાં આવી.
આ વખતે હ. નુહ (અ.)એ લોકોને છેલ્લી ચેતવણી આપતા ફરમાવ્યું કે, “ખુદાતઆલાનો વાયદો પુરો થયો છે.” માટે તમો બુતપરસ્તી મુકી સત્ય માર્ગે વળો અને આ વહાણમાં પનાહ લ્યો, પણ અધર્મી લોકોએ હઝરતની વાતનો સ્વીકાર ન કરતા તેનો જવાબ મશ્કરીમાં આપી પોતાની હઠ ઉપર કાયમ રહ્યા.
એ પછી હ. નુહ (અ.) પોતાની વફાદાર પત્ની ઉમદાબાનુ, હ. શામ, હામ અને યાફીસ એ ત્રણે પુત્રો તથા તેમની ધર્મપત્નીઓ અને હ. નુહ (અ) મળીને આઠ કુટુંબીજન અને બીજા બહોત્તેર મોમીન મળી કુલ્લે એંસી જણા સવાર થયા હતા. દરેક પક્ષી અને પ્રાણીનું અક એક નરમાદાનું જોડું પણ વહાણમાં લેવામાં આવ્યું હતું. સઘળા વહાણમાં ચડી ગયા પછી હ. નુહ (અ.)નો પુત્ર કેનાન બાકી રહ્યો. તેને વહાણમાં ચડવાનું કહેવામાં આવ્યું પરંતુ, તેણે વહાણ કરતા પર્વત ઉપર ચડીને આશરો લેવામાં પોતાની સલામતી માનીને પિતાની આજ્ઞાની અવજ્ઞા કરી, કેનાનની અધર્મિ માતા વાએલા પણ વહાણમાં ચડી નહીં.
હ. નુહ (અ)એ ખુદાતઆલા પાસે શીફારસ કરી કે, “યા બારીતઆલા, મારા પુત્ર કેનાનને બચાવ. નહીં તો તે કાફરોની માફક માર્યો જશે, કેનાન મારા કુટુંબમાંથી છે.”
ખુદાતઆલાએ ફરમાવ્યું, “અય નુહ, કેનાન તારા કુટુંબમાંથી નથી, તે ઈન્કાર કરનારામાંનો છે. તેનું ઈમાન તારા ઈમાનના જેવું નથી.”
(૨૮) પૃથ્વીમાંથી પાણીના ફુવારા બહાર નીકળવા લાગ્યા ત્યારે એની ખબર આપવા એક મોમીન પોતાના બાદશાહ સફરદોશ પાસે આવ્યો અને બધી ઘટના કહી સંભળાવી. તે તરત ઘોડા ઉપર સ્વાર થઈ હ. નુહ (અ) પાસે આવ્યો અને શું થઈ રહયું છે, તે જોવા લાગ્યો. હ. નુહ (અ.)એ તેને કહ્યું: “બાદશાહ ! ખુદાતઆલાનો વાયદો પુરો થઈ ગયો છે.” પછી પાણી ચડતું જોઈને તે ગભરાઈ ગયો, અને ત્યાંથી નાઠો અને પાણીમાં ડુબી જવામાંથી ઉગરવાનો માર્ગ શોધતા ઉંચા ડુંગર પર પોતાના ઘોડાને ચડાવ્યો, છતાં તે બચી શક્યો નહીં. જમીનમાંથી પુષ્કળ પાણી ફુટ્યા બાદ આકાશમાંથી પુષ્કળ વરસાદ વરસવા માંડ્યો. સઘળે પાણી પાણી થઈ ગયું અને સમુદ્ર પ્રમાણે જમીન ઉપર મોજા ઉછળવા લાગ્યા. એ જોતા અધર્મી પ્રજા પોતાના પ્રાણ બચાવવા પર્વત ઉપર ચડવા લાગી અને કેટલાકોએ હ. નુહ (અ)ને સંબોધીને કહ્યું, “હવે આપની વાત માનીશું, અમને બચાવી લ્યો.” પણ હવે મોડું થઈ ગયું હતું, કર્મનો બદલો ભોગવ્યા વગર છુટકો નહોતો.
પાણી ખુબ ઉંચે ચડીને સઘળે ફરી વળ્યું. સઘળે પાણી પાણી જ દેખાતું હતું. જેમાં જમીન પર રહેલા સઘળા માનવીઓ અને પ્રાણીયો ડુબી મુઆ.
ઈતિહાસકારોનું કથન છે કે, પાણી એટલું બધું ચડ્યું કે પર્વતોના શીખરો ઉપરથી પણ તે પંદર ગજ ઉંચે ચડ્યું હતું. એ પાણી ચાલીસ દીવસ પછી ઓસરવા લાગ્યું અને તે ધીમે ધીમે ઓછું થતું ગયું ઈતિહાસકારોનું કહેવું છે કે, હ. નુહ (અ)નું વહાણ એકસો પચાસ દિવસ તરતું રહ્યું. તે પછી “આરારાટ” (જુદી) પર્વત ઉપર લાંગર્યું. એ પર્વત આર્મીનીયાની દક્ષિણે આવેલો છે. તે બાદ એક મહીનો રહીને જમીનનું પાણી સુકાઈ ગયું અને વહાણમાંના લોકોએ હેઠા ઉતરી ખુદાનો પાડ માન્યો.
હ. નુહ (અ) વહાણમાંથી સહીસલામત ઉતરીને પોતાના સહચરો, પક્ષીઓ અને પશુપ્રાણીઓને સાથે લઈને એક પર્વતની તળેટીએ તેમણે ગામ વસાવ્યું અને એ ગામનું નામ “સુકલ સમાનીન” રાખ્યું, એ ગામમાં માનવીઓ સમૃધ્ધ બન્યા.
ઈતિહાસકારોનું કથન છે કે કુફાની હાલની ઈબાદતગાહ પાસે હ. નુહ (અ.)એ પોતાનું વહાણ બાંધ્યું હતું. તેને તૈયાર થતાં બે વર્ષ લાગ્યા હતા અને જળપ્રલયનો આરંભ પણ અહીંથી થયો હતો.
(૨૯) ખુદાતઆલાએ હ. નુહ (અ.) પર વહી કરી ફરમાવ્યું કે “તારી કોમને તેમના પાપ તથા દુરાચાર માટે તેમજ અમારા આશીર્વાદોના ઈન્કાર માટે અમોએ વીનાશ કર્યો છે. હવે હું મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે મારા બંદાઓને બીજીવાર જળ-પ્રલયની શીક્ષા નહી કરીશ. જગતમાં તું ઉજ્જવળ બન્યો છે અને તારા ઉપર મારા આશીર્વાદ છે.”
(૩૦) હ. નુહ (અ)નો જન્મ ઈ.સ. પૂર્વે ૨૯૪૮ માં થયો હતો અને વફાત ઈ.સ. પૂર્વે ૧૯૯૮ માં થઈ હતી. જળપ્રલય ઈ.સ. પૂર્વે ૨૩૪૮ ના થયો હતો. ત્યારે હ. નુહ (અ.)ની ઉંમર ૬૦૦ વર્ષની હતી. તેઓ ૯૫૦ વર્ષ સુધી જીવ્યા હતા. એમના ત્રણ દીકરાઓએ એમના શબને ભુમિદાહ આપ્યો હતો. જબ્બુલ અહમર અર્થાત લેબનાન પર્વતની તળેટીના કર્ક નગરમાં તેમની આરામગાહ આવેલી મનાય છે.
યા અલી મદદ
